ફોડ - ખુલાસો Salima Rupani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફોડ - ખુલાસો

રૂપાબેનનો મગજ ચકરાઈ ગયો '"મારા કલેજાના ટુકડાની આવી હાલત." એમણે મણ એકનો નિસાસો મુક્યો.

રૂપાબેન પંદર દિવસથી ગામડેથી દીકરાના ઘરે આવેલા. આમ તો આવવુ પડયું હતુ. પતિ ગુજરી ગયા, બધી વિધિઓ પુરી થઈ ગઇ પછી દીકરાએ હઠ લીધેલી, હવે આ ગામમાં તમે એકલા રહો એ ન પરવડે, પપ્પા હતા તો અલગ વાત હતી, એ દેશી જીવડો. એમને ગામ સિવાય ક્યાંય ફાવે નહીં. પણ હવે બધુ સન્કેલો અને અમારી સાથે રહો, ખેતી તો ભાગે આપેલી જ છે, ક્યારેક મન થાય તો આંટો મારજો. રૂપાબેનને પણ એ વિશાળ ઘરમાં એકલા રહેવાથી થોડો ડર લાગતો હતો પણ દીકરા વહુ સાથે ફાવશે કે નહીં ફાવે એ પણ મૂંઝવણ હતી. છેવટે વિચાર આવ્યો કે અત્યારે તો દિકરો બોલાવે છે પણ પછી કદાચ પડતુ મૂકે તો એટલે માની ગયા.

આમતો પૂજા એમને ઠીક ઠીક રાખતી હતી પણ જીગરની એને ખાસ પડી ન હોય એવું એમને કેમ લાગતું હતુ. કંઇક એવું હતુ પૂજાના વર્તનમાં કે જે સતત ખૂંચતું હતુ.

જીગર આવે તો પણ એના મોં પર સ્મિત ન આવતુ. જીગરને ભાવતી એકે વસ્તુ બનતા તો પોતે જોઇ જ નહીં. ખીચડી તો જીગો કયારેય ખાતો જ નહી એની બદલે રાત્રે રોજ એ ખીચડી જ બનાવતી. સૂપ, ખાખરા, બાફેલા મગ , બાફેલૂ શાક,આવુ બધુ જોઈને એમને ખરાબ લાગતું, આ બધા શહેરના નખરા. જોકે પોતા માટે એ ઘીવાળૉ રોટલો,રોટલી તરી વાળું શાક બનાવતી. પણ, એમને જે હસતા બોલતા દિકરા વહુના જીવનની ધારણા હતી એવુ કંઇ દેખાતુ નહોતુ.

પૂજાનો જીવ તો જાણે ક્યાંક ભટક્તો હોય એવુ ઉચક ઉચક કામ કરતી. રૂપાબેનને થયુ કે જીગરને મારા હાથની સુખડી બહુ ભાવે તો બનાવી દઉ. પણ પૂજાએ ના જ કહી દીધેલી. રૂપાબેનને એવુ લાગ્યું કે પૂજાનુ એકચક્રી રાજ હલી જાય એટલે એમનું આગમન નથી ગમ્યું. બહું અડવું લાગેલું પણ બીજા જ દિવસે પૂજાએ કહ્યુ, "જીગર તમારાં હાથના ઢોકળાના વખાણ કરતા હતા, બનાવજ઼ોને અનુકુળ હોય ત્ત્યારે. " અને સારુ લાગેલું. કહેવાનું મન તો થયેલું કે "સુખડી પણ બહુ ભાવે પણ તે ક્યાં બનાવવા દીધી." પણ ચુપ રહી ગયેલા. ઢોકળા તો પૂજાએ પણ વખાણીને ખાધેલ. પણ સવારે પાછી કોરી રોટલી અને પલકા જેવું શાક ટિફિનમાં મુક્તી જોઇને જીવ કકળી ગએલો, જોકે પૂજા પોતે પણ એવુ જ ખાતી. આ શહેરની છોકરીઓ આવું જ ખાય, શરીર જાળવવા એવું સાંભળ્યું હતું. થાક્યો પાક્યો જીગર આવ્યો હોય પણ પૂજાને રાત્રે રોજ આંટો મારવા જવા જોઈએ તો જીગરને સાથે જ લઇ લઇ જતી. એક દિવસ જીગર થાક્યો હતો અને અનિચ્છા બતાવી તો પૂજાની આંખો જોવા જેવી હતી. જવુ જ પડેલું જીગરને.

એક દિવસ પોતે થોડા મોડા ઉઠયા ત્યાં બન્ને ગાયબ, ટેબલ પર નાસ્તો ઢાંકેલ. કંઇ સમજ ન પડી ત્યાં ફોન વાગ્યો. પૂજાનો અવાજ કેમ આજે ખુશ ખુશ લાગ્યો.. પૂજા કહેતી હતી "બા ભાખરી રહેવા દેજો, જલેબી ગાંઠિયા લઇને આવીએ છીએ."

એ અસમજમાં પડી ગયા. ત્યાં જીગર અને પૂજા આવ્યા. અને પૂજા એમને ગળે વળગી પડી, આંખમાં આંસુ પણ ચહેરો હસુ હસુ. જીગરે જ ફોડ પાડ્યો.
" મને ડાયાબીટીસ બોર્ડર પર આવેલુ અને કોલેસ્ટ્રોલ ભયજનક લેવલ પર. ગળ્યુ ને ઘી બહુ ખાતોને. પણ પૂજા એ બધુ બન્ધ કરાવી દીધુ અને છ મહિનાથી એણે ય ગળ્યું નથી ખાધું. માનતા રાખેલી કે જયાં સુધી બધા જ રીપોર્ટ નોર્મલ ન આવે ત્યાં સુધી બધુ બન્ધ."

રૂપા બેન એક હાશકારા સાથે પૂજાના મોંમાં જલેબી મૂકતા મલકાઈ રહ્યા.