લાઇમ લાઇટ - ૩૬ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઇમ લાઇટ - ૩૬

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૩૬

પોલીસ ઇન્સ્પેકટર રાણાવતનો સવાલ સાંભળી કામિનીને હવે તેનાથી ડર લાગવાને બદલે શંકા ઊભી થવા લાગી. શું તે બ્લેકમેલ કરી રહ્યો છે? તેણે પોતે સ્વીકારી લીધું હતું કે પ્રકાશચંદ્રની આત્મહત્યા માટે હવે કોઇ શંકા નથી અને હવે ફરી ફરીને એ જ સવાલ ઉઠાવી રહ્યો છે કે પ્રકાશચંદ્રએ આત્મહત્યા જ કરી હતી? શું તેને પોતાની પાસેથી પૈસાની અપેક્ષા છે? કામિની હવે તેની સાથે સારી રીતે વાત કરવાના મૂડમાં ન હતી. તેના ચહેરાના બદલાઇ રહેલા હાવભાવથી રાણાવત ચમક્યો અને પોતાની વાતને વાળી લેતો હોય એમ બોલ્યો:"મેડમ, મારા કહેવાનો મતલબ એ છે કે જો પ્રકાશચંદ્રની આત્મહત્યા પાછળ કોઇ કારણ કે વ્યક્તિ હોય તો તમે જણાવી શકો છો. આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો લાગે છે. પછી એ કોઇપણ હોય શકે..."

કામિનીને ખ્યાલ આવ્યો કે તેનો ઇશારો પોતાના તરફ પણ છે. પત્નીની દુષ્પ્રેરણા હતી? એવો સવાલ પણ ઊભો થતો હતો. કામિનીએ આખરે પોતાનો ગુસ્સો કાઢવો જ પડ્યો:"સાહેબ, તમારો ઇરાદો શું છે મને અહીં બોલાવવાનો? એ પહેલાં સ્પષ્ટ કરો."

"મેડમ, પ્રકાશચંદ્રની આત્મહત્યાના બધા કાગળીયા થઇ ગયા છે અને તમારી છેલ્લી એક સહી બાકી હતી એ માટે જ તમને બોલાવ્યા છે. આ તો હજુ તમને એમ લાગતું હોય કે આત્મહત્યા હતી કે બીજું કંઇ તો તમે જણાવી શકો છો. અમે તો તમારી સેવામાં જ બેઠા છે. અમારા ડીએસપી સાહેબે પણ કીધું છે કે એમને બરાબર પૂછી લેજો. પછી એમ ન થાય કે પોલીસે તપાસ ના કરી...."

કામિનીને રાણાવતની વાત પરથી ખ્યાલ આવી રહ્યો હતો કે આ કેસમાં ડીએસપી સાહેબ પણ રસ લઇ રહ્યા છે. તેમને પણ કોઇ આશા હશે કે શું? આ લોકો પ્રકાશચંદ્રનો કેસ બંધ કરવાના પૈસા માગી રહ્યા છે. જો હવે એમને પૈસા આપવા જઉં તો તેમની આત્મહત્યા શંકાસ્પદ બની જાય. હું એ છુપાવવા તેમને પૈસા આપી રહી છું એમ થાય. પૈસા આપીને વાત અહીં પૂરી થવાની નથી. રાણાવત ચાલાક છે. તેને થોડી તો શંકા રહી જ છે. પૈસા આપવાથી તેની શંકાને બળ મળી જશે. અને મારી આગળની બધી યોજનાઓ પર પાણી ફરી વળશે. હવે મારે આત્મહત્યા પર મક્કમ જ રહેવું પડશે. કામિની વિચાર કરતી હતી ત્યાં રાણાવતના મોબાઇલની ઘંટડી રણકી. તેણે સ્ક્રીન પર નામ વાંચીને કહ્યું:"ડીએસપી સાહેબનો જ ફોન છે... તમારે કોઇ રજૂઆત હોય તો કહેજો..." કહી તે વાત કરવા ચેમ્બરની બહાર નીકળ્યો.

રાણાવત પાંચ મિનિટ પછી પાછો ફર્યો ત્યારે કામિની બિંદાસ બેઠી હતી. તેના ચહેરા પર હવે કોઇ ડર કે પરેશાની ન હતા. તેણે કહ્યું:"ઇન્સ્પેક્ટર સાહેબ, તમે પણ સાંભળી લો અને તમારા ડીએસપી સાહેબને કહેવું હોય તો પણ કહી દો. મારા પતિએ આર્થિક સમસ્યાથી કંટાળીને જીવનનો અંત લાવી દીધો હતો. બીજું કોઇ કારણ નથી. તમને વિશ્વાસ ના આવતો હોય તો હું બધા પુરાવા કોર્ટમાં જઇને રજૂ કરીશ...."

કામિનીમાં અચાનક આવેલા આત્મવિશ્વાસથી રાણાવતને નવાઇ લાગી. તેનો ઇરાદો પૈસા પડાવવાનો જ હતો. કામિની તેને દાદ આપી રહી ન હતી. ડીએસપી સાહેબની હૂલથી પણ તેના પર કોઇ અસર થઇ ન હતી. તે ગંભીર બની ગયો. ત્યાં ફરી તેના મોબાઇલની રીંગ વાગી. અજાણ્યો નંબર હતો. તેણે વાત કરવાનું ટાળવાનું વિચાર્યું. અત્યારે તે ડ્યુટી પર હતો. કોઇ ઇમરજન્સી આવી હોય તો પાછળથી આવી બને એમ વિચારી તેણે અનિચ્છાએ ફોન ઊપાડ્યો.

"ઇન્સ્પેક્ટર રાણાવત?" કોઇનો ભારે અવાજ સંભળાયો. રાણાવત ખુરશીમાં સરખો થઇ ગયો:"હા..."

"હું સાકીર ખાન, નામ તો સુના હી હોગા?"

"જી,જી,જી... સુપરસ્ટારને કોણ ના ઓળખે? ફરમાવો. મારા લાયક કામ બતાવો..."

"બસ, સામે જે કામિની મેડમ બેઠા છે એમને જલદી છૂટા કરો. કોઇ સન્માનનીય મહિલાને કારણ વગર આટલો સમય બેસાડી રાખવાનું યોગ્ય ના ગણાય. કોઇ સમસ્યા હોય તો ગૃહમંત્રીજીને ભલામણ કરું?"

રાણાવતને સાકીરના શબ્દો બંદૂકમાંથી છૂટતી ગોળીની જેમ વાગી રહ્યા હતા. તે પરસેવે રેબઝેબ થઇ ગયો. "અરે, સાહેબ, હું એમને રવાના જ કરી રહ્યો છું. આ એક સહી થઇ જાય એટલે તેમની કાર્વાહી પૂરી થાય છે...."

"શુક્રિયા ઇન્સ્પેકટરજી!"

સાકીરે ફોન મૂકી દીધો. રાણાવતનો ચહેરો જોવા જેવો હતો. કામિનીને એક તરફ હસવું આવી રહ્યું હતું અને બીજી તરફ દયા. કામિની પર એક નજર નાખી તેણે ત્વરાથી એક ફાઇલ કાઢી અને કામિનીને બોલપેન સાથે એક કાગળ પર સહી કરવા ઇશારો કર્યો. કામિનીએ સહી કરી અને "જાઉં?" એમ પૂછવાની જરૂર ના રહી. સાકીર ખાને એટલા ઠંડા કલેજે એની વાણી હરી લીધી હતી કે તે બાઘો બનીને બેસી રહ્યો હતો.

***

રસીલી સાકીર સાથે તેને ફિલ્મો ઓછી મળી રહી હોવાની વાત કરી રહી હતી ત્યારે સાકીરે તેને ચિંતા કરવાની ના પાડી. પણ રસીલીના મનમાં શંકા ઊભી થઇ ગઇ હતી. તે વિચારી રહી કે નક્કી સાકીર માત્ર અભિનયની દુનિયામાં રોમાન્સનો મહારાજા જ નથી. એ બીજી કોઇ દુનિયાનો પણ રાજા લાગે છે. તેના ચહેરા પર અભિમાન અને દમામ દેખાયા એ કોઇ બીજી જ વાત કરી રહ્યા હતા. રસીલી વધારે કંઇ વિચારે એ પહેલાં તેનો વાઇબ્રેટર પર રાખેલો મોબાઇલ ધ્રૂજતો દેખાયો. તેણે ઊભા થઇને જોયું તો કામિનીનો ફોન હતો. આ સંજોગોમાં તેને કામિની સાથે વાત કરવાનું જરૂરી લાગ્યું. કામિની પોલીસ મથક પર જવાની હતી એનો રસીલીને ખ્યાલ હતો. પોલીસે બોલાવ્યાનો ફોન આવ્યા પછી તે ચિંતામાં હતી. રસીલીએ ફોન ઉપાડ્યો કે તરત જ કામિની બોલી:"સાંભળ, રાણાવત, બહારની બાજુ ગયો છે. હમણા આવશે જ. પણ તેની વાત પરથી લાગે છે કે તેને પ્રકાશચંદ્રના કેસને બંધ કરવાના પૈસા જોઇએ છે. તે આત્મહત્યા વિશે શંકા વ્યકત કરી રહ્યો છે. તું એને સમજાવને. તું આજની હોટ અને સેલેબલ હીરોઇન છે. તારી વાતમાં આવીને મને જલદી છોડી દેશે. સ્ટાર હીરોઇન પર લોકો મરતા હોય છે. તું એને ફોન કરીને કોઇ રીતે ભલામણ કરને.."

"કામિનીબેન, તમે ચિંતા ના કરો. આરામથી બેસો. દસ મિનિટ પછી એ તમને છોડી દેશે..." કહી રસીલીએ ફોન મૂક્યો. તેને પોતાની હોટનેસ આ જગ્યાએ વટાવવાનું યોગ્ય ના લાગ્યું. તેણે સાકીર ખાનને કહ્યું કે પ્રકાશચંદ્રનો કેસ બંધ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર પૈસાની આશા રાખે છે તો તમે કંઇ કહી શકો? સાકીર માટે આ વાત ડાબા હાથના ખેલ જેવી હતી. તેણે રસીલી પાસેથી નંબર લીધો અને કંઇક વિચારીને ડાયલ કર્યો. રસીલીએ જોયું કે થોડાક શબ્દોમાં જ સાકીરે રાણાવતની હવા કાઢી નાખી હતી. અને ગૃહમંત્રીનો ઉલ્લેખ કર્યો એ પરથી તેના મનમાં તાજી જ ઊગેલી શંકાને જાણે ખાતર-પાણી મળ્યા.

સાકીરે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરીને કહ્યું:"કામ થઇ ગયું છે." અને ફરી એક વખત રસીલીને જકડી લીધી. તેના હોઠ પર હોઠ મૂકી દીધા. રસીલીને થયું કે સાકીર તેને જલદી છોડશે નહીં. પણ અચાનક કંઇક યાદ આવતાં તે ફટાફટ તૈયાર થઇને નીકળી ગયો.

સાકીરના ગયા પછી રસીલી નહાઇધોઇને પ્રકાશચંદ્રએ આપેલા ભાડાના ફ્લેટ પર જવા નીકળી. આજે તેણે ફ્લેટને ખાલી કરવાનું નક્કી કરી દીધું હતું. આવતીકાલથી તે સાકીરે આપેલા ફ્લેટમાં રહેવા આવી જવાની હતી. તે ફ્લેટ પર પહોંચીને હજુ થાક ઉતારે ત્યાં ડોરબેલ વાગી. તેને થયું કે કામિની આવી પહોંચી કે શું? પણ એ ફોન કરી શકે એમ છે. આવવાની જરૂર નથી. તો આ કોણ હશે? રસીલીએ ડોર આઇમાંથી જોયું તો કોઇ અજાણ્યો પુરુષ હતો. તેણે અડધો જ દરવાજો ખોલી પૂછ્યું:"કોનું કામ છે?"

"રસીલી મેડમ, તમારું જ કામ છે." આવનાર એકદમ આત્મવિશ્વાસથી અને જાણે ઓળખતો હોય એમ બોલ્યો.

રસીલીએ નવાઇથી પૂછ્યું:"કોણ છો? શું કામ છે?"

તેણે પણ નવાઇથી જવાબ આપ્યો:"અરે! ભૂલી ગયા? બે દિવસ પહેલાં આપણી વાત થઇ હતી. તમે મળવાનો સમય આપ્યો હતો. હું ભોજપુરી ફિલ્મોનો નિર્માતા સુજીતકુમાર છું..."

રસીલીને યાદ આવી ગયું. તેણે એક ભોજપુરી ફિલ્મમાં આઇટમ ગીત કર્યું હતું તેના નિર્માતાએ સુજીતકુમારની વાત કરી હતી. સુજીતકુમાર પહેલી વખત હિન્દી અને ભોજપુરી બંને ભાષામાં ફિલ્મ બનાવવા માગતા હતા. રસીલીને એક સાથે બે ભાષાની ફિલ્મમાં રસ પડ્યો હતો. તેણે સુજીતકુમાર સાથે વાત કરી હતી. અને આજે મળવા માટે પોતાના આ ફ્લેટનું સરનામું પણ આપ્યું હતું. રસીલીએ તરત જ દરવાજો ખોલ્યો અને સુજીતકુમારને આવકાર આપ્યો.

સુજીતકુમારે બેસતાની સાથે કહ્યું:"તમને ખબર જ છે કે પહેલી વખત એકસાથે બે ભાષામાં ફિલ્મ બની રહી છે...."

રસીલીએ પૂછ્યું:"એ તો ઠીક છે. પણ વાર્તા સાંભળવી પડશે...."

"તમે તો જાણો જ છો કે આજકાલ ફિલ્મોમાં વાર્તાનું કોઇ મહત્વ નથી. બધા મસાલા નાખી દઇએ એટલે કામ પૂરું..."

"તો પણ સ્ટોરીલાઇન તો જાણવી પડે ને..."

"એમાં સાચું કહું તો સ્ટોરી જેવું કંઇ છે જ નહીં....તમારી લાઇનની જ ફિલ્મ છે."

"અરે! સંવાદ પણ દમદાર હોવા જોઇએ..."

"માનો ને કે સંવાદ તો તમે જે બોલશો એ..."

"મતલબ..."

"મતલબ આ ફિલ્મમાં બધું વાસ્તવિક જ બતાવીશું. શુટિંગ દરમ્યાન તમારા મોંમાંથી જે સંવાદ નીકળે એ જ રાખીશું. તમને બધી જ છૂટ રહેશે...તમે હા પાડો એ જ મહત્વનું છે."

રસીલીને સુજીતકુમારની વાત સમજાતી ન હતી. તે કયા પ્રકારની ફિલ્મ બનાવવા માગે છે એ સમજાતું ન હતું. તેણે ભોજપુરી ફિલ્મો જોઇ હતી. એટલે થોડો ખ્યાલ હતો. પણ તે સ્પષ્ટતા કરી લેવા માગતી હતી.

"હીરો તરીકે કોનું નામ વિચાર્યું છે?"

"તમે હીરોઇન તરીકે હોય ત્યારે હીરોનું શું મહત્વ છે? તમારા પરથી લોકોની નજર હટવાની નથી. હીરો તો કોઇપણ હોય શું ફેર પડે છે...."

"મને ભોજપુરી ફિલ્મનો અનુભવ નથી. શું કરવાનું છે એ જાણવું પડશે..."

"તને અનુભવ તો ઘણો છે. એની તું ચિંતા ના કરીશ..."

અચાનક સુજીતકુમારના તેવર બદલાયા હતા, તે 'તમે' પરથી 'તું'કારા પર આવી ગયો હતો.

"તમે બરાબર વાત કરી રહ્યા નથી. મને કોઇ રસ પડતો નથી. હું વિચારીને જવાબ આપીશ..."

"તારે વિચારવાની શી જરૂર છે? બધું વિચારીને જ કરતી રહી છે?"

"ઓ મિસ્ટર, જબાન સંભાળીને વાત કરો. હું ક્યારની બોલતી નથી એનો અર્થ એ નથી કે તમે ગમેતેમ બોલો. અને કેવા પ્રકારની ફિલ્મ છે એ તો કહેતા નથી. તમારી મરજી મુજબ મારે કામ કરવાનું નથી."

"આ પોર્ન ફિલ્મ છે. અને તારે કરવી જ પડશે. નહીં કરે તો તારો એ જ ભૂતકાળ મિડિયામાં ઉછાળીશ..."

રસીલી વીજળી પડી હોય એમ ચમકી ગઇ. આ માણસ કોણ છે? તેનો ભૂતકાળ કેવી રીતે જાણે છે? અને પોર્ન ફિલ્મમાં કામ કરવાની ઓફર કરવાની હિંમત જ નહીં એમાં કામ કરવાની જબરદસ્તી પણ કેમ કરી રહ્યો છે? તે મને બદનામ કરવાની ધમકી પણ આપી રહ્યો છે.

રસીલી એમ ગભરાય એવી ન હતી. તે બોલી:"આવી ધમકી અને બ્લેકમેલીંગ કરવા બદલ હું પોલીસને જાણ કરીશ..."

"તું મારા વિરુધ્ધ કંઇ કરી શકશે નહીં. મને ઓળખતી નથી..." કહી સુજીતકુમારે મોબાઇલમાંથી એક ફોટો બતાવ્યો. જેમાં તેની સાથે કોઇને જોઇ રસીલીના હોશકોશ ઊડી ગયા. તેણે સુજીતકુમારને ક્યારેય જોયો ન હતો પણ હવે એ કોણ છે એનો ખ્યાલ આવી રહ્યો હતો. તેણે કલ્પના પણ કરી ન હતી કે તે આ રીતે તેની સામે આવશે અને આવું ખતરનાક રૂપ બતાવશે. હવે તેનો સામનો કરવાનું મુશ્કેલ હતું.

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, આ પ્રકરણમાં સાકીર ખાન માટે રસીલીને શુ શંકા ઊભી થઇ છે? રસીલી સામે આવનાર સુજીતકુમાર અસલમાં કોણ છે? એ તેનો ભૂતકાળ કેવી રીતે જાણે છે? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે એ કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે એક પછી એક ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ વળાંકો લેતી અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ" અને બાળવાર્તાઓ તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***