@@@@@ ભાગ : 10 @@@@
મહેક ની મુલાકાત પછીની પળો મે ભારે અજંપાભરી વીતાવી હતી.
આ ગામ નો જે યુવાન મહેકના પ્રેમ ખાતર મોતને ભેટયો હતો એ જ યુવાન આતંકીઓ ને સપોર્ટ કરતો હતો.
મારા દિમાગ ની નસો ફાટતી હતી.
અચાનક મારા મગજમાં ઞબકારો થયો.
નખતસિહ સોઢા... આ રાજપૂત મને યાદ આવી ગયો. મારે કમ્પલીટ ઈન્ફર્મેશન જોઈતી હતી. સોઢાઓ નો કસ્બો નજીક જ હતો.મે એ તરફ કદમ ભર્યા.
હવે ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગામ ની પાછળ રહેલા ધોરાઓ માથી રેત ઉડીને આ આખાય પંથકમાં પથરાતી.તમારા આખાય શરીર પર ધૂળ નું આવરણ ચઢી જાય અને નજર સામે ધુમ્મસ છવાઈ જાય એવી સ્થિતિમાં જીવતી આ પ્રજાને સેલ્યૂટ કરવાનું મન થાય.
સોઢાઓ નો કસ્બો ખરેખર નયનરમ્ય હતો.ગાર માટીના કાચા મકાનો.. દરેક ઘરની ફરતે સુંદર લીપણથી સજાવેલી પાળી...એમનાં નિવાસસ્થાન આગળ એક દેશી ઞુપડી કે કૂબા ટાઈપ ની બેઠક રહેતી. મહેમાનો એમાં ઊતરતા.
" નખતસિહ નું ઘર કયું છે..? " એક નાના છોકરાને મે પુછ્યું. એ ઉનાળાની લૂ થી બચવા આઈસકેન્ડી ખાઈ રહ્યો હતો. એનાં મેલાઘેલા શર્ટ ઉપર કુલ્ફી ના રેલા ઉતરતાં હતાં.
એ છોકરો મને નખતસિહ ના ઘર સુધી દોરી ગયો. એ બહું બોલતો ન હતો.કદાચ, શરમાતો હતો.
નખતસિહ નું મકાન સૌથી મોટું હતું. કદાચ, એ સૌથી વધું સુખી અને સંપન્ન માણસ હતો. એણે જેસલમેર થી મોટા પથ્થર મંગાવી ને આલિશાન બાધકામ ઉભું કર્યું હતું. મકાન ની પાછળ એક વિશાળ વાડો હતો.એની અંદર નખતસિહ ની ચાળીસ ગાયો હતી.અહીં દરેક રાજપૂતો ની જીવાદોરી ગાય હતી.પશુપાલન એમનો મુખ્ય વ્યવસાય... મોટાભાગે દરેક ગાયો ના ટોળાં રાખતાં. ગાયો નું દૂધ દોહીને તેઓ એમાંથી પનીર બનાવતાં... આ પનીર બાળમેર અને જેસલમેર ની મોટી મોટી હોટેલમાં વેચવા જતાં.. આ રીતે તેઓ સંપન્ન હતાં પરંતુ, મુખ્ય સવાલ ગાયો માટે ઘાસચારા નો રહેતો.આવા બંજર વિસ્તારમાં આ એક સળગતી સમસ્યા હતી.
" આવો...આવો...સા 'બ " નખતસિહ મને જોતાં જ મારી સામે ધસી આવ્યો.
એમનાં મહેમાનખંડ મા એ મને લયી ગયો. મહેમાનખંડ સુઘડ અને સ્વચ્છ હતો.દિવાલો ઉપર જૂની તસ્વીરો લટકતી હતી.હુ એ તરફ જોઈ રહ્યો.
" એ મારા દાદા ની તસ્વીરો છે...આ બધાં જ ફોટા અમારા પોતાના ઘરનાં છે..જે હાલ પાકિસ્તાન મા છે.." નખતસિહ ના સ્વરમાં વેદના હતી...
પોતાના ઘર, ખેતર છોડીને રાતોરાત ચાલી નિકળવું એ ઘટના જ કેટલી દર્દનાક છે.હજારો, લાખો પરિવારો એ આ પીડા વેઠી છે.1971 ના યુદ્ધ પછી તેઓ એ રણવિસ્તાર ના ગામડાઓમાં પોતાનો વસવાટ કર્યો. અમારા કચ્છ ના નાના રણમાં પણ આ લોકોનો મોટો સમુદાય વસે છે જેઓ " નિરાશ્રિત " નામે ઓળખાય છે.
હું હજુ તો નખતસિહ સાથે કેવી રીતે વાત કરવી એનો વિચાર કરું છું એ પહેલાં તો નખતસિહ લસ્સી નો મોટો લોટો ભરીને આવી પહોંચ્યા.
" અરે...અરે...હું આટલું બધું ન પી શકું.." મે આનાકાની કરી.
" બોલશો નહીં... આટલી લસ્સી તો અમારું નાનું ટાબર પણ પી જાય.." એમણે મારા હાથમાં લોટોપકડાવી જ દીધો.
મને ખ્યાલ આવ્યો કે અહીં નાનાં બાળક ને ટાબર કહેવાય છે. મે પરાણે લસ્સી પીધી.ત્યારબાદ બેય મિત્રો બેઠાં. આ દરમિયાન જ મે નખતસિહ ને આખી હકીકત જણાવી કે હું આ વિસ્તારમાં શા માટે આવ્યો છું અને મને મદદ કરવા વિનંતી કરી.
નખતસિહ નખશીખ રાજપૂત હતાં. એમણે મને મદદ કરવાની સંપૂર્ણ તૈયારી બતાવી અને જે યુવાન વિશે હું જાણવા માગતો હતો એનાં વિશે માહિતી આપી.
એ યુવાન નું નામ જેતપાલ હતું.બચપણમાં એના મા બાપ ગુજરી ગયા હતા એટલે, એનો ઉછેર આડેધડ થયો હતો .જેતપાલ એક મહત્વકાંક્ષી માણસ હતો. એને પુષ્કળ પૈસા કમાવા હતાં અને રાજાશાહી જિંદગી ના તે ખ્વાબ દેખતો.પોતાના લક્ષ્ય માટે એ ગમે તે રસ્તો અપનાવવા તૈયાર હતો.એ જાતભાતના ધંધા કરતો.કયારેક તો કારણ વગર બાળમેર અને જેસલમેર મા રખડયા કરતો. એ શા માટે વારંવાર ત્યાં જતો એની કોઈને ખબર ન પડતી.આ દોડધામ ના અંતે એણે નિમ્બલા ગામ ના હાઈવે ઉપર જ એક ઢાબા ખોલી હતી.આવતી જતી ગાડીઓ જેતપાલ ના ઢાબા આગળ ઉભી રહેતી.ત્યાં ભોજન અને શરાબ ની વ્યવસ્થા અપાતી.આ રીતે એણે પોતાના ધંધા ની શરૂઆત કરી હતી પણ,એનું સપનું જુદું જ હતું. એક વર્ષમાં એણે ખાસ્સી એવી કમાણી કરી હતી. એક વર્ષ ના અંતે એણે ગામ ના થોડાં મિત્રો હસ્તક એ હોટેલ કરી દીધી અને જેસલમેર મા હોટલ નાખી.એનો એક પગ નિમ્બલા મા અને બીજો પગ જેસલમેર મા રહેતો.
જેસલમેર મા એ મોટી મોટી હસ્તીઓ ના સંપર્ક મા આવ્યો અને ધનવાન વ્યક્તિ બન્યો. પોતાની ઝળહળી રહેલી શોહરત એ ભોગવી શકે એ પહેલાં જ એ મોતને ભેટયો હતો.
" પણ,એનાં મોતનું કારણ શું હતું..? " મે નખતસિહ ને મૃદાનો સવાલ કર્યો.
" અકસ્માત... "
" તો પછી.. સૌ લોકો એમ કેમ માને છે કે આ ગામ ની કોઈ મહેક નામની છોકરી ને લીધે એનું મોત થયુ..? "
મારા સવાલ થી નખતસિહ ના ચહેરા ના હાવભાવ પલટાયા.
" લાગે છે.. તમે ઘણુંબધું જાણીને આવ્યા લાગો છો.."
" મને મિતલે જણાવ્યું હતું... મારી બહેન..."
" હા...એ વાત મા પણ તથ્ય છે.જેતપાલ મહેક ને ચાહતો હતો.આખાય ગામમાં બેય ની વાત થતી હતી.. જો કે મને નથી લાગતું કે મહેક ને જેતપાલ મા કોઈ રસ હોય... એને મહેક ખાતર ઘણાં ઝઘડા પણ કરેલા.. એટલે, મહેક ના બાપની આબરુ ના ધજાગરા ઉડયા હતાં સૌ લોકોની માન્યતા છે કે જેતપાલ ને થયેલા અકસ્માતમાં મહેક ના પિતા નો હાથ હતૌ...સાચું ખોટું... ભગવાન જાણે..."
નખતસિહ આગળ થી મન જેે માહિતી મળી હતી એ જ માહિતી હું મિતલ પાસે થી નિકાળી શકયો હોત..પરંતુ, ગામ ની એક વ્યક્તિ ને વધારે જાણકારી હોય એટલાં ખાતર હું સોઢાઓ ના કસ્બા મા આવ્યો હતો.
જો કે મે ત્યાં થી વિદાય લીધી ત્યારે પણ એ સવાલ તો ઉભો જ હતો કે જેતપાલ અને મહેક વચ્ચે કોઈ સંબંધ હતો કે નહીં....?
હું એ ટી એસ નો જવાબદાર ઓફિસર હતો..પરંતુ, ન જાણે કેમ આ ઈન્વેસ્ટીગેશન પાછળ હું મારી અંગત લાગણીઓ ને ઘસડી રહ્યો હતો.. મને ખરેખર જલન થતી હતી. એક પુરુષ તરીકે મારો અહમ ઘવાયો હતો.
મહેક સિવાય કોઈની પાસે આ સવાલ નો જવાબ નહોતો પરંતુ, મહેક ને મળવું આસાન નહોતું. આ અજાણ્યા ગામમાં મારી જાતને હાઈલાઈટ કરવાનો કોઈ જ મતલબ નહોતો.નખતસિહ આગળ ઓપન થવાનું મને ગમ્યું હતું કેમ કે નખતસિહ એક પાણીદાર રાજપૂત હતાં. એમની મદદ વડે હું મારું લક્ષ્ય સાધવા માગતો હતો. મને વિશ્વાસ હતો કે નખતસિહ કયારેય દગો નહીં કરે.
આવાં વિચારો વચ્ચે હીના નો ફોન રણકી ઉઠયો.
મારે જેસલમેર જવાનું હતું...
રાજકુમારી મૂમલ ના મહેલ ની તપાસ કરવા..