પ્રતીક્ષા નિમિષા દલાલ્ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

પ્રતીક્ષા

ઓહ ! સાત વાગી ગયા ! એ આવી ગયા હશે તો પાછી સવાર બગડશે. રચના બ્રશ પણ કર્યા વિના સીધી જ રસોડા માં ઘુસી ગઈ. આલાપ મોર્નીંગ વૉક લેવા જાય અને આવે ત્યારે ગરમ પાણી ને મધ પીએ. રચનાએ પાણી ગરમ કરી ટેબલ પર મૂક્યું. મધની બોટલ.. ચમચી ને ગ્લાસ મૂક્યા. ને પોતે બ્રશ કરવા ગઈ. નિત્યક્રમ પતાવ્યા છતાં પણ આલાપ હજુ આવ્યા નહોતા. આજે કેમ મોડા હશે ? રચના વિચારી રહી. લાવ ફોન કરી જોઉં. ના... ના પાછા ગુસ્સે થશે. એના કરતા નાસ્તો બનાવીને મૂકી દઉં. આટલા મોડા કંઈ મધને પાણી થોડા પીશે ! એ તો ચા-નાસ્તો જ માગશે. તે છતાં રચનાએ બધું ટેબલ પર જ રાખ્યું.

એમને કયા કારણથી ગુસ્સો આવી જાય છે તે લગ્નજીવન નાં ત્રીસ વર્ષ પછી પણ તે સમજી શકી નથી. બધી જ વસ્તુઓ સમયસર જોઇએ અને ચોક્કસ જગ્યાએ જ રાખવાની. તેમ ના થાય તો ... ઘર વેરવિખેર.. કબાટ ના કપડાં કબાટની બહાર.. વાસણો સ્ટેંડ પરથી નીચે.. પછી આખો દિવસ એ સરખું કરવામાં જ નીકળી જતો. જો વિરોધ કરે તો ફર્નીચરનો વારો આવે.. એ પછી ય જો રચના બોલે તો... તો એનો પોતાનો વારો આવતો. એટલે એ ક્યારેય આલાપને આવો મોકો નહોતી આપવા માગતી પણ દર વખતે કંઈક તો ભૂલી જ જતી. પણ શરુઆતનાં થોડાં વર્ષો બાદ કરતાં એણે સામે બોલવાનું બંધ કરી દીધું હતું એટલે વાત વાસણોથી આગળ વધતી નહોતી.

આલાપને ગુસ્સો ના આવે તે માટે.. આજે બહુ ધ્યાનથી એ કામ કરી રહી હતી. એને ચા ની તલબ લાગી પણ રોજ સવારની ચા એ બંને સાથે પીતા હતાં. સવારે આલાપનો મુડ સારો હોય. ચાની બધી તૈયારી કરી દીધી ને નાસ્તો બનાવવા લાગી. નાસ્તો પણ બની ગયો હજુ કેમ ના આવ્યા ? રચનાએ ઘડિયાળમાં જોયું. નવ વાગી ગયા હતાં. હવે તો ફોન કરી જ લઉં. એણે મોબાઈલ ઉઠાવ્યો. ને સામેથી જવાબ આવ્યો આ નંબર અસ્તિત્વમાં નથી. આવું કેમ બને ? રચનાએ બીજી વાર લગાડ્યો.. એજ જવાબ.. એણે સ્મિતાને ફોન કરવાનું વિચાર્યું પણ પછી.. ના.. ના સવારમાં એ કામમાં હશે સાસુ-સસરાની સેવામાં ખલેલ પડશે તો પાછા સાસુનાં મહેણા.. પોતાની દીકરીને પોતાના કારણે કંઈ સાંભળવું પડે તેમ એ નહોતી ઈચ્છતી.. આવી જશે. કંઈ નાના કીકલા થોડા છે. આલાપ માટે પોતે વાપરેલા ‘કીકલા’ શબ્દ પર એને પોતાને જ હસવું આવી ગયું. શું વૉક પરથી સીધા જ કોઇને મળવા ગયા હશે ? ના, ના, નહાયા વિના તો કોઇને મળવા જવાનું એમને પસંદ નહોતુ.. હશે, મુડ આવ્યો હશે તો વૉક પરથી સીધા જ જતા રહ્યા હશે. એમના મુડ વિશે હજુ પણ એ ક્યાં જાણી શકી છે ?

ચાલ, હું તો ચા પી લઉં. પછી નહાઈને રસોઈની તૈયારી કરું. ચાનો ઘુંટડો ભરતાં મોં સહેજ બગડી ગયું. ગમે તેમ પણ એમના વિના ચામાં સ્વાદ નથી આવતો. જેમતેમ દવાની જેમ ચા પીને એ બાથરૂમમાં ગઈ. રસોઈ તો નહાયા પછી જ કરવાની એવો તેમનો આગ્રહ રહેતો. નહાઈને નીકળતા જ બહાર વોશબેઝિન પર નજર ગઈ. અરે ! એમનો દાઢીનો સામાન મૂકવાનો તો ભૂલી જ ગઈ. સારું થયું એમના આવતા પહેલાં જ નજર ગઈ નહીં તો.... એણે બેઝિન ઉપરનો કબાટ ખોલ્યો. ત્યાંતો પાછો આંચકો લાગ્યો. દાઢીનું બ્રશ, દાઢીનો સાબુ, રેઝર.. કંઈ જ હતું નહી. કોણ લઈ ગયું હશે ? ! ચાલ, જલ્દીથી બજારમાં જઈ લઈ આવું. પર્સ લઈને નજીકના સ્ટોરમાં ગઈ ને સામાન માગ્યો. સ્ટોરવાળાએ પૂછ્યું,

“કોને માટે સામાન જોઇએ છે ?” એને ગુસ્સો આવ્યો. એક તો મોડું થાય છે. હજુ રસોઈ પણ બાકી છે ને આ દુકાનવાળો પણ..

“તારે શું પંચાત ? તું તારે સામાન આપને.” એ તડૂકી. એનો ગુસ્સો જોઈને દુકાનવાળાએ ચૂપચાપ સામાન આપી દીધો. ઘરે આવીને બધું વોશબેઝિન પર વ્યવસ્થિત મૂક્યું. જરા બેઠી ના બેઠી ને પાછી રસોડામાં ભરાઈ ગઈ.

રસોઇ પણ થઈ ગઈ. સ્વીટ બની ગઈ. ફરસાણમાં મેથીના મૂઠિયા બાફી દીધા. આવે એટલે વઘારી દઈશ. આલાપને જમવામાં રોજ પૂરું ભાણું જોઇતું. ફરસાણ અને સ્વીટ, સલાડ અને પાપડ સહિત. સલાડ પણ સમારાઇ ગયું. એણે ફરી ઘડિયાળ સામે જોયું. એક વાગી ગયો. કામમાં ખબર જ નહી પડી. પણ એ હજુ કેમ ના આવ્યા.? ફરી આલાપને ફોન લગાડ્યો. એ જ જવાબ.. આ નંબર અસ્તિત્વમાં નથી. એણે સ્મિતાને ફોન લગાડ્યો. હવે કામમાંથી પરવારી હશે.

“હેલો.. હલો સ્મિતા, આ જોને, તારા પપ્પા હજુ ઘરે નથી આવ્યા. સવારે વૉક પર ગયા પછી આવ્યા જ નથી.”

“મમ્મી.....”

“ને જોને ! એમનો દાઢીનો સામાન પણ કોઇ લઈ ગયું. બજારમાં જઈ પાછો સામાન લઈ આવી. તોયે આવ્યા નહોતા. એમના વિના તો ચા પણ કડવી દવા જેવી લાગે છે.”

“અરે! પણ….”

“અરે, એમની રાહ જોતાં જોતાં રસોઇ પણ થઈ ગઈ. અને...અને...તને ખબર છે ? એમને ફોન લગાડ્યો તો મેસેજ આવે છે કે આ નંબર અસ્તિત્વમાં નથી બોલ.”

““અરે! મમ્મી તું સાં.....”

“મને ચિંતા થાય છે સ્મિતા, રોજ તો સવારે સાડા પાંચ વાગે ઘરેથી નીકળી સાડા સાત સુધીમાં તો ઘરે આવી જ જાય. આ એક વાગી ગયો, તારા પપ્પા હજુ કેમ નહી આવ્યા હોય ? ” સ્મિતાને બોલવા દીધા વિના રચના એક શ્વાસે બધું બોલી ગઈ.

“અરે! મમ્મી, તું સાંભળ તો ખરી... તું માનતી કેમ નથી ? પપ્પાને ગુજરી ગયાને ત્રણ મહિના થઈ ગયા….”