Limelight - 31 books and stories free download online pdf in Gujarati

લાઇમ લાઇટ - ૩૧

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૩૧

શાંત પડેલી આગની રાખમાં પડેલી નાનકડી ચિનગારીથી અચાનક મોટો ભડકો ઊઠે એમ કામિનીની આંખમાંથી અંગારા ઝરવા લાગ્યા હતા. પ્રકાશચંદ્ર સામેનો ગુસ્સો એકદમ ફૂટી નીકળ્યો હોય એમ કામિનીએ પ્રકાશચંદ્રના મોતને યોગ્ય માન્યું હતું. પ્રકાશચંદ્રએ આત્મહત્યા કરી લીધી એ પગલાને કામિની યોગ્ય માની રહી હતી એ જાણી રસીલીને નવાઇ લાગી. તેણે તો પ્રકાશચંદ્રના મોત માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું. અને તેમના પગલાને યોગ્ય માન્યું ન હતું. રસીલીને પ્રકાશચંદ્ર પ્રત્યે કોઇ વિશેષ પ્રેમ કે લાગણી ન હતી. તેણે તો સહજતાથી આ વાત કહી હતી. પણ કામિનીના મનમાં કોઇ બીજી જ વાત ચાલતી હતી. તેણે "પ્રકાશચંદ્ર આવા જ મોતને લાયક હતો" એમ કહીને રસીલીની બોલતી બંધ કરી દીધી હતી. રસીલી નવાઇથી કામિની તરફ જોઇ રહી હતી. બોલતાં બોલતાં કામિનીનો શ્વાસ ફૂલી ગયો હતો. કામિની આગળ બોલી:"મારા માટે તેનું હોવું ન હોવું સરખું જ હતું. એની સાથેનું મારું લગ્નજીવન દોઝખ જેવું હતું. મર્યા પછી એ સ્વર્ગમાં ગયો કે નહીં એની મને ખબર નથી પણ હું આ નરકમાંથી હવે છૂટી છું..."

કામિનીએ થોડી ક્ષણો માટે આંખો બંધ કરી દીધી. રસીલી કામિનીના ચહેરાના બદલાતા ભાવ જોઇ રહી. ધીમે ધીમે કામિનીનો ચહેરો શાંત પડી રહ્યો હતો. ચહેરા પર ગુસ્સાને લીધે આવેલી લાલાશ અદ્રશ્ય થઇ રહી હતી. એ જોઇ રસીલીને રાહત થઇ. રસીલીને થયું કે તેણે કામિનીની કોઇ દુ:ખતી રગ ઉપર હાથ મૂકી દીધો હતો. પ્રકાશચંદ્રના પુરુષત્વના વખાણ કર્યા હતા એ વાત કામિનીથી સહન થઇ ન હતી. નક્કી એવી કોઇ વાત છે જેનાથી કામિની વિચલિત થઇ હતી. રસીલીએ પોતાની મોટી બહેન હોય એમ ઊભા થઇ કામિનીને બાથમાં લઇ કહ્યું:"બહેન, માફ કરજો, મારાથી કંઇ આડુંઅવડું બોલાઇ ગયું હોય તો...."

કામિનીએ ધીમે રહી આંખો ખોલી બે હાથથી તેને પકડી સામે બેસાડી કહ્યું:"ના બહેન, ભૂલ તો મારાથી થઇ ગઇ હતી. તું મને માફ કરજે. મેં મારા પતિના ઉપભોગનું સાધન તને બનાવી દીધી. મેં પાપ કર્યું છે. મને સજા આપીશ તો પણ મંજુર છે..."

"બહેન, આ શું બોલી રહ્યા છો? હું એ વાતને મારું સૌભાગ્ય માનું છું કે તમારી મદદ કરી શકી...."

"તું ભલે એ વાતને તારું સૌભાગ્ય માનતી હોય પણ મને મારું સૌભાગ્ય ગયું એનું જરા પણ દુ:ખ નથી. તું પણ કોઇ દુ:ખ મનમાં ના લાવતી. તેં મારા પતિના મનમાં સેક્સની લાગણીઓ મારા કહેવાથી જ જન્માવી હતી. મને એમ હતું કે અમારું લગ્નજીવન સુખી બનશે. તે એક બીમારીમાંથી મુક્ત બનશે અને મારા શરીરને ચાહશે. એમણે મારા શરીરને ચાહ્યું જ નહીં. મેં તેમને નપુંસકતાની બીમારીમાંથી મુક્ત કરવા કેટલી બધી દવાઓ કરાવી અને વર્ષો સુધી શરીર સંબંધના વિરહમાં જીવતી રહી. જ્યારે એ બીમારીમાંથી મુક્ત થયો ત્યારે મને ચાહવાને બદલે વધારે હડધૂત કરવા લાગ્યા. મને એમ હતું કે તારી સાથે સંબંધ બાંધવામાં સફળ રહ્યા પછી એ મારી સાથે લગ્નજીવનનો હવે પૂરેપૂરો આનંદ માણશે. એના બદલે એ મારાથી વધુ દૂર ને દૂર જવા લાગ્યા. મને ખબર પડી કે એ દર બે દિવસે તારી સાથે રાત વીતાવવા જાય છે. તેં પણ મને સંકોચ સાથે કહ્યું હતું કે આ તો આંગળી આપતાં પહોંચો પકડવા જેવું થયું હતું. તેને તારા શરીરની માયા લાગી હતી. હું પણ એક સ્ત્રી જ છું. મારા શરીરમાં પણ એવી જ આગ હતી. છતાં તેમણે મારું પડખું સેવ્યું નહીં. હું રાતોની રાતો એકલી પડખાં ફેરવતી ઝૂરતી રહી. મેં તેમનો સાથ મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને "ઠંડી અને સૂકલકડી" કહીને મારું સ્ત્રીત્વનું હડહડતું અપમાન કરતો રહ્યો. એ હું મૂંગામોંએ જીરવતી રહી. મેં કેટલા ઉત્સાહથી તેની બીમારી મટાડવાનો પ્રયત્ન કર્યો હતો. મારું લગ્નજીવન દાવ પર લગાવી દીધું હતું. કોઇ સ્ત્રી બીજી સ્ત્રીને પોતાના પતિનો સાથ માણવાની પરવાનગી ના આપે. પણ મેં એ જોખમ ઉઠાવ્યું અને મોટી ભૂલ કરી. એ નપુંસક જ મર્યો હોત તો સારો હતો. એ મરદ માણસ જ ન હતો. એ કાયર જ હતો...."

કામિનીને ગુસ્સાથી વાત કરતી જોઇ રસીલી ચોંકી ગઇ. તે કામિનીના દિલ અને દિમાગની હાલત સમજી શકતી હતી. કામિનીએ જે સહન કર્યું એના જ આ પ્રત્યાઘાત હતા. રસીલીને થયું કે પોતે પ્રકાશચંદ્ર સાથે શારીરિક સંબંધ બાંધવાની કામિનીની માગણી ના માની હોત તો સારું થાત. તે બંને વચ્ચેના વિખવાદનું કારણ બની ન હોત.

તે બોલી:"બહેન, મને પણ એ વાતની કલ્પના ન હતી કે અસલ જીવનમાં ફરી વેશ્યાની ભૂમિકા ભજવવા જતાં તમારી મુશ્કેલીમાં વધારો થવાનો છે....તેમના મૃત્યુના થોડા દિવસ પહેલાં જ મેં તેમની સાથેનો બધો સંબંધ ઓછો કરી નાખ્યો હતો. મેં બહાનું બનાવી એક સપ્તાહ સુધી મળી શકાય એમ નથી એવું કહી દીધું હતું. તેમણે છેલ્લે પણ મને ફોન કર્યો હતો. મેં મળવાની ના જ પાડી હતી. મેં એ સારું કર્યું હતું કે ખોટું એ જ મને સમજાયું ન હતું. તેમના મૃત્યુ પછી પોલીસ ઇન્સ્પેક્ટરે મને ઘણી બધી પૂછપરછ કરી હતી. પણ મેં એમની બીમારી કે અન્ય કોઇ અંગત બાબત વિશે વાત જ કરી ન હતી. પ્રકાશચંદ્ર ગયા પછી મારા હૈયે તમારું જ હિત રહ્યું છે. અને એમના ગયા પછી એ બધી જ વાત તમને ફોન કરીને જણાવી દીધી હતી."

"રસીલી, તેં સતત મને મદદ કરી છે. મેં તને પ્રકાશચંદ્રના મોત પછી ફોન કરી આ મુદ્દે કોઇને કંઇપણ ન કહેવાની અરજ કરી હતી. સારું થયું કે પોલીસ ઇન્સ્પેક્ટરે પ્રકાશચંદ્રના છેલ્લા કોલની તપાસ કરી. મારો મોબાઇલ જોયો હોત તો મેં પણ તારી જ સાથે છેલ્લી વાત કરી હતી એ જાણ્યું હોત તો વધુ પૂછપરછ કરત. આપણે બંને એમાંથી બચી ગયા. આ આખા પ્રકરણમાં તારો ક્યાંય કોઇ વાંક નથી. એ માણસ જ ખોટો હતો. "લાઇમ લાઇટ" જેવી કમર્શિયલ ફિલ્મ બનાવવાની તેની શક્તિ જ ન હતી. આ તો તેમના મૃત્યુ પછી પણ તેં પ્રચારમાં સહયોગ આપ્યો અને ફિલ્મ સફળ થઇ ગઇ એ આપણાં નસીબ. મેં એ માટે તારો બહુ ઉપયોગ કર્યો છે. તારી જ ફિલ્મ હતી એટલે આમ તો તારો ફાયદો જ હતો. પણ ફિલ્મના હીરો મોન્ટુ સાથે અફેર કરવાની મારી સલાહ પણ તેં કોઇ આનાકાની વગર માની હતી. મોન્ટુ સાથેનું એ અફેર ચગ્યા પછી તેં મને એ સમાચારની વેબ લિન્ક મોકલાવી હતી. એના વ્યુઝ પરથી મને ખ્યાલ આવી ગયો કે આપણને એમાં સફળતા મળી હતી. સાચું કહું? ખરેખર તો પ્રકાશે મોટા બજેટની ફિલ્મનું ખોટું સાહસ કર્યું હતું. હું પણ કેવી ગાંડી કે એના પ્રેમમાં ન જાણે કેટકેટલા જોખમ લઇ ફિલ્મ બનાવવા સહાય કરી. એની પણ એમને કોઇ કદર ન હતી...."

કામિનીએ વાત કરતી વખતે પોતાના ફાઇનાન્સર રાજીવ ગોયલ સાથે થયેલા ફાઇનાન્સના સોદાને રસીલીથી હમણાં છુપાવવાનું જ મુનાસિબ માન્યું. અચાનક તેને યાદ આવ્યું કે પ્રકાશચંદ્રના મોત પહેલાંના દિવસોમાં રાજીવનો ખુશખબર આપતો ફોન આવ્યો હતો. "લાઇમ લાઇટ" ને દર્શકોએ નકારી કાઢી હતી એ જ દિવસે રાજીવનો ફોન આવ્યો હતો. કામિનીને એમ હતું કે રાજીવે ઊઘરાણી માટે ફોન કર્યો હશે. ફિલ્મ ફ્લોપ થવાથી અત્યારે તો તેના રૂપિયા ડૂબી ગયા હતા. ત્યારે તેની પાસે મારા માટે કયા સારા સમાચાર હોય એ કામિનીને સમજાતું ન હતું. કામિનીએ તેની સાથે વાત કરી ત્યારે તે ચોંકી ગઇ હતી. રાજીવે તેની સાથે લગ્ન કરવાની દરખાસ્ત મૂકી હતી. રાજીવનું કહેવું હતું કે "લાઇમ લાઇટ" ફ્લોપ થઇ ગઇ છે. હવે પ્રકાશચંદ્ર સાથે ગરીબીમાં જીવવાને બદલે તેને છોડીને મારી સાથે લગ્ન કરી લે. અને લગ્ન કર્યા વગર રહેવા માગતી હશે તો પણ વાંધો નથી. "લાઇમ લાઇટ" પછી પ્રકાશચંદ્રનું બેંક બેલેન્સ ઝીરો થઇ ગયું છે પણ તારા ઝીરો ફિગરવાળા શરીરથી મારા આનંદનું બેંક બેલેન્સ વધી જશે. રાજીવની આ વાત સાંભળીને કામિની આભી જ બની ગઇ હતી. કામિનીને ખબર હતી કે રાજીવ તેને હવે સાચો પ્રેમ કરવા લાગ્યો છે. તે તેના ઝીરો ફિગરનો દિવાનો હતો. અને તેણે પોતાના શરીર માટે નહીં પણ પ્રેમને કારણે "લાઇમ લાઇટ" માટે ફાઇનાન્સ પૂરું પાડ્યું હતું એનો કામિનીને પછીથી ખ્યાલ આવી ગયો હતો.

કામિનીને વિચારોમાં ગરકાવ થયેલી જોઇ રસીલીને નવાઇ લાગી. રસીલીને થયું કે કામિનીની માનસિક સ્થિતિ અત્યારે વિચિત્ર છે. તેને આરામની જરૂર છે. એટલે રસીલી બોલી:"બહેન, તમે થાક્યા છો. ઘરે જઇ આરામ કરો. કાલે વધારે વાત કરીશું. એવું હશે તો હું તમારા ઘરે આવીશ. આમ પણ પ્રકાશચંદ્રના અવસાન પછી હું એકપણ વખત આવી શકી નથી. આપણે શાંતિથી વાતો કરીશું..."

રસીલીની વાતથી કામિની ઝબકીને જાગી હોય એમ બોલી:"હા...હા...કેમ નહીં...? ચાલ હું ઘરે જઉં." પણ તેને એવું લાગ્યું કે રસીલી કોઇ કારણથી ઘરે આવવા માગે છે. એનું શું કારણ હોય શકે? તે વધારે વિચાર કર્યા વગર ઊભી થઇ. રસીલીએ કામિનીને વિદાય આપી અને દરવાજો બંધ કર્યો. કામિનીનું વિચારવાનું શંકા કરવાનું ખોટું ન હતું. રસીલી એક ખાસ વાત માટે કામિનીને ત્યાં જવાની હતી!

કામિની જાતે જ કાર ચલાવીને આવી હતી. તેણે કારમાં બેસીને પહેલાં મોબાઇલમાં એક સ્થળનું લોકેશન સેટ કર્યું. અને કાર ચાલુ કરી. કામિનીની કાર ઘર તરફ જવાને બદલે બીજી તરફ આગળ વધવા લાગી. તે થોડી જ વારમાં એક બિલ્ડિંગના ગેટ પાસે પહોંચી. અને બહાર કાર પાર્ક કરી લિફ્ટમાં દસમા માળનું બટન દબાવ્યું. દસમા માળે પહોંચીને રૂમ નં.૧૦૦૫ નો ડોરબેલ દબાવ્યો. અડધો દરવાજો ખૂલ્યો. કોઇ પુરુષે કામિનીને જોઇ હાથથી અંદર ખેંચી લીધી અને બાહુપાશમાં જકડી લીધી.

ત્યારે કામિનીને ખબર ન હતી કે તેની કારનો કોઇ પીછો કરી રહ્યું હતું. તે લિફ્ટમાં પ્રવેશી અને દસમા માળે લિફ્ટ અટકી ત્યારે ત્યાં આવીને ઊભેલી એ વ્યક્તિએ બિલ્ડિંગના બોર્ડ ઉપર દસમા માળના ફ્લેટમાલિકોના નામનો ફોટો પોતાના મોબાઇલમાં લઇ લીધો હતો.

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, ૫૧૦૦૦ થી વધુ વ્યુઝ ધરાવતી "લાઇમ લાઇટ"ના આ પ્રકરણમાં રસીલી કઇ વાત કરવા કામિનીના ઘરે જવાની હતી? કામિની રસીલીને ત્યાંથી નીકળી કોને ત્યાં ગઇ? અને તેનો પીછો કોણ કરતું હતું? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. માતૃભારતી પરની "ટોપ ૧૦૦ નવલકથાઓ" કેટેગરીમાં તેનો સમાવેશ થયો છે. તેના ૧૩૦૦૦૦ થી વધુ ડાઉનલોડ અને આપના અમૂલ્ય ૨૦૮૦૦ રેટીંગ્સ લોકપ્રિયતાના પુરાવા છે. એક અતિ સ્વરૂપવાન અને માદક યુવાનીથી છલકતી છોકરી અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી કેવી રીતે તેમની સામે ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ વળાંકો લેતી અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તાનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણી "આંધળો પ્રેમ" પણ આપને વાંચવી ગમશે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED