Swastik - 21 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 21)

મે બેહોશ અવસ્થામાં અનેક ઘટનાઓ જોઈ પણ એ બધી મારા સાથે કઈ રીતે સંકળાયેલી હશે એ મને અંદાજ ન આવ્યો. સત્યજીત એ જ વિવેક હતો એનો અંદાજ મને એને બુકાનીમાં જોયો ત્યારે આવ્યો ન હતો પણ જયારે એણે કર્ણિકાના કોઠા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને રાજમાતાએ માત્ર ઓબેરીને મારવાનો જ હુકમ આપ્યો હતો એ છતાં આખા કોઠાનો નકશો બદલી નાખ્યો એ પરથી આવ્યો. અલબત્ત સત્યજીત આજના વિવેક જેવો જ આબેહુબ હતો. બસ તેના વાળ લાંબા હતા, મૂછો મોટી હતી, કપડા એ જમાનાના હતા, હાથમાં શિવનું છુંદણું હતું અને એ જમાનામાં જંગલો પર્વતોમાં રખડવાનું હતું એટલે થોડોક વિવેક કરતા ઓછો ઉજળો હતો.

જોકે મારા એ જન્મમાં મને એટલે કે રાજકુમાર સુબાહુને ખબર ન હતી કે કોઠા ઉપર હેનરીનું માથું વાઢનાર વેપારી ખુદ સત્યજીત હતો.

મણી હજુ મને કઈક બતાવશે કેમકે મેં જે જોયું એ અધૂરું હતું. મારા (સુબાહુ) અને સત્યજીત (વિવેક) વચ્ચેનો કોઈ સબંધ હજુ દેખાયો ન હતો. મારે એ જોવું હતું. અને ફરી મણીયજ્ઞએ મને દ્રશ્ય બતાવ્યું.

મને એક ભવ્ય મહેલ દેખાયો. એ નાગપુર પેલેસ હતો.

નાગપુર મહેલ ખાસ્સો વિશાળ હતો. આસપાસમાં એ નાગ-બાગ તરીકે ઓળખાતો. આસપાસના વિસ્તારોમાં એના જેવો કોઈ મહેલ ન હતો એમ કહીએ તો એ અતિશયોક્તિ ભર્યું નથી. લગભગ મોટા ભાગના મહેલોમાં ન હોય એવા મોટા ગેસ્ટ રૂમ, કોર્ટયાર્ડ, ડાઈનીંગ હોલ, સુંદર રીતે શણગારાયેલા ખાસ અને આમ માણસોની સભા માટેના સભા ખંડો. રજવાડામા શોભે એવું પેલેસ ઇન્ટેરીયર, દીવાલ પર ફ્રેમ્ડ આર્ટ અને ભીતચિત્રો, એમ્બેલેસ્ડ ફર્નિશિંગ, અને ફર્નીચર, મેજેસ્ટીક રોશનીની સગવડ, અને કદાચ નાગપુરના મહેલ જેવો પોમ્પ (ભપકો) આસપાસમાં કોઈ મહેલમાં નહી હોય.

મહેલને નાગ-બાગ નામ આપવા પાછળ પણ એક ખાસ કારણ હતું. એ મહેલની કલ્પના એની આસપાસ ફેલાયેલા બાગ વિના કરવી જ અશક્ય હતી. લોકોને આકર્ષવા માટે એ ગાર્ડન પુરતો જ હતો. કદાચ મહેલમાં ગ્રીન ઇન્ટેરીયર એના આઉટ સાઈડના બગીચા સાથે મેળ ખાય એમ બનાવવામાં આવ્યું હતું.

સવારનો સમય હતો એટલે મહેલના દિવાનખંડમા નોકરોનો ઘસારો વધ્યો હતો. વીણાના આછા સુરો રેલાઈ રહ્યા હતા. ભોજન કક્ષમાં ટેબલ પર થાળીઓ તૈયાર થઇ ગઈ હતી. રાજમાતા તેમની ખુરશી પર ગોઠવાયેલા હતા. બે સેવકો એક કહેતા આઠ ચીજ હાજર થઈ શકે એટલી વ્યવસ્થા સાથે તૈયાર હતા.

“માતા ભોજન...” સેવક હસ્તપ્રક્ષાલન માટે પીતળની થાળી લઇ ઉભો હતો.

“રાજકુમાર સુબાહુ કેમ હાજર નથી...?”

સેવક માથું નમાવી એમ જ ઉભો રહ્યો. રાજમાતા જાણતા હતા ભોજન કક્ષના સેવકને રાજકુમાર ક્યા હશે એ અંદાજ ન હોઈ શકે પોતે જ અધીરાઈમાં એ સવાલ ખોટા વ્યક્તિને પૂછ્યો હતો.

“દિવાનને બોલાવી લાવો...”

“જી માતા..” સેવકે માથું હલાવ્યું અને કક્ષ બહાર નીકળી ગયો.

રાજમાતા લાકડાની કોતરણી કામવાળી ખુરશી ખસાવી એના પર બેઠા. રાજકુમાર સુબાહુ માતાની આજ્ઞા વિના ક્યાય જતો નહિ તો કેમ આજે એ સવારથી જ કોઈને કઈ કહ્યા વિના નીકળી ગયો હતો?

રાજમાતાના હૃદયના ધબકારા વધવા લાગ્યા. તેઓ ચિંતિત થયા. ચપરાસીએ ગોંગ વગાડ્યું. રાજમાતાએ ચહેરા પરની ચિંતા લુછી નાખી. કક્ષનો દરવાજો ખુલ્યો અને સફેદ ધોતી, લાલ ઉપવસ્ત્ર અને ફેટાળી પાઘડીમાં દિવાન દાખય થયો. એ જમાનામાં પુરુષો મોટા ભાગે મજબુત જ હોતા. દિવાન ચિતરંજન પણ પહોળો અને ઉંચો તેમજ મજબુત હતો. અલબત્ત તેની ચાતુરી તેની કપાળની રેખાઓ પરથી સ્પસ્ટ દેખાઈ આવતી.

“જી રાજમાતા...” એ માથું નમાવી ઉભો રહ્યો.

“રાજકુમાર સુબાહુ ક્યા છે?”

દિવાન પણ પોતાનો પ્રશ્ન સાંભળી એક સામાન્ય સેવકની જેમ માથું નમાવી ઉભો રહી જશે એ કલ્પના રાજમાતાને ન હતી. એમનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો.

“જયારે હું વાત કરું ત્યારે નીચે જોવાને બદલે તમારે મારી આંખોમાં જોવું જોઈએ...” રાજમાતા ખુરશી પરથી ઉભા થયા, “નીચી નજર અસત્ય બોલનારા રાખે છે..”

દિવાને ઉપર જોયું, પણ મો ન ખોલ્યું.

“હવે મારી આંખોમાં જોઈ મને જવાબ આપો દિવાન...” રાજમાતા ફરી ખુરશી પર ગોઠવાયા, “રાજકુમાર સુબાહુ ક્યા છે..?”

દિવાન ચિતરંજન જાણતો હતો કે રાજકુમાર સુબાહુ ક્યા ગયો છે પણ એ જવાબ આપી શકે એમ ન હતો કેમકે એ જવાબ રાજમાતાની ચિંતામાં ઓર વધારો કરી શકે એમ હતો. દિવાન જાણતો હતો કે જો તે કહેશે કે રાજકુમાર નાગમતી નદી પાર કરી પેલી તરફ રહેતા નાગ કબીલાના કોઈ અપરાધીને શોધી લાવવા ત્યાં ગયો છે તો રાજમાતા ગુસ્સાથી પાગલ થઇ જશે.

રાજમાતાને ક્યારેય સુબાહુ વિશે બીજા રાજ્યના રાજકુમારો જેવી ચિંતા કરવાની જરૂર પડી ન હતી. આસપાસના રજવાડાના યુવા રાજકુમારો ડહોળાઈ ગયા હતા. તેઓ ગોરી મેમો સાથે તંબુઓમા અને દેશી ઓરતો સાથે કોઠાઓ પર રાજ દરબાર કરતા વધુ સમય વિતાવતા હતા પણ એ બાબતની ચિંતા રાજમાતાને સુબાહુ વિશે ન હતી. તે એક અનાથ યુવતીને ચાહતો હતો - એને રાણી બનાવવા ઈચ્છતો હતો અને એને રાજમાતાની પરવાનગી સાથે મહેલમાં લઇ આવ્યો હતો.

સુબાહુના પિતા તરફથી સુબાહુને સંસ્કારો વારસામાં મળ્યા હતા. જે સમયે લગભગ મોટા ભાગના રાજ્યમા અંત:પુર હતા અને એ અંત:પુરમાં અર્ધ નગ્ન યુવતીઓનું નૃત્ય જોવામાં રાજાનો સમય દરબાર કરતા વધુ વ્યસ્ત થતો હતો. કદાચ એને લીધે જ તો મુઠ્ઠીભર ગોરાઓ આ દેશને ગુલામ બનાવી શક્યા હતા.

રાજાઓ ઐયાસી અને આપસી વેરઝેરમાં વ્યસ્ત હતા. તેઓ પોત પોતાના પ્રદેશને જ સલામત રાખવાના મતના હતા. અખંડ ભારતની પરવા કોઈને ન હતી. ઉલટા એક રાજા બીજા રાજાને હારવવામાં ગોરાઓની જેટલી થઈ શકે એટલી મદદ કરતો પણ સુબાહુના પિતા એવા ન હતા. ન એના પૂર્વજો એવા હતા. એક માત્ર નાગપુર એવું હતું જ્યાં રાજાને અંત:પુર નહોતું. ન કોઈ દેવદાસીઓ – ન ગુણીકાઓ - ન ગુલામો. સુબાહુના પૂર્વજો સમયથી પરિવાર આર્ય પરિવારના નિયમોને અનુસરતો આવ્યો હતો. ભલે તેઓ રાજા રામ જેવા રાજવી ન હતા પણ કલિયુગ એમના પર ખાસ અસર કરી શક્યો ન હતો. નાગપુરમાં હંમેશાથી ગુલામોના ખરીદ વેચાણ પર પ્રતિબંધ હતો. અલબત્ત મહેલમાં કે નાગપુરના એકેય મંદિરોમાં નાગી મૂર્તિઓ કે કોતરણીકામ કરવા દેવામાં આવ્યું ન હતું. જયારે કહેવાતા રજાઓએ સેકડો રૂપિયા અને સમય તો આવી નાગી મૂર્તિઓ ઘડાવવામાં અને એવા શિલ્પો તેમજ કોતરણીઓ કરાવવામાં વેડફ્યા હતા અને બીજી તરફ પ્રજા ભૂખે મરતી હતી.

નાગપુરના રાજ વંશની સેવામાં રહેતા લોકોને પણ રાજ સેવક જેવું ઊંચું બિરુદ આપવામાં આવ્યું હતું. એમને ન તો ગુલામ જેવા અપમાનિત શબ્દ વડે બોલાવવામાં આવતા કે ન એમની સાથે ગુલામ જેવું વર્તન કરવામાં આવતું. રાજ સેવકનું પદ સ્વેછીક હતું. રાજ સેવકના પરિવારે રાજ સેવક બની રાજાની સેવા કરવી જ તેવો કોઈ નિયમ કોઈ ધારો ન હતો. એ પોતાની મરજી મુજબ ખેડૂત કે ફોર્જમેન કે સિપાહી તરીકે જીવન જીવવા માંગે તો છૂટ હતી. જોકે એવું ક્યારેય બન્યું ન હતું. રાજ સેવક પરિવાર પોતાને ભાગ્યશાળી સમજતો હતો કે એમને રાજ પરિવારની સેવાનો મોકો મળ્યો હતો. એમનામાંથી કોઈ એ મોકો ગુમાવવા માંગતા ન હતા.

“મેં આપને કઈક પૂછ્યું છે દિવાન..”

“તેઓ બહાર ગયા છે...”

દિવાન ચિતરંજન ધર્મ-સંકટમાં પડ્યો. રાજમાતાને સુબાહુ કયા ગયો છે એ કેહેવું કે કેમ એનું સંકટ તે અનુભવી રહ્યો હતો. અજબ ધર્મ સંકટ હતું રાજકુમારે તેની પાસેથી એ વાત કોઈને ન કહેવાનું વચન લીધું હતું અને રાજમાતા એને એ જ પ્રશ્ન વાર-વાર પૂછી રહ્યા હતા.

આ ધર્મ સંકટ ન આવ્યુ હોત તો..?. ન રાજમાતા આમ અધીરા બનત કે ન પોતે આમ કોઈ જવાબ વિના એમના સામે ઉભો હોત. ચિતરંજને વિચાર્યું.

“દિવાન એ બહાર ગયા છે એ મને ખબર છે..” રાજમાતાના અવાજમાં જરાક કરડાકી દેખાઈ, “ જે મને ખબર નથી એ તમને પૂછું છું.. એ ક્યા ગયા છે?”

“એમણે જતા પહેલા કોઈને કઈ કહ્યું નથી..” દિવાન માટે રાજમાતા સમક્ષ અસત્ય બોલવું અસહ્ય હતું પણ કોઈ ઉપાય ન હતો. રાજકુમારને આપયેલું વચન પણ એટલું જ અમુલ્ય હતું.

કુમાર સુબાહુ નાગમતીને પેલે પાર આવેલા જંગલમાં અત્યારે શું કરી રહ્યા હશે. દિવાને વિચાર્યું. સુબાહુ અત્યારે નાગ જાતિના એ યુવકનો પીછો કરી રહ્યા હશે જેને નાગપુરના એક આધેડ પર નાગપુરની હદમાં પ્રવેશી હુમલો કર્યો હતો. કદાચ તેઓ એ લોકો સામે પહોચી ન શકયા તો?

દિવાને પોતાના રાજકુમારને એ દુષ્ટ નાગ જાતિના લોકો સામે લડી ન શકે એમ કલ્પ્યા એ બદલ મનોમન પોતાની જાતને ઠપકો આપ્યો. એ વિચારવું પણ પાપ હતું. રાજકુમાર સુબાહુની વીરતા પર આખા નાગપુરને વિશ્વાસ હતો. તેણે મોટી મૂછો નીચે છુપાયેલા ઉપરના હોઠને જાતે જ કરડ્યો.

“દિવાન મેં આપને કુમાર પર નજર રાખવાનું કામ સોપ્યું હતું. એ શું કરે છે ક્યા જાય છે અને આજે ફરી એક વાર એ કોઈને કઈ કહ્યા વિના ગાયબ થઇ ગયા...” રાજમાતા બોલ્યા, “કદાચ તમે વૃદ્ધ થઇ ગયા છો..”

દિવાન ચિતરંજન રાજમાતાના શબ્દોનો અર્થ સમજી શકતો હતો. પણ અત્યારે પોતે રાજ્ય પ્રત્યે કેટલા વફાદાર છે અને વૃદ્ધ અને અશક્ત હોવા છતાં રાજ્યની સેવા માટે તત્પર છે એ સાબિત કરવાનો સમય ન હતો માટે ચુપ રહ્યો.

“આપ જઈ શકો છો દિવાન... ઓબેરીની હત્યાના મામલામાં ગોરા પ્રતિનિધિના માણસોએ શું કાગળો તૈયાર કર્યા છે એ મને દંડનાયક સાથે મોકલાવશો..”

“જી રાજમાતા..”

દિવાન જાણે કોઈ મોટી આફતમાંથી ઉગરી ગયો હોય એમ માથું નમાવી બહાર નીકળી ગયો. વિણાના ઝીણા સુર એને સંભળાઈ રહ્યા હતા. રાજકુમાર સુબાહુની ચિંતા એને કોરી ખાતી હતી. જયારે કુમારે જંગલમાં એ અપરાધીને શોધવા જવાની વાત કહી ત્યારે એણે દંડનાયાક કર્ણદેવને ત્યાં મોકલવાનો પ્રસ્તાવ આપ્યો હતો પણ રાજ કુમારના કહેવા મુજબ દંડનાયક અને સિપાહીઓ જંગલમાં નાગ જાતિના એક અપરાધીને શોધવા નીકળ્યા હતા. એ ખબર ગોરાઓને મળે તો તેઓ એનો ફાયદો ઉઠાવી શકે એમ હતા.

રાજકુમાર કોઈને ખબર ન પડે એ રીતે એને પકડી લાવવા માટે ત્યાં એકલો જ જશે એ એનો આખરી ફેસલો હતો જે ચિતરંજનને પસંદ ન હોવા છતાં એણે એ સ્વીકારવો પડ્યો હતો.

વિચાર મગ્ન દિવાન ડન્ગેન (તહેખાનાની ભયાનક કેદીઓ માટેની મૃત કારાવાસ) પાસે પહોચ્યો.

“દિવાનજી આપ ...” દરવાને જુકીને માથું નમાવ્યું.

“દંડનાયક કર્ણસિહને પ્રતિનિધિ મેકલે તૈયાર કરેલા કાગળોની વિગત સાથે રાજમાતાના કક્ષમા પહોચવા ખબર આપ.”

“જી માલિક..” સિપાહી માથું નમાવી દુર દેખાતા કક્ષ તરફ જવા લાગ્યો. દિવાને ચારે તરફ એક નજર ફેરવી. કોઈની હાજરી નથી કે કોઈ એને જોઈ રહ્યું નથી એ બરાબર ચકાસી લઈ તે ડન્ગેનમાં દાખલ થયો.

દિવાન છેલ્લા ચોવીસ વરસથી પોતાના આ પદ પર હતો. મહેલમાં આવવા જવાના દરેક ગુપ્ત માર્ગો અને સુરંગોની એને જાણ હતી. તે ડન્ગેનમા દાખલ થયો. ડન્ગેનમાં કોઈ ન હતું. એના છેવાડાના ભાગે આવેલા પીલ્લર એણે ચક્રાકારે ત્રણ વાર ફેરવ્યો અને એ સાથે જ એક ટ્રેપ ડોર ખુલી ગયો.

એ એક સિક્રેટ ટનલ હતી. ગમે તેવા સંકટ સંજોગોમાં એ રસ્તો મહેલ બહાર છેક જંગલ સુધી જવા માટે ઉપયોગી હતો. જો કે કોઈ અજાણ્યા દુશ્મન માટે એ માર્ગ કોઈ કામનો ન હતો. અજાણ્યા માટે એ માર્ગ મોતના કુવા કરતા કમ ન હતો. એમા સુરંગોની એક એવી ભૂલ ભુલૈયા હતી જેમાંથી સાચી દિશા ઓળખી કાઢવી લગભગ અશકય બરાબર જ હતું.

દિવાન સુરંગમાં દાખલ થયો. તે સુરંગની ભૂલ ભુલૈયામા ગુંચવાય એમ ન હતો કેમકે અસલ સુરંગો પર ખાસ લીપીમાં અમુક અક્ષરો કોતરેલા હતા. એવા અક્ષરો દરેક માર્ગ પર હતા પણ એ અક્ષરો પ્રાચીન નાગ લીપીમાં લખાયેલા હતા માટે એ ઓળખવા લગભગ દુશ્મન માટે અશક્ય હતું કેમકે નાગ લીપી નાગપુરના રાજ પરિવારે ખાસ ઉપયોગ માટે શીખી હતી જે રાજ પરિવાર અને રાજ્યના અમુક ખાસ લોકો જ જાણતા હતા.

થોડાક સમયમાં એ ટનલ દિવાનને એક ઘોડો ચાલી શકે એવી વિશાળ સુરગમાં દોરી ગઈ. લગભગ એકાદ બે કલાક પછી જયારે દંડનાયક કર્ણસેન રાજમાતા સમક્ષ કેપ્ટન ઓબેરીની હત્યાના પ્રતિનિધિ મેકલે તૈયાર કરેલા કાગળોની વિગતો રજુ કરી રહ્યો હશે ત્યારે દિવાને ટનલને બીજે છેડે નાગમતી નદીના કિનારે બહાર નીકળી એક આઝાદ પંખીની જેમ રાહતનો શ્વાસ લીધો.

એણે આસપાસ એક નજર નાખી અને રાજકુમાર સુબાહુ જંગલના જે ભાગ તરફ ગયો હતો એના વિરુદ્ધ ભાગ તરફ ચાલવા લાગ્યો. જંગલના એ ભાગમાં નાગ લોકો કરતા પણ ખૂંખાર લોકો રહેતા હતા. ત્યાં મદારી કબીલાના સો જેટલા ઝુપડા હતા.

*

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED