વિષાદ યોગ - પ્રકરણ - 37

                                                 

વિરમ ઘરેથી નિકળી બાઇક લઇ તેના ખેતર પર પહોંચ્યો. આખા રસ્તે વિરમ સતત તેની આગળ પાછળ જોતો રહ્યો હતો. તેને હવે વિશ્વાસ થઇ ગયો હતો કે કોઇક સતત તેનો પીછો કરી રહ્યું છે. તેની પળે પળની ખબર કોઇ રાખી રહ્યું છે.

તેણે આખા રસ્તે સતત નજર રાખી પણ કોઇ તેને નજર આવ્યું નહીં. આ વિચાર કરતાજ તેને યાદ આવ્યું કે તે જ્યારે સુરસિંહને પહેલી વખત મળેલો ત્યારે કોઇએ તેનો પીછો કરેલો પણ ત્યારે તો વિરમે ખૂબ ચતુરાઇથી તેનો પીછો છોડાવેલો. છતા પણ કોઇ તેના પળે પળની ખબર રાખી રહેલું છે. તેની પાછળ કોઇ સતત રહે છે પણ તેના ધ્યાનમાં નથી આવતું. આ વાતેજ વિરમને ખૂબજ ચોંકાવી દીધેલો. આ વિચારતા વિચારતાજ વિરમ ખેતર પર આવી ગયો. ખેતર પર પહોંચી વિરમે તેની બાઇક ઓરડીની પાછળ પાર્ક કરી તેના પર ઘાસની બનાવેલી સાદડી ઢાંકી દીધી અને પછી તેણે આખી ઓરડીને એક ચક્કર માર્યુ અને કદાચ કોઇ તેના પર નજર રાખતું હશે તો જરૂર ક્યાંક આટલામાંજ હશે. તેણે બેક રાઉન્ડ માર્યા પણ કોઇ નજરે ચડ્યું નહીં. અંતે કંટાળીને વિરમે તેની ઓરડીનું તાળું ખોલ્યું અને બોકસને અંદર લીધું. ત્યારબાદ ત્યાં પડેલા ખાટલાને ઉંચો કરી નીચેથી એક લાદી ખસેડતા તેની નીચેથી એક દોરી નિકળી. આ દોરી ખેંચી એ સાથેજ નીચેથી દરવાજો ઉંચો થયો. દરવાજા નીચે એક સીડી હતી. વિરમે બોકસ લીધું અને સીડીના પગથિયાં ઊતરી અંદર દાખલ થયો અને પછી દરવાજો બંધ કરી દીધો. સીડીના નીચેના પગથિયે પહોંચી વિરમે ત્યાં રહેલ સ્વિચ દબાવી એ સાથેજ ઉપરની ઓરડીમાં રહેલ ટાઇલ્સ અને ખાટલો તેની જગ્યા પર ગોઠવાઇ ગયાં. વિરમે નીચેના રુમમાં લાઇટ ચાલુ કરી બોક્સ ટેબલ મુક્યું. હજુ તે બોક્સને ખોલવા જતો હતો ત્યાં તેનો મોબાઇલ રણક્યો. વિરમે મોબાઇલ ઊંચક્યો એ સાથેજ સામેથી કહેવાયું “ઓકે હવે તું ત્યાં પહોંચી ગયો છે એટલે હવે તે બોક્સ ખોલ અને તેમાં જે પણ વસ્તું છે તે ત્યાં મૂકીદે. હજુ બીજી વસ્તુઓ પણ આવશે તે પણ તારે ત્યાં જ રાખવાની છે. બીજું હવે તું આ જગ્યાએ આવ એટલે બાઇક તારે તારા ખેતરના બાજુનાં ખેતરની ઓરડીની પાછળ મૂકી દેવાની. હવે બીજી વસ્તું તને કાલે મળશે.” એમ કહી સામેથી ફોન મુકાઇ ગયો.

વિરમને આ ફોનથી એટલો ગુસ્સો આવ્યો કે તેણે તેના ફોનનો છુટો ઘા કર્યો. ફોન સામે રહેલા બેડ સાથે અથડાયો. વિરમ મનોમન બોલ્યો “કોણ છે આ બાસ્ટર્ડ? કેમ તેને મારા વિશે બધીજ ખબર છે? તે કંઇ રીતે મારા પર નજર રાખે છે? કેમ તેનો કોઇ માણસ મારી નજરમાં નથી આવતો?” આવા તો કેટલાય પ્રશ્નો તેના મનમાં ઉઠયા. વિરમના ઘરે જ્યારે ફોન આવ્યો હતો ત્યારે પણ વિરમ આજ રીતે ચોંક્યો હતો. અત્યાર સુધી વિરમ એવું માનતો હતો કે આ જગ્યા વિશે તેના અને સુરસિંહ સિવાય કોઇને પણ ખબર નથી. આવું માનવા માટે વિરમ પાસે પૂરતા કારણો પણ હતા. વિરમે બને તેટલી સાવચેતીથી આ જગ્યાનો ઉપયોગ કર્યો હતો. તેણે આ જગ્યા આખી તેની જાતે તૈયાર કરી હતી. વિરમ દિવસે ક્યારેય આ જગ્યા પર આવતો નહીં. અને છેલ્લે સુરસિંહ સાથે અહીં આવ્યો હતો. એ પછી તો તે અહીં આવ્યો પણ નહોતો. છતાં જ્યારે પેલી વ્યક્તિએ ફોન પર તેને કહ્યું કે “તારા ખેતરમાં ઓરડીમાં જે અંડરગ્રાઉંન્ડ રૂમ છે તેમાં આ બોક્સ મુકવાનું છે. ત્યારે વિરમને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય તેવો જટકો લાગ્યો હતો. અત્યારે વિરમ આ બધાજ વિચાર કરતો હતો. અચાનક તેને સામે પડેલું બોક્સ યાદ આવ્યું એટલે વિરમે તે ખોલ્યું. અને અંદરની વસ્તુઓ જોઇ તે વિચારમાં પડી ગયો. તેના મનમાં એકજ વિચાર આવ્યો આ બધી વસ્તુઓનું તે માણસ શું કરવાનો છે? પણ બીજા બધા પ્રશ્નોની જેમ આ પ્રશ્નનો પણ તેની પાસે જવાબ નહોતો. તેણે બોક્સમાંથી વસ્તુઓ કાઢી સુચના મુજબ ગોઠવવા લાગ્યો.

----------------#########---------#######-----------########-----------#######-----------------

નિશીથે ગામની પાસે પહોંચી કારને એક જગ્યાએ પાર્ક કરી અને બંને ગામ તરફ ચાલ્યા.  ગામમાં દાખલ થતાજ એક ગલી આવી. આ ગલીની બંને બાજુ મકાન હતા. ગામડાના મકાન જેવાજ મોટા ડેલાવાળા બંધ મકાન હતા. નિશીથને એ લોકો ગલીમાં દાખલ થઇ ડાબી બાજુ જે પહેલોજ મોટો ડેલો આવ્યો ત્યાં ઉભા રહ્યા. નિશીથે ડેલાની સાકળ પકડી જોરથી ડેલા સાથે અથડાવી. થોડીવાર બાદ અંદરથી અવાજ આવ્યો “અંદર આવી જાવ”. ડેલો ખૂબ મોટો હતો પણ તેમા એક નાનો દરવાજો મુક્યો હતો, જે એક માણસજ દાખલ થઇ શકે તેટલોજ પહોળો હતો. નિશીથે ધીમેથી તે દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થયા. અંદર દાખલ થતાંજ મોટું ફળીયું હતું. ફળીયામાં એક ખાટલો પડ્યો હતો. ફળીયાની સામે મોટી ઓસરી હતી, જે તળીયાથી ચાર પગથીયા ઉંચી હતી. નિશીથને દાખલ થઇ જોયું તો એક સ્ત્રી ઓસરીમાં ઊભી હતી તે કેશવ મહારાજની પત્ની દિવ્યા હતી. તેની ઉમર લગભગ ત્રીસેક વર્ષ હશે. નિશીથે ત્યાં નજીક જઇ કહ્યું અમારે ગંગાશંકરબાપાને મળવું છે. આ સાંભળી સ્ત્રી નિશીથ અને કશિશને સામે તાકી રહી કેમકે હવે ગંગાશંકરબાપાનું નામ લઇ કોઇ આવતું નહીં. પૂજારી તરીક તેનો પતિ કેશવ નોકરી કરતો હતો એટલે જે પણ આવતા તે તેનું જ નામ લઇને આવતા. હા, વર્ષમાં એકાદ વખત અહીં ગંગાશંકરબાપાને મળવા માણસો આવતા. ડુંગર પર જે માતાજી છે તે બ્રાહમણોનાં કુળદેવી છે એટલે આ બ્રાહ્મણોએ  તેમના ઉતારા અને રાતવાશા માટે એક વંડી જેવું ગામમાં બનાવ્યું હતું. વર્ષમાં એક વખત હુતાશણીના આગલા દિવસે આ વંડીમાં યજ્ઞ થતો. ત્યારે જે વડીલો આવતા તે બધા ગંગાશંકરબાપાને ઘણા વર્ષોથી ઓળખતા હોવાથી તેના ખબર અંતર પુછવા આવતા. આ સિવાય ભાગ્યેજ કોઇ ગંગાશંકરબાપાને મળવા આવતું. તેમા પણ એક યુવાન અને એક યુવતી તેને મળવા આવી હતી આ જોઇ દિવ્યાને ખૂબ નવાઇ લાગી. “બાપુજી તો પૂજા કરવા બેઠા છે. તમારે કામ હોય તો બેસો હમણાજ હવે પૂજા પુરી થશે.” એમ કહી દિવ્યાએ ખાટલા તરફ ઇશારો કર્યો. નિશીથ અને કશિશ ખાટલા પર બેઠા એટલે દિવ્યા પાણીના ગ્લાસ લઇને આવી. નિશીથ અને કશિશ પાણી પીને પાંચેક મિનીટ બેઠા ત્યાંતો ગંગાશંકરબાપા પૂજા પતાવીને બહાર આવ્યાં. આ બંને યુવાન છોકરા અને છોકરીને જોઇને તેને પણ નવાઇ લાગી. તે ધીમે ધીમે પગથિયાં ઉતરી નિશીથની પાસે આવ્યાં. લગભગ સિતેર વર્ષની ઉંમર હશે પણ શરીરમાં હજુ પણ સ્ફુર્તિ હતી. પૂજા કરીને આવ્યા હતા એટલે નીચે ધોતિયુ અને ઉપર ખેસ નાખેલો હતો. કપાળમાં ત્રિપુંડ અને ચંદનનો ચાદલો કર્યો હતો. તેની શિખા ખુલી હતી અને ચહેરા પર એક અનોખી સંતુષ્ટી દેખાતી હતી. તેના મોઢા પરનું તેજ અને આંખોમાંથી વહેતી કરુણા જોઇ નિશીથ અને કશિશ આપોઆપ ઊભા થઇ ગયાં અને તેના હાથ જોડાઇ ગયાં. ગંગાશંકરબાપાએ બાજુમાં પડેલી ખુરશીમાં બેસતા કહ્યું “બેસો, બેસો.” આ સાંભળી બંને બેસી ગયાં. ગંગાશંકરબાપાએ બંને સામે જોઇ કહ્યું “બોલો હું તમારી શું મદદ કરી શકું એમ છું.” આ સાંભળી નિશીથે કહ્યું “દાદા, અમે બંને આ ડુંગર પર શંશોધન કરીએ છીએ. તેના વિશે અમારે માહિતી જોઇતી હતી. ગામમાં પુછ્યું તો અમને તમારુ નામ આપ્યું અને કહ્યું કે દાદાને મળો તેના જેટલી માહિતી કોઇ પાસે નહીં હોય.”

આ સાંભળી ગંગાશંકરબાપા બોલ્યા દીકરા “આ ડુંગર તો ખૂબ પ્રાચીન છે. તેના વિશે કાયદેસર તો કોઇ માહિતી નથી. જે પણ છે તે બધી લોકવાયકાજ છે, જે કર્ણૉપકર્ણ અમે સાંભળી છે. બાકી આ દેરાશર તો બધાજ જાણે છે કે વસ્તુપાલ તેજપાલ નામના બે મિત્રોએ જેમ પાલીતાણા અને મોટા ભાગના ડુંગર પર બનાવ્યા છે તેજ રીતે અહીં પણ બનાવ્યા છે. અને માતાજીની તો લોકવાયકા પણ બે ત્રણ છે.” આ સાંભળી નિશીથને લાગ્યુંકે જો દાદા બહુંજ આગળના ઇતિહાસમાં પડી જશે તોતો કલાકો અહીંજ નિકળી જશે. એટલે તેણે કહ્યું “દાદા, એ પૌરાણિક ઇતિહાસતો અમે જાણી લીધો છે. અમે ઘણો બધો સર્વે કર્યો છે. અમે તો તમારી પાસે એ જાણવા આવ્યાં છીએ કે પાછલા વિશ પચ્ચીશ વર્ષમાં અહીં કોઇ ઘટના બની હોય અને તમે જાણતા હોય તો અમને કહો.” આ સાંભળી દાદાની આંખમાં ચમક આવીને જતી રહી. નિશીથે વિચાર્યુ કે સાચે જ દાદાની આંખમાં ચમક આવેલી કે પછી મને ભ્રમ થયો હતો. ગંગાશંકરબાપા થોડા ચોંક્યા હતા પણ તે જમાના ખાધેલ માણસ હતા. તેને ફરીથી સ્વસ્થ થતા વાર ન લાગી. આપણી વાત તો ચાલશે પહેલાં ચા-પાણી પીએ એમ કહી તેણે બૂમ પાડી દિવ્યાને બોલાવી અને ચા બનાવવાનું કહ્યું. દિવ્યાના ગયાં પછી દાદાએ વાત કરતા કહ્યું “આ વિસ વર્ષમાં  તો અહીં બીજુ કંઇ થયું નથી પણ આ તમે જે પગથીયા ચડો છો તે નવા બનાવવામાં આવ્યાં છે. આ પહેલા અડધે સુધી પગથીયા હતા પછી કેડી જેવા રસ્તા પર થઇને ઉપર જવાતું. એ સિવાય જૈનના દેરાસર સુધી કાર લઈ જઇ શકાય તેવો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ બધુ લોકોએ કર્યુ છે, બાકી સરકારે તો આ મેઇન રસ્તો પણ હમણાં સરખો બનાવ્યો તો ડુંગરનો વિકાસ કરવાની તો વાત જ ક્યાંથી તેને સૂજે?” આ સાંભળી નિશીથને સમજાયું કે હવે ચોખ્ખીજ વાત કરવી પડશે બાકી આ રીતે તો ખોટો સમય બગાડવા સિવાય કંઇ જાણવા નહીં મળે. તે હજુ કંઇ કહેવા જતો હતો ત્યાં દિવ્યા ચા લઇને આવી એટલે નિશીથ રોકાઇ ગયો. દિવ્યા ચાનો કપ મૂકીને જતી રહી એટલે નિશીથે થોડું વિચારી કહ્યું “એમ નહીં દાદા એ તો અમે બધુજ જાણી લીધું છે પણ આ તો એવી કોઇ ઘટના બની હોય જે તમારા સિવાય કોઇ જાણતું ન હોય. કોઇ એવી ઘટના જેનું તમને આશ્ચર્ય થયું હોય અથવા કોઇ રહસ્યમય હોય.” આ સાંભળી દાદાએ હાથમાં પકડેલો કપ નીચે મૂકી દીધો અને બોલ્યા “ તમે મને ઉલ્લું બનાવીને માહિતી કઢાવવા માંગતા હોય તો તે તમે ભુલ ખાવ છો. કદાચ હું તમારા જેટલો ભણેલો ગણેલો નહીં હોવ, પણ આ દુનિયા મે તમારા કરતાં વધુ જોઇ છે. છાસ લેવા જવી અને દોણી સંતાડવી એ ના ચાલે. જો તમારે મારી પાસેથી માહિતી જોઇતી હોય તો બધાજ પતા ખુલ્લા કરવા પડશે. તમે કોણ છો? અને શું જાણવા માંગો છો?” આ સાંભળી નિશીથ થોડો મુંઝાયો કેમ કે તેની ઓળખ સાચી આપવીકે નહીં તે તેને સમજાયુ નહીં તેને અવઢવમાં પડેલો જોઇને દાદા બોલ્યાં “જો દીકરા આ બુઢ્ઢાના દિલમાં ઘણા રહ્સ્યો ધરબાઇને પડ્યા છે પણ તેની ગંધ આજ દીન સુધી કોઇને આવી નથી. તમારુ રહ્સ્ય પણ તેજ રીતે ગુપ્ત રહેશે એટલે કોઇ પણ જાતની ચિંતા વગર જે કંઇ પણ હોય તે ખુલ્લા દિલે કહી દો. સામેવાળાના દિલને ખોલવા માટે આપણું દિલ ખોલવું જરૂરી હોય છે.”

આ સાંભળી નિશીથે વિચાર્યુ કે આ દાદા ઉપરથી દેખાય છે તેટલા સીધા નથી પણ સાથો સાથ તેના મો પરનું તેજ જોઇને એ પણ લાગે છે કે તેના પર વિશ્વાસ મૂકી શકાય એમ છે. નિશીથ પાસે આમ પણ હવે કોઇ બીજો વિકલ્પ નહોતો. એટલે તેણે દાદાને કહ્યું “દાદા હું તમને બધીજ વાત કરુ છું એમ કહી નિશીથે આજુબાજું જોયું.” આ જોઇ દાદા બોલ્યા “ચિંતા નહીં કર દીકરા, આ વાત આ ડેલાની બહાર કોઇ સાંભળી શકશે નહીં અને અંદરથી વાત બહાર જશે નહીં.” આ સાંભળી નિશીથે વાતની શરૂઆત કરતાં કહ્યું “ મારુ નામ નિશીથ છે. હું રાજકોટથી આવું છું. આ મારી મિત્ર અને ફિયાન્સ કશિશ છે. હું તમને કહેવાનો છું તે વાત સાંભળી કદાચ તમને વિશ્વાસ નહીં આવે પણ હું તમને જે કહીશ તે એકદમ સત્ય છે.” ત્યારબાદ નિશીથે તેને આવતા સ્વપ્નની તેને મળેલા નકશાની બધીજ વાત કરી. નિશીથે સુર્યગઢ અને કૃપાલસિંહનો ઉલ્લેખ કર્યા વીના બધીજ માહિતી આપી. નિશીથની આખીવાત સાંભળ્યા પછી ગંગાશંકરબાપા બોલ્યાં “જો દીકરા હું પણ જ્યોતિષ જાણું છું એટલે તે કહેલી વાત મને સમજાઇ છે. તારી વાતમાં અમુક ભાગ તે મને નથી કીધો પણ છતાં તે કહેલી હકીકત સાચી છે તેનો મને અહેસાસ થાય છે. જો દીકરા કોઇની જિંદગીના રહસ્યો જાણવાનો મને શોખ નથી. દરેકની જિંદગીમાં અમુક વાતો એવી હોય છે જે તે કોઇને કહી શકતો નથી એટલે તારી પાસેથી બાકીની વાત જાણવાની કોશિશ હું નથી કરતો. તમે જે વાત જાણવા માંગો છો તેમાં બધુજ તો હું નથી જાણતો પણ જેટલું જાણું છું તેટલું હું તમને કહીશ.” આટલું બોલી દાદા રોકાયા અને પછી જાણે તેની સામે જ અત્યારે તે ઘટના બની રહી હોય તેમ તે હવામાં તાકી રહ્યા અને બોલવાની શરુઆત કરી. “ આજથી અઢાર ઓગણીસ વર્ષ પહેલાની આ વાત છે. ચોક્કસ તારીખ કે તિથિ તો મને હવે યાદ રહ્યાં નથી, પણ લગભગ શિયાળાની ઋતુ હતી. હું ડુંગર પર માતાજીના પૂજારી તરીકે સેવા કરતો હતો અને સાથે સાથે કર્મકાંડ અને જ્યોતિષિ તરીકે કામ કરતો. ઉપર મારે સવાર અને સાંજ બે ટાઇમ આરતી કરવા જવાનું રહેતું અત્યારની જેમ ત્યારે ટ્રાંસપોર્ટની વ્યવસ્થા નહોતી એટલે આટલા બધા લોકો દર્શને આવતા નહીં એટલે પૂજારીએ આખો દિવસ ડુંગર પર રહેવું પડતું નહીં. ક્યારેક કોઇ દર્શનાર્થે આવ્યા હોય અને તે લોકોને કોઇ વિધિ કરવી હોય તો ઉપર રોકાવું પડતું. તે દિવસે પણ એવુજ થયેલું કે કોઇ દર્શનાર્થી આવેલા અને મારે વિધિ પતાવીને સાંજની આરતી કરતાં મોડું થઇ ગયું હતું. શિયાળાનો દિવસ હતો એટલે દિવસ પણ ટુંકા હતા. તે દિવસે સાંજે જ્યારે હું ડુંગર પરથી નીચે આવતો હતો ત્યારે થોડું અંધારુ થઇ ગયું હતું. એટલે બહું દુર દેખાતું નહોતું. હું ધીમે ધીમે નીચે ઉતરતો હતો. જ્યારે હું દેરાસર પાસે પહોંચ્યો ત્યાં અચાનક મને બાજુની જાળીમાંથી પગલાનો અવાજ આવ્યો. આ સાથેજ હું ચોક્યો. મે જોયું તો તે જાળીમાં બે ત્રણ છોકરા આગળ જતા હતાં. તે છોકરાની ઉંમર પણ દશબાર વર્ષની આજુબાજુ હશે. આ જોઇ મને ખૂબજ આશ્ચર્ય થયું અને એક પ્રકારનો ડર લાગ્યો. આ ડુંગર પર વર્ષોથી એક વાયકા પ્રખ્યાત છે કે તે દેરાશરની સામે જે રસ્તો જાય છે તે રસ્તા પર ભુત થાય છે અને તે રસ્તા પર જનારો ક્યારેય પાછો આવતો નથી. આ જ રસ્તા પર મે તે છોકરાને જતા જોયા. મને એકવાર તો બૂમ પાડી તે છોકરાને રોકી ત્યાં ન જવા માટે સમજાવાનું મન થયું. હજુ હું બૂમ પાડવા જતો હતો ત્યાં આગળ પગથિયાં પરથી એક માણસનો અવાજ આવ્યો. મે નીચે જોયું તો એક માણસ બીજા બે ત્રણ છોકરા સાથે ઉપર આવી રહ્યો હતો. આ જોઇ હું તરતજ દેરાસરની દીવાલ પાછળ છુપાઇ ગયો. હવે મને શંકા ગઇ હતીકે  ચોક્કસ કંઇક ગડબડ છે. હું દીવાલ પાછળ છુપાઇને જોતો રહ્યો. નીચેથી આવતો માણસ અને તેની સાથે રહેલા છોકરાઓ પણ પેલા છોકરાઓ ગયા હતા તે રસ્તા પર ગયાં. મે તે માણસને ધ્યાનથી જોયો પણ તે વ્યક્તિ એકદમ અજાણ્યો હતો. આજ પહેલાં મે ક્યારેય તે વ્યક્તિને મે જોયો નહોતો.” આટલું બોલી દાદાને થાક લાગ્યો હતો એટલે તે રોકાયા અને ગ્લાસ ઉપાડી પાણી પીધું. આટલો સમય પણ નિશીથને વધારે લાગ્યો. હવે વાત ખૂબજ રોમાંચક મોડ પર પહોંચી હતી. નિશીથ અને કશિશ ખૂબજ તલ્લીન થઇને સાંભળતા હતા અને જ્યારે ક્લાઇમેક્સ આવ્યો ત્યારેજ દાદાએ પાણીનો બ્રેક માર્યો હતો.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-----------------

 મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નિચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------********--------------------**********------------------*********----

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Jyotika Thakkar 3 અઠવાડિયા પહેલા

Verified icon

Jaydeep 1 માસ પહેલા

Verified icon

smitachande23@gmail.com 2 માસ પહેલા

Verified icon

Kandhal 2 માસ પહેલા

Verified icon

Alpeshbhai Ghevariya 2 માસ પહેલા