Once Upon a Time - 51 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 51

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 51

‘સ્મગલિંગની દુનિયાનો આ ચિતાર તમને એટલા માટે આપી રહ્યો છુ કે સ્મગલિંગના નેટવર્કને અને બોમ્બ બ્લાસ્ટ્સ માટે આરડીએક્સના લેન્ડિંગ અને એને કારણે દાઉદ ગેંગની ટેમ્પરરી પડતીનો સીધો સંબંધ છે. અને આ બધાની કડી મુંબઈની લોહિયાળ ગેંગવોર સુધી પહોંચે છે.’ પૂરક માહિતી આપીને પપ્પુ ટકલાએ ફરી વાતનો દોર સાધ્યો, ‘મુંબઈમાં બોમ્બધડાકા માટે મહારાષ્ટ્રમાં શ્રીવર્ધનના દરિયાકિનારે આરડીએક્સનું કન્સાઇન્મેન્ટ ઊતર્યું એ ઓપરેશન પણ આવું જ એક ઓપન સિક્રેટ ઓપરેશન હતું. એડિશનલ કસ્ટમ્સ કલેકટરથી માંડીને એકદમ નીચલા દરજ્જાના કસ્ટમ્સ અધિકારીઓની મીઠી નજર હેઠળ આ કન્સાઇન્મેન્ટ ઊતર્યું હતું. પાછળથી આસિસ્ટન્ટ કસ્ટમ્સ કલેકટર આર. કે. સિંહે પોલીસને કહ્યું હતું કે ‘૯ માર્ચ, ૧૯૯૩ના દિવસે એડિશનલ કસ્ટમ્સ કલેકટર સોમનાથ થાપાએ મુસ્તાક મેમણ ઉર્ફે ટાઈગર મેમણને મારી પાસે મોકલીને સૂચના આપી હતી કે ટાઈગરને તમારે પૂરી મદદ કરવાની છે.’

આસિસ્ટન્ટ કસ્ટમ્સ કલેકટર આર.કે. સિંહાના આ નિવેદનને કારણે એડિશનલ કસ્ટમ્સ કલેકટર સોમનાથ થાપાએ લોકઅપમાં ધકેલાઈ જવું પડ્યું હતું. પોલીસની પૂછપરછ વખતે થાપાએ કહ્યું હતું કે ‘ટાઈગર મેમણ તો મારો ખબરી હતો અને સ્મગલિંગ વિશે માહિતી મેળવવા હું એની સાથે સંપર્કમાં રહેતો હતો!’ મજાની વાત એ હતી કે ‘ટાઈગર મેમણ પર બોમ્બ ધડાકાના બે વર્ષ અગાઉથી કોફેપાસા હેઠળ ડિટેન્શન ઓર્ડર જારી કરાયો હતો. પણ એ વ્યક્તિ સાથે એડિશનલ કસ્ટમ્સ કલેકટર થાપા સતત સંપર્કમાં હતા.’

પપ્પુ ટકલાએ અંડરવર્લ્ડ વિશે મહાનિબંધ લખીને ડોકટરેટની ઉપાધિ મેળવવી જોઈએ, અમારા દિમાગમાં વિચાર ઝબકી ગયો. એ દરમિયાન પપ્પુ ટકલાએ પોતાની વાત ચાલુ રાખી હતી: ‘કસ્ટમ્સ અધિકારીઓના પોસ્ટિંગ માટે ઘણા વિસ્તારોમાં ભારે ઊંચા ભાવ બોલાતા હોય છે. એમાંય મુંબઈ જેવા મહાનગરની આજુબાજુના દરિયાકિનારે તો દાણચોરીના કન્સાઇન્મેન્ટ ઊતરે એના પર ઘણા કસ્ટમ્સ અધિકારીઓને કમિશન મળતું હોય છે. સ્મગલિંગના તમામ કન્સાઇન્મેન્ટ વિશે દાણચોરો, કસ્ટમ્સ અધિકારીઓને આગળથી જાણ કરી દેતા હોય છે.

દાણચોરી અને કસ્ટમ્સ અધિકારીઓ વચ્ચે સમજૂતી થતી હોય છે. એ પ્રમાણે કોઈ ચોક્કસ કન્સાઇન્મેન્ટ ઉતરવાનું હોય ત્યારે એ વિસ્તારમાં વિજિલન્સ રાખવાને બદલે કસ્ટમ્સ અધિકારીઓ બીજા વિસ્તારમાં વોચ ગોઠવી દે. જેમ કે શ્રીવર્ધનમાં આરડીએક્સનું લેન્ડિંગ થવાનું હતું. ત્યારે જવાબદાર કસ્ટમ્સ અધિકારીઓએ વસઈ કે અન્ય વિસ્તારમાં દરિયાકિનારે વોચ રાખી હોય! કોઈક પ્રામાણિક કસ્ટમ્સ અધિકારીઓ પણ હોય છે. તેઓ ભ્રષ્ટ કસ્ટમ્સ અધિકારીઓના ખેલ ઘણી વાર ઊંધા પાડી દેતા હોય છે. પણ એમની હાલત ઘણી વાર કફોડી થઈ જતી છે. મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ્સ પછી પખવાડિયા બાદ અલાહાબાદમાં કસ્ટમ્સ અધિકારી એલ.ડી. અરોરાની હત્યા થઇ હતી એને આરડીએકસના લેન્ડિંગ સાથે સબંધ હોવાનું કહેવાય છે. એલ.ડી.અરોરાએ એમના ફરજકાળ દરમિયાન રૂપિયા ૨૦૦ કરોડથી વધુ કિંમતનો સ્મગલિંગનો સામાન જપ્ત કર્યો હતો. એમાં ટાઈગર મેમણનો કરોડો રૂપિયાનો સામાન પણ હતો. આવા કસ્ટમ્સ અધિકારીઓની બૂરી વલે થતી હોવા છતાં ઘણા પ્રમાણિક અધિકારીઓ પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા છોડતા નથી એ પણ હકીકત છે. પણ મોટા ભાગના કસ્ટમ્સ અધિકારીઓ દાણચોરો સાથે સબંધ ધરાવતા હોય છે. અને એટલે જ બોમ્બ બ્લાસ્ટ્સ પછી આરડીએક્સ લેન્ડિંગ સાથે સંકળાયેલા કસ્ટમ્સ અધિકારીઓની ધરપકડનો દોર શરૂ થયો ત્યારે ફેડરેશન ઓફ ધ પ્રિવેન્ટીવ કસ્ટમ્સ ઓફિસર્સ એસોસિએશનને ચેન્નાઈમાં રાષ્ટ્રીય બેઠક યોજી હતી એમાં માગણી મુકાઈ હતી કે કસ્ટમ્સ ઓફિસરની ટાડા હેઠળ ધરપકડ ન થવી જોઈએ!’

કસ્ટમ્સ અધિકારીઓને સ્મગલિંગ નેટવર્ક વિકસાવવામાં અને બીજી રીતે દાણચોરોને મદદરૂપ થતાં હોય છે એ વિશે ક્રિકેટરની કોમેન્ટરીની જેમ વાત કર્યા પછી પપ્પુ ટકલાએ ફરી મેઈન ટ્રેક પર આવીને વાત માંડી, ‘આરડીએક્સ લેન્ડિંગ પછી દાઉદગેંગ સાથે ઘણા કસ્ટમ્સ અધિકારીઓના સંબંધની વાત બહાર આવ્યા બાદ દાઉદના સ્મગલિંગ નેટવર્કને ભારે ફટકો પડ્યો એની સીધી અસર મુમ્બૈયા ગેંગવોર પર થઇ હતી. દાઉદ ગેંગની સ્મગલિંગની આવક ઘટી એટલે દાઉદ ગેંગ દ્વારા આવક માટે બીજા રસ્તા અજમાવવાની શરૂઆત થઇ હતી. દાઉદ ઇબ્રાહિમે મુંબઈમાં મોટે પાયે ખંડણી ઉઘરાવવાની શરૂઆત કરી. એ દરમિયાન અરુણ ગવળી અને અમર નાઈક ગેંગે પણ ખંડણી ઉઘરાવવા માંડી હતી. એને કારણે વળી એક વાર બધી ગેંગ સામસામે ટકરાઈ હતી. અમર નાઈક અને દાઉદ ઇબ્રાહિમ ગેંગ વચ્ચે તો પાછળથી સમજૂતી સધાઈ ગઈ હતી. દાઉદ ગેંગ અને નાઈક ગેંગ દ્વારા મુંબઈના વિસ્તારોની વહેચણી કરી લેવામાં આવી હતી. એ સમજૂતી પછી મધ્ય મુંબઈના જે વિસ્તારોમાં અમર નાઈક ગેંગનું વર્ચસ્વ હતું. ત્યાં દાઉદ ઇબ્રાહિમ ગેંગ ખંડણી ઉઘરાવતી નહોતી અને બાકીના વિસ્તારમાં અમર નાઈક ગેંગ માથું મારતી નહોતી. પણ અરુણ ગવળી ગેંગ દાઉદ અને નાઈકના વિસ્તારોમાં ખંડણી ઉઘરાવી રહી હતી. અમર નાઈક અને દાઉદ ગેંગ દ્વારા જેમની પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવી હોય એના વિશે પત્તો લગાવીને અરુણ ગવળી ગેંગ એમની પાસેથી ખંડણી ઉઘરાવવા પહોંચી જતી હતી.

પપ્પુ ટકલાએ મુંબઈમાં ખંડણી ઉઘરાણીની શરૂઆત વિશે માંડી ત્યાં જ વધુ એક વાર એના મોબાઈલની રિંગ રણકી ઉઠી હતી. અને પપ્પુ ટકલાએ અમારી રજા લીધી.

ફરી એક વાર મળવાનું નક્કી કરીને અમે છૂટા પડ્યા ત્યારે પોલીસ ઓફિસર ફ્રેન્ડે વળી એક વાર કમેન્ટ કરી કે ‘આ માણસ ફરી વાર અંડરવર્લ્ડના કળણમાં ખૂંપી રહ્યો હોય એવું મને લાગે છે.’

***

અઠવાડિયા પછી ફરી વાર પપ્પુ ટકલાનો ફોન આવ્યો. એણે કહ્યું કે આપણે આવતી મળીએ. પણ પોલીસ ઓફિસર ફ્રેન્ડને અંગત કામ માટે દિલ્હી જવાનું થયું હતું. તેઓ બે દિવસ પછી પાછા આવવાના હતા. એમણે ફોન પર અમને કહ્યું કે ‘મારી ગેરહાજરીમાં તમે પપ્પુ ટકલાને મળતા નહીં.’ એમણે એવું પણ ઉમેર્યું કે હવે પપ્પુ ટકલાને જાહેરમાં મળવાનું ટાળવું પડશે. પોલીસ ઓફિસર ફ્રેન્ડની વાત પરથી અમે અનુમાન કરીએ એ પહેલાં જ એમણે સ્પષ્ટતા કરી હતી કે, પપ્પુ ટકલા અંડરવર્લ્ડના વિષચક્રમાં બરાબર ફસાયો હોવાની મને પાકી ખાતરી થઈ ગઈ છે. એ વિશે આપણે મળીએ ત્યારે હું તમને કહીશ.

ટકલા વિશે સસ્પેન્સ ઊભું કરીને પોલીસ ઓફિસરે ફ્રેન્ડે ફોન મૂકી દીધો હતો.

પપ્પુ ટકલાએ વળી કયા કારનામાં શરુ કર્યા હશે એ વિશે અમારા મનમાં વિચારો શરૂ થયા હતા. પણ બે દિવસ સુધી એનો જવાબ મળવાનો નહોતો.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED