મન મોહના - ૧૬ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન મોહના - ૧૬

નિમેશ અને ભરત જંગલમાં આવી ગયા હતાં. એમને એ રિસોર્ટ સુધીનો રસ્તો ખબર ન હતી. રસ્તો હતો જ નહિ, ચારે બાજુ ફેલાયેલી જંગલી ઝાડીઓને પાર કરીને ત્યાં સુંધી પહોંચવાનું હતું. જંગલમાં બનેલી કેડીઓ જ રસ્તો હતી જે એક કરતા વધારે પ્રમાણમાં હતી. એમાંથી જો ગલત કેડી પર ચડી જાઓ તો એ તમને ભટકાવી પણ શકે. હાલ એ લોકો માટે એક એક પળ કિંમતી હતી. અત્યાર સુધી તો ફોનમાં લોકેશનનો મેપ જોઈને ચલવ્યું હતું પણ જંગલમાં પ્રવેશતા જ ઇન્ટરનેટ ચાલ્યું ગયું હતું. નિમેશને ગુસ્સો આવી રહ્યો હતો. એણે આગળ ત્રણ લાશ જોઈ હતી હવે ચોથી લાશ, એ પણ એના ભાઈબંધની લાશ જોવાની એની તૈયારી ન હતી. એ કંઈ પણ કરીને મનને બચાવવા માંગતો હતો. મને પોતાને જણાવ્યા વગર જવાની જરૂર જ ન હતી..!

“નીમલા મનનો ફોન લાગતો નથી, હવે?” ભરતે ચિંતિત થઈને કહ્યું.

“મને વિચારવા દે. અશોક.. હા અશોક આપણી મદદ કરી શકે. મોહનાનો ડ્રાયવર. એને જરૂર ખબર હશે રસ્તો.” નિમેશ ચપટી વગાડતાં બોલ્યો. એણે તરત અશોકને ફોન જોડ્યો.

“હલો..” એ જાણે હાલ ઊંઘમાંથી ઊઠ્યો હતો.

“હલો.. હું સબ ઇન્સ્પેકટર નિમેશ બોલું છું. મારે જાણવું હતું કે મોહના અને મનને લઈને તમે ક્યાં ગયા છો?"

“હું શું કરવા જણાવું?” અશોકે ઉડાઉ જવાબ આપ્યો.

“તું પોલીસ સાથે વાત કરી રહ્યો છે, એ ના ભૂલ. બકાવાસ બંધ કર અને સીધી રીતે જવાબ આપ.” નિમેશ વધારે કડકાઈથી બોલ્યો હતો.

“મને નથી ખબર. હું ઘરે છું. એ લોકો એકલા જ ગયા છે. મૂકું હવે?” અશોકે કંટાળાથી કહ્યું.

“એક મિનિટ.. તું મને વાત કરવા દે,” ભરતે નિમેશના હાથમાંથી ફોન ઝુંટવી લીધો," અશોક પ્લીઝ હેલ્પ કર યાર! અમારે હાલ ને હાલ જ મનને મળવું ખૂબ જરૂરી છે. એ જંગલમાં કોઈ રીસોર્ટમાં ગયો છે, મોહના સાથે તને એનો રસ્તો ખબર છે?” ભરતની વાતથી એ જરા પિગળ્યો હોય એમ લાગ્યું. એણે રસ્તો બતાવ્યો. કેટલીક નિશાનીઓ આપી અને એ કેડી પર જ આગળ વધવા જણાવ્યું. ‘થેંક યું’ કહીને ભરતે ફોન મૂક્યો અને બંને ભાગ્યા રિસોર્ટ તરફ એમની બાઈકો ઉપર. બંનેની ભગવાનને એક જ પ્રાર્થના હતી એમને પહોંચતા મોડું ના થઈ જાય...




નિમેશ અને ભરત બંને રાતના દસ વાગ્યા પછી જંગલમાં, કાચા રસ્તા ઉપર બાઈક ચલાવી રહ્યાં હતાં. એમને બસ ગમેતેમ કરીને મન પાસે જલદીથી પહોંચવું હતું. થોડે આગળ જતાં પહોળો રસ્તો આવ્યો એ જોઈ બંનેને ધરપત થઈ. અશોકે કહ્યાં અનુસાર આંબા અને પીપળાના ઝાડ વચ્ચેથી નીકળતો જંગલમાં એક જ જરાક પહોળો કહી શકાય એવો રસ્તો છે જે છેક રિસોર્ટ સુંધી જાય છે, ગાડીઓની અવરજવરને લીધે એ રસ્તો પડ્યો હતો. બાઈક એ રસ્તા પર જ દોડી રહી હતી. થોડે અંદર જતાં જ એક મોટું હવેલી જેવું મકાન દેખાવા લાગ્યું. એની આસપાસના વૃક્ષો કાપી નખાયા હશે, મકાનની ફરતે ખુલ્લી જગ્યા હતી.

એક વિશાળ, લોખંડી દરવાજા આગળ બે બાઈક આવીને ઊભી રહી ત્યારે ત્યાં ચોકીદાર ન હતો. નિમેશ બાઈક પરથી નીચે ઊતર્યો અને એણે જાતે દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જાણે કોઈએ એને વરસોથી જરાક પણ હલાવ્યો ના હોય એવા કીચૂડાટ સાથે ધીરે ધીરે એ ખુલેલો.

“નિમેશ આ જગ્યાએ નક્કી કોઈ ભૂત રહેતું હશે. જોને બિલકુલ ભૂતિયા હવેલીનો દરવાજો ખોલતા આવે એવો જ અવાજ આવ્યો ને!" ભરત ગભરાયેલા અવાજે બોલ્યો.

“અબે તે કેટલી ભૂતિયા હવેલીઓમાં જઈને એના દરવાજા ખોલી નાખ્યાં?" નિમેશ ને ભરતને ડરતો જોઈને મજાક સૂઝી.

“ભૂતિયા હવેલીઓમાં હું શું કામ જઉં? હું તને ભૂત લાગુ છું? આતો બધા પિચ્ચરોમાં જોયેલું." ભરતે નિમેશની પાછળ બાઈક હંકારતા કહ્યું.

ભરત અને નિમેશ બંનેએ દરવાજાની અંદર બાઈક મૂકી અને લગભગ દોડતા અંદર ઈમારતમાં પ્રવેશ્યા. લાકડાનો બનેલો વિશાળ, કલાત્મક દરવાજો એની પાછળ એક ભવ્ય રિસોર્ટ છુપાવીને બેઠો હશે એતો દરવાજો ખોલીને તમે અંદર જાઓ તો જ માની શકો. અંદર આછા પીળા અજવાળામાં રિસેપ્શન ટેબલ પાછળ એક છોકરી બેઠી હતી. છત પર લટકતા કાચના આદમકદના ઝુમરમાથી એ હલકી પીળી રોશની આવી રહી હતી. એ સિવાય બીજી કોઈ લાઈટ ચાલું ન હતી. પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત એ છોકરીને આ લોકોનું અહી આવવું કે એને ખલેલ પહોંચાડવું પસંદ આવ્યું ના હોય એવું એનું મોઢું જોતાં જ બંને જણાને લાગ્યું, પણ એવી ચિંતા કરવાવાળા આ બંને ક્યાં હતા! હાલ તો જરૂરી કામ હતું, મનનો જીવ બચાવવાનો હતો, ઉતાવળ હતી એટલે નહિતર બંને જણાંએ એ યુવતીનું બરોબર મગજ ખાધું હોત! નિમેશ એની પાસે ગયેલો અને મન તથા મોહના વિશે પૂછેલું. એ બંને જણા ઈમારતની અંદર જ આવેલા બગીચામાં ભોજન લઇ રહ્યા છે એ જાણી બંનેએ બગીચા તરફ દોટ મૂકી.
બગીચામાં પહોંચ્યા કે તરત બંનેના પગે બ્રેક લાગી ગઈ. એમનાથી થોડાંક જ કદમ દૂર મોહના અને મન એકબીજાને વળગીને ઊભા હતા..! બંનેના દિલમાં થડકો પડ્યો, ક્યાંક આવવામાં એમણે મોડું તો નથી કરી દીધું? નિમેશ અને ભરત બંનેએ એક સાથે એકબીજા સામે જોયું. કોઈના મોઢામાંથી એક શબ્દ પણ ના નીકળ્યો..!

નિમેશ એક પોલીસવાળો હતો અને એમને આવી ઘટનાઓ વખતે કેમ વર્તવું એની ટ્રેનીંગ અપાયેલી હતી. એ તરત સાવચેત થઈ ગયો હતો અને એણે જાણે સામે જોયું જ ન હોય એમ મોટેથી ભરત સાથે વાત ચાલુ કરી,

“ભરતા અહીં તો કોઇ દેખાતું નથી? આ લોકો કઈ બાજુ હશે?” નિમેશ ઘણા મોટા અવાજે બોલેલો, શાંત વાતાવરણમાં અને લગભગ નિર્જન જેવી જગ્યાએ એનો અવાજ દૂર દૂર સુધી ફેલાયો હશે. મોહનાના કાનોએ એ અવાજ બરોબર સાંભળ્યો અને ઓળખ્યો હતો. એણે હળવા ધક્કા સાથે મનને પોતાનાથી દૂર કર્યો. મોહનાથી દૂર થતાં જ મન જાણે એક લાંબી, ગહેરી ઊંઘમાંથી જાગ્યો હતો..! એ હજી મોહના સામે જ જોઈ રહ્યો હતો. મોહનાએ એની નજર ઘુમાવી નિમેશ તરફ કરી ત્યારે મનની નજર પણ એ બાજુ ગઈ હતી.

“તમે લોકોય ખરાં છો, આખા શહેરમાં બીજી કોઈ જગ્યા ના મળી તે અહીં આ જંગલમાં ગોડાણા!" નિમેશ સાચવીને, એકદમ સાહજીક લાગે એવી રીતે બોલ્યો હતો.

ભરતતો ફાટી આંખે મોહનાને જ જોઈ રહ્યો હતો. સાવ ટુંકો લાલ ડ્રેસ અને એ પણ હાથ અને ખભા આગળથી ખુલ્લો, આવો ડ્રેસ પહેરેલી છોકરી એણે આજ સુધી ફક્ત ટીવીમાં જ જોઈ હતી, એણે કદી નહતું વિચાર્યું કે મોહના કદી આવા વેશમાં જોવા મળશે...? મન હજી જીવતો હતો અને સહી સલામત હતો એ જોઈ નિમેશને ધરપત થયેલી. એણે ધીરેથી ભરતને કાનમાં કહ્યું, “મોઢું બંધ કર, લાળ ટપકશે!”
ભરતે મોઢું બંધ કર્યું અને મન તરફ આગળ વધ્યો. મન આ બંનેને અહીં જોતા અચંબિત હતો. મોહના નિમેશ સામે કતરાતી નજરે જોઈ રહી હતી. એ નજરમાંથી નિમેશ માટેનો તિરસ્કાર સાફ દેખાતો હતો.

“તમે બંને અહીં?” ભરત મન પાસે પહોંચી એને ધારીને જોતો હતો ત્યારે મને પૂછ્યું.

ભરત કંઈ જવાબ આપે એ પહેલાં જ નિમેશ બોલ્યો, “મન તારા ફાધરની તબિયત લથડી છે, એમને છાતીમાં દુઃખાવો થતાં અમે એમને લઈને તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયેલાં. ત્યાં આંટી તને યાદ કરે છે. એમણે તને ફોન કર્યો પણ તારો ફોન લાગતો ન હતો.” નિમેશ એક પછી એક જુઠાણું ચલાવે ગયો. ભરતે આ વખતે ચૂપ રહેવાનું જ યોગ્ય માન્યું.

“પપ્પાને છાતીમાં દુઃખાવો? એમને તો કોઇ હાર્ટ પ્રૉબ્લેમ નથી. હાલ એમની તબિયત કેમ છે?” મનના અવાજમાં રઘવાટ ભળ્યો હતો.

“હાલ તબિયત સારી જ છે. આપણે હોસ્પિટલ પહોંચીએ ત્યાં જઈને વધારે માહિતી ડૉક્ટર પાસેથી જ મળશે.” નિમેશ મનને ધરપત આપતા એના ખભા પર હાથ રાખી બોલ્યો.

“મોહના, સોરી! મારે જવું પડશે!” મને મોહના સામે જોઇને કહ્યું હતું, એના ચહેરા પર કોઈ ભાવ ન હતાં.

“હા, હા જરૂર જા. ઇન્સ્પેક્ટર નિમેશ કહે છે તારા ફાધરની તબિયત ખરાબ છે, તો સાચું જ હશે ને!” મોહનાએ નિમેશ સામે એક નજર કરીને કહ્યું હતું. નિમેશ જરાક મલકાયો.

“તું જા ડિઅર! આપણે કાલે સાંજે ફરી મળીશું.” મોહનાએ મનની સામે સ્મિત કરીને કહ્યું.

“તમે લોકો આગળ જાઓ હું મોહનાને એના ઘરે છોડીને આવું છું.” મને કહ્યું. એ લોકો મોહનાની ગાડીમાં જાતે ડ્રાઈવ કરીને અહીં આવ્યા હતાં. મોહનાને ઘર સુધી છોડવા જવું એ પોતાની ફરજ છે એવું મનને લાગ્યું.

નિમેશને પાછી બાજી હાથમાંથી જતી હોય એમ લાગ્યું. એણે ભરત સામે જોયું. ભરત સમજી ગયો, મનને મોહના સાથે અત્યારે એકલો છોડવામાં જોખમ હતું. ભરતે મોહના સામે જોઈ કહ્યું, “મોહના તને ગાડી ચલાવતા તો આવડતું હશે ને? ત્યાં આન્ટી પરેશાન છે, જેટલું વહેલું પહોંચી જવાય એટલું સારું. તું સમજે છે ને?”

“હા, હા, ચોક્કસ. હું જાતે ગાડી ચલાવીને જઈ શકું છું. તમે લોકો જલદી હોસ્પિટલ પહોંચો.” મોહનાએ આટલું કહ્યું એની જ જાણે રાહ જોતાં હોય તેમ નિમેશ અને ભરત બંને મનનો એક એક હાથ પકડી ચાલવા લાગ્યાં. મનને પણ કમને એમની પાછળ જવું પડ્યું.

ભરતની બાઈક પાછળ મન બેઠો અને ત્રણે જણા ત્યાંથી નીકળી ગયાં. રસ્તામાં મને એકવાર પૂછ્યું કે પપ્પાની તબિયત ક્યારે બગડેલી પણ કોઈ જવાબ ના મળતાં એ ચૂપ રહ્યો હતો અને થોડીવાર રાહ જોવાનું ઉચિત માનેલું.
એમની રોજની મળવાની જગ્યા, હાઇવે પરની હોટલે આવીને બંને બાઈક અટક્યાં હતાં. મન આશ્ચર્યથી જોઈ રહ્યો, “આ..આપણે ક્યાં આવ્યા? આપણે હોસ્પિટલ જવાનું હતું ને?"

ભરતે એને જણાવ્યું કે ચિંતા કરવાની જરાય જરૂર નથી. એના પપ્પાની તબિયત બિલકુલ સારી છે. હવે મનને ગુસ્સો આવી રહ્યો. આ બંને જણાં એને મોહના પાસેથી આમ કેમ ઉઠાવી લાવ્યા? એણે કોઈ સવાલ ના પૂછ્યો બસ, બંને તરફ જોઈ રહ્યો.

“જો આમાં મારો જરાય વાંક નથી. બધું આ જુઠ્ઠાડા નીમલાને લીધે થયું. એણે છેલ્લે મોહના વિશે એક એવી વાત કહી કે અમારે તને બચાવવા ભાગવું પડ્યું!” ભરતે ખુલાસો આપવાનો પ્રયાસ કર્યો.

મને હવે નિમેશ સામે જોયું. નિમેશને જાણે આ બધી વાતોથી કોઈ ફરક જ ના પડતો હોય એમ શાંત રહ્યો અને એની આદત મુજબ ગ્લાસમાંથી જાણે કોઈ મોંઘી શરાબના ઘૂંટ ભરતો હોય તેમ પાણી પીતો રહયો. મનને પણ નિમેશ ઉપર ગુસ્સો આવતો હતો. એણે ભરતને પૂછ્યું, “આ વખતે આણે કઈ વાત છુપાવી હતી?"

“તને કેવી રીતે ખબર, કે આને વાત છુપાવી?” ભરતે નવાઈથી પૂછ્યું.

“જ્યારનો એ મળ્યો ત્યારનો એવું જ તો કરી રહ્યો છે. પહેલાં મોહનાના પતિ વિશે છુપાવેલું, એના ખૂની બારામાં છુપાવેલું. હવે નવું શું આવ્યું?"

“તું માનીશ નહિ યારા, નિમેશ કહે છે કે મોહના ડાકણ છે!”
ભરત એનું મોઢું મનના કાન પાસે લઈ જઈને બીજું કોઈ સાંભળે નહીં એમ એકદમ ધીમેથી બોલ્યો. આ બોલતી વખતે એની નજર ચારે બાજુ જોઈ રહી હતી કે એને કોઈ જોતું તો નથી ને. જોકે શિયાળાની ઠંડી રાત હોવાથી અત્યારે એમના સિવાય અહીં કોઈ ન હતું. એણે ફરી બોલવાનું શરૂ કર્યું, “લોહી પીવાવાળી ડાકણ! અમે લોકો તને બચાવવા કેટલું ભાગ્યા હતાં. છેલ્લે અશોકે, મોહનાનો ડ્રાઈવર અશોક, એણે રસ્તો બતાવ્યો ત્યારે તારા સુંધી પહોંચ્યા."