મન મોહના - ૧૫ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન મોહના - ૧૫

નિમેશ અને ભરત મનને શોધતા મોહનાના ઘરે પહોંચ્યા ત્યારે ચોકીદારે એમને ગેટ પાસે જ રોક્યાં હતાં. ઘરે હાલ કોઈ ન હતું. મોહના બહાર ગઈ હતી, ક્યાં? એની ચોકીદારને જાણ ન હતી. ભરતે મનને ફોન જોડ્યો એનો ફોન સતત નેટવર્કની બહાર આવતો હતો.

“એક કામ કરીએ બધી મોટી હોટલોમાં જઈને તપાસ કરીએ. એ લોકોનું હજી જમવાનું જ ચાલતું હશે.” ભરતે આઈડિયા આપ્યો.

“એ શહેરની હોટેલમાં હોય તો ફોન નેટવર્ક બતાવે. જરૂર એ લોકો જંગલમાં ગયા હોવા જોઈએ. ત્યાં જ નેટવર્ક નથી આવતું.” નિમેશ બાઈકને કિક મારતા બોલ્યો.

“હવે એમ ના કહેતો, જંગલમાં મોહનાના પરદાદાની જૂની ખંડેર જેવી હવેલી છે!” ભરત દાઢમાં બોલ્યો. એને હજી નિમેશ ઉપર ગુસ્સો આવતો હતો. એણે આ કેસ સોલ્વ કરવાની લાહ્યમાં મનનો જીવ જોખમમાં મુકેલો!

“જંગલમાં એક રિસોર્ટ છે. વેકેશનમાં પ્રવાસીઓ આવે એ સિવાય કોઈ ત્યાં જતું નથી. મન ત્યાં જ હશે.” નિમેશ એનું બાઈક આગળ લેતા બોલ્યો.

“અલ્યા ઊભો તો રે...પણ! હું આવું છું...!” ભરતે એનું બાઈક સ્ટાર્ટ કરી નિમેશની પાછળ લીધું.

મન અને મોહના જંગલમાં આવેલા રિસોર્ટમાં પહોંચ્યા હતા. ત્યાં એક રૂમ એમના માટે પહેલેથી તૈયાર રાખેલો હતો. જંગલની મધ્યમાં આવેલો આ જૂની હવેલી જેવો રિસોર્ટ ચાંદની રાતમાં એના સફેદ રંગને લીધે ચમકી રહ્યો હતો. આસપાસ એક નોકર સિવાય કોઈ દેખાતું ન હતું. મન અને મોહના રિસોર્ટની બિલ્ડિંગની વચોવચ આવેલા નાનકડાં બગીચામાં બેઠા હતા. ત્યાં એમના માટે ટેબલ અને ખુરશી ગોઠવાયેલા હતા. નોકર બધી વાનગીઓ ટેબલ ઉપર ગોઠવીને જતો રહ્યો. કેટલાક ઝાડ પર લટકતી નાની નાની ગોળીઓ એ બગીચામાં હલકો ઉજાસ પાથરતી હતી. ચાંદની રાત હોવાથી ચારે બાજુ અલૌકિક ચાંદની પથરાઈ હતી અને એ ચાંદનીના કેન્દ્રબિંદુ સમો ચાંદ પોતે કેસરી રંગમાં નહાઈ રહ્યો હતો. એની અંદરથી રેલાતો કેસરી રંગ એની પાસે આવેલા એક વાદળને પણ થોડું કેસરી રંગી એક અદ્ભુત નજારો રચતું હતું.

“એ ચાંદને જ જોયા કરીશ તો આ પૃથ્વી પરનો ચાંદ રિસાઈ જશે, હોં!” મોહના હસતાં હસતાં બોલી, “લાગે છે કે તને મારા કરતાં આ ચાંદ વધારે ખૂબસૂરત લાગે છે, હૈં?”

“ના. ના. એવું નથી. પણ, સાચું કહું તો મને એવું લાગે છે જાણે હું કોઈ સ્વપ્ન જોઈ રહ્યો હોય. આપણે બંને મતલબ તું અને હું આમ સાથે હોઈએ એ હજી માનવામાં નથી આવતું. તું મારી સાથે હો, ચાંદની રાત હો અને,” મન ખૂબ ભાવથી બોલી રહ્યો હતો.

“અને..?” મોહનાએ પૂછ્યું.

“અને કંઈ નહિ!" મન મલક્યો.

“તું પણ કંઈ સીધો નથી હમમ... મનમાં ને મનમાં કંઈ એવું વિચારતો હશે જે મને ના કહી શકે."

“ના. હું એવું કશું નથી વિચારતો." મન જાણે ચોરી કરતાં પકડાઈ ગયો હોય એમ સંકોચાઈ ગયો. હકીકતે એને પોતાનું સપનું યાદ આવી રહ્યું હતું. ચાંદની રાતમાં એના ખભા પર માથું ઢાળીને મોહના બેઠી હતી, સામે સરોવરમાંથી ઠંડો પવન લહેરાતો આવી રહ્યો હતો અને આખું આકાશ તારાઓથી ચમકી રહ્યું હતું. મન એ સપનાની વાત મોહનાને ક્હેવા ઈચ્છતો હતો પણ એને હજી સંકોચ થઈ રહ્યો હતો. શી ખબર મોહના એને એક મિત્રના રૂપમાં જ જોતી હોય!

“ચાલ જમી લઈએ પછી સાથે ડાંન્સ કરીશું.” મોહનાએ ટેબલ ઉપર પડેલી વાનગીઓના બાઉલ પરથી ઢાંકણ ઉઠાવ્યું.

મનની આંખો પહોળી થઇ ગઈ. ટેબલ પર તંદુરી ચિકન, કબાબ અને બિરયાની હતાં.

“વાહ.. સુંગધથી જ મારી તો ભૂખ વધી ગઈ." મોહનાએ ઊંડો શ્વાસ લીધો અને એની ડિશમાં એક પીસ તંદુરી ચિકનનો લીધો અને એને એક હાથે ઉઠાવી બચકું ભર્યું.
મન પોતાને જ જોઈ રહ્યો છે એ જોઈને મોહનાએ કહ્યું,

“ચલ, ખાવાનું સ્ટાર્ટ કર, મને જોવાથી તારું પેટ નહિ ભરાય.”
મને એક બાઉલમાં રહેલા સલાડમાથી ટામેટાં અને કાકડીના ગોળ પિત્તા ઉઠાવી એની ડિશમાં લીધા.

“આ શું? તું ડાયટ પર છે?” મોહનાએ નવાઈથી મન સામે જોતા કહ્યું, “ઓહ માય ગોડ! હવે એમ ના કહેતો કે તું વેજીટરિયન,” મોહના એનું બોલવાનું પૂરું કરે એ પહેલાં જ મને એનું માથું હકારમાં હલાવ્યું હતું.

“ઓહ સીટ! મને આવો વિચાર જ નહતો આવ્યો. અમારે આર્મીવાળાના પરિવારમાં તો લગભગ બધા લોકો બધું ખાતા જ હોય.”

“કંઈ વાંધો નથી. હું સલાડ ખાઈ લઈશ. અમેરિકામાં ગયા પછી આવી ઘટનાઓથી ટેવાઈ ગયો છું. તું તારે આરામથી ખા. હું પોતે નોનવેજ નથી ખાતો મને કોઈ દિવસ એવી ઈચ્છા જ નથી થઈ પણ હું બીજાને ખાતા રોકી પણ ના શકું!" મને શાંતિથી કહ્યું. એ મોહનાને જરાક પણ હતોત્સાહ કરવા નહતો ઈચ્છતો.

“તું થોડી વાઇન તો લઈશ ને?” મોહનાએ એનો ગ્લાસ ભર્યા પછી મનના ગ્લાસમાં ભરતાં પૂછ્યું, “જો આ તો લેવી જ પડશે હો, આટલી મસ્ત રાતને તું બોરિંગ ના બનાવ.”

મનને એકપળ થયું કે એ જો બે ઘૂંટ પી લેશે તો શું નવાજુની થઈ જવાની? મોહના આટલો આગ્રહ કરી રહી છે, એને ખોટું લાગશે! એ પોતાનો હાથ ગ્લાસ નજીક લઈ ગયો એની બીજી જ પળે એને ગ્લાસમાં એની મમ્મીનું મોં દેખાયું, એ કહી રહી હતી,

“બેટા અમેરિકા જેવા દેશમાં તું એકલો હોઈશ. અમે કોઈ તને રોકવા કે ટોકવા નહિ આવીએ. મને વિશ્વાસ છે તું આપણો ધર્મ નહિ ભૂલે! જો કોઈ વખત કંઈ ભૂલ થઈ જાય તો પણ ચિંતા ન કરતો, અમારા માટે તો તું સદા અમારો વહાલો દીકરો જ રહીશ!"

મને ગ્લાસ લેવા લંબાવેલો હાથ પાછો ખેંચી લીધો. એના મને કહ્યું, તું જે છે, જેવો છે એવો જ જો મોહનાને સ્વીકાર્ય હોય તો જ આ સંબંધ સુખરૂપ આગળ વધી શકે, એ પ્રેમ જ શું જેના માટે પોતાને બદલાવું પડે, જેના માટે પોતાને એવી રીતે વર્તવું પડે જેવો એ ખરેખર છે જ નહિ!

“તારા માટે વેજમાં કંઈ ઑર્ડર કરું?" મોહનાએ મનને બેસી રહેલો જોઈ પૂછેલું.

“એમની પાસે તૈયાર નહિ હોય તો બનાવીને લાવતા વાર લાગશે. હું સલાડ અને આ રાયતું ખાઈ લઈશ એટલું બસ છે મારા માટે! આમ પણ રાતના સમયે હું બહુ ઓછું ખાઉં છું.” મને ત્યાં ઢાંકીને રાખેલ એક બાઉલ ખોલતાં કહ્યું.

બંનેનું જમવાનું પૂરું થયું એટલે મોહનાએ એના પર્સમાથી નાનકડું બ્લુટૂથ સ્પીકર નીકાળ્યું અને એના ફોનમાં કોઈ ગીત સેટ કરીને ફોન સ્પીકર પર મૂક્યો. શાંત વાતાવરણ જગજીતસીંગની ગઝલના ઘેરા, મધુરા અવાજથી ગુંજી ઉઠ્યું... મોહનાએ મન આગળ એનો હાથ લંબાવ્યો. મનને માટે આ ક્ષણ ધન્ય થઈ જવા બરોબર હતી. એની સ્વપ્નસુંદરી, એના ખયાલોની મલ્લિકા આજે એની સામે હાથ લંબાવીને ઊભી હતી! એનો હાથ માંગી રહી છે, મન એને કેવી રીતે નકારી શકે? મને હળવેથી એ હાથ પકડ્યો અને ઊભો થયો. ગઝલના શબ્દો હવામાં તરી રહ્યાં હતાં...

હોશ વાલો કો ખબર ક્યા, બેખુદી ક્યા ચીજ હેં!
ઈશ્ક કીજે ફિર સમજીએ જિંદગી ક્યા ચીજ હેં...

મન હજી થોડો સંકોચાતા મોહના સાથે હલી રહ્યો હતો. મોહાનાએ મનના બંને હાથ પકડી પોતાની કમર પર મુક્યા અને નશીલા અવાજે કહ્યું, “લેટ્સ એન્જોય યાર! આપણે અહીં મજા કરવા જ આવ્યા છીએ." મન થોડુંક હસ્યો અને મોહના સાથે પોતાની જાતને બરોબર ગોઠવી રહ્યો...

દસેક મિનિટ બાદ ગીત બદલાયું હતું પણ એ તરફ બન્નેમાંથી કોઈનું ધ્યાન ન હતું. મનના બંને હાથ મોહનાની કમર પર હતા અને મોહનાના બંને હાથ મનની ગરદન પર... બંનેના શરીર એક સાથે, લયબદ્ધ, સંગીતના તાલે ડોલી રહ્યાં હતાં... મોહના મનની આંખોમાં જોઈ રહી હતી. એ મીઠું હસતી હતી. મન પણ મોહનાની આંખોમાં જોઈ રહ્યો હતો. મનને હાલ આ આંખોની ભાષા કંઇક અલગ લાગતી હતી. પહેલાં જોયેલી મોહનાની આંખોમાં એક ઉદાસી હતી જે એને છેક અંદર સુધી હચમચાવી ગઈ હતી, એ અત્યારે ગેરહાજર હતી! મોહનાનો ચહેરો અત્યારે માસૂમિયતની મિશાલ જેવો નહી પણ કોઈ ચાલાક, સુંદર સ્ત્રી જેવો ભાસતો હતો. મનને થતું હતું કે એ મોહનાની પાસે જરૂર છે પણ સાથે નહિ! મોહનાનાં વિચારમાત્રથી એના રૂંવાડા ઊભા થઈ જતાં જ્યારે અત્યારે એ એની પાસે હતી, એની સાવ નજીક તો પણ એને કંઇક કમી લાગી રહી હતી. શું કે શેની કમી એ મન સમજી નહતો શકતો પણ હાલ મોહના એને અલગ જ ભાસી રહી હતી એ હકીકત હતી. મને વિચાર્યું કે કદાચ મોહના હાલ થોડી નશામાં છે એટલે પોતાને એવું લાગતું હશે. પોતે આજદિન સુંધી મોહનાને ફક્ત એના ખયાલોમાં મળ્યો છે, એની સાથે વાતો કરવાની ઠાલી કલ્પનાઓ જ કરી છે, શી ખબર મોહનાનું સાચું સ્વરૂપ આ જ હોય!
અચાનક મોહનાએ એનું માથું મનના ખભા પર ઢાળી દીધું. આમતો મોહના મન કરતાં થોડી નીચી હતી પણ એણે પહેરેલા ઊંચી એડીના જૂતાં એને મન જેટલીજ ઊંચી બનાવતા હતા. મોહનાના ગરમ શ્વાસ મનની ગરદન પર અથડાતાં હતા. થોડીવાર એમ જ પડી રહીને મોહનાએ એની આંગળીઓ મનના વાળમાં ફેરવી અને મનનું માથું એના વાળ પકડીને બીજી બાજુ સહેજ નમાવ્યું. મનને અજીબ અહેસાસ થઈ રહ્યો હતો. એના હાથ પગ જાણે ઠંડા પડી ગયા હતાં. એ ના તો મોહનાને પોતાની નજીક ખેંચી શકતો હતો કે ના દૂર કરી શકતો હતો! એ બસ બધું અનુભવી રહ્યો હતો. મોહનાના શરીરમાંથી આવતી સુગંધ એને મદહોશ કરી રહી હતી...!! એના ગળા પર મોહનાના હોઠ અને પછી જીભ ફરી રહી હતી, કદાચ! એ નાજુક સ્પર્શ મનને ભડકાવી રહ્યો હતો. એને વારંવાર ઈચ્છા થઈ આવતી હતી કે મોહનાને એ પોતાની બાહોમાં ભીંસી લે, એના નાજુક અંગો ઉપર પોતાના હોઠની મહોર લગાવી દે! એને પકડીને બસ ચૂમ્યા જ કરે પણ, એનાથી હલીયે નહતું શકાતું...!!