The ring - 17 books and stories free download online pdf in Gujarati

ધ રીંગ - 17

The ring

( 17 )

અપૂર્વ ની પ્રેમિકા હકીકતમાં અમનની પત્ની રીના હોય છે. રીના નાં અમનની સાથેનાં લગ્ન પછી પણ અપૂર્વ અને રીનાનો પ્રેમ સંબંધ ચાલુ હોય છે. અમન સાથે ડાયવોર્સ લેવાં રીના અને અપૂર્વ એક યોજનાને સફળતાપૂર્વક અંજામ આપે છે.. આલિયા ગોપાલ પોતાની સાથે જોડાયેલું બધું સત્ય જણાવી દે છે.. ગોપાલ હનીફ ને પકડવા કંઈક યુક્તિ વિચારે છે.

રીના ને હતું કે અપૂર્વની યોજના મુજબ પોતે અમનને ડાયવોર્સ આપવામાં સફળતા મેળવી શકશે.. પણ અચાનક રીના નાં ફોનની રિંગ વાગી.. રીના એ જોયું તો કોઈ અજાણ્યાં નંબર પરથી કોલ હતો.. રીના એ કોલ રિસીવ કર્યો ત્યાં સામેથી અવાજ આવ્યો.

"હું ઈન્સ્પેકટર સુદેશ ગાયકવાડ બોલું છું.. તમારાં પતિ અમન વર્મા નો અહીં વરલી સી લિંક જોડે અકસ્માત થયો છે.. "

"પણ કઈ રીતે..? .. અને અત્યારે એ ક્યાં છે..? "ગાયકવાડ ની વાત સાંભળી રીના સવાલોનો મારો ચલાવતાં બોલી.

"મેડમ, થોડી ધીરજ રાખો.. તમે જલ્દીથી લીલાવતી હોસ્પિટલમાં આવી જાઓ.. હોસ્પિટલ આવી મારાં આ નંબર પર કોલ કરો.. "આટલું કહી ગાયકવાડે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

પોતે અપૂર્વ ની સાથે ઘર સંસાર માંડવાનાં હેતુથી અમનને વગર કારણે ડાયવોર્સ આપવાં તો તૈયાર હતી છતાં આમ અમનનાં અકસ્માત થવાની ખબર સાંભળી રીનાને જોરદાર આંચકો જરૂર લાગ્યો હતો.. ઇન્સપેક્ટર ગાયકવાડનાં કહ્યાં મુજબ રીના ફટાફટ લીલાવતી હોસ્પિટલ જઈ પહોંચી.. જ્યાં જઈ એને ઇન્સપેક્ટર ગાયકવાડ ને કોલ લગાવ્યો તો માલુમ પડ્યું કે અમન ત્રીજા માળે આવેલાં ICU માં ભરતી છે.

અમનનાં ICU માં હોવાનો મતલબ ના સમજે એવી રીના નાસમજ નહોતી.. રીના જ્યારે ગાયકવાડ ને મળી ત્યારે એને જાણવાં મળ્યું કે અમનનો અકસ્માત નજરે નિહાળનાર લોકોની જુબાની મુજબ અમનની પુરપાટ ઝડપે દોડતી કોફી કલરની હોન્ડા સીટી કાર અચાનક રોડ પર સાપની જેમ વાંકી-ચુંકી દોડવા લાગી અને છેવટે એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ ગઈ.. આમ થતાં અમનનાં માથે અતિગંભીર ઈજા પહોંચી અને એને તાત્કાલિક સારવાર અર્થે અહીં ખસેડાયો.

અમનનાં ખિસ્સામાં મળેલાં વોલેટમાંથી ઈન્સ્પેકટર ગાયકવાડ ને એક કાગળ પર રીનાનો નંબર મળ્યો.. એટલે ગાયકવાડે રીનાને કોલ લગાવ્યો હતો.

રીના અને એનાં મમ્મી-પપ્પા સીધાં અમન જ્યાં સારવાર હેઠળ હતો એ ICU રૂમની નજીક જઈ પહોંચ્યાં.. એમને જોતાં જ ગાયકવાડ એમની નજીક ગયો અને પોતાનો પરિચય ટૂંકમાં આપ્યો.. સાથે-સાથે જણાવ્યું કે અમન દારૂનાં નશામાં ગાડી ડ્રાઈવ કરતો હોવાનું ડૉક્ટરોનું કહેવું છે.. અત્યારે એની કન્ડિશન ક્રિટિકલ છે.

ગાયકવાડ ની વાત સાંભળી હસવું કે રડવું એ રીના નક્કી નહોતી કરી રહી.. અપૂર્વનાં પોતાની જીંદગીમાં પાછાં આવ્યાં પછી અમન તો પોતાને આંખમાં પડેલાં કણાની જેમ ખૂંચતો હતો.. તો પછી એ જીવે કે મરે એનાંથી આમ તો પોતાને કંઈ ફરક નહોતો પડવો જોઈતો.. છતાં અમન દિલ નો ભોળો માણસ હતો એ જાણતી રીના ને એને આ હાલતમાં જોઈ દુઃખ પણ થઈ રહ્યું હતું.

અઢી કલાક જેટલી સર્જરી બાદ ડોકટરે આવીને જણાવ્યું કે અમન હવે નહીં બચી શકે. એની જોડે ફક્ત થોડી મિનિટ ની જીંદગી વધી છે તો જેને પણ એને મળવું હોય એ મળી શકે છે.. ડોક્ટરની આ વાત સાંભળી રીના રડમસ ચહેરે ICU રૂમમાં ગઈ.. રીના ને મનોમન એ વાતનો પસ્તાવો થઈ રહ્યો હતો કે પોતાની ખુશી માટે એને અમન ની આ દશા કરી છે.. રીના અમન ની માફી માંગવા ઈચ્છતી હતી પણ એ અમન જોડે કંઈપણ વાત કરે એ પહેલાં અમન ઉલટાની રીના ની જોડે પોતાની ભૂલની માફી માંગીને છેલ્લો શ્વાસ ભરે છે.

"હું તો તારાથી અલગ થવાં માંગતી હતી.. પણ આ રીતે નહીં.. "રીના ને પોતાની ભૂલનો પસ્તાવો થતાં એ ચોધાર આંસુએ રડવા લાગી.

અમનનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં અને રીના આ સાથે જ અમનની બધી સંપત્તિ ની માલિક બની ગઈ.. હવે આ ઘટના પછી તત્કાલિક તો અપૂર્વ સાથે લગ્નજીવન માંડી ના શકાય એટલે રીના એ થોડાં મહિના એકલા જ રહેવાનો નિર્ણય કર્યો.. પોતાનાં પિયરમાં રહેશે તો અપૂર્વ ને મળવાંમાં પોતાનાં મમ્મી પપ્પા આડખીલીરૂપ સાબિત થશે એમ વિચારી રીના અમનનાં ઘરે એની વિધવા બની એકલી જ રહેવાં લાગી.

અમનની મોત નાં સાત દિવસ પછી ઈન્સ્પેકટર ગાયકવાડ રીના ને મળ્યાં અને એમને જણાવ્યું કે અમનનો એક્સિડન્ટ થયો ત્યારે એની કારની બ્રેક ફેઈલ થઈ ચૂકી હતી.. આ સાંભળતાં જ રીના ને અજુગતું જરૂર લાગ્યું પણ એને આ વિશે વધુ વિચારવાનું પડતું મુક્યું.

અમનની મોત ને છ મહિના માંડ વીત્યાં હતાં ત્યાં તો અપૂર્વ એ એકાદ મહિના બાદ એ બંને કાયદેસર લગ્ન કરી પ્રભુતાનાં પગલાં પાડશે એવું રીના ને સમજાવી દીધું હતું.. રીના પણ અમનની મોત માટે કંઈક અંશે પોતે જવાબદાર હતી એ ભૂલી અપૂર્વ સાથે રંગીન જીંદગીનાં સપનાં જોઈ રહી હતી.. વધુમાં એ અમનની કરોડોની પ્રોપર્ટી ની એકમાત્ર વારીસ પણ હતી.

વાતવાતમાં એક દિવસ અપૂર્વ એ રીના ને જણાવી દીધું કે એને જ હનીફ ને મોકલી અમનની કારની બ્રેક ફેઈલ કરાવી હતી.. રીના આ વાત પર બહુ ગુસ્સે થઈ પણ અપૂર્વએ એને એમ કહી સમજાવી દીધી કે અમન જેટલો પ્રેમ એને કરતો હતો એ પ્રમાણે એ કોઈપણ ભોગે રીના ને ડાયવોર્સ આપવાં તૈયાર ના થાત.. અને એ બંને નું જોડે રહેવાનું સપનું અધૂરું રહી જાત.. અપૂર્વ ની આવી ચાસણી જેવી વાતોમાં આવી ને રીના પોતાનાં પતિની જ હત્યા કરાવનાર વ્યક્તિ સાથે સાત ફેરા ફરવા હસી ખુશી રાજી પણ થઈ ગઈ.. એટલે જ કહેવાયું છે સ્ત્રીને સમજવી અઘરી નહીં, પણ નામુમકીન છે.

બધું જ ઠેકાણે ચાલતું હતું ત્યાં અચાનક આલિયા નાં અમન ની પૂછતાછ કરતાં કરતાં અપૂર્વની ઓફિસ સુધી પહોંચવાની વાતે અપૂર્વ અને રીના ને હચમચાવી મૂક્યાં હતાં. એમનાં દ્વારા આલિયાની હત્યા નાં નિષ્ફળ પ્રયાસ બાદ એ બંને ને એ વાતની ભીતિ હતી કે ગમે ત્યારે ઈન્સ્પેકટર ગોપાલ ઠાકરે એમની પુછપરછ કરવાં જરૂર આવશે.. માટે અપૂર્વ અને રીના મળીને રીના નાં ઘરમાંથી દરેક એવી વસ્તુ નો નાશ કરવામાં લાગી ગયાં જે સાબિત કરતી હતી કે અમનનો અકસ્માત નહીં પણ હત્યા હતી.

***

અપૂર્વ વિરુદ્ધ કોઈ મજબૂત સબુત લઈને જવું જોઈએ જેથી એ પોતાનાં દરેક સવાલોનો યોગ્ય ઉત્તર આપે એવું વિચારી ગોપાલે પોતાનો મોબાઈલ હાથમાં લઈને એક નંબર ડાયલ કરો.. આ નંબર હતો સાયબર સેલ ડિપાર્ટમેન્ટનાં ઓફિસર રોની ડિસુઝા નો.

"બોલો ને ઓફિસર, બહુ દિવસે યાદ આવી અમારી..? "કોલ રિસીવ કરતાં જ રોની ગોપાલને ઉદ્દેશીને બોલ્યો.

"ભાઈ, જ્યાં સુધી અમારાં થી ગુનેગાર સુધી પહોંચી વળાય ત્યાં સુધી તમને તકલીફ આપવી નથી ગમતી.. બીજું તો કંઈ નહીં.. "હસતાં હસતાં ગોપાલ બોલ્યો.

"અને એવું બનવાનું નથી કે ગુનેગાર તારાં હાથે ના ચડે.. "રોની પણ હસીને બોલ્યો.

"હા હવે.. બહુ માખણ ના લગાવ.. "ગોપાલે કહ્યું.

"બોલ, કેમ કોલ કરવો પડ્યો..? "રોની એ સવાલ કર્યો.

"હું તને એક મોબાઈલ નંબર આપું.. આ નંબર જે મોબાઈલ કોમ્યુનિકેશન નેટવર્ક ની જે ફ્રિકવન્સી માં પરમદિવસ રાતે કનેક્ટ હોય.. એ મોબાઈલ નેટવર્ક ફ્રિકવન્સી જોડે સતત ત્રણ થી ચાર કલાક સુધી એજ વિસ્તારમાં કોઈ અન્ય નંબર લોકેટ થાય તો સત્વરે મને જાણ કર.. "હનીફ સુધી પહોંચવાનો કલુ શોધવાનો આબાદ કીમિયો શોધતાં ગોપાલે રોનીને ઉદ્દેશીને કહ્યું.

આજકાલ મોબાઈલ લોકેશન, મોબાઈલ નાં IMEI નંબર, કોલ ડિટેઈલ, ઈન્ટરનેટ IP એડ્રેસ જેવી ઘણી ટેક્નિકલ વાતો દ્વારા મોટાં મોટાં કેસ ચપટી વગાડતાં સોલ્વ થઈ જતાં હતાં.. આ રીતે ટેકનોલોજી પોલીસકર્મીઓ માટે વરદાનરૂપ સાબિત થઈ હતી એમાં નાનો સરખો પણ મીનમેખ નહોતો.

"ભાઈ, કાલે સવાર સુધીમાં હું તને તારે જોઈતી ડિટેઈલ આપી દઈશ.. બોલ બીજું કંઈ કામ હોય તો..? "રોની બોલ્યો.

"ના બસ તું આટલું કરી દે તો પણ ઘણું છે.. "ગોપાલ બોલ્યો.

"સારું.. ચલ બાય.. જય હિંદ, જય મહારાષ્ટ્ર.. "આટલું કહી રોની એ કોલ કટ કરી દીધો.

ગોપાલ જ્યારે રોની સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આલિયા એકીટશે ગોપાલને નિહાળી રહી હતી.. ક્યાં કોલેજ સમયનો સાવ બબુચક લાગતો ગોપાલ અને ક્યાં અહીં પોતાની ધારદાર બુદ્ધિક્ષમતા થી ગુનેગારો ને પકડવાની કોશિશ કરતો મનમોહક અને તેજસ્વી પ્રતિભા નો માલિક એવો ગોપાલ.

પોતે મનોમન ગોપાલની તરફ આકર્ષાઈ રહી હતી એ વાત નક્કી હતી.. પણ આ આકર્ષણ પ્રેમ હતો કે ગોપાલ જે રીતે પોતાની ઉપર ઉપકાર કરી રહ્યો હતો.. પોતાની મદદ કરી રહ્યો હતો એનાં લીધે પેદા થયેલી લાગણી એ સમજવામાં આલિયા નિષ્ફળ હતી. જે કંઈપણ હતું એ હાલપુરતું તો આલિયાનાં તન અને મન બંને ને શાતા આપી રહ્યું હોવાનું આલિયા અંદરખાને મહેસુસ કરી રહી હતી.

રોની સાથે વાત પૂર્ણ થતાં જ ગોપાલે એકધાર્યું પોતાની તરફ જોઈ રહેલી આલિયા તરફ જોયું અને પૂછ્યું.

"શું થયું.. કેમ આમ જોવે છે..? "

ગોપાલનાં આ સવાલનાં જવાબમાં આલિયા ને થયું કે પોતે જણાવી દે કે એ ગોપાલને પ્રેમ કરે છે.. પણ ઉતાવળમાં હવે કંઈપણ ન બોલવાનો નિર્ણય કરતાં આલિયા એટલું જ બોલી.

"કંઈ નહીં.. બસ એમજ.. "

આ કંઈ નહીં બસ એમજ.. માં ઘણી બધી છુપી લાગણીઓ છુપાયેલી હોય છે એ જાણતો ગોપાલ મનોમન હરખાઈ રહ્યો હતો કે અત્યારે પોતાનાં સપનાંની રાજકુમારી એની જોડે તો છે જ પણ સાથે-સાથે પોતાને પસંદ પણ કરી રહી છે.

ત્યારબાદ ગોપાલે થોડું જમવાનું મંગાવ્યું જે એને પોતાનાં હાથે આલિયા ને ખવડાવ્યું... ગોપાલ દ્વારા રખાતી પોતાની કાળજી એ આલિયા નાં હૃદયમાં ગોપાલની એ છબી ઉભી કરી મૂકી હતી જે રાધા નાં મનમાં એનાં શ્યામની હતી.

ગોપાલ રાતભર આલિયા ની સુરક્ષામાં એનાં રૂમમાં જ મોજુદ રહ્યો.. હવે કોઈકાળે આલિયા ને પોતાનાંથી દુર થવાં નહીં દે એવો નિર્ણય કરી ચુકેલો ગોપાલ એક ક્ષણ પણ આલિયાને એકલી મુકવાનાં મૂડમાં નહોતો.

સવાર પડતાં જ ગોપાલે ચા-નાસ્તો ઓર્ડર કર્યો અને આલિયાની સાથે મળીને ચા-નાસ્તા ને ન્યાય આપ્યો.. હવે આલિયા ની તબિયત વધુ સારી લાગી રહી હતી.. આજે જ ડોકટર જોડે વાત કરી પોતે આલિયાને પોતાની સાથે પોતાનાં ઘરે લઈ જશે એવું ગોપાલ વિચારી ચુક્યો હતો.

નાસ્તો કરીને ગોપાલ હજુ ઉભો થયો ત્યાં એનાં ફોનની રિંગ વાગી.. ગોપાલે જોયું તો ફોનની સ્ક્રીન પર એક નંબર ફ્લેશ થયો.. 'રોની ડિસુઝા'. !

***

વધુ આવતાં ભાગમાં.

તો શું અમન સાચેમાં મૃત્યુ પામ્યો હતો..? તો પછી આલિયા કોને મળી હતી..? ગોપાલ અપૂર્વ અને રીના સુધી કઈ રીતે પહોંચશે. ? આલિયા ની રિંગ કોણ લઈ ગયું હતું..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ થ્રિલર નોવેલનો નવો ભાગ.

હવે વાંચકો મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકે છે.. જ્યાં તમને હિન્દી, ઉર્દુ અને ગુજરાતી સાહિત્યનાં કવિઓ અને શાયરોની કૃતિઓ વાંચવા મળશે.. insta id છે.. jatiin_the_star.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED