The ring
( 6 )
પોતાની એ રિંગ અમને જ ચોરી કરી હોવાનું સમજતી આલિયા વિઝીટિંગ કાર્ડ ઉપર આપેલાં અમનનાં ઓફિસ એડ્રેસ પર પોતે રૂબરૂ જાય છે.. પણ ત્યાં અમનની જગ્યાએ ઓફિસનાં માલિક અપૂર્વ ને મળીને એ નવાઈ પામી જાય છે... તો બીજી તરફ અપૂર્વ પણ અમન નું નામ સાંભળી ચિંતામાં આવી જાય છે.. આલિયા ને પોતાનાં ઘરે એક કવર મળે છે જેની અંદર શું હશે એ જોવાં આલિયા કવર ખોલે છે.
પોતાને આ કવર મોકલાવનારું કોણ હશે એ વિચારતાં વિચારતાં અંદર શું હશે એ જાણવાં ઉત્સુકતા સાથે કવર ખોલ્યું અને અંદર રહેલી વસ્તુ બહાર નીકાળી.. અંદર ત્રણ ફોટોગ્રાફ હતાં. આલિયાએ એ ફોટો તરફ નજર ફેંકી એ સાથે જ એ ચમકી ગઈ.
એ ત્રણેય ફોટોમાં પોતાને અમન કહેનારો માણસ અને બ્રાઈટ કોર્પોરેશન નો માલિક અપૂર્વ અગ્નિહોત્રી જોડે જોડે ઉભેલાં હતાં.. એમનાં ચહેરા પર નાં ભાવ જોઈ સરળતાથી સમજી શકાય એમ હતું કે એ બંને એકબીજાથી પરિચિત હોવાં જોઈએ.. પાંચેક મિનિટ સુધી તો આલિયા એ ત્રણેય ફોટોગ્રાફ ને ધારીધારીને જોતી રહી.. આ ફોટોગ્રાફ ને જોતાં જ એનો બધો નશો કપૂરની ગોટી હવામાં ગાયબ થઈ જાય એમ ઉડી ગયો હતો.
"મતલબ અપૂર્વ અગ્નિહોત્રી આ અમન વર્મા ને ઓળખે છે..? .. તો પછી એ ખોટું કેમ બોલ્યો..? ક્યાંક એવું તો નહીં હોય ને કે આ અમનનું નામ બીજું કંઈક હશે..? "
એકસાથે ઘણાં પ્રશ્નો આ ફોટોને જોતાં જ આલિયા નાં મનમાં નિર્માણ થઈ ચુક્યાં હતાં.
અપૂર્વ જો અમન ને ઓળખતો હતો તો એને પોતાનાં સવાલોનાં સીધાં જવાબ કેમ ના આપ્યાં.. એ વિચારતાં વિચારતાં આલિયા ઘણો સમય સોફામાં જ બેસી રહી. જમવાની ઈચ્છા નહોતી એટલે આલિયાએ કોફી બનાવી.. કોફી પીતાં પીતાં આલિયાએ ટીવી ચાલુ કર્યું અને સેટ મેક્સ પર આવતું સૂર્યવંશમ મુવી જોવાં લાગી.
મુવી જોતાં જોતાં પણ આલિયાનું મગજ સતત અમન અને અપૂર્વ વિશે શું સંબંધ હતો એ વિચારો કરી રહ્યું હતું.. કોઈકાળે પોતાની મમ્મી ની આપેલી રિંગ આમ કોઈ ફ્રોડ ચોરી કરીને તો ના જ લઈ જઈ શકે એવો મક્કમ નિર્ધાર આલિયા કરી ચુકી હતી.. અને આ સાથે જ પોતે ફરીવાર અપૂર્વ ને મળવા જશે એવું નક્કી કરી રાતનાં બે વાગે એ પોતાનાં બેડરૂમમાં સુવા માટે ગઈ.
આલિયા સવારે દસ વાગે તો પોતાની કારને હંકારી અપૂર્વ ની જુહુ સ્થિત વોરિયર હબમાં આવેલી બ્રાઈટ કોર્પોરેશન નામની ઓફિસ તરફ ચાલી નીકળી.. આલિયા એ પોતાનાં ઘરે આવેલાં કવરમાં મોજુદ ફોટોગ્રાફ પણ સાથે લીધાં હતાં.. જેથી અપૂર્વ ને એ ફોટોગ્રાફ બતાવીને એની જોડે જે વ્યક્તિ છે એનું નામ અમન જ છે કે બીજું કંઈ..? અને એ વ્યક્તિ અત્યારે ક્યાં હશે..? એ અનુસંધાનમાં સવાલો કરી શકાય.
બે કલાક ની સફર બાદ આખરે આલિયા અપૂર્વ ની ઓફિસ જે બિલ્ડીંગમાં હતી એનાં બેઝમેન્ટમાં પોતાની કાર લઈને પહોંચી ગઈ.. કારને બેઝમેન્ટમાં પાર્ક કરી આલિયા લિફ્ટ મારફતે ત્રીજા માળે જઈ પહોંચી જ્યાં અપૂર્વ અગ્નિહોત્રી ની ઓફિસ હતી.
ઓફિસનો પ્યુન આલિયા ને ત્યાં આવી પહોંચેલી જોઈ નવાઈ પામી ગયો.. એને આલિયાને બહાર લોન્જ માં બેસવાનું કહ્યું અને પછી અપૂર્વ ની રજા મળતાં આલિયાને અપૂર્વ ની કેબિનમાં જવાં માટે જણાવ્યું.. આ સાથે જ આલિયા ફટાફટ ડગ માંડતી અપૂર્વની કેબિન તરફ આગળ વધી.
એક તરફ આલિયા અમન અને અપૂર્વ વચ્ચે શું સંબંધ હતો એ જાણવા અપૂર્વ ની ઓફિસ આવી પહોંચી હતી તો બીજી તરફ પોતાનાં ઓફિસમાં લાગેલાં સીસીટીવી કેમેરાની ફુટેજને લેપટોપ માં જોઈ રહેલો અપૂર્વ આલિયા ને ત્યાં જોઈ થોડો ગભરાઈ ગયો.. આજે ફરીવાર આલિયા ત્યાં કેમ આવી હતી એ જાણવાં ની ઉત્સુકતા સાથે અપૂર્વ પોતાની કેબિનમાં બેસી થોડી સ્વસ્થતા ધારણ રોલિંગ ચેરનાં ટેકે બેઠો.
આલિયા નાં અંદર આવતાં જ અપૂર્વ તો બીજું વિચારવાનું પડતું મૂકી એની ખુબસુરતીમાં ખોવાઈ ગયો.. બ્લેક જીન્સ અને વ્હાઈટ ટીશર્ટ પહેરીને આવેલી આલિયા નાં શારીરિક અંગોની બનાવટ જોઈને અપૂર્વ નું મન સુન્ન મારી ગયું હતું.. શરીર ને ચીપકીને પહેરેલી ટીશર્ટ માં આલિયાનાં સ્તનપ્રદેશ ની બનાવટ અપૂર્વ ને સ્પષ્ટ દેખાતી હતી. પોતાનાં મનમાં ઉમટી આવેલાં વાસના નાં ઘોડાપુર ને કાબુમાં રાખી અપૂર્વ પાછો હકીકતની દુનિયામાં આવ્યો અને આલિયાને ખુરશીમાં સ્થાન લેવાં માટે આગ્રહ કર્યો.
આલિયા જેવી જ ખુરશીમાં ગોઠવાઈ એ સાથે જ અપૂર્વ ને થોડી પણ રાહ જોયાં વગર સીધો સવાલ કર્યો.
"આજે ફરીવાર અહીં આવવાનું કારણ..? લાગે છે મારી તમને અહીં જોબ કરવાની ઓફર યોગ્ય લાગી હશે..? જોઓ સેલરી પણ તમને બીજી જગ્યા કરતાં સારી જ મળશે.. "
"ના રે મારો અહીં જોબ કરવાનો કે કામ વગર બે મિનિટ પણ બેસવાનો કોઈ ઈરાદો છે mr. અપૂર્વ અગ્નિહોત્રી.. "પોતાની જ કેબિનમાં આવી કોઈ આટલી રુક્ષ રીતે પોતાની સાથે વાત કરે એ વાત અપૂર્વ ને થોડી ખટકી જરૂર.. પણ અત્યારે એ બધું મનમાંથી નીકાળી અપૂર્વ એ આલિયા ની ભણી જોઈને પૂછ્યું.
"તો પછી આમ ઓચિંતું અહીં આવી ચડવાનું કારણ..? મેં કાલે જ કહ્યું કે અહીં કોઈ અમન વર્મા કરીને વ્યક્તિ નથી.. તો પછી આમ અહીં આવવાનું કોઈ ખાસ કારણ.. "હવે અપૂર્વ પણ થોડો કડકાઈ સાથે બોલ્યો.
"કારણ છે અને એ પણ ઘણું વ્યાજબી છે.. "આટલું કહી આલિયાએ પોતાનાં પર્સની ચેન ખોલી અને અંદરથી ગઈ કાલે પોતાને મળેલાં કવરની અંદરથી અમન અને અપૂર્વ નાં જોડે ખેંચેલા ફોટોગ્રાફ નીકળ્યાં હતાં એને બહાર નીકાળી અપૂર્વની તરફ ટેબલ ઉપર ફેંકતા બોલી.
જેવી અપૂર્વ ની નજર આલિયા એ પોતાની તરફ ફેંકેલાં ફોટો પર પડી એવી જ એની આંખો પહોળી થઈ ગઈ.. અપૂર્વ નાં ચહેરા પર ડર અને નવાઈ નાં બેવડા ભાવ ઉમટી પડ્યાં.. આ ત્રણેય ફોટોમાં પોતે એક વ્યક્તિ સાથે લગોલગ એ રીતે ઉભો હતો જાણે એ વ્યક્તિ એનો પરિચિત ના હોય.
"જોઈ લો.. આ ફોટો ને.. આની અંદર જે વ્યક્તિ દેખાય છે એને જ મને પોતાની ઓળખાણ આ કંપનીનાં મલિક તરીકે આપી હતી.. અને એને પોતાનું નામ કહ્યું હતું અમન વર્મા.. હવે તમે જણાવો કે આ વ્યક્તિનું નામ અમન જ છે કે બીજું કાંઈ..? અને આ તમારી સાથે ફોટોમાં મોજુદ વ્યક્તિ અત્યારે ક્યાં મળશે..? "
આલિયા નાં આમ પૂછતાં જ અપૂર્વ ટેબલ પર પડેલ ફોટોગ્રાફ ને પોતાનાં હાથમાં લઈ નીરખી નીરખીને જોવાં લાગ્યો.. થોડો સમય એ ફોટો ને જોયાં બાદ અપૂર્વ હસતાં હસતાં એ ફોટોને આલિયા ને પરત સોંપતા બોલ્યો.
"લાગે છે કોઈએ તમને ઉલ્લુ બનાવ્યાં છે.. અને જેને પણ કર્યું એ ફોટોશોપ અને ફોટો એડિટિંગ નો માસ્ટર છે.. અને એટલે જ એને આટલી સિફતથી એવાં વ્યક્તિ સાથે મારી ફોટો સેટ કરી દીધી જેને હું ક્યારેય મળ્યો જ નથી.. "
અપૂર્વ નાં ચહેરા પરથી આલિયા એટલું તો સમજી ચુકી હતી કે અપૂર્વ કોઈ મોટું રહસ્ય છુપાવી રહ્યો હતો.. અમન ને પોતે ઓળખતો જ નથી આ વાત જયારે અપૂર્વનાં મોંઢે આલિયા એ સાંભળી ત્યારે તો એનું દિમાગ હિલોળે ચડી ગયું.
સામે બેસેલો વ્યક્તિ એટલો તો વગદાર હતો કે એની જોડે સત્ય શું અને અસત્ય શું..? એ વિશે જાણવાં વધુ માથાકૂટ ના કરી શકાય.. એમાં પણ એની પોતાની જ ઓફિસમાં તો નહીં જ. અપૂર્વ સાથે વધુ કંઈપણ સીધી રીતે જાણવું શક્ય નહોતું એ આલિયા જાણી ચુકી હતી.. અપૂર્વ એ આપેલી કોફી પીવાની ઓફર ઠુકરાવી આલિયા પોતાનાં કોટેજ તરફ જવાં રવાના થઈ ગઈ.
દરેક વખતે પોતે અમુક સવાલો નાં જવાબ શોધવા અપૂર્વ ની ઓફિસ પહોંચતી અને આગળ નાં સવાલોનાં યોગ્ય જવાબ મળવાનાં બદલે બીજાં નવાં સવાલો સાથે એ ત્યાંથી પાછી નીકળતી.
આલિયા નાં પોતાની કેબિનમાંથી નીકળતાં જ અપૂર્વએ પોતાનો મોબાઈલ નંબર હાથમાં લીધો અને કોઈક ને કોલ લગાવ્યો.. સામે છેડેથી કોલ રિસીવ થતાં જ અપૂર્વ બોલ્યો.
"હનીફ અર્જુન અગ્નિહોત્રી વાત કરું.. હમણાં જ એક વ્હાઈટ ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલી ખુલ્લાં વાળ ધરાવતી યુવતી નીચે આવશે.. તારે એ યુવતીનો પીછો કરવાનો છે અને એની વિશે રજેરજની માહિતી એકઠી કરી મારી સુધી પહોંચાડવાની છે.. "
"તમારું સોંપેલું કામ થઈ જશે સાહેબ.. "અપૂર્વ એ જેને કોલ કર્યો હતો એ હનીફ નામનાં વ્યક્તિએ આટલું કહી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.
આલિયા કોઈ અણધારી મુસીબત સ્વરૂપે અપૂર્વની જીંદગીમાં આવી ચડી હતી.. એ અપૂર્વ ને જોતાં જ સમજી શકાતું હતું. સતત અપૂર્વ આલિયા નાં પોતાની ઓફિસમાં આવવાનાં કારણ વિશે વિચારી રહ્યો હતો.. અપૂર્વનાં મોબાઈલ પર હનીફ નો થોડીવારમાં એ જણાવવા કોલ આવ્યો કે પોતે અપૂર્વ દ્વારા કહેવામાં આવેલી યુવતીનો પીછો ચાલુ કરી દીધો છે.
આલિયાનાં ત્યાંથી ગયાં ને અડધો કલાક વીતી ગયો હોવાં છતાં અપૂર્વ અગ્નિહોત્રી પોતાની પર્સનલ કેબિનમાં વિચારમંથન કરતો બેસી રહ્યો.. આખરે હવે એને કંઈક નવું સૂઝ્યું અને અપૂર્વ એ પોતાનો ફોન હાથમાં લઈને એક નંબર ડાયલ કર્યો અને સામે છેડેથી કોલ રિસીવ કરાતાં જ બોલ્યો.
"યાર, કંઈક મોટી ગરબડ થઈ ગઈ હોય એવું લાગે છે.. સાથે-સાથે નજીકમાં કોઈ મોટી મુસીબત આવવાનાં એંધાણ પણ મારી છઠ્ઠી ઇન્દ્રિય મને આપી રહી છે.. "!!
★★★
વધુ આવતાં ભાગમાં.
આલિયા સાથે ભવિષ્યમાં શું બનશે..? . અપૂર્વ એ કોને ફોન કર્યો હતો..? શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? અમન અને અપૂર્વ વચ્ચે શું સંબંધ હતો. ? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ થ્રિલર નોવેલનો નવો ભાગ.
હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.
આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
~જતીન. આર. પટેલ (શિવાય)
***