મરુભૂમી ની મહોબ્બત - 1 Shailesh Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મરુભૂમી ની મહોબ્બત - 1

*****@@@@@@ ભાગ 1  @@@@@@****

હું ભૂજથી બાળમેર જતી બસમાં બેઠો હતો. મારી આસપાસ સૌ વડીલ લોકો જ હતા. મોટાભાગના તો કદાચ રાજસ્થાની હતા એનો ખયાલ મને એમણે પહેરેલી લાલ પીળી પાઘડીઓથી આવતો હતો. રાધનપુર બસસ્ટેન્ડ મા બસ દશેક મીનીટ ઉભી રહી પણ ત્યાં સુધીમાં તો મને ઓરિજિનલ ઈન્ડિયા નુ દર્શન થયુ હતું. એ વખતે રાધનપુર બસસ્ટેન્ડની હાલત નરકથીયે બદતર હતી. એક તો ગરમીની સિઞન અને ઉપરથી કમબખ્ત ડોસાઓને બીડી પીવાની મોજ પણ બસમાં બેઠા પછી જ આવે. એક તરફ પસીનાથી શરીર લથબથ થતુ હોય અને બીજી તરફ બીડીઓના ધૂમાડાથી ગભરામણ થાય. અધુરામા પુરુ વિશ્વની સૌથી મોટી જનસંખ્યા ધરાવનારી આપણી પ્રજા બિચારી ઘેંટા બકરાની જેમ ખીચોખીચ ઉભરાઈને બસમાં ચઢે ત્યારે બિભત્સ ગાળો અને ધક્કામુક્કી તો રહેવાની. મને સદનસીબે સૌથી છેલ્લે બારી આગળ જ સીટ મળી ગયેલી પરંતુ, બસ જલદી ઉપડે તો ને ..! બસસ્ટેન્ડના સહેજ ખુણામાં પેલી ગંધાતી મૂતરડીની દુર્ગંધ રેલાઈને આ તરફ આવતી હતી. સામે બેઠેલી ફળો વેચનારી બહેનની ટોપલીમાં માખીઓ નો ગણગણાટ પણ મને દેશના શાસ્ત્રીય સંગીત સમો જણાતો હતો. ખેર, મને કશો ફરક નહોતો પડતો.વચ્ચે વળી સીંગચણા વેચવા વાળો ચકકર લગાવી ગયો. જે હોય તે.. પણ, સાચુ કહુ તો રાધનપુર મારી સૌથી પ્રિય સીટી છે. આ શહેર સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. આ જ શહેરમાં મે કોલેજ કરી.. અહી થી જ મને અનુપમ મિત્રો મળ્યા.. ઓફકૌર્સ, અહી અમદાવાદ જેવા મોલ મલ્ટીપ્લેક્ષ નથી કે ગાંધીનગર જેવા હરિયાળા બાગ બગીચા નથી આમ છતાં, રાધનપુર શહેરને હું અપાર મહોબ્બત કરુ છું. કયારેક તો મંડાઈ ચોક થી મીરા દરવાજા સુધી એકલો એકલો રખડયા કરુ છું અને એ દરમિયાન મને પેરિસની સડકો પર ફરતો હોઉ એવો અહેસાસ થાય છે. રાધનપુર એક સમયે નવાબી સ્ટેટ હતુ. રાધનપુર ના નવાબ પાકિસ્તાનમા ભળવા માંગતા હતા પણ, સરદાર પટેલની કુનેહથી રાધનપુર ભારતમાં રહી ગયુ. આખરે બસ ઉપડી.. અને મે નિરાંતનો શ્વાસ લીધો. બસે જયારે દિયોદર વાળો રોડ પકડયો ત્યારે ખુલ્લા ખેતરોની હવાએ મારુ મન પ્રસન્નતા થી ભરી દીધું પણ, એ વખતે મને અંદાજ નહોતો કે આ પ્રવાસ મારી કાયમની પ્રસન્નતા ને ખલાસ કરી નાખશે અને મારી જિંદગી ને એવી કશ્મકશમા મુકી દેશે કે જેમાથી બહાર આવવા મારે આગની ભઠ્ઠી પરથી ચાલવુ પડશે.. સાંચોર આવ્યુ.. અહીંથી ગુજરાતની સરહદ પુરી થઇ ગઇ હતી અને રાજસ્થાનમાં પ્રવેશ થઈ ગયો હતો. બસ થોડીવાર ઉભી રહી. મે નીચા ઉતરી થમ્સ અપ પીધી. સખત લૂ અને અકળાવી નાખનારી મુસાફરી ને લીધે મારો ચહેરો લાલઘુમ થઇ ગયો હતો. મારે બાળમેર ઉતરવાનુ હતુ. ત્યાંથી જેસલમેર હાઈવે પર આવેલા નિમ્બલા નામના ગામે પહોચવાનુ હતુ. મારી માસીની દીકરી મિતલ એ ગામમાં રહેતી હતી. મારા બનેવી ત્યાં ફોરેસ્ટ વિભાગમાં ઓફિસર હતા. રાજસ્થાન સરકારે વન્યજીવોના સંરક્ષણ માટે નિમ્બલા ગામે એક નર્સરી ઓપન કરેલી. ત્યાંથી જ બાળમેરના રણવિસ્તારના પ્રોજેક્ટ પાર પાડવામાં આવતા. મિતલ મારી લાડકવાયી બહેન હતી. ગોળ સુંદર ચહેરો.. વિશાળ, સંમોહક આંખો, કમનીય કાયા, રેશમી, લચકદાર જુલ્ફો.. કુદરતે મિતલને નવરાશથી ઘડી હતી. સુંદરતા અને સંસ્કારનો આવો સુમેળ સમગ્ર સંસાર મા બીજે કયાય જોવા ન મળે જે મિતલમાં હતો. અમારા ભાઈબહેન વચ્ચે ગજબની કેમેસ્ટ્રી જામતી. અમે બન્ને જયારે વાતો કરવા બેસીએ ત્યારે સમય થંભી જતો.. મિતલે અમદાવાદમાં કોલેજ કરેલી ત્યાં જ અનિલથી એની મુલાકાત થયેલી.. બન્ને પ્રેમમાં પડયા અને લગ્ન થયાં. હાલ તો મિતલ બે પુત્રીઓ ની માતા હતી પણ, એના ચહેરા પરનું ઓજસ અકબંધ હતુ.. વેલ, બાળમેર આવ્યુ.. બસ બદલી ને હું નિમ્બલા જવા નીકળ્યો.. સતત પાંચ છ કલાકની મુસાફરી ને કારણે હું પણ કંટાળ્યો હતો.. બપોરનો બે થી ત્રણ નો એ ગાળો હતો જયારે હું નિમ્બલાની ધરતી પર ઉતર્યો.. ગામમાં કાચા માટીના મકાનો અને થોડી ઝુંપડીઓ મને દેખાતી હતી.. કાળઞાળ ગરમીથી શરીરમાં પાણીનો પણ શોષ પડતો હતો. ગામ જાણે સદીઓનો સન્નાટો પોતાના અંતરમાં ધરબીને બેઠુ હોય એવુ સુમસામ હતી.. હું પણ રેગીસ્તાનનુ ફરજંદ છું અમારુ રાયલપુર કચ્છના નાના રણમાં છે પણ, અહીની વાત જરા જુદી હતી.. થોડો ચાલ્યો ત્યારે લાલ પીળી પાઘડીઓથી શોભતા ચાર ડોસાઓ ગપ્પાં મારતા દેખાયા.. મે એમને નર્સરી કયાં આવી છે એવુ પુછ્યુ તો એમણે પ્રશ્નો પુછી મારુ દિમાગ ખરાબ કરી નાખ્યું.. કટે જવુ ભાયો..? કહા સે આયો? આખરે એક યુવાન મને નર્સરી બતાવવા સાથે આવ્યો.. પણ, એની સાથે બે ચાર કદમ ચાલ્યો હોઈશ ત્યાં જ મારી જિંદગી ની એ અનુપમ ઘટના ઘટી.. એક એવી ઘટના જે લગભગ ઝંઝાવાત બનીને આવી... એક સુંદર યુવતી પોતાની બે સખીઓ સાથે સામે થી ચાલી આવતી હતી.. એણે અસલ મારવાડી પહેરવેશ પહેરેલ હતો.. ઘેરાવદાર ચણીયો ધરતીને ટચ કરતો હતો.. પીળી તારલાજડીત ઓઢણીનો એક તરફ ઢળતો છેડો નજાકતથી પકડીને એ ચાલતી હતી.. એની ટટાર ચાલ.... ચાલતી વખતે પણ એની આંખો જમીન સાથે જડાયેલ હતી અને મર્યાદા નો જયઘોષ કરતી હતી.. એ જેમજેમ નજીક આવતી ગઈ તેમતેમ મારા હદયની ધડકનો વધતી ગઇ.. એવુ તો નહોતુ કે મે સુંદર સ્ત્રી ઓ નહોતી જોઈ.. કોલેજમાં એ એક કોમન ચીજ હોય છે, એવુ પણ નહોતુ કે હું કોઈ લોફરબાજ યુવાન હોઉ અને આવતી જતી દરેક યુવતીઓ મને પસંદ પડે.. પરંતું, નિમ્બલા ગામની એ ધૂળભરેલી ગલીઓમાં જે દ્રશ્ય ખડું થયુ હતું એ મને મીણની માફક પીગળાવી રહ્યુ હતું.. એ મારી નજીક આવી ત્યારે મારુ મન શોકડ બની ગયું.. માય ગોડ.... એની કથ્થઈ કલરની આંખો... એના ગુલાબના પુષ્પને શરમાવે એવા મુલાયમ ગાલ.. એનુ સહજ નાક.. એના સુંવાળા હોઠ... એના કટિપ્રદેશનો વળાંક... એની છટા... બધુ જ લાજવાબ હતુ... શું હું કોઈ સ્વપ્ન જોતો હતો? મારી બાજુમાંથી પસાર થતી વેળાએ એણે એક નજર ઉઠાવી મારી તરફ જોયુ હશે.. કદાચ.. મને ખયાલ નથી... પણ, હું મદહોશ હતો.. રોયલ ચેલેન્જર ની આખી બોટલ વોટર મિક્ષ કર્યા વગર ગટગટાવી જાઓ અને જે નશો ચઢે એનાથી પણ બદતર હાલત મારી હતી.. મને નવાઇ લાગતી હતી કે આવા નરકાગ્નિ સમા રણવિસ્તારમાં આ ફુલ કયાંથી ખીલ્યુ? હું લગભગ આખા હિન્દુસ્તાન મા રખડયો છુ.. બોમ્બે થી લઈને ગોવા સુધી અને ચેન્નાઈ થી લઈને મેઘાયલ સુધી... વિશ્વની ખૂબસુરત સુંદરીઓ ને જોઈ છે.. પણ, નિમ્બલા ગામ ની ગલીઓમાં જે અનુપમ યૌવના ને મે નિહાળી હતી એણે આજ સુધી મારી અંદર એક પ્રકારનો અજંપો સજીવન રાખ્યો છે અજાણ્યા ગામ ની આ  શ્યામલ છોકરીએ મારા અસ્તિત્વ ને હચમચાવી નાખ્યું હતું. બીજી વખત એને મળ્યા વગર મને ચેન પડવાનું નહોતું. ધડકતા હદયે હું આગળ વધ્યો.એ એક સુંદર ગામ હતું. સગવડતા ની દ્રષ્ટિએ નહિ, પણ, ગાર માટીના દેશી કુબાઓ ખુબ જ રળિયામણી સૃષ્ટિ ઉભી કરી રહ્યા હતા. ગામમાં મોટાભાગના મકાનો કાચાં હતાં. જેમાં, ચુના માટી નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગામ ની પશ્ચિમ દિશામાં રેતીના વિશાળ ઢગલાઓ પહાડ ની માફક ઉભાં હતાં. મારવાડ મા એને"ધોરા"કહેવાય. ઉનાળામાં ખુબ પવન ફુકાય એટલે ધોરાઓ ખસવા લાગતા. હાલ પણ એની ઉડતી ડમરીઓ મને આટલાં અંતરેથી દેખાતી હતી. મારે નર્સરી મા પહોચવાનુ હતું. ગામ ખાસ મોટું નહોતું.એટલામાં નર્સરી આવી.આખાય ગામમાં કદાચ અહીં જ લીલોતરી હતી. ખાસ્સા બધાં વૃક્ષો વાવેલ હતાં. નર્સરી ની અંદર એક સરકારી બંગલો હતો. એની અંદર મારી લાડકી બહેન મિતલ પોતાના પતિ સાથે રહેતી હતી.જેવો નર્સરી મા પ્રવેશ કર્યો કે મિતલ નો ચહેરો ચમકી ઉઠયો. એણે ગુલાબી રંગની સાડી પહેરી હતી. ખૂબ જ સફાઈથી એણે એક છેડો કેડ મા ખોસ્યો હતો. એ કપડાં ધોઈ રહી હતી. મને જોતાં જ એણે પાણી ના તગારા મા હાથ પલાળ્યા અને સાડી ના છેડા વડે હાથ લુછી એ મારી તરફ દોડી આવી "ઓહ.. સ્મિત.! વોટ અ સરપ્રાઈઝ..!" મિતલને મારા આવવાની ખબર નહોતી. મિતલનુ ખડખડાટ હાસ્ય કોલેજમાં હતી એવું જ અકબંધ હતું. એનાં માસુમ ચહેરા પરની નજાકત પણ એ જ હતી જે એની કિશોર અવસ્થામાં હતી. હું આછુ મલકયો 
"મને થયું.. ચલો, આ વેકેશન ગોવા નથી જવું.. પણ, જયાં અમારા બેનબા વસે છે ત્યાં વીતાવુ.."
"ઓહ.. રિયલી... ગ્રેટ..°
"યસ, એકચ્યુઅલી મારે સમજવું હતું કે અમદાવાદ ની હાઈપ્રોફાઈલ લાઈફ જીવનારી છોકરી આ રેગીસ્તાન મા શું ભાળી ગયી છે..? "
"એમાં ભાળવાનુ શું હોય... ભાઈ.. પતિની પાછળ પાછળ ચાલવું એ આર્યનારી નો ધર્મ છે."
"એમ કહે ને...આ પ્રેમ ની તાકાત છે."
"ચલ.. ચલ. હવે દોઢડાહ્યો ન થા... અંદર આવ.." કહીને મિતલ મને એમના સરકારી બંગલામાં લયી ગયી. ખરેખર, એ વિશાળ મકાન હતું. હુ થાકયો હતો એટલે સૌપ્રથમ હાથ,પગ, મોઢું ધોઈને ફ્રેશ થયો. મિતલના હાથની કડક ચાય પીધી. બેય ભાઈ બહેન વાતો એ વળગ્યા... છેક, સંધ્યા ટાણે અમારી વાતો પુરી થઈ. આ બધી વાતો દરમિયાન મારા દિલોદિમાગ ની અંદર પેલી છોકરી ઘુમરાતી રહી. એની બીજી મુલાકાત વગર મને ચેન પડવાનું નહોતું .આમ તો મિતલને હું મારા હદયની બધી જ વાતો કરું છું પણ, એ વાત મે છુપાવી રાખી કે આ ગામ ની એક યુવતી મારી નસેનસમાં ઉતરી ગયી હતી. સાજ પડી. રેગીસ્તાન ની સંધ્યા એની આગવી સુદરતા સાથે આથમે ત્યારે રમણીય દ્રશ્ય ઉભું થાય. દિવસ નો ઉકળાટ અને ગભરાટ સર્જતો બફારો.. બેય માથી મુકિત મેળવતાં માનવીઓ ફટાફટ ઘરની બહાર નીકળી આવે છે. જે ગામમાં સ્મશાનવત સન્નાટો હતો એ ગામમાં સંધ્યા ઢળતા જ અનોખી રોનક ફરી વળે છે. મારી અંદર કશુંક સળવળતુ હતું. મિતલ રસોઈ મા શું બનાવવું એની મથામણ મા હતી ત્યારે હું લાગ જોઈને ઉભો થયો.
"કયાં જાય છે..?"
"મન થાય છે કે બહાર થોડું ચકકર લગાવી આવું"
"અરે..પણ, અજાણ્યા ગામમાં... બેસ ને..વાતો કરીએ.."
"એક કામ કર... તું જમવાનું બનાવી રાખ.. હું એક ચક્કર મારી આવું.."
"પણ, અહીં તને કોણ ઓળખે છે.. ખમ... હું કોઈને જોડે મોકલું છું.."
"કોઈ જરૂર નથી..હું ફરી આવું છું.." 
થોડીવાર એ રકઞક ચાલી. આખરે મિતલે નમતું નાખ્યું. ઉડો શ્વાસ ભરીને, હું નર્સરી બહાર નીકળ્યો. મારો ટાર્ગેટ ફિકસ હતો. રેતીના ધોરા ઉપર જયીને બેસવું. ખબર નહીં, કેમ પણ, મને અંદરથી એવી પ્રેરણા થતી હતી. નીચું માથું રાખીને હું ફટાફટ ચાલ્યો જતો હતો. વચ્ચે ટોળું વળીને બેઠેલા માણસો જણાયા. એ સૌ મારી સામે એકટિશે તાકી રહેલા. ગામડાઓમાં આ એક નવાઈ ની ચીજ હોય છે. કોઈ અજાણી વ્યક્તિ ગામમાં આવે એટલે તુરંત જ ખબર પડી જાય. સૌની નજર તીર બની જાય. એકંદરે આ ફાયદાકારક બનતું.  જેસલમેર ના રેગીસ્તાન ના ગામડામાં આતંકવાદી નથી આવી શકતો એનું એક આ કારણ છે. અહીં ભાટી અને સોઢા રાજપૂતો નો પ્રભાવ એટલો જબરદસ્ત છે કે ઓપન બોર્ડર હોવા છતાં આતંકવાદ નું પ્રમાણ શૂન્ય હતું.વિચારો મા હું કયારે ધોરા નજીક પહોંચી ગયો એનો ખયાલ પણ ન રહ્યો. રેતીના આ ડુંગર નો વિશ્વાસ બિલકુલ ન કરી શકાય કેમ કે, તમે જે જગ્યાએ ઉભાં હો ત્યાં થી રેત અચાનક સરવા લાગે અને તમે સીધા જ અંદર ઉતરી જાવ. પણ, અત્યારે પવન ઓછો હતો અને વાતાવરણ શાંત હતું એટલે, હું ઉપર ચઢવા લાગ્યો. નિયતિ તમને કયાક દોરી જતી હોય છે આ વિધાન મા રહેલું સત્ય મને બરાબર લાગું પડતું હતું. જેવો હું ધોરા ની ઉપર પહોચ્યો કે હદય એક ધબકારો ચુકી ગયું. એ મારી સામે ઉભી હતી. એ અનુપમ સુદરી... જેની પ્રથમ મુલાકાત મા જ મે મારું હદય સોપ્યું હતું. સંધ્યા ના કેસરી રંગો એની ચણીયા ચોળીના ગુલાબી રંગ સાથે ભળી જતાં હતાં. એનાં શ્યામલ ચહેરા પરના ઓજસ ને હું નયનભરી ને નીરખતો રહ્યો. મારી જિંદગી ની એ કદાચ સૌથી સુંદર સાજ હતી. એનાં ખુલ્લા વાળને એણે કસીને બાધી રાખ્યાં હતાં. એની આખો.. એનાં રસભરેલ હોઠ.. એનું બેનમૂન ગળું... ગળામાં ચળકતો કાળો તલ...એ બધુંય દુનિયા ની બીજી છોકરીઓ થી અલગ ભાસતુ હતું. ભિખારી ને ખજાનો મળે અને ખુશ થાય એ પ્રકારે મારી અંદર હરખની હેલીઓ ઉમટતી રહી. હું બિલકુલ એની નજીક ધસી ગયો. એની હાઈટ મારા થી સ્હેજ ઓછી હતી. એનાં અંગેઅંગ એથ્લેટીક્સ હતાં. દેહનાં એક એક વળાક અદુભૂત હતાં. શું બોલવું એ મને સમજાતું નહોતું. એની બાજુમાં એની એક સખી ઉભી હતી પણ, મને મોતી મળી જાય અને પથ્થર તરફ નજર ફેકુ એટલો હું મૂરખ નહોતો. પણ, રેતીના એ ધોરા પર મે જે મૂર્ખતા આદરી હતી એનો જગતમાં જોટો ન મળે.
"આપ...આપ ખરેખર સુંદર છો.." એવું કશુંક હું બોલ્યો હતો અને એ ગુસ્સે ભરાઈ હતી.
"શું...? " એ ખરેખર ખીજાઈ હતી.
"તમારી આખો ખુબ જ સુંદર છે.."મે બીજી વાર ગોટાળા વાળ્યા હતાં. હું સંમોહન મા હતો. મને સમજાતું નહોતું કે મારે શું બોલવું જોઈએ.
"શું બોલો છો... ભાન છે..? કોણ છો તમે..? " કહીને એ ફટાફટ પોતાની સખી તરફ વળી"ચાલ... ચાલ... બોન...કોઈ જોશે તો તારુ ને મારું મોત થાશે..."
"એક મિનીટ... ઉભાં રહો.. મારે તમારી સાથે વાત કરવી છે.." હું એમની વચ્ચે ઉભો રહ્યો.
"એય.. મિસ્ટર... તમે સમજતાં કેમ નથી.. આ તમારું શહેર નથી.. ગામડું છે..ચાલ... કંચન.." પોતાની સખીનો હાથ પકડતાં એ બોલી.
"પણ...ઉભા રહો... મારી વાત સાભળો..
"નથી સાભળવી. "
. "હું તમને ચાહું છું.." 
"શું... હે ભગવાન...તમને શરમ નથી આવતી.."એ ચિલ્લાઈ હતી. મે ખરેખર બોમ્બ ફોડયો હતો. (વધુ આવતાં અંકે)
લેખક : શૈલેષ પંચાલ.