Swastik - 2 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 2)

વિવેક કથાનક

નવ નાગની લડાઈની રખડપટ્ટીને લીધે મારી ત્વચા જરા શ્યામ પડી હતી. પણ હમણાં બે વર્ષથી આરામને લીધે મારી ચામડી પાછી ચમકવા લાગી હતી. અલબત્ત મારું શરીર અને ચહેરો પણ ઠીક ઠીક બદલાયા હતા. હવે મને કોઈ કીડ કે બાળક કહી શકે તેમ નહોતું. મારે દાઢી અને મૂછોના વાળ આવ્યા હતા અને ખાસ્સી ગ્રોથ પણ થઇ હતી. કોમળ ચહેરો બદલાઈને યુવાન થયો. શરીર પણ વધારે મજબુત થયું અને કસાયું હતું.

આજે સવારથી જ હું એ શોની રાહ જોતો હતો. કાંડા ઘડિયાળ જોઈ જોઇને મારી આંખો થાકી ગઈ હતી પણ મારું મન નહિ. ક્યારે સાંજના સાત વાગે અને ક્યારે હું અમેઝ લઇ કોલેજ પહોચું. હું જીવનમાં સૌથી મહત્વનો શો કરવા જઈ રહ્યો હતો. નાગપુર કોલેજના કેમ્પસમાં જે શો માટે હું તલપાપડ થઇ રહ્યો હતો એ શો નયનાની જીદનું કારણ કે વૈશાલીના પ્રેમનું પરિણામ હતું.

વૈશાલી છેલ્લા ઘણા મહિનાથી દિલ્હી છોડી નાગપુર સ્થિત થઇ હતી. મને હજુ નથી સમજાતું કે એ દિલ્હી જેવા શહેરને છોડી નાગપુરમાં પોતે ભણવા જઈ રહી છે એવું સાવ ન માની શકાય તેવું બહાનું તેના માતા પિતાને કઈ રીતે સમજાવી શકી હશે.

જોકે એ નાગપુરમાં કેમ હતી એ કારણ હું સમજતો હતો. એ મને ચાહવા લાગી હતી અને હું પણ એને...

આ મહેરબાની પણ નયનાની હતી. નંબર નાઈનના છટકામાંથી આબાદ છૂટ્યા પછી અમારા માટે કોઈ દુશ્મન રહ્યું નહોતું. એ ઘટનાઓના એકાદ મહિના પછી નયનાએ કપિલ સાથે સાત ફેરા લીધા એ સુધીના સમયનો સદુપયોગ નયનાએ વૈશાલીને નાગપુરમાં લઇ આવવામાં કર્યો હતો.

પાર્ટીના બહાને, ફિલ્મ જોવાના નામે અને ડીનર વિથ ફ્રેન્ડ્સના બહાને એ અમને વારવાર એકબીજા સામે લાવતી ગઈ. એ મુલાકાતો ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એ મને ખયાલ ન રહ્યો. જોકે મારા માટે એ મુલાકાતો પ્રેમ થવા જરૂરી હતી બાકી વૈશાલી તો મને એ દિવસથી જ ચાહવા લાગી હતી - જયારે હું એની કોલેજમાં શો કરવા ગયો હતો.

મને એ પ્રેમ શબ્દ ક્યારેય સમજાયો નહોતો. મારા માટે પ્રેમ કરતા મિત્રતા હમેશા મહત્વનો શબ્દ રહ્યો છે. નયના અને કપિલ વચ્ચેના લાગણીમય સંબંધને જોઈને મને સમજાયું કે પ્રેમ પણ કઈ દોસ્તી કરતા ઉતરતી ચીજ નથી. અને કદાચ એમના પ્રેમથી પ્રેરાઈને હું પ્રેમના પથ પર ચડ્યો એમ કહું તો ખોટું નથી.

છેલ્લા ત્રણેક મહિનાથી વૈશાલીની એક જ જીદ હતી કોલેજમાં હું શો કરું.

અને આજે એની જીદ પૂરી કરવાનો દિવસ આવી ગયો હતો. આઈ મીન એ સાંજ આવી ગઈ હતી. શો રાત્રીના આઠથી અગિયાર વાગ્યા સુધીનો હતો અને હજુ સાત જ વાગ્યા હતા.

હજુ મારી પાસે એક કલાકનો સમય હતો.

“વિવેક, માજીશા ગેરાજ આવી ગયું.” આયુષ્યમાને ટેક્ષી રોકતા કહ્યું. આયુષ મારો ખાસ મિત્ર હતો એ મને ખાસ તો જાદુગર કહીને જ બોલાવતો પણ કોણ જાણે કેમ આજે એણે મને જાદુગરના બદલે વિવેક કહ્યું. આયુષ સીધો સાદો હતો. તેના ચહેરા ઉપર ઉદાસી રહેતી. સપ્રમાણ શરીર ઉપર તે સિવડાવેલા કપડા પહેરતો. ટેક્સી ચલાવતો હોવા છતાં તે વ્યસન ન કરતો.

“કેટલા આપવાના આયુષ?” હું ટેક્ષીમાંથી ઉતર્યો. આસપાસ નજર કરી, ગરાજના કાઉન્ટર પર જ અરુણ બેઠો હતો એ જોઈ મારો શ્વાસ બેઠો. એ નીકળી ગયો હોય અને મારી અમેજનું કામ કરવાનું રહી ગયું હોય તો કેમ ચાલે?

આજના શોમાં કારનો ઉપયોગ એક ટ્રીક બતાવવા માટે કરવાનો હતો. એ માટે એની પીક-અપ જરૂરી હતી અને એ માટે મારે અરુણ પર વિશ્વાસ મુકવો જ રહ્યો. એના હાથે સર્વિસ થયા પછી મારુતિ પણ ઓડી બની જતી વગેરે વગેરે અફવાઓ લોકોમાં ચાલતી અને કદાચ એ અફવાઓ માત્ર અફવાઓ ન જ હતી. એ અફવાઓ પાછળ અરુણનું હુનર અને લોકોનો એના કામ પરનો વિશ્વાસ હતો.

“કેમ જાદુગર?” આયુષ જરાક અટક્યો, કદાચ એ કોઈ ખાસ શબ્દ શોધી રહ્યો હતો, “છોકરી જીવનમાં આવી એટલે દોસ્તોને ભૂલી જ ગયો?” તેના અવાજમાં મીઠો ઠપકો હતો.

“શું ભૂલી ગયો?” મારે પણ શબ્દો શોધવાની જરૂર પડી, પણ ગમે તેમ કરી મેં એમાં સફળતા મેળવી, “ત્યાં દશ ટેક્ષી પાર્ક કરેલી હતી એમાંથી તારી જ ટેક્ષીમાં કેમ બેઠો?”

“હા, ટેક્ષીમાં બેસતી વખતે ધ્યાન આપ્યું કે એ દોસ્તની હતી અને ઉતરતી વખતે ભૂલી ગયો કે એ ટેક્ષી કોની હતી.” આયુષના ચહેરા પર અણગમાના ભાવ વધ્યા. તેના ઉદાસ ચહેરા ઉપર અણગમો તરત તરી આવતો.

“તું શું કહે છે મને કઈ સમજાતું નથી.” મેં અજાણ બનવાનો પ્રયાસ કર્યો. મને ખબર હતી એ કેમ ચિડાયો હતો. મેં એને ભાડાના પૈસા આપવાની વાત કરી એનાથી એ ચિડાયો હતો. પણ શું કરું? હું એના ઘરની સ્થિતિ જાણતો હતો. એના બીમાર પપ્પાએ વર્ષો પહેલા કમાવાનું બંધ કરી નાખ્યું હતું અને જયારે એમની દવા માટે પણ ઘરમાં ફાંફા પડવા લાગ્યા એ સમયે આયુષે કોલેજ જવાનું બંધ કરી એક શેઠીયાની ટેક્ષી ભાડા પર ચલાવવાનું શરુ કરી નાખ્યું.

“વિવેક, તું જાદુગર હોઈશ બીજા માટે.” એણે જરાક વધુ મો બગાડ્યું, “મારા આગળ તારી કોઈ ટ્રીક કામ નહિ આવે.” એણે મોઢું થોડુક આડું ફેરવી નાખ્યું. એ જયારે નારાજ થતો ત્યારે એમ જ કરતો.

“હું બીજી વાર તારી ટેક્ષીમાં નહિ બેસું.” મેં ભાર આપતા કહ્યું, “તું જે ભાડું થાય એ લઇ લે.”

મને ખબર હતી કે એ ધમકીની અસર એના પર જરૂર થશે.

“ડન, બટ ઓન વન કંડીશન.” એ કારનો ડોર ખોલી બહાર આવ્યો.

“વોટ?” મારી ભ્રમર ઉંચી થઇ ગઈ.

“વી વિલ ટેક કોલા વિથ ધેટ મની.” તે હસીને બોલ્યો.

“પણ તો પછી....” હું એને ના ન કહી શક્યો. અમે ઘણા સમયે મળ્યા હતા. એ શરત માનવી મને યોગ્ય લાગી. “વેલ, ઓકે બસ...”

બપોર પહેલા પડેલા ધોધમાર વરસાદથી ધોવાઈને સ્વરછ થયેલી સડક પર ચાલીને અમે ગેરેજની બાજુના બીપીન પાર્લર પહોચ્યા. એનો માલિક બીપીન પટેલ પણ અમારો સ્કુલમેટ હતો.

“ટુ કોલા.” આયુષે મારા હાથમાંથી સોની નોટ લઇ દુકાનદારના હાથમાં આપી. મેં એ નોટ એને ભાડા પેટે આપવા માટે નીકાળી ત્યારની મારા હાથમાં જ હતી. દુકાન પર બિપીનને બદલે એના મોટા પપ્પા બેઠા હતા.

“બીપીન ક્યાં છે અંકલ..?” આયુષે એમને પૂછ્યું, “આજ કાલ દેખાતો નથી?”

“એ હમણા મુંબઈ છે બેટા..” કાકાએ બીપીનને મુંબઈમાં નોકરી મળી ગઈ છે એની ખુશી કરચલીવાળા ચહેરા પર લાવતા કહ્યું, “સોફ્ટવેર કંપનીમાં એને નોકરી મળી ગઈ છે.”

અમે એના લગ્ન વિશે ન પૂછ્યું કેમકે છોકરી તો એને નોકરી પેલા જ મળી ગઈ હતી. એ અમારી જ ક્લાસમેટ અલકાના પ્રેમમાં હતો અને અમે જાણતા હતા કે અલકાને મુંબઈ કંપનીમાં ત્રણેક મહીના પહેલા જ નોકરી મળી હતી. સો ટકા એ ભાઈ સાહેબ એને કંપની આપવા પહોચી ગયો હતો. બાકી એ નોકરી માટે નાગપુર કે દોસ્તોને છોડીને મુંબઈ ક્યારેય ન જાય એ બાબત ચોક્કસ હતી.

“કોન્ગ્રેટ્સ અંકલ..” મેં કહ્યું.

“થેન્ક્સ બેટા..”

“વેલકમ..” આયુષ્યમાને કોલનું ટીન હાથમાં લીધું.

“તારા પપ્પાની તબિયત હવે કેમ છે?” મેં કોલાનું ટીન ખોલતા આયુષને પૂછ્યું.

અંકલ દુકાન પર આવેલા કોઈ નવા ગ્રાહક સાથે વ્યસ્ત થઇ ગયા. અમે સહેજ ત્યાંથી ખસીને ફૂટપાથ પર ઉભા રહ્યા.

“ઠીક છે હવે એમને. બસ ક્યારેક વધારે પડતું કામ કરી લે તો તકલીફ થાય છે. હું એમને કામ કરવાની મનાઈ કરું છું છતાં મારી ગેરહાજરીમાં આ અને તે કામ કરતા રહે છે.”

“એમને એક જગ્યાએ સુઈ રહેવું નહિ ગમતું હોય.” મેં કહ્યું, “ઉમર થયા પહેલા માણસને પલંગમાં સુઈ રહેવું પડે તો એ બહુ કઠે છે.”

“હા, કદાચ એમ જ છે.” એણે ખાલી ટીન ડસ્ટબીનમા નાખ્યું અને રજા લીધી, “ફરી મળીએ, વિવેક.”

“કેમ નહિ? હું તો વિચારું છું કે એકાદ બે દિવસમાં તારા ઘરની મુલાકાત લઇ લઉં. મમ્મી પપ્પાને પણ મળી લેવાશે. એમને મળ્યાને પણ ઘણો વખત થઇ ગયો છે.”

“યુ આર મોસ્ટ વેલકમ.” એ મારી તરફ હાથ હલાવતો એની કાર તરફ નીકળી ગયો અને મેં ગેરેજના દરવાજા તરફ પગ વાળ્યા, મારે ગેરેજ પહોચવા બે ચાર કદમની જ જરૂર હતી. બીપીન પાર્લર ગેરેજની બરોબર બાજુમાં હતું, બંને એક દીવાલ શેર કરી ઉભા હતા.

“અરુણ, કાર તૈયાર છે?” મેં ગેરેજના કાઉન્ટર પર પહોંચતા જ પૂછ્યું. હું ઉતાવળને લીધે રૂડ બન્યો, મારે એને હેલો હાઉ આર યુ જેવું પૂછવું જોઈતું હતું. કમ-સે-કમ એક જુના મિત્ર તરીકે એને મારે આર યુ ફાઈન લુક આપવો જોઈતો હતો પણ કદાચ મારું મન માત્ર શો વિશે જ વિચારી રહ્યું હતું. કેમ ન વિચારે?

આજે મારા જીવનનો અદભુત દિવસ હતો. હું શો પછી વૈશાલીને પ્રપોઝ કરવાનો હતો. આજ પછી મારું જીવન એકદમ બદલાઈ જવાનું હતું. જે મિત્રતાને જે પ્રેમને મહિનાઓથી વૈશાલી એક નામ આપવા માંગતી હતી એ નામ આજે હું આપવા જઈ રહ્યો હતો.

“કોઈ અરુણ પર વિશ્વાસ મુકે અને કામ ન થાય એવું બને ક્યારેય?” એ હસીને એની જૂની રીવોલ્વીંગ ચેર પરથી ઉભો થયો, ચેરમાં ઠેક ઠેકાણે ગાબડા પડી ગયા હતા. સીટના લેધર કવર પર કોઈ ભિખારીના કપડા પર લગાવેલ હોય તેટલી કારીઓ મારેલી હતી. મને એક પળ માટે થયું કે આ દેશની મહાનતા છે જે માણસમાં ટેલેન્ટ છે હુનર છે એની પાસે કઈ કરવા માટે બેંક બેલેન્સ નથી અને જેનામાં કોઈ આવડત કે હુનર નથી એ બધા એસી ઓફિસોમાં આઠેક હજારની આરામ ખુરસીમાં આરામ ફરમાવે છે.

“શું થયું ફરી તારી ફિલોસોફીમાં ખોવાઈ ગયો?” અરુણના સવાલે મને વિચારોમાંથી બહાર લાવ્યો, “આ તૂટેલી ચેર જોઈ મારા પર તરસ આવી ગઈ?” કહીને એ જાડિયો હસ્યો. મને ક્યારેય એ નથી સમજાયું કે ગરીબ માણસો આટલા સહનશીલ કઈ રીતે હોતા હશે?

“એવું નથી પણ અરુણ.” મેં મારો બળાપો ઠાલવ્યો, “તારામાં જે હુનર છે એ મુજબ તારું જીવન પણ હોવું જ જોઈએ.”

અરુણે પ્લાસ્ટીકની એક ચેર મારા તરફ ખસાવી. મેં ચેર પરની ધૂળ ટેબલ પર પડેલું કપડું લઇ ખંખેરી અને ખુરશી પર ગોઠવાયો. તે પોતાની ચેરમાં પાછો બેઠો.

“હા, તો એક કામ કરને મને તારો એપ્રેન્ટિસ બનાવી નાખ.” એ હસ્યો, “ હું થોડું ઘણું શો કરીને પણ કમાઈ લઈશ. આમ પણ તે મને ખાસ્સી એવી નાની મોટી તરકીબો તો શીખવી જ છે.”

“હું પણ એ જ વિચારું છું. મેં પપ્પાને પણ વાત કરી હતી કે તને જાદુ શીખવીએ તો તું એમાં પણ એ જ હુનર બતાવી શકે તેમ છે જે હુનર તું તારી આ ગેરેજમાં બતાવે છે.”

‘દુબે અંકલના બીલમાં એક ક્લચવાયર અને બોક્સ લોક લખી નાખજો..” ગેરેજમાં કામ કરતા માણસે બુમ મારી.

“એ લખાઈ ગઈ..” અરુણે ટેબલ પર પડેલી બિલબુક હાથમાં લીધી, એમાં દુબેના બીલના પાના પર જ પેન ગોઠવેલી હતી. એમાં કલચવાયર અને બોક્ષ લોક એની કિંમત સાથે ટપકાવ્યા અને મારા તરફ જોઈ કહ્યું, “તો ચલ આજના શોથી જ થઇ જાય.”

“કેમ નહિ? આજે આમ પણ મારે બને એટલા વધુ મિત્રોની જરૂર છે.” મેં કહ્યું કેમકે આજે ખરેખર મને મિત્રોની જરૂર હતી. કદાચ પ્રેમમાં પડેલ વ્યક્તિ કરતા વધુ ગભરાહટ કોઈને નથી હોતી. હું શો કરતા એના પછી જે બધા વચ્ચે પ્રપોઝવાળી શરત હતી એના લીધે વધુ નર્વશ હતો.

“વિવેક, ડેડ.” અરુણે કહ્યું, મેં દરવાજા તરફ નજર કરી અને એ તરફ જોઈ રહ્યો.

હું રોડ પર જ્યાં ટેક્ષીમાંથી ઉતર્યો હતો એ જ સ્થળે એક કાર પુલ ઓફ થઇ હતી. પપ્પા કારમાંથી ઉતર્યા અને એમણે સનસેટના સુલન કલર તરફ ધ્યાન આપ્યા વિના જ વેસ્ટર્ન હોરીઝોન તરફ એક દ્રષ્ટી કરી.

પપ્પા આ સમયે. મેં વિચાર્યું. તેઓ એકદમ અહી ક્યાંથી?

પપ્પા કોઈ શોમાં જવાના હોય એમ એમણે લાંબો શેબી કોટ પહેર્યો હતો. કાળા કોટમાં પપ્પા ખુબ ઝાઝરમાન લાગતા. કોટમાં તે ખુબ મજબુત લાગતા. તેમના તેજસ્વી ચહેરા ઉપર અરધી સફેદ મૂછો ખુબ ઓપતી. તેમની જમણા હાથની આંગળીઓ જે નિકોટીન યેલ્લો થઇ ગઈ હતી એમાં સિગારેટ પકડેલ હતી. મને પપ્પાની આ આદત કયારેય ન ગમતી. કેમ જાણે એમણે જાદુ જેટલો જ લગાવ એમની સિગારેટ સાથે હતો. એ સિગારેટે એમના જમણા હાથની પહેલી આંગળી અને અંગુઠા પર નીકોટીનની પીળાસનો કાયમી દાગ આપી દીધો હતો. પપ્પાના જમણા હાથની પહેલી આંગળી અને અંગુઠા પર ધુમાડાની કાયમી પીળાશથી દાગ જેવું બની ગયું હતું.

પપ્પાએ કાર તરફ જોઈ ચિરાગ તરફ એક નજર કરી. ચિરાગ એમનો એપ્રેટીસ કમ ડ્રાયવર હતો. કદાચ એમણે એને ત્યાજ રોકાવાનો સિગ્નલ આપ્યો હતો.

મારો અંદાજ ખોટો હતો. એમણે ચીરાગને બહાર આવવાનો સિગ્નલ આપ્યો હતો. ચિરાગ પણ એમની સાથે બહાર આવ્યો. એ પણ કોઈ શો માટે જઈ રહ્યા હોય એમ તૈયાર થયેલ હતો - અ યંગમેન ઇન એલ. આર. જી. હીપ હોપ રેગલિયા.

એના હાથમાં એક હીપ હોપ આર્ટિફેકટ હતું. એના બીજા હાથમાં એક બૂક હતી, એ બુકને હું ઓળખતો હતો. એ જાદુના ટોટકાની કિતાબ હતી, મોટા ભાગના ઓલ્ડ મીસાચી શ્લોકોમાં લખાયેલા હતા. એના હાથમાં એ પુસ્તક હતું મતલબ એ લગભગ બધું શીખી ચુક્યો હતો અને કદાચ કોઈ શોમાં પપ્પા સાથે જ પ્રેક્ટીસ કરવાનો હતો.

પપ્પાએ એને કઈક કહ્યું અને ફરી એમનું ધ્યાન સિગારેટ તરફ ગયું. એ ઓલવાઈ ગઈ હતી. પપ્પા ક્યારેય ઓલવાયેલી સિગારેટ ફરી ન સળગાવતા. એમણે સિગારેટ પરની પોતાના જમણા હાથની આંગળી અને અંગુઠાની પકડ ઢીલી કરી, સીગરેટને જમીન પર પડવા દીધી. એને પોતાના બુટથી ગ્રાઉન્ડ કરી અને ગેરેજ તરફ ડગલા ભરવા માંડ્યા. ચિરાગ પણ એમને ફોલો કરી રહ્યો હતો. એપ્રેટીસ તરીકે એ એક કાબીલ માણસ હતો.

ગેરેજમાં દાખલ થતા પહેલા પપ્પાએ કોટના ખિસ્સા ફંફોસ્યા. હું જાણતો હતો એ ફરી સિગારેટ શોધી રહ્યા છે. અને કોઈ કામમાં નિષ્ફળતા ન મેળવનાર સોમર જાદુગરને સિગારેટ શોધવાના એ કામમાં પણ નિષ્ફળતા ન જ સાંપડી. પપ્પાએ ખિસ્સામાંથી સિગરેટનું પાકીટ નીકાળ્યું અને એમાં વધેલી છેલ્લી સિગારેટ ખેચીને ખોખાને ગેરેજ આગળ વહેતી નાનકડી ગટરમાં પધરાવી દીધું. કાશ! પપ્પાએ પોતાની એ સિગારેટની આદતને જ કાયમ માટે એમ ગટરમાં પધરાવી દીધી હોત!

“વિવેક, આજે તારી પરીક્ષા છે એમ સમજીને શો કરજે.” પપ્પાએ કોટના બીજા ખિસ્સામાંથી ચાંદીનું લાઈટર નીકાળી સિગારેટ સળગાવી અને કેટલાક મીસાચી ભાષાના અક્ષરો કોતરેલું લાઈટર પાછુ ખિસ્સામાં સરકાવ્યું. એ એમના ખાસ મિત્રનું લાઈટર હતું જે હવે આ દુનિયામાં ન હતા. કદાચ એ સિગારેટ પીવાની આદત પણ એમના એ મિત્રને પોતાના જીવનમાં હજુ સુધી જીવિત રાખવા માટે જ હતી. પપ્પા જાદુ એમના એ મિત્ર પાસેથી શીખ્યા હતા. પપ્પાનો જીવ બચાવતા એ મૃત્યુ પામ્યા હતા. ગોપીનાથ ખુબ કાબિલ જાદુગર હતા.

“વેલકમ અંકલ.” અરુણે એમનું સ્વાગત કર્યું અને ઉભા થઈને તેના બનીયનવાળા શરીર ઉપર ખીંટીએથી લઈને શર્ટ ચડાવ્યું. તે ખાસ કરીને બનીયનમાં જ રહેતો. અલબત્ત તેના માણસો પણ ગેરેજ ઉપર બનીયનમાં જ રહેતા.

“થેન્ક્સ.”

“હેવ અ સીટ યંગમેન.” પપ્પાએ અરુણે તેમના માટે ખાલી કરેલી ખુરસી તરફ ઈશારો કરી ચીરાગને કહ્યું.

ચિરાગ એ ખુરસી પર ગોઠવાયો. મને એકદમ નવાઈ લાગી. પપ્પા ઉભા રહ્યા અને ચિરાગ ચુરસીમાં બેઠો. એ અશક્ય હતું?

અરુણને પણ એ વાતનો વિશ્વાસ ન થયો હોય તેવી નવાઈ એના ચહેરા પર ઉપસી આવી.

“આજના શોમાં તારે ઓડીયન્સને ચોકાવી દેવાની છે એને બદલે તું આમ ચોકીને કેમ ઉભો છે?” પપ્પાએ એમના ખિસ્સામાંથી કાળા રંગનો એક કાપડનો ટુકડો નીકાળ્યો. એ ટુકડો હાથ રૂમાલ કરતા જરાક જ મોટી સાઈઝનો હતો.

“હું કાઈ સમજ્યો નહિ?” મને ખરેખર પપ્પા શું કહી રહ્યા છે એ સમજાયુ નહિ.

“એ જ સમજાવું છું.” પપ્પાએ કાપડનો ટુકડો ખુરશી પર બેઠેલા ચીરાગને ઓઢાડ્યો અને બીજી જ પળે ખુરશી પર માત્ર એ કાપડનો ટુકડો જ રહ્યો. એ ખુરશીમાંથી ચિરાગ ગાયબ થઇ ગયો. એક પળ પહેલા જ્યાં ચિરાગ બેઠો હતો એ ખુરશી બિલકુલ ખાલી થઇ ગઈ.

હું અને અરુણ અવિશ્વાસભરી નજરે એ ગરીબની ઝોળી જેવી ચીથરેહાલ ખુરશીને જોઈ રહ્યા.

“બસ તારે આજના શોમાં આજ કરતબ બતાવવાનું છે.” પપ્પાએ ખુરશી પરથી રૂમાલ લીધો અને એ સાથે જ એ ખાલી ખુરશીએ પોતાના ખાલીપાનો ત્યાગ કર્યો હોય એમ એના પર બેઠો ચિરાગ હસવા લાગ્યો.

“મેજિક ઓફ ડીસઅપીયર...!” મારા માટે ખરેખર એક શોક હતો. જે જાદુ હું વરસોથી કરવા માંગતો હતો એ મને એ જ દિવસે કરવા મળશે જે દિવસે હું વૈશાલીને પ્રપોઝ કરવાનો હતો એનાથી મોટી સરપ્રાઈઝ શું હોઈ શકે?

“યસ, યંગમેન, તું કોઈનું દિલ ગાયબ કરવાની કળા તો આપમેળે શીખી ગયો છું પણ હવે કોઈને ગાયબ કરવાનો સમય આવી ગયો છે.” પપ્પા હસ્યા, એમના હાસ્યમાં કોઈ અજબ ભાવ હતો. કદાચ એ સ્મિત મને કહેવા માંગતું હશે કે જાદુગર સોમરથી કોઈ વાત છુપાવવી અશક્ય છે. મેં કોઈ જવાબ આપવાને બદલે માત્ર માથું હલાવ્યું.

“ચિરાગ, હવે અહી જ બેસી રહેવું છે કે પરીક્ષા આપવાની છે?” પપ્પાએ કાપડનો ટુકડો સમેટી મારા હાથમાં આપ્યો અને ચિરાગ તરફ નજર કરી.

“પરીક્ષા?”

“હા, હું ચીરાગને ચેમ્બર ઓફ સેક્રેટમા લઇ જઈ રહ્યો છું. એની એપ્રેન્ટીસ પૂરી થઇ ચુકી છે. આજે તેની ચેમ્બર ઓફ સિક્રેટમા એન્ટ્રન્સ માટેની એક્ઝામ છે.”

“મતલબ તમે મારા શોમાં નહિ આવી શકો?” મારાથી કહેવાઈ ગયું. હું જાણતો હતો ચેમ્બર ઓફ સિક્રેટ વરસમાં બે જ વાર મળતી હતી અને જો ચિરાગ આજે ચુકી જાય તો જાદુગરની દુનિયામાં દાખલ થવા એને ફરી છ મહિના રાહ જોવી જ પડે. જે વાજબી ન હતું.

“મેં કહ્યું હતું ને કે વિવેકને ખરાબ લાગશે..” ચિરાગ ખુરશીમાંથી ઉભો થયો, “હું છ મહિના રાહ જોઈ લઈશ.”

“ના, ના ચિરાગ. એવું નથી.” મેં વાતને સુધારી લીધી, “આઈ મીન કોન્ગ્રેટ્સ. તું જલ્દીથી એક્ઝામ ક્લીયર કરી લે પછી આવતો શો આપણે એકસાથે કરીશું.” મેં તેના ખભા પર હાથ મુકીને દબાવ્યો.

“ના, વિવેક. હું સમજી શકું છું તારા એ શોમાં અંકલનું હાજર હોવું કેટલું મહત્વનું છે.” તેણે મારા પપ્પા સામે જોયું અને પછી મારી સામે નજર ફેરવી.

“તારી એક્ઝામ કરતા વધુ નહિ. મને ખબર છે તું ત્રણ વર્ષથી એની રાહ જોઈ રહ્યો છે.” મેં કહ્યું.

“હા, એમ પણ હું એની સાથે છું જ.” અરુણે પણ અમારી વાતમાં ઝંપલાવ્યું. એ ક્યારનોય શર્ટના બટન બંધ કરીને મૂંગો ઉભો હતો.

“ધેટ્સ સ્પીરીટ.” પપ્પાએ કહ્યું અને એમણે વિદાય લીધી.

“હવે આપણે પણ જઈશું?” હું અરુણ તરફ ફર્યો.

“હા, બસ તારી કાર ચેકિંગ રાઉન્ડથી આવી જાય એટલે નીકળીએ. ત્યાં સુધી ચા પી લઈએ.”

મને નીકળવાની ઉતાવળ હતી પણ કાર ચેકિંગ રાઉન્ડથી પાછી ન આવે ત્યાં સુધી જઈ શકાય એમ નહોતું એટલે હું ફરી ખુરશી પર ગોઠવાયો.

“લાલુ, ચાનું કહી આવ.” અરુણનો અવાજ સાંભળતા જ લાલુ ગેરેજ છોડી બહર નીકળ્યો. લાલુ પણ અજીબ હતો. એ હજુ બાર તેર વરસનો હતો પણ ગેરેજનું કામ શીખવાની એનામાં અજબ ધગસ હતી અને એની સમજશક્તિ મોટેરાઓને આંબી જાય એવી હતી. અરુણ માટે એ પોતાના નાના ભાઈ જેવો હતો. ક્યારેય તો અરુણ એને સ્ક્રુ આઠને આંકડે કઈ રીતે ખોલાય અને નવને આંકડે કઈ રીતે બંધ થાય એ સમજાવતા જોતી વખતે મને એમ લાગતું કે અરુણ એનો શિક્ષક હોય અને લાલુ કોઈ ખાસ વિધાર્થી.

“તું ઉદાસ તો નથીને?” અરુણે મારી આંખો વાંચી લીધી હોય તેમ બોલ્યો.

“ના, કેમ?” મેં અજાણ બનવાનો પૂરો પ્રયાસ કર્યો.

“પપ્પા તારા શોમાં હાજરી નહી આપી શકે એ માટે.” તેણે ટેબલ પરની ચીજો ટેબલના ખાનામાં મુકવા માંડી. એ જવા માટે તૈયારી કરવા લાગ્યો.

“તું છે ને સાથે. આમ પણ મારે હવે ગુરુની નહિ એક ચેલાની જરૂર છે.”

“તો ચેલા હાજીર હે.” કહી તેણે જુકીને સલામ કરી.

“બસ હવે જાડિયા...” મેં કહ્યું.

અરુણ અને હું બંને હસી પડ્યા. તે આમ કરતો ત્યારે અમે બધા હસતા. આમ તો તે જાડો ન હતો પણ અમારા બધા કરતા તેના ચહેરા અને શરીર ઉપર વધારે ચરબી હતી એટલે હું તેને જાડિયો કહેતો. તેને એ ગમતું.

અમે વાતો કરી એટલામાં લાલુ પોલીથીન બેગમાં પેક કરી ચા લઇ આવ્યો. અરુણે એના હાથમાંથી એ બેગ લઇ પેપર કપમાં ચા લીધી. અરુણ ક્યારેય લાલુને પોલીથીન બેગમાંથી ચા કપમાં લેવા ન દેતો. એકવાર એમ કરતા ચા લાલુના હાથ પર ઢોળાઈ હતી અને એ દાજ્યો હતો ત્યારથી કયારેય એ કામ લાલુને ભાગે ન જતું. અરુણ જ એ કામ કરતો.

અમે ચા પૂરી કરી ત્યાં સુધીમાં મહેબુબ કારનો રાઉન્ડ લઈને આવી ગયો હતો. મહેબુબ અમારા મિત્ર વર્તુળમાનો એક અને કારનો માસ્ટર હતો. એ અવાજ પરથી કહી દેતો કે કારમાં ક્યાં ખામી છે. તેના કાનમાં ગજબ જાદુ હતું. મહેબુબ પાતળો અને ઉંચો હતો. તેના વાળ રંગીન અને ફેશનેબલ હતા. ચહેરો સુકાયેલો હતો છતાં તે ઠીક ઠીક લાગતો. ખાસ કરીને તે કાળા નેરો જીન્સ ઉપર બનીયન જ રાખતો. તેની હાથ અને ગળાની નશો ફૂલાયેલી હતી.

“ઓકે બોસ.” મહેબુબ ચાવી ઉછાળતા અંદર આવ્યો અને ચાવી મારા હાથમાં આપી, “મોતના કુવામાં ચડાવવાની હશે તો પણ કાર હવે પાછી નહિ પડે.”

“થેન્ક્સ. પણ હું સરકસમાં કામ નથી કરતો.” મેં એની મજાક કરી, અરુણે પણ જોરથી હસીને એમાં મારો સાથ આપ્યો. લાલુ પણ મલકવા લાગ્યો.

“મને તો એ બધું એક જેવું જ લાગે છે.” મહેબૂબે ભોઠપ છુપાવતા કહ્યું.

“એ તને એવું જ લાગશે.” અરુણે એની ઠેકડી ઉડાવતા કહ્યું, “હું વિવેક સાથે શો પર જાઉં છું. અગિયારેક વાગ્યે આવી જઈશ. લાલુને આઠ વાગ્યે જવા દેજે અને તું મારી રાહ જોજે.”

“ઓકેય બોસ.” મહેબુબને વાર વાર બોસ શબ્દ વાપરવાની આદત હતી. તેણે આર.એમ.ડી.ની પડીકી કાઢીને મોઢામાં ઓરી. તેને એ આદત હતી.

અમે ગેરેજ છોડી નીકળ્યા એ પહેલા અરુણે એને કેટલીક સૂચનાઓ આપી. કઈ કારનું કામ પહેલું કરવું, કોનું પછી, કયો ઘરાક આવે તો એની સાથે રકઝક ન કરવી. મહેબુબ એની વાતમાં માત્ર માથું હલાવતો ગયો. મારા અંદાજ મુજબ એણે એ એક પણ વાત ધ્યાનમાં લીધી ન હતી.

એ અમને દરવાજા સુધી સી ઓફ કરવા આવ્યો. અમે કારમાં ગોઠવાયા એ પહેલા મને એના ગુડ લક શબ્દો કાને પડ્યા. હું એને થેન્ક્સ ન કહી શક્યો કેમકે મારું ધ્યાન એકાએક બીજી તરફ ફંટાઈ ગયું. પપ્પાએ મને ગુડ લક કેમ ન કહ્યું? તેમણે મને મારા શો માટે આશીર્વાદ કેમ ન આપ્યા?

કદાચ એ પણ મારી જેમ ઉતાવળમાં હશે. હું મારા પહેલા શો માટે ઉતાવળો હતો એ જ અધીરાઈ એમણે પોતાના હાથ નીચે તૈયાર થયેલા એપ્રેન્ટીસને ચેમ્બર ઓફ સિક્રેટમાં દાખલ કરવામાં હશે. મેં મનોમન સમાધાન કરી કાર સ્ટાર્ટ કરી. હાલ્ફ વી ટર્ન લઇ મેં કાર વરસાદથી ધોવાઈને સ્વરછ થયેલા રોડ પર લીધી. કાશ એ સમયે મારી નજર પપ્પાએ ફેકેલ અડધી પીવાયેલી સિગારેટ તરફ કે એમણે નાખેલા સિગારેટના ખાલી પેકેટ તરફ ગઈ હોત તો ભવિષ્યમાં ભેડાઘાટ પર થનાર એક ઓર ઘમાસાણ યુદ્ધ રોકી શકાયું હોત.

કદાચ એ સિગારેટના પેકેટને ગટરના પાણીમાં પલડી ગયેલું હોવા છતાં આપમેળે સળગી જતા જોયું હોત તો મારા જીવનમાં આવનાર એક મહા ભયાનક તુફાનને રોકી શકાયું હોત.

પણ કહે છે ને ‘જો’ અને ‘તો’ વચ્ચે જ બધા ઈતિહાસ રચતા હોય છે. આ ‘જો’ અને ‘તો’ જ દુનિયામાં સૌથી મહત્વના અને સાસ્વત શબ્દો છે. કદાચ આ જો અને તો જ તમે વાંચી રહ્યા એ કહાનીના શબ્દે શબ્દને પોતાનામાં સમાવીને બેઠા છે. જો અને તો વચ્ચે હજારો પુસ્તકો સમાઈ જાય એટલી વિશાળ ગેપ હોય છે. તેઓ ગમે તે વસ્તુને, સમયને વ્યક્તિને હજમ કરી જતા હોય છે પણ મને સપનેય એ ખયાલ ન હતો કે એ જો અને તો મારા જીવનને અંધકારમાં ધકેલી દેશે જ્યાંથી ફરી ઉજાસમાં આવવું અઘરું બની જશે.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED