ansar books and stories free download online pdf in Gujarati

અણસાર

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે,

રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

જવાહર બક્ષી

સંગીતાને માથે ઓઢવાની આદત નહોતી. માથે ઓઢેલા દુપટ્ટામાંથી બહાર સરળતાથી જોઈ શકાતું નહોતું. બસનું પગથિયું દેખાતું નહોતું.. ધૈવતે હાથ આપ્યો ને બંને બસમાં બેઠા.

આવો જ એક હાથ પકડીને આંખમાં એક સપના સાથે ૩ વર્ષ પહેલા સંગીતા પોતાના ગામથી આ શહેરમાં આવી હતી અને...

“શું જોરદાર કૂમળી કળી લઈ આવ્યો છે તું.. લે આ તારા પૈસા.” રૂપેશ સાથે સુહાગરાતનાં સપના જોતી સંગીતાને કાને અવાજ પડ્યો. રૂપેશના અટ્ટહાસ્ય પછી તેને કંઈ સંભળાયું નહીં ને જાગી ત્યારે માથા પાસે એ બાઈ બેઠી હતી જેની ઓળખાણ રૂપેશે તેની માસી રૂપે કરાવી હતી.

“રૂપેશ ક્યાં છે?“ તેણે ઊભા થવાની કોશિશ સાથે કહ્યું.

“એ તો તને વેચીને બીજી કબૂતરીની શોધમાં ચાલ્યો ગયો.”

“મારે તેને પૂછવું છે કે તેણે મારી સાથે આવું શું કામ કર્યું?”

“આ તેનો ધંધો છે. વધુ જાણીને શું કરીશ? તારાથી હવે તારા ઘરે પાછા ફરી શકાય એમ નથી. હું તને તેમ કરવા દઈશ નહીં. અને આમ પણ રૂપેશ સાથે ભાગ્યાની બદનામી તારા ગામમાં થયા પછી શું તું પાછી તારા બાપુ પાસે જઈ શકશે? એમની સાથે આંખો મેળવી શકાશે? તેના કરતાં મારી પાસે દિલથી કામ કરશે તો મહારાણી બનીને રહેશે. મારા આ મહેલમાં તારા જેવી સુંદર કોઈ કબૂતરી નથી. તારા તો ઘણા ઘરાક થશે ને તું થોડા જ સમયમાં માલામાલ થઈ જશે.”

.... અને તે પૂનમ અને પછી ધૈવતની પુન્નો ક્યારે બની ગઈ ખબર જ ના રહી.

રોજ રાતે બાઈજી તેની બોલી લગાડાવતી. જે ઉંચી બોલી બોલે તેની સાથે સંગીતાને રાત.... આમાં જ એક દિવસ ધૈવત બેઠો હતો. પૂનમની નજર એની સાથે મળી. તેના દિલે ઈચ્છા કરી કે તે દિવસની ઊંચી બોલી ધૈવતની હોય પણ દિલનું ધારેલું ક્યાં થતું જ હતું તેની સાથે એમ થતું હોત તો એ આજે અહીં શું કામ હોત? બીજા દિવસે ફરી ધૈવતને જોઇને એક આશા... પણ ઠગારી નીકળી. સળંગ દસ દિવસ ધૈવત આવતો રહ્યો ને બીજું કોઈ... પણ દસ દિવસ પછી તે જીત્યો.. એક ઓરડે સંગીતા અને ધૈવત.. સંગીતાના ધબકારા વધી રહ્યા હતા. પરંતુ ધૈવત પણ બીજા ઘરકો જેવો જ નીકળ્યો માત્ર તેના શરીરને.. તે પછીના દિવસે ધૈવતને જોઇને તેને ખુશી નહીં થઈ, પણ એ જ આવ્યો ઓરડે. ત્યાર પછીના કોઈ કોઈ દિવસો ધૈવતના હતા, પણ ધૈવત કદી કશું બોલતો નહીં બસ તેનો સમય ગાળીને જતો રહેતો બીજા ઘરાકોની જેમ જ. નજીકના ઘરમાં વાગતા રેડિયો પરની પંક્તિઓ અવાર નવાર તેના કાને પડતી રહેતી.

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે....

તે કદીક વિચારી રહેતી.. કેટલું સામ્ય હતું તેના જીવન સાથે આ પંક્તિઓનું..

“પુન્નો, મારી સાથે લગ્ન કરીશ ?” એક દિવસ મૌન તૂટ્યું.. ને ધૈવતનો પ્રશ્ન આવ્યો. શું જવાબ આપવો તે સમાજ પડી નહીં એટલે એ મૌન જ રહી, ને ધૈવતે તેની સંમતિ સમજી.

“ બાઈજી, મારે પૂન્નોને હંમેશાને માટે મારી સાથે લઈ જવી છે.”

“મારા સોનાના પંખીને શા માટે લઈ જવું છે તારે ? જ્યારે મન હોય ત્યારે આવીને મજા લઈ લેજે.”

“ના બાઈજી, હવે તે બીજા સાથે સુએ તે મને નથી ગમતું.”

“ઓહો.. તો એના પ્રેમમાં પડ્યો છે તું એમ કહેવા માંગે છે ?” તેમણે અટ્ટહાસ્ય કરતા કહ્યું.

“કંઈક એવું જ.”

“જો એ શક્ય નથી. ઇશારામાં સમજે તો સારું છે છોકરા નહીં તો..” તેમણે થોડા કડક અવાજે કહ્યું.

“તમારા લોકોની પહોંચ વિશે જાણું છું બાઈજી, એટલે જ ભગાડીને નહીં તેની મોટી કીમત આપીને લઈ જઈશ..”

“શું આપી શકે તું છોકરા મને ? એ રોજના કેટલા કમાઈ આપે છે ખબર છે ?” એક તુચ્છકારથી તે બોલ્યા.

“હા, બાઈજી .. જાણું છું.. તમને દર મહિને મોટી રકમ મળતી રહે એવી ગોઠવણ થઈ શકે તેટલા રૂપિયા આપીશ.”

“તું કરે શું છે છોકરા ? એટલી મોટી રકમ તું લાવશે ક્યાંથી ?” તેમણે જાણે ધૈવતની મજાક ઉડાવી.

“તે તમારે જોવાનું નથી. હું આપીશ. પુન્નો માટે હું ગમે તે કરીશ. પણ મને પુન્નો તમારી મરજી સાથે જ લઈ જવી છે. મને ભાગતા ફરીને જિંદગી ગુમાવવી નથી. તેની સાથે પ્રેમથી જિંદગી વિતાવવી છે.” મો પર એક સ્મિત સાથે બાઈજીએ એક મોટી રકમ કહી. તેમને એમ હતું કે આટલા રૂપિયા ધૈવત ચૂકવી શકાશે નહીં અને.. પણ ધૈવતે તરત જ તેના અડધા રૂપિયા બાઈજી સામે મૂકી દીધા અને બાકીના બીજા દિવસે સવારે લાવવાનું કહી પૂનમ પાસે ગયો.

“પુન્નો, બાઈજીને તારી મોટી રકમ ચૂકવી આવતીકાલે સવારે હું તને અહીંથી લઈ જઈશ. તું તૈયાર રહેજે.”

“હવે તારા શરીરને સ્પર્શ ત્યારે જ કરીશ જ્યારે તું સંપૂર્ણ મારી બનશે. પૂનમને સાડી કાઢતા અટકાવતા તેણે કહ્યું ને ઓરડાની બહાર નીકળી ગયો.

આજે નવા સહારા સાથે નવા સાથ અને નવા સપના સાથે આ શહેર તે છોડી રહી છે.

હોટેલના એક રૂમમાં નવવધુ બનીને ધૈવતની રાહ જોઈ રહી છે તે. શરીરસંબંધ તેને માટે નવો ન હતો પણ પતિ તરીકે ધૈવતના સ્પર્શની કલ્પના માત્ર તેને રોમાંચિત કરતી હતી.. એક કલાક.. બે કલાક.. ત્રણ કલાક.. તે રાહ જોતી જ રહી. છેક વહેલી સવારે ધૈવત આવ્યો ને તે જાણે પૂર્ણ સ્ત્રી બની ધૈવતમાં ઓગળી ગઈ. એક અઠવાડિયું આમ જ ગયું.. દિવસ આખો ધૈવત તેની પાસે રહેતો બંને સાથે હરતા ફરતા ને રાતે ધૈવત જતો રહેતો તે વહેલી સવારે આવતો.. દુનિયાના પતિઓથી ઊંધી આ પ્રક્રિયા વિષે જ્યારે જ્યારે ધૈવતને તે પૂછતી ધૈવત ટાળી દેતો. આ બાબતે તેના મનમાં શંકા જગાવી. પણ તેનો જવાબ મળ્યો તેને એક મહિને જ્યારે રાતે ધૈવતની જગ્યાએ અન્ય પુરુષ તેની પાસે આવ્યો. સંગીતાએ તેના સ્પર્શનો વિરોધ કર્યો.

“ જાન, આજથી એક મહિના માટે હું તારો પતિ છું. અને તેની એક મોટી રકમ ધૈવતે મારી પાસેથી વસૂલ કરી છે..” તે ધબ્બ કરી પલંગમાં પછડાઈ.. ધૈવત પણ રૂપેશ જેવો જ... ને તેને એનો અણસાર પણ ના આવ્યો .. આંખમાં પાણી સાથે પૂતળું બની ગયેલી સંગીતા કે પૂનમના કાનમાં પેલી ગઝલના શબ્દો ગૂંજી રહ્યા..

“આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED