Muhurta - 22 books and stories free download online pdf in Gujarati

મુહૂર્ત - (પ્રકરણ 22)

અમે નયનાના ઘરના એકદમ પાછળના ભાગે પહોચી ગયા હતા. રાત વધુને વધુ ઘેરી બની રહી હતી. કોઈ સામાન્ય માનવ માટે એ અંધકારમાં જોઈ શકવું અશક્ય હતું પણ એક નાગ હોવાને લીધે મારી પાસે અંધારામાં પણ જોઈ શકવાની શક્તિ હતી માટે એ આછી ચાંદનીમાં પણ મને નયનાના ઘર પાછળનો એ ગાર્ડન દેખાવા લાગ્યો જ્યાં મેં પહેલીવાર નયના સાથે વાત કરી હતી. બસ ત્યારે દિવસ હતો અને આ વખતે રાત. એ સમયે નયના મારી સામે હતી અને હું એને સર્પદંશથી બચાવી શક્યો હતો આ વખતે...?

મેં એક નજર આકાશ તરફ કરી. ચંદ્ર હળવી ગતિએ આગળ વધતો હતો. એના આછા કમજોર કિરણો વૃક્ષોની ડાળીઓના અસ્પસ્ટ પડછાયા જમીન પર રચતા હતા. એ પડછાયા એ અંધારિયા જંગલમાં ભટકતા ભૂત જેમ નાચતા રહ્યા.

“શાબાશ... વિહાન..” કદંબ સામે દેખાતા ઝાડની ઓથમાંથી પડછાયાની જેમ બહાર આવ્યો. તે હજુ પણ તેવો જ બદસુરત અને ડરાવણો લાગતો હતો. તેણે કાળો જભ્ભો અને કાળો લેઘો પહેર્યો હતો.

અમને પકડનાર બેમાંથી જે ઠીંગણો વ્યક્તિ હતો એણે કદંબ તરફ જોઈ એક સ્મિત આપ્યું એ પરથી હું સમજી ગયો કે એ વિહાન હતો.

“દાયુશ પણ એ જ શાબાશીનો હકદાર છે. એ બંનેએ ભેગા મળી એમને બંદી બનાવ્યા છે.” રસ્તામાં અમારી સાથે જે ત્રણ લોકો જોડાયા હતા એમાંથી એક મફલરધારી વ્યક્તિએ કહ્યું.

“હા, તમને બધાને એનું ઇનામ મળી જશે. બસ બાકીના નાગ હાથ લાગી જાય...” કદંબનો અવાજ તેની દુષ્ટતા પ્રગટ કરતો હતો.

“આભાર રેયાંસ.. મારું નામ પણ કહેવા માટે. કદાચ મને વધુ રકમ મળશે તો હું એમાંથી તારી સાથે સેર કરીશ.” અમને પકડીને લાવનાર એ બીજો માણસ દાયુશ હતો અને મફલર વાળો વ્યક્તિ રેયાંસ હતો જેણે ગયા જન્મે અનન્યાનો જીવ લીધો હતો.

મેં વિવેકની આંખોમાં લાલાશ ઉતરી આવતી જોઈ. વિવેકે એક નફરતભરી નજર રેયાંસ તરફ કરી. કદાચ વિવકે મારું મન જાણી લીધું હતું અને એ પણ જાણી ગયો હતો કે નયનાનો પૂર્વજન્મનો કાતિલ રેયાંસ છે.

“આપણે માત્ર નાગની જ જરૂર છે. આ જાદુગરને કેમ જીવતો રાખ્યો છે?” મેં એક ફીમેલ અવાજ સંભાળ્યો. હું એ અવાજ પણ ઓળખતો હતો.

એ કિંજલ હતી. એનો બ્લેક ટોપ એને સુટ કરતો હતો. એના અંદરની કાળાશ એ બહારથી બતાવતો હતો. ભરાવદાર ચહેરામાં તેની કાળી આંખો તગતગી રહી હતી. એની મમ્મી પણ એ જ સીરીયલના વિલન જેવી રેડ સાડીમાં એની પાસે ઉભી હતી. એ બંને કદંબની પાછળના ભાગે આવીને ઉભા રહ્યા. એ બે વાહિયાત છોકરી અને એની મા માટે મને વધારે સુગ થતી હતી.

“હા, એનું કામ તમામ થઇ જશે પણ તમે નયનાને એકલી મુકીને બહાર કેમ આવ્યા..?” કદંબે એમની સામે પ્રશ્નાથ નજર કરી. મને એ નાગિન પ્રત્યે નફરત થઇ રહી હતી. એ એક નાગિન હોવા છતાં દુષ્ટ શિકારીઓ સાથે મળેલી હતી.

“દુશ્મન તો આપણી સામે છે.. હવે શું ડર છે?” કિંજલની મમ્મીએ કિંજલના ખભા પર હાથ મૂકી હોઠના એક છેડાને સહેજ ડાબી તરફ ખેચી પોતે કોઈ ફિલ્મી સીન શૂટ કરી રહી હોય એ અદાથી કહ્યું.

“હજુ બધા નાગ હાથ નથી લાગ્યા...” ત્યાં રહેવું જરૂરી છે.” કદંબના અવાજમાં ગુસ્સો હતો.

“પણ મારે વિવેકને મરતા જોવો છે.. એણે મને એક વાર છેતરી છે અને એના લીધે જ મારો શિકાર નયના મારા હાથમાંથી છટકી શકી હતી.” કિંજલ હસીને બોલી, “એ ફરી કોઈ ચાલાકી કરે એ પહેલા મારે એને મારી આંખો સામે મરતા જોવો છે.”

“તું બહુ ઝેરી નાગિન છે.” કદંબ હસ્યો.

“શું કરું..? મમ્મી પર ગઈ છું..” કિંજલ અને એની વિલનીયસ મમ્મી એકબીજા તરફ જોઈ હસ્યા. અમારી જ કોલેજમાં ભણતી એ ઝેરી નાગિનને હું ઓળખી શક્યો નહી એનો મને પસ્તાવો થયો.

કદંબે વિહાન તરફ જોયું, “વિહાન આ નાગિનની ઈચ્છા પૂરી કરી નાખ..”

મેં વિવેક તરફ જોયું. હું એને હુમલો કરવા સમજાવી રહ્યો હતો પણ એની આંખો મને એમ કરવાની ના કહી રહી હતી. એ શું પ્લાન બનાવીને બેઠો હતો એ સમજવું જરા અઘરું હતું.

“જેવી એક નાગીનની ઈચ્છા.” વિહાને કહ્યું અને બીજી જ પળે એણે પોતાની કમર પર લટકતી ખુરી હાથમાં લીધી. એ બાર ઇંચના ફણાવાળી ખુરી તરફ એણે એક નજર કરી અને હું કઈ પ્રતિક્રિયા આપું એ પહેલા વિવેકના પેટમાં ઉતારી દીધી.

મેં વિવેકને ઢગલો થઇ જમીન પર પડતા જોયો. હું એને બચાવવા લડી શકું એમ હતો. મેં આ જંગલમાં પહેલા પણ બે મિત્રો ખોયા હતા પણ એ સમયે હું એક સામાન્ય નાગ હતો. આ જન્મે હું એ સામાન્ય નાગ ન હતો જે દુશ્મન શિકારીઓનો મુકાબલો કરવા કાબીલ ન હોય પણ વિવેક હજુ મને કઈ ન કરવા કહી રહ્યો હતો. હું એની ઈચ્છા જાણી શકતો હતો. એનું મન મને હુમલો કરતા રોકી રહ્યું હતું.

વિવેક જમીન પર પડ્યો. એના એબ્ડોમેન વાઉન્ડ પરથી લોહી વહીને જમીનને ભીંજવવા લાગ્યું. મારી નજર સમક્ષ એ દ્રશ્ય ખડું થઇ ગયું જયારે મેં ભેડાઘાટ પરના ઘાસને અશ્વિની અને રોહિતના લોહીથી ભીંજાયેલ જોયું હતું. દુશ્મનોએ એમની રિસ્ટ વેઇન કાપી નાખી હતી. એ યાદ આવતા હું કંપી ઉઠ્યો.

વિવેક ભાંખોડિયાભરીને ઉભો થવાનો પ્રયાસ કરતો રહ્યો. એના મોમાંથી પણ લોહી નીકળવા લાગ્યું. હું દાયુંશને મારી નાંખવા માંગતો હતો પણ વિવેકનું મન મને મારી જગ્યા પર જ ઉભા રહેવા કહી રહ્યું હતું એ મને હજુ હુમલો કરવાની ના કહી રહ્યો હતો.

વિવેક ઉભો થવાનો પ્રયાસ કરે એ પહેલા જ દાયુશે એના પેટ પર એક લાત લગાવી. એ લાતનો પ્રહાર જાણે મારા શરીર પર થયો હોય એવું દર્દ મેં અનુભવ્યું. એ લાતના પ્રહાર સાથે વિવેકના સ્ટોમક પરથી વહેતું લોહી છાંટા બની ઉડ્યું એક છાંટો મારા જમણા હાથના કાંડા પર આવી પડ્યો. મેં તેના લોહી પર મારો ડાબો હાથ દબાવી દીધો. કદાચ એ લોહી મિત્રતા અને પ્રેમની નિશાની રૂપે મારા પાસે આવ્યું હતું. કદાચ વિવેકના શરીરમાંથી વહેતા લોહીનું દરેક ટીપું મિત્રતાની અમુલ્ય ભેટ હતું જે ભૂલી શકવું મારા માટે અશક્ય હતું. હું એને એ હાલમાં જોઈ શકું તેમ ન હતો પણ હું નજર ફેરવી પણ ન શક્યો. એ મારા માટે, મારા પ્રેમ માટે મરી રહ્યો હતો અને હું નજર ફેરવી લઉં એ કઈ રીતે શક્ય ન બન્યું.

પૂર્વ તરફથી ફૂંકાતો ઠંડો પવન જમીન પરના વૃક્ષોના સુકા પાનને ખખડાવતો હતો અને ક્યારેય એ પવનનું જોર વધે તો ડાળીઓના એકબીજા સાથે અથડાવાને લીધે જે આવાજ થાય એ જંગલને ડાર્ક વુડ કે ભૂતિયા જંગલ જેવો ટચ આપી રહ્યો હતો. સાચે જ એ કોઈ શાપિત જંગલ હતું જે જન્મોજન્મ મારી પાસેથી બધું છીનવી લેતું હતું.

હું જરાક ઉંચો થયો. હું વિવેકની ઈચ્છા વિરુધ્ધ પણ હુમલો કરવા તૈયાર થયો. હું વિવેક પાસે જવા ઈચ્છતો હતો પણ એ પહેલા જ વિહાને મારી ગરદન પર પોતાનું નવ ઇંચના ફણાવાળું રામપુરી ચાકુ મૂકી દીધું. હું એ ચાકુની ધાર મારી ગરદનની ચામડીમાં ઉતરી જતી અનુભવી રહ્યો.

“વિહાન... એને મારવાનો નથી... એને ક્યાંક ચોટ ન લાગી જાય..” કદંબે ચીસ પાડી. તેના ખૂંખાર ચહેરા ઉપર નિસહાયતા ઉતરી આવી.

ગજબ પરિસ્થિતિ હતી. જે વ્યક્તિ મારા જીવનો દુશ્મન હતો એને જ મારા જીવની કિફર હતી કેમકે મારા પહેલા જો એણે આગળના નંબરના નાગને ન માર્યા હોય તો એની બધી મહેનત નકામી જાય. એનું નાગલોકનો દરવાજો ખોલી શકવાનું સપનું અધૂરું જ રહી જાય. આમ પણ આ જંગલમાં કોના સપના પુરા થાય છે..? મેં ક્યાય સાંભળ્યું હતું કે જંગલ એક એવું સ્થળ છે જ્યાં જિંદગી અને મોત એકબીજાના હાથ પકડીને ચાલે છે ત્યારે મને એ સમજાયું ન હતું પણ એ સમયે મને સમજાયુ કે જંગલ ઈઝ અ પ્લેસ વેર લાઈફ એન્ડ ડેથ ગો હેન્ડ ઇન હેન્ડનો ખરો અર્થ શું છે.

“ખબર છે મને એનું જીવતા રહેવું તમારા માટે કેટલું કામનું છે.” વિહાને કદંબ સામે જોયા વિના જ કહ્યું. એનું પૂરું ધ્યાન મારા ગળા પર એના ચાકુની ધાર પર હતું.

“તને ખબર છે છતાં તારી હિમ્મત કઈ રીતે થઇ એની ગરદન પર ચાકુ મુકવાની?” કદંબ ખૂંખાર જાનવર જેમ બરાડ્યો. કદંબ પાસે ઉભેલા એના બે શિકારીઓ પણ વિમાસણમાં મુકાઈ ગયા.

“કેમકે હું તારી ગુલામી કરીને કંટાળી ગયો છું.” વિહાને જવાબ આપ્યો.

શું ચાલી રહ્યું છે એ મને સમજાયુ નહિ પણ એટલી તો ખબર પડી જ ગઈ કે એ લોકો વચ્ચે અંદરો અંદર ઝઘડો શરુ થઇ ગયો હતો. આ જંગલ પણ કુરુક્ષેત્રના મેદાનની જેમ શાપિત હતું. અહી બધાને મરવા-મારવા અને એકબીજા સાથે લડવાની જ ઇચ્છાઓ રહેતી હતી.

“તું કહેવા શું માંગે છે?” કદંબ મૂંઝાયો. તેની પાસે ઉભેલા શિકારીઓ હજુ એ જ વિમાસણથી તમાસો જોઈ રહ્યા હતા. તેઓ હુકમના ગુલામ હતા જ્યાં સુધી કદંબ એમને કોઈ આજ્ઞા ન આપે તેઓ કોઈ દખલગીરી કરશે નહી એમ મને લાગ્યું.

“હું કહેવા શું માંગું છું એના કરતા હું કરવા શું માંગું છું એ મહત્વનું છે.” વિહાન બાજી પોતાના હાથમાં આવેલ જોઈ બરાડ્યો.

“તું શું કરવા માંગે છે?” કદંબે એ જ ગુસ્સા સાથે પૂછ્યું.

“હું આઝાદ થવા માંગું છું તારી ગુલામીમાંથી. તને નવ નાગ મળી ગયા પછી તું નાગલોકનો દરવાજો ખોલી શકશે પણ એનાથી અમને શું મળશે..? મુઠ્ઠીભરી સોનાના સિક્કાઓ..?” વિહાન થૂંક્યો.

“તું શું ઈચ્છે છે..?” કદંબ સવાલ કરતો રહ્યો અને કિંજલ અને એની વાહિયાત મા અવઢવમાં અમને તાકી રહ્યા.

“નાગમણી... આ નાગનું મણી તારી પાસે છે એ મને આપી દે નહિતર હું એની ગરદન કાપી નાખીશ અને તારી આખી યોજના નકામી જશે..” વિહાન હસ્યો - એક ઘાતકી હાસ્ય.

“તું શું માંગી રહ્યો છે એનું તને ભાન છે?” બરાડતો મફલરધારી રેયાંસ વિહાન તરફ ધસ્યો પણ એ વિહાન સુધી પહોચે એ પહેલા દાયુંસે તેના ચહેરા પર એક પંચ લગાવી એને જમીન દોસ્ત બનાવી નાખ્યો. દાયુંશે રેયાંસને નોક આઉટ કર્યો એ પરથી મેં એની શક્તિનો અંદાજ મેળવી લીધો.

“ઉભો થવાનો પ્રયાસ ન કરતો રેયાંસ નહિતર તારા માલિક કદંબને જે જોઈએ છે એનાથી હમેશા માટે હાથ ધોવા પડશે..” દાયુસે જમીન પર પડેલા રેહાંસ તરફ ત્રાડ નાખી.

મેં એક નજર વિવેક તરફ કરી. એ હજુ જમીન પર પડ્યો કણસી રહ્યો હતો અને એનું મન હજુ મને કઈ ન કરવાનું કહી રહ્યું હતું. વિવેક ઈચ્છતો હતો કે હું ચુપચાપ એ તમાશો જોઉં એટલે હું એમ જ મારા ઘૂંટણ ઉપર બેસી રહ્યો. વિહાનનું રામપુરી હજુ મારી ગરદન પર હતું. હું એની ધાર અનુભવી શકતો હતો.

અમારી સાથે રસ્તામાં જે શિકારીઓ ભળ્યા હતા એમાંથી રેયાંસ જમીન પર હતો જયારે બાકીના બે પુતળા બની ગયા હોય એમ સતબ્ધ બની દાયુસ અને વિહાનને જોતા રહ્યા.

“કદંબ આ ઝઘડામાં કોઈને કઈ મળવાનું નથી આમ પણ તને નવ નાગ ક્યા છે એ જાણકારી મળી ગઈ છે. તારા માટે હવે એ મણીનું કોઈ મહત્વ નથી.. અમે તેની મદદથી અમીર બની શકીશું અને તને આ નાગ જીવતો મળી જશે તો તું નાગલોકનો દરવાજો ખોલવામાં સફળ રહીશ. મણી અમને આપી દે. આ સોદો કાઈ મોઘો નથી.” વિહાને કદંબને પોતાની વાત મનાવવાનો પ્રયાસ કર્યો.

“હું તને મણી આપી દઉં પછી તું કોઈ ચાલાકી નહિ કરે એની શું ખાતરી?” કદંબ મારા માટે એ મણી આપવા તૈયાર થયો એ જોઈ હું સમજી ગયો કે જરૂર એને નાગલોકનો દરવાજો ખોલવાથી કોઈ મોટો ફાયદો થાય એમ હશે.

“તારે વિશ્વાસ કરતા શીખવું જોઈએ, કદંબ” વિહાન એને શીખવતો હોય એમ બોલ્યો.

“વિશ્વાસ નામનો શબ્દ મારી ડીક્ષનરીમાં છે જ નહિ અને વાત મણીની આવે તો તને યાદ નથી મેં મણી માટે મારા ખાસ મિત્ર માથુરને પણ મારી નાખ્યો હતો. ડોક્ટર માથુર તને યાદ નથી..? એણે મણી મેળવવામાં મદદ કરી હતી. બિચારાને એમ હતું કે એ મણી એની બીમાર જિંદગીને બચાવી શકશે પણ એ મણીના લીધે એની જિંદગીના બચેલા બીમાર દિવસો પણ ગુમાવી નાખ્યા. એ મારો મિત્ર હતો. આપણી જાદુગર છોકરીઓને એણે દત્તક લીધી હતી છતાં મેં એને મારી નાખ્યો. મારે એને મારવો પડ્યો. તું જાણે છે હું મણી માટે કઈ હદ સુધી જઇ શકું છું.” કદંબે પોતાની દુષ્ટતાના વખાણ કરી દાયુશ અને વિહાનને ડરાવવાનો પ્રયાસ કર્યો જેથી એ લોકો મણી હાથમાં આવી ગયા પછી કોઈ ચાલાકી ન કરે.

કમ-સે-કમ અશ્વિની અને રોહિતના મૃત્યુ માટે જવાબદાર તથા ભેડાઘાટ પર ટ્રીકથી નયનાને કિડનેપ કરાવનાર ડોક્ટર માથુર એના જ દુષ્ટ મિત્રોના દગાનો શિકાર બની ગયો છે એ મારા માટે એક સમાચાર સારા હતા. કદાચ આ જંગલમાં મને મળેલ પહેલા સારા સમાચાર કહી શકાય.

“જાણું છું એટલે જ મને ભરોષો નથી કે તું નાગલોકનો દરવાજો ખોલ્યા પછી અમને મોત સિવાય કાઈ બીજું પણ આપી શકે. કદંબ તારી પાસે અમને મણી આપ્યા વિના કોઈ છૂટકો નથી. મને ખબર છે એ દરવાજો ખોલવો તારા માટે કેટલો મહત્વનો છે.” વિહાને કહ્યું અને દાયુસ તરફ આડી નજરે જોયું, જોકે તેણે મારી પાછળથી મને પકડેલો હતો પણ દાયુશે જે રીતે મારી સામે સ્મિત વેર્યું હું સમજી ગયો કે વિહાને તેની સામે જોઇને કશુક ઈશારો કર્યો હશે.

“મને સોદો મંજુર છે પણ કોઈ જાતની ચાલાકી કરી તો આ જંગલ જ તારી કબર બની જશે.”

“ચોક્કસ..” વિહાન હસ્યો.

“રેયાંસ.. જા મણી લઈને આવ.” દાયુશે જમીન પર પડેલા રેયાંસ નામના એ મફલરવાળા શિકારીને કહ્યું. એનું મફલર હજુ એના ગળા આસપાસ જ વીંટળાયેલ હતું.

રેયાંસ ઉભો થયો અને ધીમા પગલે કદંબ તરફ સરક્યો. ખેલ ખરાખરીનો જામ્યો હતો. મેં ફરી એક નજર વિવેક તરફ કરી. એની આંખો મને હજુ રાહ જોવાનું કહી રહી હતી. હું એના મનમાં શું હતું એ જાણી શકયો નહી. કદાચ વિવેક ઈચ્છતો હતો કે હું એનું મન ન જાણી શકું નહિતર હું એના વિચારો જાણી શકતો હતો. વિવેકે જાદુની કોઈ શક્તિનો ઉપયોગ કોઈ એનું મન ન જાણી શકે એ માટે કર્યો હતો.

કોણ જાણે કેમ પણ મને હજુ કઈ સમજાયુ ન હતું. મેં ફરી કદંબ તરફ નજર ફેરવી. કદંબ ગુસ્સામાં વિહાન અને દાયુશને જોઈ રહ્યો હતો. કિંજલ અને એની મમ્મી નયના પાસે એના ઘરમાં પહોચી ગયા હશે એમ મને લાગ્યું.

રેયાંસ મણી લઈ આવ્યો. મને એના હાથમાં મણીની ચમક મહેસુસ થઇ. એ મારું મણી હતું. એ મણી મેં ગુમાવી નાખ્યું એ માટે કેટલું થયું હતું. કાશ..! એ મણી મેં ક્યારેય ગુમાવ્યું જ ન હોત...!

રેયાંસે આવીને મણી વિહાનના હાથમાં સોપ્યું.

વિહાને મણી હાથમાં લઈ એને બે ત્રણ સેકંડ જેટલો સમય જોયું અને એકાએક મારા હાથમાં આપતા કહ્યું, “એ નાગ, લે... ચેક કર આ અસલી છે કે નકલી..? તારું છે તું એને જરૂર ઓળખી શકીશ.”

મને કઈ સમજાયુ નહિ. કોઈ મદારી નાગના હાથમાં એનું મણી આપવાની ભૂલ કરે..? એ પણ શિકારી મદારી..?

“તે આ શું કર્યું.. એક ઈચ્છાધારી નાગના હાથમાં એનું મણી...” રેયાંસની આંખો ફાટી ગઈ. એ પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા વિહાને મારા ગળા પરથી રામપુરી હટાવી રેયાંસના ગળા આરપાર કરી નાખ્યું. એના ગાળાની મોટા ભાગની નશો કપાઈ ગઈ હોય એમ એ જમીન પર ઢળી પડ્યો. અંધાર ઘોર જંગલમાં ચંદ્રની આછી ચાંદનીમાં તેનું ગંદુ લોહી વહેવા માંડ્યું અને એક ભયાનક મરણ ચીસ પડઘાવા લાગી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED