ધ રીંગ - 10

The ring

( 10 )

પોતાની મમ્મી દ્વારા આપવામાં આવેલી ડાયમંડ રિંગ શોધવાની પળોજણમાં આલિયા નાં જીવ ઉપર ત્યારે બની આવે છે જ્યારે હનીફ અપૂર્વને આલિયા એનો પીછો કરતી હોવાની અને પોલીસ સ્ટેશન ગઈ હોવાની માહિતી આપે છે જે સાંભળી અપૂર્વ હનીફ ને આલિયા ની હત્યાની સુપારી આપી દે છે. આલિયા ની હત્યા કરવાં પહોંચેલો હનીફ આલિયા નાં રૂપને જોઈ મોહી જાય છે જ્યાં આલિયા એને છેતરીને ભાગી છૂટે છે.. હનીફથી બચવા દોડતી આલિયાની ટક્કર એક વાહન સાથે થાય છે અને એ ઘાયલ થઈને જમીન પર પડે છે.

આલિયાની સામેથી આવી રહેલી સ્કોર્પિયો ગાડી સાથે ની ટક્કર એટલી જોરદાર હતી કે આલિયા ગંભીર હાલતમાં ઘવાઈને જમીન પર પડી.. આલિયા સાથે સ્કોર્પિયો ની ટક્કર થતાં સ્કોર્પિયો નો ડ્રાઈવર ગાડીમાંથી હેઠે ઉતર્યો અને આલિયાની તરફ ભાગ્યો.. સ્કોર્પિયો ની હેડલાઈટ માં એ વ્યક્તિનો ચહેરો જોતાં જ હનીફ નાં હાથ પગ ઠંડા પડી ગયાં અને એ એક વૃક્ષ ની આડ લઈને છુપાઈ ગયો.

એ સ્કોર્પિયો ચલાવનાર બીજું કોઈ નહીં પણ દાદર પોલીસ સ્ટેશનનો પી. એસ. આઈ ગોપાલ ઠાકરે હતો.. પોતાનાં લીધે એક યુવતી રોડ ઉપર ગંભીર ઘવાઈને પડી હતી એ જોઈ ગોપાલ ને ચિંતા થઈ અને ગોપાલે ઊંધા મોંઢે પડેલી આલિયા ને સીધી કરી એને થયેલી ઈજા કેટલી ગંભીર છે એ જોયું.. આલિયા નાં કપાળમાંથી લોહી દડદડ વહી રહ્યું હતું.. દર્દથી કણસતાં આલિયાએ અર્ધખુલલી આંખે ગોપાલ નો ચહેરો જોયો અને "ગોપાલ.. ગોપાલ.. "આટલું બોલતાં જ બેહોશ થઈને ઢળી પડી.

આલિયા આમ કેમ દોડી રહી હતી એ વાતનું ગોપાલને આશ્ચર્ય થયું.. નક્કી કોઈક તો એનો પીછો કરી રહ્યું હતું એ ગોપાલ નું પોલીસ દિમાગ એને કહી રહ્યું હતું.. ગોપાલે આજુબાજુ નજર કરી પણ કોઈ નજરે ના ચડ્યું.. અને હાલ તો સૌથી પહેલું કામ આલિયા ને વહેલી તકે હોસ્પિટલમાં પહોંચાડવાનું લાગતાં ગોપાલે આલિયા ને ઊંચકી અને પોતાની વચ્ચેની સીટમાં સરખી રીતે સુવડાવી દીધી.. ગોપાલ ત્યારબાદ ડ્રાઈવિંગ સીટમાં ગોઠવાયો અને યુટર્ન લઈ સ્કોર્પિયો હોસ્પિટલ તરફ ભગાવી મૂકી.

આલિયા ને બેહોશીની હાલતમાં પોતાની સાથે લઈને જતાં ગોપાલને જોઈ હનીફ નો જીવ તાળવે ચોંટી ગયો.. પોતે જ્યાં છુપાયો હતો ત્યાં છુપાવાનો કોઈ ફાયદો નહોતો એ જાણતો હોવાથી હનીફ ત્યાંથી નીકળી પોતાની બાઇક જ્યાં પાર્ક હતી ત્યાં આગળ વધ્યો.. અને થોડીવારમાં બાઇક લઈને ત્યાંથી રવાના પણ થઈ ગયો. અહીં જે કંઈપણ થયું એ વિશે પોતે અપૂર્વ ને સવારે જણાવશે એવું હનીફે મનોમન નક્કી કરી લીધું.

ગોપાલ સ્કોર્પિયો ભગાવતી વખતે પણ વારંવાર વચ્ચેની સીટમાં બેહોશીની હાલતમાં પડેલી આલિયાને નિહારી રહ્યો હતો.. ગોપાલ ની સ્કોર્પિયો જોડે આમ અજાણતાં જ આલિયાનું ટકરાવું એક અકસ્માત જ હતો.. પણ ગોપાલનું ત્યાં આવવું કોઈ અકસ્માત નહોતો જ.. હકીકતમાં ગોપાલ આલિયા ને મળવા એનાં કોટેજ તરફ જ આવી રહ્યો હતો ત્યારે જ આ દુર્ઘટના ઘટિત થઈ.

વાત એમ બની કે ગતરોજ જ્યારે આલિયા ગોપાલને મળવા દાદર પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે ગોપાલ એને ના મળ્યો અને એ ત્યાંથી પાછી આવી ગઈ.. બીજે દિવસે ગોપાલ ડ્યુટી પર આવ્યો ત્યારે આલિયા નાં આગમન વખતે જે ઈન્ચાર્જ ઓફિસર હતાં એમને ગોપાલને જણાવ્યું કે એક છોકરી ગોપાલને મળવાં આવી હતી. પણ પોતે ના હોવાથી એ છોકરી ત્યાંથી કંઈપણ કહ્યાં વગર નીકળી ગઈ.

ગોપાલ ને એ છોકરી કોણ હતું એ જાણવાની ઇંતેજારી તો હતી પણ ભારત અને સાઉથ આફ્રિકાની ક્રિકેટ મેચનાં લીધે વાનખેડે સ્ટેડિયમમાં ઓન ડ્યુટી હોવાથી ગોપાલને ત્યાંથી નીકળી જવું પડ્યું.. પણ જ્યારે મેચ પૂર્ણ થતાં સાડા નવ વાગ્યાં આજુબાજુ ગોપાલ પાછો પોલીસ સ્ટેશન આવ્યો.. આજે રાતનાં બાર વાગ્યાં સુધી રોકાવું પડે એમ હોવાથી ગોપાલે જમવાનું ઓર્ડર કરી દીધું.

જમવાનું આવે ત્યાં સુધી પોતાને કોણ મળવાં આવ્યું હતું એ જાણવાની બેતાબી થતાં ગોપાલે ગઈકાલ સાંજની સીસીટીવી ફૂટેજ પોતાનાં કોમ્પ્યુટરમાં ચેક કરી.. પોતાને મળવા આવેલ છોકરી પોતાની પ્રિયતમ, પોતાની સ્વપ્ન સુંદરી આલિયા હતી એ ગોપાલને વિશ્વાસ નહોતો આવી રહ્યો.. જે પ્રકારે એનો અને આલિયા નો સંબંધ પૂર્ણ થયો હતો એ પછી તો આલિયા સામેથી પોતાને મળવા આવે એવી કોઈ આશા જ ન હોવાથી આલિયા નું આમ અચાનક ત્યાં આવી પહોંચવું દર્શાવી રહ્યું હતું કે આલિયા કોઈ મોટી મુસીબતમાં હતી.. અને એ મુસીબત કઈ હતી એ તો ફક્ત આલિયા જ જણાવી શકે.

ગોપાલ સાથે આલિયા એ જે પણ કંઈ ભૂતકાળમાં કર્યું હતું એ જો કોઈ અન્ય વ્યક્તિ હોત તો શાયદ પોતાનાં દિલમાં આલિયા માટે ફક્ત નફરત જ રાખત.. પણ આ ગોપાલ નો આલિયા તરફનો પ્રેમ જ હતો જેનાં લીધે ગોપાલ હજુ પણ આલિયા ને એટલો જ બેપનાહ પ્રેમ કરતો હતો જેટલો પ્રેમ કોલેજકાળ દરમિયાન કરતો હતો.

આલિયા નો ફોન નંબર તો ગોપાલ જોડે હતો નહીં પણ પોતાની અને આલિયાની કોલેજ સમયની ખાસ મિત્ર ચાંદની જોડેથી ગોપાલે આલિયા નાં ઘરનું એડ્રેસ મેળવી લીધું.. ચાંદની એ આલિયા નો કોન્ટેકટ નંબર પણ આપ્યો હતો પણ ગોપાલે પ્રયાસ કરતાં એ નંબર સ્વીચઓફ આવ્યો.. હવે આલિયા કેમ પોલીસ સ્ટેશનમાં પોતાને મળવા આવી હતી અને એ કઈ મુસીબતમાં હતી એ જાણવાં ગોપાલ જોડે એક જ ઉપાય વધ્યો હતો જે હતો આલિયા નાં ઘરે રૂબરૂ જવું.

આ સાથે જ પોતાની મનની માનીતી અને જીવ થી પણ અધિક વ્હાલી આલિયા ની મદદ કરવાં ગોપાલ પોતાની સ્કોર્પિયો લઈને એકલો જ નીકળી પડ્યો.. કોલેજમાં ગોપાલનો જે દેખાવ હતો એનાં કરતાં અત્યારે એ સાવ નોખો જ લાગતો હતો.. ક્યાં કોલેજ વખતનો સાવ સુકલકડી દેહ ધરાવતો અને સાદાઈથી જીવતો ગોપાલ અને ક્યાં અત્યારનો ઇન્સ્પેક્ટર ગોપાલ.

મોટી ભરાવદાર મૂછો, ફૂલેલા બાવડાં, મજબુત શરીર અને એની ઉપર પોલીસ ની વર્દી.. આ બધું મળીને ગોપાલને સિંઘમનો અજય દેવગણ બનાવવાં કાફી હતી.. આ સિવાય ગોપલે પોતાની ફરજનિષ્ઠા નાં જોરે પોલીસ વર્તુળમાં પોતાની નોન કરપ્ટ અને કામ માટે સદાય સમર્પિત એવાં પોલીસ ઓફિસર ની અમીટ છાપ ઉભી કરી હતી.

કોલેજ પૂર્ણ કર્યા બાદ ગોપાલનું સપનું હતું કે દેશની સેવા કરવી.. આમ તો ગોપાલ આર્મીમાં જોડાવાનું વિચારતો હતો પણ સમાજમાં રહેલી બદીઓને દૂર કરવાં માટે સમાજમાં રહેવું જરૂરી હતું અને એ હેતુથી જ ગોપાલ પોલીસ તંત્ર ની ભરતી માટેની પરીક્ષાઓ ની તૈયારી કરવાં લાગ્યો.. પોતાની મહેનત અને લગન નાં જોરે ગોપાલે પી. એસ. આઈ ની એક્ઝામ માં ટોપ કર્યું. ગોપાલની ડ્યુટી પહેલાં દોઢ વર્ષ દરમિયાન નાગપુર હતી અને પછી બે વર્ષ સતારા.. છેલ્લાં છ મહિના પહેલાં જ ગોપાલ ની ડ્યુટી દાદર પોલીસ સ્ટેશનમાં થઈ હતી.

ખુબજ ટૂંકાગાળામાં ગોપાલ પોતાની મહેનત અને કાર્યનિષ્ઠા નાં લીધે ગુનેગારો માટે ભય નો પર્યાય બની ચુક્યો હતો. બોમ્બે ગોઆ વચ્ચે માફિયાઓ દ્વારા ચાલતાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યાં બાદ તો મુંબઈ નાં ઘણાં ન્યૂઝપેપરમાં ગોપાલ વિશેનાં ઘણાં ન્યૂઝ છપાયાં. દાદર સમેત દાદરનાં આસપાસનાં વિસ્તારમાં ચાલતાં મોટાભાગના દૂષણો નાથવામાં ગોપાલ સફળ રહ્યો હતો.

પોતે જે આલિયા ની મદદ માટે આવ્યો હતો એ પોતાનાં જ વેહિકલની ટક્કરથી ગંભીર હાલતમાં પહોંચી ગઈ હોવાનો પસ્તાવો ગોપાલનાં ચહેરા પર સ્પષ્ટ ઝળકી રહ્યો હતો.. ગોપાલે હવાની સાથે વાતો કરતી હોય એ ઝડપે પોતાની સ્કોર્પિયો ને ભગાવી અને નજીકની હોસ્પિટલ આગળ લાવીને ઉભી કરી દીધી.

સ્ટ્રેચર મંગાવવામાં સમય વ્યર્થ કરાય એમ નહોતો એટલે ગોપાલે સ્કોર્પિયો સાઈડ માં પાર્ક કરી અને આલિયા ને પોતાનાં બાહુપાશમાં ઊંચકી હોસ્પિટલની અંદરની તરફ ભાગ્યો.. ગોપાલ અત્યારે પોલીસ યુનિફોર્મમાં હોવાથી કોઈએ એને રોક્યો નહીં.. ઉલટાનું એક ડોકટર અને ત્રણ-ચાર હોસ્પિટલ સ્ટાફનાં માણસો ગોપાલની મદદે આવ્યાં.

સ્ટાફ નાં માણસો ની મદદથી આલિયા ને ઈમરજન્સી રૂમમાં પહોંચાડયાં બાદ ફરજ પરનાં ડોક્ટરે ગોપાલને ધીરજ રાખવાનું કહી બહાર બેસવા કહ્યું.. પોતે પોતાનાથી બનતી મદદ કરશે એવું વચન ઇમરજન્સી રૂમમાં જતાં-જતાં ડોકટર એને આપતાં ગયાં.

ડોક્ટરે ધીરજ તો ધરવાનું કહ્યું પણ જ્યારે તમારું કોઈ અંગત આવી હાલતમાં હોય ત્યારે કઈ રીતે ધીરજ બાંધી શકાય..? અને એમાં પણ તમે જ જાણે અજાણે એની આવી હાલત માટે જવાબદાર હો તો પછી તો મનમાં ગ્લાનિ ની સાથે દર્દ પણ ભળી જાય.

ગોપાલ ઇમરજન્સી વોર્ડ ની બહાર જ વ્યગ્ર ચહેરે આંટાફેરા મારતો અંદરથી આલિયા ની સ્થિતિ વિશે સારાં સમાચાર મળે એવી પ્રભુને પ્રાર્થના કરી રહ્યો હતો.. સતત અડધો કલાક સુધી ક્યારેક સ્ટાફ નાં માણસો બહાર આવતાં તો ક્યારેક ડોકટર.. પણ હજુ સુધી એ કોઈ નહોતું જણાવતું કે આલિયાને હવે કેમ છે.

અચાનક આલિયાની સારવાર કરતાં તબીબ અને રીસેપ્શન કાઉન્ટર પર બેસેલી યુવતી વચ્ચે થયેલી વાતચીત ગોપાલનાં કાને પડી.

"જેમ બને એમ જલ્દી બીજી બે બોટલ લોહીની વ્યવસ્થા કરો.. "ડોક્ટરે કહ્યું.

"પણ સર, હવે એ બ્લડ ગ્રુપનું લોહી આપણી હોસ્પિટલમાં કે નજીકની કોઈ બ્લડ બેંકમાં ઉપલબ્ધ નથી.. જે. કે હોસ્પિટલમાં વાત થઈ તો ત્યાં આ બ્લડ ગ્રુપનું લોહી મોજુદ હોવાનું તો ત્યાંથી જાણવા મળ્યું.. પણ ત્યાંથી લોહી અહીં સુધી પહોંચતાં ઓછામાં ઓછો અડધો કલાક તો ખરો.. "કાઉન્ટર પર બેસેલી યુવતી બોલી.

"એટલો સમય નથી આપણી જોડે.. જો પાંચ મિનિટમાં લોહી ની વ્યવસ્થા નહીં થાય તો શાયદ એ યુવતી નહીં બચે.. "ડોકટર નાં અવાજમાં સ્થિતિની ગંભીરતા અને ચિંતા બંને મોજુદ હતાં.

ડોકટર અને રીસેપ્શન કાઉન્ટર પર બેસેલી યુવતી વચ્ચેનો આ વાર્તાલાપ સાંભળી ગોપાલનાં હૈયે મોટો ધ્રાસકો પડ્યો.. પોતાની જીવથી વધુ વ્હાલી આલિયા મોત ની કગાર પર આવીને ઉભી હતી એ જાણીને ગોપાલ નું હૃદય વલોપાત કરવાં લાગ્યું.. !

★◆★

વધુ આવતાં ભાગમાં.

આલિયા બચી જશે કે નહીં. ? શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? અમન અને અપૂર્વ વચ્ચે શું સંબંધ હતો. ? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

maya

maya 4 અઠવાડિયા પહેલા

Vedant Patel

Vedant Patel 4 અઠવાડિયા પહેલા

nihi honey

nihi honey 2 માસ પહેલા

Mansi

Mansi 3 માસ પહેલા

Binaben Salkiya

Binaben Salkiya 3 માસ પહેલા