“ કમળા નહાવા માટે જરા ગરમ પાણી કરી આપને. ” ઘરમાં પ્રવેશતાં જ જયંતિલાલે પત્ની ને કહ્યું. ચાનો કપ લઈ કમળાબેન રસોડામાંથી બહાર આવ્યાં. જયંતિલાલના કપાળે હાથ મૂકી જોયું તબિયત તો ઠીક છે ને ?
“ પહેલાં ચા પી લો , પાણીનું તપેલું મુક્યું છે ગરમ થાય એટલે નાહી લેજો. ”
“ ના , પાણી થાય ત્યાં સુધી જરા આડો પડું છું. ચા નાહી ને પીશ. બહુ જ થાકી ગયો છું આજે , પહેલાં નાહીશ એટલે થોડો થાક ઉતરી જશે. ખબર નહી આજકાલ આ વિદ્યાર્થીઓને શું થયું છે ?” કહી જયંતિલાલ ટીવી ચાલુ કરી સોફા પર જરા આડા પડ્યાં. જયંતિલાલે કાઢેલો બળાપો કમળાબેનને સમજમાં ના આવ્યો. એમને આજે જયંતિલાલનું વર્તન વિચિત્ર લાગ્યું. પોતાનું બધું જ કામ જાતે જ કરતાં જયંતિલાલે આજે એમને પાણી ગરમ કરવાનું કહ્યું. કમળાબેનને જરા આશ્ચર્ય થયું. અને શાળાએથી આવીને ચા પીધા વિના તો એ હાથ પગ પણ ધોતાં નહોતા. એમને પહેલાં ચા જોઈતી પછી જ એ કંઈ પણ કામ કરતાં.
જયંતિલાલ એક શાળામાં આચાર્ય હતાં. ચા પીને હાથ પગ ધોઈ બહાર ચાલવા જતાં. એટલા સમયમાં કમળાબેન રસોઈ બનાવી દેતાં. સંજય , એમનો દિકરો , ટ્યુશને થી આવી , જમીને થોડીવાર વાંચવા બેસતો. એ બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. જયંતિલાલ આંટો મારીને આવે પછી નહાય અને કમળાબેન સાથે મજાક કરતાં કરતાં બંને પતિ-પત્ની જમી લે. જમીને જયંતિલાલ થોડીવાર હિંચકે બેસે. કમળાબેન પરવારે એટલે સંજય પણ ફ્રેશ થવા રૂમ માંથી બહાર આવી બંને જયંતિલાલ સાથે જોડાય. કલાકેક વાતો કરતાં , આખા દિવસ ની વિતેલી પળોને બધા એકબીજા સાથે વહેંચતાં. પછી પરિવાર સુવા માટે જતો. વર્ષોથી એમનો આજ નિત્યક્રમ હતો. કોઈને ટીવી જોવાનો ખાસ શોખ નહોતો. જયંતિલાલની હાજરીમાં તો નહીં જ. નાનપણથી જ જયંતિલાલે સંજયને ટીવીની આદત પડવા દીધી નહોતી. આ નિત્યક્રમમાં જયંતિલાલ તરફથી ફેરફાર થયો એટલે કમળાબેનને થોડી ચિંતા થઈ. જયંતિલાલ શિસ્તના ખૂબજ આગ્રહી હતાં. જયંતિલાલનાં મોં પર આજે કંઈક અજીબ થાકનાં ભાવ હતાં એટલે એમને એકાંત આપવાના વિચાર સાથે ચાનો ભરેલો કપ લઈ કમળાબેન પાછાં રસોડામાં જતા રહ્યાં.
ને જયંતિલાલ વિચારે ચડ્યાં. પોતાના પિતાની ઇચ્છા પૂરી કરવા એમણે શિક્ષક બનવાનો નિર્ણય કર્યો હતો. એમનાં પિતા માનતા હતાં કે એક સારા અને સાચા માનવીના ઘડતરમાં એક શિક્ષકનો બહુ મોટો ફાળો હોય છે. એ ઘણીવાર કહેતા “ બેટા જયંતિ , હું સારા એવા રુપિયા મુકીને જઈશ જેથી તને આવકની ચિંતા ના રહે. તું શિક્ષક બનજે અને બાળકોના સારા ભવિના ઘડતરમાં સહાયરૂપ બનજે. તું શિક્ષણને વેચતો નહી અને અવળે માર્ગે ચડી ગયેલા વિદ્યાર્થીઓની સમસ્યા સમજી એને દૂર કરવાનો પ્રયત્ન કરજે. ” એ ભણેલા નહોતાં પણ એમણે એમના દિકરાને સારું શિક્ષણ તેમજ સારા સંસ્કારો આપીને ઉછેર્યો હતો. જયંતિલાલ પોતાના પિતાના વિચારોને અમલમાં મૂકીને જ જીવન જીવતાં હતાં. દરેક વિદ્યાર્થીને એક આદર્શ માનવી બનાવવાનું એમનું સપનું હતું ને એ માટે એ પ્રયત્નો પણ કરતાં. એક શિક્ષક તરીકે શાળામાં જોડાયેલાં ત્યારથી એ જ શાળાના આચાર્ય નિમાયા ત્યાં સુધીની એમની કારકીર્દીમાં આજના દિવસ જેવો એકપણ દિવસ ગયો નહોતો. આજે મનને આઘાત આપે એવી ઘટના બની અને એમના શિક્ષકજીવને વિચારતા કરી ગઈ. બાળકોના મન પર કઈ ઘટનાથી કેવી અસર પડે છે અને એ અસરથી એમને બચાવવા શું કરી શકાય એ બાબતમાં એ વિચારી રહ્યાં હતાં.
એમની આ વિચારધારા તૂટી જ્યારે કમળાબેન એમને નહાવા જવા માટે બોલાવવા આવ્યા. “ તને યાદ છે કમળા ? મહિના પહેલાં અમારી શાળામાં ૯માં ધોરણમાં ભણતી કૃપાએ આત્મહત્યા કરી હતી. ?”
“ હા છાપાંમાં પણ વાંચ્યું હતું. ” કમળાબેન હવે જયંતિલાલ આગળ શું કહે છે એ સાંભળવા ઊભા રહ્યાં પણ એ તો કંઈ પણ બોલ્યા વિના નહાવા ચાલ્યા ગયા. નાહીને આવ્યાં એટલે કમળાબેન ગરમ ચાનાં કપ સાથે રસોડામાંથી બહાર આવ્યાં. જયંતિલાલે ચુપચાપ ચા પીધી અને બહાર નીકળી ગયાં. રોજ મજાક કરતાં કરતાં ચા પીતા જયંતિલાલની આ ચુપકીદી કમળાબેનને ચિંતામાં મુકી ગઈ ને એમની આ ધડમાથાં વિનાની વાતો.........એ ફરીને આવે પછી વાત. ને કમળાબેન કામે વળગ્યાં.
કમળાબેન પરણીને આ ઘરમાં આવ્યાં ત્યારે જયંતિલાલ એકલાં હતાં. એમના પિતાજીનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો હતો. જયંતિલાલનાં સિધ્ધાંત , એમની જીવન જીવવાની રીત , આ બધાથી પ્રભાવિત થઈને કમળાબેનનાં પિતાએ જયંતિલાલ સાથે પોતાને પરણાવ્યાં હતાં. ત્યારથી જ બંને પતિ-પત્નીએ એક નિયમ બનાવ્યો હતો કે દિવસ દરમ્યાન બનેલી દરેક ક્ષણોને સાંજે જમીને એક્બીજાને વહેંચવી.. દીકરાનાં જન્મ પછી પણ આ ક્રમ એમણે જાળવી જ રાખ્યો હતો. સમજણો થતાં દીકરો પણ આ જ ક્રમમાં જોડાઈ ગયો. અત્યારે એમનો દીકરો સંજય બારમા ધોરણ માં આવ્યો પણ સાંજે જમીને મમ્મી-પપ્પા સાથે સમય ગાળવાનો ક્રમ એ કદી ચૂકતો નહીં.
સંજય ટ્યુશને થી આવ્યો એટલે એને જમાડી કમળાબેન જયંતિલાલ ની રાહ જોતાં હીંચકે બેઠાં. જયંતિલાલ નો આંટો મારવા જવાનો નિત્યક્રમ હોવા છતાં આજે એમને જયંતિલાલની ચિંતા થતી હતી. સમય જાણે જતો જ નહોતો. હજી કેમ ના આવ્યા. . ? હજી કેમ ના આવ્યા... ? હીંચકેથી ઉભા થઈ વરંડામાં આમતેમ આંટા મારવા લાગ્યા. સંજયનાં ઓરડામાંથી વરંડો દેખાતો હતો. એણે મમ્મીને આમ આંટા મારતી જોઈ. એ બહાર આવ્યો.
“ મમ્મી શું થયું ? તું કેમ આમ ચિંતામાં છે ?”
“ જો ને દીકરા , આ તારા પપ્પા , હજુ સુધી કેમ ના આવ્યા ? એમને કંઈ થયુ તો નહીં હોય ને ? આજે શાળાએ થી આવ્યાં ત્યારથી ધડમાથાં વિનાની વાતો કર્યા કરે છે. ...”
“ અરે મમ્મી , પપ્પા આવી જશે તું નાહકની ચિંતા કરે છે. છતાં પણ ચાલ તારા સંતોષ માટે હું જોઇ આવું અને મળી જાય તો લઈને જ આવીશ. તું ચિંતા ના કર. ”
સંજય અંદર જઈ ગાડીની ચાવી લઈ આવ્યો અને પપ્પાને શોધવા ગયો. દસ મીનીટમાં જ એ જયંતિલાલને લઈને આવી ગયો. જયંતિલાલને જોતાં જ કમળાબેને પ્રશ્નોનો મારો કર્યો.
“ ક્યાં ગયા હતાં ? આટલી વાર કેમ કરી ? ” ……. ને બીજા કંઈ કેટલાયે...
એક નજર કમળાબેન પર કરી જયંતિલાલ ચુપચાપ અંદર જતા રહ્યાં. હવે કમળાબેને સંજય તરફ પ્રશ્નાર્થ ભરી નજર કરી.
“ પાસેના બાગમાં બાકડા પર એકલાં-એકલાં બેસીને વિચારમાં ખોવાયેલાં હતાં , ત્રણ-ચાર બુમ મારવા છતાં પણ મારી સામે ના જોયું એટલે મારે એમને ઢંઢોળવા પડ્યાં. એમણે મારી સામે એક નજર કરી અને ઉભા થતા જ બબડ્યા.. ‘ આ યોગેશે આવું કેમ કર્યું હશે ? ’ મને કંઈ જ સમજ ના પડી એટલે મેં પુછ્યું શું કર્યું એણે ? તો બોલ્યાં વિના જ ગાડી પાસે જઈને ઉભા રહી ગયાં. મેં એમને દરવાજો ખોલીને બેસવાનું કહ્યું તો પણ મુર્તિની જેમ ઉભાજ રહ્યાં. પછી મેં દરવાજો ખોલીને નાના છોકરાંને બેસાડીએ એમ એમને બેસાડ્યાં . ત્યારે મને કહે કે ,‘ સંજય , તું યોગેશને ઓળખે છે ને ? પેલો ખુબજ સરસ ચિત્રો દોરે છે અને હરિફાઈમાં પ્રથમ આવે છે ? ’ હા પપ્પા બહુજ શાંત છોકરો છે ને ખુબજ હોંશિયાર પણ. આપણે ઘરે પણ આવ્યો હતો તમારા આશીર્વાદ લેવા. તે એણે શું કર્યું પપ્પા ? ને પપ્પા ચુપ. પછી આખા રસ્તે કંઈજ નહી બોલ્યા. એમની તબિયત તો ઠીક છે ને ? ડૉક્ટરને બોલાવીએ ? ”
“ ના દિકરા , હું જોઉં છું. જરૂર લાગશે તો તને બોલાવીશ. એ ઘરે આવી ગયાં એટલે બસ મને શાંતિ થઈ. આજે તો મારી સાથે પણ આવીજ ધડમાથાં વિનાની વાતો કરી. કહે કે એમની એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી એ મને યાદ છે કે નહી ? હશે... જા તું તારે વાંચવા બેસ. તારો અભ્યાસ બગડશે. ”..
“ સારું મમ્મી , પણ ચિંતા જેવું લાગે તો તરત મને બોલાવજે. ” કહી સંજય એનાં ઓરડામાં ગયો. કમળાબેને અંદર જઈ જોયું તો જયંતિલાલ બેઠકરૂમમાં નહોતાં. કમળાબેન એમના સુવાનાં ઓરડામાં ગયાં.
જયંતિલાલ પલંગ પર સુતાં સુતાં છતને તાકી રહ્યાં હતાં. કમળાબેન ઓરડામાં જઈ પલંગ પર એમની પાસે બેઠાં પણ જયંતિલાલની નજર તો છત ઉપરજ હતી. કમળાબેને એમનાં કપાળ પર હાથ ફેરવ્યો. જયંતિલાલે ચમકી ને કમળાબેન તરફ એક નજર કરી અને પાછા છત તરફ જોવા લાગ્યાં. “ જમવું નથી ?”
જયંતિલાલે ડોકું હલાવી ના કહી.
“ થયું શું છે ? આમ મનમાં ને મનમાં ઘુંટાયા ના કરો. મને ચિંતા થાય છે. ” કમળાબેને આજીજી ભર્યા શબ્દોમાં કહ્યું. જયંતિલાલે ફરી એમની તરફ નજર કરી આ વખતે એમની આંખો ભીની હતી. જયંતિલાલની આંખોમાં આંસુ જોઈને એ બેબાકળા બની ગયાં.
“ સંજય ઓ સંજય ” કમળાબેને દીકરાને બુમ મારી. “ તમારું આવું રૂપ મારાથી સહન નથી થતું. ” કમળાબેને જયંતિલાલને ઢંઢોળ્યા ને જયંતિલાલ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં . એમને આમ રડતાં જોઈ કમળાબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા. મમ્મીએ મારેલી બૂમથી સંજય દોડીને આવ્યો અને આ દ્રશ્ય જોઈ ડઘાઈ જ ગયો. પપ્પા સંજયના આદર્શ હતાં. એમને આમ રડતાં જોઈને એને નવાઈ લાગી.
“ મમ્મી , શું થયું ? પપ્પાએ કંઈ કહ્યું ? તમે બંને કેમ રડો છો ?”
“ દીકરા , તારા પપ્પાએ કહ્યું તો કંઈ જ નથી પણ એમની આંખોમાં આંસુ જોઈને મારી આંખોમાં પણ........ ” કમળાબેને ગળગળા સ્વરે કહ્યું
“ હું ડૉક્ટરને બોલાવું છું. ” સંજય જવા લાગ્યો.
“ સંજય ” જયંતિલાલે બૂમ મારી. સંજય અટકી ગયો અને પપ્પા પાસે આવીને ઉભો રહ્યો.
“ બેસ દિકરા , ડૉક્ટરની કોઈ જરૂર નથી. તમારા બંને સાથે થોડી વાત કરી ભાર થોડો હળવો કરી લેવો છે. ”
“ પહેલાં હું પાણી લઈ આવું. પછી વાત કરીએ. ” સંજય રસોડામાંથી પાણી લઈ આવ્યો અને પછી બંને સાથે પલંગ માં જ બેસી ગયો.
પાણી પીને જયંતિલાલ થોડા સ્વસ્થ થયાં. “ યાદ છે મહિના પહેલાં અમારી શાળામાં ૯માં ધોરણમાં ભણતી કૃપાએ........... ”
“ હા , તમે વાત કરી હતી. પણ તેનું આજે શું છે ?” કમળાબેને કહ્યું
“ આજે કંઈક એવો જ બીજો કિસ્સો શાળામાં બની ગયો. રીસેશમાં શાળાના યોગેશ નામના એક વિદ્યાર્થીએ બીજા ચાર વિદ્યાર્થીઓને સળિયા વડે મારીને ઘાયલ કર્યા એમાંથી એક તો ત્યાં જ મૃત્યુ પામ્યો. બીજા ત્રણને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ યોગેશ તો બહુ જ શાંત છોકરો હતો. એ આટલો હિંસક કેમ બની ગયો એ જ સમજાતું નથી. જો મને એની મુશ્કેલીની જાણ હોત તો એને દૂર કરવા મેં જરૂર પ્રયત્ન કર્યો હોત અને આ દુ : ખદ ઘટના રોકી શકાઈ હોત. ” ..
“ પપ્પા , બાળકને શાળા સિવાય પણ કોઈ બાબત હેરાન કરતી હોય. એના માતા-પિતા કે મિત્રો તરફથી પણ કોઈ મુશ્કેલી હોઈ શકે ને ?”
“ હા , કૃપાની બાબતમાં તો એમ જ હતું . આજે જ એની મિત્ર પાસેથી મને એની જાણ થઈ હતી. એના નાના ભાઈને એની પાસે છોડી એનાં માતા-પિતા પાર્ટીઓમાં મસ્ત રહેતાં. કૃપા સમયસર એનું લેશન નહોતી કરી શકતી અને શાળામાં એને સજા થતી. નાના ભાઈ ની સંભાળ રાખવામાં એ અભ્યાસમાં ધ્યાન આપી ન શકી અને એ કારણે પરીક્ષામાં પણ નબળું રિઝલ્ટ આવ્યું. એનાં માતા-પિતાએ ખૂબ મારી અને એણે આ અંતિમ પગલું લઈ લીધું. ”
“ યોગેશની બાબતમાં પણ આવું જ કંઈક બન્યું હોઈ શકે ને પપ્પા ?” સંજયે પપ્પાને આશ્વાસન આપ્યું.
“ હાસ્તો , એવું જ બન્યું હશે. આમ તમે દુ:ખી ના થાઓ. ચાલો જમીલો. ” કમળાબેને કહ્યું ..
“ ભૂખ નથી કમળા. ” જયંતિલાલે કહ્યું.
“ ભૂખા રહેવાથી બધું બરાબર થઈ જતું હોય તો હું પણ તમારી સાથે ભુખી રહું. ”
ભારે મને જયંતિલાલ ઊભા થયા ને જમવા બેઠા. એ નહોતા જાણતા કે યોગેશનાં પિતા એની મમ્મીને મારી મારીને પોતાની દરેક વાત મનાવતા અને એની મમ્મી એ બધો જ ગુસ્સો યોગેશ પર કાઢતી. યોગેશ માર ખાઈ ખાઈને મોટો થયો હતો. એ પોતાની બધી વેદના ચિત્રોમાં ઊતારતો..એને એક સારા નામી ચિત્રકાર થવું હતું ને એના માતા-પિતાએ એને ડૉક્ટર બનાવવો હતો. નેશનલ લેવલ પર પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે એની પસંદગી થઈ હતી પણ ઘરેથી માતા-પિતાએ પરવાનગી ના આપી. એ શાળાના એક ખૂણામાં ઉદાસ બેઠો હતો. એને લાગ્યું કે શાળાનાં બાળકો જાણે એની પર હસી રહ્યાં છે , એની મજાક ઉડાવી રહ્યાં છે. અને ઓચિંતા જ પાસે પડેલા સળિયાથી એણે ચાર વિદ્યાર્થીઓને ખૂબ જ ક્રુરતાથી માર્યા અને ત્યાંથી ભાગી ગયો. પોતાના માતા-પિતા પરનાં ગુસ્સાની સજા કૃપાએ પોતાની જાતને કરી અને યોગેશે ?.... યોગેશે બીજાને ............