ધ રીંગ - 16 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

ધ રીંગ - 16

The ring

( 16 )

ગોપાલ ને યાદ આવે છે કે આલિયા દ્વારા જે નામ બોલવામાં આવ્યું એ નામ અમન એને ક્યાં વાંચ્યું હતું.. અપૂર્વ ની પ્રેમિકા હકીકતમાં અમનની પત્ની રીના હોય છે. રીના નાં અમનની સાથેનાં લગ્ન પછી પણ અપૂર્વ અને રીનાનો પ્રેમ સંબંધ ચાલુ હોય છે. અપૂર્વ રીનાને અમનની હત્યા કરવાનું કહે છે.. આલિયા ને ભાન આવી જતાં ગોપાલ એને બધું સત્ય જણાવી દેવાનું કહે છે.. જેનાં લીધે આલિયા દ્વિધા માં મુકાઈ જાય છે.

અપૂર્વ અમનની પત્ની રીના ને એ સમજાવવામાં સફળ થઈ ચૂક્યો હોય છે કે એ બંને નું જો એક થવું હોય તો એને અમનને ડાયવોર્સ આપવાં જ પડશે.. હવે આ કારણોસર ડાયવોર્સ નું કોઈ યોગ્ય બહાનું મળી રહે એ હેતુથી રીના અમન જોડે નાની નાની બાબતોમાં ઝઘડા કરતી.. છતાં અમનનો એની તરફનો વ્યવહાર અને પ્રેમ એવો ને એવો જ હતો.

જો અમન આમ જ કોઈ વાંકમાં નહીં આવે તો પોતે ડાયવોર્સ માટે કયું બહાનું કોર્ટ સામે રજૂ કરશે એ વિષયમાં રીનાએ અપૂર્વ જોડે વાત કરી.. રીના જે કહી રહી હતી એ વાત એકદમ યોગ્ય જ હતી કેમકે અમનથી અલગ થવું હોય તો કંઈક નક્કર બહાનું તો જોઈએ જ.. અને એ માટે ની યોજના અપૂર્વ પોતાનાં શૈતાની દિમાગમાં ઘડી ચુક્યો હતો.

અપૂર્વ એ રીના ને થોડાં દિવસ પોતાનાં પિયર જવાનું કહ્યું.. અને જતાં પહેલાં અમન જોડે કોઈ મોટો કંકાશ કરીને નીકળવાની પણ જોડે-જોડે સલાહ આપી.. અપૂર્વનાં પ્રેમમાં અંધ રીનાએ એનાં કહ્યાં મુજબ જ અમનની જોડે નાની કામ વગરની બાબતે મોટો કજીયો કર્યો અને પછી પોતાનાં પિયર ચાલી ગઈ.. અમને એને ઘણાં કોલ કર્યાં પણ ઉપાડે એ બીજાં.

અમન જ્યારે કોઈપણ મોટી સમસ્યા માં હોય કે ચિંતામાં હોય ત્યારે મુન વ્યુ નામનાં એક નાઈટબારમાં દારૂ પીવા જતો હતો એવી ખબર અપૂર્વને અમનની થોડાં દિવસોની મિત્રતામાં પડી ગઈ હતી.. એકાદ-બે વખત તો એ પોતે પણ અમનનાં આગ્રહને વશ થઈ મુન વ્યુ નાઈટબાર માં એની સાથે જતો આવ્યો હતો. રીના જોડે નાં કંકાશ પછી અમન ત્યાં જવાનો છે એ વિશે જાણતાં અપૂર્વ એ એક પરફેક્ટ યોજના બનાવી જેનાં લીધે રીના ની નજરોમાં પોતે ખરાબ છે એવું અમનને મહેસુસ થાય અને એની સમક્ષ રીના સરળતાથી ડાયવોર્સ માંગે ત્યારે અમન જોડે કોઈ બહાનું ના વધે ડાયવોર્સ નહીં આપવાનું.

અમન પોતાની રોજની ટેવ મુજબ મુન વ્યુ નાઈટબાર જઈ પહોંચ્યો.. અમનને દારૂ પીવાની ટેવ જરૂર હતી પણ કેટલાં પેગ માર્યાં પછી અટકાઈ જવું એ અમન જાણતો હોવાથી ક્યારેય એ ફૂલ ટલ્લી નહોતો થતો.. પણ અપૂર્વ એ અમનને કઈ રીતે નશામાં ગરકાવ કરી દેવો એની યોજના પુરી પાડવા માટે પોતાની હથિયાર બનાવી હતી જુલી નામની એક પ્રોફેશનલ કોલગર્લ ને.

અમને જુલીને હનીફ ની મદદથી આ કામ માટે હાયર કરી એ પહેલાં હનીફ દ્વારા આલિયા ને આ કામ માટે કોલ કરવામાં આવ્યો હતો.. એ સમયે હનીફે આલિયાને જોઈ તો નહોતી પણ એને એટલી ખબર હતી કે આલિયા એક મોટી પ્રોફેશનલ કોલગર્લ છે.. પણ કોલગર્લ જે રીતે એક નામ ના રાખે એ પ્રણાલી મુજબ આલિયા એ વખતે રુબી તરીકે માર્કેટમાં જાણીતી હતી. પણ આલિયા કોઈ વ્યક્તિનો ઘરસંસાર ભાંગવા માટે તૈયાર ના થઇ એટલે હનીફે ના છૂટકે આ કામ માટે જુલી ને હાયર કરી હતી.

એક તો રીના દ્વારા રોજ રોજનો કજીયો અને હવે તો રીના દ્વારા પોતાને ઇગ્નોર કરાતાં માનસિક રીતે હતાશ અમન બારમાં પહોંચી ત્રણેક પેગ જેટલો દારૂ તો ગટગટાવી ગયો હતો.. હવે એક છેલ્લો પેગ પીને અહીંથી નીકળી જવું જોઈએ એમ વિચારી અમને લાસ્ટ પેગ નો ઓર્ડર કર્યો... આજ સમયે અપૂર્વની યોજના મુજબ જુલી અમનની જોડે ટેબલ પર આવીને બેસી ગઈ.

ખુબ જ ટૂંકા કપડાં અને મારકણી અદાઓ ધરાવતી જુલી તરફ શરૂઆતમાં તો અમને સહેજ પણ ધ્યાન ના આપ્યું.. પણ ધીરે ધીરે પોતાનાં કામમાં પાવરધી એવી જુલી એ પોતાનાં સ્પર્શ અને ગરમાગરમ વાતો દ્વારા અમનને પોતાનાં વશમાં કરવામાં ઘણાં ખરાં અંશે સફળતા મેળવી લીધી.. એમાં પણ જુલીએ અમનને પારો ચડાવી બીજાં ચાર પેગ દારૂ પીવડાવી એને ફૂલ ટલ્લી કરી દીધો.

આવી ફૂલ નશાની હાલતમાં અમન કઈ રીતે કાર ડ્રાઈવ કરી ઘરે પહોંચશે એવી ખોટી ચિંતા જતાવવાનું નાટક કરી જુલી એ અમનને ઘરે ડ્રોપ કરવાં પોતે આવશે એવું કહ્યું ત્યારે નશાની હાલતમાં ડૂબેલો અમન એનો પ્રસ્તાવ નકારી ના શક્યો.. અને જુલી અમનની કારને ડ્રાઈવ કરી અમનને એનાં ઘર સુધી લઈને આવી.

અહીં હવે ખરો દાવ રમવાનો હતો જુલીને.. અપૂર્વની યોજના મુજબ જુલી નશાની હાલતમાં રહેલાં અમનને એનાં બેડરૂમ સુધી દોરી આવશે.. પછી અમનને નિઃવસ્ત્ર કરી એની સાથે શારીરિક સંબંધ બાંધે અને એની જોડે જ સુઈ જાય.. જ્યાં સવારે ઓચિંતી રીના આવીને તમાશો કરે ત્યાંથી ચૂપચાપ સરકી જવાનું. બધું જ અપૂર્વ નાં ઘડેલાં પ્લાન મુજબ થયું અને સવારે રીના એ કઢંગી હાલતમાં અમન અને જુલીને એકસાથે જોઈને ઉહાપોહ મચાવ્યો.

ત્યારબાદ રીના અને અમન વચ્ચે શું થયું એ તો નવલકથાની શરૂઆતમાં આપ સૌ વાંચી જ ચુક્યાં છો.. રીના નો મોટો કજીયો કરી ડાયવોર્સ ની ધમકી આપી નીકળી જવું.. જેનાં પરિણામ સ્વરૂપ અમનને પોતાની દારૂ પીવાની આદત પર ભારે ગુસ્સો આવ્યો હતો.. પોતાની સાથે મોટી રમત રમાઈ ગઈ છે એ વાતથી બેખબર અમન ત્યાંથી પોતાનાં પિયર જવાં કાર લઈને નીકળેલી રીનાની પાછળ-પાછળ અડધો કલાક રહીને નીકળી પડ્યો.

અમને કારને ચાલુ કરી અને એક્સીલેટર પર પગ રાખી પુરપાટ ઝડપે રીનાનાં મમ્મી પપ્પા રહેતાં હતાં એ તરફ કારને દોડાવી મુકી.. રીના ને ખબર હતી કે અમન એને મનાવવા ત્યાં આવશે અને પોતે અમનને જે હાલતમાં પકડ્યો એનું કારણ આપી ડાયવોર્સ ની માંગણી મોટાં ઉપાડે કરી પણ શકશે. અમન જોડે ડાયવોર્સ લીધાં પછી પોતે પોતાનાં મનનાં માણીગર અપૂર્વ જોડે લીગલી રીતે ઘરસંસાર માંડી શકશે.

પોતાનાં પિયર પહોંચીને દિવા સ્વપ્નો જોતી રીના ની ઉપર એક અજાણ્યાં નંબર પરથી કોલ આવ્યો જેનાં લીધે એનાં પગ નીચેથી જમીન સરકી ગઈ... !!

***

ગોપાલ જે રીતે પોતાની તરફ આત્મીયતા બતાવી રહ્યો હતો એ જોઈ આલિયા નાં મનનાં ઊંડાણમાંથી એક અવાજ આવ્યો કે ગોપાલ હજુ પણ એને પ્રેમ કરે છે.. અને આલિયા હવે તું ગોપાલનાં આ પ્રેમનો સ્વીકાર નહીં કરે તો તું મૂર્ખ કહેવાઈશ.. પણ જો હવે પોતે કોલગર્લ હતી એ વિષયમાં ગોપાલને જણાવશે તો ગોપાલ એનો સ્વીકાર નહીં જ કરે.. આવાં જ વિચારોનું ઘમાસાણ અત્યારે આલિયાનાં મગજમાં બુમરાણ મચાવી રહ્યું હતું.

"આલિયા, વધુ વિચારવામાં સમય વ્યર્થ ના કર.. તું મને તારી જીંદગી નું દરેક નાનામાં નાનું સત્ય જણાવ.. હું વચન આપું છું કે આજ પછી તારી ઉપર કોઈ તકલીફ નહીં પડવા દઉં.. "આલિયા ની આંખોમાં જોતાં લાગણીસભર અવાજે ગોપાલ બોલ્યો.

આખરે આલિયા એ ગોપાલને સઘળું સત્ય જણાવી દેવાનો દ્રઢ નિશ્ચય કર્યો અને ગોપાલની સામે બે હાથ જોડતાં કહ્યું.

"ગોપાલ, હું તને જે કંઈપણ કહું એને તો મારી મજબુરી સમજજે અથવા તો ભૂલ.. પણ હું જે કંઈપણ કહું એ પહેલાં કોલેજ દરમિયાન તારી જોડે કરેલાં વર્તનની ખરાં દિલથી માફી માંગુ છું.. "

ગોપાલે આલિયા નાં જોડાયેલાં બંને હાથની ફરતે પોતાનાં બંને હાથ રાખ્યાં અને મૃદુ સ્વરે કહ્યું.

"જે થઈ ગયું એને ભૂલી જા.. હવે એ બધી વાતો યાદ કરીને કોઈ ફાયદો નથી.. તું બસ એટલું જણાવ કે તારી જિંદગીમાં શું બન્યું હતું જેનાં પરિણામ સ્વરૂપ તારી ઉપર કોઈ જીવલેણ હુમલો કરે ત્યાં સુધીની નોબત આવીને ઉભી રહી ગઈ.. "

ગોપાલની આવી લાગણી જોઈ આલિયાનો બધો જ ડર ક્ષણમાં ગાયબ થઈ ગયો અને એને પોતાની સાથે કોલેજ પછી શું બન્યું એ વિશે કહેવાનું શરૂ કર્યું.. કોલેજ પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ મેળવવાનાં મોહમાં પોતાનાં થયેલાં શારીરિક શોષણથી લઈને કેવાં સંજોગોમાં પોતે કોલગર્લ નાં દલદલ માં સપડાઈ એની વિગતે વાત આલિયા એ ગોપાલ ને કરી.. આ દરમિયાન આલિયા ધ્રુસકે ને ધ્રુસકે રડતી રડતી ગોપાલને ભેટી જ પડી.

હકીકતમાં ગોપાલ જાણતો હતો કે આલિયા પ્રોસ્ટિટ્યૂટ હતી.. કોન્સ્ટેબલ રઘુ એ જતાં જતાં ગોપાલને જણાવ્યું હતું કે પોતે જ્યારે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે એક ફાઈવસ્ટાર હોટલમાં પાડેલી રેડમાં એક અનંત પટેલ નામનાં એક મોટાં બિઝનેસમેન સાથે પોતે આલિયાને પકડી હતી.. પણ અનંત પટેલની પહોંચ ઊંચી હોવાથી મોટાં પોલીસ ઓફિસરો સાથે અમુક પૈસાની લેવડ-દેવડ બાદ કોઈ જાતનો કેસ પોલીસનાં ચોપડે ચડ્યો જ નહીં.. અને એ સમયે આલિયા આ લાઈનમાં આલિયા નહીં પણ નતાશા નામે જાણીતી હતી.

આલિયા ની જીંદગી નું આ વરવું સત્ય જાણ્યા બાદ પણ ગોપાલ નો આલિયા તરફનો પ્રેમ જરાક અમથો પણ ઓછો નહોતો થયો.. ઉલટાનું આલિયા એ જે પરિસ્થિતિમાં આ દેહ વ્યાપાર નો ધંધો શરૂ કર્યો એ સાંભળ્યાં બાદ ગોપાલને એની પ્રત્યે પ્રેમ ની સાથે સહાનુભૂતિ પણ થઈ રહી હતી.

"આલિયા જૂની વાતો ભુલાવી હવે શાંત થઈ જા.. જે વીતી ગયું એને તો હું બદલી નહીં શકું પણ તારી પર હુમલો કરાવનાર વ્યક્તિને એનાં ગુનાની યોગ્ય સજા નહીં આપું તો મને શાંતિ નહીં મળે.. તું આગળ જણાવ કે તારી સાથે એવું તે શું બન્યું કે કોઈકને તું એટલી બધી ખટકવા લાગી કે એને તારી હત્યા કરવાની નોબત આવી પડી.. "આલિયા ને શાંત કરતાં ગોપાલ સહાનુભૂતિ નાં સુરમાં બોલ્યો.

ગોપાલની સહાનુભૂતિ ની અસર થઈ અને થોડી હૂંફ મળતાં આલિયા કઈ રીતે અમન અને અપૂર્વ નામનાં બે અજાણ્યાં લોકોની વચ્ચે અટવાઈ ગઈ એની વિતક ગોપાલને કહેવાનું શરૂ કર્યું.. પોતે આલોક સાથેનાં સંબંધના અકાળે અંત આવતાં કેવાં સંજોગોમાં અમનને મળી, અમન દ્વારા પોતાની મમ્મી ની ડાયમંડ રીંગની ચોરી અને એ રિંગ શોધતાં મળેલાં અપૂર્વ અગ્નિહોત્રી દ્વારા મોકલેલાં માણસ દ્વારા છેક કોટેજમાં ઘુસી પોતાની હત્યાનો પ્રયાસ કરવાની કોશિશ.. બધું જ આલિયા એ ગોપાલને કહી સંભળાવ્યું.

આલિયા ની અક્ષરશઃ વાત સાંભળ્યાં બાદ ગોપાલ મનોમન કંઈક વિચારતાં બોલ્યો.

"અપૂર્વ અગ્નિહોત્રી અને અમન વર્મા વચ્ચે શું સંબંધ છે એ જાણવું હોય તો સૌથી પહેલાં એ વ્યક્તિને ધર દબોચવો જોઈએ જેને તારાં કોટેજ પર આવી તારી હત્યાની નાકામ કોશિશ કરી હતી.. "

"હા તારી વાત સાચી છે.. એ અપૂર્વ ઘણો શાતીર માણસ લાગે છે.. આમ સીધી રીતે પોતાની ઉપર લાગેલો આરોપ એ નહીં જ સ્વીકારે.. પણ મારી હત્યાની કોશિશ કરનાર વ્યક્તિને પકડીશું કઈ રીતે..? "આલિયા ગોપાલ ને ઉદ્દેશીને સવાલ કરતાં બોલી.

"મારી જોડે એક આઈડિયા છે.. "આટલું કહી ગોપાલે પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને એક નંબર ડાયલ કર્યો.. !!

***

વધુ આવતાં ભાગમાં.

ગોપાલ કઈ રીતે હનીફ જોડે પહોંચશે. ? રીના ઉપર કોનો કોલ આવ્યો હતો... ? અમન અત્યારે ક્યાં હતો..? શું અમન આલિયા ની રિંગ લઈ ગયો હતો..? આલિયા અને અમનની ફરીવાર મુલાકાત શક્ય બનશે..? આ સવાલોનાં જવાબ માટે વાંચતાં રહો આ સસ્પેન્સ નોવેલનો નવો ભાગ.

આ નોવેલ ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે. આ નોવેલ અંગે તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફરઅને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

~જતીન. આર. પટેલ (શિવાય)

***