Premchakra books and stories free download online pdf in Gujarati

પ્રેમચક્ર


'બસ, હવે તું મયંક વિશે વિચારવાનું છોડી દે!' વિશાલે થોડી કઠોરતાથી કહ્યું. સામે છેડેથી કઈં જવાબ ન મળ્યો. વિશાલે બહુ ક્ષણો રાહ જોઈ, છેવટે એનાથી ન રહેવાયું ને પાછું પૂછ્યું - 'તો, તું જ બોલ કે તારે શું કરવું છે? આમને આમ ક્યાં સુધી ચાલશે?' બીજી જ ક્ષણે સામેથી ફોન કટ થઈ ગયો... 'કદાચ મારે અવનીને હજુ થોડી ધીરજથી સમજાવવાની જરૂર હતી. હા, પણ હવે આ પ્રોબ્લેમ નું હું શું કરું? એ સમજવાનું નામ નહીં લે ને ઉપરથી ફાઇનલ એક્ઝામનું ટેન્શન! હું બધે કેમ પહોંચી વળીશ..' આવા અમુક શબ્દો અવનીના દરેક કોલ પછી વિશાલ મનમાં જ બબડતો. મગજ ઠંડું પડતાં પાછું - 'ટેક કેઅર ડિયર. આઈ એમ ઓલ્વેઝ ધેર ફોર યુ...' વગેરે સાંત્વના આપતા શબ્દો એ વોટ્સએપમાં ટાઈપ કરીને એના વંચાવાની રાહ જોતો. બહુ મોડી રાતે ક્યારેક એ મેસેજ વંચાતો. અવની વાંચીને મોટા ભાગે એનો રીપ્લાય ન આપતી પણ ક્યારેક ' આઈ વીલ. ગુડ નાઈટ.' એમ ટૂંકો જવાબ આપી વધારે વાત કરવાનું ટાળતી. વળી પાછું થોડા દિવસે અવનીનો કોલ આવતો કે વિશાલ કોલ કરતો ત્યારે વળી એજ વાતો ચાલુ રહેતી.આખી વાતનું મેટર એક જ રહેતું છતાં વિશાલ બહુ ગંભીરતાથી અવનીની વાતો સાંભળતો. છેવટે એક સમજુ વ્યક્તિની જેમ અવનીને સલાહ આપતો. જોકે, કોલ પર અવની વિશાલની દરેક વાતોને સમજી ગઈ છે; એમ હકારમાં સમર્થન આપતી. પાછું થોડે દિવસે 'જૈસે થે વૈસે' બની જતું!
વિશાલને આ વખતે જોકે અવની પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. એણે નક્કી કર્યું કે હવે ગમે એ થાય અવનીને કોલ કે મેસેજ નહીં કરે ને એનો કોલ પણ એટેન્ડ નહીં કરે! ઘડીભરતો પોતાના આ નિર્ણય પર વિશાલ અચળ રહ્યો પરંતુ આ તો ઢીલું પોચું હૃદય, પીગળતા ક્યાં વાર લાગે! એણે અવનીને વોટ્સએપ પર મેસેજ કર્યો - અવની તું બરોબર છે ને? હવે સુઈ જા, આપણે કાલે આના વિશે વાત કરીશું.એને થોડી વાર રાહ જોઈ પણ એ મેસેજ નો ન તો પ્રત્યુત્તર આવ્યો કે ન એ વંચાયો. કદાચ અવની સુઈ ગઈ હશે એ વિચારથી વિશાલને રાહત મળી. બીજે દિવસે રવિવાર હોવા છતાં વિશાલે 7 વાગ્યાનું એલાર્મ મૂક્યું ને એ સુઈ ગયો!
સવારે એલાર્મ વાગતાં જ વિશાલ જાગી ગયો. જાગતાંની સાથે જ બાથરૂમમાં દોડી ગયેલાં વિશાલને આજે થોડી ઉતાવળ હતી, પરંતુ શાવરમાંથી પાણીની સેર જેમ માથા પર પડીને નીચે વહેતી ગયી એમ બે-અઢી વર્ષ પાછળ ભૂતકાળમાં એ ચાલ્યો ગયો- એને કોલેજના શરૂઆતના દિવસો યાદ આવવા માંડયા. કોલેજમાં એમનું 8 જણનું ગ્રુપ બન્યું હતું. બધેજ એકસાથે જોવા મળતાં આ ગ્રુપમાં અવની સિવાય ત્રણ છોકરીઓ શ્રેયા, અનન્યા તથા ભૂમિ હતા. છોકરાઓમાં મયંક, અજય, વિશાલ અને નિરવ હતાં. ભૂમિ, અનન્યા, અજય તથા મયંક એકજ શાળામાંથી અભ્યાસ કરીને આવ્યા હતાં. અવની, શ્રેયા, વિશાલ તથા નિરવનું ગ્રુપ પણ બહુ જૂનું હતું.
શરૂઆતમાં થોડાં ટકરાવો થયા પછી બને ગ્રુપ એકબીજામાં સરળતાથી ભળી ગયા હતા. વિશાલને મન ક્લાસની બાકી છોકરીઓમાં રસ ન હતો. જોકે, ભૂમિની વાત જુદી હતી! શ્રીમંત પિતાની એ દીકરી દેખાવમાં ગ્રુપની તો ઠીક પણ આખી કોલેજની બધી છોકરીઓને ટપી જાય તેમ હતી.જ્યાં રૂપ હોય ત્યાં અભિમાન હોય જ એ ન્યાયે ભૂમિને ખુદ પર ગુમાન હતું. ખુદની પહોંચથી એ ઘણી બહાર છે એમ માનીને વિશાલે જોકે કોઈ આશા પણ સેવી નહોતી! આમ, છતાંય ક્યારેક ગ્રુપમાં વાતચીત દરમિયાન ભૂમિ સાથે એને વાત કરવાનો મોક્કો મળે તો એ ચૂકતો ન હતો- નાહતાં નાહતાં ઘણો સમય ચાલ્યો ગયો એટલે વિશાલની મમ્મીએ એને રસોડામાંથી ચા તૈયાર હોવાની બૂમ પાડી. વિશાલ નાહીને ઝડપથી ચા-નાસ્તો કરી બાઇક લઈને બહાર નીકળ્યો. એણે મયંકને મળવા માટે બોલાવવા કોલ કર્યો. પોતાને કામથી બહાર જવાનું હોવાથી મયંકે થોડી આનાકાની કરી, પણ બહુ જ મહત્વનું કામ છે એવું સમજાવતાં મયંક માન્યો ને નવજીવન બાગમાં મળવાની વાત કરી. મયંકે હા પાડતાં જ વિશાલ ઝડપથી બાઇક લઈ ત્યાં પહોંચી ગયો.
બાગમાં રહેલ બેન્ચ પર બેસતાં જ ફરી ભૂતકાળના એ ચિત્રણો કોઈ સ્લાઈડ-શોની જેમ વિશાલની નજર સમક્ષ તરવરવાં માંડ્યા- પહેલા વર્ષના અંત સુધી ગ્રુપમાં જ ઘણી નવા-જૂની થઈ ગઈ હતી. કોલેજની ટ્રીપ દરમિયાન અનન્યાને, નિરવે પ્રપોઝ કર્યો હતો. અનન્યાએ ખૂબ ખુશ થઈને બીજીજ ક્ષણે હા પાડી દીધી હતી! ભૂમિનું પણ એવુંજ કંઈક હતું. અજયે એને મેળવવના બહુ પ્રયાસો કર્યાને છેવટે ભૂમિ માની ગઈ.જોકે, તેઓ બનેને જોઈ એમજ લાગતું કે અજય તથા ભૂમિનો એ સંબંધ ગમે ત્યારે તૂટી શકે છે. આ બધામાં જો પ્રેમની નગરીમાં અત્યારસુધી ડગ ન માંડ્યો હોય એવું કહેવું હોય તો ફક્ત મયંકનું નામ લઈ શકાય! ઉચ્ચ-મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા મયંકના સપનાં આકાશને આંબી જાય એવાં હતાં. એણે કોલેજ બાદ એન.ડી.એ.ની પરીક્ષા પાસ કરી ઇન્ડિયન આર્મીમાં જોડાવાની ઈચ્છા હતી. ગણિત જેવા વિષયોમાં બહુ હોશિયાર એવા મયંકનો નિયમિત કસરત વગેરેને કારણે શારીરિક બાંધો પણ ખડતલ હતો. શરૂઆતમાં જ્યારે આખી કોલેજના બધાં છોકરાઓ ભૂમિ પાછળ ગાંડા બન્યા હતાને ભૂમિએ કોઈને ભાવ આપ્યો ન હતો ત્યારે બધાને એમ થયું હતું કે બચપણનાં બે મિત્ર ભૂમિ તથા મયંક વચ્ચે જરૂર કંઈક હશે. જોકે, ભૂમિએ આ વાતને હસી કાઢતા કહ્યું હતું કે- 'મેં ઘણાં પ્રયત્નો કરી લીધા પણ મારું કઈં વળ્યું નહિ.' મયંકના ઊંચા ઊંચા સપનાઓની વાતો પણ ભૂમિએ જ બધાને કરી હતી. આ બાજુ શ્રેયા તથા અવની પણ એકદમ સીધી-સાદી કહી શકાય એવી છોકરીઓ હતી.બને એકબીજાની બેસ્ટ-ફ્રેન્ડ હતી. ભણવામાં, બીજી પ્રવૃતિઓમાં પણ બને લગભગ સમકક્ષ હતી, બને વચ્ચે સંપ એટલોકે જોનારા બધા એને એ સગી બહેનો જ માની લેતા!
જેમ સમય પસાર થાય તેમ અમુક સંબંધોના તાણાવાણા થોડાં ગૂંચવાતા જાય છે. ક્યારેક કોઈક સંબંધ કોઈ નવી મઝલ તરફ પ્રયાણ કરે છે તો ક્યારેક જુના સંબંધોમાં ઓટ આવી જાય છે. ધીરે ધીરે અવનીનું કુતૂહલ મયંક ભણી વધવા લાગ્યું હતું.એની મહત્વાકાંક્ષાભરી વાતો, નિખાલસતા તથા દ્રઢતા એને ગમવા માંડ્યા હતાં. કદાચ જ્યારે ભૂમિએ મયંકના ગુણ-ગાન ગાયાં ત્યારથી જ એને મયંક પ્રત્યે કુતુહલ થઈ આવ્યું હતું! શરૂઆતમાં તો એણે નિયંત્રણ જાળવ્યું પણ ધીમે ધીમે એ આકર્ષણ વધવા લાગ્યું. એણે મયંકના બર્થડેના દિવસે એના માટે હાથે તૈયાર કરેલ એક ગુલદસ્તો તથા કાર્ડ મોકલ્યા હતાં. જયારે મયંકની બાઈકનું એક્સિડન્ટ થયું ત્યારે ભૂમિથી પણ પહેલાં જઈને એના ખબર-અંતર પૂછ્યા હતા! મયંકને કદાચ કૌતુક થયું હશે પણ એણે કદાચ નોંધ નહીં લીધી હોય અથવા એને પણ એ ગમ્યું હશે. શ્રેયાને પણ આ વાતની જાણ થતાં વિશાલને મેસેજમાં વાત કરી. વિશાલને વાત વધી ગઈ હોવાનો અંદેશો ત્યારે આવ્યો જયારે શ્રેયાએ અવની સાથે પહેલાં જેવા પોતાના સંબંધો ન રહ્યા હોવાની વાત કરી! બે બહેનો જેવી સહેલીઓ જ્યારે અચાનક વાત કરવાનું બંધ કરી દે ત્યારે બંનેમાંથી કોઈ એકના જીવનમાં જબરદસ્ત પલટો આવ્યો હશે એ વિશાલ અમસ્તા જાણી ગયો. શ્રેયાની વાતો પરથી એણે અવની તથા મયંકના સંબંધો વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ આવી.
ધીરે ધીરે કોલેજના કામના બહાને વિશાલે અવની સાથે વાતો કરવાની ચાલુ કરી.અવનીને પણ પોતાના મયંક માટેનાં અંતરભાવ કહેવામાં થોડો સંકોચ થતો. એકવાર હિંમત કરીને વિશાલે અવનીને મયંક વિશે પૂછી લીધું. થોડો-ઘણો વિશ્વાસ બેસતાં અવનીએ પોતાનું આખું મન ખોલીને વિશાલ સમક્ષ ધરી દીધું. જયારે અવનીએ પોતાની ડાયરીમાં મયંક માટે લખેલી વાતોનો એક ફોટો પાડીને મુક્યો ત્યારે એણે પોતાની નજર પર વિશ્વાસ ન રહ્યો! અવની મયંકના પ્રેમમાં ગળાડૂબ થઈ ગઈ છે એ વાતનું એણે શરૂઆતની લાઈનો વાંચતા જ ખબર પડી ગઈ. અવનીએ પોતાના આ સિક્રેટની વાત કોઈને ન કરવા માટે વિશાલને વચન આપ્યું. વિશાલે હા પાડી. એટલે આ વાતોનો પછી દોર બહુ લાંબો ચાલ્યો. વાતોવાતોમાં જ અવની પોતાના બાળપણ, પોતાના ઘર-પરિવાર વગેરેની વાતો પણ સહજભાવે કરતી. બંને જુના મિત્રો હોવા છતાં બહુ બધી વાતો વિશાલને ખબર ન હતી. વળી, શ્રેયા સાથે દોસ્તી ઓછી થઈ જતાં અવની પણ પોતાનાં મનમાં મયંક માટે આવતા બધા વિચારોનો ખબર-એ-હાલ વિશાલને સંભળાવતી.
મનુષ્ય જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે એની આંખોમાં રહેલી ચમક હજારોગણી વધી જાય છે એ અવનીના દરેક પ્રોફાઈલ- ફોટો જોઈને વિશાલને થતું. બંનેની વાતોમાં આખો દિવસ મયંકની જ વાત થતી. હવે અવનીએ પોતાની હેર-સ્ટાઇલ બદલી દીધી હતી! શ્રેયા વગર એક ડગલું પણ ન ભરનાર અવની હવે દરરોજ સાંજે સાજ-શણગાર કરી મયંકના ઘરની બાજુમાં જ રહેલી શાક-માર્કેટમાં ચક્કર લગાવતી. વાતચિત દરમિયાન મયંકની સામે એના વખાણ કરવા, એની નજીવી વાતો પર હસવું તેમજ એની આજુબાજુ જ રહેવાના પ્રયાસો કરવા; આ બધા અચાનક ઉભરી આવેલાં લક્ષણોની બધા નોંધ લઈ રહ્યા હતા. પ્રેમના આવેશમાં જ એણે એકવાર પોતાના દિલની વાત મયંકને કહી દેવાનું નક્કી કર્યું! એણે વિશાલને આ વાત કહી સંભળાવી. વિશાલે ઈર્ષ્યામાં જ કદાચ આવું કરવાની ના પાડી દીધી.જોકે અવની માની નહીંને એણે એક રાત્રે કોલ કરીને મયંકને બધું જણાવી દીધું. આ સાથે જ એની બધી જ લાગણીઓ કડાકાભેર તૂટીને જમીન પર વિખેરાઈ ગયી.
મયંકે શાંતિથી અવનીના પ્રેમનો અસ્વીકાર કર્યો. 'હું અત્યારે આ બધું ન વિચારી શકું અવની! મારા સપનાં મને આ ઉંમરે કયાંય બંધાઈ જવાની પરવાનગી નહીં આપે' આટલું સાંભળતાં જ અવની જાણે પોતાની ધરા પર પરિભ્રમણ કરતી બંધ થઈ ગઈ. એના સૂર્ય-રૂપી મયંકે એણે અજવાસ તો શું એક દિવામાત્ર જેટલી રોશની આપવાની પણ મનાઈ કરી! અવનીએ રડતા રડતા આખી વાત વિશાલને કહી સંભળાવી.વિશાલે પહેલાં તો હમદર્દી બતાવી, પણ એને મનમાં જ આ વાતથી બહુ મજા પડી ગઈ. આટલા દિવસો અવનીની વાતો સાંભળીને એ મનમાં જ અવનીને પ્રેમ કરી બેઠો હતો! અવનીના આંતરમનની વાતો સાંભળતાં સાંભળતાં એ પોતાને મયંકના સ્થાને કલ્પતો. પોતાની અને અવનીની શ્રેષ્ઠ જોડી બનશે એવું એણે લાગતું. અવનીએ મયંક સાથે વાતો કરવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પણ હવે મયંકે એને ટાળવાનું નક્કી કરી લીધું હતું. એટલે જ અવનીએ કહ્યું હોવાથી આજના દિવસે આખરી વાર વિશાલે મયંકને પૂછવા/મળવાનું ઔપચારિકતા ખાતર જ નક્કી કર્યું હતું. આ બધી વાતો વિશે શ્રેયાને એ બધું જણાવતો કેમકે શ્રેયાને અવનીની ખરી ચિંતા રહેતી.શ્રેયાએ કહીં કેટલીય વાર વિશાલને, અવનીનું ધ્યાન રાખવાની સલાહ આપેલી.
વિશાલના આ બધા વિચારો ચાલી રહ્યા હતા ને એ દરમિયાન જ બહુ મોડેકથી મયંક બાગમાં પ્રવેશ્યો. વિશાલ કઈં બોલે એ પહેલાં જ મયંકે ફરીથી એ જ જાપનું રટણ કર્યું. કંઈ બોલ્યા વગર મનમાં મલકાતો વિશાલ ત્યાંથી ચાલી નીકળ્યો. કોલ કરીને અવનીને હવે મયંક માટે આગળ કોઈ આશા ન રાખવા કહ્યું! મયંક સાથે એણે કોઈ વ્યક્તિગત દુશ્મની નહોતી પણ હવે એ ન રહેવાથી એના માર્ગનો કાંટો દૂર થયો એવું એણે લાગ્યું. અવની જે પ્રેમમાં પાગલપણાંની હદો વિશે કહેતી એનાથી તો કઈં કેટલાય ગણો પ્રેમ વિશાલ અવનીને કરી રહ્યો હતો. પ્રેમની ઊંચાઈ, એનું ઊંડાણ તથા એની તાકાતનો પરિચય વિશાલને મળી ગયો હતો!
એ જ સાંજે એને પોતાના પ્રેમનો એકરાર અવની સમક્ષ કર્યો! અવની આ વાત સાંભળતાજ અકળાઈ ઉઠી. - 'તું એમ સમજે છે કે આ નહીં તો પેલો; હું એવી છોકરી છું? ભલે મયંક મને પ્રેમ ન કરે પણ હું તો કરું છું ને! મારું મન ન માને ત્યાં સુધી હું એને જ પ્રેમ કરીશ. ભલે તું એને 'એક્તરફા' કહે કે ગમે એ. મને એમ લાગે છે કે તારા કારણે જ આ બધું થયું છે! આજ પછી મને કયારેય કોલ કે મેસેજ ના કરજે. મને ખબર હોત તું આવું ઈચ્છશ તો હું તને ક્યારેય કઈં ન કહેત. યુ ચિટર....!' ગુસ્સામાં, દર્દમાં ને વેદનામાં અવની ન બોલવાનું બોલી ગયી! વિશાલે વળતાં કંઈ જવાબ ન આપ્યો. ફોન મૂકતાં જ એની આંખમાંથી ગરમ ગરમ આંસુની લહેર ચાલી. એણે અવની માટે જોયેલાં બધાં સપનાંઓ ચંદ સેકન્ડોમાં તૂટી પડ્યા. એના દિલ પર કંઈક અજબ જ ભારણ અનુભવાતું હતું. શું એણે પ્રેમ કરીને કોઈ ભૂલ કરી છે એ વિચારતાં વિચારતાં જ રાત પડી ગઈ! એણે જમવાની જરૂર ન જણાઈ. થોડા કલાકોમાં જ એણે એક નિર્ણય લઈ લીધો- જે અવનીએ એણે પ્રેમ કરતાં શીખવ્યું હતું એજ અવની પાસેથી એ વફા પણ શીખશે.એ અવની સિવાય કોઈને પ્રેમ નહીં કરે. અવનીની જેમ જ એ પણ 'એકતરફા પ્રેમ' નિભાવશે. એના પાછા વળવાની રાહ જોશે...
બરાબર 12 વાગ્યે એના મોબાઈલ પર એક મેસેજ રણક્યો. કદાચ અવનીનો એ મેસેજ હશે એમ ધારી એણે ફોન તરત જ હાથમાં લીધો. એક અજાણ્યા નંબર પરથી મેસેજ હતો. મેસેજનું લખાણ કઈંક આ પ્રકારે હતું :

"
હેપ્પી બર્થડે, વિશાલ. આઈ હોપ, ગોડ વિલ બ્લેસ યુ વિથ ઓલ હિસ ગ્રેસ.
માફ કરજે આ અજાણ નમ્બર પરથી તને મેસેજ કર્યો.
ફાઇનલ પરીક્ષાઓ નજીક છે, એટલે આપણાં સાથે રહેવાના થોડા જ દિવસો બાકી છે. જો હું આજે આ બધું ન કહી શકું તો કદાચ ક્યારેય નહીં કહી શકું. મેં ઘણી હિંમત કરીને આ લખ્યું છે એટલે પ્લીઝ,ધ્યાન આપીને વાંચજે.

આઈ લવ યુ વિશાલ, આઈ લવ યુ સો મચ. યુ આર માય સન, મૂન એન્ડ ઓન્લી ટ્રુથ..

તારી સાથે વાતો કરતાં કરતાં કદાચ મને એ વાતનો અહેસાસ થયો કે હું તને પ્રેમ કરવા માંડી છું. હું તારા માટે બધું કરી શકું છું, બધું જ!
પ્રેમ કદાચ આપણી આજુબાજુ જ હોય છે; બસ આપણે એને નજર-અંદાજ કરીએ છીએ, એટલે પ્રેમ આપણે અડીને આપણી બહુ નજીકથી નીકળી જાય છે ને આપણે તરસ્યા રહી જઈએ છીએ!

અને હા, હું તારા જવાબની અપેક્ષા નથી રાખતી. જો તું ના કહે તોપણ હું તને 'એકતરફા પ્રેમ' કરતી રહીશ,જ્યાં સુધી તું મને નહિં મળી જાય ત્યાં સુધી... મારો પ્રેમ સાચો છે ને એના પર મને પૂરો વિશ્વાસ છે.

યોર્સ એન્ડ ઓન્લી યોર્સ
શ્રેયા ....."

વિશાલ એક ધબકાર ચુકી ગયો! આ થોડીજ પળોમાં શું બની ગયું! પોતાનો પ્રેમ તો - 'ખાલી ચણો વાગે ઘણો' જેવો હતો. પરંતુ અહીંયાં શ્રેયા તો....એણે ફરીફરીને આ મેસેજ દસ-પંદર વાર વાંચી લીધો. 'આ એકતરફા પ્રેમના નામે લોકો કેટલી વાર પોતાની જાતને છેતરશે?' એ વિચાર એના મગજમાં આવી ગયો...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED