ડ્રીમગર્લ - નોકરી કરાવે નખરાં!
વર્ષો અગાઉ હૃષિકેશ મુખરજીની ફિલ્મ આવી હતી ‘ગોલમાલ’, જેમાં રામપ્રસાદ દશરથપ્રસાદ શર્મા પોતાની નોકરી બચાવવા માટે એકપછી એક જુઠ્ઠાણાં ઉભા કરે છે. ડ્રીમગર્લ ફિલ્મનો નાયક નોકરી મેળવવા માટે એક મોટું જુઠ બોલે છે અને પછી રામપ્રસાદની જેમ જ એક પછી એક મુશ્કેલીઓમાં ફસાતો જાય છે. આ ફિલ્મની હાઈપ સારીએવી હતી અને ઘણીવાર ફિલ્મ વિષેની હાઈપ ફિલ્મ જોતી વખતે તેને ન્યાય અપાવતી હોય એવું આપણને સતત લાગ્યા કરતું હોય છે.
મુવી રિવ્યુ – ડ્રીમગર્લ
કલાકારો: આયુષ્માન ખુરાના, નુસરત ભરૂચા, મનજોત સિંગ, અભિષેક બેનરજી, રાજેશ શર્મા, નિધિ બિષ્ટ, વિજય રાઝ અને અન્નુ કપૂર
નિર્માત્રીઓ: શોભા અને એકતા કપૂર
નિર્દેશક: રાજ શાંડિલ્ય
રન ટાઈમ: ૧૩૨ મિનીટ
કથાનક: મથુરામાં રહેતા કરમવીર સિંગ (આયુષ્માન ખુરાના) પાસે એક ગોડ ગીફ્ટ છે. આ ગોડ ગીફ્ટ એવી છે કે તે ઈચ્છે ત્યારે સ્ત્રીઓના અવાજ કાઢી શકે છે. બાળપણમાં તે પોતાના ખાસમખાસ મિત્ર સ્માઈલી સિંગની (મનજોત સિંગ) મમ્મીનો અવાજ કાઢીને તેને પોતાની સ્કુલના ટીચરના મારથી બચાવી લેતો હોય છે. યુવાન થયા પછી કરમવીરને તેની આ જ ગોડ ગીફ્ટને લીધે રામલીલા કે પછી કૃષ્ણલીલામાં સીતા કે દ્રૌપદીના રોલ મળવા લાગે છે.
આમ તો તેને દરેક શોના બે હજાર રૂપિયા મળતા હોય છે પરંતુ તેને તેનાથી સંતોષ નથી હોતો. કરમના પિતા જગજીત સિંગ (અન્નુ કપૂર) સ્મશાનયાત્રાના સામાનનો વેપાર કરતા હોય છે પરંતુ તેમના પર છ-છ બેન્કોની લોનનો ભાર હોય છે અને દરેક લોનના અસંખ્ય હપ્તાઓ ચડી ગયા હોય છે. કરમના બે હજાર રૂપિયાથી તેમની લોન પૂરી થવાનો કોઈજ ચાન્સ નથી હોતો. એવામાં કરમ પાસે એક ચોપાનિયું આવે છે જેમાં મહીને ૭૦ હજાર સુધી કમાણી કરવાનો મોકો હોવાનો દાવો કરવામાં આવે છે.
કરમ જ્યારે આ જગ્યાએ પહોંચે છે ત્યારે ત્યાં તે એક કોલ સેન્ટર ચાલતું જોવે છે. અહીં મહિલાઓ પેલી ‘દોસ્ત બનાઈએ’ જેવી એડલ્ટ પ્રકારની લાઈવ ફોન ચેટમાં કામ કરતી હોય છે. પહેલા તો આ કોલ સેન્ટરના માલિક ડબ્લ્યુ જી (રાજેશ શર્મા) પુરુષ હોવાને નાતે કરમને નોકરી આપવાની ના પાડે છે પણ મોકો મળતા જ કરમ તેમને પોતાની ગોડ ગીફ્ટનો ચમત્કાર દેખાડે છે. ડબ્લ્યુ જી તુરંત ઈમ્પ્રેસ થઇ જાય છે અને કરમને નોકરી આપી દે છે.
કરમની ‘ગ્રાહકો’ સાથે લાંબી લાંબી વાતો કરવાની કળા ડબ્લ્યુ જીના કોલ સેન્ટરની કમાણીને દિવસ રાત વધારવામાં મદદ કરે છે, તો સામેપક્ષે ડબ્લ્યુ જી પણ સતત કરમનો પગાર વધારતા જાય છે અને તેને એક કાર પણ ભેટમાં આપે છે. કરમ પિતા જગજીત સિંગની દરેક લોન પણ ઉતારી આપે છે અને તેને માહી (નુસરત ભરૂચા) પણ મળે છે પ્રેમિકા તરીકે. જ્યારે કરમનું જીવન યોગ્ય દિશામાં જઈ રહ્યું હોય છે ત્યાં જ એક નહીં બે નહીં પરંતુ પાંચ પાંચ તકલીફો તેની સામે આવી જાય છે અને તે છે કરમના નહીં પરંતુ તેના અવાજને લીધે તેને છોકરી માની બેઠેલા તેના ચાહકોરૂપી તકલીફો.
રિવ્યુ
જ્યારે કોમેડી ફિલ્મની અપેક્ષા હોય ત્યારે તેની સાથે એ અપેક્ષા પણ જોડાયેલી હોય છે કે પૈસા વસૂલ થઇ જાય એવી કોમેડી જોવા મળશે. પરંતુ ગર્લફ્રેન્ડ એ દ્રષ્ટિએ કાચી પડે છે. ફિલ્મોમાં થોડા થોડા સમયે હાસ્ય છે પરંતુ ખડખડાટ હાસ્યના પ્રસંગો ગણતરીબંધ જ છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના, વિજય રાઝ અને અન્નુ કપૂર જેમની કોમિક એક્ટિંગ અને કોમિક ટાઈમિંગ પર જબરી હથોટી છે એમની ગેરહાજરી જો હોત તો ફિલ્મ કદાચ બોરિંગ બની જાત.
પણ, ફિલ્મ બોરિંગ નથી એટલું ચોક્કસ છે. હા, જેટલી અપેક્ષા ગર્લફ્રેન્ડનું ટ્રેલર જોઇને થઇ હતી એ અપેક્ષા પર ફિલ્મ પાર પડતી નથી એ પણ એટલુંજ સત્ય છે. તકલીફ છે તેની એક લીટીની વાર્તામાં. પૂજા બનતા કરમને ચાર પુરુષો અને એક સ્ત્રી પ્રેમ કરવા લાગે છે, પરંતુ તેમની પૂજાની પાછળ પડવાની રીત લગભગ એક જ છે, અને પછી અહીં વાર્તામાં ગૂંચવાડો સર્જાય છે. એવી જ રીતે આ પાંચેયનો પીછો છોડાવવાની કોશિશ કરતા કરમ ઉર્ફે પૂજાને દરેક કિસ્સા માટે કોઈ અલગ અલગ ઓપ્શન્સ નથી આપવામાં આવ્યા.
જો આ પ્રકારે ફિલ્મમાં જુદા જુદા પાંચ ઓપ્શન્સ આપવામાં આવ્યા હોત તો ફિલ્મ જરૂર ખડખડાટ હાસ્ય પીરસવામાં સફળ થઇ હોત. પણ આગળ કહ્યું તેમ ભલું થજો પેલા ત્રણ કલાકારોનું જેમણે પોતાના ખભે આ દર્શકોને પોતાના પરફોર્મન્સ દ્વારા હસાવવામાં સફળતા મેળવી છે. વિજય રાઝનું પાત્ર નાનું છે, તેને શાયરી કરતો પોલીસ બતાવવામાં આવ્યો છે પરંતુ તેની બે-ત્રણ શાયરીઓ જ આપણને કહેવામાં આવી છે. વિજય રાઝના પાત્રને યોગ્ય રીતે વિકસિત કરવામાં નથી આવ્યું જે તેને અન્યાય કરવામાં આવ્યો છે તેમ જરૂર કહી શકાય.
નુસરત ભરૂચા જે લવ રંજનની ફિલ્મોમાં એક અલગ જ રૂપમાં જોવા મળી છે તે અહીં આયુષ્માનની પ્રેમિકા તરીકે જુદા સ્વરૂપમાં જોવા મળી છે જે રિફ્રેશિંગ છે. જો કે તેને પોતાની એક્ટિંગ સ્કીલ દર્શાવવાની તક એટલી બધી નથી મળી જેટલી તેને પ્યાર કા પંચનામાના બંને ભાગમાં કે પછી સોનુ કે ટીટુ કી સ્વીટીમાં મળી હતી.
આયુષ્માન ખુરાના ઉપરાંત આ ફિલ્મનો બીજો કોઈ જીવ હોય તો તે છે અન્નુ કપૂર. આ બંને કલાકારોને અગાઉ આપણે વિકી ડોનરમાં એકબીજા સાથે સૂર મેળવતા જોઈ ચૂક્યા છીએ. અહીં બાપ-દીકરા તરીકે પણ આ બંને જામે છે. એમાંય અન્નુ કપૂર એક સીધાસાદા અને ભોળા જગજીત તરીકે દેખાયા બાદ ઈન્ટરવલ પછી જે રંગ બદલે છે તે જોવામાં મજા આવે છે. આ ઉપરાંત અન્નુ કપૂર અને આયુષ્માન તેમજ મનજોત સિંગનો હોટલનો સીન આ ફિલ્મની હાઈલાઈટ છે. આ દ્રશ્યમાં અન્નુ કપૂરની અદાકારી ખીલીને ઉભરી આવે છે.
આયુષ્માન ખુરાના વિષે જેટલું કહીએ એટલું ઓછું છે. આ ટેલેન્ટેડ કલાકારની શરૂઆતની ફિલ્મો એટલી બધી ચાલી ન હતી પરંતુ હા તેમાં તેની અદાકારી જરૂર વખણાઈ હતી, અને હવે તેને છેલ્લા ઘણા વર્ષોથી સફળતા પણ મળવા લાગી છે. તેની આ સફળતાને લીધે મળેલો આત્મવિશ્વાસ ફિલ્મમાં સ્પષ્ટપણે દેખાય છે. ભલે અન્નુ કપૂરનો સાથ હોય પરંતુ આયુષ્માન ખુરાના એકલેહાથે ફિલ્મને બોરિંગ બનતી અટકાવવામાં સફળ થાય છે. હા નુસરત ભરૂચા સાથે એની રોમેન્ટિક કેમિસ્ટ્રી એટલી બધી નથી જામતી પરંતુ કદાચ તેની પાછળનું કારણ એ હોઈ શકે કે ફિલ્મમાં આ બંને વચ્ચે એટલા રોમેન્ટિક દ્રશ્યો છે જ નહીં.
આ ઉપરાંત ફિલ્મમાં કેટલીક ટેક્નીકલ ભૂલો પણ છે. પહેલી ભૂલ તો એ કે ઉત્તર પ્રદેશના મથુરાથી હરિયાણાના દિલ્હી પાસે આવેલા ફરીદાબાદ સુધી પહોંચવા માટે લગભગ અઢી કલાક થાય છે, આવું ગુગલ મેપ કહે છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાને દરરોજ શરૂઆતમાં બાઈક પર અને બાદમાં કારમાં મથુરાથી ફરીદાબાદ નોકરી કરવા જતો હોય એવું દેખાડવામાં આવે છે. આપણા દેશમાં મુંબઈ જેવા મહાનગરમાં લોકો ખરેખર દરરોજ પાંચ કલાક માત્ર નોકરી માટે આવનજાવન માટે કરતા હોય છે પરંતુ બે શહેર વચ્ચે કોઈ આવું કરી શકે? કોઈ મથુરાનો વાચક હોય તો કમેન્ટ્સમાં જરૂર પ્રકાશ પાડે.
બીજું કરમજીતનું કોલ સેન્ટર મથુરામાં છે કે ફરીદાબાદમાં એમાં પણ થોડો ગૂંચવાડો છે. પહેલા તો એ નોકરી માટે ફરીદાબાદ જતો હોય એવું દેખાડે છે પરંતુ ડબ્લ્યુ જી તેને મળવા તેને ઘેર એ રીતે આવે છે કે જાણેકે એ પણ મથુરામાં જ રહેતા હોય. ચાલો એ પણ માની લીધું કે કોલ સેન્ટર મથુરામાં છે, પરંતુ મથુરામાં થયેલા ગુનાની ફરિયાદ ફરીદાબાદના પોલીસ સ્ટેશનમાં કેમ કરવામાં આવી કે ત્યાંનો હવાલદાર આરોપીને પકડવા મથુરા આવે? અને આવે તો આવે પણ હવાલદાર આવે? ઇન્સ્પેકટર ન આવે?
થોડી આવી ટેક્નીકલ ભૂલો હોવા છતાં, ગર્લફ્રેન્ડ બોરિંગ ફિલ્મ નથી, બીલો એવરેજ નહીં પરંતુ એવરેજ ફિલ્મ છે. આથી આ ફિલ્મ જોવી કે ન જોવી એના સંપૂર્ણ હક્ક આ રિવ્યુ વાંચનાર વાચકોને સ્વાધીન છે.
૧૪ સપ્ટેબર ૨૦૧૯, શનિવાર (ભાદરવી પુનમ)
અમદાવાદ