The ring - 21 books and stories free download online pdf in Gujarati

ધ રીંગ - 21

The ring

( 21 )

મુંબઈ છોડવાની તૈયારી કરી રહેલાં હનીફને ગોપાલ પકડી પાડે છે.. આલિયા અને ગોપાલ પ્રેમ રૂપી બંધન માં હવે પૂર્ણતઃ જોડાઈ ચુક્યાં હોય છે. હનીફ રિમાન્ડ દરમિયાન કબૂલ કરે છે કે અપૂર્વ નાં કહેવાથી જ એને આલિયા ની હત્યાની કોશિશ કરી હતી.. ગોપાલ પોતાની ટીમ સાથે અપૂર્વને પકડવા જાય છે ત્યારે અપૂર્વ હનીફની ધરપકડની ખબર સાંભળ્યાં બાદ અમનનાં ઘર તરફ પ્રયાણ કરે છે.

ગોપાલ ને ખબર નહોતી કે અપૂર્વ એની ઓફિસે નહીં મળે.. એટલે એ તો સીધો પોતાની પોલીસ ટીમની સાથે અપૂર્વની ઓફિસ જ્યાં સ્થિત હતી એ વોરિયર હબ કોમ્પલેક્ષમાં જઈ પહોંચ્યો.. હનીફ જોડેથી મળેલી માહિતી મુજબ ગોપાલ જ્યારે અપૂર્વ અગ્નિહોત્રીની બ્રાઈટ કોર્પોરેશન નામની ઓફિસે પહોંચ્યો ત્યારે અપૂર્વ એને ત્યાં ના મળ્યો એટલે ગોપાલ ને અંદાજો આવી ગયો કે ચોક્કસ અપૂર્વ જાણી ગયો છે કે હનીફ પોલીસ ની ગિરફતમાં છે.

"સર, હવે શું કરીશું..? "અપૂર્વ ઓફિસે ના મળતાં રઘુ એ ગોપાલને ઉદ્દેશીને સવાલ કર્યો.

રઘુનાં સવાલનો જવાબ આપતાં અપૂર્વ બોલ્યો.

"સતીશ તું અને એક કોન્સ્ટેબલ અપૂર્વનાં સ્ટાફ જોડેથી એનાં ઘરનું એડ્રેસ મેળવી એનાં ઘરે પહોંચો.. અને રઘુ તું અહીં ઓફિસે જ રોકાઈને અપૂર્વ ની રાહ જો.. હું મારી રીતે એને શોધવાની કોશિશ કરું . "

ગોપાલનાં આદેશ માથે ચડાવી સતીશ પોતાનાં એક સાથી કોન્સ્ટેબલ સાથે અપૂર્વનાં ઓફિસ સ્ટાફ દ્વારા એનાં ઘરનું જે એડ્રેસ આપવામાં આવ્યું એ લઈને ત્યાં જવાં નીકળી પડ્યો.. રઘુ બાકીનાં એક કોન્સ્ટેબલ સાથે અપૂર્વની બ્રાઈટ કોર્પોરેશન નામની ઓફિસનાં ધામાં નાંખીને બેસી ગયો.

અપૂર્વ હાલ ક્યાં હશે એની માહિતી મેળવવાનો એક સીધો રસ્તો ગોપાલને દેખાતો હતો અને એ રસ્તો હતો અપૂર્વનાં ફોનની લોકેશન.. આ વિચાર આવતાં જ ગોપાલે પોતાનાં દોસ્ત અને મુંબઈ સાયબર સેલ ટીમનાં સભ્ય એવાં રોની ડિસુઝા ને કોલ લગાવ્યો.

"વાહ ભાઈ.. !, તમને તો હવે રોજેરોજ અમારી યાદ આવવાં લાગી છે.. "ગોપાલ નો ફોન રિસીવ કરતાં જ રોની બોલ્યો.

"યાદ તો રોજ આવે છે ભાઈ.. આતો કોલ નથી કરતાં.. "ગોપાલ રોનીની વાતનો પ્રત્યુત્તર આપતાં હસીને બોલ્યો.

"બોલ શું કામ પડ્યું..? "રોનીએ પૂછ્યું.

"રોની, એક નંબર whatsup કરું છું.. તારે એ નંબર ની લોકેશન મને મોકલાવવાની છે.. પણ જો એ નંબર સ્વીચઓફ હોય તો તારે એ નંબરની જેનાં જોડે સૌથી વધુ વાત થઈ હોય એ નંબરની લોકેશન અને એ નંબર નું સિમકાર્ડ કોનાં નામે રજીસ્ટર છે એની માહિતી મેળવવાની છે.. પણ જલ્દી.. "ગોપાલ બોલ્યો.

"બસ પંદર મિનિટ આપ.. હું તને બધી ડિટેઈલ પહોંચાડું.. "રોનીએ આટલું કહી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

રોની સાથે ફોન ઉપર સંપર્ક વિચ્છેદ થતાં જ ગોપાલને કંઈક વિચાર આવ્યો અને એને પોતાનાં ઘરે મોજુદ આલિયા ને પોતે જ્યાં મોજુદ હતો ત્યાં આવી જવાં જણાવ્યું.. રોની એ કિધેલી પંદર મિનિટ પણ અત્યારે તો ગોપાલ ને જાણે કેટલાંય કલાકો સમી લાંબી લાગી રહી હતી.

એકજેક્ટ પંદર મિનિટ બાદ ગોપાલનો ફોન રણક્યો.. ગોપાલે જોયું તો કોલ કરનાર રોની હતો.

"જોરદાર.. એકદમ પરફેક્ટ ટાઇમિંગ.. "ફોન રિસીવ કરતાં જ ગોપાલ બોલ્યો.

"મુંબઈ પોલીસ હંમેશા બધું કામ ટાઈમસર જ કરે છે આ તો બૉલીવુડ વાળાં ને નકામી આપણને આળસુ બતાવવાની આદત પડી ગઈ છે.. અને તે સોંપેલું કામ થઈ ગયું છે.. "રોની બોલ્યો.

"સરસ.. તો બોલ એ નંબર અત્યારે ક્યાં લોકેટ થયો..? "ગોપાલે સવાલ કર્યો.

"તે કહ્યું એ મુજબ તારો આપેલો નંબર તો સ્વીચઓફ જ છે.. પણ એ નંબરની જે નંબર જોડે સૌથી વધુ વાત થઈ એ નંબર કોઈ અમન વર્મા નાં નામે રજીસ્ટર છે.. અને એની લોકેશન હું તને whatsup કરું છું.. એક બીજી વાત કે તારાં આપેલાં નંબર ની સ્વીચઓફ થયાં પહેલાંની લોકેશન પણ ત્યાં જ હતી.. "રોની બધી માહિતી આપતાં બોલ્યો.

અપૂર્વની જેની સાથે સૌથી વધુ વાત થઈ હતી એ નંબર તો રીના નો હતો પણ એ સિમ રીના એ અમનનાં ઓળખપત્ર નો ઉપયોગ કરી લીધું હતું. અમન વર્મા નામનાં વ્યક્તિનાં નામે કાર્ડ રજીસ્ટર હોવાની વાત સાંભળી ગોપાલ ને નવાઈ ના લાગી.. આ બધાં જ લોકોનાં તાર અમન વર્મા જોડે મળતાં હતાં એ વાતની ગોપાલને મનોમન ખબર જ હતી.. ગોપાલે રોનીનો આભાર માન્યો અને કોલ ડિસ્કનેક્ટ કર્યો.

રોની સાથે ગોપાલની વાત પૂર્ણ થઈ એટલામાં આલિયા ત્યાં આવી પહોંચી.. આલિયા પહેલાં પણ ત્યાં આવેલી હોવાથી એને ગોપાલ સુધી પહોંચવામાં ઝાઝો સમય ના લાગ્યો. આવતાં ની સાથે જ આલિયા એ ગોપાલની નજીક આવીને પૂછ્યું.

"ગોપાલ, કેમ મને અહીં બોલાવી..? "

"આલિયા ચલ મારી સાથે.. તારી ઉપર હુમલો કેમ થયો એનું સત્ય અને તારી મમ્મી ની ડાયમંડ રિંગ આખરે કોની જોડે છે એ બધાં રહસ્યો ઉકેલવાનો સમય આવી ચુક્યો છે.. "આલિયા નાં સવાલનો ઉત્તર આપતાં ગોપાલ બોલ્યો.

ગોપાલની વાત સાંભળી આલિયા નાં ચહેરા પર હાસ્ય ફરી વળ્યું.. આખરે પોતાની મમ્મી ની આખરી યાદગીરી સમાન રિંગ પાછી મળી જશે એમ વિચારી મળતી ખુશી સ્પષ્ટ આલિયા નાં ચહેરા ઉપર ઉભરી આવે જ એમાં કોઈ શંકા નહોતી.

"તો ચાલ જઈએ.. "હકારમાં ડોકું હલાવી આલિયા ગોપાલ ને ઉદ્દેશીને બોલી.

આ સાથે જ ગોપાલ પોતાની સફેદ રંગની મુંબઈ પોલીસ લખેલી સ્કોર્પિયો તરફ આગળ વધ્યો.. સ્કોર્પિયો ની આગળની તરફ નો દરવાજો ખોલી એને પહેલાં આલિયા ને બેસવા કહ્યું અને આલિયા નાં બેસ્યાં બાદ એ ડ્રાઈવર સીટ માં ગોઠવાઈ ગયો.. આ સાથે જ ગોપાલે રોની દ્વારા પોતાને whatsup કરવામાં આવેલાં live location ઉપર સ્કોર્પિયો ને દોડાવી મુકી.

***

આ તરફ અપૂર્વ પોતાનાં ઘરેથી તો રીના નાં ઘરે જવાં ક્યારનોય નીકળી ચુક્યો હતો પણ એનાં કમનસીબે એની કારનું ટાયર પંક્ચર થઈ ગયું અને એ કારણોસર રીના નાં જોડે પહોંચવામાં અપૂર્વને વીસેક મિનિટ મોડું થઈ ચૂક્યું હતું.

અપૂર્વ એ નક્કી કર્યું હતું કે રીના ને લઈ એ આજે જ ક્યાંક દૂર જતો રહેશે.. અને જ્યારે આ કેસ થોડો ઠંડો પડે પછી જ પાછો મુંબઈ આવશે એટલે એને પોતાનાં ઘરે પોતે બિઝનેસ ટ્રીપ માટે દુબઈ જાય છે એવું બહાનું બતાવી પોતાનો સામાન પણ પેક કરી લીધો હતો.

એક તો કાર નું ટાયર પંક્ચર થતાં અમનનાં ઘરે પહોંચવામાં અપૂર્વ ઓલરેડી વીસેક મિનિટ મોડો તો પડી જ ચુક્યો હતો.. એમાંય એ જ્યારે અમનનાં ઘરે આવ્યો ત્યારે રીના સ્નાન કરવાં ગઈ હોવાથી એને દરવાજો ખોલવામાં બીજી દસેક મિનિટ બગાડતાં અપૂર્વ રઘવાઈ ગયો હતો.. એને માલુમ હતું કે પોલીસ પોતાનાં મોબાઈલની લોકેશન પરથી પોતે ક્યાં છે એની માહિતી મેળવી લેશે એટલે અપૂર્વ એ પોતાનો મોબાઈલ અમનનાં ઘરે પહોંચતાં જ સ્વીચઓફ કરી દીધો હતો.. પણ અપૂર્વ એ વાત ભૂલી ગયો હતો કે એનો પનારો મુંબઈ પોલીસનાં બાહોશ ઓફિસર ગોપાલ ઠાકરે જોડે પડ્યો હતો.

"અરે બાબા, બે મિનિટ આમ ડોરબેલ વગાડી વગાડી માથું ના દુખાડો.. "દરવાજો ખોલવા જતી રીના બોલી.. પણ દરવાજે જેવો એને પરસેવેથી રેબઝેબ અપૂર્વ ને જોયો એટલે એ દિલગીરી વ્યક્ત કરતાં બોલી.

"Sorry, જાન.. હું શાવર માટે ગઈ હતી એટલે લેટ થઈ ગયું.. આવ અંદર.. "

ગુસ્સામાં રાતોચોળ થયેલો અપૂર્વ દરવાજો અર્ધખુલ્લો મૂકી ઘરમાં આવ્યો અને ધૂંવાપૂંવા થતાં બોલ્યો.

"તું જલ્દીથી તારો બધો સામાન પેક કરી લે.. આપણે હમણાં જ મુંબઈ છોડવું પડશે.. "

અપૂર્વ નો બદલાયેલો વ્યવહાર અને એ કેમ મુંબઈ છોડવાની વાત કરી રહ્યો હતો એ રીના ને વિસ્મય પહોંચાડનારું હતું.. રીના એ અપૂર્વને થોડી શાંતિ રાખવા ની હિદાયત આપી અને કહ્યું.

"પણ કેમ આપણે મુંબઈ મૂકવું પડશે..? એવું તે શું થયું છે..? "

"કેમકે પેલો હનીફ પકડાઈ ગયો છે.. અને પેલો આપણો બાપ ગોપાલ ગમે તે રીતે હનીફ જોડે સત્ય ઓકાવી દેશે અને આપણાં સુધી આવી પહોંચશે.. "અપૂર્વનાં અવાજમાં ગોપાલ દ્વારા પોતાની ધરપકડ થવાનો ખૌફ હતો.

અપૂર્વની વાત સાંભળી રીના નું મગજ સુન્ન મારી ગયું અને એનાં હાથ-પગ ઠંડા પડી ગયાં.. હવે શું કરવું એ વિશે વિચારવામાં રીના અસમર્થ હતી.

"તું જલ્દી બેગ પેક કર એટલે અહીંથી નીકળીએ.. "રીના નો હાથ પકડી અપૂર્વ બોલ્યો.

"પણ જઈશું ક્યાં..? અને કેટલો સમય આમ પોલીસ થી ભાગતાં ફરીશું... ? "રીના નાં શબ્દોમાં સાફ-સાફ હતાશા વર્તાઈ રહી હતી.

"અરે એકવાર મુંબઈ મૂકી દઈએ પછી જોયું જશે.. થોડો સમય આ કેસ ઠંડો પડે એટલે પાછાં મુંબઈ આવી જઈશું.. અને કોઈ સારો વકીલ રોકી આગોતરા જામીન મેળવી લઈશું.. "રીના ને સમજાવતાં અપૂર્વ બોલ્યો.

"તને લાગે છે તું કહે છે એ બધું આટલી સરળતાથી પતી જશે.. આ બધું તારાં કારણે જ થયું છે.. "ગુસ્સામાં પોતાનો હાથ છોડાવતાં અપૂર્વને ઉદ્દેશતાં રીના બોલી.

"મારાં કારણે..? "રીના ની વાત સાંભળી અપૂર્વ નવાઈપૂર્વક બોલ્યો.

"હા, તારાં લીધે.. આપણી યોજના હતી કે મારે અમન જોડે ડાયવોર્સ લેવાનાં છે.. અને એ માટે ની યોજના વ્યવસ્થિત રીતે પૂર્ણ પણ પડી હતી.. પણ તે અમન ની કાર ની બ્રેક ફેઈલ કરી એની હત્યાને અંજામ આપવાની ભૂલ કરી એનાં લીધે જ આપણે અત્યારે આ તકલીફમાં મુકાયા છીએ.. "પોલીસ દ્વારા પકડાઈ જવાની બીક હવે એલબીજા પર આરોપ-પ્રત્યારોપ બનીને રીના અને અપૂર્વની સામે આવી હતી.

"હા હું કબુલું છું કે મેં તને જણાવ્યાં વગર જ અમનની હત્યા નું કાવતરું ઘડ્યું.. પણ એમાં આપણાં બંનેનો જ ફાયદો હતો.. હું તને કોઈકાળે ખોવા નહોતો માંગતો એટલે મારે એમ કરવું પડ્યું.. "રીના નો ચહેરો પોતાનાં બે હાથની હથેળી વચ્ચે લઈ સમજાવટ નાં સુરમાં અપૂર્વ બોલ્યો.

અપૂર્વ નાં આમ સમજાવવા છતાં રીના પર જાણે એની કોઈ અસર નહોતી થઈ એવું એનાં ચહેરા પરથી સરળતાથી સમજી શકાય એમ હતું.. રીના એ અપૂર્વથી પોતાની જાતને અળગી કરી અને બોલી.

"અપૂર્વ તારે જે કરવું હોય એ કર.. પણ હું મુંબઈ છોડીને ક્યાંય નથી જવાની.. મેં અમનની હત્યા કરી જ નથી તો હું કેમ પોલીસથી ડરું.. પોલીસ જો મારાં સુધી પહોંચી જશે તો હું એમને સઘળું સત્ય જણાવી દઈશ.. "

"મતલબ.. તું કહેવા શું માંગે છે.. "રીના નાં ચહેરા ને પોતાનાં જમણા હાથ વડે કસકસાવીને દબાવતાં અપૂર્વ ક્રોધમાં બોલ્યો.

"મતલબ કે હું પોલીસ ને કહી દઈશ કે તે જ અમનની હત્યા ને એક્સિડન્ટનું રૂપ આપ્યું હતું.. જેમાં હનીફ પણ નાછૂટકે મારો જ સાથ આપશે.. હું તારાં કારણે જેલમાં સબડવા નથી માંગતી.. "અમનને ધક્કો મારી પોતાનાંથી અલગ કરતાં રીના બોલી.

એકબીજાને પ્રેમ કરતાં હોવાનું અનુભવતાં બે લોકો જ્યારે વિકટ પરિસ્થિતિમાં ફસાયા ત્યારે એમની વચ્ચે જે પ્રેમ હતો એ કપૂરની માફક હવામાં ઓગળી ગયો.. આજ જગ્યાએ જો પ્રેમમાં સાતત્યતા હોત તો કોઈપણ ભોગે એ બંને એકબીજાનો સાથ છોડવા તૈયાર ના જ થાત.. પણ આતો રીના અને અપૂર્વ તો પોલીસ નાં દ્વારા એમની ધરપકડ થવાની પરિસ્થિતિનું નિર્માણ થતાં જ પોતપોતાનાં અસલી રંગમાં આવી ચુક્યાં હતાં.. રીના તો પોતાની વાત ઉપર મક્કમ બની સોફામાં જઈ લમણે હાથ રાખીને આંખો બંધ કરીને બેસી ગઈ પણ અપૂર્વ ને તો આગળ શું કરવું એ સમજાતું જ નહોતું.

જો રીના પોલીસ આગળ જુબાની આપી દેશે તો પોતાની તો પૂરેપૂરી લાગી જ જશે એ વિચારી અપૂર્વ નું દિમાગ સાવ વિચારશુન્ય અવસ્થામાં આવી પહોંચ્યું.. જે રીના ને પોતે બેહદ પ્રેમ કરતો હતો એ રીના નાં આમ બોલતાં જ અપૂર્વ એને હદથી વધુ નફરત કરવાં લાગ્યો.. ક્રોધવેશમાં અપૂર્વ ની નજર સોફાની નજીક પડેલાં ફ્રૂટ બકેટમાં રહેલી છરી પર પડી.

રીના દ્વારા આમ મઝધારે પોતાનો સાથ છોડી દેવાનાં લીધે ગુસ્સામાં અપૂર્વએ એક અવિચારી નિર્ણય લીધો અને રીના નું કામ તમામ કરવાનાં ઉદ્દેશથી અપૂર્વએ ફ્રૂટબકેટમાં પડેલી છરી પોતાનાં હાથમાં લીધી અને રીના ની તરફ દબાતાં પગલે આગળ વધ્યો.

***

વધુ આવતાં ભાગમાં.

અપૂર્વ રીના ની હત્યા કરી દેશે..? અમન સાચેમાં મૃત્યુ પામ્યો હતો તો પછી આલિયા કોને મળી હતી..? આલિયા ની રિંગ કોણ લઈ ગયું હતું..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો છેલ્લો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED