Jijivisha books and stories free download online pdf in Gujarati

જિજીવિષા

બસ હવે થોડે જ દૂર્.. આ ટેકરીની ટોચ પરથી નીચે કૂદુ એટલે આ જિન્દગીનો અંત .. આ એકાકી જીવનનો અંત.. અને... અને આ જીવલેણ રોગ એઈડ્સથી પીડાતા આ શરીરનો અંત.. સપના આમ વિચારતી વિચારતી ટેકરી પર ચડી રહી હતી. તેની નજર સમક્ષ એ અકસ્માત આવી ગયો જ્યારે તે એના માતા-પિતા સાથે વર્લ્ડટૂર પર જવા ટ્રેનમાં મુંબઈ તરફ જઈ રહી હતી અને ટ્રેનનો ભયંકર અકસ્માત થયો હતો. જેમાં તેણે માતા-પિતા તો ગુમાવી જ દીધા હતાં પણ લોહીની તાતી જરૂરિયાતને કારણે ડોક્ટરોએ લોહી તપાસ્યા વિના દર્દીઓની ચડાવતા પોતે આ રોગનો ભોગ બની હતી. અકસ્માતની ગંભીરતા તો એને સાજા થયા પછી અખબારોના ફોટા જોઇને આવી હતી. આવા અકસ્માતમાંથી પોતે ઊગરી ગઈ એ માટે ભગવાનનો પાડ માનવો કે અકસ્માતને લીધે તેનામાં પ્રવેશેલા જીવલેણ રોગને લીધે ભગવાનને દોષી માનવા એ સપના નક્કી કરી શકતી નહોતી.

જેવી ટેકરીની ટોચ પર પહોંચી કે એક ખડક પર એક પુરુષ આકૃતિ એણે બેઠેલી જોઇ. એને ખૂબ ગુસ્સો આવ્યો. થોડી વારમાં એ જતો રહેશે પછી પોતાની ઇચ્છા એ પુરી કરી શકશે એમ વિચારી તેણે એક બીજા ખડક પર બેઠક લીધી. બેઠા પછી પેલી પુરુષ આકૃતિ તરફ એક નજર કરી. તે એકદમ સોહામણો યુવાન હતો. પ્રથમ નજરે જ પ્રેમમાં પડી જવાય તેવો. પણ.....

અંધારું થયું બંને ટેકરી ઊતરી પોતપોતાનાં ઘરે ગયાં. બીજે દિવસે ફરી સપના પોતાના કામને અંજામ આપવા એ ટેકરી પર ગઈ. પેલો યુવાન ત્યાં જ હતો. સપનાએ મનોમન પેલાને ગાળો આપી. આને કોઇ કામધંધો નથી. અહીં જ બેસી રહે છે ! એ દિવસે બંને વચ્ચે સ્મિતની આપ-લે થઈ. સપનાએ ટેકરી પર આવવાનો સમય વારંવાર બદલી જોયો પણ દર વખતે પેલો હાજર જ હોય. હવે સપનાને પેલા વિશે જાણવાની તાલાવેલી થઈ. પોતાની મરવાની ઇચ્છાતો ક્યાંય છુપાઈ ગઈ ને આ યુવાનને જોવા-મળવાની ઇચ્છા પ્રબળ થવા લાગી.

છેલ્લાં પંદર દિવસથી ચાલુ રહેલા આ ક્રમમાં બંનેએ એકબીજાના નામ-સરનામાંની જાણ કરી લીધી. એ યુવાનનું નામ પણ તેના દેખાવ જેવું જ હતું ‘સોહમ’. આખો દિવસ સાંજે મળવાના સોણલા સાથે વિતાવતા બંને પોતાની અંગત જિન્દગી એકબીજાથી છુપાવતાં હતાં. બરાબર એક મહિને આ ક્રમ તૂટ્યો. ટેકરી પરથી કૂદવાની પોતાની ઇચ્છા સોહમને કારણે પૂરી ન થતાં આજે સપના ઝેરની બોટલ સાથે લઈને નીકળી હતી. પોતાના રોગ અને પોતાની લાગણીઓ વિશે સોહમને કહી પછી અનંત યાત્રાએ જતા રહેવાનું નક્કી કરી ટેકરી પર આવી પણ ત્યાં સોહમ નહોતો. થોડીવાર રાહ જોઇ.. આજે પણ પોતાની ઇચ્છા પૂરી કરવામાં વિઘ્ન આવ્યું સપનાએ વિચાર્યું. શું સોહમને પોતાના પ્રેમ વિશે જણાવ્યા જ..... ના, ના, સોહમને મળ્યા વિના તો નથી જ જવું. સપનાએ સોહમના ઘરે જવાનો નિર્ણય કર્યો ને એ નીકળી.

ઘરનું બારણું અધખુલ્લું હતું. સપના અંદર પ્રવેશી ને તેણે સોહમ તેમજ બીજા એક પુરુષ અવાજની દિશામાં પગલાં ભર્યા. અંદર સહેજ નજર જતાં, સોહમ બેડ પર અને એક ડોક્ટર બાજુની ખુરશી પર બેઠા હતાં. સોહમ કહી રહ્યો હતો..

“ડોક્ટરકાકા, મને બચાવી લો. મારે મરવું નથી કાકા મને...” સોહમની આંખમાં આંસુ હતાં.

“દીકરા એ મારા હાથમાં નથી. આ રોગ એ અવસ્થાએ પહોંચી ગયો છે કે...”

“કાકા, મહિના પહેલા મેં આ રોગને સ્વીકારી એક ટેકરી પરથી કૂદીને શરીરનો અંત આણી રોગથી છૂટકારો મેળવવાનું નક્કી કર્યું હતું. પણ.....

પણ, ત્યાં મારી મુલાકાત એક સપના નામની યુવતી સાથે થઈ અને હવે મારી એની સાથે જીવન જીવવાની ઇચ્છા છે કાકા. મારી બધી દોલત લઈ લો, પણ મને બચાવી લો.”

“બેટા, દોલતથી જીવ મળતો નથી અને અચાનક પિતાની દોલત હાથમાં આવી જતાં તું છકી જઈ શરીરના સોદા કરવાવાળીઓનાં પગથિયાં ન ચડ્યો હોત તો...”

“શું કરું કાકા, આ મિત્રોના રવાડે ચડ્યો ને ત્યાંથી આ એઈડ્સ નામનો રોગ લઈ આવ્યો પણ હવે ગમે તેમ કરી મને આ રોગમાંથી મુક્તિ અપાવો.”

બારણા પછીતે ઊભેલી સપનાની આંખમાં આંસુ અને હોઠો પર એક દર્દીલું સ્મિત આવી ગયું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED