“જીદગાશા...” સુબાહુ વધુ પડતું પાણી પી ગયો હતો એવું એના અવાજ પરથી જ દેખાઈ જતું હતું, “સત્ય...”
આપના પેટમાં ગયેલું પાણી પહેલા નીકળવું પડશે.” જીદગાશાએ કહ્યું.
“નહિ પહેલા સત્ય...”
“આપ હજુ આપણે બાળકો હોઈએ એમ જીદ કરો છો..” જીદગાશાએ બાળપણના દિવસો ફરી યાદ આવ્યા હોય એમ કહ્યું.
“મને તો તમે બધા બાળક જ સમજો છોને...?” સુબાહુના અવાજમાં ભારે રોષ હતો, “મહેલમાં ચાલતી દરેક ચર્ચા મારાથી ગુપ્ત રાખવામાં આવે છે. મતલબ મને બધા હજુ બાળક સમજે છે.”
જીદગાશા જાણતો હતો સુબાહુની વાત વાજબી હતી. એણે તો પરાસર અને દંડનાયાકને કહ્યું પણ હતું કે સુબાહુને રાજનીતીમાં દાખલ કરી દેવા જોઈએ પણ દંડનાયક અને મહાપ્રદ્ધાને એ ગરમ ખૂન છે કોઈ ઉતાવળું પગલું યુવાનીના જોશમાં ભરી બેસે એ ડરથી સુબાહુને મહેલમાં ચાલતી રહસ્યમય પ્રવૃતિઓથી દુર જ રાખવાની સલાહ આપી હતી.
“આપ એક પળ ચતા સુઈ જાઓ...” જીદગાશાએ જીદ કરી, “હું આપને બધું જ જણાવીશ, દરેક રહસ્ય, પહેલા મને મારો ધર્મ નિભાવી લેવાદો..”
“કેવો ધર્મ?”
“રાજ પરિવારની સલામતીનો...” જીદગાશાની નજરો આસપાસની પહાડી અને જંગલ પર હતી એનું પૂરું ધ્યાન સલામતી પર હતું.
“અને રાજકુમારને અંધારામાં રાખવો એ?” સુબાહુ ગુસ્સામાં હતો, જીદગાશાને પોતે મિત્રની જેમ રાખ્યો અને એણે કોઈ રહસ્ય એનાથી છુપાવ્યું. “એ પણ સેવક ધર્મ છે?”
“માફી... માલિક...”
“અને હા, હવે ક્યારેય મહેલ બહાર મને માલિક કે સ્વામી કહેવાને બદલે સુબાહુ કહીને બોલાવીશ તો જ હું સુઇશ..”
“અત્યારે આપણે કોઈ અજાણ્યા પ્રદેશમાં છીએ... અહીંથી નીકળવું જરૂરી છે આ સમય આવી બાલીશ જીદ કરવાનો નથી...”
“જીદગાશા એ બાલીશ જીદ નથી.. હું કંટાળી ગયો છું એ બધા શબ્દોથી.. શું મારે મિત્રો ન હોઈ શકે?” સુબાહુએ સાચી વેદના રજુ કરી, “મારા સાથે બાળપણથી ઉછરેલો મારો મિત્ર મને સ્વામી, માલિક કે યોર હાઈનેશ કહીને બોલાવે ત્યારે શું હાલત થાય એ મારી જગ્યાએ હોઈએ તો જ અંદાજ આવે..”
“એ આપનું સદનશીબ છે કે આપ એ પરિવારમાં જન્મ્યા છો..”
“ગોરાઓની કઠપુતલી બનવા..” સુબાહુ તુચ્ચ્કારથી બોલ્યો.
“નહિ ગોરાઓને હિન્દમાંથી હાંકી કાઢવા..” ફરી એક પળ માટે જીદગાશા ઉતેજીત થઇ ગયો. તેના જડબા તંગ થયા.
“તું ઘણું બધું જાણે છે જીદગાશા...” તેના ચહેરાના હાવભાવ અને શબ્દો સાંભળી સુબાહુની આંખો ચમકી.
“પાણી નીકાળ્યા પહેલા હું એમાંથી હરફ પણ ઉચ્ચારવાનો નથી...”
“તો હવે સેવક સ્વામી સામે શરત મુકશે...?” સુબાહુ એ મસ્તી ભર્યા અવાજે પૂછ્યું.
“સેવક સ્વામી સામે શરત ન મુકી શકે પણ એક મિત્ર બીજા પોતાના બાળપણના મિત્ર સામે શરત મૂકી શકે છે.”
“આ વાત થઇ જીદગાશા..” સુબાહુ જમીન પર ચતો સુઈ ગયો, “હવે તારો જવાબ કઈક સંતોષ....”
સુબહુના શબ્દો પુરા ન થઇ શક્યા, એક તીર જીદગાશાના ખભામાં ઉતરી ગયું. સુબાહુ બેઠો થવા જતો હતો પણ જીદગાશાએ તેને એમ કરતા રોક્યો. એણે પોતાનો હાથ સુબાહુની છાતી પર મૂકી એને જમીન પર ચતો જ રાખ્યો.
“નહિ માલિક...” જીદગાશા એક પળમાં ગંભીર થઇ ગયો, એણે પોતાના ખભામાંથી તીર ખેચી કાઢ્યું.
સુબાહુને કાઈ સમજાયું નહીં. પણ જીગદાશાએ તીરની ટીપ જોઈ કહ્યું, “પીંઢાંરી...”
તેણે તીર જમીન પર નાખ્યું અને ઉભા થઇ તલવાર ખેંચી કાઢી. તેની આંખો ચમકી. ખુલ્લી છાતીના સ્નાયુઓમાં કશુંક મર્દાના સંચાર થયો.
સુબાહુએ તીર તરફ નજર કરી. એની ટીપ કાળા લોખંડની બનેલી હતી. નાગમતી એમને પીઢારાના પ્રદેશમાં લઇ આવી હતી. જોખમી લુંટારાઓના પ્રદેશમાં તેઓ એકલા આવી ચડ્યા છે તેનું ભાન હવે થયું.
બીજી જ પળે દક્ષીણની લીલીછમ પહાડી તરફથી તીર વરસાદ રૂપે જીદગાશા તરફ આવવા લાગ્યા. જીદગાશાએ તલવાર ફેરવવી શરુ કરી. તેની તલવાર એટલી ઝડપે ચક્રાકાર ફરવા લાગી જાણે એક ઢાલ બની ગઈ.
એની તલવાર એના શરીર સુધી એક પણ તીરને પહોચવા દે એમ ન હતી. સુબાહુ બઠો થયો પણ થોડોક સમય સુઈને એક જાટકે બેઠા થવાને લીધે એના મોમાંથી નદીના વહેણમાં પીવાઈ ગયેલ પાણી છાલકની જેમ બહાર આવ્યું અને એ ખાસવા લાગ્યો. જીદગાશાએ એનો અવાજ નોધ્યો પણ એ તરફ જોઈ શકાય એમ ન હતું.
તીર કાપવા જરૂરી હતા, એણે મનોમન નાગમતીને પ્રાર્થના કરી કે સુબાહુ ઉભા થવાની ભૂલ ન કરે. જીદગાશાના આસપાસ કપાયેલા તીરો ઢગલો થઇને ખડકાઈ ગયા હતા.
એકાએક તીરોનો વરસાદ બંધ થઇ ગયો.
“કોણ છે કાયર...” જીદગાશાએ પોતાની તલવાર ફેરવવાનું બંધ કરી ત્રાડ પાડી, “હિમ્મત હોય તો સામે આવ..”
જવાબમાં નજીકની ઝાડીમાંથી હવાને ચીરતો ભાલો એની તરફ આવ્યો. એ ભાલો સામી દિશાને બદલે બાજુમાંથી આવ્યો હતો એટલે જીદગાશા એનાથી સચેત ન હતો પણ જીદગાશાના ગળાથી એકાદ ઇંચના અંતરે જ સુબાહુ એ કુદીને એ ભાલો પકડી લીધો.
જીદગાશાએ એ તરફ જોયું. સુબાહુ હવે એના પગ પર ઉભો હતો. એણે પીધેલું પાણી એણે ખાંસીને નીકાળી દીધું હતું. તેના ચહેરા પર ગંભીર રેખાઓ ઉપસી આવી.
“સામે કોણ છે?”
સુબાહુના શબ્દોના જવાબમાં પણ શબ્દોને બદલે હવાને ચીરતી સાંગ બીજી જાડીમાંથી આવી. સુબાહુએ ભાલા વડે એને હવામાં જ સ્મેક કરી ટીકી લીધી. પણ એને લાગ્યું કે એ જોઈએ એટલો ઝડપી ન હતો કેમકે સાંગ એના ચહેરાથી ઇંચ જ દુર રહી હતી. કોઈ હથિયાર એની એટલું નજીક કઈ રીતે આવી શકે? તેની આંખો પહોળી થઈ. તેના લાંબા અને હમણાં જ ભીના થયેલા વાળ તેના ચહેરા ઉપર ગમેતેમ ચોટેલા હતા.
જીદગાશા અને સુબાહુ જયારે એકબીજા સામે દલીલોમાં વ્યસ્ત હતા એ સમયે જંગલ અને પહાડોના ઉસ્તાદ પીઢારાઓ આસપાસની જાડીઓમાં ગોઠવાઈ ગયા હતા. એમની સ્ટ્રેટેજી મુજબનો વ્યૂહ ગોઠવીને એમના તીરંદાજોએ તીર ચલાવ્યા હતા. એ તીર દુશ્મનની શક્તિનો તાગ મેળવવા માટે હતા.
પીંઢારાઓની લડાઈની સ્ટ્રેટેજી વખણાતી હતી. કદાચ ગોરાઓ જોડે બંદુકો અને તોપો ન હોત તો એકલા પીંઢારા જ એમને હિન્દમાંથી તગેડી મુકવા કાફી હતા. પણ ફરી અહી ‘જો’ અને ‘તો’ હિમાલય કરતા પણ મોટા સ્વરૂપના પહાડ બની ઉભા રહી જતા હતા.
“શોભનીય...” આસપાસની કોઈ એક જાડીમાંથી આવાજ આવ્યો, “પણ હવે થોડીક વધુ પરીક્ષા થઇ જાય..”
સુબાહુ અને જીદગાશાના આંખ અને કાન છઠ્ઠી ઇન્દ્રિય જેમ કામ કરવા લાગ્યા. તેઓ જાણતા હતા પીઢારાઓ શિકારી હતા, તેઓ જંગલી હતા, હાથમાં આવેલા દુશ્મન સાથે રમતા અને સુવરની જેમ એનો શિકાર કરતા. એ જંગલીઓ માટે એ એમનું જનુન હતું. તેઓ એકદમ પાગલ કિસમના લોકો હતા. મદારીઓ, નાગ, અને આદિવાસીઓ કરતા એકદમ અલગ જ - ન રાજ ભક્તિ, ન સ્વામી ભક્તિ, બસ સોનાના ભૂખ્યા લોકો.
સુબાહુએ એક ભાલાને પોતાના ભાલા વડે બ્લોક કર્યો ત્યાં સુધીમાં જીદગાશાએ ત્રણ કટારને ટીકી નીચે પાડી દીધી. જીદગાશા વધુ ઝડપી હતો. પણ એ થાકી ગયો હતો. એકાએક દરેક દિશાઓમાંથી કટારો એમના તરફ હવાને ચીરતી વિસલ જેવો અવાજ કરતી વિઝાઈ, જીદગાશા અને સુબાહુ એ એકબીજા તરફ જોયું.
હવા કટારોના અવાજથી ભરાઈ ગઈ હતી, જીદગાશા અને સુબાહુ એકબીજાની પીઠ સાથે પીઠ ભીડાવી ઉભા રહ્યા.
સુબાહુએ પોતાના ભાલા અને જીદગાશાએ પોતાની તલવારને એ રીતે ચક્રવ્યૂહમાં ફેરવી, કે મોટાભાગની કટારો, એ હથીયારો સાથે અથડાઈ સ્મેક કે ટ્વીસ્ટ થઇ ગઈ. કેટલીક તૂટીને જમીન પર પડી હતી તો કેટલીક એમના શરીર સુધી પહોચવામાં સફળ રહી હતી પણ એ એમના શરીરના કયા ભાગ સાથે અથડાઈ અને કેટલો ઘા કરી ગઈ કે કેટલી પીડા આપી ગઈ એ તરફ ધ્યાન આપવાનો સમય ન હતો.
બંનેએ પોતાના હથિયાર હવામાં ચક્રાકારે ફેરવવા ચાલુ જ રાખ્યા પણ એક કટાર જીદગાશાના પગના ઘૂંટણ સાથે અથડાઈ. એનું સંતુલન ખોરવાયું અને એ જાળવવામાં એની તલવારની ફરવાની ગતિ ધીમી થઇ એ સમયે એક કટારે એની છાતી પર પોતાનું નિશાન મેળવવામાં સફળતા મેળવી. ત્યાંથી ઉડેલા લોહીના છાંટા સુબાહુના ગાલ સુધી પહોચ્યા. સુબાહુએ તેના ગરમ લોહીને પોતાના શરીર પર અનુભવ્યું.
એ ઉકળી ઉઠ્યો. એની આંખો સામે કોઈ દુશ્મન હતો નહિ અને હથિયારોનો વરસાદ થઇ રહ્યો હતો. કટારોની આવક બંધ થઇ, હવામાં વહેતો કટારોની ગતિનો સુસવાટો રોકાઈ ગયો. જીદગાશા તલવારને જમીન સાથે ટેકવી માંડ ઉભો રહ્યો. સુબાહુ એની સજ્જડ નજીક ઉભો હતો. બંનેની આંખો મળી, એ આંખોમાં એક જ સવાલ હતો. હજુ કોઈ નવું હથિયાર કે કોઈ શબ્દો કેમ ન આવ્યા..?
તેમના કાન કોઈ નાનામાં નાનો અવાજ પણ સાંભળી લેવા સાબદા બન્યા અને એમની આંખો બાજની જેમ ચારે તરફની હવાને નિહાળવા લાગી કેમકે દુશ્મન તો દેખાય એમ ન હતો. એની દરેક ક્રિયા અદ્રશ્ય હોય એમ હવા પરથી જાણવી પડતી હતી. જીદગાશાની આંખોએ દૂરની એક જાડીમાં સળવળાટ નોધ્યો. સુબાહુની નજરો પણ એ તરફ સ્થિર થઇ.
જાડીમાંથી કાળા કપડામાં પડછંદ પીંઢારો બહાર આવ્યો. એનો દેખાવ ડરાવણો હતો. છ ફૂટ ઉંચો અને પીલ્લર જેવી છાતીવાળો એ પીંઢારો બહાર આવ્યો એ સાથે જ કોઈ ચમકતી ચીજ એની ગરદન પર દેખાઈ. એ તલવાર હતી. પીંઢારાની પાછળ એ જ જાડીમાંથી એક બીજી આકૃતિ બહાર આવી, એનો ચહેરો કાળી બુકાનીમાં છુપાયેલો હતો પણ એના કપડા કાળા ન હતા.
એ વ્યક્તિએ પીઢારાના ખભા પર લોખંડના બનેલા બખતર પર પોતાની તલવાર જરાક દબાવી અને જાણે એ આર્મર કાગળનું બનેલ હોય એમ તલવાર એકાદ સેમી જેટલી એમાં ઉતરી ગઈ. સુબાહુ નવાઈથી એ જોઈ રહ્યો. એ કઈ રીતે શક્ય હતું? પૂરી તાકાતથી કરેલો તલવારનો ઘા પણ આર્મરને કાપી નથી શકતો તો હળવેથી દબાવેલી તલવાર બખતરને કાપી શકે એ કઈ રીતે શકાય હતું?
એ અશક્ય હતું પણ એની આંખો સામે હતું.
સુબાહુએ ચીજથી અજાણ હતો પણ જીદગાશા કે પીંઢારાના સરદાર માટે એ વાત અજાણી ન હતી. જીદગાશા મહેલના દરેક રહસ્ય જેમ વજ્ર ખડગનું રહસ્ય પણ જાણતો હતો અને પિઢારાએ વજ્ર ખડગ વિશે અનેક અફવાઓ સાંભળી હતી. એ જાણતો હતો કે રાજ પરિવારના કેટલાક ખાસ અસેસીન પાસે એવા વજ્ર ખડગ છે જે ઈન્દ્રદેવની કૃપાથી મળેલા છે અને એ ખડગ ગમે તે ચીજને કાપી શકે છે. લોખંડ પણ એમના માટે કાગળ સમાન છે.
સરદારે કોયલનો અવાજ ત્રણવાર નીકાળ્યો એ સાથે જ દરેક જાડીમાંથી કાળા ધોતી અને ઉપવસ્ત્રવાળા પીંઢારાઓ બહાર આવ્યા. તેમણે બહાર આવી હુમલાની કોઈ ચેષ્ઠા વિના સરદારના આગળના હુકમની રાહમાં ઉભા રહેવાનું પસંદ કર્યું. સરદાર આગળ કોઈ હુકમ આપી શકે એમ ન હતો કેમકે એની ગરદન પર જેની તલવાર હતી એ વ્યક્તિ શું ઈચ્છતો હતો એની એને ખબર ન હતી. પળવારમાં જાડીઓમાંથી કેટલાય કાળી બુકાની ધારી માણસો ઓળાની જેમ ઉદભવ્યા અને દરેકની તલવારો પીઢારાઓની ગરદન પર ચંપાઈ.
એકાદ બે પીઢારાઓએ સામનો કરવાનો પ્રયાસ કર્યો પણ એમની તલવારો કાગળની જેમ એ નવા આવનારા લોકોના હથિયાર સામે કપાઈને હેઠી પડી. એ દ્રશ્ય જોઈને એમણે શરણાગતિ સ્વીકારી લીધી કેમકે એમનામાંથી મોટા ભાગના વજ્ર ખડગ અને દિવ્ય ખંજર વિશે જાણતા હતા.
વીસેક જેટલા બુકાની ધારીઓ સામે સોથી દોઢસો પીઢારીઓના ટોળાએ શરણાગતી સ્વીકારી લીધી એ જોઈ સુબાહુને નવાઈ લાગી. પીંઢારા પીછેહટ કરી પહાડીઓમાં ઉતરી ગયા. સુબાહુને હતું કે અંતિમ પળે દુર જઈને તેઓ કટાર કે તીરથી હુમલો કરવાનો પ્રયાસ કરશે પણ એવું કઈ ન થયું તેઓ જાણે એમની સામે ધોળે દહાડે ભૂત ભાળી ગયા હોય એમ ધ્રુજતા પગે નીકળી ગયા.
સુબાહુ અને જીદાગાશા જાણે હજુ ડઘાયેલા હોય એમ ઉભા રહ્યા.
“બંનેને ઘોડા પર બેસાડી નાગપુર જંગલની સીમા સુધી છોડી આવો..” બુકાનીધારી વ્યક્તિઓમાંથી એકે કહ્યું.
કદાચ એ જ એમનો મુખિયા હશે? પણ એ મદદે કેમ આવ્યો?
નાગમતિના વહી જતા નીરના ખળ ખળ અવાજ અને કિનારે વાતા વાયરાના સુસવાટા વચ્ચે સંભળાયેલો એ અવાજ મને પરિચિત જેવો કેમ લાગ્યો?
સુબાહુનું મન એના સામે સવાલો ધરવા લાગ્યું જેના જવાબો મેળવવા એક જ માર્ગ હતો. એ વ્યક્તિની બુકાની હટાવવી. જે અશકય હતું. સામે ઉભેલા દરેકના હાથમાં એવા હથિયાર હતા જે એમની તલવારોને એક પળમાં કાપી નાખે એમ હતા. એમની વાત માન્યા સિવાય કોઈ છૂટકો ન હતો..
“તમે કોણ છો?” સુબાહુએ નકામો સવાલ કર્યો, એ જાણતો હતો જવાબ મળવાનો નથી. એ લોકો કોણ છે એ કહેવું જ હોય તો એ બુકાનીમાં શું કામ આવે?
પણ કોઈ રાજકુમારને મોતના મોમાંથી બચાવી એની ભેટ લીધા વિના અજ્ઞાત રહી કેમ ચાલ્યું જાય? શું એમને રાજ ખજાનામાંથી સોનાના સિક્કા ભેટ મળવાની લાલચ નહિ હોય?
“મુઠ્ઠીભર ભલા માણસો...” એ જ બુકાનીધારી ખડતલ આદમીએ જવાબ આપ્યો જેણે પીંઢારાઓને પીછેહટનો હુકમ ફરમાવ્યો હતો. બાકીના માણસો શાંત ઉભા રહ્યા.
સુબાહુને લાગ્યું કે હુકમ આપનાર એ વ્યક્તિ વૃદ્ધ હશે, એનો અવાજ વૃદ્ધ જેવો હતો. પોતે એવા કોઈ વૃદ્ધને જાણતો હોય..? તેણે યાદ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો પણ એના મનમાં એવા વૃદ્ધની કોઈ યાદો ન હતી. એ ક્યારેય એવા વૃદ્ધને મળ્યો ન હતો.
“અમારી મદદ કરવાનું કારણ...?” સુબાહુએ બીજો સવાલ કર્યો.
“ભલા માણસો ગમે તેની મદદ કરે છે એમને કોઈ કારણની જરૂર નથી હોતી...” એ જ વૃદ્ધે જવાબ આપ્યો, આ વખતે સુબાહુનું ધ્યાન વૃદ્ધના બાજુમા ઉભેલા બુકાનીધારી તરફ ગયું.
એ કોઈ પરિચિત વ્યક્તિ છે? સુબાહુ મુઝાયો. કોણ હશે આ પરિચિત જેવા લાગતા અજાણ્યા લોકો? તેના મનમાં એક પછી એક સવાલો થયા.
એણે યુવકનું અવલોકન કર્યું. એના જમણા બાજુ પર કાળા રંગના કાપડનો બુકાની જેવો જ ટુકડો બાંધેલો હતો અને એ બાજુબંધ જેવા કાપડના ટુકડાની સહેજ ઉપર એક લાંબા ઘાનું નિશાન હતું. ઘા હજુ તાજો હતો. સુબાહુના ધ્યાનમાં આવ્યું કે બાજુ પર બાંધેલા એ કાપડના ટુકડામાં એક નાનકડું ખંજર છુપાવેલું હતું પણ એને એ ન સમજાયું કે એનો ખરો ઉપયોગ તો ત્યાં બનેલ ચિલમ પિતા શિવના છુંદણાને છુપાવવાનો હતો. એ કોણ હોઈ શકે એ જાણવા વાત-ચિત લંબાવવી જરૂરી હતી એટલે સુબાહુએ વાત આગળ વધારી.
“ભલા માણસો હથિયાર લઇ જંગલમાં કેમ રખડે?” તેણે ચાબખા જેવો સવાલ વિઝ્યો.
“વધુ સવાલ જવાબ નહિ...” વૃદ્ધને સુબાહુ સવાલોથી તેઓ કોણ છે એનો તાગ મેળવવા માંગે છે એ વાતની ગંધ આવી ગઈ હોય એમ બોલ્યો, “રાજમાતા ભોજન ટેબલ પર સવારથી આપની રાહ જુએ છે..”
સુબાહુ પાસે હવે સવાલો કરવાનો મોકો ન રહ્યો અને આમ પણ એને જરૂર ન હતી. તે જાણવા માંગતો હતો કે તેઓ કોણ છે અને બુકાનીધારીના છેલ્લા શબ્દોથી એ નક્કી થઇ ગયું કે એ એને જાણે છે મતલબ પોતે પણ એમનાથી પરિચિત જ હશે - બસ વચ્ચે છે તો એ બુકાની.
એ બુકાની હટી શકે એમ ન હતી પણ જો એમને ખબર હોય કે ભોજન ટેબલ પર રાજમાતા મારી રાહ જોઈ રહ્યા છે તો જરૂર એમને રાજ મહેલથી જ કોઈએ આદેશ આપ્યો હોવો જોઈએ.. અને રાજ મહેલમાં કોઈ પણ આદેશ બહાર પાડવાની સતા ત્રણ જણ પાસે જ હતી - રાજમાતા ધૈર્યવતી, દિવાન ચિતરંજન અને દંડનાયક કર્ણસેન.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky