વન્સ અપોન અ ટાઈમ - 72 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 30

    નિતુ : ૩૦ (યાદ)નિતુને પોતાની પુત્રવધૂ બનાવવા માટે વર્ષાની હા...

  • હમસફર - 24

    થોડાક ટાઇમ પછી એ બધા હોસ્પિટલમાં હોય છેપીયુ હોશ માં આવી જાય...

  • હું અને મારા અહસાસ - 105

    આંખ બંધ કરીને પીવા પર પ્રતિબંધ નથી શા માટે પીવા પર પ્રતિબંધ...

  • શક્તિ પર્વ - નવરાત્રી

    નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. આપણા શાસ્ત્રો અનુસાર આમ તો મ...

  • ખજાનો - 33

    " ઓ માય ગોડ આ રાજા છે કે રાક્ષસ ? આટલો બધો બિહામણો આદમી તો મ...

શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 72

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 72

“મુંબઈમાં ભાજપના નેતા રામદાસ નાઈકની હત્યા પછી દાઉદ ગેંગ પર ભારે તવાઈ આવી એટલે દાઉદના શૂટર્સને મુંબઈ છોડીને ભાગવાનો વારો આવ્યો. દાઉદે પોતાના શૂટર્સને બેંગલોર અને કાઠમંડુમાં આશરો અપાવ્યો. મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી દાઉદ ઈબ્રાહિમે નેપાળની રાજધાની કાઠમંડુમાં પગપેસારો કરવા માંડ્યો હતો. બબલુ શ્રીવાસ્તવ અને છોટા રાજને પણ એક તબક્કે કાઠમંડુમાં ધામા નાખ્યા હતા. ૧૯૯૩થી કાઠમંડુ અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓથી ધમધમવા લાગ્યું. એ વખતે કાઠમંડુમાં એક ખેપાની માણસનું નામ ગાજતું થયું હતું. ઉત્તર પ્રદેશના વતની એવા એ માણસનું નામ મિરઝા દિલશાદ બેગ હતું. દાઉદ ઈબ્રાહીમની નજર એ માણસ પર ઠરી હતી. એ વખતે દાઉદ અને બબલુ શ્રીવાસ્તવ છુટા પડ્યા નહોતા. બબલુને ભારતની પોલીસ શોધી રહી હતી અને એક તબક્કે બબલુને કુખ્યાત તાંત્રિક ચંદ્રાસ્વામીની કે રોમેશ શર્માની છત્રછાયામાં પણ અસલામતી લાગવા માંડી ત્યારે દાઉદે એને થોડો સમય કાઠમંડુમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. એ પછી બબલુ દુબઈ ગયો હતો પણ દાઉદ સાથે દુશ્મની વહોરી લીધા પછી એ દુબઈ છોડીને ફરી વાર કાઠમંડુ ભેગો થઇ ગયો હતો. એ દુબઈ રહેતો હતો ત્યારે પણ એના કાઠમંડુમાં આંટાફેરા ચાલુ હતા અને એ દરમિયાન એણે પોતાનું નેટવર્ક વિકસાવ્યું હતું. એક તબક્કે બબલુએ કાઠમંડુમાં મિર્ઝા દિલશાદ બેગ સાથે પોતાની પ્રેમિકા અર્ચના શર્માનો પરિચય કરાવ્યો હતો પણ અર્ચના શર્મા ઝડપથી મિર્ઝા દિલશાદ બેગની નજીક જવા માંડી એટલે બબલુ ચેતી ગયો હતો. અને એણે મિર્ઝા સાથે મળવાની અર્ચના શર્માને મનાઈ ફરમાવી દીધી. દાઉદ અને બબલુ વચ્ચે દુશ્મની થઈ અને બબલુએ છોટા રાજન સાથે હાથ મિલાવ્યા. એ પછી બબલુ કાઠમંડુ જતો રહ્યો પણ દાઉદના ઇશારાથી મિર્ઝા દિલશાદ બેગે બબલુને કાઠમંડુ છોડવાની ફરજ પાડી. બબલુ શ્રીવાસ્તવને નેપાળની સરકારે દેશનિકાલ કરી દીધો.”

‘આ મિર્ઝા દિલશાદ બેગ પણ પહોંચેલી માયા હતો.’ પપ્પુ ટકલાએ મિર્ઝા દિલશાદ બેગની કરમકુંડળી અમારી સામે મૂકતા કહ્યું, ‘ઉત્તર પ્રદેશનો વતની મિર્ઝા દિલશાદ બેગ ૧૯૮૦ સુધી તો સામાન્ય ટપોરીથી સહેજ ઉપરના સ્ટેજમાં મૂકી શકાય એવો ગુંડો હતો. ઉત્તર પ્રદેશમાં કોઠાકબાડા કરીને એ થોડું ઘણું કમાયો હતો. પણ ઉત્તર પ્રદેશમાં એની સામે પોલીસે કાનૂનનું શસ્ત્ર ઉગામ્યું એટલે એ એંસીના દાયકાની શરૂઆતમાં નેપાળના કપિલવસ્તુ જીલ્લામાં જતો રહ્યો. ત્યાં એણે લાકડાનો ધંધો શરુ કર્યો. એ ધંધાની આડમાં એણે નેપાળમાં પણ ગોરખધંધા શરુ કરી દીધા, મિર્ઝાએ નેપાળ મુસ્લિમ વેલફેર સોસાયટી અને મુસ્લિમ સેવા સમિતિમાં સભ્યપદ મેળવ્યું. મહત્વાકાંક્ષી મિર્ઝા ૧૯૮૫માં નેપાળ કોંગ્રેસમાં જોડાઈ ગયો અને પછી અદ્દ્લ હિન્દી ફિલ્મના વ્હાઈટ કોલર વિલનને છાજે એ રીતે એક સજ્જન રાજકારણીનું મહોરું પહેરીને એણે પોતાના તમામ પ્રકારના ધંધા હિંમતપૂર્વક ચલાવવા માંડ્યા.

નેપાળ કોંગ્રેસે મિર્ઝા દિલશાદ બેગને કપિલવસ્તુ જીલ્લાના એકમમાં ખજાનચી બનાવ્યો. થોડો સમય મિર્ઝાને નેપાળ કોંગ્રેસના જીલ્લા સમિતિના ખજાનચી રહેવામાં મજા પડી. પણ એ પછી ૧૯૯૧માં નેપાળમાં ચૂંટણીઓ યોજાઈ ત્યારે મિર્ઝાએ નેપાળ કોંગ્રેસની ટિકિટ મેળવવા ધમપછાડા કર્યા પણ નેપાળ કોંગ્રેસના નેતાઓ આગળ એની દાળ ગળી નહીં એટલે એ નેપાળ સદભાવના પાર્ટીમાં જોડાઈ ગયો. નેપાળ સદભાવના પાર્ટીએ એને તેરાઈ મત વિસ્તારની ટિકિટ આપી અને મિર્ઝાનું નસીબ જોર કરતુ હતું એટલે એ ચૂંટાઈ પણ ગયો, પરંતુ ૧૯૯૪માં ફરી વાર ચૂંટણીઓ આવી ત્યારે એ પક્ષના નેતાઓએ એને ટિકિટ ન ફાળવતાં મિર્ઝા બીજા એક પક્ષ આરપીપીમાં જોડાઈ ગયો. ફરી વાર એ ચૂંટાઈને સંસદસભ્ય બન્યો. એ વખતે આરપીપીએ નેપાળમાં સરકાર બનાવી પણ આરપીપી સરકાર પૂરતા સંસદસભ્યોના અભાવે ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિ ઊભી થઇ. એ વખતે મિર્ઝા દિલશાદ બેગે દાઉદની મદદથી પૈસા વેરીને કેટલાક સંસદસભ્યોને ખરીદી લીધા અને બદલામાં મિર્ઝાને પ્રધાનપદ મળ્યું. મિર્ઝા પ્રધાન બની ગયો. એ પછી નેપાળમાં દાઉદનો ગઢ વધુ મજબૂત બન્યો. મિર્ઝાએ આઇએસઆઇને માટે પણ નેપાળમાં પ્લેટફોર્મ તૈયાર કરી આપ્યું. મિર્ઝા પ્રધાન બન્યો એ પછી પણ એણે સ્મગલિંગ સહિત જાકુબીના ધંધા ચાલુ રાખ્યા.

નેપાળમાં મિર્ઝા દિલશાદ બેગને કારણે દાઉદ ગેંગનું નેટવર્ક અત્યંત મજબૂત બની ગયું હતું. બીજી બાજુ દાઉદે ભારતના દક્ષિણ રાજ્યોના મોટા શહેરોમાં પગદંડો જમાવવાની કોશિશ કરી હતી. દાઉદે બેંગ્લોર પર નજર માંડી એટલે છોટા રાજનની નજર પણ બેંગ્લોર પર પડી હતી. દાઉદની જેમ છોટા રાજને પણ બેંગ્લોરમાં પગપેસારો શરુ કર્યો. દાઉદ ઈબ્રાહીમ બેંગ્લોરનો ઉપયોગ આશ્રયસ્થાન તરીકે કરવા માગતો હતો. પણ બંને ગેંગના ગુંડાઓની સંખ્યા બેંગ્લોરમાં વધવા માંડી એટલે ત્યાં પણ ગેંગવોર શરુ થઇ ગઈ. આ દરમિયાન દાઉદ ગેંગના શૂટરોએ બેંગ્લોરમાં છોટા રાજન ગેંગના ગુંડા શ્રીધર શર્મા અને તનવીરને ગોળીએ દીધા. છોટા રાજન ગેંગના ગુંડાઓ દાઉદ ગેંગ પર વળતો હુમલો કરવાનો મોકો શોધી રહ્યા હતા. ત્યાં અચાનક એમને એક સારા સમાચાર મળ્યા.

***

‘એય છોકરા, ફટાફટ બરફ લા. અપુન કા ગલા સુખ રહા હૈ.’

બેંગલોરની એક અજાણી જગ્યાએ ફિરોઝ નામના એક યુવાને સોફા ઉપર બેસતાં હુકમ છોડ્યો. છોકરો મૂઢની જેમ એની સામે એવી રીતે ઊભો રહ્યો કે જાણે કશું સમજ્યો જ ન હોય. યુવાનને છોકરા પર દાઝ ચડી. છોકરાની ચામડીનો રંગ જોઇને તેને તંદુરની ભઠ્ઠી પરના કાળા મેંશ તવાની યાદ આવી અને એનો અણગમો વધ્યો. પણ બીજી જ ક્ષણે એને સુઝ્યું કે અહીં આ બેંગ્લોર શહેરમાં આ છોકરો એની બમ્બૈયા હિન્દી ન સમજે એ સ્વાભાવિક હતું. તેણે આંગળી વડે બરફના ચોસલાનો આકાર અને ગ્લાસ દર્શાવી મૂંગા-બહેરાની ભાષામાં છોકરાને સમજાવ્યું અને છોકરો થોડી ક્ષણોમાં ગ્લાસ અને આઈસ બોક્સ સાથે હાજર થઈ ગયો.

યુવાન કંઈ આગળ બોલે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી. એણે ફોનનું રિસીવર ઉપાડ્યું અને કશું જ બોલ્યા વિના કાન પર મૂકી રાખ્યું. સામે છેડેથી વાજ આવ્યો, ‘હલ્લો ફિરોઝ...’ અવાજ જાણીતો હોવાની ખાતરી બાદ ફિરોઝે જવાબ આપ્યો.

સામે છેડેથી કહેવાયું. ‘સબ સલામત હૈ ના ?’

‘આપ કુછ ફિકર મત કરો યહાં પે કોઈ અપુન કો પહેચાનતા નહીં હૈ,’ ફિરોઝે કહ્યું.

‘તુઝે થોડે દિન ઉધર હી રહના હૈ, બમ્બઈ મેં બહુત રાડા ચલ રહા હૈ, કુછ ચાહિયે તો બોલ દે,’ સામેથી કહેવાયું.

‘નહીં અભી તો કુછ નહીં લેકિન...’ ફિરોઝે કહ્યું.

‘હાં, હાં મેરે કો માલૂમ હૈ, બાકી કા માલ પહુંચ જાયેગા. ખુદા હાફીઝ.’ સામે છેડેથી ખાતરી અપાઈ અને ફિરોઝે સ્મિત સાથે ફોનનું રિસીવર ક્રેડલ પર મૂક્યું. એ પછી તેણે ‘ઓલ્ડ મંક’ રમની બોટલમાંથી એક પતિયાલા પેગ બનાવ્યો. એને એમાં બરફના ચાર-પાંચ ચોસલા નાખીને એક ઘૂંટ ભર્યો. એને જીભના છેડાથી માંડીને નાભિ સુધી ગરમી અને બળતરાનો અહેસાસ થયો. પણ ત્યાંથી સીધો કરંટ મગજ સુધી પહોંચ્યો હોય એવું એને લાગ્યું.

‘ક્યાં ડોંગરીનો દેશી દારૂના બારમાં દેશી શરાબ ‘નારંગી’નો ગ્લાસ અને ક્યાં આ ઓલ્ડ મન્ક રમનો ટેસ્ટ!’ ફિરોઝના મનમાં વિચારનો એક તરંગ પસાર થઈ ગયો અને એને પોતાની જાત પર ગર્વ થયો. અઢાર વર્ષની ઉંમરે એ ડોંગરીની અટપટી ગલીઓમાં ચેન ખેંચીને ભાગતો હતો અને પકડાઈ જવાની અણી પર હતો ત્યારે એણે એક માણસને છરી હુલાવી દીધી હતી. તે ગુનાખોરીની શાળામાં એનું પ્રથમ ધોરણ હતું. અને આજે અંડરવર્લ્ડની યુનિવર્સીટીમાં પીએચ.ડી. થઇ ગયો હતો. આવી સાહિત્યિક ઉપમા એને સૂઝી એ વાત પર એ પોતે જ ખુશ થઈ ગયો.

ક્યાં બસો-પાંચસો રૂપિયા માટે હવાતિયાં મારતો ફિરોઝ અને ક્યાં લીલી નોટોથી જેનું ગજવું ફાટફાટ થાય છે એ ફિરોઝ! આ પૈસાની ય સાલી મજા છે. અને તેના માટે કોઈને ઢાળી દેવા પડે તોય શું? એણે વિચાર્યું. એને યાદ આવ્યું કે પહેલી વાર એના હાથે ચેન લુંટવા જતાં ખૂન થઈ ગયું ત્યારે તે પસીનાથી રેબઝેબ થઇ ગયો હતો. પણ સાત ખૂન પછી માણસને અવ્વલ મંઝીલે પહોંચાડી દેવામાં જાણે એણે માસ્ટરી મેળવી દીધી હતી. અ કળામાં તો પારંગત ન થઇ ગયો હોત તો દાઉદભાઈ જેવો દાઉદભાઈ એને થોડો કામ સોંપતો હોત? અને કામ પણ કેવું? મુંબઈ ભાજપના અધ્યક્ષ રામદાસ નાઈકની હત્યા કરવાનું. અત્યાર સુધીમાં કરેલા ‘કામ’માં આ સૌથી મોટું અને મહત્વનું ‘એસાઈનમેન્ટ’ હતું જે તેણે બખૂબી પાર પાડ્યું હતું. જેનું વળતર પણ એને એવું જ મળવાનું હતું. એડવાન્સ પેટે મળેલા રૂપિયા એક લાખ પાંસઠ હજારમાંથી પચાસેક હજાર જેવી રકમ વપરાઈ ગઈ હતી. પણ હજી આઠ લાખ પાંત્રીસ હજાર રૂપિયા આવવાના બાકી હતા. આ રકમનો વિચાર આવતાં જ એના મનમાં રોમાંચની લાગણી જન્મી ગઈ.

તેને થયું જો પોતે આમ જ વિચાર્યા કરશે તો પોતે પાગલ થઇ જશે. વિચારોની દિશા બદલવા તેણે ખાલી થઇ ગયેલા ગ્લાસમાં બીજો લાર્જ પેગ ભર્યો અને પછી ટીપોઈ પર પડેલા રીમોટ કંટ્રોલને હાથમાં લઈને ઓનનું બટન દબાવ્યું. ટીવી સ્ક્રીન પર વિલન રિવોલ્વરમાંથી ગોળી છોડી રહ્યો હતો અને સામે ઉભેલો માણસ ઢગલો થઇ ગયો, ‘વ્હેન યુ હેવ ટુ શૂટ, જ્સ્ટ શૂટ, ડોન્ટ ટોક!’ વિલને ઠંડા કલેજે રિવોલ્વરના નાળચા પર ફૂંક મારીને કહ્યું. એ દ્રશ્ય જોઇને ફિરોઝને મજા આવી ગઈ. એ મજા તે પૂરેપૂરી માણે એ પહેલાં જ ડોરબેલ વાગી. તે કંઈ વિચારે એ પહેલાં જ દરવાજા પાસે ઊભેલા પેલા કાળિયા છોકરાએ દરવાજો ખોલી નાખ્યો, પલકવારમાં પાંચ હટ્ટાકટ્ટા યુવાનો પેલા છોકરાને હડસેલો મારીને ફિરોઝ પાસે ધસી આવ્યા. ફિરોઝના લમણા ઉપર સ્ટેનગનનું નાળચું મૂકીને એક યુવાને ભારેખમ અવાજમાં કહ્યું, ‘તુમ્હારા ખેલ ખતમ હો ગયા ફિરોઝ.’

અને દાઉદ ગૅન્ગનો ડેર ડેવિલ ગણાતો શાર્પ શૂટર ફિરોઝ કોંકણી પગથી માથા સુધી ધ્રુજી ઉઠ્યો!

(ક્રમશ:)