Angarpath - 19 books and stories free download online pdf in Gujarati

અંગારપથ - ૧૯

અંગારપથ.

પ્રકરણ-૧૯.

પ્રવીણ પીઠડીયા.

એક જ ધમાકામાં સમસ્ત ગોવા હચમચી ગયું. ગોવાની પોલીસ ફોર્સમાં એકાએક હડકંપ મચી ગયો હતો. અને એ લાજમી પણ હતું. ઘોળે દહાડે કોઇ આવીને પોલીસ ક્વાટર ઉપર હુમલો કરી જાય એ કોઇ સામાન્ય બાબત નહોતી. ગોવા પોલીસની ઈજ્જતનાં સરેઆમ ધજાગરાં ઉડાડતી આ ઘટનાનાં પ્રત્યાઘાતો છેક દિલ્હી સુધી પડયાં હતા અને ત્યાંથી એક ફોન ગોવાનાં મુખ્યમંત્રી ઉપર આવી ચૂકયો હતો. બપોર થતાં સુધીમાં તો આખું ગોવા હાઇ-એલર્ટ ઉપર મૂકાઇ ગયું હતું અને એ બોમ્બ ધમાકાની તપાસ શરૂ થઇ હતી. ન્યૂઝ રિપોર્ટરો અને ચેનલોનાં પ્રતિનિધિઓનો ભારે જમાવડો ઘટના સ્થળે જામ્યો હતો. તેઓ દર વખતની જેમ સરકારી તંત્રની નિષ્ફળતાની દૂહાઇ દેતાં હતા અને વર્તમાન સરકાર ઉપર માંછલાં ધોઇ રહ્યાં હતા.

@@@

“હરામખોર, તારી અક્કલ શું ઘાસ ચરવાં ગઇ હતી? કે પછી આ ગોવાને તું તારાં બાપની જાગીર સમજે છે?” ડગ્લાસનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો હતો. તેની સામે ઉભેલાં સંજય બંડુને તે બેફામ ગાળો ભાંડી રહ્યો હતો. તેનો પારો સાતમાં આસમાને ચડેલો હતો. પરંતુ તે ખુદ જાણતો હતો કે હવે ઘોડા છૂટી ગયાં પછી તબેલાને તાળું મારવાથી કોઇ ફાયદો થવાનો નથી. તેણે જ બંડુને ખૂલ્લી છૂટ આપી હતી અને પેલી ફાઇલ પાછી લાવવાં મોકલ્યો હતો. બંડુને ફાઇલ તો મળી નહી પરંતુ તે મધપૂડાનાં ઝૂમખાને છંછેડતો આવ્યો હતો. તેણે જોશમાં ને જોશમાં પોલીસ ક્વાટર ઉપર ગ્રેનેડથી હુમલો કરી દીધો હતો એ તેની ગંભીર ભૂલ હતી. એક તો તેના જેવો ખૂંખાર આદમી એક મગતરાં જેવા વ્યક્તિનાં હાથે પછડાટ ખાઇને આવ્યો હતો એનો ગુસ્સો ડગ્લાસને ચઢતો હતો અને ઉપરથી ધમાકો કરીને તે વધું મુસીબત ઉભી કરતો આવ્યો હતો. અને એટલું ઓછું હોય એમ ફાઇલ પણ હાથમાં આવી નહોતી. શું કરવું જોઇએ એ તેને સમજાતું નહોતું અને એનું જ ફ્રસ્ટ્રેશન તે બંડુ ઉપર ઠાલવી રહ્યો હતો.

“એક કામ કર, થોડા સમય પૂરતો તું ગાયબ થઇ જા. ક્યાંય કોઇની નજરે ચડતો નહી. ત્યાં સુધી હું આ મામલાને શાંત પાડવાની કોશિશ કરું છું.” ડગ્લાસે બંડુને કહ્યું અને રજા આપી. બંડુ નીચી મૂંડી કરીને બહાર નીકળી ગયો. તે ગયો પછી ડગ્લાસ વિચારે ચડયો. મામલો ખરેખર ગંભીર હતો. તેણે કોઇપણ ભોગે તેનો વિંટો વાળવો જરૂરી બન્યો હતો કારણ કે જો એક વખત આમાં સેન્ટ્રલ એજન્સી તપાસમાં જોતરાઇ તો પછી તેના હાથ પણ ટૂંકા પડવાનાં હતા. તેના કપાળે ચિંતાની લકિરો ઉભરી આવી હતી. તેણે મોબાઇલ હાથમાં લીધો અને સંભાજી ગોવરેકરને ફોન ઘૂમડયો.

@@@

“આખરે કોણ છે આ લોકો? તેમનો મકસદ શું છે?” ચારુંએ તેની સ્વપ્નિલ આંખોને ઝિણી કરીને મગજ ઉપર જોર આપતાં પૂછયું. તે અત્યારે અભિમન્યુનાં સ્યૂટમાં પલંગ ઉપર પલાઠી વાળીને બેઠી હતી. અભિમન્યુ હમણાં જ બાથરૂમમાંથી શાવર લઇને બહાર નીકળ્યો હતો અને બીજા બેડરૂમમાં જઇને કપડા પહેરી ચારુંનાં પલંગ પાસે આવ્યો હતો.

“આ કેવો સવાલ છે? તું સારી રીતે જાણી ગઇ છો કે એ લોકો કોણ છે તો હવે કેમ પૂછે છે!” અભિમન્યુએ આશ્વર્ય ઉછાળ્યું. તેને ચારુંનો પ્રશ્ન સમજાયો નહી. ચારુંએ ઓલરેડી એ ફાઇલ વાંચી જ હતી. ઉપરાંત તેને રંગા ભાઉ અને આલમ કાદરી પાસેથી પણ ઘણી માહિતી મળી હતી તો પછી આ સવાલનો કોઇ મતલબ રહેતો નહોતો. હકીકતમાં તો ચારું ખુદ પોતાનામાં જ અટવાઇ પડી હતી એટલે બધું જાણવાં છતાં તેનું દિમાગ બરાબર વિચારી શકતું નહોતું. તેને પોતાના ક્વાટર ઉપર થયેલાં હુમલાનો જબરદસ્ત ધક્કો લાગ્યો હતો. તે ધરબાઇ ગઇ હતી. અત્યાર સુધીની પોલીસ ડ્યૂટીમાં ક્યારેય તેણે આવાં વિકટ સંજોગોનો સામનો કર્યો જ નહોતો. અરે એક ગોળી સુધ્ધા તેણે ચલાવવાની નોબત આવી નહોતી અને સીધાં જ યુધ્ધનાં મેદાન જેવી ધમાચકડી મચી જાય પછી તો તેનું ડરવું સ્વાભાવિક હતું જ. તે જાણતી હતી કે જો અભિમન્યુ ત્યાં એકાએક આવી ચડયો ન હોત તો તેનું મોત નિશ્ચિત હતું. અભિમન્યુંએ તેને બચાવી લીધી હતી અને ભારે બહાદૂરીથી એ લોકોનો સામનો કરીને તેમને ત્યાંથી ભગાડી મૂકયાં હતા. તે પ્રસંશાભરી નજરે અભિમન્યુને જોઇ રહી. પરંતુ તેના દિમાગમાં ઉઠેલાં પ્રશ્નોનાં જવાબ તેને સમજાતાં નહોતો.

સામે ઉભેલો અભિમન્યુ પણ વિચારમાં પડયો હતો. આ ઘટનાને તે પોતાની બહેન રક્ષા ઉપર થયેલાં હુમલા સાથે જોડવાની કોશિશમાં પરોવાયો હતો. આખરે ફાઇલની વિગતો અને રક્ષાનો શું સંબંધ હોઇ શકે? અને… ’જૂલી’ નામનાં શબ્દનો કોયડો પણ હજું સુધી ઉકલ્યો નહોતો. તે ચારુંની બાજુમાં બેઠો. હળવે રહીને તેણે પેલી ફાઇલ હાથમાં લીધી અને તેના પન્ના ઉથલાવવાં લાગ્યો. ફાઇલનાં પન્નાઓ ઉપર લખેલી વિગતો તેનું દિલ ધડકાવતી હતી. તેમાથી જે સત્ય ઉભરીને સામે આવતું હતું એ ભયાનક હતું. નાના-નાના કૂમળાં બાળકોનાં અંગોનો વ્યાપાર થઇ રહ્યો હતો. મોભાદાર, પૈસાદાર, ઉંચી પહોંચવાળી વ્યક્તિઓનાં શરીરમાં તેમના અંગો ફીટ કરવામાં આવતાં હતા એ મતલબની વિગતો એ ફાઇલમાં હતી. એક વ્યક્તિની સાથે એક નાના બાળકનો ફોટો જોડેલો હતો. મતલબ કે એ વ્યક્તિનાં શરીરમાં તે બાળકનાં અંગો મેચ થતાં હશે અને ઓપરેશન દ્વારાં તેને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતાં હશે. થડકી ઉઠયો અભિમન્યુ. તેને સમજાયું કે અસલી દુશ્મનો તો દેશની અંદર જ છે. સરહદ ઉપર લડતાં દુશ્મનો કરતાં આ લોકો ક્યાંય વધું ભયાનક હતા કારણ કે સરહદ ઉપર તો તમને ખબર હોય છે કે તમારો સામનો કોની સાથે થઇ રહ્યો છે અને તમારો દુશ્મન કોણ છે. જ્યારે આ લોકો તો તમારી આસપાસ રહીને જ તમને ખબર પણ ન પડે એ રીતે સામનો કરવાનો મોકો આપ્યાં વગર તમને ખતમ કરી નાંખે છે.

તે એક પછી એક પાનું ફેરવતો ગયો એમ તેના દિમાગમાં ક્રોધનો જ્વાળામૂખી ફાટતો હતો. ’ગોલ્ડનબાર’ રોબર્ટ ડગ્લાસનો હતો. ઉપરાંત તેની ઓફિસમાંથી જ આ ફાઇલ હાથ લાગી હતી, મતલબ સાફ હતો કે આ ષડયંત્ર પાછળનું મૂખ્ય ભેજું તેનું જ હતું. તેને કોઇપણ ભોગે નશ્યત કરવો જરૂરી હતો જેથી ભવિષ્યમાં અન્ય કોઇ રક્ષા ઉપર હુમલો ન થાય, અન્ય કોઇ માસૂમ બાળકનાં જીવન સાથે આટલી ભયાનક રમત ન રમાય. તે એકાએક પાના નંબર છ ઉપર આવીને અટકયો હતો. છ નંબર ઉપર જે વ્યક્તિનો ફોટો હતો એ સૌથી વધારે અગત્યનો હતો. ફોટામાં દેખાતો વ્યક્તિ પણ જો આ ષડયંત્રનો એક હિસ્સો હોય તો પછી ગોવાનો ભગવાન જ માલિક ગણાય. તેણે ફોટો ધ્યાનથી નીરખ્યો.

એ ગોવાનાં ડેપ્યૂટી ચિફ મિનિસ્ટર દુર્જન રાયસંગાનો ફોટો હતો. તેણે અને ચારુંએ આ વ્યક્તિને ઘણી વખત નેશનલ ટેલીવીઝન ઉપર ભાષણ આપતો સાંભળ્યો હતો. ખરેખર હકીકત તો એવી હતી કે ગોવાનાં મૂખ્યમંત્રીને પણ દુર્જન રાયસંગા કહે એમ કરવું પડતું હતું. તેમનો પ્રભાવ અને પહોંચ એટલી દૂર સુધી ફેલાયેલી હતી કે કોઇ તેમનું કહ્યું અવગણી શકતું નહી. એ વ્યક્તિનો ફોટો આ ફાઇલમાં હોવો એ ઘણાં સૂચિતાર્થો તરફ ઈશારો કરતો હતો. અભિમન્યુ લાંબા સમય સુધી ફાઇલનો અભ્યાસ કરતો રહ્યો. એ દરમ્યાન ચારું એકદમ તેની નજીક આવીને બેઠી હતી અને એ પણ ફાઇલમાં જોઇ રહી હતી.

“હું હજુંય કહું છું કે આપણે કમિશનર સાહેબને મળીએ. એક વખત તેમને આ ફાઇલ બતાવવામાં વાંધો શું છે? મને વિશ્વાસ છે કે ચોક્કસ તેઓ આપણી મદદ કરશે જ.” ચારું બોલી ઉઠી અને તેણે અભિમન્યુનાં રુક્ષ ચહેરા સામું જોયું. તે તેની એટલી નજદિક બેઠી હતી કે તેનો ચહેરો અભિમન્યુનાં ચહેરાની એકદમ નજીક આવી ગયો હતો. તેના શ્વાસોશ્વાસ અભીમન્યુનાં ચહેરા ઉપર અથડાતાં હતા. તેને અભિમન્યુ પ્રત્યે લાગણી જન્મી હતી. માત્ર એક જ દિવસનો સહવાસ હોવા છતાં તે તેની તરફ આપમેળે જ ખેંચાતી જતી હતી. અભિમન્યુ પણ થોડીવાર માટે ચારુંની આંખોમાં છવાયેલાં ભાવો જોઇને સ્થિર થઇ ગયો હતો. આ અહેસાસ તેના માટે નવો હતો. હંમેશા બંદૂકો અને ગોળીઓ વિશે જ વિચારતું તેનું મગજ આજે કોઇ અનન્ય અહેસાસનો સામનો કરી રહ્યું હતું. તે ગૂંચવાઇ ઉઠયો. તેણે તુરંત ચારુંનાં ચહેરા ઉપરથી પોતાની નજરો હટાવી લીધી અને એકાએક જ ઉભો થઇ ગયો. તે સતર્ક બન્યો.

“એક ટ્રાઇ કરી જો. પણ મને નથી લાગતું કે તેઓ તને કોઇ મદદ કરશે. જ્યાં રાજ્યનો ડેપ્યૂટી પ્રધાન ખૂદ આ મામલામાં સંડોવાયેલો હોય ત્યાં તેના હાથ હેઠળ આવતો પોલીસ કમિશનર શું કરી શકશે? છતાં તને એ કરવામાં હું રોકીશ નહી. પણ…” અભિમન્યુ અટકયો અને તેણે ચારુંનાં ચહેરા સામું જોયું. “હું નથી ઈચ્છતો કે તારી હાલત પણ મારી બહેન જેવી થાય. આ કેટલાં ખતરનાક લોકો છે એ તો તે જોઇ જ લીધું છે. મારું માન તો હવે આ મામલાને મને મારી રીતે નીપટાવવાં દે.”

ચારું વિચારમાં પડી. અભિમન્યુ આ પહેલા પણ કમિશનર પાસે જવાની નાં પાડી ચૂકયો હતો. આખરે તેણે તેની વાત માનવાનું નક્કી કર્યું. અભિમન્યુ બહાદૂર તો હતો જ પરંતુ સાથોસાથ તેનું દિમાગ પણ યોગ્ય દિશામાં વિચારી શકતું હતું એટલે તેની ઉપર તે આંખો બંધ કરીને ભરોસો કરી શકે તેમ હતી. એકાએક તેના ચહેરા ઉપર હળવી મુસ્કાન ઉભરી.

“મને ભૂખ લાગી છે.” તેણે દયામણું મોઢું કરીને હોઠ બહાર કાઢયાં. અભિમન્યુ તેની એ ચેષ્ઠા જોઇને હસી પડયો અને રુમનાં એક કોર્નર પર પડેલા ટેલિફોન તરફ ચાલ્યો.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલી વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? પ્રવીણ પીઠડીયાની કલમે લખાયેલી જબરજસ્ત સસ્પન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED