Swastik - 41 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 41)

બીજા દિવસની ભયાવહ રાત.....

લેખાની આંખો સામે બંને દ્રશ્યો તરી રહ્યા હતા. પહેલું મદારી કબીલો નાશ થયો એ અને બીજું સત્યજીતનું ધીમું મૃત્યુ.

એ એના સત્યજીત તરફ ધીમે ધીમે કોઈ હિંસક જાનવર જેમ લપાઈને આગળ વધતા મોતને જોઈ ચુકી હતી અને હવે એનું શબ પણ એ અગ્નિસંસ્કાર માટે મેળવી શકે એમ ન હતી.

રાજકુમાર સુબાહુ, સુનયના, જીદગાશા અને બીજા સાથીઓ ભેડાઘાટ પર ફના થઇ ગયા હતા. એના પિતા અને મદદે આવનારા અન્ય યુવાન મદારીઓ કા’તો માર્યા ગયા હતા અથવા તો કેદ પકડાયા હતા. જનરલ વેલેરીયસ શિકારી હતો - ખંધો શિકારી. એ રાજ રમત રમ્યો હતો.

જે ચાલ રાજકુમાર સુબાહુ અને એના મિત્રો ગોરાઓ સામે રમ્યા હતા એ ઉલટી પડી ગઈ હતી. નાગપુરના યુવાધન દ્વારા રચાયેલ એ ચાલ ઉલટી કઈ રીતે પડી શકે? કઈ રીતે એ લોકો માત થઇ શકે? એનો જવાબ પણ લેખા જાણતી હતી. આકાશમાં એ નક્ષત્ર રચાયું હતું જે સ્વસ્તિક નક્ષત્રના નામે ઓળખાય છે એક એવું મુહુર્ત જે મહા વિનાશનું કારણ બન્યુ હતું.

આકાશમાં નક્ષત્રોની એ ગોઠવણી થઇ હતી જે સ્વસ્તિક મુહુર્ત રચી ગયા હતા. એ મુહુર્ત જ નાગપુર રાજવંશના છેલા વંશજનો જીવ લેવા માટે પુરતું બન્યું હતું. જે ચાલ રાજકુમારે ચાલી હતી એ સત્યજીતના ઘાયલ થવાથી અને ભેડાઘાટ પર વેલેરીયસની હન્ટર ટીમ અને એમની જર્મન પિસ્તોલોને લીધે ઉલટી પડી ગઈ હતી.

ભેડાઘાટ પર જે થયું એનું કોઈ સાક્ષી કોઈ ગવાહ બચ્યું ન હતું અને ગોરાઓની ગુલામીનો અસ્વીકાર કરનારા હિન્દી સિપાહીઓ કેન્ટોનમેન્ટ પર માર્યા ગયા હતા અને જે વેલેરીયસ સાથે ભેડા પર ગયા હતા એ ગોરાઓને વફાદાર હતા. એ ત્યાં શું થયું હતું એ બાબતે મો ખોલે એમ ન હતા.

વેલેરીયસે સંજોગો અને સમયનો લાભ ઉઠાવ્યો. એ અલગ જ રાજ રમત રમ્યો, એ નાગપુરની પ્રજાનો વિરોધ સહન કરવા માંગતો ન હતો. એ જાણતો હતો કે જો પ્રજા એ જાણશે કે રાજકુમાર સુબાહુને અંગ્રેજ કંપનીના માણસોએ મારી નાખ્યો છે તો એ સમાચાર સાંભળતા જ દરેક ઘરેથી એક બાગી પેદા થશે. એ જાણતો હતો કે રાજ વંશના છેલ્લા વંશજને મારનારને લોકો ક્યારેય રાજા તરીકે નહિ સ્વીકારે.

વેલેરીયસ જાણતો હતો આમ તો એ આખી બાગી પલટન કચડી નાખવા સમર્થ હતો પણ જે પ્રદેશમાં બાગીઓ પેદા થતા એ પ્રદેશમાં કંપનીના વેપારને ફટકો પડી જતો. લોકો ગોરાઓની સાથે સાથે પરદેશી ચીજોથી પણ નફરત કરવા લાગતા. દેખીતું હતું કે જે ઘર ગળી કે મહોલ્લામાંથી કોઈ બાગી બનેલ પુરુષ ગોરાઓની ગોળીનો શિકાર બન્યો હોય એ ઘર ગળી મહોલ્લાના લોકો એમના પાસેથી ચીજો ખરીદવાનું પસંદ ન જ કરે.

વેલેરીયસે અલગ દાવ અજમાવ્યો, એણે અશ્વાર્થને કેદ પકડી લીધો હતો અને એના સાથે મદદે આવેલા મદારીઓના ઢીમ ઢાળી દીધા હતા.

વેલેરીયસે મદારી કબીલાએ ભેડાઘાટ પાસે રાજકુમાર અને એની હન્ટર ટીમ પર હુમલો કરી એમને મારી નાખ્યાની અફવા વહેતી કરી દીધી હતી. સત્યજીતે દશેરાની પૂજા વખતે સુનયના પર હુમલો કર્યો હતો અને એ પછી મદારી કબીલો કોઈએ સળગાવી નાખ્યો હતો માટે લોકો એ વાતમાં વિશ્વાસ કરવા લાગ્યા.

નાગપુરમાં એ સમાચાર હવાની જેમ ફેલાઈ ગયા. મદારીઓ રાજ પરિવાર સાથે બગાવત કરી શકે એ વાત એમ તો માન્યામાં આવે એમ ન હતી. પણ રાજકુમાર અને એના મિત્રોની લાશો, હિન્દી સિપહિઓએ આપેલી ખોટી જુબાની અને મદારી કબીલાના લોકો જેમને સત્યજીતે બચાવી જંગલ પર મોકલ્યા હતા એ ભાગી ગયા હતા એમ જાહેરાત કરી ગોરાઓ લોકોને વિશ્વાશમાં લેવામાં સફળ રહ્યા.

નાગપુર ચોક વચ્ચે અશ્વાર્થને લોખંડના પાંજરામાં ટાગવામાં આવ્યો અને સત્યજીતની ગોળી લાગેલી લાશ પણ ગળે રસ્સી આપી ફાંસો દઈ લટકાવવામાં આવી હતી. ચારે તરફ ગોરા અને હિન્દી સિપાહીઓનું ટોળું થયું હતું. નાગપુરની આમ જનતા અને રાજના વફાદાર સિપાહીઓ પણ અશ્વાર્થ અને સત્યજીતને રાજ પરિવાર સામે બગાવત કરવા બદલ નફરત ભરી નજરે જોવા લાગ્યા હતા.

રાજમાતા સુબાહુના મોતના સમાચાર સાંભળી અર્ધપાગલ બની ગયા હતા. ગોરાઓ જાણતા હતા એ ઘટના પછી નાગપુરને ખાલસા કરવાની પણ જરૂર રહેવાની નથી. એ કંપનીની ગુલામી તળે આપમેળે આવી ગયું હતું. દિવાન ચિતરંજન અને દંડનાયક કર્ણસેન જાણતા હતા કે એ હકીકત નહોતી પણ તેઓ જે જાણતા હતા એ રાજકુમાર અને સત્યજીત સાથે મળી ઈંગ્લીશ કેન્ટોનમેન્ટ પર હુમલો કરવા ગયા હતા એ વાત પણ જાહેર કરી શકાય એમ ન હતી કેમકે કેન્ટોનમેન્ટમાં અનેક ગોરાઓના પરિવાર બળીને ભડથું થઇ ગયા હતા. એ હકીકત બહાર આવે તો પણ નાગપુર સામે કંપની જંગનું એલાન કરી શકે એમ હતી.

લેખા સત્યજીતના મૃત્યુના દ્રશ્યને આંખ સામેથી મથીને દુર કરે ત્યાજ એમના કબીલા સાથે જંગલમાં જે થયું હતું એ દ્રશ્ય એની આંખ સામે તરી આવતું હતું.

કેન્ટોનમેન્ટ પર ફના થયેલા સૂર્યમ, વિજયા, ભેડા પર શહીદ થયેલા સુબાહુ, સુનયના અને બાકીના બધાને અંતિમ સંસ્કાર નશીબ થયા હતા પણ...! સત્યજીતના મૃત શરીરને જે સજા આપવામાં આવી હતી એ યાદ કરતા એ કંપી ઉઠતી હતી.

લેખાને પોતાની જાત ધુમાડાથી ઘેરાયેલી દેખાવા લાગતી હતી. એના માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બની જતું હતું - એ બેરલી અલાઈવ હોય એમ અનુભવતી હતી. એની આંખો ચારે તરફ ધુમાડો જ જોઈ શકાતી હતી. આકાશને ઝાંખો બનાવી દેતો એ ધુમાડો. એ જ ધુમાડો એનો સાથી બની શકે તેમ હતો.

ગોરાઓએ અશ્વાર્થને ભયંકર સજા આપી હતી. એને મૃત્યુ સુધી એક લોખંડના સળીયાંથી બનેલા પાંજરામાં અન્ન પાણી વિના પૂરી રાખવાની સજા આપવામાં આવી હતી. ફરી કોઈ રાજ પરિવાર સામે બગાવત ન કરે એ બહાનું બનાવી સત્યજીતના મૃત શરીરને પણ ફાંસી આપી નાગપુર ચોક પર લટકી રહેવા દીધું હતું. એ ક્રૂરતા પાછળ વેલેરીયસનો એક અલગ જ મકસદ હતો એ ઈચ્છતો હતો કે લોકોમાં કંપની કેવી ભયાનક સજા આપી શકે છે એનો દાખલો બેસી જાય અને ક્યારેય કોઈ કંપનીના વિરુદ્ધ જવાનું ન વિચારે.

*

અશ્વાર્થને કોઈ બાગી છોડાવી ન જાય એ હેતુથી રાતે પણ ત્યાં પહેરો ગોઠવવામાં આવ્યો હતો. લગભગ દસેક જેટલા હિન્દી સિપાહીઓ સાથે પાંચ ગોરા સિપાહીઓ પણ રાત્રી પહેરા પર લાગેલા હતા.

એકાએક એ ગોરા સિપાહીઓને ગુગળામણ થવા લાગી. અર્ધ ઊંઘમાં અને અર્ધ જાગૃત એ સિપાહીઓને ખયાલ ન આવ્યો કે શું થઈ રહ્યું છે. એમણે જ્યારે બળતરાને લીધે આંખો ખોલી ત્યારે એમને સમજાયું કે એમની ચારે તરફ ધુમાડો અને માત્ર ધુમાડો જ હતો. ધુમાડાના ગોટે-ગોટા અંધકારમાં આમ તેમ ફંગોળાતા હતા. ધુમાડો એમના પર દબાણ કરતો રહ્યો. એમની છાતી પર ચડી બેઠો હોય એમ એમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી.

તેઓ આગ વિના એ ધુમાડો કયાંથી આવ્યો એ સમજી શકવા અસમર્થ હતા. તેમની દષ્ટિ આગ અને ધુમાડાના સ્ત્રોતને શોધવા મથતી રહી પણ બધું ઓબસક્યુર થઇ ગયું હતું કે પછી કદાચ એમની દષ્ટિ ઝાંખી પડી ગઈ હતી. જે હોય તે પણ આખું આકાશ ઓબસક્યુર થઇ ગયું હતું. તદ્દન ઝાંખું.

ધુમાડો એમના પગ તળે જ ઉદભવી સીધો જ એમની આંખોમાં ધસી આવતો હતો. એમના ગળાને પકડીને દબાવી દેવા માંગતો એ ધુમાડો એમની આસપાસ ભરડો લેવા માંડ્યો.

“આ મદારીનું કોઈ જાદુ છે.” એક બે હિન્દી સિપાહીઓ જે જાદુ અને મદારીમાં વિશ્વાસ રાખતા હતા એ બબડ્યા પણ એ ગભરાહટની પળમાં કોઈ શું બબડી રહ્યું છે એ સંભાળવાની કોઈને ફુરસદ ન હતી.

બધા ધુમાડો કયાંથી આવે છે એ શોધવા મથતા ખાંસવા લાગ્યા. સિપાહીઓ ઠંડી રાતમાં પણ એમના આસપાસ કયાંક આગ સળગતી હોય તેવી ગરમી અનુભવવા લાગ્યા. એમના આસપાસની હવામાં સળગતા લાકડા, કેરોશીન અને સળગતા માંસની વાસ ફેલાઈ ગઈ. શું તેઓ બળી રહ્યા છે? પણ આગ કયાં હતી? તો એ સળગતા માંસની વાસ કઈ રીતે આવતી હતી?

સિપાહીઓના મનમાં ઉદભવતા સવાલોના કોઈ જવાબો ન હતા. એમને લાગયું કે તેઓ ત્યાં ન હોત તો બહુ સારું હતું. એમના બદલે કોઈ બીજુ ફરજ પર કેમ ન હતું? એમને કોઈ બીજી જગ્યાએ હોવું જોઈએ પણ એમના પાસે પોતાની મરજી મુજબ પોસ્ટ નક્કી કરવાનો મોકો ન હતો. અને આમ પણ હવે એ બધું વિચારવાનો કોઈ અર્થ ન હતો.

તેઓ ત્યાં હતા - ધુમાડામાં ગુંગળાતા અને ખાંસતા, અંધકાર અને ધુમાડામાં અંધ બનેલા, ધુમાડાની સફેદ ચાદર ઓઢીને સુતેલા શબ જેવા, પણ એ અંધકાર એમણે આંધળા બનવી શકયો હતો - બહેરા નહી. એમના કાન ખુલ્લા હતા. સિપાહીઓએ ઓચિંતી એક ભયાનક ચીસ સાંભળી - એ કોઈ સ્ત્રીનો અવાજ હતો. ભયાનક આક્રંદ જેવો અવાજ. કોઈએ એની છાતી ચીરી એનું હૃદય હાથમાં લઇ દબાવી નાખ્યું હોય એવો અવાજ. સિપાહીઓના કાળજા થથરી ગયા.

સિપાહીઓ ચીસ કોની હશે એ વિચારી શકે એ પહેલા એમને બીજી ચીસ સંભળાઈ. પહેલા કરતા પણ વધુ અવાજ, પહેલા કરતા પણ વધુ દર્દ અને ત્રીજી પળે જાણે તલવાર સાથે તલવાર અથડાતી હોય એવો અવાજ એમને સંભળાયો.

સિપાહીઓ મૂંઝવણમાં આમતેમ એ ચીસ અને તલવારની અથડામણના અવાજને શોધવાનો પ્રયાસ કરતા રહ્યા પણ એમને કઈ દેખાયું નહિ. ધુમાડો વધવા લાગ્યો અને જાણે આગની જવાળાઓ એમને દઝાડી રહી હોય એમ સિપાહીઓ આમ તેમ ભાગવા લાગ્યા. તેઓ મીલીટરી સ્ટ્રેટેજી ભૂલી એકબીજાથી અલગ વિખેરાઈ ગયા. પાંજરા નજીક ગયેલા બે ત્રણ સિપાહીઓ જાણે ઘણો બધો ધુમાડો ગળી ગયા હોય અને ફેફસાએ જવાબ આપી દીધો હોય એમ નીચે બેસી ગયા. એમના ઘૂંટણ આપોઆપ ઢીલા થઇ ગયા. તેઓ પોતાના ઘૂંટણને વળી જતા રોકી ન શક્યા. એમની ચામડી દાજીતી હતી. તેઓ પોતાની જાતને એ ધુમાડા સામે લડવા તૈયાર કરવા લાગ્યા પણ એમનો અંતર આત્મા જાણતો હતો કે એ શકય નથી.

સિપાહીઓને એ ધુમાડા સામે સરેન્ડર કરવું જ પડે એમ લાગ્યું. સિપાહીઓને એમણે મદારી કબીલાના નિર્દોષ માણસો સાથે જે કર્યું હતું એ દેખાવા લાગ્યું. એમની આસપાસ જાણે આભાસી દુનિયા રચાઈ ગઈ. એમણે કરેલા પાપના પુરાવા દેખાવા માંડ્યા.

તેઓ ખાંસવા લાગ્યા. એમના મનનો એક ભાગ એ ધુમાડાની ભયંકર લેપેટોમા રીબાઈને મરી જતા પહેલા જ મરી જવા માંગતો હતો પણ એમના મનનો એક હિસ્સો ત્યાં શું થઇ રહ્યું છે એ જાણવા માંગતો હતો.

શું એ કુદરતનો કોપ હશે? એમણે કરેલા પાપની સજા હશે? નિર્દોષ મદારી લોહીનો બદલો કોઈ ઈશ્વરીય શક્તિ લઇ રહી હશે? - કોઈ જવાબ ન હતો.

સત્યજીત જે તરફ લટકતો હતો એ તરફ ગયેલા સિપાહીઓની સ્થિતિ એમના કરતા પણ કફોડી હતી. તેઓ જમીન દોસ્ત થઇ ચુક્યા હતા. એમના ફેફસા થાકી ગયા હતા. મોત એમની આસપાસ ભરડો લેવા માંડ્યું એ છતાં તેઓ ઘસડાઇને, જમીન પર ક્રોવલ કરીને પણ બચવા ફાંફા મારતા રહ્યા.

તેઓ એકબીજાને પૂછવા માંગતા હતા કે શું થઇ રહ્યું છે પણ એમના ગળા એ ધુમાડાની બળતરને લીધે સુજી ગયા હતા. એમના ગળામાંથી અવાજ નીકળી શકે એમ ન હતો.

એમની હાલત મદારી કબીલામાં લાગેલી આગ વખતે ત્યાના બાળકોની જે થઇ હતી એ જ હતી. એના કરતા પણ વધુ ભયાવહ - બાળકોમાં એટલી શક્તિ ન હતી તેઓ મીનીટોમાં આગ અને ધુમાડા સામે હાર સ્વીકારી ગયા હતા અને એમને દર્દમાંથી મુક્તિ મળી ગઈ હતી પણ આ સિપાહીઓ માટે પરિસ્થિતિ એટલી મહેરબાન ન હતી.

અહી આગ તો હતી જ નહિ કે એને હવાલે શરીર કરી દર્દથી મુક્તિ મેળવી શકાય અને ધુમાડો જાણે એમને રીબાવીને મારવા માંગતો હોય એમ ધીમે ધીમે ગૂંગળાવીને એમનો જીવ લેવા લાગ્યો.

વચ્ચેના ભાગમાંના સિપાહીઓ પર હજુ ધુમાડાની અસર થઇ ન હતી. એમાંના કેટલાક એકબીજાને કમાંડ આપવા લાગ્યા. કેટલાક ભાગી ગયા કેટલાક ખાંસી રહ્યા હતા તો કેટલાક જમીન પર પડી ગયા પછી પણ પોતાની જાતને ઘસડીને બચવા મથામણ કરવા લાગ્યા. એમની હાલાત દયનીય બનેલી હતી.

એમના હાથમાં બંદુકો હતી પણ સામે કોઈ દુશ્મન ન હતું અને ધુમાડાને ગોળીની કોઈ અસર ન થાય એ તેઓ જાણતા હતા. એમના હાથમાં રહેલુ શીશુ એમના માટે નકામું થઇ ગયું. કેટલાક સિપાહીઓએ તો એ નકામા લાકડા નાખી દીધા અને પોત પોતાના ઇસ્ટ દેવતાને યાદ કરવા લાગ્યા પણ એમણે જે પાપ આચર્યું હતું એ જોઇને ઈશ્વર પણ એમની મદદે આવી શકે એમ ન હતો અને આમ પણ જો ઈશ્વર મદદે આવતો હોત તો મદારી કબીલાના સ્ત્રીઓ અને બાળકોએ કયાં ઓછી પ્રાથના કરી હતી...?

એકાએક એક સિપાહીની સામે એક કાળો પડછાયો દેખાયો. એણે તેના પર ટોર્ચ લાઈટ ફેકી એ સાથે જ જાણે એનું કાળજું એના મો વાટે બહાર આવી ગયું હોય એમ લાગ્યું. એ વોમેટ કરી ગયો, એ પોતાને ફિલ થઇ રહેલા નોઝીયા સાથે લડવા મથી રહ્યો હતો પણ એનું પેટ ચકડોળે ચડ્યું હોય અને એમાં ગઈ સાંજનું ચીકન મટન બહાર આવી જવા લાગ્યું. એણે પોતાના બંને હાથ મો પર મૂકી દીધા જેથી એ ચીસ પાડી ન જાય પણ એની કોઈ જરૂર ન હતી આમ પણ એના સુજી ગયેલા ગળામાંથી અવાજ નીકળી શકે એમ ન હતો.

જયારે એણે ટોર્ચ લાઈટ પોતાની સામે દેખાતા પડછાયા પર ફેકી એના રહ્યા સહ્યા હોશ પણ ઉડી ગયા કેમકે ત્યાં એ બાળક ઉભું હતું જે બે રાત પહેલા મદારી કુટિરમાં લગાવેલી આગમાં એની આંખ સામે બળીને ભડથું થઇ ગયું હતું. એ બાળક એકાએક એની આંખોથી ઓઝલ થઇ ગયું.

શું એ ભ્રમ હશે? એણે પોતાના લમણા પર એક બે થાપટો ઝીંકી દીધી. એ આંખો ચોળી ફરી આસપાસ નજર ફેરવવા લાગ્યો. કયાંય ફરી એ બાળક દેખાઈ જાય તો?

એકાએક એને પોતાની નજીકમાંથી કોઈક દોડી જતું દેખાયું. એ ગોરો સિપાહી હતો. એની વર્દી પરથી એ ઓળખી ગયો કે એ ગોરો સિપાહી જ હતો. ગોરા અને હિન્દી સિપાહીની વર્દી વચ્ચે મોટો તફાવત રહેતો - એમના વેતનમાં પણ દિવસ રાત જેટલો ફર્ક હતો.

એ ધુમાડાની ચાદર વચ્ચે પણ એ ગોરી ચામડીને ઓળખી ગયો. એ જાણે ભૂત ભાળી ગયો હોય એમ ડરી રહ્યો હતો. ભાગતો એ ગોરો સિપાહી જરાક આગળ નીકળી ગયો. એ ધુમાડા બહાર પહોચી ગયો. એ ગઈ સાંજના વરસાદથી પલળી કીચડવાળા થયેલા માર્ગ પર ઉભો હતો. એ રસ્તો પણ ધુમાડાથી સંપૂર્ણ આઝાદ ન હતો પણ એને પહેલા કરતા રાહત થઇ.

એ આંખો ચોળતો, ઊંડા શ્વાસ લેતો હતો. એ પોતાના ફેફસામાં ભરી શકાય એટલો તાજો પ્રાણવાયુ ભરવા માંગતો હતો. એના ફેફસા અંગારવાયુ શોષીને થાકી ગયા હોય એમ હવે ઓકસીઝન શોષવાથી પણ ઇનકાર કરવા લાગ્યા હતા.

એણે પાછળ નજર કરી. એને ધુમાડા સિવાય કઈ દેખાતું ન હતું પણ જાણે હવા એની મદદે આવી હોય એમ પવનની દિશા બદલાઈ. પવન પોતાની સાથે ધુમાડાને બદલે કોઈ બીજી ચીજ તાણી લાવ્યો હતો. એ ધુમાડા કરતા પણ વધુ ભયાવહ એવી કોઈ ચીજ.

એવી કોઈ ચીજ જેને એ જોઈ શકતો ન હતો પણ સાંભળી શકતો હતો. એને બીજા સિપાહીઓની દર્દ ભરી ચીસો સંભળાઈ. એણે મદારીઓના કબીલા પર જેવી સાંભળી હતી એવી જ દર્દ ભરી ચીસો.

ધુમાડો ઓગળવા લાગ્યો, ધુમાડો ઓગળતા જ એને પોતાના સાથી સિપાહીઓ જમીન પર શબ બની પડ્યા દેખાયા.

ચારે તરફથી ડર એને ઘેરવા લાગ્યો. એની નજર સામેથી આવતી એક બગી તરફ ગઈ. એણે ઘણું બધું જોયું હતું જેના પર એની આંખોને વિશ્વાસ થતો ન હતો. એ ગોરાએ હિન્દી સિપાહીઓએ મદારીઓના જાદુ વિશે જે વાત કહી હતી એ માની લેવી જોઈતી હતી. એકાએક એણે બગી તરફ દોડી જતા એક છેલ્લા બચેલા સિપાહીને જોયો પણ એ સિપાહી બગી સુધી પહોચે એ પહેલા જ હવામાં જાણે પાર્ટીકલ બની ભળી ગયો હોય એમ ગાયબ થઇ જતા જોયો. તેના પગ પારાવાર ભયમાં ધ્રુજવા લાગ્યા.

ગોરા સિપાહીના ગળામાંથી ચીસ નીકળી ગઈ. બગી પર બેઠેલ પડછાયા જેવા આકારે એની તરફ જોયું. એને ત્યાંથી ચાલ્યા જવું જોઈતું હતું. પણ હવે મોડું થઇ ગયું હતું. એ પડછાયો એને જોઈ ગયો હતો. એની હાજરી જાણી ચુક્યો હતો. હવે ભાગવાનો કોઈ અર્થ ન હતો અને આમ પણ ભાગવા માટે એને કોઈ રસ્તો દેખાતો ન હતો - કોઈ રસ્તો હોય તો પણ એના પગ કામ નહી કરી શકે એની એને ખાતરી થઇ ગઈ હતી.

એ પોતાની આંખોમાં ડર સાથે એ બગી તરફ જોઈ રહ્યો. બગીના પૈડા એનાથી કેટલાક ગજ દુર અટક્યા. બગી પર લાલટેનનું અજવાળું ધુમાડાને ચીરીને એની આંખો સુધી પહોચ્યું. બગીમાંથી નીચે ઉતરી એની તરફ આવતી આકૃતિ તરફ એણે જોયું. એનું હૃદય ડરને લીધે બંધ થઇ જવા માંગતું હતું પણ એ બંધ થઇ જાય એ પહેલા સિપાહી એ ચહેરો જોવા માંગતો હતો.

એ બગીમાં કોણ હશે? એ સવાલ એના અને એના મૃત્યુ વચ્ચે અવરોધ બની ઉભો રહ્યો. બગીમાંથી ઉતરી આવેલ આકૃતી ધીમે પગલે એની તરફ આગળ વધી. સિપાહી એને જોઈ રહ્યો અને જ્યારે એ આકૃતિ ધુમાડા બહાર આવી અને એનો ચહેરો તેને દેખાય એ પહેલા સિપાહીનું ધ્યાન આકૃતિ જે જમીન પર ચાલી રહી હતી એ તરફ ગયું.

બગી પર લટકતી લાલટેનના અજવાળામાં સિપાહીનો પોતાનો પડછાયો રચાઈ રહ્યો હતો, બગીના આગળ બાંધેલા ઘોડાના પડછાયા જમીન પર રચાઈ રહ્યા હતા પણ એ આકૃતિને પડછાયો ન હતો.

જયારે એ પડછાયા વિનાની આકૃતિનો ચહેરો એને દેખાયો એની અંતિમ ઈચ્છા પૂરી થઇ ગઈ હોય એમ એનું હૃદય બંધ થઇ ગયું. એ જમીન પર નિર્જીવ બની ઢગલો થઇ ગયો. એ આકૃતિ હળવેથી સત્યજીત જે તરફ લટકાવેલ હતો એ તરફ ફરી - એ પડછાયા વિનાની આકૃતિ ચિત્રલેખા હતી.

એક સિપાહી અશ્વાર્થ નજીક પહોંચ્યો હતો. અશ્વાર્થ પાંજરામાં બંધ હતો માટે એ પ્રતિકાર કરી શકે એમ નહોતો. સિપાહીએ તલવારને જેબ કરવા માટે પાંજરામાં દાખલ કરી. અશ્વાર્થના હાથ પાંજરામાં પણ બાંધેલા હતા એ સ્વબચાવ કરી શકે એમ નહોતો. એ સિપાહીને જોઈ રહ્યો. એનું મોત એ તલવારની ટીપ પર બેસી એની તરફ આવી રહ્યું હતું પણ એ એની છાતી સુધી પહોચે એ પહેલા અશ્વાર્થે એ સિપાહીની છાતી ચીરી કશુક બહાર આવતી જોયુ.

એ કોઈ હથિયાર નહોતું. એ માનવ હાથ હતો. એ લેખાનો હાથ હતો. લેખાએ એ સિપાહીનું હૃદય પોતાના હાથ સાથે એના શરીર બહાર ખેચી કાઢ્યું. અશ્વાર્થ સમસમી ગયો. પોતે શું જોયું એ સમજતા એને વાર ન લાગી. લેખા જ્ઞાન પર્વતના રહસ્યનો સ્વસ્તિક મુહુર્તમાં ઉપયોગ કરવાની ભૂલ કરી બેઠી હતી. અશ્વાર્થને લાગ્યું કદાચ એ દ્રશ્ય જોવા કરતા પોતાની તરફ તલવારની ટીપ પર બેસી આવતા મોતને જોવું સહેલું હતું.

અશ્વાર્થ લેખાને જોઈ રહ્યો પણ લેખાએ આંખો ફેરવી લીધી અને સત્યજીતના ગળે બાંધેલા રસા તરફ નજર કરી અને રસુ અધ વચ્ચેથી તૂટી ગયું પણ સત્યજીત જમીન પર ન પડ્યો. એ એમ જ હવામાં લટકી રહ્યો. ચિત્રલેખાએ એને હળવેથી જમીન પર મુક્યો અને અશ્વાર્થ જે લોખડના સળીયાથી બનેલા પાંજરામાં કેદ હતો એ તરફ ફરી.

એની નજરમાં જાણે નાગ પહાડી નીચેની ભઠ્ઠીઓ જેટલી ગરમી હોય અને એનાથી પીગળી એ પાંજરાના સળિયા મીણના બની ગયા હોય એમ લેખાએ એ સળિયાને એક બાદ એક વાળી નાખ્યા.

અશ્વાર્થ બહાર આવ્યો પણ ફાટી આખે લેખાને જોઈ રહ્યો.

“પિતાજી...” લેખાએ અશ્વાર્થ તરફ જોયા વિના જ કહ્યું, “સત્યજીતને બગીમાં લેવામાં મારી મદદ કરો...” લેખાએ અશ્વાર્થને પિતાજી કહ્યું એ સાંભળી એ જરા હોશમાં આવ્યો. એને લાગ્યું કદાચ હજુ મોડું નથી થયું.

અશ્વાર્થ અને લેખાએ ભેગા મળી સત્યજીતને બગીના પાછળના ભાગે ગોઠવ્યો.

“આપ બગીમાં બેસો..”

અશ્વાર્થ કઈ બોલ્યા વિના બગીમાં ગોઠવાયો કેમકે એના મનમાં હવે આગળ શું કરવું એ નક્કી કરી લીધું હતું.

લેખા બગીમાં કાર્ટમેનની સીટ પર ગોઠવાઈ અને ઘોડા બગીને નાગપુર જંગલ તરફ જવાના રસ્તે લઇ દોડવા લાગ્યા. એ સાથે જ અશ્વાર્થના મનમાં વિચારો પણ તેજ ગતિથી દોડવા લાગ્યા. પોતે હવે જે કરવાનું હતું એ વિચારતા જ એનું દિલ દુઃખથી ભરાઈ ગયું. છતાં એની આંખોમાં આંસુ સાથે જે કામ કરવું પડે તેમ હતું એ કામ કરવાની મક્કમતા દેખાઈ.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED