Palash books and stories free download online pdf in Gujarati

પલાશ

પલાશ ઃ

ખીલ્યો પલાશ પુર બ્હારમાં રે લોલ,
સઘળી ખીલી છે વનવેલ;
ટહુકે શી આમ્રકુંજ કોકિલા રે લોલ,
ટહુકે મયુર અને ઢેલ !
બંધુ બેનીઓ ! ચાલો વસંતૠતુ માણવા.
- નરહરિ ભટ્ટ

પૂર્વદિશામાંથી સૂરજ ધીમે ધીમે ઉપર ચડી રહ્યો હતો. પક્ષીઓ લયબધ્ધ અવાજે એના આગમનની છડીઓ પોકારતા પોતપોતાના કામે ચડી રહ્યાં હતાં. શહેરના 'પોશ' એરીઆમાં આવેલા પોશ ફ્લેટ્સના પંદરમા માળના ફ્લેટની ગેલેરીમાંથી રીતુ કોફીની ધીમી ધીમી ચુસ્કી સાથે એ દ્રશ્યને નજરમાં સમાવી લેવાનો પ્રયત્ન કરી રહી હતી.

રીતુને નાનપણથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા અનહદ પસંદ હતાં. એ અચૂક એનો લ્હાવો માણે માણે અને માણે જ.વળી સદનસીબે એના ઘરનો વ્યૂ પણ એવો સરસ હતો કે સૂર્યને 'આવો થી માંડીને આવજો' કહેવાનો બે ય વેળાનો એ લ્હાવો ઉઠાવી શકવાને સક્ષમ હતી. ધીમે ધીમે ઉગી રહેલા સૂર્યના ઉજાસમાં સવારના લગભગ ખાલી રોડની જમણી બાજુએ ઉગેલા ખાખરાના વૃક્ષને જોઇને રીતુ કાયમ અત્યંત ભાવવિભોર થઈ જાય, એવા સમયે એ 'માંગ માંગ માંગે તે આપું' જેટલી પ્રસન્નતાની ભાવનાથી છલકાઈ જાય. બહુ ઉંચુ નહીં ને બહુ નીચું પણ નહીં, એ ખાખરાનું વૃક્ષ સાવ સામાન્ય જ, ઝાડ રુપાળું નહીં પણ એના ફૂલ અતિસુંદર. સાંજના સમયે તો પલાશના ફૂલો જાણે અગ્નિના ઝીણાં તિખારા જેવા જ લાગતાં.અહાહા...આજે પણ સૂર્યોદય નિહાળતાં રીતુની નજર સૂર્યકિરણોની સાથે સાથે એ અતિપ્રિય પલાશના ફૂલ પર પડી પણ આ શું..એને એક આંચકો લાગ્યો.અંદર કોઇ સંવેદનોના તાર જ ના રણઝણ્યાં. રીતુએ ફરીથી એક વાર નજરમાં એ આખું વાતાવરણ ભરી લેવાનો યત્ન કર્યો. પણ એ એની ખુશી માણવાના પ્રયાસમાં વિફળ નીવડી.

'આ..હ.' આ એની સાથે શું થઈ રહ્યું છે ? નાનપણથી જે વસ્તુઓના, મંઝિલના સપનાં જોઇ જોઇને મોટી થઈ છે, રીતસરની એ પૂરા કરવાને એ ટટળી છે, તરફડી છે એ સપનાં ધીમે ધીમે પૂરાં થઈ રહ્યા હતાં. અભાવોની વચ્ચે ગુજરેલાં બાળપણમાં પાડોશીના ઘરે ટીવી જોઇજોઇને મોટી થતી રીતુએ મોટા થઈને બહુ પૈસા કમાઈને એક મોટું ટીવી ખરીદવાનું માસૂમ સપનું જોયુ હતું. આજે ચાલીસીના પડાવે એ ઉભી હતી અને એની પાસે એના ચાર બેડરુમના ઘરમાં દરેક રુમે રુમે એક એલઈડી ટીવી હતું. ટીવી જોવા માટે બીજા રુમમાં જવાની ય તસ્દી લેવાની જરુર નહીં. પોતાના ઘરે મહેમાન આવ્યાં હોય ત્યારે એમના માટે બનાવાતા શરબત માટે જોઇતો બરફ પણ એ પાડોશીના ઘરેથી માંગવા જતી ત્યારે ભવિષ્યમાં પોતાના ઘરમાં એક મસમોટું ફ્રીજ હશે એવું વિચારતી અને આજે...એના ઘરમાં ડબલડોરના બે ફ્રીજ હતાં અને એ પણ આઇસક્રીમ , કોલ્ડડ્રીંક, ફ્રુટ્સ, ડ્રાયફ્રુટ્સથી ઠસોઠસ ! એની સ્કુલ ઘરથી અડધો કલાકના અંતરે હતી જે રસ્તો એણે ચાલીને પસાર કરવો પડતો.એ વેળા રીતુ રસ્તા પર આવતાં જતાં વાહનોને એક તરસથી નિહાળતી અને આજે એની પાસે બે મસમોટી કાર , એ પણ શોફરડ્રીવન અને એક એક્ટીવા પણ હતું. નાના એવા બે રુમના અને રોજબરોજ ગાળાગાળીથી દિવસ શરુ કરનારા પાડોશીની વચ્ચે રહી રહીને એના કાન પાકી જતાં હતાં જ્યારે આજે..એની પાસે નિરાંતે પોતાના મનગમતાં સંગીતને માણી શકે એવો , શહેરના અતિધનવાન લોકોમાં ગણના થાય એવા એરીઆમાં એક સુંદર મજાનો ફ્લેટ હતો. પોતાનો વેલસેટલ્ડ બિઝનેસ હતો. એકાદ મહિનો ઓફિસે ના જાય તો પણ કોઇ જ તકલીફ ના પડે એવો વિશ્વાસુ સ્ટાફ પણ હતો. તો પછી..આવું કેમ ?
નાનપણમાં પાડોશીના ઘરે ચિત્રહાર જોઇ જોઇને જે ખુશી મળતી એ આજે પોતાના મસમોટા ટીવીમાં મનગમતી ચેનલોના મનપસંદ પ્રોગ્રામમાં કેમ નહતી આવતી ? ગંદકીથી ખબબદતા રસ્તા પર મસ્તીથી ચાલી જતી હતી એ વેળાની મજા આજે સુંદર મજાની એ.સી.વાળી ગાડીમાં ય કેમ નહતી આવતી ? પંદર પૈસાની પેન્સિલથી ચિત્રો દોરીને , દસ રુપિયાના વેક્સ ક્રેયોનથી કલર કરતી વેળા જે મસ્તીની હેલીમાં એ તરબોળ થતી એ આજે કેનવાસ પર મોંઘા દાટ - દેશ વિદેશથી સ્પેશિયલ મંગાવેલા કલર લઈને પેઇન્ટીંગ કરવામાં કેમ નહતી આવતી ? નાનપણમાં એના ઘરે ભાજીપાઉં કે ઢોંસા બને ત્યારે એક મહાઉત્સવ જેવું લાગતું જ્યારે આજે એ શહેરની ફાઈવસ્ટાર હોટલમાં બ્રંચ - ડીનર - બુફે કરતી હતી પણ તો ય..મજાની એ લહેરખી ક્યાં ? મનગમતો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા એ સ્પેશિયલ ઘરના ધાબે અડધો અડધો કલાક રાહ જોતી હતી જ્યારે આજે એ મનપસંદ્ દ્શ્ય એના ઘરમાંથી જ નિહાળી શકાતું હતું પણ એ ઉલ્લાસની એક ઝીણી સરખી છાંટ સુધ્ધાં એમાં નહતી અનુભવાતી. પોતાની અંદરનું નાજુક, સુંદર મન ક્યાં ખોવાઈ ગયેલું ?

એક ઝાટકાં સાથે રીતુ ઉઠી અને બાથટબમાં પાણી કાઢી, બોડીલોશન મીક્ષ કરીને સ્નાન કરવા ગઈ. સ્નાન કરીને તૈયાર થઈને એ એના આધ્યાત્મિક ગુરુમાના આશ્રમમાં ગઈ. ગુરુમા નાનપણથી રીતુને ઓળખતા હતાં અને દરેક સારા - માઠા પ્રસંગે એની તાકાત બનીને ઉભા રહેતાં. જોકે આજનો પ્રસંગ સારો - માઠો કરતાં પણ વધુ નાજુક, વધુ સંવેદનશીલ હતો. સ્લીવલેસ જાંબુડી રંગની શિફોનની સાડીમાં વીંટળાયેલી એકવડીયા બાંધાની બેદાગ ગોરી લીસી ત્વચા ધરાવનારી રીતુના લીસા - કાળા વાળ ખુલ્લાં હતાં ને મંદ મંદ પવનનાં ફરફરતાં હતાં. આસમાનમાંથી ઉતરી આવેલી પરી જેવી રીતુની સામે જોઇને ગુરુમાએ એક મમતાળુ સ્મિત આપીને આવકાર આપ્યો.
'બોલ બેટા, આ મારા રુપાળા ચાંદ પર આજે અમાસની કાળી છાયા કેમ પથરાયેલી છે ?'
'મા..અમાસની છાયા જ હોય તો સારું. મને તો હું ખુદ અમાસ..' ને ગુરુમાએ એના મોઢા પર હાથ મૂકી દીધો.
'અર..ર પગલી, આ શું બોલે છે ? આટલી નાજુક, સમજુ છોકરી ને સાવ આવી વાતો ?'
'મા, સાવ એકલી છું. મા બાપ ક્યારનાં મરી પરવાર્યા અને હું કોઇને પરણીને મા બની શકું એવો કોઇ સમય મળ્યો જ નહી કે એવો વિચાર પણ નથી આવ્યો. આજે જ્યારે મારા નાનપણી સપનાંઓ હકીકતનું સ્વર્ગ બનીને મારું જીવન અજ્વાળી રહ્યાં છે ત્યારે મારું અંતર ઝળઝળના બદલે એની આજુબાજુના અંધારામાં ખોવાઈ જાય છે. પહેલાં ગરીબ હતાં ત્યારે જે નાની નાની ખુશીઓની અમીરી હતી એ આજની જાહોજલાલીમાં ગમે એટલા પૈસા વેરવા છતાં ય નથી મળતી. એકચ્યુઅલી મા, હું બહુ તરસી છું આ વૈભવ, ઝાકમઝોળ માટે. આમ ને આમ જ જીવનના ચાલીસ વર્ષ વીતી ગયાં. સપનાં પૂરા કરવામાં ને કરવામાં બહુ ઉઝરડાં પડ્યાં છે, પીડાઓના સાગર ખેડ્યાં છે, આ બધું વેઠીને હું થોડી મજબૂત થઈ ગઈ એમ વિચારતી હતી પણ એ મજબૂતાઇ પાછળ મારી સંવેદનશીલતાનો ભોગ લેવાઈ રહ્યો છે એનું મને ભાન સુધ્ધાં નહતું થતું. પહેલાં ઘરના ગોળાની આજુબાજુ ભીનું કપડું વીંટાળી વીંટાળીને કરાયેલું ઠંડું પાણી પીવામાં જે મજા આવતી હતી એ મજા આજના મસમોંઘા ફ્રુટ્જ્યુસીસમાં પણ નથી આવતી. જીવનમાં લાંબો સમય સામ્રાજ્ય ભોગવી અને વિદાય થયેલી તરસ જતી વેળાં મારી નાજુક સંવેદનાઓને પણ સાથે લેતી ગઈ છે મા...' અને રીતુની માછલી જેવી મોટી આંખોમાં બે મોટાં મોતીડાં ચમકી ઉઠ્યાં.
ગુરુમાનું નાજુક હ્રદય પણ રીતુની વેદનાથી દ્વવી ઉઠ્યું. રીતુના દરેક સંઘર્ષના એ સાક્ષી હતાં. પણ એ સંઘર્ષ સાથે લડવામાં, મજબૂત બનવાની રીતુએ આ કિંમત ચૂકવવી પડી હશે એનો તો એમને અંદાજ સુધ્ધાં નહતો. પ્રેમથી એમણે રીતુને નજીક ખેંચી. રીતુ એમના ખોળામાં માથું મૂકીને એકદમ નાની છોકરી બની ગઈ.એના લીસા કેસમાં પોતાની કરચલી ભરેલી, ચમકતી ત્વચાવાળી આંગળીઓ પૂરોવી અને આર્દ્રતાથી ગુરુમા બોલ્યાં,
'દીકરી, સમયે તને તારા સપના પૂરાં કરવામાં, તારી મનગમતી મંઝિલે પહોંચવામાં તને બહુ હેરાન કરી છે મને ખ્યાલ છે.વળી તું એ બધા સામે હિંમતથી અને પૂરતી પ્રામાણિકતા અને સમજદારીથી ઝઝૂમી છું એનો મને ગર્વ પણ છે. પણ એક વાતે તું ચૂકી ગઈ. તું જીદમાં જીદમાં નાની નાની ખુશીઓને નજરઅંદાજ કરતી ગઈ. મોંઘીદાટ ચીજ્વસ્તુઓ તને વધુ ખુશી આપી શકશે એવા વિચારોમાં તું નાની નાની ખુશીઓથી બેધ્યાનપણે દૂર થતી ગઈ. પરિણામે..જ્યારે આજે તારા બધા સપના પૂરાં થાય છે ત્યારે તારામાંનો અચરજભાવ જ મરી ગયો છે. અચરજ વિના પૂરાં થતાં સપના તારી જીદ પૂરી કરતા હતાં પણ તને જોઇએ એવી ખુશી નહતા આપી શક્તાં. ચોતરફ રાખોડી રંગનું સામ્રાજ્ય વર્તાય છે. તેં તારામાંનો આ અચરજભાવ કયાં ને ક્યારે છોડી દીધો એ તને પોતાને પણ ધ્યાન નહીં હોય. નાની નાની ખુશીઓમાંથી મળતો આનંદ કરોડો રુપિયાના પૂરાં થતાં સપના કરતાં ય ક્યાંય અદભુત અને કિંમતી હોય છે બેટા.પણ અફસોસ તને એ વાત છેક અત્યારે અનુભવાઈ. હજુ મોડું નથી થયું. તું એક સરસ મજાનો છોકરો શોધી લે અને પરણી જા. તારામાં રહેલી સ્ત્રીને એની પૂર્ણતા અર્પણ કર. ભીતરનો ખાસ્સો એવો ટળવળાટ એનાથી જ શમી જશે. પૈસા...પૈસા...પૈસાના સપનાંઓને જીવનમાંથી વિદાય કર અને જીવનમાં હવે થોડી રિવર્સમાં જા. જ્યાં થોડો ઘણો અભાવ હતો, પૈસા વિનાની નાની નાની ખુશીઓ તારું તન મન મદહોશ કરી દેતું હતું, વગર વર્ષાએ તને ભીંજવી દેતું હતું.'
અને ગુરુમા ના મધમીઠા વચનો રીતુના દિલ પર મલમનું કામ કરતાં ચાલ્યાં, દિલની વેદનામાં થોડી રાહત મળી. ભીતરે પોઢી ગયેલી પહેલાંની સંવેદનશીલ રીતુને જગાડવાની હતી, ખુશીઓના હિલ્લોળે ઝૂલવાનું હતું. કામ અઘરું જરુર હતું, અશક્ય નહીં. તરસ હદથી વધી જાય ત્યારે એક રોગ બની જાય છે. તરસ પૂરી કરવા માટે પાગલપણની હદ સુધી ઝઝૂમી લીધું હતુ પણ હવે બસ...થોડો પોરો ખાવો હતો અને,
રાખોડી ખાખરાનાં પીંછાકાર પર્ણોની વચ્ચેથી મુલાયમ કેસરી રંગના પલાશના ફુલો ઝૂમી ઉઠ્યાં.
અનબીટેબલ ઃ જીવનમાં નાની નાની ખુશીઓને કાયમ જીવંત રાખવી !

-સ્નેહા પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED