વિષાદ યોગ - પ્રકરણ - 39 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

વિષાદ યોગ - પ્રકરણ - 39

નિશીથ અને કશિશ જ્યારે દેરાસર પહોંચ્યા ત્યારે સમીર, નૈના અને પ્રશાંત દેરાસરની સામે રહેલ ઓટલા પર બેસી તેની રાહ જોઇ રહ્યા હતા. કશિશ અને નિશીથ પણ ત્યાં પહોંચી બેઠા. બંનેને જોઇને નૈના એ કહ્યું “એલા કેટલી વાર લગાડી. પેલા દાદા મળ્યાં કે નહીં? કે પછી આ દાદાનું બહાનું કાઢી તમે બંને ક્યાંક ફરવા જતા રહ્યા હતા?” નૈનાએ મજાક કરી પણ પછી નિશીથ અને કશિશના ચહેરા જોઇ નૈના સમજી ગઇ કે કોઇક સિરિયસ વાત છે એટલે તેણે પુછ્યું “એલા તમને બંનેને શું થયું છે? આ એકદમ તમારા મોં પર નિરાશા કેમ દેખાય છે? શું થયું એલા? આ સાંભળી નિશીથે કશિશ સામે જોયું અને પછી કહ્યું “હવે આપણે અહીંથી આગળ જવાનું કેન્સલ કરવું પડશે?” આ સાંભળી પેલા ત્રણેય ચોંકી ગયાં અને એક સાથે જ બોલ્યા “કેમ શું થયું?”

“આટલી મહેનત પછી અહીં પહોંચ્યા છીએ અને હવે તો આપણે આ રહસ્યની એકદમ નજીક આવી ગયા છીએ તો પછી હવે શું કામ અહીંથી આગળ જવાનું બંધ રાખવું જોઇએ?” નૈનાએ પુછ્યું.

આ સાંભળીને પણ નિશીથે કોઇ જવાબ ન આપ્યો એટલે નૈનાએ કશિશ તરફ ફરીને પુછ્યું “કશિશ તમને પેલા દાદાએ શું કહ્યું? આ નિશીથ કેમ આગળ જવાની ના પાડે છે?”

“નિશીથ બરાબર કહે છે. દાદાએ જે વાત કરી એ પછી અહીંથી આગળ વધવું હિતાવહ નથી.” કશિશે પણ નિશીથની વાતને ટેકો આપતાં કહ્યું.

“અરે પણ તમે બંને અમને વાતતો કરો કે દાદાએ તમને એવું શું કહ્યું કે જેથી તમે બંને આ રીતે આખો પ્લાન પડતો મુકવાનું કહો છો?” સમીરે અકળાઇને કહ્યું.

“ આ વાત બહું લાંબી છે. દાદાએ આ આખી વાત કરી એમાજ અમારે ખૂબ મોડું થઇ ગયું.” કશિશે સમીરને સમજાવતા કહ્યું.

“એ ગમે તેટલી લાંબી વાત હોય તમે અમને કહો. જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી અમે અહીંથી જઇશું નહીં.” નૈનાએ જીદ કરતા કહ્યું.

“અરે અમારો કહેવાનો મતલબ એ છે કે આ વાત ખૂબ લાંબી છે. તમને બધીજ વાત કરુ છું પણ પહેલા આપણે ઉપર માતાજીના મંદિરે જઇને બેસીએ ત્યાં બેસવાની સરસ જગ્યા છે. અને હવે આમપણ આપણે હવે કંઇ કામ નથી અહીં.” નિશીથે ઊભા થતાં કહ્યું.

બધાને આ વાત યોગ્ય લાગી એટલે બધાએ જે પણ વસ્તું ઉપાડી હતી એ સાથે લીધી અને પગથીયાં ચઢવાં લાગ્યાં. અડધા કલાકમાં તે બધા માતાજીના મંદિરે પહોંચી ગયાં. મંદિરે પહોંચી તે બધાએ દર્શન કર્યાં અને પછી ત્યાં મંદિરની સામે રહેલ નાના ખુલ્લા ચોગાનમાં બધા બેઠાં. આ ખુલ્લા ચોગાનમાં ઉપર પત્રા અને નીચે ટાઇલ્સ નાખી દર્શનાર્થીને બેસવા માટે સરસ જગ્યા બનાવી હતી. “ચાલ હવે જલદી વાત કર મારાથી હવે રહેવાતું નથી.” બધા બેઠા એટલે નૈનાએ ઉત્સુક્તાથી કહ્યું.

નિશીથે બધા સામે જોઇ વાત કરવાની શરુઆત કરી “અમે દાદા પાસે પહોંચ્યા એટલે તેણે અમને બેસાડ્યા અને પછી થોડી પુછપરછ કરી. દાદા ખૂબજ વિદ્વાન લાગતાં હતાં. તેણે અમને કહ્યું કે આજથી લગભગ વિસ વર્ષ પહેલાં તે અહીં પૂજારી તરીકે સેવા આપતા હતા. ત્યારે એક દિવસ તે મંદિરેથી નીચે ઉતરતો હતો ત્યારે તેણે કેટલાક બાળકોને પેલા સાઇનબોર્ડવાળા રસ્તે જતાં જોયાં. વર્ષોથી આજ સુધી એ રસ્તા માટે એક વાયકા પ્રખ્યાત છે કે તે રસ્તા પર ભુત થાય છે અને તે રસ્તે ગયેલું કોઇ પાછું આવતું નથી.” આમ કહી નિશીથે દાદાએ કરેલી વાત કરતા આગળ અને કહ્યું “ સતત બિજા દિવસે પણ દાદાએ તે બધાને બીજી વાર તે રસ્તા પર જતાં જોયાં. પણ પછી બે ત્રણ દિવસ તે બાળકો કે તેનો પેલો યુવાન નેતામાંથી કોઇ પણ દેખાયું નહીં. અઠવાડીયાં પછી અચાનક એક દિવસ એક બાઇકવાળાએ પેલાં ડુંગર પાસે બાળકોની લાસ પડેલી જોઇ અને તેણે પોલીસને જાણ કરી. તે સાથેજ ગામમાં હાહાકાર થઇ ગયો. બધાની સાથે દાદા પણ તે ડુંગર પાસે તે લાસ જોવા ગયા હતા. તે લાસ જોઇ દાદા હેબતાઇ ગયાં હતાં. આ લાસ તેજ બાળકોની હતી જે તે દિવસે તે રસ્તા પર ગયાં હતાં. દાદાએ બધીજ લાસ જોઇ તો તેમા બધાજ બાળકોની લાસ હતી પણ તેના પેલાં યુવાન નેતાની લાસ નહોતી. ત્યારબાદ તો આ વાત એટલી પ્રચલીત થઇ ગઇ કે આ રસ્તા પર જે કોઇ જાય છે તે ક્યારેય જીવતું પાછું આવતું નથી. તેના કારણોની ઘણીબધી અફવાઓ ચાલે છે પણ બધા એક્વાત પર સંમત છે કે તે રસ્તો મૃત્યુનાં મુખ જેવો છે તે રસ્તે જે પણ જાય છે તે ક્યારેય જીવતો પાછો આવતો નથી. આ આખી વાત કહીને દાદાએ અમને કહ્યું કે “દિકરા મારી તમને સલાહ છે કે તમે આ રસ્તા પર જવાનો વિચાર માંડી વાળો.”

આખી વાત સાંભળી બધાજ સ્તબ્ધ થઇ ગયાં કોઇને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તે જે રસ્તે જવા માગે છે તેનો ઇતિહાસ આટલો ભયંકર છે. બધાજ જાણે શોક લાગ્યો હોય તેમ બેસી રહ્યા હતાં. થોડીવાર તો કોઇને શું કહેવું તેજ સમજ ન પડી. જાણે લવસ્ટોરીનું મુવી જોતા હોયને અચાનક હિરોનું ખુન થઇ જાય ત્યારે જે રીતે દર્શકો સ્ત્બ્ધ થઇ જાય છે તેવીજ હાલત બધાની હતી. ખજાનાને શોધવાની કળી માટે ગયાં હતાં અને અચાનક એક હત્યાકાંડ સામે આવી ગયો અને હત્યાકાંડ પણ કેવો કે જેની કોઇ ભાળજ ન મળી. હવે જ્યારે તે લોકો ખજાનાની એકદમ નજીક હતા ત્યાંજ એક એવડો મોટો સ્પીડ બ્રેકર આવી ગયો કે જેને ટપીને જવું અશક્ય લાગતું હતું. નિશીથ અને તેના મિત્રો આધુનિક જમાનાના યુવાનો હતા તે કંઇ ભુત પ્રેતમાં વિશ્વાસ કરે તેમ નહોતા પણ દાદાએ જે રીતે વાત કરી હતી તેનાથી બધા સ્તબ્ધ થઇ ગયાં હતા. બધાનેજ દાદાની વાત સાચી હોય એવુ લાગતું હતું અને જો વાત સાચી હોય તો આ રસ્તે આગળ જવામાં જીવનું જોખમ હતું. નિશીથને પોતાના કરતા કશિશ, નૈના અને સમીરની વધારે ફીકર હતી. આ લોકો કોઇ પણ જાતના સ્વાર્થ વગર તેને મદદ કરતા હતા તેમા પણ જો તે લોકોને કંઇ થઇ જાય તો નિશીથ જિંદગીમાં ક્યારેય પોતાની જાતને માફ નહીં કરી શકે. એટલેજ નિશીથે અહીંથી આગળ જવાનું કેન્સલ કરી નાખ્યું હતું. બધાજ એક પ્રકારની સ્તબ્ધતામાં સરી ગયાં હતાં. અત્યારે સુધી ખૂબજ ઉત્સુક્તાથી સાંભળતી નૈના પણ હવે એકદમ ચુપ થઇ ગઇ હતી. બધાના મનમાં એકજ પ્રશ્ન હતો કે હવે શું કરવું? પણ તેનો જવાબ કોઇ પાસે નહોતો. અત્યાર સુધી એક્દમ નિર્લેપતાથી સાંભળી રહેલા રોમેશને પણ છેલ્લી વાત સાંભળી ખૂબજ મોટો જટકો લાગેલો. બધાજ હજુ પણ એમજ બેઠા રહ્યા હોત પણ ત્યાં એક માણસ આવી બધાને પ્રસાદ લેવા માટે આમંત્રણ આપી ગયો. તે માણસે આવી જાણે બધાને ભાનમાં લાવ્યાં હોય તેમ હવે બધાને ભાન થયું કે તે લોકોને કકડીને ભૂખ લાગી છે. અત્યાર સુધી તો તે લોકો વાત સાંભળી જે શોક લાગ્યો હતો તેને લીધે બધુજ ભૂલી ગયાં હતાં. ત્યારબાદ બધા ઊભા થયાં અને મંદિરની બાજુમાં અન્નક્ષેત્ર ચાલતું હતું, તે તરફ ગયાં. બધાજ પોતાની થાળી લઇ જમવા બેસી ગયાં. જમતી વખતે પણ કોઇ કંઇ બોલ્યું નહીં. બધા જમીને ફરીથી જ્યાં બેઠા હતા ત્યાંજ પાછા બેસી ગયાં. થોડીવાર બાદ રોમેશે વાતની શરુઆત કરતા કહ્યું “તો હવે શું કરવું છે? મને તો નથી લાગતું કે આ બધુ સાચું હોય. આ બધી અફવાઓજ હોય છે અને મને તો લાગે છે કે આ અફવાઓ આ ખજાના તરફ કોઇ જાય નહીં અને ખજાનો સલામત રહે તે માટેજ ફેલાવામાં આવેલી હશે. બાકી આજના જમાનામાં ભુત-પ્રેતમાં કોણ માને છે?”

“ભુત પ્રેતમાં તો હું પણ નથી માનતો પણ દાદાએ જે વાત કરી તે તો સો ટકા સાચી છે. તેનો સબુત આ છે.” એમ કહી નિશીથે દાદાએ બતાવેલા ન્યુઝ પેપરના ફોટા મોબાઇલમાં ખોલી બધાને બતાવતા કહ્યું. બધાએ મોબાઇલમાં ફોટા જોયા તો તેમા તે વખતે મૃત્યું પામેલા છોકરાના ફોટા હતા અને તેના વિશે લખ્યું હતું અને સમાચારમાં પણ આ ભુતની અફવાનું સમર્થન કરેલું હતું. આ જોઇ ફરીથી બધા ચુપ થઇ ગયાં. બધાના મન કોઇક રીતે આ વાત ખોટી છે એવું સાબિત કરવા માગતાં હતાં છતાં કોઇની પાસે પણ આ વાતને ખોટી પાડવા માટેની યોગ્ય તર્કબધ્ધ દલીલ નહોતી. બધાજ થોડીવાર ચુપ રહ્યા પછી કશિશે જ વાતની શરુઆત કરતાં કહ્યું “ જો આપણને બધાનેજ અહીંથી આગળ જવાની ઇચ્છા છે. પણ બધાજ તેના માટે કોઇક સબળ કારણ ઊભુ કરવા માગે છે. હું તમને એમ કહું છું કે તમારામાંથી કેટલા આ ભુતની વાત સાચી માને છે?” કશિશે પ્રશ્ન પુછી બધા સામે જોયું. કોઇ કંઇ બોલ્યુ નહી એટલે કશિશે વાત આગળ વધારી “ઓકે ચાલો હું મારીજ વાત કરુ તો એક વખત તો દાદાની વાત સાંભળી હું પણ ડરી ગઇ હતી પણ અત્યારે શાંતિથી વિચારતા હું સ્પષ્ટ પણે એવુ માનું છું કે આ ભુતવાળી વાત કોઇએ ઉપજાવી કાઢેલી છે. આ બાળકોનાં મૃત્યુ પાછળ જરૂર કોઇક બીજુ કારણ હશે પણ હું આ ભુતવાળી વાત માનવા તૈયાર નથી. હવે તમે બધા તમારો મત કહો.” કશિશે વાત પુરી કરી કે તરતજ નૈનાએ પણ કહ્યું “હું પણ કશિશની વાતનું સમર્થન કરુ છું.” અને પછીતો સમીરે અને રોમશે પણ એજ રીતે કશિશની વાતને સમર્થન આપ્યું. આમપણ બધાને આ ભુતવાળી થીયરી ખોટી પાડવાનું કોઇ કારણ જ જોઇતું હતું એટલે બધાજ કશિશ સાથે તરતજ સંમત થઇ ગયાં. આ જોઇ નિશીથ બોલ્યો “જો એકવાત સમજી લો આ વાત પર મને પણ વિશ્વાસ નથી આવતો પણ મારા કે તમારા માનવાથી સત્ય બદલાતું નથી. અને જે પણ હોય એક વાત તો સત્ય છે કે તે રસ્તા પર જવાથી જાનનું જોખમ રહે છે. અને હું નથી ઇચ્છતો કે મારા હિસાબે તમારા બધા પર કોઇ જોખમ આવે. એટલે હવે જે પણ હોઇ જ્યાં સુધી આપણે પુરા સ્યોર ન થઇ જઇએ કે તે રસ્તા પર કોઇ જોખમ નથી ત્યાં સુધી આપણે આગળ વધવાનું નથી.” નિશીથે સ્પષ્ટતા કરતાં કહ્યું.

“પણ આપણે જ્યાં સુધી તે રસ્તે જઇશું નહીં ત્યાં સુધી કેમ ખબર પડશે કે તે રસ્તો સલામત છે કે નહીં.” કશિશે દલીલ કરતા કહ્યું.

“તે રસ્તા પર હું જઇશ પણ તમે કોઇ નહીં આવો. હું પુરતી સીક્યોરીટીની વ્યવસ્થા કરીનેજ એ રસ્તા પર જઇશ. હું પપ્પાને ફોન કરી થોડા હથીયારધારી માણસો મોકલવા કહી દઉં છું. આ બધાજ માણસો સાથે હું આગળ વધીશ પણ તમારામાંથી રોમેશભાઇ સિવાય કોઇ મારી સાથે નહીં આવે.”

“તને અમારા પર વિશ્વાસ નથી તો આટલા વખત સાથે શું કામ રાખ્યા અને તું કંઇ વરદાન લઇને આવ્યો છે કે તને કંઇ નહીં થાય. જો એકવાત સમજી લે જો તું જઇશ તો હું તારી સાથે આવીશ, બાકી તારે પણ જવાનું નથી.” કશિશે ગુસ્સે થતાં કહ્યું. અત્યાર સુધી નિશીથની દરેક વાતમાં કોઇ પણ જાતના સવાલ વિના સાથા આપતી કશિશને આમ ગુસ્સે થયેલી જોઇ નૈનાને નવાઇ લાગી. નૈનાને કશિશની લાગણી સમજાતી હતી એટલે તેણે નિશીથને કહ્યું “જો નિશીથ કશિશની વાત સાચી છે જો તારે કોઇ બીજાને સાથે લેવા હોય તો લે પણ અમે તો તારી સાથેજ આવીશું. આવી રીતે અમે તને અધવચ્ચે છોડી શકીએ નહીં.”

“નહીં તમે મારો ખૂબજ સાથ આપ્યો છે. તમે બધા કેટલા દિવસોથી મારી સાથે છો તેજ તમારો ઉપકાર છે. એમાં જો હવે મારા લીધે તમને કોઇને કશું થઇ જાય તો હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકું. તમે લોકો મારા ખૂબજ નજીકના મિત્રો છો તમારા વિના મારી જિદગીનો કોઇ મતલબ નથી, પણ અમુક યુધ્ધ એવા હોય છે, જે માણસે જાતેજ લડવાના હોય છે. અને મારા માટે પણ આ યુધ્ધ એવું છે કે જેમા મારે પોતાએજ ઉતરવું પડશે. તમે બધા મારે લીધે આમા પડ્યા છો પણ હવે એવી ક્ષણ આવેલી છે કે જ્યાંથી મારે એકલાએજ આગળ વધવાનું છે.”

“વાહ ભાઇ હવે આપણો ઉપકાર ગણાવે છે. મિત્રોમાં ક્યારેય કોઇ ઉપકાર નથી હોતો. મિત્રોમાંતો હક હોય છે અને ફરજો છે. આ ઉપકાર શબ્દતો મિત્રતા માટે શત્રુ સમાન છે. તારે મિત્રતા રાખવી હોયતો આ શબ્દ હવે પછી બોલતો નહીં.” સમીર પણ હવે થોડો ગુસ્સે થઇ બોલ્યો.

“અને તું એવુ માને છે કે અમને કોઇને તારી ફીકર નથી. તું એકલો જશે તો અમને કોઇને ફીકર નહીં થાય. તું જેમ અમારા માટે વિચારે છે એમ અમને તારા માટે વિચારવાનો હક નથી?” કશિશ હવે એક પ્રેમિકાના હકથી કહી રહી હતી તેની દરેક વાતમાં લાગણી છલકાતી હતી.

“જો તમે બધા એક વાત સમજતા નથી અથવા તો મારા પ્રત્યેની લાગણીને લીધે સમજવા માંગતા નથી. તમે બધા જાણો છો કે કોઇક એવી શક્તિ છે જે મને અહીં સુધી લઇ આવી છે અને એજ શક્તિ મને અહીંથી પણ આગળ લઇ જશે. આ શક્તિજ મારી રક્ષા પણ કરશે. પણ તમે સાથે હોય તો તમારી સલામતી જોખમાય. તે શક્તિ મને કોઇ સ્થાન સુધી લઇ જવા માગે છે તો મને ત્યાં સુધી પહોંચાડશેજ પણ તમારી સલામતીની ગેરંટી કોણ આપશે? હું અત્યાર સુધીના ઘટના ક્રમથી એક વાત સમજી ગયો છું કે જે પણ ઘટના બને છે તેમાં કોઇ એક સંકેત છે જે આપણે સમજવાનો છે. તે સંકેત આપણે સમજીશું તોજ લક્ષ્ય સુધી પહોંચીશું. કદાચ દાદાએ જે વાત કહી તે પણ એક સંકેત હોય અને એ સંકેત આપણને ચેતવણી આપવા માટેજ આપ્યો હોત તો આપણે ચેતવુંજ જોઇએ નહીંતર આપણે પાછળથી પસ્તાવું પડશે.” નિશીથે બધાને સમજાવતાં કહ્યું. જ્યારથી નિશીથ આ શોધખોળ કરવા નિકળ્યો હતો ત્યારથીજ તેને આ બાબતની ચિંતા હતી કે જો આવી કોઇ શક્તિ છે તો એ મારી રક્ષા કરશે પણ મારા મિત્રોનું શું? શું કામ હું મારા સ્વાર્થ માટે તેના જીવનને જોખમમાં મુકી રહ્યો છું? શું કામ હું એટલો બધો સ્વાર્થી બની રહ્યો છું. અત્યાર સુધી કોઇ એવો ખતરો સામે નહોતો આવ્યો એટલે નિશીથે અંતરના એ અવાજને અવગણ્યો હતો પણ જેવી દાદાની વાત સાંભળી એ સાથે જ પેલો અવાજ તેના અંતરમાં ફરીથી ઉઠ્યો અને આ વખતે તેની ચેતવણી નિશીથને ધ્રુજાવી ગઇ. તે ગમે તેમ કરીને નૈના સમીર અને કશિશને હવે આ બધા મામલાથી દૂર રાખવા માગતો હતો. તેને હવે રોમેશભાઇ જેવા પ્રોફેસનલ માણસોજ સાથે રાખવા જરુરી લાગતા હતા કેમકે તે બધાના રક્ષણની જવાબદારી નિશીથ પર નહોતી આવતી. નિશીથ અત્યાર સુધીની તેની શોધ અને સામે આવતી પરિસ્થીતીનો સામનો કરતા કરતા ખૂબજ પરિપક્વ અને સમજદાર બની ગયો હતો. આમ પણ પરિપક્વ બનવાના કોઇ કોર્સ નથી હોતા,માણસને અનુભવજ પરિપક્વ બનાવે છે. જીવન એક એવી શાળા છે જેમાં માણસને પળે પળ પરીક્ષા આપવાની હોય છે અને આ પરીક્ષાજ માણસને શિખવે છે. જે માણસ જીવનમાં કઠોર સંઘર્ષ કરીને આગળ આવે છે તેને ખૂબજ ભણેલા લોકો પણ હરાવી શકતા નથી. નિશીથ પણ આ જીવનની પરીક્ષા આપતો આગળ વધતો હતો અને તેમા જ તેનું ઘડતર થતું હતું. હવે કોલેજનો પેલો ગમે તેમ બોલી દેતો, વિચાર્યા વિના પગલા લેતો નિશીથ, એક જવાબદાર અને બધીજ બાજુનો વિચાર કરીને આગળ વધતા નિશીથમાં ફેરવાઇ ગયો હતો. અને એટલેજ નિશીથ અત્યારે બધાને એ સમજાવવા માગતો હતો કે અહીંથી આગળ હવે હું એકજ જાઉં તેમાજ આપણી ભલાઇ છે, પણ સામે જે લોકો હતા તે તેને દિલથી ચાહતા લોકો હતા. તે લોકોને નિશીથની ખૂબજ ચિંતા હતી એટલે તેને સમજાવવા નિશીથ માટે એટલા આસાન નહોતા. નિશીથની વાત સાંભળીને કશિશ કંઇક કહેવા જતી હતી ત્યાં નિશીથના ફોનની રીંગ વાગી અને સામેથી જે કહેવાયું તે સાંભળી નિશીથના હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો. નિશીથે ફોન પર વાત કરતા કરતાજ આખા મંદિરને આટો માર્યો અને પછી કહ્યું “તમે કોણ છો અને આ બધુ કેમ જાણો છો”

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-----------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------********--------------------**********------------------*********----

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM