મન લાઇબ્રેરીના કંપાઉન્ડ સુંધી જોઈ આવ્યો હતો. એણે મોહનાની ગાડી ના જોતા માની લીધું હતું કે મોહના ચાલી ગઈ હશે. મન ઘરે આવ્યો હતો. એના મનમાં એક જ વિચાર ચાલતો હતો, મોહના આમ અચાનક ચાલી કેમ ગઈ? એને કોઈ વાતે ખોટું લાગી ગયું હશે? માંડ માંડ આજે એણે મોહના સાથે સરસ રીતે વાત કરી હતી ત્યારે આજે જ આવું થવાનું હતું. એને નિમેશ ઉપર ગુસ્સો આવી રહયો હતો. આજે એના લીધે જ બનતા બનતા સરસ મજાનો પ્લાન ભાંગી પડ્યો હતો...
સાંજ સુધી મન ઉદાસ જ રહ્યો હતો. સાંજે ભરતનો મેસેજ આવ્યો ત્યારે એણે મેસેજમાં જ નિમેશને લીધે મોહના ચાલી ગઈ એ ઘટના જણાવી. ભરતે એને મોહનાને ફોન કરી ચાલી જવાનું કારણ પૂછવા સમજાવ્યો. આજે પોતાની વાતોથી ખુશ થતી મોહનાને જોઈ મનને પણ આશા બંધાઈ હતી કે મોહના પોતાને એક ને એક દિવસ જરૂર પસંદ કરશે! આખરે હિંમત કરીને મને મોહનાને ફોન કરેલો.
“હલો” સામેથી મોહનાનો અવાજ સાંભળતાજ મનનું દિલ એક ધબકારો ચૂકી ગયું. એના શ્વાસ થંભી ગયા.
“હલ્લો...” મોહનાએ ફરી લહેકા સાથે કહ્યું ત્યારે મન જાગેલો.
“હલો..હલો.. મોહના? હું મન!” ૧૨૦ની ગતિએ નસોમાં ભાગતા લોહી સાથે મને વાત શરુ કરી હતી. “તું અચાનક ત્યાંથી કેમ ચાલી ગઈ હતી? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ? ”
સામા છેડેથી મોહનાનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. મનને એનાથી રાહતની લાગણી થઇ. મોહના પોતાનાથી નારાજ ન હતી.
“ઘરમાં ચોર ઘૂસી ગયો હતો. શંભુ મહારાજનો ફોન આવેલો એટલે મારે તરત ત્યાંથી નીકળી જવું પડ્યું."
“ચોર?"
“હા, ચોર! મારો આખો રૂમ ફેંદી નાખ્યો છે. ખબર નહિ એ ચોરી કરવાં આવેલો કે કંઇક શોધવા! “
મનને યાદ આવ્યું. નિમેશ કહેતો હતો કે કોઈ આતંકવાદી સંગઠન અમર પાસેથી ફાઈલ લેવા પ્રયત્નશીલ હતી. કદાચ એ લોકોએ જ અમરનું ખૂન કર્યું હશે. હજી એમને એ ફાઈલ મળી નહિ હોય એટલે જ એમણે ફરીથી મોહનાનો રૂમ તપાસ્યો.
“એ ચોર પકડાઈ ગયો?” મને પૂછ્યું.
“ના. એ તો ભાગી ગયેલો. એના હાથે ફલાવર વાઝ નીચે પડી ગયેલો. ઘરમાં કોઈ ન હતું અને અચાનક અવાજ થયો એટલે શંભુ મહારાજ ઉપર, મારા રૂમમાં ગયેલા. એમને જોઈને એ ચોર બારીમાંથી કૂદીને ભાગી ગયો. પછી એમણે મને ફોન કર્યો. મેં બધું ચેક કર્યું. મારા લોકરમાં રહેલા રૂપિયા અને ઘરેણાં એમને એમ જ પડ્યા હતાં તો એ ચોર ચોરી શેની કરવા આવ્યો હશે?"
“એ હાલ ભાગી ગયો પણ ફરી પાછો આવી શકે. તું પોલીસને જાણ કરી દે. નિમેશને લઈને હું આવું છું ત્યાં."
“ના. મારે પોલીસ પાસે નથી જવું. આજે મારા ડેડી ઘરે નથી એમને જરૂરી કામથી દિલ્લી જવું પડ્યું. કાલે એ આવી જાય એટલે એ જ એમની રીતે બધું સંભાળી લેશે. બસ, આજની રાત હેમખેમ પસાર થઈ જાય.” મોહના છેલ્લું વાક્ય હતાશ થઈને બોલી હતી.
“તું કહે તો હું આવી જાઉં? મતલબ કે તને ડર લાગતો હોય તો.” મને અચકાતા અચકાતા કહ્યું.
“ઓહ..તું ખરેખર આવીશ! સાચું કહું તો હું એવું જ ઇચ્છતી હતી પણ કહેતાં થોડો સંકોચ થતો હતો.” મોહના શરમાઈને બોલી, “ઠીક છે તો આજ સાંજનું ડિનર આપણે સાથે લઈશું, ડન?”
“ડન!” મને ખુશ થઈને ફોન મૂક્યો હતો. એના માટે તો બગાસું ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ હતો. તરત જ એણે ભરતને ફોન જોડ્યો અને બધી વાત કરી.
“અરે વાહ મારા યારા! લાગે છે આવખતે તારી બધી ઈચ્છાઓ નિયતિ પૂરી કરવા પર આવી છે!” ભરત પણ ખુશ થઈ ગયો.
“નિમેશનું શું કરવું છે? એને વાત કરું?”
“એક કામ કર આ વખતે રહેવાં દે. એ તમારી પાછળ પાછળ આવશે અને બંનેને ખોટા ડિસ્ટર્બ કરશે. હું રાત્રે મળીશ એને ત્યારે વાત કરીશ.”
“પણ યાર એ પોલીસવાળો છે, ગુસ્સે થઈને કોઈ અડચણ ઉભી કરે તો?” મને એના મનની વાત જણાવી.
“તું એની ચિંતા ના કર. એ ભાઈ છે મારો સૌથી પહેલાં, બીજા નંબરે દોસ્ત પછી પોલીસવાળો! હું એને સમજાવી લઈશ.” ભરતે હિંમત બંધાવી હતી.
સાંજે છ વાગે મન સરસ રીતે તૈયાર થઈને, હાથમાં એક લાલ ગુલાબનું ફૂલ લઈ મોહનાને ઘરે પહોંચેલો. મોહના જાણે એની જ રાહ જોતી બંગલાની બહાર બનાવેલા ગાર્ડનમાં બેઠી હતી.
“હાય... યુ આર ઓન ટાઈમ, જો હજી હાલ જ ચા આવી છે!” મોહનાએ એની સામે પડેલી ખુરશી તરફ બેસવાનો ઈશારો કરતા કહ્યું.
મને એના કોટના ગજવામાંથી ગુલાબ નીકાળી મોહના તરફ લંબાવ્યું, “આ સ્મોલ ગિફ્ટ ફોર દ મોસ્ટ બ્યુટીફુલ લેડી!"
“વોવ, ઇટ્સ સો પ્રિટી! થેંક યુ!” મોહનાએ ગુલાબ હાથમાં લીધું અને એને સૂંઘીને પોતાના હોઠે અડાડ્યું હતું. મનને લાગ્યું જાણે આકાશમાંથી ખાલી એના એકલા ઉપર જ બરફ વરસી રહ્યો છે! એ ઠરી ગયો.
“પેલા ચોર વિશે કંઈ ખબર પડી?” કંઇક વાત શરૂ કરવાના ઇરાદે મન બોલ્યો.
“ના. અને સાચું કહું તો હું એ વિશે વિચારવા પણ નથી માંગતી. એ બધું મને બહુ પરેશાન કરે છે. તને ખબર છે, મારા ડેડીએ એમની આખી જિંદગી દેશ માટે સમર્પિત કરી દીધી. મારા હસબન્ડે એમનો જીવ આપી દિધો દેશ માટે અને દેશ, એ શું કરે છે અમારા માટે? અહીંની પોલીસ તો ઊલટી મારા ઉપર ડાઉટ કરે છે! હું મારા પતિનું ખૂન શા માટે કરું? નિમેશ મારો દોસ્ત બનીને આવે છે અહીં, પોતાને મારો ભાઈ કહે છે પણ ખરેખર તો એ મને જ ખૂની ઠેરવી ફસાવી દેવા માંગે છે એટલું હું ના સમજુ એટલી નાદાન તો નથી જ. જે લોકોએ અમરની હત્યા કરી એના સુંધી પહોંચવાની એની ત્રેવડ નથી એટલે કેસ પૂરો કરવા મારી સામે આંગળી ચીંધવાની!” મોહના ઉશ્કેરાઈ ગઈ હતી. મન એની સામે જોઈ રહ્યો હતો એ જોઈ એ થોડી શાંત પડી હતી.
“સોરી યાર. મારે તારો મૂડ સ્પોઇલ ના કરવો જોઈએ.” મોહનાએ હસીને કહ્યું.
“નો.. નો..ઇટ્સ ઓલરાઇટ! તું તારા મનનો ઉભરો આ મન આગળ ઠાલવી નાખી શકે તો બેસ્ટ! મનમાં ભાર લઈને ફરવાથી જિંદગી બોઝિલ થઈ જાય છે.” મને મોહનાની ગહેરી, કાળી આંખોમાં ઝાંખીને કહ્યું.
“તું ખરા સમયે આવ્યો છે! હું ખૂબ એકલી પડી ગઈ છું મન. આ બંગલાની બહારની દુનિયા મારા માટે સાવ અજાણી બની ગઈ છે. મારી બધી સહેલીઓ એમના સાસરે જતી રહી, જે કોઈને દોસ્ત બનાવ્યા એમની નજર જાણે મારા કપડાંની આરપાર મારા શરીરને વિંધતી હોય એમ લાગ્યું અને એ દોસ્તોનેય છોડી દીધાં. આ દુનિયામાં એક સ્ત્રી હોવું, સુંદર સ્ત્રી હોવું અને પાછું એકલું હોવું કેટલું મુશ્કેલ છે એ તો તું પોતે સ્ત્રી હોય તો જ સમજી શકે! હું સુંદર છું, ફાઈન! મને મારી સુંદરતા ગમે છે, કોઈ મારા વખાણ કરે તો બહુ ગમે છે પણ આ સુંદર શરીરની અંદર એક સુંદર આત્મા પણ વસે છે એના સુંધી કોઈને પહોંચવું નથી! ફક્ત શારીરિક સુંદરતાથી આકર્ષાઈને બંધાયેલા ખોખલા સંબંધ મને મંજૂર નથી અને એટલે જ હું એકલી છું!” મોહનાએ થોડીવાર અટકી હતી પછી અચાનક મનના હાથ ઉપર એણે પોતાનો હાથ મૂક્યો અને એની આંખોમાં જોતા કહ્યું, “તારી આંખોમાં મને કોઈ અજીબ ભાવ દેખાય છે, મને લાગે છે જાણે તું મને બચાવી લઈશ. તું જ છે મારો તારણહાર!”
મનના શરીરમાં મોહનાના શરીરમાંથી આવતા કંપનો ફેલાઈ રહ્યા. એની હથેળી ઉપર મોહનાની હથેળી હતી અને એ જગ્યાએ આવીને જતું લોહી થોડુ વધારે વેગમાન બની આગળ ભાગી રહ્યું હોય એવું મનને લાગ્યું. સમય થંભી ગયો હતો. મન અને મોહના બંને ચૂપ હતા પણ એમની આંખો એકબીજા સાથે વાતો કરી રહી હતી... વરસો જૂની, કદાચ આગલા ભવની, કોઈ ઓળખાણ તાજી કરવા મથી રહી હતી..! મોહનાની આંખોમાં ઊંડે ઊંડે કોઈ દર્દ ડોકિયાં કરી જતું હતું એ દર્દ મનને સ્પર્શી રહ્યું...
મોહનાએ પોતાનો હાથ મનના હાથ ઉપરથી હટાવ્યો અને એની ખુરશીમાં પાછળ ધકેલાઈને આરામથી બેઠી. મન ખામોશ હતો. એની આરાધ્યા આજે એની સામે આજે ખુલી રહી હતી અને એ એને સાંભળવા માંગતો હતો. એની મદદ કરવા માંગતો હતો. અને છેલ્લે જો કોઈ સોનેરી ઘડી આવે તો પોતાના દિલની વાત એને કહેવા માંગતો હતો. એના દિલમાં તો બસ એક જ વાત હતી, વરસોથી એની અંદરને અંદર દટાઈને પડેલી એક વાત... આઇ લવ યુ મોહના! બસ, આટલા ચાર શબ્દો જ મનની આખી જિંદગીનું, એની તમામ ઇચ્છાઓ અને સુખનું સરવૈયું એટલે આ ચાર શબ્દો... એનો જવાબ ભલે ‘આઇ લવ યુ ટુ’ મળે કે ‘સોરી’ સાંભળવું પડે, મનને એની જરાય ફિકર ન હતી. પોતે મોહનાને ચાહે છે બસ એટલું જ એના માટે ઘણું હતું.
“એક છોકરી શું ઇચ્છતી હોય? કોઈ બહું રૂપાળો, હીરો જેવો છોકરો? પાણીની જેમ રૂપિયા વેરી શકે એવો અમીર જાદો? પહેલવાન જેવો કે બહુ હોંશિયાર છોકરો? હમમ..?” મોહના આકાશમાં જોઈને બોલી રહી.
“બધી છોકરીઓની તો નથી ખબર પણ, મોહનાને આમાંથી કોઈ પસંદ નહિ આવે!” મન શાંતિથી, પ્રેમાળ સ્વરે બોલ્યો.
“અચ્છા!" મોહના સીધી ટટ્ટાર બેઠી અને મનની આંખોમાં જોતા બોલી, “તો શું જોઈએ છે મોહનાને?”
“બસ એક એવો છોકરો જે એને દિલ ફાડીને પ્રેમ કરે! એની બધી ખૂબીઓ અને ખામીઓ સાથે!” મને ચહેરા પર થોડા ગંભીર અને થોડાં પ્રેમાળ, જરાક સ્મિત મિશ્રિત ભાવ રાખી કહ્યું. જ્યારે તમે તમારી પ્રેમિકાની સાથે હો અને તમારા દિલની વાત એની આગળ કરી રહ્યાં હો ત્યારે તમારા ચહેરા પર પણ એવા જ ભાવ આવશે! એ આપોઆપ આવી જશે, કોઈ પ્રયત્નથી એ લાવી પણ નહિ શકો કે રોકી પણ નહિ શકો!
“તને ખબર છે, તું મારું દિલ એક ખુલ્લી કિતાબની જેમ વાંચી રહ્યો છે!” મોહના મીઠું મધ જેવું હસી હતી, “આટલું કહ્યું છે તો એક વાત હજી કહી દે, એ મને મળશે આ જનમમાં?"
“જરૂર મળશે!” મને સુંદર સ્મિત સાથે જવાબ આપ્યો....
“હવે ઠંડી લાગવી શરૂ થઈ. ચાલ અંદર જઈએ. તું હોલમાં બેસ ત્યાં સુંધી હું તૈયાર થઈને આવું છું.” ટીશર્ટ અને કેપ્રી પહેરીને બેઠેલી મોહનાએ ઊભા થતાં કહ્યું અને બંને અંદર ગયા.
મન નીચે બેઠકરૂમમાં બેઠો અને મોહના ઉપર એના રૂમમાં ગઈ. થોડીવાર થઈ હશે કે મોહનાનો ડ્રાયવર અશોક અંદર આવેલો અને મન પાસે જઈને એકદમ ધીરા અવાજે કહેલું, “ચાલ્યો જા. પાછો ચાલ્યો જા. જિંદગી પ્યારી હોય તો ફરી અહીં ક્યારેય ના આવતો.”
મન કંઈ સમજે, પૂછે એ પહેલા તો અશોક બહાર ચાલી ગયેલો. મનને લાગ્યું જાણે એ કોઈનાથી ડરતો હતો. એણે આવું કેમ કહ્યું હશે એ મનને સમજાયું નહિ. કદાચ પહેલા એમણે આવું કહ્યું હોત તો મન વિચાર કરત પણ હવે મોહનાની આટલા કરીબ આવ્યા બાદ પાછું ફરવું મન માટે શક્ય ન હતું.
મન હજી બીજું વિચારે એ પહેલા જ મોહના નીચે આવી હતી.
મન એને જોઇ જ રહ્યો. આ સ્વરૂપમાં એણે મોહનાને ક્યારેય કલ્પી જ ન હતી. મનના મનમાં તો એ હજી સ્કૂલમાં ભણતી, બે ચોટલા વાળીને આવતી ફ્રોક પહેરેલી છોકરી જ હતી જ્યારે અત્યારે એની સામે એક અલ્લડ નવયૌવના ખડી હતી...
લાલ ચમકતાં કપડામાંથી સિવેલો મોહનાનો વન પીસ ડ્રેસ ગરદનથી એક-દોઢ વેંત જેટલો નીચો હતો અને ઢીંચણથી એટલો ઉપર. કમર સુધી એના શરીરને ચોંટી રહેલો એ ડ્રેસ કમરથી નીચે આવતા જરાક ઘેરદાર થતો જતો હતો. ખભા ઉપર બે પાતળી પટ્ટીઓ હતી જેને તમે બાંય કહી શકો. એના ખુલ્લા હાથ અને ખભો ખૂબ સુંદર લાગી રહ્યા હતાં. લાલ રંગના કપડામાંથી ડોકાતા બે અર્ધગોળાકાર વારે વારે ઊંચા નીચા થતા મનની નજર ત્યાં ખેંચતા હતાં. એણે એના વાળ છૂટા જ રાખેલા. કમર સુધી જુલતા રેશમી, ઘાટા બદામી રંગના વાળ સરસ રીતે કપાવેલા હતા. એણે થોડો વધારે ભડક મેકઅપ કર્યો હોય એવું મનને લાગ્યું. લાલ રંગની ચમકતી લિપસ્ટિક અને આંખોને વધારે અણિયાળી બનાવતું કાજળ એને ગાય જેવી ભલીભોળી છોકરીમાંથી શહેરની કોઈ બોલ્ડ યુવતી જેવો દેખાવ આપતા હતાં. એના ખુલ્લા દેખાતાં ગુલાબી પગ અદભુત હતા. મનની નજર ત્યાંથી સરકીને નીચે આવી ગઈ. એના ડ્રેસ જેવાજ લાલ રંગના ઊંચી એડીવાળા સેંડલ એણે પહેર્યા હતાં.
“નીચે જમીન ઉપર શું જોયા કરે છે? હું સારી લાગતી હોઉં તો થોડા વખાણ કરી શકે છે!" મોહનાએ હસીને કહ્યું.
મન શરમાઈ ગયો હતો. “તને આ રૂપમાં પહેલીવાર જોઈ એટલે... બ્યુટીફુલ!” મન માંડ બે શબ્દો યાદ કરતાં બોલ્યો.
“ચાલ આપણે નીકળીએ.” મોહનાએ મનનો હાથ કોણીએથી પકડી લીધો. મનના શરીરમાંથી એક હલકી ધ્રુજારી પસાર થઈ ગઈ. હમણાં જે મોહના બહાર એની સાથે બેઠી હતી એના કરતા આ કંઇક અલગ જ હતી એવું એને લાગ્યું..!
ઉપરના રૂમમાંથી કંઇક અવાજ આવેલો. કોઈ વજનદાર વસ્તુ નીચે પડી હોય એવો. મને એ તરફ ધ્યાન દોર્યું તો મોહનાએ કહ્યું કંઈ નથી ઉપરના રુમની સફાઈ ચાલે છે. મનને થયું કે અત્યારે રાત્રે સફાઈ કરવાની શી જરૂર પછી એણે આગળ વિચારવાનું બંધ રાખીને મોહના સાથે બહાર જવાનું મુનાસીબ માન્યું અને એ લોકો નીકળી ગયા.
ઉપરના રૂમમાં સાજીદ બંધાયેલ હાલતમાં પડ્યો હતો. મોહનાએ એને કબાટમાં પૂરી રાખ્યો હતો એજ મદદની આશામાં કબાટના બારણાં સાથે એનું શરીર અથડાવી રહ્યો હતો..! મોહનાએ એનો રૂમ લોક કર્યો હતો. એના સિવાય હવે કોઈ ત્યાં જઈ શકે એમ ન હતું...
બરાબર આજ સમયે બીજી તરફ નિમેશ અને ભરત એમની રોજની જગ્યા પર મળ્યાં હતા અને નિમેશ ભરતને પૂછી રહી રહ્યો હતો, મન કેમ નથી આવ્યો?