Prem ke pratishodh - 28 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે પ્રતિશોધ - 28

પ્રેમ કે પ્રતિશોધ-28

(આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રાજેશભાઈ વચ્ચે પ્રેમ વિશેની વાતચીતમાં રાજેશભાઈએ જણાવ્યું કે પ્રેમને એના મિત્રના ઘરે મોકલવો એ એમની ભૂલ હતી)

હવે આગળ......

અર્જુને પૂછ્યું,“ભૂલ, એવું તે શું થયું હતું?"
રાજેશભાઈએ જવાબ આપતાં કહ્યું,“મને એમ હતું કે પ્રેમ ત્યાં થોડા દિવસો રહેશે એટલે એની મનોસ્થિતિમાં થોડો સુધારો થશે, પણ મને ક્યાં ખબર હતી કે ત્યાં જઈને ખરાબ આદતોમાં સંડોવાઈ જશે... અને એ પણ મારા મિત્રના દીકરા સાથે રહીને દારૂ અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનું સેવન કરવા લાગ્યો."
“ઓહ!, તો તમને ક્યારે ખબર પડી કે પ્રેમ નશાકારક પદાર્થોનું સેવન કરે છે?"રમેશે પૂછ્યું.

“એ જ્યારે પંદરેક દિવસ ત્યાં રહીને અહીં આવ્યો ત્યારે, શરૂઆતમાં તો મને ખબર ન પડી કારણ કે એને અહીં દારૂ કે ડ્રગ્સ ક્યાંય મળતું નહીં, પણ જેને આદત પડી ગઈ હોય તે તો ગમે તેમ કરીને આવા પદાર્થો મેળવી જ લે.... અને થયું પણ એમ જ પ્રેમ રોજ સાંજે ઘરેથી નીકળી જતો અને એ પણ મારી ગેરહાજરીમાં જ!, એ જાણતો હતો કે મારું કામ જ એવું છે કે હું દરરોજ રાત્રે 11 વાગ્યા આસપાસ ઘરે આવતો હતો. જેથી એ 10 વાગ્યે તો ઘરે પરત આવીને નોકરોને કહી દેતો કે,“પપ્પા આવે તો કહી દેજો કે પ્રેમ સુઈ ગયો છે."

સમશેરે પૂછ્યું,“તો તમને ક્યારે ખબર પડી?"

એક દિવસ હું વહેલો ઘરે આવી ગયો અને આવીને ગિરધરને પૂછ્યું તો જાણવા મળ્યું કે પ્રેમ ઘરે હાજર નથી એટલે હું પ્રેમની રાહ જોઈ રહ્યો હતો મને એમ કે પ્રેમ સાથે કેટલો સમય થયા બરાબર વાતચીત નહોતી કરી તો પ્રેમ જમવા માટે આવે ત્યારે બંને હારે જમશું..... પ્રેમ આવ્યો ખરો અને મને ઘરે વહેલો આવીને જોઈ આશ્ચર્યમાં પડી ગયો. અંદર પ્રવેશતાં જ એણે પૂછ્યું.
*******
“કેમ પપ્પા આજે વહેલા આવી ગયા?"
“આજે કઈ વધારે કામ નહોતું અને મેં વિચાર્યું કે તું સુરતથી આવ્યો પછી આપણે સાંજે ભોજન સમયે મળ્યા જ નથી તો આજે સાથે ડિનર કરીએ"
પ્રેમ પોતાના રૂમમાં જવા માટે દાદરા તરફ ચાલ્યો,“પ્રેમ, જમવું નથી તારે?, હું તારી રાહ જોઉં છું."
“પપ્પા હું ફ્રેન્ડ્સ સાથે બહાર ડિનર કરીને જ આવું છું. તમે જમી લ્યો."
“તો વાંધો નહીં પણ હું જમી લવ એટલી વાર મારી બાજુમાં તો બેસ?"
પ્રેમ મક્કમ પગલે ડાઈનિંગ ટેબલ બાજુ ચાલ્યો ખુરશી પર બેસવામાં પણ એ લથડ્યો અને એના મુખમાંથી દારૂની વાસ આવતી હતી...
રાજેશભાઈનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો,“પ્રેમ તે ડ્રિન્ક કર્યું છે?"
પ્રેમ કઈ જવાબ ન આપી શક્યો.
રાજેશભાઈએ બાજુમાં જઈને પ્રેમના ગાલ પર એક સણસણતો તમાચો ચોડી દીધો. પ્રેમ ખુરશી પરથી નીચે પડી ગયો. રાજેશભાઈએ એને ઉભો કરી ખુરશીમાં બેસાડીને પૂછ્યું,“ક્યારથી ડ્રિન્ક કરે છે? હું તારા માટે દિવસ-રાત મહેનત કરુંને...પ્રેમ મારે શું કરવું તારું...."
“પપ્પા સોરી, સુરતમાં અંકિત જોડે હતો ત્યારે....."
“ઓહ તો અંકિતના પપ્પાને ખબર હતી કે તમે બંને?"
“ના પપ્પા, અમે રોજ સાંજે ઘરેથી નીકળીને ડાન્સબારમાં જતા ત્યાં અંકિતે મને...."પ્રેમ થોઠવાતાં અવાજે આટલું જ બોલી શક્યો.
“મેં તને ત્યાં મોકલ્યો હતો કારણ કે મને એમ કે ત્યાં જઈશ તો તારા મનને કઈક શાંતિ મળશે અને તું જૂનું ભૂલીને આગળ વધીશ પણ પ્રેમ તે તો ઉલટાનું...."રાજેશભાઈ આટલું બોલી અટકી ગયા.
“પપ્પા, અંકિતે જ મને કહ્યું કે ડ્રિન્ક કરવાથી મને ફાયદો થશે, મારુ ટેન્શન ઓછું થશે, અને એવું જ થયું પપ્પા..."
“આ ખરાબ આદત છે બેટા, ડ્રિન્ક કરીને તું તારું નુકસાન જ કરે છે."
“ના પપ્પા, મને ફાયદો જ થયો છે. ડ્રિન્ક કરીને હું ટેન્શન મુક્ત થઈ જાવ છું. હું મારા માં જ ખુશ રહું છું. નથી કોઈનો વિચાર આવતો કે ન કોઈ ટેન્શન..."
“મેં તારું ટેન્શન ઓછું થાય એટલા માટે જ તને સુરત મોકલ્યો હતો. ના કે ખરાબ સંગતમાં પડવા માટે...... તું એક કામ કર અત્યારે સુઈ જા કાલથી સવારે મારી સાથે આવવાનું છે તારે."
“પણ ..."પ્રેમ હજી કઈ આગળ બોલે તે પહેલાં રાજેશભાઈએ ગિરધરને બોલાવીને પ્રેમને રૂમ સુધી છોડી આવવા કહ્યું.
ગિરધર પ્રેમને રૂમ સુધી છોડીને પરત આવ્યો એટલે રાજેશભાઈએ પૂછ્યું,“ રોજ પ્રેમ ડ્રિન્ક કરીને આવે છે?"
ગિરધરે જવાબ આપતાં કહ્યું,“ એ તો ખબર નહી સાહેબ, પ્રેમ રોજ આવીને રૂમમાં જતો રહે છે. અને હું મારા કામમાં વ્યસ્ત હોઉં એટલે મેં ક્યારેય ધ્યાન નથી આપ્યું."
“ok, તું તારું કામ કર." આટલું કહી રાજેશભાઈ પણ પોતાના રૂમ તરફ ચાલ્યા.
******

“તો પછી બીજા દિવસથી તમે પ્રેમને ઓફિસે સાથે લઈ જતા?" રામસિંગે પૂછ્યું.
“હા, હું પ્રેમને બીજા દિવસે સાથે લઈ ગયો. અને પછી તો દરરોજ હું પ્રેમને સાથે જ લઈ જતો. પણ કહેવાઈ છે ને કે એક વખત કોઈક આદત પડી જાય એને આપણે છોડી શકતા નથી. અને ખરાબ આદત તો છોડવી એટલે નામુંકીન કાર્ય!. અને દરેક જગ્યાએ તો પ્રેમને મારી સાથે ન લઈ જઈ શકું. બસ આ જ કારણે પ્રેમ એના વ્યસનને છોડી ન શક્યો અને મારી સામે નહીં પણ મારી ગેરહાજરીમાં તો તે ગમે તેમ કરીને પોતાનાં માટે દારૂની વ્યવસ્થા કરી લેતો... હું પ્રેમને એક કાઉન્સલર પાસે પણ લઈ ગયો હતો. પણ પ્રેમનું વ્યસન ન છૂટ્યું તે ન જ છૂટ્યું!, અને કદાચ એ છોડવા જ નહોતો માંગતો એમ કહીએ તો પણ ચાલે. એને ડ્રિન્ક કરવાથી રિલેક્સ ફિલ થતું હશે એટલે કદાચ....."
“તો હવે તેને એના મિત્રો પ્રત્યે મતલબ કે વિનય અને બીજા બધા પ્રત્યે મનમાં એવો જ ગુસ્સો હતો કે?"રમેશે પૂછ્યું.
“મને તો ક્યારેય કઈ કહ્યું નહોતું એના મિત્રો વિશે પણ હા એને કોલેજમાં અપમાનિત થવું પડ્યું હતું એ તો કેમ ભુલાઈ!, આપણે પણ કદાચ કોઈએ બે કડવા શબ્દો કહ્યા હોઈ અથવા આપણું અપમાન કર્યું હોય તો નથી ભૂલતાં, પ્રેમ તો હજી યુવાન હતો અને તમે જાણો જ છો અત્યારના છોકરાઓ કોઈ વાત મનમાં લઈ લે તો ભૂલતાં જ નથી....."
“એક દિવસ હું સાંજે મારી ઓફિસે હતો અને પ્રેમને તેના મિત્રનો ફોન આવ્યો એટલે કાર લઈને ત્યાં ગયેલો કદાચ તેના કોઈ ફ્રેન્ડનો જન્મદિવસ હતો તેની પાર્ટીમાં ગયેલો અને ત્યાંથી મારો પ્રેમ પાછો ઘરે આવ્યો જ નહીં!"આટલું બોલતાં તો રાજેશભાઈ ગળગળા થઈ ગયા.
અર્જુને રમેશને સંકેત વડે રાજેશભાઈને પાણીનો ગ્લાસ આપવાનું કહ્યું અને રાજેશભાઈને પૂછ્યું, “એટલે કે પ્રેમનું......?"
રાજેશભાઈએ એક જ શ્વાસમાં પાણીનો ગ્લાસ ખાલી કરી નાખ્યો અને ગ્લાસ નીચે મૂકતાં કહ્યું,“હા ઓફિસર, મને હજી યાદ છે રાત્રે બરાબર 1 વાગીને 25 મિનિટે મને ફોન આવ્યો. અને કોલ પર સામે મહેસાણાના ઇન્સપેક્ટર દિલીપ હતા અને એમણે કહ્યું કે,“ Mr. રાજેશ GJ1PR0808 નંબર તમારી ગાડીના છે?"
મને તો એમ થયું કે નક્કી પ્રેમને ડ્રિન્ક અને દ્રાઈવના કેસમાં પકડ્યો હશે. એટલે મેં કહ્યું કે,“જી હા, પણ એ કાર તો મારો દીકરો પ્રેમ લઈ ગયો છે. શું થયું છે ઓફિસર?"
એમનો જવાબ સાંભળીને મારા હાથમાં રહેલો ફોન નીચે પટકાયો અને જાણે બે ક્ષણ માટે તો મારું હૃદય ધબકવાનું ભૂલી ગયો. એમનો જવાબ હતો કે,“ તમને એ જણાવતાં બહુ દુઃખ થાય છે કે તમારી કારનું એક્સિડેન્ટ થયું છે અને એ એક્સિડેન્ટમાં તમારા પુત્રનું ઘટના સ્થળે જ અવસાન થયું છે. તમે અહીં મહેસાણા બાઈપાસ હાઇવે પર હોટેલ ગ્રીનવિલાથી બે કિલોમીટર આગળ અમદાવાદ તરફ જતા રસ્તા પર આવી જાવ...."
“મને હજી યાદ છે. હું એમ જ બાઘાની જેમ એ જ સ્થિતિમાં સામાન્ય રીતે અડધો કલાક જેટલો સમય લાગે ત્યાં 15 મિનિટમાં પહોંચ્યો. અને જઈને જોયું તો........"

(ક્રમશઃ)

*****

થોડા-ઘણા વાચક મિત્રોને મેસેજ આવ્યા કે તેમના મતે આ બધી હત્યાઓ પાછળ કોણ છે. અને જેમણે પણ મને મેસેજ દ્વારા જણાવ્યું તેમનો ધન્યવાદ.....
આ સ્ટોરી લગભગ પૂર્ણ થવા તરફ અગ્રેસર છે તો કોઈ પણ વાચક મિત્ર પોત-પોતાના અનુમાનો અને અભિપ્રાયો કોમેન્ટ દ્વારા કે મેસેજ દ્વારા જણાવી શકે છે.

આભાર.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED