વંચિત નિમિષા દલાલ્ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંચિત

‘અરે, ઘણું મોડું થઈ ગયું. આ પ્રીત પણ સ્કૂલેથી આવી ગયો હશે. મને જોશે નહીં તો રડવા બેસશે. આ યુવાનિયાઓ, આડેધડ વાહનો ચલાવીને અકસ્માત કરે ને બીજા લોકોને ટ્રાફિકથી હેરાન થવાનું. હે ભગવાન..’ સ્વગત બબડતી સ્વરાએ સ્કૂટર એપાર્ટમેંટના પાર્કિંગમાં પાર્ક કર્યું અને લગભગ દોડતી પેસેજમાંથી લિફ્ટ પાસે આવી. લિફ્ટ નીચે આવે એટલી ધીરજ નહોતી. તેણે બે-ત્રણ વાર બટન દબાવ્યું. ચોથા માળે આવીને તેણે ઘર તરફ જોયું પ્રીત આવી ગયો હતો પણ રડતો નહોતો. સામેના ફ્લેટમાં રહેતા સંગીતાબહેન સાથે રમતો હતો. જરાક વાર માટે તે ગભરાઈ ગઈ. સોસાયટીમાં રહેતી અન્ય બહેનોએ કરેલી વાત તેને યાદ આવી. એણે જલ્દી જલ્દી લોક ખોલી સંગીતાબહેન સામે પરાણે સ્મિત કરી આભાર માન્યો અને પ્રીતને ઘરમાં લઈ તરત બારણું બંધ કરી દીધું. પ્રીતને ગળે, કપાળે, છાતીએ હાથ અડાડી જોઇ લીધું કે તાવ તો નથી ને, પછી પોતે જ પોતાની એ હરકત પર હસી પડી.

“શું થયું મમ્મી તું કેમ આવું કરે છે ?”

“કંઈ નહીં. ચાલ હાથ-પગ ધોઈ કપડા બદલીને આવ. હું દૂધ બનાવું છું. પછી નીચે રમવા જજે.” સ્વરાએ પ્રીતના યુનિફોર્મના બટન કાઢતા કહ્યું. પ્રીત બાથરૂમ તરફ દોડી ગયો અને તે એને જોઇ રહી કંઈક અલગ વર્તનની અપેક્ષા રાખતી સ્વરાને બધું નોર્મલ લાગ્યું અને તે રસોડામાં ગઈ.

“દર્શિન, આ સંગીતાબહેન તને થોડા વિચિત્ર નથી લાગતા ?” ડીનર લેતાં સ્વરાએ પૂછ્યું

“કેમ એમ કહે છે ? મને તો એ કંઈ વિચિત્ર નથી લાગતા.”

“આ પંદર દિવસથી આપણે આ ઘરમાં આવ્યા છીએ, પણ એક વાર પણ આપણી સાથે ન તો વાત કરવા આવ્યા ન તો એ પતિ-પત્નીમાંથી કોઇ મદદની જરૂર છે ? એમ પૂછવા આવ્યા.”

“તે તારે એમની મદદની જરૂર છે ? વાત કરું ?”

“ના હવે, એમ નહીં.” સ્વરાએ છણકો કર્યો. “

“આ તો મેં માર્ક કર્યું છે કે, એ નાના બાળકો એકલા હોય ત્યારે જ તેની સાથે વાત કરે છે. જ્યારે એ બાળકોના માતા-પિતા કે બીજું કોઇ હોય તો વાત નથી કરતા.”

“હશે કોઇ કારણ. તું તો સાયકોલોજીની માસ્ટર છે ને, તો એક કેસ તરીકે સંગીતાબહેનને જો, તને કારણ પણ મળી જ જશે.” દર્શિને સ્વરાની મશ્કરી કરી ને હાથ ધોવા ઊભો થયો. એ ઘણીવાર સ્વરાના અભ્યાસને લઈને તેની મજાક ઊડાવતો. સ્વરાએ સાયકોલોજીના વિષયમાં માસ્ટર કર્યું હતું. લોકોની ક્રિયાઓનું નિરીક્ષણ કરવાની જાણે તેને આદત પડી ગઈ હતી. તે દરેક વાતના મૂળ શોધવાનો પ્રયત્ન કરતી અને એમાં દર્શિનને પરાણે ઘસડતી એટલે દર્શિન તેની મજાક ઉડાવતો, જેથી સ્વરા તેને એમાંથી દૂર રાખે. તેની આ રીતની વાતથી સ્વરાને દર્શિન પર ગુસ્સો આવ્યો.

“પણ દર્શિન, આજે તો પ્રીત.....” સ્વરાની વાત અધૂરી જ રહી ગઈ. જમવાનું પૂરું કરતાં એનું મન વિચારે ચડ્યું. આ સોસાયટીની બીજી બહેનો કહેતી હતી એમ હોય તો મારે પ્રીતને સંભાળવો પડશે. સંગીતાબહેન સાથે વાત કરતા રોકવો પણ પડશે. સ્વરાને સમજમાં આવતું નહોતું કે કેવી રીતે એ એમ કરશે. પ્રીતનો અત્યાર સુધીનો ઉછેર એમણે જે રીતે કર્યો છે તેમને પ્રીતને રોકતા બહુ તકલીફ પડશે તે એ જાણતા હતા.. હા, પણ દર્શિનની વાત ખોટી નથી. એ તો આખો દિવસ પોતાના દર્દીઓમાં વ્યસ્ત હોય છે. જો કે, એમાં એનો પણ શું દોષ ? બાળક કંઈ ડોક્ટરની સગવડતા જોઇને થોડું આવે ! આમ પણ પ્રીત નાનો છે ત્યાં સુધી જોબ તો થવાની નથી તો ત્યાં સુધી સ્ટડી માટે એક કેસ મળી ગયો. તેણે નક્કી કરી લીધું સંગીતાબહેનની અંદર ઝાંખવાનું, પણ એમની સાથે વાત શરૂ કરવાનો મોકો મળતો નહોતો. એક દિવસ લિફ્ટમાં બંને ભેગા થઈ ગયા. સ્વરાએ સ્મિત આપ્યું સામે સંગીતાબહેને પણ..

“સંગીતાબહેન, મારે તમને કંઈ પૂછવું છે.”

“હા.. હા.. બોલોને..”

“તમને ખરાબ તો નહીં લાગે ને ?”

“એ તો વાત જાણ્યા વિના શી રીતે કહી શકું.” સંગીતબહેને કહ્યું.

“વાત એમ છે કે...” થોડું અટકીને,

“માફ કરજો સંગીતાબહેન, પણ તમે સોસાયટીમાં કોઇ સાથે હળતા-ભળતા કેમ નથી ?” લિફ્ટ નીચે આવતા બંને બહાર આવ્યા. સંગીતાબહેને નજર નીચી ઢાળીને કહ્યું,

“એવું નથી પણ..”

“તમને વાંધો ન હોય તો તમે મને કહી શકો છો.” એમણે ભીની આંખે સ્વરા સામે જોયું.

“માફ કરજો, પણ મારો ઈરાદો તમને દુઃખી કરવાનો...” સંગીતાબહેને સ્વરાનો હાથ પકડી લીધો. એ બોલ્યા નહીં પણ આંખો ઘણું કહેતી હતી. થોડી વાર બંને આમ જ ઊભા રહ્યા.

“સંગીતાબહેન, હું માર્કેટમાં જાઉ છું, તમે પણ એ બાજુ જ જતા હોવ તો સાથે જઈએ.”

થોડીવાર પછી બંને એક કોફીશોપમાં હતા. સંગીતાબહેને જ મૌન તોડ્યું.

“માફ કરજો સ્વરાબહેન હું..”

“સ્વરા. સ્વરાબહેન નહીં. હું તમારાથી નાની છું.”

“પણ...”

“મને સ્વરા કહેશો તો ગમશે.”

“ઓકે, સ્વરા બસ ?” જવાબમાં સ્વરાએ સ્મિત કર્યું.

“સ્વરા, એવું નથી કે મને હળવા-ભળવાનું નથી ગમતું, પણ... ” એ અચકાતા હતા કે કહું કે નહીં.. સ્વરા એમની વાત માનશે કે એ પણ બીજાની જેમ જ...

“સ્વરા, મારા લગ્નને પંદર વર્ષ થયા પણ મને બાળક નથી. મારા સાસુ એમના લગ્ન બીજે કરાવવા માગે છે પણ એ માનતા નથી. સાસુનો ત્રાસ વધી ગયો એટલે એમણે જુદું ઘર લઈ લીધું. એમના એકના એક દીકરાને મેં ઝૂંટવી લીધો એમ એ કહે છે, જ્યારે મેં તો તેમને ઘર છોડતાં રોક્યા પણ હતાં. સામેના એપાર્ટમેંટમાં સાસુજીની એક બહેનપણી રહે છે એની સાથે મળીને એમણે અહીં મારી વિરુધ્ધ બધી ખોટી વાત ફેલાવી છે. હું જ્યારે પણ સોસાયટીવાળાઓની સાથે વાતો કરવા જતી બધા મારાથી દૂર જતા અને પોતાના બાળકોને તો મારી નજીક પણ આવવા દેતા નહોતા. ધીરે ધીરે મેં જ એમની વચ્ચે જવાનું છોડી દીધું. સાચું કહું તો મારા ‘એ’ એટલા પ્રેમાળ છે કે.. મારું તો ખૂબ જ ધ્યાન રાખે છે, મને કદી એકલતા લાગવા દેતા નથી, પણ કામ તો...”

“પણ, તમે બાળકો એકલા હોય છે ત્યારે તો..” સંગીતાબહેનની આંખમાં ઝળઝળિયાં જોઇ સ્વરા અટકી ગઈ. એનો જવાબ એ આપી ના શક્યા, એ ગળગળા થઈ ગયા, ને સ્વરા સમજી ગઈ. એણે પ્રેમથી તેમના હાથ પર હાથ મૂકી તેમને આશ્વાસન આપ્યું.

********

વરસાદી માહોલ હતો. સ્વરાએ એક કિટલીમાં ગરમ ગરમ ચા ભરી અને એક ટ્રેમાં બે મગ સાથે ગોઠવી એણે સંગીતાબહેન સામે જોયું. એ ગરમ ગરમ ભજિયાં ઉતારતા હતાં.

“દીદી, થોડા મરચાંના ભજિયા પણ ઊતારીએ..”

“ના સ્વરા આમે આ ખીરું થોડું તીખું થઈ જ ગયું છે. ઉપરથી મરચાં.... સવારે હેરાન થશે પછી.” બંને ખડખડાટ હસી પડ્યા. ચાની સાથે ભજિયાની પ્લેટ લઈ બંને બાલ્કનીમાં આવ્યાં. ઝરમર વરસાદ પડી રહ્યો હતો.

“કેવું સુંદર વાતાવરણ છે નહીં દીદી ?”

“હ્મ્મ..” સંગીતાએ ચાની ચુસ્કી લેતા કહ્યું.

“દીદી, સમય ક્યાં પસાર થઈ ગયો એ ખબર જ ના પડી તમને ખબર છે આ ઘરમાં અમને આજે બે વરસ પૂરા થયા. આવતે વર્ષે પ્રીતને ડે સ્કૂલમાં મૂકી દઈશું. પછી હું પણ જોબ શોધી લઈશ.” સંગીતાને ફરી પોતાની એકલતાના વિચારો આવ્યા. કાશ ... પોતે પણ આટલું ભણી હોત તો....

“હા, પછી ફરી હું એકલી.....” સંગીતાએ ઉદાસ સ્વરે કહ્યું. સ્વરાને પોતે કંઈ ખોટું બોલ્યાનો અહેસાસ થયો.

“અરે હા, દીદી, આ પ્રીતને સ્કૂલમાંથી ત્રણ દિવસના પ્રવાસે લઈ જવાના છે, ત્યારે આપણે પણ બે દિવસ કશે ફરી આવીએ. માત્ર આપણે બે જ.” સ્વરાએ વાતને બીજે વાળવાની કોશિશ કરી.

“બે દિવસ માટે આપણે અલ્લડ યુવતીઓ બની જઈએ અને બંને પતિદેવોને બેચલર જિન્દગી જીવવાની આઝાદી આપીએ શું કહો છો ? ” પણ સંગીતા અબોલ જ રહી અને સ્વરા તેના એ મૌનને જોઇ જ રહી. પછી બંને પોતપોતાના વિચારોમાં વરસાદનો આનંદ લૂંટવાનું ચૂકી જ ગયા. આ બે વર્ષમાં સ્વરાએ અનુભવ્યું હતું કે, સોસાયટીમાં એમના વિશે જે વાતો થતી તે ખોટી જ હતી. સંગીતા કોઇ જાદુ-ટોનો જાણતી નહોતી. હંમેશા લોકોને મદદ કરી માત્ર પોતાની એકલતા ટાળવાનો જ એનો પ્રયત્ન રહેતો, છતાં બધાં..

“એ.. ય શું વિચારે છે ?” રાતે બેડમાં સૂતા સૂતા છતને તાકી રહેલી સ્વરાને દર્શિને પૂછ્યું.

“કંઈ ખાસ નહીં. આ ઘરમાં આપણા બે વરસને રીવાઈન્ડ કરીને જોઉં છું.”

“અચ્છા ? તો એમાં શું દેખાય છે ? હું તો છું ને કે પછી....” દર્શિને મજાક કરી સ્વરાને પોતાની બાહોંમાં લીધી.

“મને એક વિચાર આવે છે.” દર્શિનની આંખોમાં આંખો મેળવી સ્વરા બોલી.

“શું વિચાર આવે છે ? પ્રીતના ભાઈ કે બહેન લાવવાનો ?” દર્શિન મસ્તીના મૂડમાં હતો.

“ના હવે....” દર્શિનને સહેજ દૂર હડસેલી એણે કહ્યું ને પછી એ બોલતી રહી અને દર્શિન ધ્યાનથી એને સાંભળી રહ્યો.

“પણ એ લોકો માનશે ?” એણે લાગલું જ પૂછ્યું.

“હવે એટલું તું ન કરે ?” સ્વરાએ દર્શિનને હોઠ પર હળવું ચુંબન આપ્યું ને એણે સ્વીકારમાં સ્વરાને જોરથી બાથમાં ભીડી દીધી.

“સ્વરા… સ્વરા… એ સ્વ…રાઆ....આ.........” ક્લિનીકથી આવતાં દર્શિન બૂમો પાડતો ઘરમાં આવ્યો.

“મમ્મી નહાવા ગઈ છે.” પ્રીતે ટી.વી. જોતાં જોતાં કહ્યું.

“ઓહ !” એ પ્રીતની બાજુમાં બેસી પડ્યો. એના હાથમાં જે કવર હતું તે એ જલ્દી માં જલ્દી સ્વરાને આપવા માગતો હતો.

“પ્રીત.. પ્રીત..” સ્વરાના અવાજથી પ્રીત ચમક્યો.

“આ હજુ રમકડાં ઊંચા નથી મૂક્યા ને ટીવી જોવા….” બોલતાં બોલતાં એ દિવાનખંડમાં આવી અને દર્શિનને જોતાં જ,

“અરે ! તું અત્યારે ?”

“હા, આ કાગળ જાતે જ તને આપી તારા હાવભાવ જોવા માગતો હતો. લે..” કહેતાં પેલું કવર એના હાથમાં મૂક્યું.

“શું છે ?” કહી સ્વરાએ કવર ખોલ્યું ને અંદરનો કાગળ જોઇ,

“ઓહ, દર્શિન આઈ લવ યુ. આઈ રીઅલી લવ યુ. થેંક્યુ સો...મચ.” કહી તે દર્શિનને ભેટી પડી પછી પ્રીતની હાજરી નો ખ્યાલ આવતાં જ..

“હું હમણાં આવી..” કહી ઘરની બહાર દોડી ગઈ.

“પાગલ” દર્શિને મનમાં કહ્યું અને પ્રીત અવાચક થઈને મમ્મીને જોતો જ રહી ગયો.

“દી.......દી.. દી.......દી... ઓ.. દીદી...... ક્યાં છો તમે...?” સ્વરા આખા ઘરમાં ફરી વળી ને પછી સામે સંગીતાને જોતાં જ,

“ઓ..હ દીદી… ” કહી એના હાથ પકડીને ગોળ ગોળ ફરવા લાગી.

“અરે ! અરે ! હું પડી જઈશ.”

“આ જુઓ દીદી..” ફૂદરડી ફરતાં અટકીને સ્વરાએ એના હાથમાં પેલો કાગળ આપ્યો. સંગીતાએ ધ્યાનથી વાંચ્યો. એને સમજ ન પડી.. એણે ફરી ફરી વાંચ્યો..

“આ...આ...શું છે ? શેના અને કોના રીપોર્ટ છે ?”

“અરે દીદી ! આ મારા અને તમારા ‘એ’ ના રીપોર્ટ છે.” સ્વરાએ ‘ એ’ પર ભાર મૂકી એક લહેકાથી કહ્યું.

“જે મળતા આવે છે, અને હવે જો તમારી પરવાનગી હોય તો હું તમારા બાળકની સેરોગેટ મધર બનવા માગું છું..”