Once Upon a Time - 52 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 52

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 52

પોલીસ ઓફિસર મિત્ર દિલ્હીથી આવી ગયા પછી પપ્પુ ટકલા સાથે અમારી નવી મુલાકાત યોજાઈ હતી. આ વખતે અમે પપ્પુ ટકલાના ઘરે મળ્યા હતા. પપ્પુ ટકલાએ એરપોર્ટ પાસે ફાઈવસ્ટાર હોટેલ લીલા કેમ્પેન્સ્કીના બારમાં બેસવાનો આગ્રહ રાખ્યો હતો. પણ પોલીસ ઓફિસર મિત્રએ સલૂકાઈથી એ સૂચન પડતું મુકાવ્યું હતું. પપ્પુ ટકલાને મળવામાં પોલીસ ઓફિસર મિત્ર આટલા સાવચેત કેમ બની ગયા હતા એનું કારણ અમે હજી જાણી શક્યા નહોતા. પોલીસ ઓફિસર મિત્રએ એટલું જ કહ્યું હતું કે પપ્પુ ટકલા પાછો આડી લાઈને ચડી ગયો છે. અને એના પર જોખમ તોળાઈ રહ્યું છે. પણ તેઓ આગળ કંઈ કહે એ અગાઉ અમારે પપ્પુ ટકલાના ઘરે જવાનું થયું હતું. અમે સીધા જ પપ્પુ ટકલાના ઘરે મળ્યા હતા. પપ્પુ ટકલાએ કેવી આડી લાઈન પકડી હશે અને એના પર જોખમ તોળાઈ રહ્યું હશે એ વિચાર સતત અમારા મનમાં ઘોળાઈ રહ્યો હતો. એ દરમિયાન પપ્પુ ટકલાએ પોતાના ડ્રોઇગ રૂમમાં સોફા ગોઠવાઈને, બ્લેક લેબલનો પેગ તૈયાર કરીને, ફાઈવફાઈવફાઈવ સળગાવીને અંડરવર્લ્ડ કથા આગળ ધપાવી હતી.

મુંબઈમાં સિરિઅલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી દાઉદ ગેંગ માથે પનોતી બેઠી હતી. દાઉદના ઘણા સાથીદારો દાઉદ ગેંગ છોડીને જતા રહ્યા હતા. એડીશનલ કસ્ટમ્સ કલેકટર એસ.એન.થાપા બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં ટાડા હેઠળ જેલમાં સળિયા પાછળ ધકેલાઈ ગયા એને કારણે કસ્ટમ્સ અધિકારીઓ દાઉદને સાત ગાઉં છેટેથી સલામ મારતા થઇ ગયા હતા. ત્યાં વળી હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ દાઉદના વળતા પાણી શરુ થયા હતા. બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં મેગ્નમ વિડિયોના માલિકો સમીર હિંગોરાની અને હનીફ ક્ડાવાલાની ધરપકડ થઇ એટલે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોંપો પડી ગયો. અને એથીય મોટો ઝટકો તો ફિલ્મ સ્ટાર સંજય દત્તની ધરપકડથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લાગ્યો હતો. દાઉદ ગેંગ પાસેથી એકે ફિફ્ટી સિકસ અને હેન્ડગ્રેનેડ લઈને પોતાના બંગલામાં રાખવા માટે સંજય દત્તની ટાડા હેઠળ ધરપકડ થઇ એથી હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખેરખાંઓને પરસેવો છૂટી ગયો હતો. અને એમણે દાઉદ સાથે પોતાના સંબંધ છુપાવવાની કોશિશ કરવા માંડી હતી. જે ફિલ્મ સ્ટાર્સ અને ફિલ્મ પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ કે ફાઈનાન્સર્સ દાઉદ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાનું કહીને શર્ટના કોલાર ઊંચા કરતા હતા એ બધા દાઉદથી દૂર ભાગવા માંડ્યા અને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ દાઉદનું વર્ચસ્વ ઘટવા માંડ્યું.

દાઉદ ઇબ્રાહિમ અત્યાર સુધી કોન્ટ્રકટ કિલિંગમાંથી (સુપારી લઈને હત્યાઓ કરાવવામાં) અને સ્મગલિંગમાંથી વધુમાં વધુ કમાણી કરતો હતો. એ સિવાય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરોડો રૂપિયા ઊંચા વ્યાજે ફેરવીને અને શસ્ત્રો વેચીને પણ એ ખાસ્સી કમાણી કરતો હતો. પણ એના નેટવર્કને બધી બાજુથી ફટકો પડ્યો હતો.

મુંબઈમાં દાઉદ ગેંગના ઘણા શૂટર્સ છોટા રાજન અથવા અરુણ ગવળીની ગેંગમાં જોડાવા માંડ્યા હતા. એટલે દાઉદ ગેંગના કોન્ટ્રેકટ કિલિંગના ‘ધંધા’ ને સારો એવો ફટકો પડ્યો હતો. એ જ રીતે દાઉદ ગેંગનું સ્મગલિંગ નેટવર્ક પણ લગભગ ભાંગી પડવાની અણી પર આવી ગયું હતું. દાઉદની પડતી શરુ થઇ ગઈ હોવાનું માનીને એના દુશ્મનો રાજી થઇ ગયા હતા. પણ દાઉદ ઇબ્રાહિમેં ઝડપથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માંડ્યો હતો. એણે એના વિશ્વાસુ સાથીદાર અનીલ પરબની મદદથી હવાલા નેટવર્ક વિકસાવવા પર ધ્યાન આપ્યું અને બીજી બાજુ મુંબઈના ખમતીધર હોટેલ માલિકો પાસેથી ખંડણી ઉઘરાવવાનું કામ બીજા વિશ્વાસુ સાથીદાર શરદ અન્ના શેટ્ટીને સોપ્યું. આ અરસામાં દાઉદ ઇબ્રાહિમને એક નવો સ્ટાર ગુનેગાર અબુ સાલેમ મળી ગયો. અબુ સાલેમ ઉતર પ્રદેશના આઝમગઢનો વતની હતો. એણે ઝડપથી દાઉદનો વિશ્વાસ મેળવી લીધો. અબુ સાલેમ દાઉદ ગેંગમાં મેન પાવર પૂરો પાડવા માટે આઝમગઢ વિસ્તારમાંથી ‘ટેલેન્ટેડ’ યુવાનો શોધવા માંડ્યા. એણે એવા યુવાનોને પિસ્તોલ ચલાવવાની તાલીમ આપીને એમને શૂટર તરીકે તૈયાર કરવા માંડ્યો. અને એ યુવાનોની મદદથી એણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પૈસા ઉઘરાવવાની શરૂઆત કરી.

છોટા શકીલ પણ આ કામમાં ઝડપથી પાવરધો થઇ ગયો. અબુ સાલેમ અને છોટા શકીલને કારણે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દાઉદ ઇબ્રાહિમ ગેંગની ધાક ફરી જામવા માંડી. દાઉદ ગેંગ દ્વારા ફિલ્મ સ્ટાર્સ, પ્રોડ્યુસર્સ, ડાયરેક્ટર્સ અને ફાઈનાન્સર પાસેથી પૈસા પડાવવા ઉપરાંત બિલ્ડરો અને મોટા વેપારીઓ તથા ધૂરંધર શેરદલાલો પાસેથી ખંડણી ઉઘરાવવાનો ‘ધંધો’ પણ શરુ થયો.

આ દરમિયાન દાઉદ ઇબ્રાહિમેં કેફી દ્રવ્યોની હેરાફેરીનો ધંધો પણ મોટે પાયે શરુ કર્યો. ઇકબાલ મિર્ચી, મહમંદ ડોસા, ઈરફાન ગોગા, વૈતુલ્લા ખાન અને બીજા ડ્રગ્સ સ્મગ્લરોની મદદથી દાઉદે ડ્રગ્સ સ્મગલિંગનું નેટવર્ક મોટે પાયે વિકસાવ્યું. જોકે દાઉદ ઇબ્રાહિમ હંમેશા એક વાત ભારપૂર્વક કહેતો રહ્યો છે કે, મેં ક્યારેય સ્મગલિંગમાં હાથ મેલા કર્યા નથી. પણ દાઉદ સાથે અનેક ડ્રગ્સ સ્મગલર્સ સંકળાયેલા હતા અને છે. અને દાઉદ ગેંગને આર્થિક રીતે તોડી પાડવા માટે છોટા રાજને દાઉદ સાથે સંકળાયેલા કેટલાક ટોચના ડ્રગ્સ સ્મગલરની હત્યા કરાવી છે. એનું કારણ એ જ હતું. દાઉદ ઇબ્રાહિમ એ બધાની મદદથી ડ્રગ્સ સ્મગલિંગનું નેટવર્ક ચલાવતો હતો. અને એક તબક્કે તો દાઉદ ઇબ્રાહિમ ડ્રગ્સ સ્મગલિંગમાંથી જે વર્ષે રૂપિયા એક હજાર એક હજાર કરોડથી વધુ રકમ કમાતો થઇ ગયો.

ધડાધડ માહિતી આપી રહેલા પપ્પુ ટકલાએ વચ્ચે નાનકડો બ્રેક લઈને નવો પેગ બનાવ્યો. એની સામાન્ય સ્પીડ કરતાં વધુ ઝડપથી એણે એક પેગ પૂરો કરી નાખ્યો હતો. વળી એક વાર અમારા મનમાં નવો વિચાર ઝબકી ગયો હતો કે ક્યાંક પપ્પુ ટકલા ડ્રગ સ્મગલિંગના ધંધામાં તો નહીં વળી ગયો હોય? પણ અમારી વિચારધારા આગળ વધે એ પહેલાં જ પપ્પુ ટકલાએ વાતનો દોર સાધી લીધો. ‘અંડરવર્લ્ડની ગેંગની આવક વિશે હું તમને પછી માંડીને વાત કરીશ, અત્યારે મુંબઈની બોમ્બ બ્લાસ્ટ્સ પછી અંડરવર્લ્ડ ની ગેંગવોરમાં કેવો નવો વળાંક આવ્યો અને એને કારણે હરીફ ગેંગના ગુંડાઓને બદલે વેપારીઓ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ કઈ રીતે હોળીનાં નાળિયેર બનવા માંડ્યા એની વાત આપણે કરીએ. બોમ્બ બ્લાસ્ટ્સ પછી મુંબઈમાં મોટે પાયે ખંડણી ઉઘરાવવાની શરૂઆત થઇ ગઈ. ખંડણી ઉઘરાવવા અમર નાઈક અને દાઉદ ઇબ્રાહિમ ગેંગ દ્વારા મુંબઈના વિસ્તારો વહેંચી લેવાયા. તો અરુણ ગવળી અને છોટા રાજને પણ પોતાની રીતે ખંડણી ઉઘરાવવા માંડી. અરુણ ગવળી અને છોટા રાજન એકબીજાના દુશ્મન હતા, પણ છોટા રાજને દાઉદ ઇબ્રાહિમ સાથે છેડો ફાડ્યો એટલે અરુણ ગવળી અને છોટા રાજન ગેંગ વચ્ચે એક વણલેખિત સમજૂતી થઇ ગઈ હતી. દુશ્મનનો દુશ્મન દોસ્ત ન બને તો પણ સીધો દુશ્મન ન રહે એ રીતે છોટા રાજન એ અરુણ ગવળી વચ્ચે સીધી દુશ્મની રહી નહોતી. છોટા રાજન અને અરુણ ગવળી ભૂતકાળમાં એકબીજાને બહુ નડ્યા હતા. પણ હવે એ બંને દાઉદના દુશ્મન હતા. બીજી બાજુ અમર નાઈકે દાઉદ ઇબ્રાહિમ સાથે હાથ મિલાવ્યા હતા એટલે એ છોટા રાજનનો પણ દુશ્મન બની ગયો હતો. અમર નાઈક ગેંગ અને અરુણ નાઈક ગેંગ વચ્ચે તો બાપે માર્યા વેર હોય એવી ધડાધડી ચાલુ જ હતી. આમ, છોટા રાજન દાઉદ ગેંગથી છૂટો થયો અને અમર નાઈકે દાઉદ સાથે હાથ મિલાવ્યા એ પછી મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેન્ગવોરના સમીકરણો બદલાયાં હતા.’ પપ્પુ ટકલાએ બીજો પેગ પણ અણધારી ઝડપથી પૂરો કરી નાખ્યો હતો. કોઈ અકળ ચિંતાને કારણે એ સિગારેટ પણ ઝડપથી ફૂંકી રહ્યો હતો. પણ બ્લેક લેબલના બે પેગ પેટમાં ગયા પછી એ મૂડમાં આવ્યો હતો અને વળી એક વાર એણે અનોખા અંદાજથી અંડરવર્લ્ડની કથા આગળ ચલાવી હતી.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED