અનોખું મિલન નિમિષા દલાલ્ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખું મિલન


“સદ્દુ……..ઓ સદ્દુ….. એ સદ્દુડા….. ક્યાં છે ? સામે આવ તો. આમ હેરાન નહીં કર ને. સદ્દુડા … પ્લીઝ …પ્લીઝ….. પ્લીઝ ” ચંપાની આંખો સદાનંદને શોધતી હતી. “જો મને સદ્દુડો કહેશે ને તો હું નહીં બોલું તારી સાથે.ચંપાડી… પાડી…. જા જતી રહે અહીંથી મને મારા મિત્રો સાથે રમવાદે.” ઝાડ પાછળથી ડોકીયું કરીને સદાનંદે જોયું કે ચંપા નથી ગઈ એટલે પાછો બોલ્યો,“જાને હવે ” સદાનંદે ઝાડ પાછળથી જવાબ આપ્યો. આ સાંભળી ચંપાએ બીજી તરફથી એની પાછળ આવી એને ડરાવ્યો “ભાઉ….” સદાનંદ ચમકી ગયો અને ચંપા ખિલખિલાટ હસી પડી. વાતાવરણ માં જાણે ખંજરી વાગી ઉઠી. ચંપાનું આવું ખિલખિલાટ હસવું સદાનંદને બહુ ગમતું પણ કોઇ એને સદ્દુ કહે એ એને બિલ્કુલ નહોતું ગમતું. એ રિસાઈને ઝાડના ચોતરા પર બેસી ગયો. ચંપા એની પાછળ પાછળ આવી એને મનાવવા લાગી.

“નંદુ… ઓ…. નંદુ….” ગુણવંતીબહેનનો અવાજ સાંભળી સદાનંદ ઉભો થઈને ઘરે જતો રહ્યો. નહીં તો આજે ફરી ચંપાને માર પડતે. ચંપા હરિજન હતી. એ સુંદર દેખાતી. થોડી શ્યામવર્ણી હતી. અણીયાળી આંખો અને ગુલાબની પાંખળી જેવા હોઠ. વાળ લાંબા હતાં પણ કાયમ તેલ નાખીને ઉંચા ચોટલા વાળતી. રવિવારે એ વાળ ધોતી અને પોતાના ઝુંપડાના ઓટલા પર વાળ સુકવવા બેસતી ત્યારે સદાનંદ એને પોતાના ઓરડામાંથી જોતો. એક અજબનું ખેંચાણ અનુભવતો સદાનંદ. સદાનંદ બ્રામ્હણ હતો એટલે સદાનંદનું ચંપા સાથે રમવું એના માતાપિતાને પસંદ નહોતું. આગળ એકવાર જ્યારે ગુણવંતીબેન એને ચંપા સાથે રમતાં જોઇ ગયા હતાં ત્યારે એમણે ચંપાના બાપુને ફરિયાદ કરી હતી અને એના બાપુએ ચંપાને ખુબ મારી હતી. ત્યારથી સદાનંદ બને ત્યાં સુધી ચંપાથી થોડો દૂર રહેતો. રખેને પોતાને લીધે ચંપાને માર પડે. ચંપા માટે એને એક વિશેષ લાગણી હતી. એની આંખોમાં એ આંસુ જોઇ શકતો નહોતો. એના બાળમાનસમાં ઘણા પ્રશ્નો ઉઠતાં પણ બાના ગુસ્સા આગળ એ કંઈ બોલી ના શકતો અને એ પ્રશ્નો પાછાં મનમાં જ શમી જાતાં.

એને ચંપા વિના એક દિવસ પણ ચાલતું નહોતું. ચંપાને ના જુએ તો ખાવાનું પણ ના ભાવે. એ ચંપાને ચિડવતો, એના ચોટલા ખેંચતો, એનાથી વાતવાતમાં રીસાઈ પણ જતો. જ્યારે ચંપા પોતાને માનાવે અને પોતે માની જાય ત્યારે ચંપાનું એ ખિલખિલાટ હસવું સદાનંદને ખુબજ ગમતું. એને હસાવવા માટે એ ખોટું ખોટું રિસાતો અને પોતે માની જાય ત્યારે એને ખુબજ ગમતો ચંપાનો એ ખીલી જતો ચહેરો સદાનંદ જોઇ જ રહેતો. ચંપા દૂર હોય તો પણ એનું એ હાસ્ય સદાનંદના કાનમાં ગુંજ્યા કરતું. ચંપાને શાળામાં પ્રવેશવાની મનાઈ હતી. ઘણીવાર સદાનંદ છાનોમાનો પોતાના પુસ્તકો લઈને ચંપાને ભણાવતો. જેવો બાનો અવાજ સંભળાય કે તરત પાછલાં બારણેથી ઘરમાં ઘુસી જતો. બંનેના ઘર ગામના તળાવના કિનારે જ હતાં પણ અલગ અલગ છેડે. સદાનંદ પોતાના ઓરડામાંથી ચંપાનાં ઝુંપડાને જોઇ શકતો. રાતે જ્યારે ચંપા એના બાપુને ખાવાનું આપતી ત્યારે એને જોવાનો સદાનંદનો નિત્યક્રમ હતો..

દિવસો.. મહીનાઓ.. વરસો… વીત્યાં બાળપણ માંથી બંનેએ તરુણાવસ્થામાં પ્રવેશ કર્યો. બંને ને એકબીજા વગર ચાલતું નહીં. ચંપાની નાતમાં દીકરીને જલ્દી પરણાવી દેવાતી એટલે ચંપાના બાપાએ ચંપા માટે સારું ઘર શોધવા માંડ્યું. એવામાં સામેથી ચંપા માટે માગું આવ્યું. “ચંપાની બા ચંપાની ઉંમર હવે દેખાવા લાગી છે. બાજુના ગામમાં રહેતા મંગળાબેને એમના દીકરા સુખદેવ માટે ચંપાનો હાથ માગ્યો છે. મેં તપાસ કરાવી હતી. સુખદેવ એમનો એક નો એક દીકરો છે. એ આઠમું પાસ છે અને શાળામાં પટાવાળાની નોકરી કરે છે. કોઇ વ્યસન નથી. ઘરમાં મા-દીકરો બેજ જણા છે. આપણી નાતમાં વ્યસન વિનાનો અને ભણેલો છોકરો નહીં મળે. શું કહો છો ? હા પાડી દઉં ?” , “ હાસ્તો, હા પાડી જ દેવાની હોય ને. આવા સારા છોકરા પર બીજા ઘણાની નજર હોય. કોઇ બીજા સાથે નક્કી થઈ જાય એ પહેલાં હા પાડી દો. મોડું ના કરો. આપણે પણ એકજ દીકરી છે એ સુખી હશે તો આપણે પણ શાંતિથી મરી શકીશું ને. શી ખબર એના ભાઈ-ભાભી એને બોલાવે કે ના પણ બોલાવે ” ચંપાની બાએ જવાબ આપ્યો. એમને પોતાના દીકરો ચંપાને બોલાવે કે નહીં એ બાબતમાં શંકા હતી. પોતાના બા-બાપુ ની આ વાતચીત ચંપાએ સાંભળી. એ તરત સદાનંદને આ સમાચાર આપવા દોડી. ખુશ થતાં થતાં કે પોતાના લગ્ન થવાનાં છે. એ સમજ્યા વિનાં કે લગ્ન શું છે. એને માટે તો લગ્ન એટલે પોતાને નવા નવા કપડાં, નવા દાગીના અપાવાશે. એની નજર સદાનંદને શોધતી હતી. એ તળાવ કિનારે ઝાડના ચોતરે ચંપાની રાહ જોતો હતો.

ચંપાએ એને ખુશ થતાં થતાં સમાચાર આપ્યાં. બે મીનીટ તો સદાનંદ કંઈ ના બોલ્યો. એને તો ચંપા સાથે લગ્ન કરવા હતા. જોકે લગ્ન શું છે એ તો એ પણ જાણતો નહોતો. પણ એ એટલું જાણતો હતો કે લગ્ન પછી ચંપા પોતાની સાથે રહી શકે. દિવસ-રાત ચંપા પોતાની નજર સામે જ રહે. એણે કહ્યું “ ચંપા તારે મારી સાથે લગ્ન નથી કરવા ? મારે તો તારી સાથે જ લગ્ન કરવા છે. તને કાયમ મારી સાથે રહેવાનું ના ગમે ?”

“હા ગમે…… તો….. ખરું, પણ મારા બાપુને કોણ સમજાવે ? મારે તો મારા બાપુ કહે એમજ કરવું પડે ને ?” ચંપાએ કહ્યું.

“તે તું તારા બાપુને કહેને કે મારે તો સદાનંદ જોડે લગ્ન કરવા છે.” સદાનંદે ભોળાભાવે કહ્યું.

“એ.. ના…ના… હોં. મને તો મારા બાપુની ખુબજ બીક લાગે. એ મને મારે તો ? પણ તું તારા બાપુને કહેને કે એ મારા બાપુને વાત કરે.” ચંપાએ ડરતાં ડરતાં કહ્યુ જાણે એના બાપુ અત્યારે પણ એની સામે જ ઉભા હોય.

“હા…. એ આઈડીયા સરસ છે. મારા બાપુને તારા બાપુ ના નહીં કહી શકે ને પછી આપણે કાયમ સાથે જ રહીશું.” થોડું વિચારી “હા…. હા….. બરાબર છે. હું આજે જ વાત કરીશ.” સદાનંદ ખુશ થઈને બોલ્યો.

બંને બાળકો ભોળાભાવે બાપુને વાત કરવાનું નક્કી કરી છુટાં પડ્યાં. સદાનંદ એની બાથી બહુજ બીતો હતો. બાપુ તો મોટાભાગે પોતાના ધંધામાં બીઝી રહેતાં એટલે જેટલો સમય એમને મળે એટલો સમય એ સદાનંદ સાથે રમવામાં કાઢતાં. આથી સદાનંદ એના બાપુને પોતાના મનની વાત કરતાં બીતો નહીં. ચંદુલાલ બહુ નરમ અને સુલઝેલા માણસ હતાં. એ કદી ગુસ્સાથી કામ નહીં લેતા. એ કળથી કામ કરવામાં માનતા બળથી નહીં. રાત્રે જ્યારે બધાં જમીને પરવાર્યા ત્યારે ચંદુલાલ પોતાના દીકરા સાથે વાતો કરવા બેઠા. સદાનંદે નિર્દોષભાવે પુછ્યું. “એ બાપુ.. તમે ચંપાના બાપુને કોઇ કામ કહો તો એ કરે ને ?” સવાલ સાંભળી ચંદુલાલને થોડી નવાઈ તો લાગી પણ એમણે કળાવા ના દીધી. “એ હા.. માને ને. કેમ ચંપાના બાપુ પાસે તારે કયું કામ કઢાવવું છે દીકરા?” બાપુએ મોઢા પર સ્મિત સાથે પુછ્યું. “એ બાપુ મારે અને ચંપાએ લગ્ન કરવા છે. ચંપાના બાપુ એના લગ્ન કોઇ બીજા સાથે કરાવવા માગે છે. તમે એમને કહોને કે મારા લગ્ન એ ચંપા સાથે કરાવે. મને એ બહુ ગમે છે. લગ્ન પછી અમે બંને સાથે ભણીશું.” સદાનંદે ભોળાભાવે કહ્યું. ચંદુલાલના મોં પરથી સ્મિત ગાયબ થઈ ગયું. પુત્રએ અત્યારે નાદાનિયતમાં કરેલી વાત યુવાનીમાં સાચી પડવાનો એમને ભય લાગ્યો. “બાપુ તમે વાત કરશોને ?” સદાનંદે ચંદુલાલને હચમચાવ્યા. સ્વસ્થ થઈ એમણે કહ્યું, “હા..ને.. દીકરા. તું કહે ને તારા બાપુ ના માને એવું બને કદી પણ. હું જરુરથી વાત કરીશ. જા હવે તું લેશન કરવા બેસી જા. સવારે સ્કૂલે જવા વહેલા ઉઠવાનું છે ને.?” સદાનંદ ઉઠ્યો. કઈંક વિચારીને એને રોકતા પાછું ચંદુલાલે કહ્યું, “અને હા દીકરા, જ્યાં સુધી હું ચંપાના બાપુ જોડે વાત ના કરું ત્યાં સુધી તું ચંપાને કઈં વાત ના કરતો હોં ?”, “હા બાપુ હું ચંપા સાથે વાત નહીં કરું. પણ તમે જલ્દી એના બાપુ સાથે વાત કરજો. નહીં તો એના બાપુ બીજા કોઇ સાથે એના લગ્ન કરાવી દેશે”, “હા જલ્દી જ વાત કરીશ. હવે તું જા.” ચંદુલાલે કહ્યું અને સદાનંદ ખુશ થતાં થતાં એના ઓરડામાં લેશન કરવા દોડી ગયો.

ચંદુલાલ એમના વાંચવાના ઓરડામાં ગયા. આમતો એમના હાથમાં ચોપડી હતી પણ એમનું મન તો બીજે જ હતું. પરવારીને ગુણવંતીબેન ચંદુલાલ પાસે આવ્યા. “ચાલો સુવા નથી આવવાનું ?”, “હા આવું છું. નંદુ સુઈ ગયો ?”, “હા હમણાંજ દુધ આપીને આવી. દૂધ પીને સુઈ ગયો.” , “સારું ત્યારે મારે જરા વાંચવું છે. ઉંઘ આવશે એટલે આવીને સુઈ જઈશ તમે સુઈ જાઓ. દિવસભર કામ કરીને થાક્યાં હશો.” એમને આરામ કરવા કહેવાનું તો એક બહાનું હતું. એમણે તો સદાનંદની વાતનો ઉકેલ શોધવાનો હતો એ ગુણવંતીબેનને કોઇ વાત કરવા માગતા નહોતા. “સારું જેવી તમારી મરજી.” કહી ગુણવંતીબેન સુવા જતા રહ્યાં. ચંદુલાલ ચોપડી બાજુ પર મુકી આંખો બંધ કરી સદાનંદની વાતોનો શો ઉકેલ લાવવો એ વિચારી રહ્યાં. થોડીવાર રહી મનમાં કઈંક નક્કી કરી પછી સુવા જતા રહ્યા.

બીજે દિવસે સવારે સદાનંદ શાળાએ ગયા પછી એમણે ગુણવંતીબેનને કહ્યું, “મારે શહેરમાં થોડું કામ છે. હું બે દિવસ માટે શહેરમાં જાઉં છું.” ગુણવંતીબેને કારણ પુછ્યું એમણે ધંધાનું થોડું કામ છે એમ કહ્યું. સદાનંદ શાળાએથી પાછો આવ્યો. બપોરે ચંદુલાલ જમવા ન આવ્યા એટલે એણે બાને પૂછ્યું, “બા બાપુ જમવા નહીં આવ્યાં ?”, “ગામમાં હોય તો આવે ને ? તારા બાપુ તો કામથી શહેરમાં ગયા છે. બે દિવસમાં આવી જશે.” એકદમ કેમ ગયા હશે ? સદાનંદે વિચાર્યું પણ બાને પુછી ના શક્યો. બે દિવસમાં આવી જ જશેને પછી ચંપાના બાપુ સાથે વાત કરશે એમ વિચારી એ રમવા જતો રહ્યો. ચંપાને તળાવ પર નહીં જોતાં પોતાના મિત્રને એણે ચંપા વિશે પૂછ્યું તો એણે કહ્યું કે ચંપા માંદી છે. વૈદને ત્યાં દવા લેવા જતી વખતે એણે તને સંદેશો આપવાનું કહ્યું હતું. સદાનંદને કંઈ સારુ નહોતું લાગતું. એક તો બાપુ નહોતા અને એમાં પાછી ચંપા પણ નહીં મળી. ઘરે આવી એ જમ્યા વિના જ સુઈ ગયો. જમવાના સમયે ગુણવંતીબેન એને ઉઠાડવા ગયા. “નંદુ… ઓ.. નંદુ…. કેમ જમ્યા વિનાજ સુઇ ગયો ? ભુખ નથી લાગી તને ?”, “ના બા નથી જમવું મારે.” ચંદુલાલ ઘરમાં નથી એટલે એને ગોઠતું નહીં હોય એમ માનીને એક મોટો ગ્લાસ દૂધ લાવી વહાલથી આગ્રહ કરીને દીકરાને પીવડાવ્યું અને પોતે પરવારીને સુઇ ગયા. શહેરમાં ચંદુલાલ એમના સાળાને ત્યાં ગયા. પોતાના સાળાને સદાનંદનું એડમીશન શહેરની કોઇ શાળામાં કરાવવાનું કહ્યું. સાળાને નવાઈ લાગી પણ જીજાને કારણ પુછવાની હિંમત નહીં થઈ. પોતાથી મોટી બેનના પતિને એ જે કરે એમાં સાથે આપવાનાં એમના સંસ્કાર હતાં મોટા સામે દલીલ થતી નહીં.. એટલે એડમીશન અપાવી ભાણાને પોતાને ત્યાં રાખીને ભણાવશે એમ સાળાએ વચન આપ્યું. પોતાની બેનને હમણાં એ કઈં નહીં કહેશે. એવું વચન પણ ચંદુલાલે એની પાસેથી લીધું અને એ શાંતિથી પાછા ગામ આવી ગયાં.

રાત્રે રમીને ઘરે આવતાંજ ચંદુલાલને જોઇ સદાનંદ ખુશ થઈ ગયો. બાપુને એકદમ વળગીજ પડ્યો. બાપ-દીકરો રમતે ચડ્યાં. રમતાં રમતાં ચંદુલાલે કહ્યું, “નંદુ હું કામ માટે શહેર ગયો હતો ને ત્યાં તારા મામાએ એક નવી સ્કૂલ ખુલી છે એ બતાવી. મને તો ખુબજ ગમી એટલે મેં એ શાળામાં તારું એડમીશન લઈ લીધું. આ શની-રવીમાં તારો સામાન બાંધી લેજે એટલે સોમવારથી તું નવી શાળામાં જઈ શકે. કેમ બરાબર છે ને નંદુ? તને નવી શાળામાં જવાનું ગમશે ને ?” આ સાંભળી પિતાને મળવાની ખુશી ઉદાસીમાં ફેરવાઈ ગઈ. “પ……ણ બાપુ…”, “બસ.... કઈંજ નથી કહેવાનું અત્યારે. જમીને શાંતિથી વાત કરીશું.” , “સારું..” નંદુએ મોઢું ચડાવીને જવાબ આપ્યો. ચંપાની વાત મનમાં દબાવીને એ પોતાના ઓરડામાં લેશન કરવા જતો રહ્યો. આમતો બાપુ કદી પોતાના પર ગુસ્સે થતાં નહીં પણ કદીક એમના શબ્દોમાં એવો કડપ આવતો કે નંદુ એનો વિરોધ કરી નહીં શકતો.

જમીને બંને વરંડામાં હિંચકે બેઠાં. ચંદુલાલ નવી શાળાની વાતો કરી રહ્યા હતાં. ઉદાસ નંદુ એ સાંભળી રહ્યો હતો.. નંદુની ઉદાસીનું કારણ જાણતાં ચંદુલાલે હેતથી સદાનંદના માથા પર હાથ ફેરવી કહ્યું, “બેટા, અત્યારે તું નવી શાળામાં ભણવા જા. જો આપણે ચંપાને લગ્ન કરીને આ ગામમાં લાવીએ ને તો આપણી બેઈજ્જતી થાય. લોકો આપણી ઉપર હસે. તું સમજે છે ને મારી વાત ?” ચંપાની વાત આવતાંજ સદાનંદના મોં પર ખુશીની લહેર દોડી ગઈ. એના મોં પર એકદમ ચમક આવી ગઈ. નંદુના મોં પરના હાવભાવનું પરિવર્તન ચંદુલાલથી છાનું નહીં રહ્યું છતાં એમણે ધીરજથી કામ લેતાં કહ્યું, “તું હમણાં શહેર જા. પછી હું ચંપાના બાપુને મળીને વાત કરી લઈશ. આપણે બધાં શહેરમાં જતાં રહીશું અને ચંપાને પણ લગ્ન કરીને ત્યાંજ લઈ જઈશું. બરાબરને ?”, “હા બાપુ, એકદમ બરાબર.” ભોળો સદાનંદ પોતાના બાપુની ચાલાકી સમજી ના શક્યો. બંનેને અલગ કરવાની આ ચંદુલાલની એક ચાલ હતી. જે સદાનંદ સમજી ના શક્યો. ચંપા માંદી હતી એટલે એને મળ્યા વિનાજ સદાનંદે શહેર જવું પડ્યું પણ એણે પોતાના મિત્ર સાથે એક પત્રમાં બધું જણાવી પત્ર ચંપાને આપી દેવા કહી દીધું હતું.

શરુઆતમાં જ્યારે જ્યારે ચંદુલાલ શહેરમાં એને મળવા આવતાં ત્યારે ત્યારે નંદુ એમણે ચંપાના બાપુ સાથે વાત કરી કે નહીં એ પુછતો અને ચંદુલાલ કોઇ પણ બહાને ટાળી દેતાં. પછી તો પોતાના દીકરાને જવાબ આપવાનું અઘરું લાગવા લાગ્યું કેમે કરીને નંદુના મનમાંથી ચંપા નીકળતી નહોતી. એમણે શહેર આવવાનું ઓછું કરી દીધું. નંદુ મામાને વાત કરી નહીં શકતો. વેકેશનમાં ગામ જઈશ ત્યારે વાત વિચારી ભણવામાં મન પરોવ્યું. વેકેશનમાં બા-બાપુ શહેરમાં આવ્યાં અને દક્ષિણ ભારત ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. નંદુને તો ગામ જવું હતું ચંપાને મળવું હતું. પણ ચંદુલાલે ફરીને આવ્યા પછી તને ગામ લઈ જઈશ એમ કહ્યું. એણે બાપુની વાત માનવી પડી. ત્યાં એને કોઇ વાર ચંપાની યાદ આવતી ને ઉદાસ થતો તો મામાના છોકરાઓ રમતમાં એની ઉદાસી દૂર કરી દેતાં. શાળા ખુલવાના આગળ આગળજ ફરીને આવ્યાં અને પછી શાળાની તૈયારીમાં લાગી ગયેલો નંદુ ગામ જવાનું ભુલી ગયો.

સદાનંદનો પત્ર વાંચી ચંપા બહુ દુખી થઈ. પોતે માંદી નહીં હોત તો એને એકવાર મળી શકતે. કોણ જાણે હવે નંદુ ગામ ક્યારે આવશે. એના ગયા પછી ચંપા બહુ ઉદાસ રહેવા લાગી.. પોતાની વહલસોઈ દીકરી ને ઉદાસ જોઇને એના બાપુનું કાળજું ચિરાઈ જતું. એમણે ચંપાને કારણ પુછવાની કોશીશ કરી પણ ચંપાએ વાત ટાળી દીધી. હવે એ રમવા પણ નહોતી જતી. ઘરમાં એની માને કામમાં મદદ કરતી. આનો અર્થ એના બાપુએ જુદોજ કાઢ્યો અને બીજે વરસે એની સગાઈ કરી નાખી. એ તો નંદુના પત્રમાં લખ્યા મુજબ એમજ વિચારતી રહી કે નંદુના બાપુ પોતાના બાપુને વાત કરશે. પણ એમ થયું નહીં અને શરમના મારી એ એના બાપુને કંઈ કહી શકી નહીં. નંદુના ગયા પછી એ પોતાની ઉમ્મર કરતાં વધુ સમજણી થઈ ગઈ હતી. એણે પોતાના બાપુની મરજી પ્રમાણે સુખદેવ સાથે સગાઈ કરી લીધી અને છ મહિના પછી લગ્ન પણ થઈ ગયા. નંદુની યાદોને ગામમાં જ છોડીને ચંપા સાસરે આવી.

ચંપાના લગ્નની વાત જાણી ચંદુલાલ ખુબજ ખુશ થયા. ચંપા અને સદાનંદને છુટા પાડવાની પોતાની ચાલમાં એ કામયાબ થયા હતા. ચંદુલાલે ગામનો ધંધો સમેટી લીધો અને શહેરમાં આવી ગયા. નંદુ હવે બા-બાપુ સાથે બંગલામાં રહી ભણવા લાગ્યો. શાળાના નવા મિત્રો સાથે રમવામાં અને અભ્યાસમાં પરોવાઈ ગયો. હવે નંદુને ગામ જવાનું નહોતું ગમતું. પણ ચંપાને એ નહોતો ભુલ્યો. બસ એના બાપુ સાથે એણે એ બાબતમાં વાત કરવાનું છોડી દીધું હતું. એ શહેરનાં રંગે રંગાઈ ગયો હતો. વરસો વીત્યા. નંદુએ જુવાનીમાં પગ મુક્યો. કોલેજ પુરી કરી અને બાપુના ધંધામાં કામ કરવા ઓફિસે પણ જવા લાગ્યો. ચંદુલાલે એમના એક મિત્રની દીકરી સાથે સદાનંદના લગ્ન કરવાનું વિચાર્યું. એમણે નંદુને પુછ્યું. નંદુને ચંપાની યાદ આવી ગઈ. હવે તો એ પણ યુવાન થઈ ગઈ હશે. કેવી દેખાતી હશે ? પણ બાપુને તો પુછી ના શકાય. અને ચંદુલાલે પણ ચંપાના લગ્ન વિષે એને કંઈજ કહ્યુ નહોતું. એણે છાનાંમાનાં ગામ જવાનું વિચાર્યું. પોતાના બાપુને લગ્ન બાબતમાં વિચારીશ એમ કહી ગામ જવાનું પ્લાન કર્યું. બે દિવસ પછી મિત્રો સાથે પિકનીકમાં જાય છે એમ ઘરે કહી એ પોતાના ગામ ગયો. યોગાનુયોગ એનો બાળપણનો મિત્ર જેને હાથે પોતે ચંપાને ચીઠ્ઠી મોકલી હતી એ એને ગામ માં જ મળી ગયો. એણે એને ચંપા વિષે પુછ્યું. એણે કહ્યું કે, “તું શહેર ગયો પછી મેં તારી ચીઠ્ઠી ચંપાને આપી હતી એ તને મળી ના શકી એનું દુખ એની આંખોમાંથી આંસુ બની વહેતું હતું. એ બહુ ઉદાસ રહેતી હતી એટલે એના બાપુએ બાજુના ગામમાં સુખદેવ નામના છોકરા સાથે એને પરણાવી દીધી બીજી કશી ખબર મને નથી.”

સુખદેવ એના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. એના બાપુ નાનપણમાંજ ગુજરી ગયેલા. એની માતા એ તકલીફ વેઠીને એને મોટો કર્યો હતો અને સુખદેવે પણ એની માતાની મહેનતનો રંગ રાખ્યો હતો. ગામથી દૂરની એક શાળામાં ભેદભાવ વિના દરેકને શિક્ષણ અપતું હતું ત્યાં જઈને એ આઠ ચોપડી ભણ્યો. પછી આગળ તો શહેરમાં જઈને ભણવાનું હતું. એની બાની તબિયત સારી રહેતી ન હોવાથી એણે પોતાના ગામની શાળામાં એને પટાવાળાની નોકરી મળી તે સ્વિકારી લીધી. એની બા ખુબજ હેતાળ હતી. સુખદેવને એણે કોઇજ વ્યસન પડવા દીધું નહોતું. એ એક ખાસ બાબત કહેવાય એમની નાતમાં. સુખદેવ ચંપાને ખુબજ હેતથી રાખતો અને એની બા પણ એના પર હેત વરસાવતી. સુખદેવ ભણેલો હતો નિર્વ્યસની અને હેતાળ હતો નોકરી પણ સારી હતી. સુખદેવનાં પ્રેમમાં ધીરે ધીરે એ સદાનંદને ભુલી ગઈ. હા જ્યારે જ્યારે ગામ જતી ત્યારે કોઇ વાર યાદ આવી જતી. થોડા સમય પછી એણે એક પુત્રને જન્મ આપ્યો. સુખદેવની માતાને પોતાની નાતમાં રાખે એવું નામ નહોતું રાખવું. એણે પૌત્રનું નામ રાખ્યું દેવાંગ એટલે કે દેવોનું અંગ. નામકરણ પછી થોડા જ સમયમાં સુખદેવની માતા પણ એના પિતા પાસે જતી રહી. ચંપાના બા-બાપુ તો એ પહેલાંજ ફાની દુનિયા છોડી ચુક્યાં હતાં. હવે ભાઈ-ભાભીના રાજમાં ચંપાને વારે વારે ગામ જવું ગમતું નહીં. એ એના સંસારમાં ખુશ હતી. પોતાની બા માટે ગામમાં રહેલા સુખદેવની બા હવે રહી નહીં એટલે એણે ગામ છોડી શહેરમાં નોકરી શોધી લીધી. પત્ની અને પુત્ર સાથે એ શહેરમાં આવી ગયો. એક શાળામાં પટાવાળાની નોકરી સાથે એને શાળાના કંપાઉંડમાં જ રહેવા માટે મકાન પણ મળ્યું હતું. સુખદેવ હોંશીયાર હતો. થોડાજ સમયમાં એણે ટ્રસ્ટીઓનું દિલ જીતી લીધું. ઓફિસમાં કોઇ વાર કોઇ ક્લાર્ક ગેરહાજર હોય તો એનું કામ પણ એ સંભાળી શકતો. એની ધગશ આવડત અને પ્રમાણીકતા જોઇને ટ્રસ્ટીઓએ એને ક્લાર્ક ની પોસ્ટ આપી. પોતે ક્લાર્ક બની ગયો છે એ ખુશીના સમાચાર લઈને એ પહેલાં મંદિરે જવા નીકળ્યો. એને ખબર હતી કે આ સમયે ચંપા પણ દેવાંગને લઈને મંદિર માંજ હશે. એ ખુશી ખુશી મંદિર ગયો ભગવાનનો આભાર માન્યો અને પ્રસાદ લઈ ચંપાને શોધવા લાગ્યો. રસ્તાની સામે છેડે ચંપાને એણે જોઇ. એણે ચંપાને બૂમ મારી. ચંપાએ અવાજની દિશામાં જોયુ. સુખદેવ ખુશખબરી આપવા દોડ્યો એ વાત થી અજાણ કે એક ટ્રક એની તરફ પુરપાટ દોડતી આવી રહી છે. ડ્રાઈવરે બ્રેક મારી પણ અચાનક જ આવેલા સુખદેવને એ બચાવી ના શક્યો. ચંપાની નજર સામેજ સુખદેવ મોતને ભેટ્યો. ચંપા હતપ્રભ બની ઉભીજ રહી એને સમજ ન પડી કે અચાનક જ આ શું થઈ ગયું ? પોતાની નજર સામે જ પોતાની દુનિયા લુંટાઈ ગઈ. નાનકડા દીકરાને હાથે પિતાના અંતિમસંસ્કાર કરાવ્યા. શાળાના સ્ટાફે ઘણી મદદ કરી. પંદર દિવસ થઈ ગયા. હવે પોતે શું કરશે ? એ વિચાર ચંપાને સતાવવા લાગ્યો. સુખદેવ નથી રહ્યો એટલે આ મકાન પણ છોડવું પડશે એણે ક્યાં જશે એ આ નાના દીકરાને લઈને ? ત્યાંજ શાળાના પ્રિંસિપાલ આવ્યા. એમણે ચંપાને પોતાને ઘરે રહી ઘરકામમાં પોતાની પત્નીને મદદ કરજે અને હું તારા દીકરાને ભણાવીશ એમ કહ્યું. ચંપાએ પોતે હરિજન છે એ જણાવ્યું. પિંસિપાલે કહ્યું કે પોતે અને પોતાની પત્ની કોઇજ આવા ભેદભાવમાં માનતાં નથી. એમના દીકરાઓ વિદેશમાં સ્થાયી થયા છે અને મારી પત્નીથી ઘરનું કામ બનતું નથી. ચંપાને પ્રિંસિપાલ ભગવાન જેવા લાગ્યા અને એ એમના ઘરે રહી દેવાંગને ઉછેરવા લાગી. પ્રિંસિપાલની મદદથી એણે દેવાંગને ઉચ્ચ શિક્ષણ આપાવીને વિદેશ ભણવા મોકલ્યો. ત્યાં દેવાંગ ભણવાની સાથે સાથે નોકરી કરીને પોતાનો ખર્ચો કઢી લેતો. પ્રિંસિપાલે તો રૂ. મોકલવાનું કહ્યું હતું પણ પોતાને આટલો લાયક બનાવ્યો અને પોતાની માતાને સહારો આપ્યો હવે એ કમાઈ શકતો હતો એટલે એણે નમ્રતાથી રૂ. લેવાની ના પાડી. થોડા વર્ષોમાં મહેનતથી ભણી અને કમાઈને ઈંડીયા પાછો આવ્યો. એનાં એજ્યુકેશન ને કારણે એને બીજા શહેરમાં એક મોટી ફર્મમાં નોકરી મળી ગઈ. માતા અને પ્રિંસિપાલ તથા એમની પત્નીના આશીર્વાદથી લગ્ન પણ કરી લીધાં. વહુ ઘણી સારી અને સંસ્કારી હતી. હવે ચંપાની જવાબદારીઓ પુરી થઈ હતી. એણે પોતાને યાત્રા કરવા જવાની ઈચ્છા દેવાંગ સામે મુકી. દેવાંગે ખુશી ખુશી મંજુરી આપી અને એક સારી ટુર કંપનીમાં સીટ બુક કરાવી આપી.

દરમ્યાનમાં ચંપાના લગ્નની વાત સાંભળી ઉદાસ સદાનંદે પોતાના ઘરે આવી ચંદુલાલને એમની પસંદગીની છોકરી સાથે પોતાના લગ્નની મંજુરી આપી દીધી. રજની સાથે એનો સંસાર સુખી હતો. એના ફળસ્વરૂપે એમને ત્યાં બે પુત્રોનો જન્મ થયો. વરસો વીતી ગયા. ચંદુલાલ અને ગુણવંતીબેનનો પણ સ્વર્ગવાસ થઈ ગયો. સદાનંદના પુત્રો વિદેશમાં ભણવા ગયા અને ત્યાંજ સ્થાઈ થઈ ગયા. થોડા સમય પછી રજની પણ ટુંકી માંદગીમાં સદાનંદને છોડીને જતી રહી. હવે સદાનંદનો જીવ લાગતો નહોતો. પુત્રો એને ત્યાં બોલાવતા હતાં. એણે ત્યાં જવાનું નક્કી કરી લીધું. આ વાત સાંભળી બંને દીકરાઓ ખુબ ખુશ થયાં માતાના ગુજરી ગયા પછી તરતજ એ લોકોએ સદાનંદને પોતાની સાથેજ આવવાનું કહ્યું હતું પણ સદાનંદ થોડો વખત અહીં રહેવા ઈચ્છતો હતો. સુખી સંસાર હતો પણ ચંપાને એ ભુલી શક્યો નહોતો. એકાંતમાં એ કાયમ એને યાદ કરતો. ચંપાને ખબર લેવા એ ગામ જવાનું વિચારી રહ્યો હતો પણ આટલા વરસો પછી આમ વિચારવું એને યોગ્ય નહીં લાગ્યું. એણે રજનીની અને ચંપાની યાદમાંથી નીકળવા યાત્રાએ જવાનું નક્કી કર્યું અને પુત્રોને જણાવી દીધું કે પોતે યાત્રા પરથી આવશે કે તરત એ ત્યાં આવશે. બીઝનેસ બંધ કરી એ યાત્રાએ જવા નીકળ્યો.

હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સોની દોડાદોડી ચાલતી હતી. નજીકમાંજ યાત્રાળુઓની બે બસો અને એક ટ્રકનો ગમખ્વાર અકસ્માત થયો હતો. ઘાયલો અને મ્રુતકોથી હોસ્પિટલ ભરાવા માંડી હતી. દર્દીઓની ઓળખ કરવા એમના સામાન ફંફોસવામાં આવ્યા. એક વૃદ્ધ અને એક વૃદ્ધાને સીરીયસ કંડીશનમાં આઈ.સી.યુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તરત ટ્રીટમેંટ શરૂ કરી. બંને અર્ધબેભાન અવસ્થામાં હતાં. ડો.એ નામ પુછ્યું. નર્સે જવાબ આપ્યો. “સદાનંદ. સદાનંદ ઝવેરી ” બાજુના બેડ પરની ડોશીના શરીરમાં આ નામ સાંભળી સળવળાટ થયો. એ બબડી, “સ..દ્દુ.. એ સદ્દુડા… તું છે ?” ડોક્ટર્સ અને નર્સને નવાઈ લાગી કે આ ડોશી શું બબડે છે પણ જાણે ‘સદ્દુ’ સાંભળતાંજ એ ડોસાના શરીરમાં પણ થોડો સંચાર થયો. “અરે ચંપાડી તું ? ”, “હા સદ્દુ… હું” બંને એ કણસતાં કણસતાં પરાણે એકબીજાની સામે જોયું. બંધ થઈ જતી આંખોને પણ પરાણે ખોલી. નજર મળતાંજ બંને ના ચહેરા પર એક ઓળખીતું સ્મીત આવી ગયું અને એ સ્મિત ત્યાંજ સ્થીર થઈ ગયું. જાણે બંને એમ કહેતા હોય કે ભલે આપણે સાથે જીવી તો ના શક્યા પણ ચાલ સાથે દુનિયા છોડીએ અને આત્માએ દેહ છોડી દીધો. ઉપર આસમાનમાં બંનેના આત્માનું મિલન થયું. જીવનમાં જીવતાં તો બંને ના મળી શક્યા પણ મૃત્યુ બંનેનું મિલન કરાવી ગયું.