લેખાએ ભેડાઘાટ પર જઈ બગી રોકી. એના પિતા અશ્વાર્થમાં હજુ ઘણી જાન હતી. એ કબીલાનો સરદાર હતો. મુખિયા હતો - એ ઉપાધી એને આમ જ મળી ગઈ નહોતી. ઘાયલ શરીર, કલાકોના ભૂખ તરસ અને થાક પણ એને માત કરી શક્યા ન હતા. પિતા પુત્રીએ સત્યજીતના શબને બગીમાથી નીચે ઉતાર્યું.
બગી પર લટકતી લાલટેનમાં અજવાળામાં અશ્વાર્થે લેખાને બગીમાથી એક લાકડાનું બોક્ષ નીકાળતા જોઈ. એ બોક્ષ એના માટે અજાણ્યું ન હતું. એણે એ બોક્ષ વરસો પહેલા એના પુર્વોજો પાસેથી મેળવ્યું હતું અને એને એમાં જે રહસ્યો હતા તે પુસ્તકને લીલા પહાડ પરની મીસાચી ગુફામાં છુપાવી નાખ્યું હતું. મીસાચી ગુફા શોધી ત્યાં જવાની હિમ્મત કોઈ કરી શકે એમ ન હતું કેમકે ત્યાં જવાના માર્ગમાં પહાડમાં પડેલી એક મોટી ખાઈ આવતી હતી જેનામાં થઈને એક નાનકડું ઝરણું વહેતું હતું.
મીસાચી ગુફા સુધી પહોચવા માટે એ ઝરણા પણ દોરડાની મદદથી લટકતા એક પુલ વાટે જવું પડતું હતું જે જરાય સલામત ન હતું અને વળી એ ગુફા અને જ્ઞાન પર્વત વિશે અનેક અફવાઓ વહેતી હતી માટે એ તરફ જવાની હિમ્મત પણ કોઈ સામાન્ય માણસ કરી શકે એમ ન હતો.
છતાં અશ્વાર્થે લાકડાનું ખોખું એ રીતે ગુફામાં ગુપ્તદ્વાર પાછલા ભોયરામાં છુપાવ્યુ હતું જે રાજ પરિવાર તરફથી ખાસ શિલ્પી પાસે એ રહસ્ય છુપાવવા માટે બનવડાવવામાં આવ્યું હતું. જયારે મદારી કબીલો નાગપુરમાં સ્થાયી થયો ત્યારે કબીલાના સરદારે કબીલાના ઈતિહાસને અને રહસ્યોને સાચવવા માટે એક સલામત સ્થળની માંગ મહારાજા સમક્ષ મૂકી હતી જે જ્ઞાન પર્વતની એ ગુફા સ્વરૂપે પૂરી કરવામાં આવી હતી.
અશ્વાર્થ કોઈ બીજા વ્યક્તિના હાથમાં એ બોક્ષ જોઈ નવાઈ પામ્યો હોત કેમકે એ ગુપ્તદ્વાર શોધી બોક્ષ નીકાળી લાવવું અશક્ય હતું પણ સામે લેખા હતી.
અશ્વાર્થ જયારે એ રહસ્ય છુપાવવા ગયો ત્યારે આઠ વર્ષની લેખાને સાથે લઇ ગયો હતો જેથી એને એ ગુપ્તદ્વાર અને માર્ગ વિશે જાણ રહે કેમકે કબીલાના મુખીયાના વારીશને એ રહસ્યની જાણ રહે એ જરૂરી હતું. જોકે એ સમયે લેખાને ખબર ન હતી કે એના પિતા એને કેમ એ ગુફા પર લઇ ગયા હતા.
અશ્વાર્થ જાણતો હતો સમય સમયનું કામ કરશે. સમય આવ્યે લેખા એ કારણ સમજી જશે પણ એ સમય આ સમયે જ આવશે જ્યારે આકાશમાં સિતારાઓ સ્વસ્તિક મુહુર્તની રચના કરતા હશે એ કલ્પના એણે કયારેય કરી ન હતી.
મદારી કબીલો આકાશી પદાર્થોમાં અતુટ વિશ્વાસ ધરાવતો હતો. તેઓ દુષ્ટ નાગને મારવા માટેના ખંજર અને તલવારો આકાશી વીજળીમાં શેકતા જેથી એ પવિત્ર બની જાય અને એને વજ્ર ખંજર નામે ઓળખતા જેની સામે કોઈ હથિયાર ટકી શકતું નહી. કબીલા માટે એ એક રીતી રીવાજ કે પરંપરા સમાન હતું કેમકે એના પાછળના વિજ્ઞાનથી એ લોકો અજાણ હતા.
પણ જયારે એવું એક ખંજર દુર્ભાગ્યે જનરલ વેલેરીયસના હાથમાં જઈ ચડ્યું. એણે એક વિજ્ઞાનીને તપાસ માટે મોકલી આપ્યું હતું. આકાશી વિજળી અને મીણબતીની મેશમાં કુદરતી રીતે જ નેનોકણનું અસ્તિત્વ હોય છે એ વાત ગોરા વિજ્ઞાનીઓ જાણતા ન હતા. મદારી કબીલો એ નેનોકણ તલવાર અને ખંજર પર વીજળીમાં શેકીને મેળવી લેતો હતો કેમકે એ એમની પ્રાચીન પરંપરા હતી. તેઓ એને એક ધાર્મિક વિધિ તરીકે જાણતા હતા એમને એ ખ્યાલ ન હતો કે દરેક ધાર્મિક રીવાજો પાછળ મૂળ તો વિજ્ઞાન જ હતું પણ એ સમયે સામાન્ય લોકો વિજ્ઞાનને સમજી શકે એમ ન હતા માટે એને સમજનારાઓ એને ધાર્મિક બાબતો રીત રીવાજો સાથે જોડી દેતા હતા જેથી લોકો એનુ મહત્વ જાળવે.
જેમકે દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો એ બાબત શું હતી? આજના સમયમાં વિજ્ઞાનીઓ દરેક વ્યક્તિને પોતાના ઘરમાં એક વૃક્ષ ઉછેરવા માટે હાકલ કરી રહ્યા છે પણ કેટલા લોકો એનું પાલન કરે છે? સોમાંથી માંડ દશ. અને શહેરોમાં તો શૂન્ય કહો તો પણ ચાલે. પણ એ જ બાબતને ધાર્મિક રીતે સમજાવી જુના સમયના ઋષીઓ કે જે એક યા બીજી રીતે વિજ્ઞાનીઓ જ હતા એ દરેક ઘરમાં એક ઉપયોગી ઔષધીય છોડ રાખવાની પોતાની હાકલમાં સો ટકા સફળ થયા હતા. એક સમય એવો હતો કે આપણા દેશમાં દરેક ઘરમાં તુલસીનો કયારો જોવા મળતો હતો.
એ જ રીતે આ મદારીઓ પણ જેને પરંપરા સમજતા હતા એ એડવાન્સ લેવલનું વિજ્ઞાન હતું જે ભારત દેશમાં વિકસી ગયું હતું અને રહસ્ય રૂપે સચવાઈ રહ્યું હતું.
એવા તો કેટ કેટલાય રહસ્યો એ સમયે ધાર્મિક રીવાજ મુજબ એ મદારી જાતી સાચવીને બેઠી હતી. કોઈ પણ લડાઈ પહેલા એ લોકો ધાતુની જૈવિક પ્રક્રિયાથી બનેલી ભસ્મ શરીરે અને કપાળે ચોળતા, એ ભસ્મમાં પણ નેનોકણ હાજર હોતા જે એમને દરેક ઘાથી થતા ઇન્ફેકસન અને શરીરમાં ફેલાતી ઝેરી અસરથી બચાવી શકતા હતા. પણ એમના માટે એ એક ધાર્મિક વિધિ જ હતી અને આગળ જતા લોકો એ રીતે તૈયાર કરતી ભસ્મને ચૂલાની રાખ સાથે મિસ અંડરસ્ટેન્ડ કરવા લાગ્યા અને આજે એ ભભુતને આપણે કપાળે લગાવીએ છીએ પણ માત્ર એક ધાર્મિક વિધિ રૂપે એના પાછળનું વિજ્ઞાન કયા ખોવાઈ ગયું એ કોઈનેય ખબર નથી. કેમકે એવા તો કેટલાય રહસ્યો જાણનારા આપણા કેટલાય લોકો હુણ, યુએચી, પહલવ, ગ્રીક, મોગલ અને અંગ્રેજોની તલવારોનો ભોગ બની ગયા હતા.
જોકે એક વાત સારી હતી કે લોકો અણનમ રહ્યા હતા ભલે આજે આપણે એ રહસ્યોને ભૂલી ગયા છીએ પણ તેમણે મોટા ભાગના રહસ્યોને આપણા દેશમાં જ દફન કરી દિધા હતા એ છતા કેટલાક રહસ્યો પશ્ચિમ સુધી પહોચી ગયા.
લેખાએ એ લાકડાનું બોક્ષ જમીન પર મુક્યું. એના હાથ એ બોક્ષના જુના લાકડાની વાશ અનુભવી શકતા હતા. એ લાકડાના બોક્ષ પર માત્ર એક સ્વસ્તિક બનાવેલો હતો. એના પર એના સિવાય કોઈ એડોરમેન્ટ ન હતું. છતાં બોક્ષ મોડેસ્ટ સ્ટાન્ડર્ડ દેખાઈ રહ્યું હતું. કદાચ આકાશમાં રચાતા એ સ્વસ્તિક જેવો એક સ્વતિક એના પર કાફી હતો.
લેખા મીસાચી ગુફા પહોચી ત્યારે પણ એને એ જ સ્વસ્તિકે ગુપ્તદ્વાર ખોલવામાં મદદ કરી હતી. લાકડાનો બનેલો પુલ વટાવી લેખા ગુફા પહોચી ત્યારે એને સમજાયું હતું કે મદારી કબીલામાં લીલા પહાડને જ્ઞાન પર્વત નામે કેમ ઓળખવામાં આવે છે. ત્યાં મદારી કબિલે સદીઓથી વિકસાવેલ જ્ઞાન સચવાઈને પડ્યું હતું. માટે જ મદરીઓમાં એ લીલો પહાડ જ્ઞાન પર્વતના નામે ઓળખાતો હતો.
જ્ઞાન પર્વત પહોચ્યા પછી, મીસાચી ગુફામાં એને કઈ ન દેખાયું પણ લેખા નિરાશ ન થઇ કેમકે એને ખાતરી જ હતી કે એમ એના પિતાએ કઈ રહસ્ય ખુલ્લું જ નહિ મૂકી દીધું હોય.
અશ્વાર્થ લેખાને પોતાની સાથે ત્યાં લઇ ગયો હતો એ એમના મુજબ એક રીવાજ હતો પણ એમાં એક વિજ્ઞાન છુપાયેલું હતું. વિજ્ઞાન મુજબ નાના બાળકે કોઈ જગ્યા જોઈ હોય તો એ અમુક સમય જતા એને ભૂલી જાય છે એના વિશે એને ખાસ કઈ યાદ નથી રહેતું પણ કદાચ સંજોગવસ એ ફરી કયારેય એ જ સ્થળે જઈ ચડે જે સ્થળ એણે પહેલા જોયું હોય તો એના મનમાં સચવાયેલી માઈક્રો મેમેરી એને યાદ અપાવે છે કે આ સ્થળ એણે બાળપણમાં જોયેલુ છે અને પછી ત્યાંની એક એક ચીજો એને ભૂતકાળની મુલાકાત યાદ અપાવતી રહે છે.
લેખા જયારે ગુફા પહોચી એની સાથે પણ એ જ થયું. એ જે બાબતો ભૂલી ગઈ હતી એ બધી જ બાબતો એને ગુફા દેખતા યાદ આવવા લાગી. એટલા સુધી કે પિતા સાથે એ મુલાકાત લીધા પછી એ ફરી ત્યાં ગઈ એ સુધીમાં ત્યાં જે કુદરતી ફેરફાર થયા હતા એ પણ એના ધ્યાનમાં આવ્યા.
ગુફાની દીવાલ પર એક સ્વસ્તિક જેવી કોતરણી જોતા જ એને યાદ આવ્યું કે એના પિતાએ એને ગુફામાં સ્વસ્તિક વિશે કઈક કહ્યું હતું.
“સ્વસ્તિકના બે સ્વરૂપો છે સીધો સ્વસ્તિક શુભ અને વક્ર સ્વસ્તિક અશુભ. વક્ર સ્વસ્તિકને સીધા સ્વસ્તિકમાં ફેરવતા અશુભ ચીજો શુભ બનવા લાગે છે.”
લેખાના મનમાં એ શબ્દો ગુંજવા લાગ્યા. એની આંખો સામે દીવાલ પર દેખાતો કોતરણીથી બનેલો સ્વસ્તિક વક્ર હતો. લેખાએ કોતારણીમાં આંગળીઓ ભરાવી અને એ સ્વસ્તિકને સીધી દિશામાં ગોઠવ્યો એ સાથે જ કોઈ કળ દબાવાઈ હોય એમ એક ખટકો થયો અને ગુફામાં એક ગુપ્તદ્વાર ખુલ્યું. લેખા એ દ્વારમાં પ્રવેશી. એ ભોયરા જેવું હતું જેમાં એ આગળ વધતી જ રહી. લગભગ પંદરેક મિનીટ ચાલ્યા પછી એને એક વિશાળ રૂમ જેવું દેખાયું જેની મધ્યમાં એક જુનો ગોળ પથ્થર ગોઠવેલો હતો.
લેખા એ પથ્થર પાસે ગઈ, અને એની ઉપર મુકેલા સામાન્ય લાગતા બોક્ષ તરફ જોયું. એ બોક્ષ ઉતાવળે હાથમાં લીધું અને બીજી તરફના રસ્તા તરફ ચાલવા લાગી. એને ગઈ મુલાકાતને લીધે યાદ હતું કે ઉપરનું દ્વાર અમુક સમય થતા આપોઆપ બંધ થઇ ગયું હશે પણ બહાર નીકળવા એક બીજો માર્ગ હતો.
એને યાદ હતું કે ગઈ વખતે તેઓ ઝરણા પાસે કોઈ દ્વારથી બહાર નીકળ્યા હતા. એ ઝરણાના માર્ગે બહાર નીકળી. એ દ્વાર મદારી જાતિના કોઈ માણસ માટે પણ શોધી શકવું અશક્ય હતું. જ્ઞાન પર્વત પર ખરેખર જ્ઞાનની જરૂર હતી અને એકલું જ્ઞાન પણ ખપ લાગે એમ ન હતું.
લેખાના ધ્યાનમાં આવ્યું ન હતું કે જયારે તેણીએ જુના પથ્થર પરથી એ બોક્ષ ઉઠાવ્યું ત્ય્યારે પથ્થરની પેલી તરફ એક કિંગ કોબ્રા એને તાકી રહ્યો હતો. જો એ મુખીયાની વંશજ અને એક મદારી પરિવારમાંથી ન હોત તો એ બોક્ષ સાથે ક્યારેય ગુફા બહાર નીકળી ન શકી હોત. પણ એ નાગ એને ઓળખતો હતો એ જાણતો હતો એ એના પિતાની અનામત લેવા આવી હતી માટે ફૂમ્ફાડો કરવાનો કોઈ અર્થ ન હતો.
કાશ! એ નાગે ભૂલમાં એને ડસી લીધી હોત!
તો આગળ જે ભયંકર બનવાનું હતું એ ન થયું હોત એક પિતા પુત્રી એકબીજાના જીવના દુશ્મન ન બન્યા હોત! પણ નીયતીને કોણ રોકી શકે છે. નશીબના ખેલને કોણ સમજી શકે છે. જો એ બધું સમજી કે રોકી શકાતું હોત તો પાંડવો પાસા જ કેમ ફેકોત? રામને વનવાસ કેમ થાઓત? અને લવ કુશ જંગલમાં કેમ ઉછરોત? જે બનવાનું હતું એ અફર હતું. એને કોઈ રોકી શકે એમ ન હતું.
સ્વસ્તિક મુહુર્ત પોતાનું કામ કરી રહ્યું હતું.
“એને અડીશ નહિ લેખા...” લેખા એ બોક્ષ ખોલે એ પહેલા અશ્વાર્થ બરાડ્યો.
“એ માત્ર એક સૂચી જ છે પિતાજી...”
“હા, પણ એ મદારી કબીલાનું રહસ્ય છે. મદારી કબીલાની વસ્તુ ચીજ સામાન્ય કે માત્ર નથી હોતી...”
“હા, મને ખબર છે આપણા કબીલામાં કોઈ ચીજ માત્ર નથી હોતી એટલે જ હું એ સૂચી અહી લઇ આવી છું..”
લેખાએ ધીમેથી બોક્ષને ખોલ્યું અને એનું લીડ ખોલ્યું. એમાં સૂચી જેવું અમુક પાના ગોળ વાળી બનાવેલું પુસ્તક એને દેખાયું. રેડ કાપડમાં બાઈન્ડ કરેલું એ પુસ્તક કોઈ નામ વિનાનું હતું એના પર બસ એક જ આકાર હતો - સ્વસ્તિક.
કાળા અક્ષરોમાં ચીતરેલો સ્વસ્તિક. ન એ ખાસ કાળો હતો કે ન ગ્રે હતો. એક ગજબ કાળાશ એના ઉપર હતી - ન બહુ વધારે ન છેક ઓછું.
એના પર કોઈ ટાઈટલ ન હતું એ જરાક નવાઈ પમાડે એમ હતું. લેખાએ પુસ્તક લેવા હાથ લંબાવ્યો એ જ સાથે એના પિતાએ બોક્ષની લીડ બંધ કરવા તેના પર હાથ પછાડ્યો.
લેખાએ ગુસ્સથી અશ્વાર્થ તરફ જોયું. તેની આંખો ખૂંખાર ભેડિયા જેવી થઇ ગઈ હતી.
“લેખા તે જે કર્યું એ શું બસ નથી?”
“શું કર્યું છે મેં?”
“તે તારી આત્મા નરકને હવાલે કરી દીધી છે. તારો પડછાયો હવે દિવસનું અજવાળું પણ રચી નહિ શકે. તે તારા માટે નરકમાં જગ્યા અનામત કરી લીધી છે.”
“હું એ ન કરોત તો તમે ત્યાં એ લોખંડના પાંજરા જેવા નરકમાં દિવસો સુધી યાતનાઓ સહન કરતા રહોત, સત્યજીત જેવા વીરને ફાંસીના દોરડે લટકાવીને રાખવામાં આવ્યો હતો મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો.”
“તું શું કરવા માંગે છે?”
“જેમ સાવિત્રીએ એના પતિને યમરાજ પાસેથી પાછો લાવ્યો હતો એમ હું પણ સત્યજીતને મૃત્યુની ગોદમાંથી પાછો લાવીશ...”
“બંધનમ શ્લોક અત્યારે કામ ન આવી શકે... તું સ્વસ્તિક નક્ષત્ર દરમિયાન મૃત્યુને જીવન સાથે ન બાંધી શકે..”
“મને ખબર છે કે આ રાતે આકશમાં યોગ્ય સિતારા નથી પણ મારી પાસે આ જ રાત છે..”
“લેખા તું સમજતી કેમ નથી?”
“શું સમજુ?”
“બંધનમ શ્લોક ક્યારેય સ્વસ્તિક નાક્ષત્રમાં ન વાપરી શકાય... એની ભારે કીમત ચૂકવવી પડશે... તારે બહુ ગુમાવવું પડશે..”
“મારી પાસે ગુમાવવા હવે કઈ નથી..” લેખા બરાડી, “અને મને કિમતની પરવા નથી. હું સત્યજીતના પ્રાણ માટે ગમે તે કીમત ચુકવવા તૈયાર છું.”
“પણ હું તૈયાર નથી. તારા લીધે આખા મદારી કબીલા પર સ્વસ્તિક નક્ષત્રનો શ્રાપ વર્ષે એ મને મંજુર નથી..”
“જીતની છાતી વીંધાઈ ગઈ છે આ નક્ષત્રમાં તું એને જીવિત કરીશ તો પણ એના જખમ નહિ ભરાય.. એ તારા જેમ એક પડછાયો બની જશે તું એને નહિ એના શબને જીવતું કરીશ..”
“મારી પાસે કોઈ રસ્તો નથી પિતાજી..”
“તું જે કરવા માંગે છે એ નિયમો વિરુદ્ધ છે.”
“કોના નિયમો?”
“મદારી કબીલાના...”
“એ હવે નથી રહ્યો... કબીલો નાશ પામ્યો છે અને એના નિયમો પણ..”
“પણ એ કબીલાના મુખિયા તરીકે મારી ફરજ એ કબીલા પર શ્રાપ વરસતો અટકાવવાની છે અને હું હજુ જીવિત છું..”
“પણ મને રોકી શકો એટલા શક્તિમાન નહિ...” લેખાએ પોતાની તલવારના હેન્ડ પર હાથ મુક્યો.
અશ્વાર્થ સમજી ગયો કે એની સામે ઉભી લેખા હવે માત્ર એક છાયો જ હતી એ લેખા ન હતી. લેખા તો અશીમ કાળી શક્તિઓ મેળવવા પોતાની જાતનો શોદો નર્ક સાથે કરી ચુકી હતી. એનો આત્મા વેચી એ શક્તિઓ એ ખરીદી બેઠી હતી.
એક કાચી સેકંડમાં અશ્વાર્થે સત્યજીતના મૃતદેહની કમરે લટકતી તલવાર પોતાના હાથમાં લઇ લીધી. સત્યજીતના શરીરને લટકાવતા પહેલા અંગ્રેજોએ એની તલવાર નીકાળી ન હતી કેમકે એ લોકોમાં બતાવવા માંગતા હતા કે હાથમાં તલવાર લઇ બગાવત કરનારના શું હાલ થાય છે.
“તો આપ પોતાની દીકરી સામે યુદ્ધ લડવા માંગો છો?” લેખાની તલવાર સાપની જીભના લાબકારા જેમ મ્યાન બહાર નીકળી.
“તારા સામે નહિ પણ તારી અંદર ઘર કરી ગયેલા એ છાયા સામે જે આજે પિતા પુત્રીને આમને સામને લાવી ચુક્યો છે.” આશ્વાર્થે તલવાર પરની પોતાની પકડ મજબુત કરી.
ભેડાઘાટ એક અજબ દ્રશ્યનો સાક્ષી બની રહ્યો હતો, જે જંગલમાં એક પિતાએ પોતાની પુત્રીને યુધ્દ્ધના દરેક દાવપેચ શીખવ્યા હતા એ જ જંગલમાં બંને એક બીજાનો જીવ લેવા તૈયાર થઇ ઉભા હતા. કદાચ એ વિધિની વક્રતા કે સ્વસ્તિક મુહુર્તની અસર હતી. બંનેએ મદારી યુદ્ધ કળાના નિયમો મુજબ થોડાક પગલા પાછળ લીધા અને પછી એક બીજા તરફ વિજળી વેગે લપક્યા, તેમની તલવારો તેમના પહેલા એકબીજા સાથે અથડાઈ એ પહેલા બંનેએ શારીરિક શક્તિને વધારી નાખતો મીસાચી મંત્ર મનમાં બોલી નાખ્યો હતો.
મંત્રથી બંનેની શક્તિ અસીમ બની ગઈ હતી પણ આકશની વીજળીમાં શેકાયેલી બંને તલવાર અતુટ હતી. બેમાંથી એકે તલવારો જવાબ આપે એમ ન હતી તો સામે એ જ ખમીર બને પિતા પુત્રીના ચહેરા પર હતું. બંને જીવનભર અણનમ રહ્યા હતા અને મરતા પહેલા પણ રહેવા માંગતા હતા.
લેખા સત્યજીતના પ્રેમ માટે લડી રહી હતી તો અશ્વાર્થ આખા કબીલા પર્ત્યેના પ્રેમને લીધે લડી રહ્યો હતો. જે બંને હ્રદય બીજા પ્રત્યે અપાર પ્રેમ અને મમત્વ ધરાવતા હતા એ એકબીજા સામે નફરત ભરી દર્ષ્ટિએ જોઈ રહ્યા.
“લેખા, આ મૂર્ખતા મૂકી દે... આકાશના ચહેરા સામે જો, એના અનેક તારા રોજ તૂટી પડે છે એ ફરી ક્યારેય એને મળતા નથી એટલે શું એ પાગલ થઇ જાય? શું તું પહેલી છો જેણે પોતાના કોઈ વહાલાને ગુમાવ્યું છે..?” અશ્વાર્થ એને સમજાવવા કોશિશ કરી, “જીદ મૂકી દે બેટા અને કબીલાના બચી ગયેલા લોકો જ્યાં છે ત્યાં ચાલ.. એ બધાને આપણી જરૂર છે..”
“ચોક્કસ..” લેખાની આંખોનો રંગ જરા બદલાયો, “પણ સત્યજીત વિના નહિ...” એકાએક ફૂફાંડા મારતી નાગિન જેમ રંગ બદલી લેખાએ તેની તલવાર પાછી ખેચી, વળતી તલવાર પણ એક જખમ આપી શકે એ રીતે ચક્રાકાર વ્યૂહમાં ફેરવાઈ હતી.
અશ્વાર્થે એના ઘાને તલવાર પર ટીકી લીધો. લેખાનો ઘા નકામો ગયો. એના પિતાએ એની તલવારના સ્ટ્રોકને બ્લોક કરી, ટ્વીસટ કરી એ વ્યૂહમાં ફેરવ્યો જેથી લેખાની તલવાર જમીન સાથે અથડાઈ.
લેખા એ દાવ જાણતી હતી, એના પિતાએ એને એ દાવ અનેક વાર શીખવ્યો હતો, જમીન સાથે તલવાર અથડાયા બાદ શું કરવાથી તલવારને હાથમાંથી છટકીને પડી જતા રોકી શકાય એ લેખા જાણતી હતી. લેખાએ એક પગલું અશ્વાર્થ તરફ લીધું, અને બંને પિતા પુત્રીના ખભા અથડાયા, “કેમ મરવા માંગો છો પિતાજી?”
જવાબમાં અશ્વાર્થે તલવારને ગોળ ફેરવી અને તલવાર સાથે એ જ ઝડપે એ પોતે પણ ગોળ ફર્યો, ગોળ ફરતા જ એના ઘૂંટણમાંથી પગ જરા નમાવી લીધા હતા જેથી એનો ઘા એક નિર્ણાયક વાર બની રહે.
લેખા એ ઘાને બ્લોક કરવામાં સફળ રહી પણ એની જેરીંગ ઈફેક્ટ એના હાથ માટે અસહ્ય હતી, એના હાથમાંથી તલવાર છટકી દુર જઈ પડી.
“તું હજુ બાળક છે..” અશ્વાર્થે તલવારને નીચે નમાવી કહ્યું.
પણ જવાબમા અશ્વાર્થની પાંસળીઓ સાથે લેખાનો પગ અથડાયો, અશ્વાર્થ ચાહે તો તલવાર વચ્ચે લાવી પોતાની પાંસળીઓ બચાવી શકે એમ હતો પણ એ જોખમી હતું, લેખાનો પગ કપાઈ શકે એમ હતો.
અશ્વાર્થે સંતુલન ગુમાવ્યું અને જાણે એ જ પળની રાહ જોઈ રહી હોય એમ લેખા વિજળી વેગે જઈ એના સાથે અથડાઈ. અશ્વાર્થના શરીરને બાથમાં લઇ એ જેટલું દોડી શકાય એટલું આગળ દોડી ગઈ અને એક ધક્કા સાથે એ શરીરને છુટ્ટું મુક્યું.
અશ્વાર્થનું સંતુલન ગુમાવેલ શરીર એકાદ ગજ જેટલું દુર ફેકાઈ ગયું, એના હાથમાંની તલવાર દુર ફેકાઈ ગઈ અને એનું શરીર ઢાળ તરફ ગબડવા લાગ્યું.
લેખાને પોતે શું કરી નાખ્યું એ ભાન થતા જ અશ્વાર્થ તરફ દોટ મૂકી. એ સ્લોપી પહાડને લીધે લપસી અને એના પિતા તરફ જવા લાગી. અરે ભગવાન! આ મેં શું કરી નાખ્યું? લેખાના હ્રદયના એક એક ધબકારમાં આર્તનાદ હતો. એ ઢાળમાં ઘસડાતી વિચારવા લાગી.
એ એના પિતા પાસે પહોચી. અશ્વાર્થની આંખો બંધ હતી, એ એની પીઠ પર પડ્યો હતો, એની આંખો ખુલ્લી રહેવા મથામણ કરી રહી હતી, એના શ્વાસ પરથી એમ લાગતું હતું કે એના પ્રાણ એનું શરીર વધુ સમય રોકી રાખી શકે એમ નથી.
“પિતાજી, પિતાજી...: લેખા રડવા લાગી, એના પિતાના ગાલને એ થપથપાવવા લાગી, “પિતાજી આપને કઈ નહિ થાય...”
લેખા હજુ સંપૂર્ણ છાયો બની ન હતી ભલે એનો પડછાયો ગાયબ હતો પણ હજુ એ માનવ હતી, એનો પિતા પર્ત્યેનો પ્રેમ એ વાતની ખાતરી આપી રહ્યો હતો.
મેં આ શું કરી નાખ્યું? મારા પોતાના પિતાની હત્યા? ઓહ! શિવ મને ક્યારેય માફ નહિ કરે. સત્યજીત મને ક્યારેય માફ નહિ કરે, એ મુખિયાને ભગવાનની જેમ પુજતો હતો. લેખા એના પિતાના શરીર પાસે એમ જ બેસી રહી, એ ઉપર જોઈ જાણે પ્રાથના કરતી હોય એમ આંખો બંધ કરી નાખી.
કદાચ એ ઈશ્વરને કઈ રહી હતી કે મને માફ ન કરશો મને સજા આપો અને ઈશ્વરે એનું સંભાળી લીધું હોય એમ એને એની પીઠ પર ભયાનક વેદનાનો સણકો ઉપડ્યો, એ દર્દ શેનું હતું એ સમજતા એને વાર ન થઇ, એ પિતાજીનું ખંજર હતું.
ગોરાઓએ પાંજરામાં પૂરી અશ્વાર્થને એનું ખંજર આપી કહ્યું હતું જયારે ભૂખ અને તરસ સહન ન થાય એક કાયરની જેમ તારી ગરદન તારા જ આ ખંજર વડે કાપી નાખજે – જે ખંજરનું રહસ્ય સાચવવા માટે આટલા બધા ગાળા કપાયા છે તો મુખીયાનું કેમ નહિ.
લેખાની નશે નશમા દર્દ વ્યાપી ગયું. કાળી બળતર એની પીઠથી ઉપડી એના મગજ તરફ જવા લાગી.
લેખાની પીઠ પાછળ અશ્વાર્થે ખંજર ઉતારી નાખ્યું. એક પિતાએ દગાથી પુત્રીનો જીવ લીધો. અશ્વાર્થે નીર્દયાતાની મૂર્તિ જેમ પોતાની જાતને બેઠી કરી અને લેખા એ જ સ્થળે ફછડાઈ જ્યાં થોડીક વાર અંતિમ શ્વાસ ગણવાનો ઢોગ કરતો અશ્વાર્થ પડ્યો હતો.
એ મદારી યોધ્ધો હતો અને એક જાદુગર પણ. એ જાણી ચુક્યો હતો કે લેખામાં શક્તિઓ બેહદ વધી ગઈ છે. હજુ સમય હતો એક પિતા તરીકે છેતરી એ લેખાને એ છાયારૂપી જીવનથી મુક્તિ આપી શકે એમ હતો પણ જો એ સંપૂર્ણ પડછાયો બની જાય અને પિતા પુત્રીના મોહથી આઝાદ થઇ એ છાયામાં મળી જાય ત્યાર બાદ એને મુક્તિ અપાવવી અશકય હતું.
કેમ પિતાજી? કેમ? લેખા પૂછવા માંગતી હતી. કેમ?
પણ લેખા પૂછી ન શકી. એના શ્વાસ હવે ગણતરીના જ રહ્યા હતા એમાં એ એવા નકામા સવાલો કરી એમને ગુમાવવા માંગતી નહોતી.
“કબીલાનું ધ્યાન રાખજો પિતાજી...” લેખા બોલવા મથી, “અને માનું પણ..”
“માફ કર લેખા..” એકાએક યોદ્ધામાંથી બાપ બની અશ્વાર્થની આંખોમાં આંસુ ઉભર્યા, “એક મુખિયા માટે કબીલાની સલામતી એ સૌથી મોટી ફરજ છે.. લોહીના સબંધ કરતા પણ મોટી જવાબદારી..”
લેખા કઈક બોલવા માંગતી હતી પણ એનું મો લોહીથી ભરાઈ ગયું. એ ખંજર ઈચ્છાધારી નાગે સ્વેચ્છાએ આપેલ કાતીલ ઝેરમાં પાયેલું હતું એટલે લેખાના હ્રદયે લોહી સ્વીકારવું બંધ કરી નાખ્યું હતું. ધમની અને શીરાથી દોડી આવતું બધું લોહી ફેફસામાં ભેગું થઇ એના મોઢામાંથી નીકળવા લાગ્યું.
એક પિતા માટે એ જોઈ શકવું અશક્ય હતું.
“મારી જવાબદારી મારો આખો કબીલો છે, એમના પર આવતા સ્વસ્તિકના શ્રાપને રોકવા માટે હું આ બધું કરવા મજબુર છું.. બેટા તે ખોટા મુહુર્તમાં પુસ્તક હાથમાં લઇ લીધું..”
લેખાને એના પિતા પર ગર્વ થઇ રહ્યો હતો. એના પિતા એક સાચા મુખિયા હતા. સાચા સરદારના દરેક ગુણ એમનામાં હતા. કબીલા માટે પોતાના હાથે ઉછેરેલી દીકરીને ઝેરી ખંજર ઘોપતા પણ ન અચકાવું એ કોઈ કાયરનું કામ નહોતું. એ માટે લોખંડી જીગર જોઈએ જે અશ્વાર્થમાં હતું.
જીવનભર અશ્વાર્થ લેખા માટે હીરો હતો, લેખાએ સત્યજીતમાં એના પિતા જેવા જ લક્ષણો જોયા હતા અને એને મોહી ગઈ હતી. જીવનભર લેખાને જે ગર્વ પિતા પર હતો એ અંતિમ સમયે પણ એમ જ અકબંધ રહ્યો. મા સાચી હતી લેખાએ વિચાર્યું, અશ્વાર્થ કરતા યોગ્ય મુખિયા મદારી કબીલામાં ક્યારેય થયો નથી અને થશે પણ નહિ. લેખાને અશ્વાર્થે કહેલું એક વાક્ય યાદ આવ્યું. એમની લડાઈની તાલીમ દરમિયાન અશ્વાર્થ એને કહેતો બેટા દુનિયામાં સૌથી ભયાનક લડાઈ સારા અને ખરાબ વચ્ચે નથી થતી પણ બે સારા માણસો વચ્ચે થાય છે. કદાચ એ સાચો હતો.
લેખાએ આખરી શક્તિ અજમાવી પોતાની જાતને ભેખડના ઢાળ તરફ ગબડાવી, એનું શરીર એ ઢાળમાં રગડતું ભેડાઘાટને કિનારે વહેતી નદીના પાણીમાં જઈ પડ્યું. એ પાણી એને ગળી ગયું - એનો પડછાયો હતો કે નહિ એ જોયા પણ વિના.
અશ્વાર્થ ત્યાં જ ઉભો રહ્યો. કાદાચ એના પગ હલી શકે એમ ન હતા. એ પણ એના હ્રદય જેમ પથ્થર બની ચુક્યા હતા. એ ખીણમાં કુદી જીવ આપી દેવા માંગતો હતો પણ જ્ઞાન પર્વત પરના રહસ્યને નાબુદ કરવું જરૂરી હતું. એ રહસ્ય ગોરાઓના હાથમાં ન જ જવા દેવાય. એણે સૂચી અને બોક્સ લીધા, બગીથી એક ઘોડો છોડ્યો અને એના પર સવાર થઇ જ્ઞાન પર્વત તરફ ઘોડો દોડાવવા લાગ્યો.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky