છીછોરે મુવી રિવ્યુ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છીછોરે મુવી રિવ્યુ

આપણા બાળકોને નિષ્ફળતાના પાઠ ભણાવવા પણ જરૂરી છે

ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ ફિલ્મનું ટ્રેલર તમને ફિલ્મની એક સાઈડ જ બતાવે અને જ્યારે તમે આખી ફિલ્મ જુઓ ત્યારે તમને કશુંક અલગ જ જોવા મળે. આવા સમયે કાં તો ટ્રેલરે જગાવેલી આશા ફિલ્મમાં નિરાશામાં પરિવર્તિત થાય નહીં તો તમને ટ્રેલરના પ્રમાણમાં ફિલ્મ સુખદ આંચકો આપનારી બને. છીછોરેના કિસ્સામાં ટ્રેલર અને ફિલ્મ સાવ અલગ નીકળ્યા છે, તો ચાલો જોઈએ કે ફિલ્મ કેવી છે.

મુવી રિવ્યુ – છીછોરે

કલાકારો: સુશાંત સિંગ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, તાહિર રાજ ભસીન, નવિન પોલીશેટ્ટી, તુષાર પાંડે, સહર્ષ કુમાર શુક્લા અને પ્રતિક બબ્બર

નિર્માતા: સાજીદ નડીયાદવાલા

નિર્દેશક: નિતેશ તિવારી

રન ટાઈમ: ૧૪૫ મિનીટ

કથાનક: અનિરુદ્ધ (સુશાંત સિંગ રાજપૂત) મુંબઈની ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં ભણવા જાય છે. આમ તો તે અપર મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડ ધરાવતો હોય છે પરંતુ તેને હોસ્ટેલ 4 એટલેકે H4માં એડમીશન મળે છે જ્યાં સમગ્ર કોલેજના નઠારા એટલેકે છીછોરા છોકરાઓ જ રહેતા હોય છે. પોતાનું જબરદસ્ત રેગીંગ થયું હોવા છતાં અનિરુદ્ધ તેના આ નવા મિત્રો સાથે એવો તો તાલ મેળવે છે કે તે એમનામાંનો જ એક બની જાય છે.

આ કોલેજમાં દર ૫ છોકરાઓએ એક છોકરી હોય છે એટલે કોલેજમાં છોકરીઓની આસપાસ છોકરાઓનું ટોળું ફરતું દેખાય છે. આવામાં અનિરુદ્ધનું દિલ માયા (શ્રદ્ધા કપૂર) પર આવી જાય છે અને માયા પણ અમુક સમય બાદ અનિરુદ્ધને પ્રેમ કરવા લાગે છે. કોલેજમાં પણ અનિરુદ્ધ જેનું નામ હવે અન્ની પડી ગયું હોય છે તેના બીજા પાંચ મિત્રો હોય છે. સેક્સા (વરુણ શર્મા), ડેરેક (તાહિર રાજ ભસીન), એસીડ (નવિન પોલીશેટ્ટી), મમ્મી (તુષાર પાંડે) અને બેવડા (સહર્ષ કુમાર શુક્લા)

કોલેજમાં અન્નીની H4 અને શ્રીમંતોના સંતાનો જ્યાં રહે છે તે H3 હોસ્ટેલો વચ્ચે પરંપરાગત દુશ્મની હોય છે. H3નો કેપ્ટન રેગ્ગી (પ્રતિક બબ્બર) કાયમ H4 સાથે કોઈના કોઈ મુદ્દે ઝઘડવાની તક જ શોધતો હોય છે. એવામાં કોલેજની વાર્ષિક સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ GC આવે છે જેને H4એ ક્યારેય જીતી નથી હોતી. ડેરેકનું આ છેલ્લું વર્ષ હોય છે એટલે અન્ની અને તેના મિત્રો કોઇપણ ભોગે આ વર્ષની GC જીતવાની પ્રતિજ્ઞા લે છે અને રેગ્ગી તેમને હરાવીને તેમના પર રહેલો Loosers નો ટેગ કાયમી રાખવાનો નિશ્ચય લે છે.

જો કે અન્નીની કોલેજની આ વાર્તા તો વર્ષો અગાઉ ભજવાઈ ચૂકી હોય છે કારણકે અન્ની અને તેના આ તમામ મિત્રો આ વાર્તા આપણી સાથે અન્નીના એકમાત્ર પુત્ર રાઘવને કરતા હોય છે જે એક હોસ્પિટલના ICUના બિછાને જીવન મરણ વચ્ચેનું યુદ્ધ લડી રહ્યો હોય છે.

રિવ્યુ

જ્યારે પણ કોઈ ફિલ્મ મનોરંજન સાથે મેસેજ આપે ત્યારે આ રિવ્યુકારને એ ફિલ્મ ઘણી ગમી જતી હોય છે. એવું નથી કે દરેક ગમતી ફિલ્મ મેસેજ આપતી જ હોવી જોઈએ પરંતુ મેસેજ આપનારી ફિલ્મ દિવસો સુધી મન પર તેની છાપ છોડી જતી હોય છે. છીછોરેમાં પણ એક સુંદર સંદેશ આપવામાં આવ્યો છે અને તે સંદેશ છે કે જીવનમાં કોઇપણ ક્ષેત્રમાં મળેલી કોઇપણ પ્રકારની હાર એ જીવનનો અંત નથી. આ સંદેશ વિષે આપણે આવનારા દિવસોમાં માતૃભારતી પર જ મારી બોલિસોફી કોલમમાં ચર્ચા કરીશું.

પરંતુ જેમ આગળ વાત કરી તેમ છીછોરે ફિલ્મનું ટ્રેલર અને ખરેખરી ફિલ્મ વચ્ચે આસમાન જમીનનો ફરક છે. ફિલ્મનું ટ્રેલર એ સ્પષ્ટપણે ફિલ્મનું માર્કેટિંગ જ છે કારણકે ટ્રેલર જોતા ફિલ્મ કોમેડી હોય એવો આભાસ થાય છે પરંતુ જ્યારે ફિલ્મ જોઈએ ત્યારે ખબર પડે છે કે અહીં કોમેડી તો માત્ર સમર્થક તરીકેનું કામ કરે છે જ્યારે ફિલ્મ તો એક ગંભીર વિષય પર આધારિત છે. આ ગંભીર વિષય છે સ્કુલમાં કોઈ પરીક્ષામાં નિષ્ફળ જનારા વિદ્યાર્થીઓ દ્વારા અણસમજ બનીને કરવામાં આવતા આપઘાત.

જ્યારે ફિલ્મ અન્નીની હોસ્ટેલ લાઈફ દર્શાવતી હોય છે ત્યારે તે મોટેભાગે હળવાશથી ભરપૂર હોય છે પરંતુ જ્યારે તે અન્નીની હાલની પરિસ્થિતિ પર આવે છે ત્યારે તે ગંભીર બને છે. આ સમયે ફિલ્મ થોડી ધીમી ચાલતી હોય એવું ફિલ જરૂર થાય છે, પરંતુ આ ગંભીરતા જ છીછોરે જે સંદેશ આપવા માંગે છે તેના માટે અત્યંત જરૂરી પણ છે.

વરુણ શર્મા સેક્સા તરીકે છવાઈ જાય છે અને એક રીતે જોવા જઈએ તો તેની પડદા પરની ઈમેજને અનુરૂપ પણ તેનો આ રોલ છે. જો ફિલ્મમાં સહુથી વધુ મજા કોઈ કરાવે છે તો તે વરુણ શર્મા ઉર્ફે સેક્સા જ છે. ત્યારબાદ નવિન પોલીશેટ્ટી ઉર્ફે એસીડ પણ રંગ જમાવે છે. આમતો તેનો સ્વભાવ ગુસ્સાવાળો દેખાડવામાં આવ્યો છે પરંતુ જરૂર પડે એ પણ હળવાશ લાવવામાં મદદરૂપ થાય છે. અન્ય સમર્થક અદાકારોમાં પ્રતિક બબ્બરે અન્ડર પ્લે કરીને નકારાત્મક ભૂમિકા બખૂબી નિભાવી જાણી છે. શ્રદ્ધા કપૂર માટે સપોર્ટીંગ રોલ સિવાય બીજું કશું જ કરવાનું આવ્યું નથી આથી તે જરૂર પડે પોતાનો ભાગ ભજવી જાય છે.

પરંતુ છીછોરેમાં સુશાંત સિંગ રાજપૂત જબરદસ્ત સુધારા સાથે રજૂ થયો છે. માતૃભારતી પર કેદારનાથ ફિલ્મના રિવ્યુમાં મેં મુદ્દો ઉઠાવ્યો હતો કે સુશાંતને જો સુપર સ્ટાર બનવું હશે તો તેણે એકધારી એક્ટિંગ અને એક જ પ્રકારના એક્સપ્રેશનથી મુક્તિ મેળવવી પડશે. છીછોરેમાં સુશાંત સિંગ રાજપૂત A ONE કક્ષાની અદાકારી કરતા જોવા મળ્યો છે અને ઈમોશનલ તેમજ આશ્ચર્ય પમાડે એ રીતે કોમેડી દ્રશ્યોમાં પણ તે સારોએવો ખીલ્યો છે. જો સુશાંત માટે આ સુપર સ્ટાર બનવા તરફની એક શરુઆત છે તો તે ઘણી સારી શરૂઆત છે એમ જરૂરથી કહી શકાય.

ફિલ્મમાં જે એકાદી બાબત ખટકી એમાંથી એક છે મેકઅપ. શું દરેક પુરુષ કલાકારને ઉંમરવાન દેખાડવા માટે ક્યાંકને ક્યાંક નાની કે મોટી ટાલ દેખાડવી જરૂરી હતી? આપણી આસપાસ આપણે ઘણા ૪૫-૫૦ વર્ષના પુરુષોને જોઈએ છીએ જે તમામ ટાલીયા નથી હોતા. અમુકના વાળ થોડાઘણા ધોળા હોય છે તો અમુકના તો એ ઉંમરે પણ વાળ કુદરતી રીતે કાળા હોય છે તો મોટાભાગના વાળને કાળો રંગ પણ કરાવતા હોય છે. પરંતુ અહીં લગભગ બધાને ઓછા વત્તા અંશે ટાલ પાડી દેવામાં આવી છે. ઉપરાંત સુશાંતની દાઢી પણ ખોટી છે એવું સતત સાબિત કરતી રહે છે.

આ ઉપરાંત ફિલ્મમાં વરુણ શર્માના કેટલાક ડાયલોગ કે તેના કેટલાક ઈશારાઓ અમુક ઉંમરના બાળકોને દેખાડવા યોગ્ય નથી લાગતા. આથી ફેમિલી સાથે જોઈ શકાય એવી આ ફિલ્મમાં આવા બે-ત્રણ દ્રશ્યો થોડા ખટક્યા છે, પરંતુ તેમ છતાં ફિલ્મ પરિવાર અને ખાસકરીને ટીનેજર બાળકોને દેખાડવી જરૂરી પણ છે.

જો બાળકોને ‘નિષ્ફળતાના પાઠ’ ભણાવવાની જરૂર તમને લાગતી હોય તો છીછોરે ફિલ્મ તમારે જરૂર જોવી જોઈએ. જો તમને મનોરંજન પણ જોઈતું હોય તો પણ છીછોરે તમારા માટે છે જ.

૭ સપ્ટેબર ૨૦૧૯, શનિવાર

અમદાવાદ