રાજકુમાર સુબાહુ વહેલી સવારે ઘોડેસવારી પર નીકળવાને બહાને એક અપરાધીની શોધમાં નાગ જંગલમાં નીકળી ગયો હતો. નાગ જંગલ ખુબ ઘેરું અને અભેદ જંગલ હતું. તેમાં જંગલી જાનવરો અને તેના કરતા પણ ભયાનક નાગ જાતિના લોકો રહેતા હતા જેના વિષે સામાન્ય લોકોમાં એવી અફવાહ હતી કે એ નાગ જાતિના લોકો માનવ અને નાગ એમ બે રૂપ લઈ શકે છે.
સુબાહુ ક્યા જઈ રહ્યો છે એ વાતની જાણ એના માટે ઘોડો તૈયાર કરનાર જશવંતને પણ ન હતી. કુમારે એને કઈ કહ્યું ન હતું પણ જશવંત રાજનો જુનો વફાદાર અને ચાલાક સેવક હતો. એની નજર, એની તલવાર અને એનું દિમાગ ત્રણેય તેજ હતા.
“જશવંત આજે પવનને તૈયાર કરજે..”
“યોર હાઈનેસ મેં રોજની જેમ આશિકાને શણગારી છે...”
આશિકા રાજકુમાર સુબાહુની મનગમતી ઘોડી હતી. એક અરબી વેપારી નાગપુરમાં ઘોડાના વેપારમા આવ્યો ત્યારે રાજમાતાએ ખાસ્સા એવા સોનાના સિક્કા આપી ત્રણ ઘોડા અને એ ઘોડી ખીરીદી હતી. અરબી વેપારીએ એનું નામ આશિકા પાડેલું હતું જે રાજકુમારને ગમી ગયું માટે એ જ નામ રાખવામાં આવ્યું હતું. નાગપુરની સરહદ અંદર ફરવા માટે રાજકુમાર એ ઘોડી જ લઇ જતો.
“જશવંત પવનની પવનવેગી સવારી કર્યાને ઘણા દિવસો થઇ ગયા છે..” સુબાહુએ હસીને કહ્યું. તેના ચહેરા ઉપર જે તેજ હતું જે ચમક હતી તે અનુપમ હતી. તેના શરીરની મજબુતાઈ અને ચહેરાનું રૂપ આંજી નાખે તેવું હતું.
“પણ...” જશવંત ઘડીભર ખચકાયો.
“શું થયું જશવંત..?” સુબાહુએ તેના લાંબા રેશમી વાળ ઝાટકીને સહેજ માથું પાછળ નમાવીને સરખા કર્યા. તેને પોતાના વાળ ખુબ ગમતા. તે આખો દિવસ તેના ખભા સુધી આવતા વાળ આયનામાં જોયા કરતો.
“એની પવનવેગી સવારી કરવા તો નાગમતીને પેલે પાર ખુલ્લા જંગલમાં લઇ જવો પડે..” જશવંતના હોઠ જરાક સ્મિતમાં મલક્યા.
“જશવંત રાજકુમાર સામે ખંધાઈ..?”
“માલિક... ગુસ્તાખી માફ પણ આપ પવન લઇ જશો તો રાજમાતાના સવાલો મારા પર પણ વરસસે..”
“દિવાન બધું સંભાળી લેશે...” સુબાહુએ તેના ખભા ઉપર હાથ મુક્યો, “ચિતરંજનને હું ક્યા જાઉં છું એની ખબર છે. એ બધું સંભાળી લેશે. તમારે રાજમાતા સમક્ષ એમના કક્ષમાં ઉભા રહેવાની જરૂર નહિ પડે.”
“જી માલિક..”
જશવંતની આંખોમાં ખુશી દેખાઈ. જયારે પણ રાજકુમાર કોઈને કહ્યા વિના પવન લઈને જતા જશવંતે રાજમાતાના અઘરા પ્રશ્નોના જવાબ ગૂંચવાઈને આપવા પડતા હતા. રાજમાતા સમક્ષ અસત્ય બોલવું રાજના કોઈ સેવકને મંજુર ન હતું પણ રાજકુમારની જીદ સામે એ બધા લાચાર હતા.
રાજકુમાર પવન પર સવાર થઇ વહેલી સવારે નીકળી ગયો હતો. નાગમતીના કિનારા સુધી પહોચતા એકાદ કલાક જેટલો સમય એ પવનવેગી ઘોડાને પણ થઇ જતો હતો.
તે કિનારે પહોચી એકાદ પળ નાગમતીના નિર્મળ જળને જોઈ રહ્યો. આહલાદક ઠંડક અને સુરજના કુણા કિરણોમાં ચમકતા એ નિર્મળ જળમાં એક અદભુત ચમક હતી.
રાજકુમારની નજર દુર દેખાતી હોડી પર સ્થિર થઇ. જીદગાશા એના આયોજન મુજબ વહેલી સવારથી જ હોડી લઇ ત્યાં તૈયાર હતો. રાજકુમારે હોડી સુધી સફર પગપાળા જ કરવી પડી. હોડી થોડાક ઊંડા પાણીમાં હતી. પવનને પાણી પસંદ ન હતું. રાજકુમારે ઘોડાને છુટ્ટો જ મૂકી દીધો. એ વિસ્તારમાં ઘોડાને બાંધીને જવું જોખમી હતું. ઘોડો અટકાવેલો હોય અને કોઈ જંગલી જાનવર આવી જાય એ જોખમ હતું.
આમ પણ પવન ચાલાક હતો. એ સમજદાર હતો. સુબાહુએ આવા સાહસો અનેક વાર ખેડ્યા હતા અને જયારે પણ પાછો ફરે પવન એના સ્થળેથી એક પગ પણ પાછો ખસેલ ન હોય. એ ઘોડામાં આવી વફાદારી ક્યાંથી હશે એ સમજાતું ન હતું.
એવી તો ઘણી ચીજો હતી જે રાજકુમાર સમજી શકતો ન હતો.
જીદગાશા અને એના પીતા પરાસરની રાજ ભક્તિ. એ સુબહુને ક્યારેય સમજાઈ ન હતી. રાજમાતાએ પરાસરને અનેક વાર જીદગાશાને સિપાહીના ઊંચા હોદા પર મુકવાની વાત કરી હતી પણ બંને બાપ બેટો એ વાતને ટાળી દેતા.
“રાજ સેવકનો ધર્મ રાજ પરિવારની રક્ષાનો છે સિપાહી જયારે એ કામમાં નિષ્ફળ જાય પહેલો વાર રાજ સેવકની ગરદન સહે છે અને રાજ પરિવારને બચાવે છે એ કામ કરતા ચડિયાતું કામ મને સેનાપતિ પદમાં પણ દેખાતું નથી.” પરાસર દર વખતે એવું કહેતો.
“હા, રાજમાતા અમને રાજ સેવક બની રાજ પરિવારની સેવા કરવાનો અવસર આપો. અમારા પૂર્વજોને મળેલ આ ભવ્ય માન અમારી પાસેથી ન છીનવો.”
કેટલું અજબ હતું? હવે રાજ પરિવાર ક્યા રાજ પરિવાર રહ્યો જ હતો?
રાજકુમાર મદિર પાસે સિપાહીઓ પર થયેલા બાગીઓના હુમલાથી અજાણ ન હતો. જોકે એમ પણ એ બાગીઓને ખોટા સમજતો ન હતો. બાગીઓ ક્યા સાચા ન હતા?
રાજ પરિવાર એક કઠપૂતળી કરતા વધુ હતો જ શું? નાગપુર પ્રિન્સલી સ્ટેટ...! હુકુમત ગોરાઓની પણ નામ રાજ પરિવારનું...! રાજમાંથી કોને ગોરા ક્યારે નાગપુરના ચોક વચ્ચે લટકાવી દેશે એ રાજ પરિવાર માટે હમેશા ચિંતાનો વિષય રહેતો હતો. સુબાહુ વિચારો ખંખેરી બોટ પાસે પહોચ્યો. આસપાસના વૃક્ષો પર પક્ષીઓ જાણે નાગમતીમાં વહેતા નિર્મળ નીરનો આનંદ લઇ રહ્યા હતા. શું પોતે એક રાજકુમાર હોવા છતાં એ પક્ષીઓ જેટલો આઝાદ હતો? ફરી એ જ વિચારો કુમારને ઘેરી વળ્યા.
“બોટમાં બેસવા જગ્યા મળી શકશે..?” સુબાહુએ બોટમાં સવાર યુવક તરફ સ્મિત રેલાવતા કહ્યું. ઉઘાડા ડીલે (શરીર) હોડીમાં કાળી ધોતી પહેરીને બેઠેલો જીગદાશા જાણે લોખંડનો બન્યો હોય તેમ તેનું ઉઘાડું શ્યામલ શરીર ચમકતું હતું. તેને પણ સુબાહુ જેવા લાંબા વાળનો શોખ હતો. શ્યામ હોવા છતાં તે ઠીક ઠીક દેખાવડો પણ હતો. તેનું કામ જુદું હતું.
“કેમ નહિ માલિક..?” જીદગાશાના હોઠ પણ એ જ સ્મિતમાં મલક્યા.
“જીદગાશા મહેલ બહાર મને માલિક અને યોર હાઈનેશ જેવા બકવાસ સંબોધનોથી ન સંબોધવા મેં તને કેટલી વાર કહ્યું છે?” સુબાહુએ બોટમાં ગોઠવાઈ પહેલો સવાલ કર્યો. તેના ચહેરા પર ગુસ્સો આવ્યો.
જીદગાશા એ હાથમાં ખપટ જેવું હલેસું લઇ પોતાનું કામ શરુ કર્યું.
“કેમ રાજાએ પુછેલા સવાલનો જવાબ આપવો રાજ સેવકનો ધર્મ નથી?” સુબાહુએ ફરી એ જ સવાલ ફેરવીને પૂછ્યો.
“માલિક આપ માટે બીજું કયું સંબોધન વાપરી શકાય?” જીદગાશાના હાથ એ ખેપટ પર પોતાનું કામ કર્યે જતા હતા, હોડી ધીમી ગતિએ આગળ સરવા લાગી.
“કેમ મારું એક નામ નથી?” સુબાહુ હસ્યો, “આપને એ નામની જાણ તો હશે જ ને રાજ સેવક?”
“જી માલિક..” જીદગાશાએ ધ્રુજતા હોઠે કહ્યું, “રાજકુમાર સુબાહુ...”
“બસ જ્યારે રાજ મહેલ બહાર હોઈએ ત્યારે એમાંથી આગળનું રાજકુમાર નીકાળી દેવાનું...”
“એ શકય નથી માલિક...” જીદાગાશાના હાથ અટક્યા નહી, “સમ્માન વિના સ્વામીનું નામ ઉચ્ચારનાર નરકનો અધિકારી બને છે..”
“બસ હવે જીદગાશા તારી એ અંધ રાજ ભક્તિના ગીતો સંભળાવી સવારથી મને કંટાળો ન લવરાવીશ..” સુબાહુ ફરી હસ્યો, “આમ પણ હું માત્ર મહેલમાં જ રાજકુમાર છું નાગપુરની જનતા અને બાગીઓ મને રાજકુમારને બદલે કઠપૂતળી જ સમજે છે..”
“એમના દિલમાં ફરી આપ માટે ઈજ્જત અને માન ઉભરાઈ આવે એ દિવસ હવે દુર નથી...” જીદગાશાનો ચહેરો એ ઠંડા નિર્મળ જળ વચ્ચે પણ તપી ઉઠ્યો. રાજકુમાર માત્ર એક કઠપૂતળી જ છે એ શબ્દો ખુદ રાજકુમારના મોએથી સંભાળવું પણ એના માટે કસ્ટ દાયક હતું.
“શું કહ્યું તે?” સુબાહુ ચમક્યો.
“કઈ નહિ માલિક..” જીદગાશા પોતે આવેશમાં આવી શું ભૂલ કરી બેઠો છે એ ભાન થતા જ વાતને ફેરવી ગયો, “એક દિવસ જરૂર આવશે જ્યારે પુરા નાગપુરના હૃદયમાં રાજ પરિવાર માટે મારા દિલમાં જે માન સમ્માન છે એ જ માન સમ્માન જોવા મળશે..”
“જીદગાશા તું વાતને ફેરવે છે..” સુબાહુ હઠી ગયો, “તું કઈક છુપાવે છે. તારા કહેવાનો અર્થ એ ન હતો.”
“માલિક એક રાજ સેવકના શબ્દોને આટલા ઊંડા ન લેવા જોઈએ. એ સ્વામી ભક્તિમાં ગમે તે બબડ્યા કરે છે..”
નાગમતીના નિર્મળ નીરમાં બોટ સેઈલ કર્યે જતી હતી. સવારના સુરજના કિરણો પાણીના ફુવારા ઉડતા એની પાર નિકળે એ સાથે જ જાણે પ્રિઝ્મથી સાત રંગો રચ્યા હોય એવું દ્રશ્ય બનતું હતુ. અલૌકિક અનુભૂતિ કરાવતા એ પ્રાકૃતિક દ્રશ્ય વચ્ચે એમની ચર્ચાનો દોર આગળ ચાલુ જ રહ્યો.
“જીદગાશા...” સુબાહુએ એના તરફ નમી એના પગ તરફ હાથ લંબાવ્યો.
“માલિક...” જીદગાશા એકદમ પાછળ હટી ગયો, હોડી જરાક લથડી ગઈ પણ રાજકુમારે એક તરફ થઇ એને ઉંધી થતા બચાવી લીધી.
“જીદગાસા મને સત્યથી વાકેફ કર નહિતર હું નાગમતીના નીરમાં કુદી સમાધિ લઈ લઇશ..” સુબાહુ જાણતો હતો રાજ પરિવારને પોતાના જીવ બદલ પણ બચાવવાની પ્રતિજ્ઞા રાખનાર જીદગાશા એ શબ્દોથી તૂટી જશે.
છતાય એ પેતરો કામ ન આવ્યો. જીદગાશા મૂંગો બની બેસી રહ્યો. તે સુબાહુની અરધી પલળેલી લાલ ધોતી અને પીળા અંગ વસ્ત્રને જોતો રહ્યો.
“જીદગાશા...” સુબાહુએ ફરી કહ્યું, “મારે સત્ય જાણવું છે”
જીદગાશા એના શબ્દોને એની ધમકીને મજાક સમજી રહ્યો છે એ સમજતા રાજકુમારે પાણીમાં છલાંગ લગાવી દીધી. જીદગાશાની આંખો પહોળી થઈ ગઈ પણ એ આંખો ફાડીને જોઈ રહે એ માનો ન હતો. એણે કછોટો ભીડ્યા વિના જ વળ ખાતા પાણીમાં કુદકો લગાવ્યો.
એ અચ્છો તરવૈયો હતો. એણે સુબાહુને ડૂબતા બચાવી લીધો, સુબાહુ તરવૈયો હતો પણ એ કિનારાના પાણીમાં જ તરવા ટેવાયેલો હતો. મધ્ય ભાગના હિલોળા લેતાં પાણીમાં તરવું એને માટે શક્ય ન હતું માટે જ જીદગાશાને હોડી લઇ તૈયાર રાખ્યો હતો. જીદગાશાએ કુમારને પકડી લીધો પણ રાજ હઠ એ બાળ હઠ કરતા પણ વધુ જીદ્દી હોય છે. સુબાહુ એની પકડમાંથી છૂટવા તરફડીયા મારવા લાગ્યો.
*
મણીયજ્ઞએ મને આ બધું બતાવ્યું. હું કલ્પના પણ કરી શકતો ન હતો કે કોઈ જન્મે હું આવો અડીયલ અને જીદ્દી હોઈ શકું. એ જીદગાશા નામનો સેવક મને બચાવવા મથી રહ્યો હતો અને હું બળપૂર્વક એનાથી અલગ થઇ ઊંડા વહેંણ તરફ જવા મથી રહ્યો હતો. શું ૧૭૭૦માં હું એવો જીદ્દી અડીયલ રાજકુમાર હતો? મણીયજ્ઞ જોતા જોતા જ મને પ્રશ્ન થયો કેમ કે હું આ અને ગયા બંને જન્મે સરળ સ્વભાવનો હતો જયારે એ જન્મે સુબાહુ તરીકે મેં એવી ભયાનક નદીમાં કુદકો મારીને જીદગાશાના જીવને પણ જોખમમાં મૂકી દીધો હતો.
મેં ફરી આગળ જોયું કારણ હું બેહોશ હતો. કોઈને બોલીને કઈ કહી શકું તેમ ન હતો. અને મારે જે જાણવાનું હતું તે હજુ બાકી હતું.
*
“રાજકુમાર કિનારે પહોચતા જ હું આપને સત્ય જણાવીશ... આપને બચાવવામાં મને સાથ આપો..” જીદગાશાએ વિનંતી કરી. એને પરાસરના શબ્દો યાદ આવ્યા. રાજ પરિવારના જીવ કરતા અમુલ્ય ચીજ કોઈ નથી. કોઈ ધર્મ નહિ કોઈ વચન નહિ. પોતે રાજમાતાને આપેલું વચન તોડવું પડશે એ અફસોસ સાથે એ સુબાહુને કિનારા તરફ લઇ જવા લાગ્યો.
“વચન..?” સુબાહુએ એને વચને બાંધી લેવા પૂછ્યું. બોલતી વખતે એનાથી થોડુક પાણી પી જવાયું.
“વચન...” જીદગાશાએ પાછળથી આવતા ઝડપી મોઝામાથી નીકળી જવા પ્રયાસ કર્યો પણ એ વેવ શક્તિશાળી હતી. એ બંનેને ધોધ તરફ તાણી જવા લાગી.
“જીદગાશા આજે નાગમતી કઈક અલગ જ મૂડમાં છે..” સુબાહુએ કહ્યું, “કદાચ રાજકુમાર કઠપુતળી બની ગોરાઓની સામે નાચે એ એને પસંદ નહિ હોય. રાજકુમારને ગુલામીથી છોડાવવા માંગે છે.”
સુબાહુ એકદમ ગુસ્સેલ હતો, એના મનમાં ગોરાઓ પર્ત્યે ભારે રોષ હતો. રાજમાતા એ બાબત જાણતા હતા અને એમને ડર હતો કે ગુસ્સામાં સુબાહુ કોઈ એવું પગલું ન ભરી બેસે જેને લીધે આટલા વર્ષોથી સેવેલું આઝાદીનું સપનું ધૂળમાં મળી જાય.
“આજે નહિ...” જીદગાશાએ દાંત ભીંસીને કહ્યું, “સત્ય જાણ્યા પછી આપ પોતાને નફરત કરવાનું બંધ કરી દેશો.. આપને રાજ પરિવારમાં જન્મ લેવા બદલ ગર્વ થશે..”
“એવું શું રહસ્ય છે...?” સુબાહુએ પૂછ્યું. બંને નાગમતી સામે બાથ ભીડી રહ્યા હતા જે બહુ મુશ્કેલ કામ હતું. નાગમતીના નીલા ઠંડા પાણીમાં રાજકુમારના શરીરમાંથી ધ્રુજારી વછૂટી.
“પહેલા કિનારા પર પહોચવું જરૂરી છે...”
રાજમાતાના હુકમથી મહેલમાં ચાલતી ગુપ્ત પ્રવૃતિઓ રાજકુમારથી ગુપ્ત જ રાખવામાં આવતી હતી. રાજ સેવક પરાસર, એનો પુત્ર જીદગાશા, દિવાન ચિતરંજન, દંડનાયક કર્ણસેન અને મદારી કબીલાના સત્યજીત અને સુરદુલ જેવા અસેસીન એવા અમુક ખાસ લોકો જ એ બાબત જાણતા હતા.
ગોરાઓને શક હતો કે રાજ પરિવાર બાગીઓની મદદ કરે છે પણ સાબિત થઇ શકે એમ ન હતું. રાજની જનતા પણ એ બાબત જાણતી હતી કે રાજમાતા બાગીઓ પર મહેરબાન છે. જનતા પણ બાગીઓનો સાથ આપતી હતી.
બંનેએ મહા મહેનતે ધોધ તરફ તણાતા પોતાની જાતને રોકી પણ વહેણ ભારે હતું એ તેમને કોઈ અલગ દિશમાં તાણી ગયું.
લગભગ પંદરેક મિનીટ સુધી તેઓ પોતાની જાત પર કોઈ કાબુ વિના આમ તેમ ફંગોળાયા. સુબાહુ પાણી પી રહ્યો હતો. એની શક્તિ ઓછી થઇ રહી હતી. જીદગાશાના ચટ્ટાન જેવા શરીર માટે પણ એ પાણી હથોડા સમાન હતું. પાણીની ઝડપી વેવ એના શરીર પર ઘણની જેમ ઝીંકાતી હતી.
જીદગાશા એ બધું સહન કરતો રહ્યો. એને યાદ હતું પોતે રાજ સેવક હોવા છતાં જયારે નાનો હતો અને ખાસ સમજતો નહિ એ વખતે રાજકુમાર કોઈ ન દેખે એમ એને પોતાનું ભોજન આપી દેતો. રાજકુમારના ભોજનને એ અણસમજમાં ખાઈ લેતો. એ સમયે એને ખબર નહોતી કે જો કોઈ એમને બંનેને એક થાળીમાં ખાતા જોઈ જશે તો શું થશે પણ એ દ્રશ્ય પરાસરે નજરે જોઈ લીધું ત્યારે એનો ક્રોધ પુત્ર પર ભભૂકી ઉઠ્યો હતો.
જીદગાશાને પરાસરે પાંચ સોટીની સજા કરી તો રાજકુમારે એનો વિરોધ દર્શાવ્યો હતો.
પરાસર જીદગાશાને આપાયેલ સજામાં મક્કમ હતો. એના જુના વિચારો મુજબ જીદગાશાએ કરેલી ભૂલ માટે એ મામુલી સજા હતી પણ સુબાહુને એમાં કોઈ ભૂલ દેખાઈ જ ન હતી.
જીદગાશાની હથેળીમાં પહેલી સોટી પડી અને એ ચીસ પાડી ઉઠ્યો એ સાથે જ સુબાહુએ પોતાનો હાથ પુરા જોરથી મહેલની નકશીદાર દીવાલ સાથે અથડાવ્યો, એની ચામડી છોલાઈ ગઈ અને લોહી વહેવા લાગ્યું.
પરાસર આભો બની ગયો, એણે સોટી ફેકી દીધી અને દોડીને રાજકુમાર તરફ ગયો. એના હાથ પર રાજવૈધ પાસે પટ્ટી કરાવી ત્યાં સુધીમાં ખબર રાજમાતા પાસે પહોચી ગઈ હતી.
પરાસર, જીદગાશા અને સુબાહુને રાજમાતાના કક્ષમાં બોલાવવામાં આવ્યા ત્યારે પરાસર શરમ અને ભયની લાગણી અનુભવી રહ્યો હતો. એને થયું કે કદાચ જીદગાશાની એ નાનકડી ભૂલને લીધે તેમનો પરિવાર રાજ સેવકની પદવી ગુમાવી બેસે પણ રાજમાતાનો ફેસલો સાંભળી એ પાગલ બની ગયો હતો.
રાજમાતા એ જીદગાશાને સુબાહુનો અંગત રક્ષક જાહેર કર્યો.
રાજ સેવક માટે એના કરતા આનંદની વાત શું હોઈ શકે?
જે રાજ પરિવારની રક્ષાનું વચન એ મનોમન લેતાં એ જ રાજના કુમારના અંગત રક્ષક બનવું એ ગર્વ અને મોભાની વાત હતી. માની ન શકાય એવી વાત હતી.
સુબાહુ માટે એ પાણીની ઘણ જેવી શક્તિ સહવી મુશ્કેલ ન હતી પણ પોતે એટલા પાણીથી ટેવાયેલો ન હતો એ મુશ્કેલી નડી રહી હતી. એ વાર વાર થોડું પાણી પી જતો હતો.
જીદગાશા મરણીયો બની રાજકુમારનો હાથ કાંડા પાસેથી પકડી રહ્યો હતો. એના શ્વાસ ચાલે ત્યાં સુધી એ હાથ છોડે એમ ન હતો.
કદાચ જીદગાશા નહિ નમે એ વાત નાગમતીને પણ સમજાઈ ગઈ હોય એમ જીદગાશાની આંખોએ પાછળથી આવતી વેવમાં એક સુકું ઠુંઠું તણાઈને આવતું નોધ્યું.
“કુમાર...” તેણે સુબાહુનું ધ્યાન એ તરફ દોર્યુ.
બંનેએ એકમેકની આંખોમાં જોયું. ઠુંઠું નજીક આવે ત્યાં સુધીમાં શું કરવું એ નક્કી થઇ ગયું. જીદગાશાએ કુમારનો હાથ પકડી રાખી એને એક આંચકા સાથે પાણીની સપાટીથી ઉપર ઉછાળી ઠુઠા તરફ કુદવામાં મદદ કરી..
જીદગાશાએ યોગ્ય સમયે સુબાહુનો હાથ છોડી દીધો જેથી એ ઠુઠા સુધી આરામથી ગતિ કરી શકે.
હવામાં જ ગતી કરી સુબહુએ સુકા ઠુંઠા પર ઘોડાને પલાણે એમ રાંગ વાળી. ઠુંઠું પાણીમાં તણાયું. એ જીદગાશા નજીક આવ્યું. જીદગાસાનો હાથ કુમારે પકડ્યો, અને બીજી પળે પાણી બહાર કુદકો લગાવી કોઈ માછલી સપાટી બહાર આવે એમ જીદગાશા સુબાહુના હાથને સહારે ઊંચકાઈ પાણીની સપાટીથી સંપૂર્ણ બહાર આવી એ ઠુંઠા પર પીલીયન રાઈડરની જેમ ગોઠવાયો.
ઠુંઠું એમને લઈને આગળ વધતું રહ્યું. તેઓ શરીરનું વજન એક તરફ નમાવી એને કિનારા તરફ દોરવા લાગ્યા.
ખાસી વીસેક મિનીટની મથામણ કરીને તેઓ કિનારા પર પહોચ્યા. પણ એક અજાણ્યા કિનારા પર. ત્યાં જંગલ કરતા પહાડો વધુ હતા. જીદગાશા કે સુબાહુ બેમાંથી એકે એ ભાગમાં પહેલા ક્યારેય આવ્યા નહોતા. એમને ખબર ન હતી કે એ ભાગ નાગપુર હદમાં છે કે કોઈ અન્ય પ્રદેશમાં.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky