ધ રીંગ - 19 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ રીંગ - 19

The ring

( 19 )

અમન સાથે રીનાનાં ડાયવોર્સ થઈ શકે એ હેતુથી રીના અને અપૂર્વ એક યોજનાને સફળતાપૂર્વક અંજામ આપે છે.. પણ એક અકસ્માતમાં અમનનું મોત થાય છે જે હકીકતમાં અપૂર્વ નું કાવતરું હોય છે એવી ખબર છતાં અપૂર્વ નાં પ્રેમમાં આંધળી બનેલી રીના એની સાથે લગ્નનું નક્કી કરી દે છે. આલિયા ગોપાલ પોતાની સાથે જોડાયેલું બધું સત્ય જણાવી દે છે. એકતરફ હનીફ મુંબઈ છોડવાની તૈયારી કરી રહ્યો હતો તો બીજી તરફ ગોપાલ એને પકડવા પોતાની ટીમ સાથે નીકળી પડ્યો હતો.

અપૂર્વ દ્વારા પૈસા પહોંચાડવાની રાહ જોઇને બેસેલો હનીફ વારંવાર પોતાની ઘડિયાળ જોઈ રહ્યો હોય છે.. લગભગ છ વાગે હનીફ ને અપૂર્વ દ્વારા રૂપિયા સાત લાખ ભરેલું એક પર્સ પહોંચતુ કરવામાં આવ્યું એટલે હનીફે પોતાની કુરિયર ઓફિસનું શટર બંધ કર્યું અને નીકળી પડ્યો રેલવે સ્ટેશન તરફ.

હનીફ જ્યાં રેલવે સ્ટેશન જવા નીકળ્યો ત્યાં ગોપાલ એની કુરિયર ઓફિસ જઈ પહોંચ્યો.. ઓફિસનું બંધ થયેલું શટર જોઈ ગોપાલને અંદાજો તો આવી ગયો હતો કે હનીફ એનાં આવ્યાં પહેલાં ફરાર થઈ ગયો.. આજુબાજુ ની ઓફિસોમાં પુછપરછ કરતાં માલુમ પડ્યું કે હનીફ હમણાં જ વીસેક મિનિટ પહેલાં જ બેગ લઈને અહીંથી નીકળ્યો હતો.

ગોપાલે એક ક્ષણ નો પણ વ્યય કર્યાં વગર રોની ને કોલ કરી હનીફનો નંબર સર્વિલન્સ પર રાખવાનું સુચન કર્યું.. રોની એ જણાવ્યું કે હનીફ દાદર રેલવે સ્ટેશનમાં મોજુદ છે તો ગોપાલે ફટાફટ પોતાની સ્કોર્પિયો ને દાદર રેલવે સ્ટેશનની દિશામાં ભગાવી મુકી.

દાદર રેલવે સ્ટેશન પહોંચતાં જ ગોપાલ પોતાની સ્કોર્પિયોમાંથી નીચે ઉતર્યો અને પોતાની સાથે આવેલાં ત્રણેય કોન્સ્ટેબલો ને પોતાની સાથે આવવાં કહ્યું.. પણ જેવો ગોપાલ પ્લેટફોર્મ તરફ આગળ વધ્યો ત્યારે રેલવે સ્ટેશન પર મોજુદ જનમેદની ને જોઈ એની આંખો ફાટી ગઈ.. આ ઓફિસ છૂટવાનો સમય હોવાથી હજારો લોકો અત્યારે પ્લેટફોર્મ પર મોજુદ હતાં.. હવે આ ભીડમાં હનીફ ને શોધવો એ રૂ નાં ઢગલાંમાંથી સોય શોધવા જેટલું અઘરું કામ હતું.

હજુપણ ગોપાલ અને રોની વચ્ચે ફોન કોલ ચાલુ જ હતો. જેમાં રોની ગોપાલને હનીફની મોબાઈલ લોકેશન દ્વારા હનીફ સુધી ગાઈડ કરી રહ્યો હતો.. ગોપાલ જ્યારે પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર હતો ત્યારે એને રોનીએ કહ્યું કે હનીફનાં મોબાઈલનું લોકેશન પ્લેટફોર્મ નંબર દસ ઉપર સ્થિર થઈ ગયું છે.. જેનો અર્થ ગોપલ ને એ સમજાયો કે હનીફ નક્કી ત્યાંથી ટ્રેઈન પકડવાનો હતો.

આ સાથે ગોપાલ વાયુ વેગે પ્લેટફોર્મ નંબર દસ તરફ આગળ વધ્યો.. રસ્તામાં ઘણાં લોકો ને અથડાતાં અથડાતાં ગોપાલ શક્ય એટલી ઝડપે પ્લેટફોર્મ નંબર દસ તરફ આગળ વધી રહ્યો હતો.. હજુ ગોપાલ માંડ છ નંબરનાં પ્લેટફોર્મ પર પહોંચ્યો ત્યાં એનાં કાને એનાઉન્સમેન્ટ સંભળાયું કે પ્લેટફોર્મ નંબર દસ ઉપરથી ઉપડતી જયપુર જતી ટ્રેન હવે પ્લેટફોર્મ છોડી રહી છે.

હનીફ મૂળ અજમેર નો હતો એ એનાં ક્રાઈમ રેકોર્ડ પરથી ગોપાલ ને ખબર હતી.. એટલે જેવું એનાઉન્સમેન્ટ ગોપાલનાં કાને પડ્યું એ સાથે જ ગોપાલે અનુમાન લગાવી લીધું કે હનીફ નક્કી એ ટ્રેઈનમાં બેસી મુંબઈ છોડવાની ફિરાકમાં હતો. ગોપાલ જ્યારે દસ નંબરનાં પ્લેટફોર્મ પર પહોંચ્યો ત્યારે જયપુર જતી ટ્રેઈન ધીરે-ધીરે પ્લેટફોર્મ છોડી રહી હતી.. ગોપાલ જેવો સહેજ આગળ વધ્યો ત્યાં એની નજર ટ્રેઈનનાં ડબ્બે લબડતાં હનીફ ઉપર પડી.

એ જ સમયે હનીફની નજર પણ ઈન્સ્પેકટર ગોપાલ અને એની સાથે રહેલાં ત્રણ કોન્સ્ટેબલો પર પડી.. પહેલાં તો ગોપાલ છેક અહીં સુધી કઈ રીતે પહોંચી ગયો એ વાત જ હનીફને ખબર ના પડી.. પણ હવે આ જ ગતિમાં ટ્રેઈન થોડો સમય ચાલવાની હતી અને ત્યાં સુધીતો ગોપાલ દોડીને પોતે જેમાં હતો એ ડબ્બા સુધી પહોંચી જશે એમ વિચારતાં જ હનીફ થોડો ડરી ગયો.

ગોપાલ હનીફને જોતાં જ હાથમાં રિવોલ્વર લઈ એની તરફ આગળ વધી રહ્યો હતો.. એકાદ મિનિટમાં તો પોતે ગોપાલની ગિરફતમાં હશે એ અંદાજો લગાવતાં હનીફનાં અપરાધી દિમાગમાં એક શાતીર વિચારે જન્મ લીધો.. હનીફે જોયું કે પ્લેટફોર્મ પર હજુએ પોતાનાં સ્નેહીજનો ને મૂકવાં આવેલાં ઘણાં લોકો મોજુદ હતાં, એ જોતાં જ હનીફે પોતાની બેગમાંથી અપૂર્વએ આપેલાં રૂપિયામાંથી 500-500 ની નોટો નાં બે બંડલ કાઢયાં અને એ પૈસા પ્લેટફોર્મ પર ઉડાડી દીધાં.

હનીફનાં આમ કરતાં જ લોકોનું પ્લેટફોર્મ ઊભેલું ટોળું રીતસરનું પાગલ થઈ ગયું અને પૈસા વીણવા ધક્કામુક્કી કરવાં લાગ્યું.. આ ટોળાં નાં લીધે ગોપાલનો રસ્તો રોકાઈ ગયો.. ગોપાલ જોરજોરથી બુમો પાડીને લોકોને રસ્તો કરવાનું કહી રહ્યો હતો પણ પૈસાની લાલચમાં અંધ બનેલી જનમેદની હવે પાગલ થઈ ચૂકી હતી.

ગોપાલ ને હવે લાગી રહ્યું હતું કે લોકોનાં ટોળાંને ચીરીને હનીફ મોજુદ હતો એ રેલવે કોચ સુધી પહોંચતાં પહોંચતાં ટ્રેઈન ગતિમાં આવી જશે અને પોતે હનીફને નહીં પકડી શકે.. પણ અચાનક ગોપાલે એક ત્વરિત નિર્ણય લીધો અને એ પોતાની નજીકનાં ડબ્બામાં ચાલતી ટ્રેઈને ચડી ગયો.. ડબ્બામાં ચડતાં જ ગોપાલે સીધી જ ટ્રેઈન ની ઈમરજન્સી ચેઈન ખેંચી લીધી.

આ સાથે જ ટ્રેઈન ની ઈમરજન્સી બ્રેક લાગી અને પાટા અને ટ્રેઈનનાં પૈડાં વચ્ચેનાં ઘર્ષણનાં જોરદાર ધ્વનિ નાદની સાથે જ ટ્રેઈન અટકી ગઈ.. ટ્રેઈન અટકે એ પહેલાં તો ગોપાલ ટ્રેઈનમાંથી ઉતરી પુનઃ હનીફ હતો એ ડબ્બા તરફ આગળ વધ્યો.. ગોપાલ દ્વારા જ આ ટ્રેઈન ને રોકવામાં આવી છે એ સમજવામાં હનીફને વાર ના થઇ અને એ તુરંત પોતાનાં ડબ્બામાંથી કૂદકો મારીને ઉતર્યો અને દોડવા લાગ્યો.

"હનીફ, ત્યાં જ ઉભો રે.. નહીં તો હું ગોળી મારી દઈશ.. "પોતાનાથી ત્રીસેક મીટર દૂર દોડતાં હનીફને ધમકી આપતાં ગોપાલે કહ્યું.

પણ હનીફ કંઈ સામાન્ય અપરાધી તો હતો નહીં કે જે ગોપાલની આ ધમકીથી ડરી જાય.. આટલાં બધાં લોકો વચ્ચે ગોળી ચલાવવાનું જોખમ ગોપાલ નહીં લે બાબત હનીફ સમજતો હતો. ગોપાલ ની આ ધમકી પોકળ છે એવું જાણતો હનીફ પોતાની બેગ ખભે ભરાવી પ્લેટફોર્મ ની સમાંતર દોડી રહ્યો હતો.. આગળ લોકોનું ટોળું મોજુદ હતું જ્યાં પહોંચી ફરીથી રૂપિયા ઉડાડી ગોપાલને આગળ વધતો રોકવાનો કીમિયો હનીફ મનમાં ઘડી ચુક્યો હતો.. અને ગોપાલને પણ થોડો અંદાજો તો આવી ગયો હતો કે હનીફ આવું કંઈક કરી શકે છે.

ગોપાલ મજબૂરીમાં હનીફ પર ગોળી છોડી શકે એમ નહોતો.. છતાં હવે ગુસ્સામાં આવીને ગોપાલે પોતાની રિવોલ્વરનું નિશાન હનીફનાં પગ ઉપર સાધ્યું અને ગોળી ચલાવવાની તૈયારી કરી.. ગોપાલ ગોળી ચલાવવાનો જ હતો ત્યાં ગોપાલે જોયું કે એક વ્યક્તિએ દોડતાં હનીફ નાં પગની આડે પોતાનો પગ લાવી દીધો જેનાં લીધે હનીફ જોરથી જમીન પર પટકાયો.

હનીફ પુનઃ સ્વસ્થ થઈ ઉભો થાય એ પહેલાં તો ગોપાલ એનાં સુધી પહોંચી ગયો અને રિવોલ્વર નું નાળચુ હનીફનાં માથે ધરી દીધું.. આમ થતાં જ હનીફે પોતાનાં બંને હાથ ઊંચા કર્યાં અને શરણાગતિ સ્વીકારી લીધી.

"આને હથકડીઓ પહેરાવી.. જીપમાં બેસાડો.. "પોતાની જોડે આવેલાં કોન્સ્ટેબલો ને આદેશ આપતાં ગોપાલ બોલ્યો.

કોન્સ્ટેબલો હનીફને હથકડીઓ પહેરાવી રહ્યાં હતાં ત્યારે ગોપાલ હનીફને પકડવામાં પોતાની મદદ કરનાર વ્યક્તિનો આભાર માનવા જતો હતો પણ ગોપાલે જોયું કે એ વ્યક્તિ લોકોનાં ટોળામાં ગુમ થઈ ગયો.. આમ થતાં જ ગોપાલે સામાન્ય નાગરિક તરીકે પોલીસ ની મદદ કરનાર એ વ્યક્તિનો મનોમન આભાર માનતાં કહ્યું.

"આભાર દોસ્ત.. "

હનીફ સતત પોલીસ સ્ટેશન જતાં ગોપાલને એક જ સવાલ કરી રહ્યો હતો કે "એને આખરે પકડવામાં કેમ આવ્યો છે..? એનો ગુનો આખરે શું છે..? . "

જેનાં પ્રત્યુત્તર માં ગોપાલ ફક્ત એટલું જ કહેતો કે બધું પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી જણાવું.. આખરે હનીફ ને લઈને ગોપાલ પોલીસ સ્ટેશન આવી ગયો.. રસ્તામાં ગોપાલે આલિયા ને કોલ કરી કહી દીધું હતું કે હમણાં ઈન્સ્પેકટર સતીશ એને ઘરે લેવાં આવે એટલે એની સાથે પોલીસ સ્ટેશન પહોંચી જાય.. અને સતીશ ને પણ કોલ કરી ગોપાલે પોતાનાં ઘરેથી આલિયા ને લઈને પોલીસ સ્ટેશન આવવાં જણાવી દીધું હતું.

હનીફને લઈ ગોપાલ જેવો પોલીસ સ્ટેશન પહોંચ્યો એની પાંચેક મિનિટ બાદ આલિયા ને લઈને સતીશ ત્યાં આવી પહોંચ્યો.. આલિયા ને ત્યાં જોઈ કોન્સ્ટેબલ રઘુ નાં મનમાં હજારો સવાલો ઉભાં થયાં જરૂર પણ એ ચૂપ રહ્યો.

આલિયા નાં આવતાં જ એને પોતાની સાથે લઈને ગોપાલ હનીફને જ્યાં પુરવામાં આવ્યો હતો એ કોટડીમાં જઈ પહોંચ્યો. કોટડીની બહાર થી જ આલિયાને કહ્યું.

"શું આ હતો એ રાતે જે તારી હત્યા કરવાં આવ્યો હતો..? "

આલિયા ઘણો સમય હનીફનો ચહેરો જોતી રહી પણ એ સમયે હનીફનાં ચહેરા પર નકાબ હોવાથી આલિયા એ વિશે સ્પષ્ટ નહોતી કે હનીફ જ એ રાતે પોતાની કોટેજ પર આવ્યો હતો.

"ગોપાલ મેં એ વ્યક્તિનો ચહેરો નહોતો જોયો.. એનાં ચહેરા પર નકાબ હતો.. "અસમંજસ ભરી સ્થિતિમાં આલિયા બોલી.

"ભલે તે એ વ્યક્તિનો ચહેરો નહોતો જોયો.. પણ તારે એવું જ કહેવાનું કે હા મેં એ વ્યક્તિનો ચહેરો જોયો હતો અને એ આ કોટડીમાં બંધ હનીફ જ હતો.. "ગોપાલે આલિયા તરફ જોઈ કહ્યું.. જેનાં જવાબમાં આલિયાએ હકારમાં પોતાની ગરદન હલાવી.

અંદર પહોંચતાં જ ગોપાલે હનીફ નાં માથાનાં વાળ પકડી એનો ચહેરો આલિયા ની તરફ કરતાં કહ્યું.

"ક્યારનોય પૂછતો હતો ને કે તારો ગુનો શું છે..? તને અહીં કેમ લાવવામાં આવ્યો..? તો જોઈલે આ યુવતી.. આ યુવતી જોડે બે દિવસ પહેલાં બળજબરી કરી અને પછી એની હત્યાનો પ્રયાસ પણ કર્યો. આ વિશે તને યાદ છે કે ભૂલી ગયો..? "

"હું નથી ઓળખતો આ કોણ છે.. અને તમે શેની વાત કરી રહ્યાં છો..? "એક રીઢો ગુનેગાર હોવાથી હનીફ સીધી રીતે કબૂલાત કરે એ વાતમાં વજન નહોતું.

"આ રહી તારાં ફોનની એ રાત દરમિયાનની લોકેશન.. જેનો અર્થ કે તું એ દિવસે ત્યાં જ હતો.. વધારામાં આ યુવતીએ તને ઓળખી લીધો છે.. તારાં બચવાનો કોઈ રસ્તો નથી માટે મહેરબાની કરીને જણાવી દે કે તને ત્યાં કોને મોકલ્યો હતો અને કેમ..? "ગોપાલ કઠોર અવાજમાં હનીફ ને ધમકાવતાં બોલ્યો.

"પણ ઈન્સ્પેકટર હું આ છોકરીને ઓળખતો જ નથી તો હું એની હત્યા કરવા શું કરવાં જાઉં..? .. મને લાગે છે તમે સાચાં ગુનેગાર સુધી પહોંચી નથી શકતાં એટલે મારી જેવાં નિર્દોષ લોકોને હેરાન કરો છો.. મેં બધાં ખરાબ કામ બંધ કરી દીધાં છે અને એક કુરિયર કંપની ચલાવું છું.. મને ખબર છે કે હું એક મુસ્લિમ છું એટલે તમે મને આમ ગુનેગાર સાબિત કરવાં માંગો છો.. "હનીફ પોતાનાં બુદ્ધિચાતુર્ય નો ઉપયોગ કરી મૂળ મુદ્દાને બીજી તરફ વાળતાં બોલ્યો.

ક્યારેક ધર્મ કે નાત-જાત માં ના માનનારાં ગોપાલ ને હનીફની મુસ્લિમ વાળી વાત ખટકી ગઈ.. અને એ રીતસરનો હનીફ પર તૂટી પડ્યો.. પાંચેક મિનિટ સુધી હનીફ ની બરોબરની ધુલાઈ કર્યાં બાદ ગોપાલ ક્રોધાવેશમાં બોલ્યો.

"શું કહ્યું તું મુસ્લિમ છે એટલે તને હું હેરાન કરું છું.. આ તું કહી જ કઈ રીતે શકે... મારાં માં-બાપ પછી જો હું કોઈને સૌથી વધારે માનતો તો એ હતાં ઈમ્તિયાઝ કાકા જેમને મને ભણાવ્યો.. મારી પોલીસ ટ્રેઈનિંગ માં મારાં ગુરુ હતાં જાવેદ અન્સારી સર.. અહીં હું જ્યારે જોઈન થયો ત્યારે મારાં સિનિયર ઓફિસર થતાં પરવેઝ બિલાલ.. આ બધાં જ મુસ્લિમ બિરાદરો હતાં અને એ દરેક માટે મને માન છે.. "

"ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ, દેશને માન અપાવનાર એ. આર. રહેમાન, શાહરુખ ખાન, સાનિયા મિર્ઝા, ઝાકીર હુસૈન બધાં ની સાથે મારાં મનમાં આ દેશનાં દરેક મુસ્લિમ બિરાદર માટે સમ્માન અને પ્રેમ છે.. દેશનાં ત્રિરંગા માં જે ત્રીજો લીલો રંગ છે એ પણ મારાં મુસ્લિમ ભાઈ-બહેનો ને સમર્પિત છે.. અને બે કોડીનો બદમાશ તું મારી સામે હિન્દૂ મુસ્લિમ ની વાતો કરે.. તું હોય કે કોઈ હિંદુ ગુનેગાર હોય બધાં મારાં માટે એક સરખાં છો.. દેશનાં સંવિધાન મુજબ કાયદો તોડનાર દરેક વ્યક્તિ દેશ નાં બંધારણ માટે અપરાધી છે.. નહીં કે હિંદુ મુસ્લિમ.. "

ગોપાલ નું આમ ઊંચા અવાજમાં બોલવું સાંભળી એનાં સ્ટાફનાં અન્ય અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં.. ગોપાલ ની વાત સાંભળી દરેકનાં મનમાં ગોપાલ માટે માન ઉપસી આવ્યું અને અનાયાસે જ ગોપાલની આ વાતને બધાં એ તાળીઓ વડે વધાવી લીધી.

"સતીશ, રઘુ, ગફુર તમે આ હરામી ની એવી ખાતીરદારી કરો કે સવાર સુધીમાં એ પોતાનાં આકા નું નામ અને બધી સચ્ચાઈ કબૂલી દે.. "ત્યાં આવેલાં ઓફિસરમાંથી સતીશ, રઘુ અને ગફુર ને ઉદ્દેશીને આટલું કીધાં બાદ ગોપાલ આલિયા ને લઈને કોટડીમાંથી બહાર નીકળી ગયો.

"સવાર સુધીમાં આ બધું કબૂલી લેશે.. ચાલ હવે ઘરે જઈએ.. "આલિયા ને ઉદ્દેશીને ગોપાલે કહ્યું.. એટલે આલિયા એની સાથે ચૂપચાપ સ્કોર્પિયોમાં જઈને ગોઠવાઈ ગઈ.

***

વધુ આવતાં ભાગમાં.

હનીફ બધું સત્ય કબુલી લેશે..? અમન સાચેમાં મૃત્યુ પામ્યો હતો તો પછી આલિયા કોને મળી હતી..? ગોપાલ અપૂર્વ અને રીના સુધી કઈ રીતે પહોંચશે. ? આલિયા ની રિંગ કોણ લઈ ગયું હતું..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***