લગ્નની ભેટ નિમિષા દલાલ્ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ્નની ભેટ

લગ્નની પ્રથમ રાત્રિએ પતિની રાહ જોતી શિલ્પા ઘુંઘટ કાઢીને પલંગ પર બેઠી છે. આજનાં જમાના પ્રમાણે આમ બેસવું જરા હાસ્યાસ્પદ લાગે પણ અજયની મરજીને શિલ્પાએ માન આપ્યું છે. અજય, તેનો પતિ, તેમના એરેંજ મેરેજ હતા. જ્યારે પહેલીવાર અજય તેની માતા સાથે તેના ઘરે આવ્યો હતો, ત્યારથી જ શિલ્પા તેની પર મોહિત થઈ ગયેલી અને મનમાં ને મનમાં તેને પતિ માની બેઠેલી. જે દિવસે એ લોકો શિલ્પાને જોવા આવ્યા ત્યારે અજય વિશે, તેના પરિવારમાં માત્ર બે જ વ્યક્તિઓ છે, તે અને તેની માતા પ્રભાબહેન, તેના પિતાનો બહુ નાની ઉમ્મરમાં સ્વર્ગવાસ થઈ ગયેલો, બસ એટલું જ શિલ્પા જાણતી હતી.

શિલ્પાને જોવા આવેલા મા-દીકરામાંથી સૌ પહેલાં પ્રભાબહેન ઘરમાં આવ્યાં ને પાછળ પાછળ અજય પ્રવેશ્યો. પ્રભાબહેન, ઠસ્સાદાર એમનો દેખાવ, એક પણ કરચલી વિનાના વ્યવસ્થિત કપડાં. તેમનાં મોં પર અને ચાલમાં એક આત્મવિશ્વાસ. જોતાં જ એક રૂઆબદાર મહિલાની છાપ પડે.રસોડામાંની બારીમાંથી જોતી શિલ્પા એમના સમગ્ર વ્યક્તિત્વ અંજાઈ ગઈ. સોફામાં બેસતાં બેસતાં તો આખા ઓરડાનું ઝીણું પરિક્ષણ કર્યું. ઘરમાં શું રાચરચીલું છે, દિવાલો કેવી રીતે સજાવેલી છે, સાફ સફાઈ કેવી છે, એ બધા પર નજર ફેરવાઈ ગઈ હતી. શિલ્પાના પિતા રમણીકલાલે સામાન્ય સવાલથી વાતચીત શરુ કરી.

“ઘર શોધવામાં તો કોઇ તકલીફ નથી પડી ને ?”

“ના… ના… અહીં બાજુની જ સોસાયટીમાં જ મારો......” લંબાણથી જવાબ આપતા અજય સામે પ્રભાબહેને એક નજર કરી...

“ના.. ના.. કોઇ જ તકલીફ નથી પડી.” અજયે ટૂંકાણમાં ગંભીરતાથી જવાબ આપ્યો. પ્રભાબહેનનો થોડો પ્રભાવ અજય પર છે એમ લાગ્યું. શિલ્પાની માતાને આ જરા ખૂંચ્યું પણ...

શિલ્પા પાણી લઈને આવી. તે ઘઉંવર્ણી હતી પણ તેનો સપ્રમાણ દેહ અને નાકનક્શો પ્રભાબહેનને આકર્ષી ગયો. તેની સાડી પહેરવાની રીત પણ પ્રભાબહેનની નજરે નોંધી. અજયની પસંદગીનો તો સવાલ જ ઊભો થતો નહોતો. શિલ્પાએ સામે સોફા પર બેસતાં અજય સામે એક અછડતી નજર નાખી. અજયનો રંગ ગોરો. તેની બેસવાની રીત. કપડા પહેરવાની ઢબ શિલ્પાને ગમી પણ તેના હાવભાવમાં કંઈક ખૂંટતું લાગ્યું. તે જાણે પ્રભાબહેનના પ્રભાવમાં... બંને પક્ષોની મરજીથી અજય અને શિલ્પાની એક જુદા ઓરડામાં મુલાકાત ગોઠવાઈ ત્યારપછી શરબત અને નાસ્તો લઈ મા-દીકરો વિદાય થયા.

“બેટા કેવો લાગ્યો છોકરો તને ?” મંદાબહેને એ લોકોના જતાં જ દીકરીને પૂછ્યું. એક નજર પિતા રમણીકભાઈ પર નાખી. આમ તો સારો છે, પણ તેના ચહેરા પરની મૂછો મને નહીં ગમી.” શિલ્પા રમણીકલાલ સામે પોતાની વાત કહી શકતી નહોતી. એટલે તેણે અજયમાં તેને શું ન ગમ્યું ? એ ટાળતાં જવાબ આપ્યો.

“અરે, એ તો કઢાવી નાખશે. એમાં શું ?” મંદાબહેને હસતાં હસતાં કહ્યું.

“મને એવું નથી લાગતું. મૂછો તેની મમ્મીને ગમે છે, અને માને ન ગમે તેવું એ કંઈ કરતો નથી.”

“તને કેવી રીતે ખબર ?”રમણીકલાલે થોડા ઊંચા સ્વરે કહ્યું.

“પપ્પા, વાતચીત કર્યા પછી ખબર પડી જ જાય. જુઓને, માતાની હાજરીમાં તે ક્યાં કઈ બોલી જ શકતો હતો ? મને તો એવું લાગ્યું કે તે માવડીયો છે.” એ ધીરે ધીરે પોતાની વાત રજૂ કરવા માગતી હતી.

“માતાની આમન્યા રાખે તેને માવડીયો કહેવાય ?” રમણીકલાલ બોલી ઊઠ્યા.

“ના પપ્પા, તેને માવડીયો ન કહેવાય. પણ તેની દરેક વાતમાં તેની માતાની જ વાત હતી. તેણે અત્યાર સુધી પોતાની મરજીથી કંઈ પણ કર્યું હોય તેવું મને તેની વાતમાંથી ન લાગ્યું.”

“એક વાર વાત કરી તેમાં તને શું સમજ પડી ગઈ કે તે..” રમણીકભાઈ આ છોકરાને જવા દેવા માગતા નહોતા. એમણે શિલ્પાને અહીં જ પરણાવવી હતી.

“ના-ના શિલ્પાની વાત તો મને પણ સાચી લાગી. આવ્યા ત્યારે અજય તેના મિત્રની કોઇ વાત બોલવા જતો હતો ને પ્રભાબહેનની એક નજરથી જ તેણે વાત બદલી કાઢી નહોતી ?” રમણીકભાઈની વાત કાપી મંદાબહેન દીકરીની વહારે ધાયા.

“હવે, એ તમારો ભ્રમ છે. આટલા સારા ઘરનું સામેથી માગું આવે છે, ને તમને બંનેને નખરા સૂઝે છે. આટલો ભણેલો આટલો માલદાર અને એકનો એક છે આ અજય.” તેમના મનમાંથી પ્રભાબહેનની મિલ્કત અને સમાજમાં તેમની વગનો પ્રભાવ નીકળતા નહોતા. તે પોતાના બિઝનેસને આગળ વધારવા તેનો ઉપયોગ કરવા માગતા હતા. આખરે તેમનું બધું પણ તેમના પછી તો શિલ્પાનું જ હતું ને પોતાના આ વિચારો તેમને ખોટા લાગતા નહોતા.

“પણ પપ્પા...”

“બસ, મારે કંઈ સાંભળવું નથી.” રમણીકલાલ ઊઠીને બહાર ચાલ્યા ગયા. મા- દીકરી વીલે મોંએ બધું અવેરવામાં પડ્યાં. બીજા દિવસથી જ રમણીકલાલ તો જાણે લગ્નની તૈયારીમાં પડી ગયાં.

“મમ્મી, મારે અજય સાથે લગ્ન નથી કરવા.” એક દિવસ કોલેજથી આવી શિલ્પા સીધી રસોડામાં ઘુસી ગઈ અને તેની પાછળ પાછળ રીતીકા.

“અરે, અરે ! શું થયું ? આમ કોલેજથી આવતાં જ..”

“માસી, આ અજય, મારા ભાઈ સાથે કોલેજમાં ભણતો હતો. ભણવામાં બહુ હોંશિયાર પણ તેની પસન્દગીના મિત્રો પણ તે રાખી ન શકે તેવી તેની મા નો ધાક હતી. તમે મારી પંખી જેવી સખીને પિંજરામાં નાખશો.”

“પણ બેટા, તું તો જાણે છે ને, કે શિલ્પાના પપ્પાની સામે અમારું કંઈ ચાલતું નથી.”

“પણ માસી...” અને રીતીકા અજયના કિસ્સા સંભળાવવા લાગી. તે સાંભળી મંદાબહેન વિચારમાં જ પડી ગયા. માતાની વાત માનવી, તેનું કહ્યું કરવું, તેમાં તો કોઇ ખોટી વાત નહોતી, પણ માતાનું જ કહ્યું કરવું, પોતાની કોઇ વિચારસરણી કે મરજી જ નહીં, તેવું તો ખોટું જ હતું. શિલ્પાની માતાની નજરે જોતાં મંદાબહેનને આ ન ગમ્યું.

આખરે “હું એના પપ્પાને વાત કરીશ.” કહી મંદાબહેને વાત ટૂંકાવી દીધી.

સાંજે ડીનર ટેબલ પર મંદાબહેને રમણીકલાલને રીતીકાએ કરેલી અજયવાળી વાત કરી.

“જલે છે, મારી દીકરીને આટલો સારો છોકરો મળે છે એટલે. હજુ તો આવી કેટલીય વાતો આવશે, પણ તમારે ધ્યાન નથી આપવાનું.” તેમણે કડક અવાજે કહ્યું. મંદાબહેન કંઈક બોલવા જતા હતા પણ તેમણે આંખોથી જ તેમને ડાર્યા અને મંદાબહેન અસહાય નજરે શિલ્પા સામે જોતા રહ્યા. તેમની પાસે હથિયાર હેઠે મૂકવા સિવાય કોઇ ઉપાય નહોતો.

થોડા જ દિવસોમાં શિલ્પા પરણીને અજયના ઘરે આવી. આ સમયગાળામાં તેને ન તો અજયને સમજવાનો કે ન તો પ્રભાબહેનને સમજવાનો મોકો મળ્યો હતો. એક વાર તેણે અજયને બહાર હોટલમાં ડીનર માટે ઇન્વાઈટ કર્યો હતો. પોતાના મિત્રો સાથે તે અજયનો પરિચય કરાવવા માગતી હતી, પણ અજયે ના પાડી. શિલ્પાને તેણે ના પાડી તેનું દુઃખ એટલું નહોતું, જેટલું અજયે આપેલા તેના કારણથી હતું.

“મમ્મી ના પાડે છે. તમારા મિત્રોએ પહેલા મારી મમ્મીને મળવું પડે અને પછી મમ્મી કહે તે જ મિત્રોની સાથે તમારે મિત્રતા રાખવી, તેવો મમ્મીનો આગ્રહ છે.” અજય સંપૂર્ણપણે મમ્મીના પ્રભાવમાં હતો. આ જુનાજમાનાની દુલ્હનનો વેશ, ધુંઘટ કાઢીને બેસવાની અજયની ઇચ્છા... આ બધું પણ અજયે તેની મમ્મીના દબાવમાં જ કહ્યું હશે.

પપ્પાની વિરુધ્ધ પોતે આ લગ્નનો વિરોધ નથી કરી શકી પણ પોતાની સ્વતંત્રતા પર તેની મમ્મીનો પ્રભાવ પોતે નહીં જ પડવા દે. શિલ્પાએ મનોમન આ નિશ્ચય કરી લીધો હતો. દરવાજો ખખડ્યો શિલ્પા પોતાના વિચારોમાંથી દુલ્હનના વેશમાં પાછી ફરી. ઘુંઘટ થોડો વધુ નીચો કરી નજર ઊંચી કરી તો સામે એક મોટા પેકેટ સાથે પ્રભાબહેન ઊભા હતા. સુહાગરાત સાસુ સાથે ? શિલ્પાના મનમાં બહુ જ ગુસ્સો હતો, પણ પ્રભાબહેનના ચહેરા પરના પ્રથમ સ્મિત સામે નજર જતાં, તે થોડો શમી ગયો.

“અજય, તું કેમ રૂમની બહાર ઊભો છે ? આજે તો તારી સુહાગરાત છે ને ?” પ્રભાબહેનની બૂમથી અજય તરત જ અંદર આવ્યો એ શિલ્પાને ન ગમ્યું. એ પોતાની મમ્મીની પરવાનગી વિના પોતાની દુલ્હનના ઓરડામાં પણ ન આવી શકે, એ સમજવું શિલ્પા માટે અઘરું હતું.

“આવ, બેસ અજય.” કહી પ્રભાબહેન પલંગ પર બેઠા.

શિલ્પાએ ગુસ્સામાં ઘુંઘટ કાઢી નાખ્યો, પણ પ્રભાબહેનનો વિરોધ ન કરી શકી. એક બાજુ શિલ્પા અને બીજી બાજુ અજયને બેસાડી હાથમાંનું ગિફ્ટબોક્ષ તેમણે શિલ્પાના હાથમાં મૂક્યું.

“બેટા, આ પેકેટમાં તમારા બંનેની આઝાદી છે. શિલ્પાએ પોતાની નીચી નજર, ઊંચી કરી પ્રશ્નાર્થ નજરે તેમની સામે જોયું.

“આજના દિવસે, પતિ-પત્નીના મિલનમાં હું તને અડચણરૂપ લાગતી હોઈશ, પણ મારા દિલની વાત મેં કદી કોઇ સમક્ષ રજૂ કરી નથી. આજે મારે તારી સમક્ષ કરવી છે. બસ, થોડી ક્ષણો, તારી પાસે જોઇએ છે. તારા નવા જીવનની શરૂઆત મુક્તપંખીની જેમ તું કરે એમ હું ઇચ્છું છું.” શિલ્પાની નજરમાં હવે અસહાયતા હતી.

“બેટા, થોડાં વર્ષો પહેલાં, જ્યારે મેં અજયના પપ્પા સાથે ભાગીને લગ્ન કર્યા, ત્યારે તેના પપ્પાનો નાનકડો વ્યવસાય હતો, પણ અમે તે શહેરથી દૂર અમારો નવો સંસાર શરૂ કર્યો હતો. બંને પક્ષે તો અમને જાકારો દીધો જ હતો પણ અજયના જન્મના બે જ વર્ષ પછી, તેમણે પણ મારો સાથ છોડી દીધો હતો. ત્યારથી અત્યાર સુધી મેં એકલીએ જ અજયને ઊછેર્યો પણ છે અને આ અજાણ્યા શહેરમાં મેં એકલા જ દરેક સમસ્યાને ઊકેલી છે.” પ્રભાબહેન જાણે ભુતકાળના ઊંડાણથી બોલી રહ્યાં હતાં.

“એક એકલી વિધવાની સામે કેટલાય પ્રશ્નો આવ્યા હશે, તે તારા જેવી ભણેલી, સમજુ છોકરીને કહેવું ન જ પડે. તારી સમજણશક્તિના વખાણ મેં બધા પાસેથી સાંભળ્યા છે, અને એટલે જ મેં તારા પપ્પા સામે અજયને તારી સાથે પરણાવવાનો આગ્રહ રાખ્યો હતો.” તેમણે પ્રેમભરી નજર શિલ્પા સામે નાખી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું. શિલ્પાને તે પ્રભાબહેનનો ડોળ લાગ્યો, પણ પ્રભાબહેનને ઓળખવાનો દાવો કરતું અજયનું મન પણ પ્રભાબહેનના આ રૂપથી અજાણ જ હતું.

“આજ સુધી મેં અજયને કોઇ આઝાદી આપી નથી. મને હંમેશા ડર રહેતો, આજના યુવાનોથી, તેમની માનસિકતાથી.. અજયની દરેક હોંશિયારીને મેં બિરદાવી હતી તેથી હું અજયને આજની યુવતીઓના પડછાયાથી પણ હું અજયને દૂર રાખવામાં સફળ રહી છું. તેની હોંશિયારી અને તારી સમજણશક્તિ પર મને ભરોસો છે. આ પેકેટમાં આજના જમાનાના યુવાનોને પસન્દ તેવા સુહાગરાતના કપડાં અને એક મોટી રકમનો ચેક છે, જેમાંથી તમે તમારી પસન્દના આજની ફેશનના કપડાંની ખરીદી કરજો.” હવે શિલ્પાના ધ્યાનમાં આવ્યું કે, લગ્નનાં પાનેતર સિવાય કોઇ પણ કપડાંની ખરીદી પ્રભાબહેને કેમ નહોતી કરવા દીધી.

“અને આ કવરમાં પાંચ દિવસ પછીની યુરોપની હનીમુન ટ્ર્રીપની ટિકિટો છે.” અજયના હાથમાં એક કવર મૂકતાં પ્રભાબહેન બોલ્યાં. શિલ્પા અને અજય આશ્ચર્યથી પ્રભાબહેને આપેલી ભેટ અને તેમના આ નવા જ રૂપને જોઇ રહ્યાં.....

“અરે, પાછા કબાબમાં હડ્ડી કહેશો, તે પહેલાં, ચાલો હું જાઉં.” બંનેને ખભાથી ઢઢોળતાં પ્રભાબહેન બોલ્યાં અને હસતાં હસતાં રૂમની બહાર નીકળી ગયાં.