એક શુક્રવાર અગાઉના શુક્રવારે એક મજાની ફિલ્મ જોઈ, છીછોરે. જે લોકો હોસ્ટેલમાં રહીને ભણ્યા હશે એમને આ ફિલ્મે મજા જ મજા કરાવી દીધી હશે તેમાં શંકાને સ્થાન નથી. સોશિયલ મિડીયામાં આ ફિલ્મના રિવ્યુ પણ મોટેભાગે એ હોસ્ટેલ અને કોલેજ લાઈફના અનુસંધાને જ આવ્યા છે. પરંતુ જે લોકો ટીનેજ બાળકના માતાપિતા હશે તેમને છીછોરેએ કદાચ અંદરથી ઝંઝોળી નાખ્યા હશે.
કારણકે છીછોરે એ ઘટનાઓ વિષે વાત કરે છે જે આપણને લગભગ દર વર્ષે આપણી આસપાસ અથવાતો અખબારોમાં કે ટીવી ન્યૂઝ ચેનલોમાં ઘટતી જોવા મળે છે. આ વાત છે નાના અથવાતો ટીનેજમાં પ્રવેશેલા બાળકોની પરીક્ષામાં નિષ્ફળ થવાથી કરવામાં આવતી આત્મહત્યાની. છીછોરેમાં ‘looser’ શબ્દને બહુ સારી રીતે અથવાતો એકદમ હકારાત્મક રીતે સમજાવવામાં આવ્યો છે. જો આ જ વાત આપણે આપણા વિધાર્થી બાળકોને સમજાવી શકીશું તો બાળકોની આત્મહત્યાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવી શકે છે.
મોટેભાગે એવું જોવા મળતું હોય છે કે માતાપિતા પોતાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનો ભાર પોતાના બાળકોના નાજુક ખભા પર નાખી દેતા હોય છે. પોતે ડોક્ટર, એન્જીનીયર કે પછી IAS અધિકારી ન બની શક્યા એટલે પોતાનું બાળક જો એમની અપેક્ષા પૂર્ણ કરે તો સમાજમાં એમનો વટ પડી જાય. પરંતુ બાળકને શું થવું છે એની ચિંતા એ પ્રકારના માતાપિતા કરતા નથી અને આથી લોહીમાં જ આર્ટ્સ અથવાતો કળાના કે પછી હિસાબકિતાબના રક્તકણો લઈને જન્મેલો બાળક ડોક્ટર, એન્જીનીયર કે પછી IAS બનવાની ગુમનામ ગલીઓમાં ખોવાઈ જતો હોય છે.
માતાપિતાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓનો ભાર ઉઠાવી શકવામાં નિષ્ફળ નિવડનાર ઉપરાંત, સગાંઓ કે પછી સમાજ શું કહેશે એ વિચારીને બાળક આત્મહત્યાનું અવિચારી પગલું આસાનીથી લઇ લેતું હોય છે. જો કે અહીં આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે છીછોરેનો રાઘવ પોતાના માતાપિતા તરફથી કોઈ અપેક્ષા કે આકાંક્ષા ન હોવા છતાં પોતાના પર સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવાનું અને એ પણ ઊંચા રેન્કથી પાસ થવાનું દબાણ લઇ લે છે અને એમાં નિષ્ફળ જતા આત્મહત્યાની કોશિશ કરે છે.
હા, રાઘવ એવું જરૂર બોલે છે કે માતા પિતા એન્જીનીયરીંગમાં રેન્કિંગ સાથે પાસ થયા હોવાથી તેણે પણ એ જ રીતે પાસ થવું જરૂરી છે. એટલે છીછોરે આપણા આજના વિષયમાં એક નવો એન્ગલ પણ લઈને આવે છે કે દરેક વખતે માતાપિતાની અપેક્ષાઓ કે આકાંક્ષાઓ જ બાળકોને આત્મહત્યા તરફ નથી દોરી જતી, પરંતુ બાળક પોતે જ આગાઉથી વિચારી રાખેલા લક્ષ્યોને પ્રાપ્ત ન કરી શકવાની સ્થિતિમાં આત્મઘાતી પગલું લઇ લેતું હોય છે.
આ તો થઇ સમસ્યા, પણ એનો ઉકેલ શું? ઉકેલ પણ છીછોરે જ બતાવે છે. ફિલ્મમાં અન્ની અને તેના મિત્રો ભલે તોફાન મસ્તી કરતા હોય પરંતુ કોલેજની સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તે લોકો જે મહેનત કરે છે તે તેમનું આખું જીવન બદલી નાખે છે. કારણ માત્ર એક જ છે કે અન્ની અને તેના મિત્રો એક લક્ષ્ય સાથે આગળ વધતા હોય છે અને આ લક્ષ્ય હતું ગોલ્ડ મેડલ જીતવાનું. અન્નીના મિત્રો ભલે ગોલ્ડ મેડલ જીતી નથી શકતા પરંતુ તેમની એ લક્ષ્ય પ્રાપ્ત કરવાની મહેનત તેમની આખી દ્રષ્ટિ બદલી નાખે છે અને ફિલ્મમાં ભલે ન જણાવવામાં આવ્યું હોય પરંતુ આ તમામ મિત્રો સારા માર્કસ સાથે પાસ થઈને મોટી કંપનીઓમાં કામ કરતા જોવા મળે છે.
તો છીછોરેનો છૂપો સંદેશ આ જ છે, કે એ જરૂરી નથી કે તમારા હાથમાં જે કામ હોય તેમાં સફળતા મળે તો જ તમારી દ્રષ્ટિ બદલે. ઘણીવાર એવું પણ બને કે તમારી ઈતર પ્રવૃત્તિમાં મળેલી સફળતા પણ તમારી દુનિયા જોવાની, મહેનત કરવાની અથવાતો લક્ષ્યને જોવાની તમારી દ્રષ્ટિને સમૂળગી બદલી નાખે અને તમારી મુખ્ય પ્રવૃત્તિમાં પણ સફળતા અપાવે. રાઘવની તકલીફ જેટલું ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે એ એવી હતી કે તે કોઈ ઈતર પ્રવૃત્તિ નહોતો કરતો એટલે આખો દિવસ અને આખી રાત તેની પરીક્ષાની મહેનત કરવામાં અને તેના વિષે જ વિચારવામાં જતો, પરિણામે અન્યત્ર સફળતા મળવાના ચાન્સીઝ શૂન્ય હોવાને કારણે તેણે પરીક્ષામાં પસાર થવાનો વધારાનો બોજો પોતાના મન પર લઇ લીધો હતો.
આ તો થઇ એક ક્ષેત્રની સફળતાનો લાભ મુખ્ય અથવાતો અન્ય ક્ષેત્રની સફળતા તરફ વાળવાની વાત જેને કારણે કોઈ વ્યક્તિ સમૂળગો Looser બનવાથી દૂર રહી શકે છે. પણ રાઘવ જેવા કિસ્સામાં અથવાતો કોઇપણ ટીનેજ બાળકના કિસ્સામાં માતાપિતાએ શું કરવું જોઈએ એની વાત પણ અહીં કરવી જરૂરી છે. સાચું કહું તો હું પણ એક ટીનેજ પુત્રનો પિતા છું અને રાઘવના માતાપિતાની જેમ હું અને મારા પત્ની પણ મારા પુત્ર પર શૈક્ષણિક ક્ષેત્રમાં કોઈ ખાસ અપેક્ષા રાખી નથી રહ્યા. પણ આ ફિલ્મ જોયા પછી હું પણ થોડો તો હલી ગયો છું એ સ્વીકાર કરવામાં મને જરાય સંકોચ નહીં થાય.
કારણ એ છે કે આજના બાળકો મારી પેઢીની સરખામણીએ દુનિયા સાથે વધુ ચર્ચા કરે છે, પછી તે સોશિયલ મિડિયા હોય કે પછી મિત્રો બનાવવાની વાત હોય કે વિવિધ વ્યક્તિઓને મળવાની વાત હોય. આજના બાળકને દુનિયાના દરેક ખૂણામાંથી માહિતીનો અને સલાહનો ધોધ આસનીથી મળી જાય છે. પરંતુ તેની ઉંમર આ સલાહ કે માહિતી કેટલી સાચી કે કેટલી ખોટી તે નક્કી કરવા માટે સમર્થ નથી હોતી.
છીછોરેમાં અન્ની અને માયાના અંગત સંબંધો જ એટલા ખરાબ થઇ ગયા હોય છે કે તે રાઘવના ઉછેરમાં કોઈ ખાસ રસ દાખવી શકતા ન હતા. ત્યારબાદ તો તેમના છૂટાછેડા પણ થઇ જાય છે અને તેઓ અલગ રહેવા માંડે છે. અન્ની પોતાના કામમાં વ્યસ્ત હોવાથી તે રાઘવ પર પૂરતું ધ્યાન આપી શકતો ન હતો. ટીનેજ બાળકોના માતાપિતાઓએ આ જ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. એવું તો નથી હોતું કે દરેક ટીનેજરના માતાપિતા વચ્ચે કોઈ પ્રોબ્લેમ હોય.
તો આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણે આપણા બાળક સાથે થોડો સમય વિતાવીએ. એવું જરૂરી નથી કે તેને ભણવામાં મદદ કરવામાં કે પછી તેને સલાહ આપવા માટે જ તેની સાથે થોડું બેસવું જોઈએ. પરંતુ દિવસના અંતે કામકાજ પતાવીને સાથે બેસીને ટીવી જોવું પણ બાળક સાથે સમય પસાર કરવો જ ગણી શકાય કારણકે એ વખતે પણ નાની મોટી ચર્ચા તો થતી જ હોય છે. પણ હા ટીવી વગર તેની સાથે બેસીને ચર્ચા થાય તો તેનાથી રૂડું કશું જ નથી.
ટીનેજ બાળક પર કોઇપણ પ્રકારનો નિર્ણય ઠોકી બેસાડવો તે તેના માટે ઘાતક બની શકે છે. આથી તમે જે નિર્ણય તેના સારા ભવિષ્ય માટે લીધો છે તે તેને સમજાવવા માટે પણ તેની સાથે ચર્ચા કરો. જો એ માની જાય તો ઠીક છે અને જો એ ન માને તો તેને તેણે લીધેલા નિર્ણય પર થોડો સમય ચાલવા દો, જો તેને લાગશે કે તેણે પસંદ કરેલો વિકલ્પ ખોટો હતો તો તે જરૂર તમારી પાસે પરત આવશે અને જો તેણે કરેલો નિર્ણય સાચો પડશે તો તો તેનો આત્મવિશ્વાસ વધવાનો જ છે!
જ્યાં સુધી ભણવાની કે પછી ‘ટકા લાવવાની’ વાત છે તો બાળક પર કોઇપણ પ્રકારનું દબાણ અને તે પણ આપણી અપેક્ષા અને આકાંક્ષાઓ પર નિર્ભર હોય એ કરવાથી તો દૂર જ રહેવું. એક ઉંમર પછી આપણા બાળકના રસના વિષયોની આપણને ખબર પડી જ જતી હોય છે. તો એ ક્ષેત્રમાં તેને આગળ વધવું છે કે કેમ એ તેને પૂછવું પણ જરૂરી હોય છે. આટલું જ નહીં પરંતુ આ પૂછ્યા પછી એ ઉમેરવું પણ જરૂરી છે કે “તારા કોઇપણ નિર્ણયમાં મારો સંપૂર્ણ સાથ રહેશે.”
હું ઘણીવાર સામાન્ય ચર્ચામાં કહેતો હોઉં છું કે જે બાળકને ખુદને ડોક્ટર, એન્જીનીયર કે પછી IAS કે મેનેજમેન્ટનું ભણવું છે તેને ટીનેજ થતા સુધીમાં ખબર પડી જ જતી હોય છે, આથી તે એ પ્રમાણે ગંભીર બનીને મહેનત કરવા લાગે જ છે. હા આ પ્રકારના બાળકને પણ જો કોઈ કન્ફયુઝન હશે તો પણ તે તમારી જવાબદારી છે કે તમે તેનું યોગ્ય માર્ગદર્શન કરો.
તો છીછોરે ફિલ્મ આપણને બધીજ વાતો કરતી વખતે છૂપો સંદેશ એટલેકે બોલિસોફી એ પૂરી પાડે છે કે બાળક સાથે સંવાદ અને સતત સંવાદ કરવો અતિશય જરૂરી છે જેને દરરોજ તાજો રાખવો એ માતાપિતા બંનેની ફરજ છે.
૧૧ સપ્ટેબર ૨૦૧૯, બુધવાર
અમદાવાદ