મન મોહના - ૧૭ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન મોહના - ૧૭

ભરત એનું મોઢું મનના કાન પાસે લઈ જઈને બીજું કોઈ સાંભળે નહીં એમ એકદમ ધીમેથી બોલ્યો. આ બોલતી વખતે એની નજર ચારે બાજુ જોઈ રહી હતી કે એને કોઈ જોતું તો નથી ને. જોકે શિયાળાની ઠંડી રાત હોવાથી અત્યારે એમના સિવાય અહીં કોઈ ન હતું. એણે ફરી બોલવાનું શરૂ કર્યું, “લોહી પીવાવાળી ડાકણ! અમે લોકો તને બચાવવા કેટલું ભાગ્યા હતાં. છેલ્લે અશોકે, મોહનાનો ડ્રાઈવર અશોક, એણે રસ્તો બતાવ્યો ત્યારે તારા સુંધી પહોંચ્યા."

“શું બકવાશ છે આ? મોહના અને..” મનના મોંઢેથી ડાકણ શબ્દ ન નીકળી શક્યો.

“જો આ વાત બકવાશ હશેને તો સૌથી વધારે હું ખુશ થઈશ.”

ક્યારનોય ચૂપ બેઠેલો નિમેશ હવે બોલ્યો, “તે દિવસે તે પેલી લાશ જોઈ હતીને, એનું શરીર કેવું ચીમળાઈ ગયેલું હતું. લોહીનું એક ટીંપુય બચ્યું ના હોય એવું! એ લાશના ગળા પર બે દાંતના નિશાન હતાં. કોઈ ધારદાર દાંત વાળી વ્યક્તિએ એના બે દાંત એની ગરદનમાં ઘુસાડી દીધા હોય એવા. એની પહેલાં મળેલી કોઈ અજાણી લાશ અને અમરની લાશ પર પણ એવા જ નિશાન હતાં. પોલીસ ભૂતપ્રેત કે ડાકણ ઉપર કેસ ના કરી શકે. એવું હું બોલું કે તરત એ લોકો મને પાગલમાં ખપાવી દે. પણ એ નિશાનનું રહસ્ય તો મારે ઉકેલવું જ રહ્યું... એ નિશાનનું પગેરું મોહના પાસે પહોંચે છે, જો એ પોતે આવું ના કરતી હોય તો પણ એ આ બાબતમાં જરૂર કંઈક જાણે છે! મને ગળા સુધી ખાતરી છે! અમારે ઘણી વખત આવું થતું હોય છે, હાથમાં કોઈ સબૂત ના હોય પણ મન કહેતું હોય કે આ માણસ શંકાસ્પદ છે અને એ જ પાછળથી સાચું નીકળે.” નિમેશ બોલતો અટકી ગયો હતો. એણે જોયું કે મન ચૂપ હતો. એની આંગળીઓ પોતાની ગરદન પર ફરી રહી હતી.

નિમેશ એક ઝાટકા સાથે ખુરશી ખસેડી ઊભો થયો હતો અને મનની પાછળ જઈ એનો કોલર નીચો કરી, ગરદન તપાસી રહ્યો. મનની ગરદન પર કોઈ નિશાન ન હતું, સિવાય કે લિપસ્ટિકના નિશાન! ભરતે પણ એ જોયું અને કહ્યું, “તું જ ખોટો હતો સાલા! આની ગરદન પર મોહનાની કિસના નિશાન છે ફક્ત. ખોટી બિચારાની આજની રાત બગાડી!”
“આજે એ બચી ગયો કેમકે એના ગળામાં તુલસીની માળા હતી!” નિમેશ કોઈ જાતના ભાવ વગર એક હળવાશથી બોલ્યો હતો. ગોળાના પીળા અજવાળામાં એનો ચહેરો વધારે પીળો લાગી રહ્યો હતો. મન ચૂપ હતો. એ કોઈ ઊંડા વિચારમાં ડૂબ્યો હતો. આજે એની સાથે જે જે બન્યું એ કોઈ જાદુથી કમ ન હતું, છતાં મોહનાને ડાકણ કહેવા એનું મન ના કહેતું હતું...




રાતના એક વાગ્યાનો ટકોરો પડ્યો હતો મોહનાના બંગલાની મોટી, જૂના જમાનાની લોલકવાળી ઘડિયાળમાં અને મોહનાએ એના રૂમનું કબાટ ઉઘાડેલું.

“નહિ... નહિ... મુજે જાને દો!”

થર થર કાંપતા સાજીદના મોઢામાંથી આટલા શબ્દો નીકળ્યાં ના નીકળ્યાં કે મોહનાએ એક હાથે એને ખેંચીને બહાર કાઢ્યો અને એની ગરદન ઉપર પોતાના બહાર આવી ગયેલા, હિંસક પશુ જેવા તીક્ષ્ણ દાંત ઘુસેડી દીધા..! ચાંદ આગળ એક વાદળું આવી ગયેલું અને ચાંદીનીની મોહતાજ રાત થોડીવાર માટે વધારે કાળી બની ગયેલી. દૂર દૂરથી કૂતરાના રડવાના અવાજો આવતાં હતાં. બારી બહાર આવેલા ઝાડની બખોલમાં રહેતું ઘુવડ એના પંજામાં એક ખિસકોલીને ફસાવી એનો તરફડાટ જોઈ રહ્યું હતું. સાજીદની હાલત પણ એવી જ હતી... એના દિલમાંથી આજે કદાચ પહેલીવાર સાચા દિલથી ખુદા માટે પોકાર ઉઠી હતી...



મનનું મન એ માનવા તૈયાર જ નથી કે મોહના, એની માસુમ મોહના ડાકણ હોઈ શકે. ઘરે પહોંચ્યા બાદ પણ એ ઘરમાં નહતો. એનું શરીર ભલે ઘરે હોય પણ મન તો હજી ત્યાં જંગલમાં જ હતું, મોહનાની પાસે! એની બાહોમાં! એના વાળમાંથી આવતી હલકી સુગંધ એ હજી મહેસુસ કરી રહ્યો હતો, એ કોઈ શેમ્પૂ કે તેલની સુગંધ ન હતી, એ ગંધ શ્વાસમાં જતા જ મન મદહોશ થઇ ગયો હતો! એનો માસુમ સ્મિતભર્યો ચહેરો યાદ આવતા જ મને મનમાને મનમાં જ નિમેશને બે ગાળ દીધી. મનને થયું નિમેશ પાગલ થઇ ગયો છે. કેસ સોલ્વ કરવાની લ્હાયમાં એ મોહના જેવી માસુમ છોકરીને બદનામ કરી રહ્યો છે પણ, પોતે એવું નહિ થવા દે. એ મોહનાને બચાવીને જ રહેશે. આખી રાત આવા વિચારોમાં જ વિતાવી વહેલી સવારે એ થોડી ઊંઘ પામ્યો.
બીજે દિવસે સવારે પરવારીને તરત એણે ભરતને ફોન જોડ્યો હતો. ભરત પણ જાણે એના ફોનની જ રાહ જોઈ બેઠો હોય એમ તરત જ ફોન ઉઠાવી બોલેલો, “બહું વાર લગાડી ફોન કરવામાં? હું તો રાતનો રાહ જોતો હતો તારા ફોનની.”

“યાર તું ખરેખર મારો સાચો દોસ્ત છે! મને એમ કે રાતના મોડેથી ફોન કરું તો ભાભીને કદાચ ના ગમે. એ બધું છોડ, મને તું એ જણાવ તારું શું માનવું છે? મોહના વિષે જે નિમેશ કહે છે એ સાચું હોઈ શકે? આજના જમાનામાં આવું બદેહું કોણ માને છે?”

“સાચું કહું તો જો આજથી બે વરસ પહેલા નિમેશે આવી વાત કરી હોત તો હું ત્યાં જ એનો વિરોધ કરત, પણ હવે હું એમ નહિ કહી શકું. ચોખ્ખું કહું તો મને ભૂતોનો અનુભવ થઇ ચુક્યો છે અને એ પછી જ આ ડહાપણ આવ્યું છે. વ્હાઈટ ડવ નામની પાગલોની હોસ્પીટલમાં મેં ભૂતોનો જે ત્રાસ વેઠ્યો હતો એના વિષે જણાવીશ ક્યારેક વિસ્તારથી. એ અનુભવથી હું એટલું તો શીખ્યો કે દુનિયામાં જો બુરી શક્તિ હોય તો સારી શક્તિ પણ હોય જ છે! હું એ ભૂતોથી ભરેલી હોસ્પીટલમાંથી સહીઅલામત પાછો આવી ગયો અને એ હોસ્પિટલ પણ હંમેશા માટે ભૂતોના ત્રાસમાંથી મુક્તિ પામી એ માટે શશાંક, પ્રોફેસર નાગ અને એમની ટીમ પેંટાગોનનો આભાર માનું એટલો ઓછો છે.” ભરત ભૂતકાળમાં ડોકિયું મારીને પાછો આવ્યો. એ હોસ્પીટલમાં વિતાવેલી ભયાનક રાત જ્યારે એ ખરેખર ભૂતડીઓથી ઘેરાયેલો હતો એ એને યાદ આવી ગયું હતું.

“શશાંક? પ્રોફેસર નાગ? કોણ છે આ લોકો?” મને પહેલા ક્યારેય આ લોકો વિષે સાંભળ્યું ન હતું.

“એ બધા સાચુકલા હીરો છે. આ દુનિયાની બુરી તાકાત સામે લડે છે. જ્યાં પણ જુએ કે કોઈ ભલા માણસને બુરી શક્તિઓ પરેશાન કરી રહી છે ત્યારે એ લોકો આવી જાય છે. એક રૂપિયાનો પણ ચાર્જ લીધા વગર એ લોકોને મદદ કરે છે. તું એમને આધુનિક ભૂવા કહી શકે. પણ, આપણા ગામમાં ભરેલા પડ્યા છે એવા જંતર મંતરવાળા નહિ. તું તો અંગ્રેજી ફિલ્મો જોતો હશે ને? ઓલી એક ફિલ્મ નથી ‘કોન્જુરીંગ’ એમાં હોય છેને લોરેન અને વોરેન એમના જેવા, ભૂતોને પકડનારા.”

“એ બધી ફિલ્મો છે અને કરોડો રૂપિયા રળે છે એટલે બને છે. એ બધું સાચું નાં હોય, આમ ગધેડાને તાવ આવે એવી વાતો ના કર.” મન આમેય અકળાયેલો હતો અને આ સાંભળીને ચિઢાઈ ગયો.

“તને તાવ આવ્યો? પહેલા હું પણ નહતો માનતો આ બધું પણ ખરેખર અનુભવ્યું પછી તો માનુંને. કોઈ ભૂતડીનાં હાથે તે ચા પીધી છે? મેં પીધી છે! હશે જવાદે એ બધી વાતો મારાતો એ યાદ કરીનેય રુંવાડા ઉભા થઇ ગયા.”

“મોહના વિષે કંઈ અજુગતું વિચારવા મારું મન તૈયાર નથી. એને આપણે બાળપણથી ઓળખીએ છીએ, ક્યારેય એને જોઈ કોઈને પરેશાન કરતાં. નિમેશ એના વિષે કેવી વાતો કરતો હતો કાલે.”

“તારે પારખાં કરવા છે એમજ ને? દિલ આવી ગયું છે એના પર અને જાન જાય તોય ફિકર નથી, રાઈટ?” ભરત હસી પડ્યો.

“તારે એમ માનવું હોય તો એમ રાખ.” મન પણ થોડો શરમાઈ ગયો. મોહના વિષે વાત કરતા કે વિચારતા જ એ કોઈ બીજી જ દુનિયામાં પહોંચી જતો. એના શરીમાં હલકી ધ્રુજારી આવતી અને દિલ જોર જોરથી ધબકવા લાગતું. સમજીલો મનનો પ્રાણ વસ્યો હતો મોહનાનાં ખોળીયામાં!

“તું ચિંતા ના કર યાર! હું તારી સાથે જ છું, મોહનામાં જો કોઈ ગરબડ હશે તો એનેય સુધારી લઈશું પણ એ માટે એની પાસે જવું પડશે, એની પુરતી પરીક્ષા લેવી પડશે. જે ત્રણ ખૂન થયા છે એના કાતીલોને આપણે જાતે શોધવા પડશે, નિમેશ કદાચ આપણો સાથ આપવાની ના કહી દે, તો પણ આપણે સત્ય સુંધી પહોંચવું જ રહ્યું.”

“તું સાચું કહે છે, ભરત! હું આજે મોહનાને મળવા જવાનો છું ત્યારે ગળામાંથી તુલસીની માળા નીકાળીને જઈશ. જોવું છું એ શું કરે છે!” મન આવેશમાં આવી ગયો હતો.
“જોજે એકલો કોઈ કદમ ના ઉઠાવતો. જે પણ કરે મને જણાવીને કરજે, હું મારાથી શક્ય એટલી મદદ કરીશ.” ભરતે કહી તો દીધું હતું પણ એનું મન ફફડી ઉઠ્યું હતું. એના દોસ્તની જાન ખતરામાં તો નહિ પડે ને?

મને મન બનાવી લીધું હતું આજે સાંજે મોહના આગળ સામેથી પોતાનું ગળું ધરવાનું, એની જાન એનો જાન લઈ શકે એ વાત સ્વીકારવા એનું મન જરાય તૈયાર ન હતું. બધાંને એની વાત પર વિશ્વાસ બેસે એટલે એને આ કદમ ઉઠાવવું જરૂરી હતું... એને મોહના કરતાં નિમેશની ફિકર વધારે હતી. એ જ હતો જે એને એની મોહનાથી જુદી પાડી શકે. મનની આંખો એના રૂમની બારી બહાર દેખાતી પહાડીઓ અને નદીને તાકી રહી. હજી પહાડી ઉપર થોડું ધુમ્મસ જામેલું હતું, પણ વહેલી સવાર કરતાં પ્રમાણમાં ઓછું થયું હતું. જેમ જેમ સુરજ વધારે તેજસ્વી થતો જશે તેમ તેમ ધુમ્મસના વાદળાને હટવું જ પડશે. મન મનોમન પોતાની કલ્પના કુદરતી દ્રશ્ય સાથે કરી રહ્યો, એના જીવનમાંય હાલ ધુમ્મસના વાદળાં છવાયેલા હતા, પણ એ હંમેશા નહિ જ ટકે એવો એને વિશ્વાસ હતો. જેમ જેમ એનો પ્રેમ વધારે તેજોમય થતો જશે, તપતા સુરજની જેમ, એમ ધુમ્મસ હટતું જશે અને હંમેશા માટે હટી જશે...