સુમન સ્કૂલેથી છૂટતા કરીયાણાની દુકાને ઊભી રહી, આજે બહુ ભરચક દિવસ ગયો હતો, બીજા ટીચર રજા પર હતા તો ફ્રિ પિરિયડ પણ મળ્યો નહોતો. માથુ બરાબર ચડ્યુ હતુ, સરસ ચા પીવી હતી. છોકરાવે બરાબર થકવેલી. વિચાર્યુ , આદુ નાંખીને મસ્ત્ત કડક ચા ઘરે જઈને બનાવીને આરામથી પીશ, પણ આ બધુ કરિયાણુ ભરવામાં પોણો કલાક નીકળી ગયો.
જલદી ઘેર પહોંચીને વજનદાર થેલા મુક્યા, ત્યાં કોઈ આવ્યુ હોય એવુ લાગ્યુ. જોયુ તો સાસુનાં સત્સંગની સહેલીઓ ટોળે મળી ને હોલમાં બેઠેલી. એને જોતા જ સાસુએ બૂમ પાડી, "સુમન, જો મારુ સત્સંગ મંડળ. " સુમનને બધાને નમસ્તે , કેમ છો કરતા જલદી ચા પી લઉં એવુ થતુ હતુ, ત્યાં સાસુએ કહ્યુ "મે બધાને કહી રાખ્યું કે ભજીયા ને ઠન્ડાઇ તુ બહુ સરસ બનાવે છે, આજ મોકો મળ્યો બધાને તો, રસોઈને એ બધુ પછી પહેલા આ બધાંને તારા હાથનો સ્વાદ ચખાડી દે. અત્યાર સુઘી તો અપડાઉનમાં ક્યાં મેળ પડતો હતો!"
સુમન પરાણે મોઢુ સાહજીક રાખીને રસોઈમાં ગઇ, ફટાફટ બટેટા સમાર્યાં, ખિરૂ બનાવ્યુ, મસાલો તૈયાર કરવામાં ને ભજીયા તળવામાં અને ઠંડાઇ બનાવવામાં એ ચા તો ભૂલી જ ગઇ.
બધાની સરભરામાં સાત ક્યારે વાગી ગયા ખબર ન પડી, માથુ તો ભયંકર દુખતું જ હતુ, પગ પણ દુખવા માંડ્યા. જો કે બધાએ ખૂબ વખાણ કર્યા અને બબ્બે ત્રણ વાર પ્લેટ ભરી. પોતા માટે ચાખવા કંઇ બચ્યું જ નહીં.
ચા માંડી વાળીને ખીચડી ને શાકની પળોજણમાં પડી. સસરાને 8 વાગે જમવા જોઈએ, ભાખરી કરતા કરતા બેસી ગઇ, પગ જાણે સાથ નહોતા આપતા, એક તો આજે સ્કુલમાં જરાયે બેસવા નહોતું મળ્યુ.
છેવટે પેઈન કિલર લીધી, કરીયાણુ વ્યવસ્થિત ગોઠવ્યુ અને બધાને જમાડ્યા, નિલેશ પણ થાકેલો હતો, જમીને રૂમમાં જતો રહ્યો. પ્લેટફોર્મ લૂછતા વિચારે ચડી.
એની નોકરી બાજુના ગામે હતી. અપડાઉન કરતી, જોકે વેન રાખેલી બધા વચ્ચે, એટલે હાડમારી ન થતી. ગ્રુપ પણ સરસ થઈ ગયેલુ, હસતા વાતો કરતા પહોચી જવાતું, પણ સમય બહુ જતો, તો સાસુ સતત કહેતા નિલેશ ને કે બદલી થઈ જાય તો શાંતિ, આરામ પણ થાય અને ઘરમાં થોડુ ધ્યાન તો આપી શકે.
છેવટે બદલી થઈ જ ગયેલી, પોતે પહેલાતો રાજી થયેલી, પણ ધીરે ધીરે થાકવા લાગેલી. બદલી થતા જ ઘરમાંથી જાણે તંદુરસ્ત, ખડેઘડે સાસુએ નિવૃત્તિ લઈ લીધી હોય એવુ લાગતુ હતુ.
અહી સ્કુલ માં કામ વધુ રહેતુ, પ્રીન્સીપાલની કેટલીક જૂની ટીચર્સ પર મીઠી નજર હતી, છોકરાં પણ બહુ જ તોફાની, ગમ્મે તે કરે સુમન પર વધારાનુ કામ આવી જ જતું.
બાકી હતુ તે બજારના કામ જે રિટાયર્ડ પણ તંદુરસ્ત સસરા કરતા એ પણ છોડી દીધા હતાં. સુમનને સવારનાં 6 થીરાતના 10 માં એક કલાક પોતા માટે ન મળતી. રવીવારે તો મરો થઈ જતો. જાત ભાતના પકવાન, વધારાના કામ, વહેવાર, દિવસ નાનો પડતો, ગામમાં રહેતી બન્ને નંણદોને પણ સાસુએ કહી દીધેલું કે રવીવારે અહીયાં જ આવી જવું બધાએ સવારથી રાત, પહેલા તો ભાભી થાકી જતી, અપ ડાઉન કરતી ને એટલે ન કહી શકતા, હવે તો ગામમાં જ નોકરી , પછી શું થાકે. પોતે આટલુ કમાતી પણ આમ જુઓતો શાન્તિથી કયારેક જીવન માણવા માટે સમય કે એનર્જી જ ન રહેતા.
સેલરી આવે એ પહેલા સાસુનાં વહેવારનુ લિસ્ટ શરૂ થઈ જતું, નણન્દના મામેરા, વહેવાર, ઘરની મરમ્મત, એવુ કંઇને કંઇ નીકળી પડતુ કે વિચારીને ઉભુ કરતા. એનો વાંધો પણ નહોતો પણ સાવ આમ ડબલ મજૂરી કરાવે.
સવારે સ્કૂલે વજન કર્યું તો ચોકી ગઇ, ૪ કિલો વજન હમણાં જ ઘટ્યું હતુ. યાદ આવ્યુ, ડોક્ટરે કહ્યુ હતુ બેબી પ્લાન કરવું હોય તો વજન થોડુ વધારો, એને બદલે આ તો ઘટ્યુ.
ત્યાં પારુલ બેનને કોઈને કહેતાં સાંભળ્યા, પાસેના ગામડે જગા ખાલી પડી છે પણ ત્યાં કોણ જાય! પૂછતા ખબર પડીકે આતો એ જ સ્કુલ કે જયાં એ અપડાઉન કરતી, ફટાફટ નિર્ણય લીધો,જૂની સ્કૂલે કોલ કર્યો તો પ્રિન્સિપાલ એને સાંભળીને ખુશ થઈ ગયા. બે દિવસમાં અરજી મોકલી દીધી, આખો દીવસ એ સ્કુલ આસપાસના ખેતર, આંબા, બોર, મકાઈ લઇને ટીચરને આપવા પડાપડી કરતા ભુલકા યાદ આવ્યે રાખ્યા. રાત્રે એને મલકાતી બેઠેલી જોઈને નીલેશે પુછ્યું "આજે આમ આટલી ખુશ કેમ દેખાય છે?" જવાબમા સુમન ફક્ત મલકી પડી.