Swastik - 9 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 9)

કપિલ કથાનક

અમે મોડા પડ્યા હતા. વિવેકે મુઝીયમ ઓફ મેજીક પર હુમલો કરી ક્રિસ્ટલ બોલ ચોર્યો હતો એ સંભળાત જ હું સમજી ગયો હતો કે એ હવે એનો ઉપયોગ કરવા માંગતો હશે. અને તેનો ઉપયોગ કરવા એને ક્યા જવું પડશે એ પણ હું જાણતો હતો.

એને વૈશાલી સાથે જોડાયેલ સ્થળની જરૂર હતી અને એ સ્થળ હતું વૈશાલી જ્યાં રહેતી હતી એ પી.જી. અમે એ સ્થળે પહોચ્યા ત્યારે એ સ્થળે ભીડ જમા થયેલી હતી. મને ડર લાગ્યો કે કઈક અમંગળ થયું હશે પણ અંદર જઈ જોયા પછી રાહત થઇ કે અમે વિચાર્યું એવું કઈ અમંગળ થયું ન હતું.

વિવેકે પોતે ત્યાં આવ્યો છે અને બોઉલ વોટર વૈશાલીના રૂમમાં ફેલાયું છે એનો ટ્રેસ નાબૂદ કરવા માટે ત્યાંથી જતા પહેલા એણે પી.જી.ની વોટર ટેન્કને બ્લાસ્ટ કરી હતી. એ બ્લાસ્ટ કરવા માટે કોઈ દારુગોળાની જરૂર પડતી ન હતી. એ પોતાની આસપાસની બ્રહ્માંડની ઉર્જાનો ઉપયોગ કરી શકતો હતો.

અમે ટાંકી બલાસ્ટ થયાના સમાચાર મેળવ્યા પછી ત્યાંથી ચુપચાપ નીકળી ગયા.

હવે આગળ શું પગલું લેવું?

ક્યા જવું?

કે શું કરવું જેવા વિચારોમાં વ્યસ્ત હતા ત્યાં જ એકાએક મારા ફોનની રીંગ વાગી. એ નયના હતી. હું ફોન ઉપાડવામાં સહેજ મોડો પડ્યો એટલામાં ફોન કપાઈ ગયો. મેં સામે ફોન લગાવ્યો તો એનો ફોન કવરેજ ક્ષેત્ર બહાર આવતો હતો પણ બીજી વાર ટ્રાય કર્યો ત્યારે કનેકશન મળી ગયું.

નયનાએ જે સમાચાર આપ્યા એ ભયાવહ હતા. જે ડર હતો એ જ થયું હતું. હવે સોમર અંકલ ન આવે ત્યાં સુધી કઈ થઇ શકે એમ ન હતું. કેમકે એમની સલાહ વિના આગળ એક કદમ પણ ભરવું જોખમી હતું. વિવેક એ ફેસલો લેવા કેમ પ્રેરાયો હશે એ મને સમજાયુ નહી.

વિવેકે સેજલને કેમ કિડનેપ કરી?

વિવેકને પડછાયો નહોતો એ સંભાળીને મારા અને શ્લોકના હોશ ઉડી ગયા. અમે ક્યારેય એવો કોઈ કિસ્સો સંભાળ્યો નહોતો જેમાં કોઈનો પડછાયો દેખાવો બંધ થઇ જાય.

એનો શો અર્થ હતો?

અરે નાગને પણ પડછાયો તો હોય છે. દેવતાઓ અને બીજા સુપર નેચરલ તત્વોને પણ પડછાયો હોય છે. ઈવન ડાર્ક શક્તિઓ પણ પડછાયાથી અપવાદ નથી તો શું હોઈ શકે જેથી વિવેકનો પડછાયો રચાવો બંધ થઇ ગયો હતો?

અમે કાર ઘર તરફ ઘુમાવી. અનેક સવાલો હતા પણ કોઈ જવાબ ન હતો.

એક ઈચ્છાધારી નાગ હોવાને લીધે મારામાં અપાર શક્તિઓ હતી. મારી તાકાતોની ન કોઈ હદ હતી ન કોઈ સીમા. માનવ માટે અકલ્પ્ય ચીજો મારા માટે આસાન હતી પણ મારી શક્તિઓ કોઈ કામની ન હતી. હું એમનો શું ઉપયોગ કરી શકું?

ખરો દુશ્મન કોણ છે એ અમે જાણતા ન હતા. દુશ્મને વિવેકને ઢાલ બનાવ્યો હતો. દુશ્મન પાસે એવી ઢાલ હતી જે ભેદવાને બદલે હું મરવાનું વધુ પસંદ કરું. હું શું કોઈ નાગ વિવેક જેવા સાચા મદારીનો જીવ ન જ લઇ શકે. એ કલ્પના કરવી પણ પાપ હતું. તો સામે એનો ઈરાદો શું છે એ જાણી એને રોકવો પણ મહત્વનું હતું.

કેમકે એણે સેજલને કિડનેપ કરી હતી.

એ કોના હાથનું પ્યાદું બની ગયો હતો?

વિવેક પર કોનું નિયંત્રણ હતું એ જાણવું મહત્વનું હતું. એ જાણ્યા વિના વિવેકને એ નાગચૂડમાંથી બચાવવો અશક્ય હતું.

મને એક પળ માટે થયું કે કાર ઘરને બદલે અરુણની ગેરેજ તરફ લઇ લઉં કદાચ ત્યાંથી મને કોઈ અંદાજ આવે પણ એનો કોઈ અર્થ ન હતો રાત ઘેરી થઇ ગઈ હતી અને અરુણ કે એનો કોઈ માણસ હવે ગેરેજ પર હાજર નહિ હોય એની મને ખાતરી હતી. અરુણ મારો ખાસ પરિચિત પણ ન હતો. વિવેકનો મિત્ર હતો માટે સોમર અંકલ સાથે એનો પરિચય હશે માટે સવારે સોમર અંકલ આવે પછી જ ત્યાં જવું એવું મને યોગ્ય લાગ્યું.

આમ પણ મમ્મી અને નયના ઘરે એકલા હતા. વિવેકનું ત્યાં આગમન અને સેજલ સાથે જે ઘટના થઇ એ પછી એમને મારી જરૂર હતી.

હું જાણતો હતો તેઓ બહુ ગભરાયેલા હશે. અને મારો અંદાજ સાચો પણ હતો અમે ઘરે પહોચી ડોરબેલ વાગડી અને જયારે નયનાએ દરવાજો ખોલ્યો ત્યારે પણ એ ધ્રુજતી હતી મને જોતા જ એ મને વળગી રડવા લાગી.

મારી પાસે એને ચુપ કરવા કે સાંત્વના આપવા માટે શબ્દો ન હતા. ખાસ્સી મીનીટો પછી હું એને માંડ શાંત કરી કોચ પર મમ્મી સામે ગોઠવાયો.

“એક ભયંકર લડાઈના એંધાણ મને દેખાઈ રહ્યા છે.” મમ્મીએ મારા સામે જોયા વિના જ કહ્યું. જાણે એ સ્વગત બબડી રહી હોય.

“કેવી લડાઈ મમ્મી?”

મારો અવાજ જાણે મમ્મીને સંભળાયો જ ન હોય એમ એ શૂન્ય બની બેઠી રહી. ફોયરની દીવાલ સામે તાકતી એ વિચારી રહી. શ્લોક ફર્શ ઉપર જ નીચે બેસી ગયો. બંને હાથ જમીનથી સહેજ અધ્ધર રાખેલા ઢીંચણ ઉપર ભીડાવી તે સાવ ભાંગેલા માણસ જેમ દરવાજા તરફ તાકતો બેસી રહ્યો. મેં શ્લોકને આવા હાલમાં ક્યારેય જોયો ન હતો. તે હમેશા હસતો મજાક કરતો રહેતો.

“કેવી લડાઈ મમ્મી?” મેં ફરી મમ્મી તરફ નજર ફેરવી અને પૂછ્યું, “કોની સાથે?”

“કોની સાથે એ જાણવું મુશ્કેલ છે...” મમ્મીએ પણ શ્લોકની ઉદાસી જોઇને ફરી મારા સામે નજર ફેરવી, “પણ એક એવી લડાઈના પડઘમ મને સંભળાઈ રહ્યા છે જેનું પરિણામ બહુ ભયંકર હશે..” તે જે રીતે બોલી તે જોઈ સાંભળી હું થીજી ગયો, જયારે વડીલો આમ વાત કરે ત્યારે વાત કેટલી ગંભીર હોય તે સમજી શકાય.

“મમ્મી તું એવું કઈ રીતે કહી શકે કે એ લડાઈનું શું પરિણામ હશે...?”

“મેં એ લડાઈ વિશે સાંભળ્યું છે..” મમ્મીએ એકાએક મારી સામે જોઇને કહ્યું, “નાગપુર અને નાગ જાતિના ઇતિહાસમાં એ સૌથી ભયાનક યુદ્ધ હતું.”

“શું?” નયનાને એકદમ આઘાત લાગ્યો હોય એમ એ ઉભી થઇ ગઈ. આંચકો તો મનેય લાગ્યો હતો પણ હું બેસી રહ્યો.

“વર્ષો પહેલા આવી જ એક લડાઈ નાગપુરના જંગલમાં લડાઈ હતી.” જાણે દીવાલ ઉપર દ્રશ્ય દેખાતું હોય તેમ મમ્મી દીવાલને તાકી રહી.

“કોના વચ્ચે..?”

“મેં એના વિશે માત્ર સાંભળ્યું જ છે એ જાણવા તમારે મણીયજ્ઞ કરવો પડશે.”

“મણીયજ્ઞ?” હું મણીયજ્ઞ વિશે જાણતો હતો. મણીયજ્ઞ એ એક એવો યજ્ઞ છે જેમાં નાગ નાગિનનું જોડું સાથે બેસે છે અને મણીની દિવ્ય શક્તિઓ નાગ પ્રજાતિ સાથે જોડાયેલી દરેક ઘટના બતાવે છે. કહેવાય છે કે મણીયજ્ઞ એ નાગ લોકોને ભગવાન શિવ દ્વારા મળેલું એક વરદાન છે. એ વરદાન મુજબ મણી નાગ સાથે જોડાયેલ દરેક રહસ્ય સમજાવે છે ભલે એ હજારો વર્ષ જુનું કેમ ન હોય. ભલે એનો સબંધ નાગ સાથે અનેક જન્મો પહેલા કેમ ન હોય?

“હા, મણીયજ્ઞ..” મમ્મીએ મક્કમતાથી કહ્યું, “એ યજ્ઞ જ તમને નાગપુરની એ લડાઈ બતાવી શકશે જે નાગના ઈતિહાસને લોહીયાળ બનાવી ગઈ હતી..”

“પણ એને આપણી હાલની સમસ્યા સાથે શું સબંધ...” નયનાએ એ જ પૂછ્યું જે હું પૂછવા માંગતો હતો.

“સબંધ છે. આકાશમાં એ જ ગ્રહો રચાયા છે... સિતારાઓએ એ જ મુહુર્તની રચના કરી છે..”

“કયું મુહુર્ત મમ્મી?” નયના પૂછ્યા વિના ન રહી શકી. મુહુર્ત શબ્દથી જ તેના દેખાવડા ચહેરા ઉપર ભયની રેખાઓ ઉપસી આવી.

“નક્ષત્રની... આકાશી ચંદરવામાં એવી ગૂંથણી રચાઈ છે જેના લીધે એક સ્વસ્તિક જેવી આકૃતિ રચાઈ છે.” મમ્મી જરાક અટકી અને એક ઊંડો શ્વાસ લીધો, “સ્વસ્તિક મુહુર્તની રચના નક્ષત્રોએ કરી છે.”

“સ્વસ્તિકની રચના?” નયના એકદમ ગભરાઈ ગઈ હોય એમ બોલી, “મેં આજે રાત્રે જ સ્વપ્નમાં સ્વસ્તિક જોયો હતો.”

“કેવો સ્વસ્તિક?” મમ્મીએ તેની સામે જોયું. મમ્મીના ચહેરા ઉપર અમારા ભવિષ્ય માટેની ચિંતા સ્પસ્ટ દેખાઈ.

“હું ભેડાઘાટ પરના શિવ મંદિરમાં હતી. એકાએક કપિલ લોહીયાળ હાલમાં મારી પાસે આવ્યો..” નયના મારી સામે જોઇને અટકી ગઈ ફરી મમ્મી સામે જોઇને બોલી, “કપિલનો ચહેરો ઘાયલ હતો. એના ચહેરા પરથી ટપકતા રકતે એની છાતી પર એક સ્વસ્તિકની રચના કરી હતી..” નયના જાણે ઘણું દોડીને આવી હોય એમ બોલતા પણ હાંફવા લાગી, “એ સ્વસ્તિક શું હતું?”

“એ કુદરતનો સંકેત હતો..” મમ્મીએ પહેલા મારી સામે જોયું આંખો બંધ કરીને જાણકારી આપી, “કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પહેલા પણ આકશમાં નક્ષત્રોએ સ્વસ્તિક મુહુર્તની રચના કરી હતી, રામાયણના યુદ્ધ પહેલા પણ આકાશી ચંદરવામાં નક્ષત્રો આ જ રીતે, તદ્દન આ રીતે જ ગોઠવાયા હતા, વર્ષો પહેલા નાગપુરે એક ભયંકર યુદ્ધ નિહાળ્યું ત્યારે પણ આ જ મુહુર્ત રચાયું હતું અને ફરી એક સ્વસ્તિક રચાયો છે જેનો સંકેત તને સ્વપ્નમાં મળ્યો છે.”

અમે બધા સત્બધ બની એ બધું સંભાળતા રહ્યા. શ્લોક કઈ બોલી શકવાની હાલતમાં ન હતો. એ સેજલ માટે પરેશાન હતો. અમે પણ સેજલ માટે પરેશાન હતા જ પણ એના મનની બેચેની અનહદ હતી.

“પણ એ સંકેત મને જ કેમ મળ્યો?”

“તારો નાગલોક સાથે કોઈ સબંધ હશે... આવા સંકેત અર્ધનાગને નથી મળતા.. તું સંપૂર્ણ નાગિન હોય તો જ આ શક્ય છે..” મમ્મી ઉતાવળા થઇ ગયા, “તમે નાગમણી-યજ્ઞ કરો જે હશે એ સત્ય સામે આવીને જ રહેશે..”

અમે મમ્મીની સુચના મુજબ નાગમણી યજ્ઞની તૈયારીઓ કરવા લાગ્યા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED