વન્સ અપોન અ ટાઈમ - 73 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 73

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 73

‘સશસ્ત્ર યુવાનોને પોતાની સામે જોઇને દાઉદ ગેંગના શાર્પ શૂટર ફિરોઝ કોંકણીના ગાત્રો શિથિલ થઇ ગયાં. એના લમણા ઉપર રિવોલ્વર ધરીને ઊભા રહી ગયેલા યુવાનો મુંબઈ પોલીસના કમાન્ડો હતા અને ફિરોઝ સમજી ગયો હતો કે ભાગવાની કોશિશ કરવાનો કે પ્રતિકાર કરવાનો કે અર્થ મોતને આમંત્રણ આપવા સમો હતો, ફિરોઝ કોંકણી ચૂપચાપ મુંબઈ પોલીસની ટીમને શરણે થઇ ગયો.

દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલને આ સમાચાર મળ્યા ત્યારે એમને આંચકો લાગ્યો હતો.તો છોટા રાજન અને અરુણ ગવળી ગેંગમાં હરખની લાગણી ફેલાઈ ગઈ હતી. ફિરોઝ કોંકણીની ધરપકડને કારણે દાઉદ ગેંગના બીજા શૂટર્સ પણ ઢીલા પડી ગયા. દાઉદની માઠી દશા બેઠી હોય એમ એની ગેંગના ટોચના ગણાય એવા બીજા ચાર શૂટર સુભાષસિંહ ઠાકુર, બચ્ચીસિંહ પાંડે, કિશોર ગરિકાપટ્ટી અને બાબા ગેબ્રિયલ છોટા રાજન સાથે જતા રહ્યા. સુભાષસિંહ ઠાકુરે મુંબઈની સર જે.જે. હોસ્પિટલમાં ધસી જઈને ગવળી ગેંગના શૂટર શૈલેશ હલદનકર સહિત છ લાશો ઢાળી દીધી પછી અંડરવર્લ્ડમાં તેની ઈજ્જત વધી ગઈ હતી. સુભાષ ઠાકુર સ્ટાર શૂટર ગણાવા માંડ્યો હતો. સુભાષસિંહ ઠાકુરની જેમ બાબા ગેબ્રિયલ, કિશોર ગરિકાપટ્ટી અને બચ્ચીસિંહ પાંડેએ અનેક લાશો ઢાળી દીધી અને સુભાષસિંહ ઠાકુરે પોતાની નાનકડી ગેંગ ઊભી કરી દીધી હતી અને પરિણામે એ વધુ પાવરફુલ બન્યો હતો. જોકે સુભાષસિંહ ઠાકુર દાઉદ ગેંગથી છૂટો પડીને રાજન કેમ્પમાં ગયો એનો હરખ છોટા રાજન બહુ લાંબો સમય માણી શક્યો નહીં. કેમ કે દિલ્હીના એક મર્ડર કેસમાં દિલ્હી પોલીસે એને પકડી પાડ્યો અને સુભાષસિંહ તિહાર જેલમાં ધકેલાઈ ગયો.’

ફાઈવફાઈવફાઈવનો કશ લઈને પૂરક માહિતી આપતાં પપ્પુ ટકલાએ કહ્યું, ‘એ મર્ડર કેસમાં દિલ્હીની ટાડા કોર્ટે સુભાષસિંહ ઠાકુરને જન્મટીપની સજા ફરમાવી અને એને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દેવાયો. ગુજરાતમાં પણ સુભાષસિંહ ઠાકુર સામે અનેક ગુનાઓ નોંધાયા હતા. અને મુંબઈમાં તો એની સામે ૧૯૯૨ના જે.જે. શૂટઆઉટ સહિત અનેક કેસ ઊભા જ હતા. દિલ્હીના મર્ડર કેસ પછી થોડા સ્માય બાસ મુંબઈની સ્પેશિયલ કોર્ટે સુભાષસિંહ ઠાકુરને સર જે.જે. માર્ગ હોસ્પિટલના હત્યાકાંડમાં ગુનેગાર ઠેરવીને જન્મટીપની સજા ફરમાવી હતી. પણ જેલમાં ગયા પછીય પણ બબલુ શ્રીવાસ્તવની જેમ સુભાષસિંહ ઠાકુરની પ્રવૃત્તિઓ ચાલુ રહી હતી. સુભાષસિંહ ઠાકુરની ગેંગ આજે પણ સક્રિય છે. હજુ થોડા સમય અગાઉ જ મુંબઈ પોલીસે સુભાષસિંહ ઠાકુર ગેંગના ગુંડા રફીક ડબાવાલાને એન્કાઉન્ટરમાં ખતમ કરી નાખ્યો હતો. રફીક ડબાવાલા અગાઉ દાઉદ ગેંગ માટે અને પછી સુભાષસિંહ ઠાકુરની માટે કામ કરતો હતો. રફીક ડબાવાલાની અટક ડબાવાલા નહોતી, એ પહેલાં દાઉદ ગેંગના ગુંડાઓને જેલમાં ટિફિન એટલે કે ડબા પહોંચાડવાનું કામ કરતો હતો એટલે એની પાછળ ડબાવાલાનું પૂંછડું જોડાઈ ગયું. જેલમાં ટિફિનની અંદર પૈસા અને ટચુકડા મોબાઈલ ફોનથી માંડી અનેક વસ્તુઓ એ પોતાના સાથીદાર ગુંડાઓને પહોંચાડી આવતો હતો.’

રફીક ડબાવાલાની વાત કહેતા કહેતા પપ્પુ ટકલાએ નાનકડો બ્રેક લઈને બ્લેક લેબલનો નવો પેગ બનાવીને એનો ઘૂંટ ભર્યા પછી ફાઈવફાઈવફાઈવનો કશ ખેંચીને અમારી સામે જોતાં કહ્યું, ‘તમને થશે કે હું તાંતણો ક્યાં સુધી ખેંચી જાઉં છું. પણ અરેબિયન નાઈટ્સની વાર્તાઓની જેમ જ અંડરવર્લ્ડની ઘટનાઓ સાથે બીજી અને બીજીની સાથે ત્રીજી ત્રીજીની સાથે ચોથી ઘટનાઓ એવી રીતે જોડાયેલી હોય છે કે જેવા તેવા માણસનું દિમાગ તો જવાબ ના આપે. તમને કોઈ પત્રકારત્વ વિશે પૂછે તો તો તમે જે સહજતાથી માહિતી આપી શકો એ સહજતાથી હું આ બધું તમને કહી શકું છું કારણ કે વર્ષો સુધી મને ડાયરી લખવાની આદત હતી. દિવસભરની ઘટનાઓ હું ડાયરીમાં ટપકાવતો હતો. અને એ ડાયરીમાં નોંધ ટપકાવવાની આદતની મારે બહુ આકરી કિંમત ચૂકવવી પડી એ પછી મેં ડાયરી લખવાનું છોડી દીધું હતું.’ પપ્પુ ટકલાનો ઈશારો કદાચ એના જુવાનજોધ દીકરાના કમોત તરફ હતો. પપ્પુ ટકલા સાથે મુલાકાત કરાવતાં અગાઉ જ અમારા પોલીસ ઓફિસર મિત્રએ એના વિષે માહિતી આપતી વખતે કહ્યું હતું કે, પપ્પુ ટકલાએ જુવાનજોધ દીકરો ગુમાવી દીધો પછી અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓ છોડીને સામાન્ય જિંદગી જીવવાનું શરુ કર્યું.

અમારા વિચારો આગળ વધે એ પહેલાં જ પપ્પુ ટકલાએ વાતનો દોર સાધી લીધો, ‘ઢગલાબંધ ટીવી ચેનલોના જમાનામાં અરેબિયન નાઈટ્સની જેમ તમે આ સીરીઝ ખેંચવા જાઓ તો તમારા વાચકો પણ અકળાઈ જાય એટલે હું ઘણી વાતો ટૂંકમાં કહું છું. હા, અંડરવર્લ્ડના ઈતિહાસ પર ટીવી સિરિયલ બનાવવી હોય તો તમે ચોક્કસ પાંચસો-સાતસો કે હજાર એપિસોડ્સ સુધી અથવા તો એથી પણ વધુ સમય ટીવી સિરિયલ ચલાવી શકો.’ ટીવી સિરિયલનું નામ મોઢે આવતા પપ્પુ ટક્લાની અંદર છુપાયેલો સ્ક્રિપ્ટ રાઈટર આળસ મરડીને ઊભો થઈ ગયો અને સ્ક્રીપ્ટ રાઈટર બનવાની વાસના સાથે જીવતા પપ્પુ ટકલાએ નવી ફાઈવફાઈવ સળગાવીને, કોઈ અઠંગ સ્ક્રિપ્ટ રાઈટરને છાજે એવી સ્ટાઈલથી, અંડરવર્લ્ડકથાનું નવું પ્રકરણ શરુ કર્યું.

***

‘સોચતા હું, મૈં ભી કાઠમંડુ મેં હી ઘર બસા લું.’

દાઉદ ગેંગનો રીઢો ગુંડો સલીમ કુત્તા મિર્ઝા દિલશાદ બેગને કહી રહ્યો હતો. મુંબઈ, ગુજરાત અને રાજસ્થાન પોલીસ અને સીબીઆઈ જેને ત્રણ વર્ષથી શોધી રહી હતી એ મહમ્મદ સલીમ શેખ ઉર્ફે સલીમ કુત્તા નેપાળના પ્રધાન મિર્ઝા દિલશાદ બેગ સાથે ૧૯૯૫ના જુલાઈના ત્રીજા સપ્તાહના છેલ્લા દિવસે વાત કરી રહ્યો હતો.

‘અરે ભાઈ, આ જાઓ, પૂરા કાઠમંડુ તુમ્હારા હી હૈ, મૈને કબ મના કિયા હૈ?’ મિર્ઝા દિલશાદ બેગે આત્મીયતાથી કહ્યું, મુંબઈમાં સિરયલ બોમ્બ બ્લાસ્ટનું કારસ્તાન પાર પાડતાં અગાઉ મિર્ઝા દિલશાદ બેગનો પરિચય મહમ્મદ સલીમ શેખ સાથે થયો હતો. પહેલાં દાઉદ સાથે અને પછી દાઉદની સમાંતર સ્મગલિંગ નેટવર્ક ચલાવતાં સ્મગલર મહમ્મદ ડોસાએ આ ‘હીરા’ને પારખીને પોતાની સાથે લીધો હતો અને પછી એનો પરિચય દાઉદ સાથે કરાવ્યો હતો. મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ્સ અગાઉ થોડો સમય માટે દાઉદ ઈબ્રાહીમ અને મહમ્મદ ડોસા વચ્ચે અણબનાવ થયો હતો પણ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ્સ કરાવવા માટે દાઉદ અને ડોસા ભેગા થયા હતા અને ત્યારથી પાછી એમની દોસ્તી મજબૂત બની ગઈ હતી. મુંબઈમાં બોમ્બ ધડાકા કરાવવા માટે મિર્ઝા દિલશાદ બેગે પણ ઘણી જહેમત ઉઠાવી હતી. એ વખતે ભારતના જુદા જુદા વિસ્તારોમાં આરડીએક્સ પહોંચાડવાની તથા હથિયારોના કન્સાઇન્મેન્ટ પાર પડવાની જવાબદારી જે અત્યંત વિશ્વાસુ માણસોને સોંપાઈ હતી એમાં મહમ્મદ સલીમ શેખ ઉર્ફે સલીમ કુત્તા પણ હતો. મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી સલીમ કુત્તા મિર્ઝા દિલશાદ બેગની નજીક આવ્યો હતો. એ પછી મિર્ઝા નેપાળનો પ્રધાન બની ગયો એટલે સલીમ કુત્તાની નેપાળની ટૂર વધવા માંડી. બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં વોન્ટેડ જાહેર થયેલા સલીમ કુત્તાએ પોલીસથી બચવા મોટા ભાગનો સમય કાઠમંડુમાં ગાળવા માંડ્યો હતો.

રાજસ્થાનના બિજનોર જીલ્લાનો વતની સલીમ કુત્તા આંખોમાં કરોડપતિ બનવાનું સપનું આંજીને જીવતો હતો. સલીમ કુત્તા અઢાર વર્ષની ઉંમરે રાજસ્થાનથી મુંબઈ પહોંચી ગયો. મુંબઈ આવીને એણે નાના પાયે ‘કામ’શરુ કર્યું. એની પ્રવૃત્તિઓને કારણે અત્યંત ટૂંકા ગાળામાં મહમ્મદ ડોસા સુધી પહોંચી ગયો. મહમ્મદ ડોસાએ એને દાઉદ સાથે મેળાપ કરાવ્યો એ પછી મુંબઈના બિલ્ડરો પાસેથી ધાકધમકીથી પૈસા પડાવાનું કામ એને સોંપાયું અને સલીમ કુત્તાને એ કામ ફાવી ગયું હતું. સલીમ કુત્તાએ મુંબઈમાં આલીશાન ફ્લેટ ખરીદીને પોતાના કુટુંબને મુંબઈ બોલાવી લીધું હતું. બીજી બાજુ એણે પોતાના વતન કલ્હાડીમાં બંગલો બનાવીને ગામલોકો અને સગાવહાલાને આંજી દીધા હતાં, પણ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ્સ પછી સલીમ કુત્તાને મુંબઈ છોડવું પડ્યું અને હવે હવે કલ્હાડીમાં પણ એને સલામતી લગતી નહોતી. એટલે એ મિર્ઝા દિલશાદ બેગ સાથે કાઠમંડુમાં સ્થાયી થવાની વાત કરતો હતો.

‘બોલો કબ સે આ રહે હો હમારે શહર મેં ?’ મિર્ઝા દિલશાદ બેગે સલીમ કુત્તાને પૂછ્યું... ‘બસ ગાંવ મેં સબ સેટ કર લું ઔર કુછ કામ અધૂરે હૈ વો પૂરા કર લૂં. ફિર ચલા આઉંગા. ભાઈ ઔર ચાચા સે ભી બાત કરની હૈ,’ કુત્તાએ જવાબ વાળ્યો. એ દાઉદને ભાઈ અને મહમ્મદ ડોસાને ચાચા સંબોધન કરતો હતો.

‘નેપાલ મેં તુમ્હે જો ભી મદદ ચાહિયે વો તુમ્હે મિલેગી, યે મેરા વાદા હૈ,’ મિર્ઝાએ કહ્યું.

‘આપ સે મુઝે યહી ઉમ્મીદ થી, આપકી વજહ સે હી મૈ વહાઁ આને ક સોચ રહા હું.’ સલીમ કુત્તા થોડો ભાવાવેશમાં આવીને બોલ્યો. થોડી આડીઅવળી વાતો કર્યા પછી એણે મિર્ઝાની રજા લઈને રાજસ્થાન જવા માટે પ્રયાણ કર્યું.

***

કાઠમંડુથી કલ્હાડીનો મુસાફરીનો થાક ઉતારવા સલીમ કુત્તાએ ગરમ પાણીથી સ્નાન કર્યું. પછી એણે એના પાળેલા કૂતરા સાથે થોડો સમય ગાળ્યો. સલીમ કુત્તાને કૂતરા પાળવાનો ગાંડો શોખ હતો અને એ કૂતરાને તાલીમ આપવામાં પણ એક્કો હતો. એટલે એનું નામ મહમ્મદ સલીમ શેખમાંથી સલીમ કુત્તા પડી ગયું હતું. પાંચ ફૂટ છ ઈંચની સરેરાશ ઉંચાઈ ધરાવતો સલીમ કુત્તા મનોમન હસ્યો. મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી સીબીઆઈએ એના પર એક લાખ રુપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પણ એ વાતને અઢી વર્ષ પૂરા થયાં છતાં ચાલાક સલીમ કુત્તા સીબીઆઈના હાથમાં આવ્યો નહોતો. અને હવે થોડા દિવસ પછી એ કાયમ માટે નેપાળ રહેવા જતો રહેવાનો હતો. ત્યાં મિર્ઝા દિલશાદ બેગની છત્રછાયામાં કોઈ એનો વાળ પણ વાંકો કરી શકવાનું નહોતું. સલીમ કુત્તાની નજર સામે કલ્હાડીથી મુંબઈ ગયા પછીના જિંદગીના દ્રશ્યો તરવરવા લાગ્યાં. મહમ્મદ ડોસા અને દાઉદ ઈબ્રાહીમના વિશ્વાસુ બની ગયા પછી એને મુંબઈ ફળ્યું હતું. મુંબઈના બિલ્ડરોને ધાકધમકી આપીને એણે કરોડો રૂપિયા પડાવ્યા હતા. એમાંથી એને પણ તગડો હિસ્સો મળ્યો હતો. એ પછી મહારાષ્ટ્રમાં રાયગઢના દરિયામાં સ્મગલિંગનો માલ આવતો હતો એને સગેવગે કરવાની જવાબદારી પણ મહમ્મદ અને દાઉદે એને સોંપી હતી.

વિચારધારામાં ખોવાયેલા સલીમ કુત્તાના કાને અચાનક કોઈનાં પગલાંનો અવાજ સંભળાયો એના કાન સરવા થયા, પણ એ આગળ કંઈ વિચારી શકે એ પહેલાં એને અનેક સશસ્ત્ર માણસોએ ઘેરી લીધો!

(ક્રમશ:)