Man Mohna - 18 books and stories free download online pdf in Gujarati

મન મોહના - ૧૮


મન બપોરે એના મમ્મી પપ્પા સાથે બેઠો વાતો કરતો હતો ત્યારે રાવીબેને એને હવે છોકરીઓ જોવાનું ચાલું કરવાનું કહેલું. મને મમ્મીની તબિયત અને પોતાને હાલ વધારે રજાઓ નહિ મળે એમ જણાવી વાત ટાળી દીધેલી. પણ, એના મનમાં એક નવો વિચાર આવી ગયો. એ જો મોહનાને પોતાની સાથે વિદેશમાં લઇ જવામાં સફળ થઇ જાય તો પછી નિમેશ કે ઇન્ડિયન પોલીસનો જરાકે ડર ન રહે!
મોહનાનું ફેમીલી બેકગ્રાઉન્ડ જોતા એને વિઝા મળવામાં કોઈ તકલીફ નહિ પડે. આજ બરોબર છે. સાચો ખૂની જે હશે એ, એને નિમેશ ભલે શોધ્યા કરતો. એ ખૂનીની તપાસમાં હું મોહનાની જીંદગી ખરાબ નહિ થવા દઉં. પોતાના વિચારો પર ખુશ થઇ મન તૈયાર થઇ ગયો, મોહનાને મળવા જવા. ઘરેથી નીકળતા પહેલાં એણે ભરતને ફોન કરી દીધો હતો. ભરત પણ તૈયાર હતો મન અને મોહનાની પાછળ જવા, જરૂર પડે એના દોસ્તની મદદ કરવાં.
એ સાંજે મન મોહનાના ઘરે પહોંચ્યો ત્યારે મોહના એના રૂમમાં હતી. નોકરે ઉપર મોહનના રૂમમાં જઈને ખબર આપી ત્યારે મોહનાએ મનને ઉપર એના રૂમમાં બોલાવેલો. મનને થોડો સંકોચ થયો એ પહેલીવાર કોઈ છોકરીના બેડરૂમમાં જતો હતો, એ પણ કોઈ સામાન્ય છોકરી નહિ પણ એની સ્વપ્નપરી, સીડી ચઢતા ચઢતા એનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. એક ક્ષણ માટે એને નિમેશે મોહના વિષે કહેલી વાત યાદ આવી જેને તરત મનમાંથી કાઢીને એ આગળ વધ્યો હતો.

મન અંદર પ્રવેશ્યો ત્યારે મોહના એના પલંગ પર બેઠી હતી. એના ખોળામાં બે તકિયા રાખીને એમાં એનું મોઢું છુપાવેલું હતું. મનને સંકોચ થઇ રહ્યો હતો. એક મિનીટ એમ જ વીતી ગઈ છતાં મોહના હલી નહિ ત્યારે મને જ હિંમત કરીને એને બોલાવી.

“મોહના,”

મનનો અવાજ સાંભળી મોહનાએ માથું ઉપર કર્યું. એની બે સુંદર મોટી આંખો લાલ બની હતી. એનું નાક પણ લાલ લાલ થઇ ગયેલું. થોડાક વાળ આગળ ચહેરાં પર આવીને ગાલ સાથે ચોંટી ગયેલાં અને પાછળના બીજા વાળ વીખરાયેલ દશામાં હતાં. એ કદાચ કેટલાય સમયથી રડી રહી હશે...

“તું શું કરવા આવ્યો? ચાલ્યો જા! હું સારી છોકરી નથી.” મનને જોતાં જ મોહનાએ દર્દ ભર્યા અવાજે કહ્યું.

“કોણે કહ્યું કે તું સારી છોકરી નથી? જો તું સારી છોકરી નથી તો આ દુનિયાની બીજી કોઈ છોકરી સારી નથી,” મને એણે આવડે એવો દિલાસો દેતા કહ્યું, “ચાલ તૈયાર થઇ જા આપણે ફરી આવીએ.”

“આજે પણ તારા મિત્રોને તારી ચોકી કરવાનું કહીને આવ્યો છે?” મોહનાએ એનો ગુસ્સો બતાવતી હોય એમ કહેલું.

“ચોકી? ઓહ! કાલે હું એ લોકોને જણાવીને નહતો આવ્યો. એ એમની જાતે જ આવી ગયેલા.”

“હા અને જોયું કે મોહનાએ મનને ગળે લગાડ્યો છે એટલે ડરી ગયા અને તરત કોઈ બહાનું બનાવી તને મારાંથી દુર લઇ ગયા, જાણે હું તારું ગળું દબાવી તને મારી નાખવાની હોઉં! જેમ મેં મારા પતિને મારી નાખ્યો, કેમ?” મોહના ગુસ્સાથી, આવેશમાં આવીને કહી રહી હતી.

“આ... તું શું કહે છે?” મન આઘાતથી મોહના સામે જોતા બોલ્યો.

“આ હું નહિ તારો ભાઈબંધ કહે છે, નિમેશ. એટલે જ તને કાલે ખોટું બોલીને લઇ ગયેલો ને?” મોહના હવે સ્વસ્થ થઈને બોલી રહી હતી,

“હું કેવી રીતે સમજાવું કે મેં મારા પતિને નથી માર્યો! હું શું કરવા એનેં મારું. મારા લગ્ન મારી મરજીથી એની સાથે થયેલા. હું ખુશ હતી એની સાથે તો પછી અમારા લગ્નની રાત્રે જ હું એને શા માટે મારી નાખું? મેં કોઈને નથી માર્યા. હું ખૂની નથી... હું ખૂની નથી..!” મોહના બોલતાં બોલતાં પાછી રડવા લાગી.

મનથી હવે ના રહેવાયું, એ મોહના પાસે જઈને એની સામે બેસી ગયો અને એના માથા પર હાથ મુકીને બોલ્યો, “મને તારા પર પૂરો વિશ્વાસ છે. તું જે કહે એ દરેક વાતમાં વિશ્વાસ છે. લોકો શું કહે છે કે નિમેશ શું વિચારશે એનાથી મને રાત્તીભાર પણ ફરક નથી પડતો. જોતું હા કહે તો હું તને મારી સાથે લઈશ, ઇન્ડિયાની બહાર, પછી કોઈ તને પરેશાન નહિ કરે.”

મન થોડીકવાર ચુપ રહ્યો હતો. મોહના આંસુ ભરી આંખે પોતાની આંખોમાં જોઈ રહી હતી, એ આંખો આગળ આજે મન એના દિલની એ વાત બોલી ગયો જે એણે વરસોથી એના દિલના ઊંડા, કોઈ છાનાં ખૂણે છુપાવી રાખી હતી, “અને હું કહી દઉં તારી મદદ હું તારી દયા ખાઈને નથી કરતો, બલકે હું મારી મદદ કરી રહ્યો છું, હું... હું તને ચાહું છું મોહના! આજકાલથી નહિ પણ એ દિવસથી જ્યારે તને પહેલીવાર જોયેલી! મારું શરમાવું, ગભરાવું, બોલતા ખચકાવું એ બધું તારા લીધે હતું! તને જોતા જ હું હોશ ખોઈ બેઠતો. અહી આવ્યો ને જાણ્યું કે તારાં લગ્ન થઇ ગયા છે ત્યારે એ આખી રાત હું સુઈ નહતો શક્યો, કેટલાય કલાક હું રડતો રહેલો. એવું લાગેલું જાણે આખી દુનિયા મારી દુશ્મન બની ગઈ હોય. આજે તારી આ હાલત જોઇને તને જરા પણ અંદાજ નહિ હોય મને કેટલું દુખ થઇ રહ્યું છે. તારાં માટે હું કંઈ પણ કરી શકું છું. કંઈ પણ.”

મનની આંખો ભરાઈ આવી હતી. મોહનાએ એના ખોળામાં રહેલા તકિયા બાજુમાં ફેંકી, થોડે આગળ આવી મનના ગાલ પરથી આંસુ લૂછ્યાં અને એક સ્મિત કરી એની છાતી પર પોતાનું માથું ઢાળી દીધું. મન આજે એના ગળામાંથી તુલસીની માળા નિકાળીને એના ઘરમાં મંદિરના ખાનામાં મુકીને આવ્યો હતો. અત્યારે એને એ વાત યાદ આવી ગઈ પણ મોહનાને માટે એને એનો જીવ ખોવો પડે તોય ચિંતા ન હતી...

“ચાલ તું તૈયાર થઇ જા પછી આપણે ક્યાંક બહાર જઈએ.” મને કહ્યું અને મોહના ઉભી થઇ બાથરૂમમાં ગઈ.

***** ***** *****

ભરત મનની રાહ જોતો મોહનાના બંગલાથી થોડે આગળ રોડની એક સાઈડે આવેલી ઝાડીઓમાં ઉભો હતો. ઠંડી વધારે હોવાથી એણે મફલર માથે અને મોઢા પર બાંધી રાખેલું. ખાસીવાર થઇ હતી મનને ગયે છતાં એ હજી મોહના સાથે બહાર નહતો આવ્યો એટલે એ થોડો ચિંતિત હતો. ચિંતામાં જ એણે એક ભૂલ કરી. એને ઊભા ઊભા કંટાળીને આંટા મારવાં ચાલુ કરેલાં અને રોડ બાજુએ આવી એ પાછો ઝાડી તરફ જતો હતો. આ વખતે જરા લાંબો આંટો મરાઈ ગયો અને ઝાડીમાં જરા વધારે અંદર જતો રહ્યો. ત્યાંથી એ પાછો રોડ તરફ આવી રહ્યો હતો અને અચાનક એની પીઠમાં કંઈક ખૂંચ્યું... એ પાછળ ફરે એ પહેલા જ અવાજ આવ્યો, એ કોઈ પુરુષનો અવાજ હતો અને એને ધમકી આપી રહ્યો હતો,

“જરીકે ચાલાકી કરવાની કોશિશ કરી તો આ પિસ્તોલની ગોળી તારા સીનાની આરપાર હશે. ચાલ આગળ ચાલ.” પેલાએ એને પિસ્તોલના નાળચા વડે જ ધક્કો માર્યો અને આગળ ધકેલ્યો.

ભરત અસહાય બનીને આગળ ચાલ્યો. આ જ વખતે એક ગાડી ત્યાંથી પસાર થઇ હતી. આ લોકો રોડથી દુર ઝાડીઓમાં હોવાથી ગાડીવાળાનું ધ્યાન કદાચ અહી નહતું પડ્યું પણ ભરતે ગાડી જોઈ અને ઓળખી હતી. એ મોહનાની ગાડી હતી. મતલબ મન અને મોહના બહાર નીકળ્યા હતાં. પોતાને એમનો પીંછો કરવાનો હતો, ત્યાં આ નવી મુસીબત ક્યાંથી આવી ગઈ....

“તું કોણ છે અને મને શું કરવાં પકડયો છે? મારી પાસેથી તને કંઈ નહિ મળે હું તો ગરીબ માણસ છું, ટોપા!” ભરતે કહ્યું હતું.

“તું અને તારો પેલો ભાઈબંધ આ સામે આવેલાં બંગલામાં જાઓ છો, મેં તમને જતાં જોયાં છે એટલે જુઠ્ઠું બોલવાની જરૂર નથી.”

“હા તે જોયા હશે! એ બંગલામાં જવું કોઈ ગુનો છે?”

“તારે મને એ બંગલામાં લઇ જવાનો છે. ત્યાં ઉભેલા ચોકીદાર તને નહિ રોકે તારી સાથે હું પણ આસાનીથી અંદર જતો રહીશ. પછી તું થોડીવાર ત્યાં બેસી ચાપાણી પીજે ત્યાં સુંધી હું મારું કામ કરી લઈશ. પછી તું છુટ્ટો.”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED