ચેલેન્જ - 19 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચેલેન્જ - 19

ચેલેન્જ

કનુ ભગદેવ

(19)

ખૂની કોણ…?

ગુલાબરાય સિવાય એકએક માણસોના ચહેરા ચહેરા પર કુતુહલ મિશ્રિત આશ્ચર્ય છવાયું હતું.

‘પોતાની વીમા પોલીસીમાં મારી બહેન મંજુલાને સ્થાને મને પહેલા નંબરનો વારસદાર બનાવી દે એવી હાથ મેં મારી દીકરી રાજેશ્વરી પાસે લીધી હતી તે વાત તદ્દન સાચી છે.’ છેવટે દીનાનાથે ચુપકીદીનો ભંગ કરતા કહ્યું, ‘પણ મંજુલાના બીમાર પડી ગયા પછી જયારે જાણવા મળ્યું કે હવે દુનિયાની કોઈ જ શક્તિ તેને બચાવી શકે તેમ નથી એ પછી જ મેં રાજેશ્વરીને આ બાબતનું દબાણ કર્યું હતું. હકીકતમાં મંજુલા પોતે પણ જીવતી રહેવા નહોતી માંગતી. બીજા અર્થમાં મંજુલાને પૈસાની કોઈ જ કિંમત નહોતી. મને એક સારો કહો તો સારો અને બેવકૂફીભર્યો માનો તો તેમ! પણ એવો વિચાર આવ્યો કે આ દુનિયામાં ખુબ જ ગંભીર અને અસાધ્ય રોગના દર્દીઓ કે જેને માટે ડોકટરે હાથ ખંખેરી નાંખ્યા હોય છે તેવો પણ આશ્ચર્યજનક રીતે ખુબ જ લાંબુ જીવી જાય છે. અને જુવાન માણસો સાધારણ બીમારીમાં જ કલ્પના પણ ન હોય એ રીતે આંખના પલકારામાં મૃત્યુ પામે છે. ટૂંકમાં ઘણી વાર એવું બને છે કે મોટી ઉંમરના માણસો ખાટલે પાડીને સો વરસ ખેંચી કાઢે છે અને જુવાન ચાલ્યા જાય છે. ન કરે નારાણય ને જો મારી દીકરી રાજેશ્વરી, મારી બહેન મંજુલાની પહેલા જ કોઈક અગમ્ય કારણસર મરી જાય તો એ સંજોગોમાં વિમાની રકમ મંજુલાને મળે અને મંજુલા તો મેં કહ્યું તેમ મૃત્યુને આરે ઉભી હતી અને તેને પૈસાનો કોઈ મોહ નહોતો. એ સંજોગોમાં મંજુલા મારફત છેવટે એ રકમ એના પતિ અજીત મર્ચન્ટના હાથમાં જ આવે! જોકે મારો આ વિચાર બાલીશ અને મૂર્ખાઈ ભરેલો હતો. પણ આપનામાં એક કહેવત છે ને કે ગ્રાહક, દુશ્મન અને મોત એ ત્રણેય ક્યારેય કોઈ ને ય પૂછીને કદાપી નથી આવતા. અજીત મર્ચન્ટ ખુબ જ ઉડાઉ અને કુચ્છંદીમાનસ છે એના હાથમાં આ રીતે પૈસા આવે તેમ હું ઈચ્છતો નહોતો. બસ, આ કારણસર જ મેં રાજેશ્વરીને કહ્યું હતું કે મંજુલાને બદલે તું ‘ફર્સ્ટ બેનીફીશીયર’ તરીકે મારું નામ લખાવી.’ દીનાનાથે ચશ્માં કાઢીને કરડાકીભરી નજરે અજીત મર્ચન્ટ સામે જોયું. પછી બોલ્યો, ‘મિસ્ટર મર્ચન્ટ...તમે એક નંબરના આળસુ માનસ છો. કોઈ પણ સીધી રીતનો કામ-ધંધો તમને સૂઝતો જ નથી. પરસેવાની રોટી તમારે ખાવી નથી. બસ, આટલા માટે જ મને તમારા પર શંકા હતી. રાજેશ્વરીની જિંદગીની મોટી રકમનો વીમો છે અને એના પહેલા વારસદાર તરીકે તમારી પત્ની મંજુલાનું નામ છે એ તમે શરૂઆતથી જ જનતા હતા. અને આટલી મોટી ગંજાવર રકમ મેળવવા માટે તમે મારી દીકરીને મારી નાંખશો એવો ભય મને સતાવતો હતો. જયારે બલરામપુરમાં મને મળ્યા ત્યારે મંજુલાની બીમારીની વાત આગળ વધારીને મારી પાસેથી રાજેશ્વરીનું સરનામું મેળવવાના ઘણા પ્રયાસો કર્યા હતા અને સતત બે કલાક સુધી મારો પીછો નહોતો છોડ્યો. હું તરત જ સમજી ગયો હતો કે મંજુલા મરણપથારી પર પડી હોવાને કારણે વિમાની રકમ તમને તમારા હાથમાંથી સરકી જતી દેખાઈ હતી અને તમે કોઈ પણ સંજોગોમાં એ રકમ ગુમાવવા નહોતા માંગતા.’ દીનાનાથ આટલું કહીને પછી દિલીપ સામે ફર્યો, ‘મિસ્ટર દિલીપ, બસ, આટલા માટે જ મારે દિવાકર મારફત તમારી મદદ મેળવવી પડી. રાજેશ્વરીને માટે મર્ચન્ટ ખુબ જ જોખમી માનસ છે એ તો હું જાણતો જ હતો. પણ નામ બદલીને રહેતી રાજેશ્વરીને શોધી કાઢવામાં જો એ સફળ થશે ત્યારપછી એ શું પગલાઓ ભરશે તે વિષે હું કોઈ સચોટ અનુમાન નહોતો કરી શકતો. રાજેશ્વરીને શોડી કાઢ્યા પછી એ શું કરશે એની કંઈ સૂઝ ન પડી એટલે હું ગભરાયો...અકળાયો…! મારી પરેશાનીનો પાર નહોતો. ચિંતામાં ને ચિંતામાં મારી વિવેક્બુદ્ધીએ સાથ છોડી દીધો. મને કોઈનામાં ભરોસો નહોતો રહ્યો. માફ કરજો મિસ્ટર દિલીપ, ખરેખર તો મારે તમને બધું સાચેસાચું જ કહી દેવાની જરૂર હતી. નાહક જ મેં તમારી પાસે જુઠ્ઠાણું ચલાવ્યું હતું. પણ અગાઉ કહ્યું એમ ઈચ્છા હોવા છતાં પણ હું સાચું નહોતો કહી શક્યો. વાસ્તવમાં અજીત મર્ચન્ટના દેખાવાનું વર્ણન કરીને તમને એનાથી ચેતતા રહેવાની જડબેસલાક સુચના આપીને હું એમ માની બેઠો હતો કે મરણપથારીએ પડેલી પોતાની ફોઈબા એટલે મારી બહેન મંજુલા મૃત્યુ પામે ત્યાં સુધી તો રાજેશ્વરી આપોઆપ સલામત રહેવાની જ છે! કારણ કે મારી વાત સાંભળ્યા પછી તમે આદું ખાઈને અજીત મર્ચન્ટની પાછળ લાગી જવાના છો તેની મને પૂરી ખાતરી હતી. પોતાની પાછળ તમને પડેલા જોઇને રાજેશ્વરીને કશીયે હાની પહોંચાડવાનો એનો વિચાર હોય તો પણ એ માંડી વળશે એની મને પુરેપુરી ખાતરી હતી. મેં સાચી વાત તમારાથી છુપાવી અને તમારી ઓફિસમાં આવીને જુઠ્ઠાણું ચલાવ્યું તે માટે હું ફરીથી માફી માંગુ છું.’ કહીને દીનાનાથ ચુપ થઇ ગયો.

પારાવાર ક્રોધથી નસકોરા ઉછાળી રહેલા અજીત મર્ચન્ટે કંઈક કહેવા માટે હોઠ ઉધાડ્યા પણ દિલીપે તેને ચુપ રહેવાનો સંકેત કર્યો.

એના સંકેતથી અજીત મર્ચન્ટના હોઠ પુન: બીડાઈ ગયા.

દિલીપ દીનાનાથ તરફ ફર્યો.

‘તમારી બહેનના મૃત્યુ પછી રાજેશ્વરી પર લટકતી તલવાર આપોઆપ કેવી રીતે દુર થઇ જવાની હતી એ તમ મને સમજાવશો? શું ત્યારે અજીત મર્ચન્ટને વિમાની રકમમાં રસ નહોતો રહેવાનો?’

‘ના…?’

‘કેમ…?’

‘એટલા મેતે કે જયારે મેં રાજેશ્વરીનો વીમો ઉતરાવ્યો હતો, ત્યારે તે ઘણી નાની હતી અને મારી બહેન મંજુલાના લગ્ન પણ નહોતા થયા, તેમ ભવિષ્યમાં લગ્ન કરવાનો એનો કોઈ ઈરાદો જ નહોતો. રાજેશ્વરીનો વીમો ઉતરાવવાની સલાહ મંજુલાએ જ આપી હતી અને પ્રીમિયમની રકમ ભરવામાં પોતે મને મદદ કરતી રહેશે એવું પણ એણે મને કહ્યું હતું એટલે મેં વિમાની પોલીસીમાં “ફર્સ્ટ બેનીફીશીયર” એટલે કે પહેલા હકદાર તરુજે મંજુલાનું જ નામ લખાવ્યું હતું. પરંતુ એનો અર્થ એવો નથી થતો કે મંજુલાને મળનારી વિમાની રકમ કોઈ ત્રાહિત માણસના હાથમાં જાય!’ સહેજ અટકીને તે અસરકારક અવાજે બોલ્યો, ‘મને મળેલી માહિતી પ્રમાણે મારી બહેન મંજુલાનું અવસાન, રાજેશ્વરીના મૃત્યુથી થોડા કલાકો પહેલાં જ થયું હતું. એટલે હું માનું છું કે કાયદેસર રીતે વિમાની રકમ પર અજીત મર્ચન્ટનો કોઈ હક નથી.’

દિલીપે હકારાત્મક ઢબે માથું હલાવ્યું. એના ચહેરા પર ગહન વિચારના હાવભાવ છવાયેલા હતા. એણે કઠોર નજરે અજીત મર્ચન્ટ સામે જોયું. પછી બોલ્યો, ‘રાજેશ્વારીનું ખૂન કરવાનો કોઈ જ હેતુ તમારી પાસે હોય એવું પુરવાર નથી થતું એને તમારું સદનસીબ માનજો.

અજીત મર્ચન્ટ ચુપ રહ્યો.

અત્યાર સુધી ચુપ બેસી રહેલો ઇન્સ્પેક્ટર ગુલાબરાય ખુબ જ બેચેન અને આકુળ-વ્યાકુળ દેખાતો હતો. એણે ફરિયાદ કરતો હોય એવી નજરે ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ સામે જોયું.

‘મહેન્દ્રસિંહ…’ એણે ખોખરા અવાજે કહ્યું, ‘શું તમે આવી જ ઢંગધડા વગરની વાતો સાંભળવા માટે મને અહીં બોલાવ્યો હતો?’

મહેન્દ્રસિંહે દિલીપ સામે નજર કરી.

‘ભાઈ ગુલાબરાય….’ દિલીપ સ્વસ્થ અવાજે બોલ્યો, ‘મહેન્દ્રસિંહે મારા કહેવાથી જ આ મીટીંગનું આયોજન કર્યું છે. છાપામાં સમાચાર છપાયા હતા કે સરલાએ, પોતે જ આરતીનું ખૂન કર્યું છે એવી પોલીસ પાસે મરતા પહેલા કબુલાત કરી હતી પણ મારો દાવો છે કે આ આખી વાત ઉપજાવી કાઢેલી છે અને એ અંગેના પુરાવાઓ પણ મારી પાસે છે.’

ગુલાબ્રયના કપાળ પર એકસાથે આઠ-દસ કરચલીઓપડી ગઈ. એનો ચહેરો કમાનની જેમ ખેંચાયો.’

‘આવો કોઈ દાવો કરનારા તમે કોણ છો?’

‘આ કેસમાં મને શા માટે રસ છે એ તમે બરાબર જાણો છો.’

‘તમે કયા આધારે આવો દાવો કરો છો?’

‘એ વાત તો નાના બાળકને પણ સંજય તેવી છે. રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીનું ખૂન સરલાએ નહોતું કર્યું અને જયારે એણે કોઈનું ખૂન જ નથી કર્યું તો પછી એણે કોઈ ગુનો પણ કબુલ નથી કર્યો એ પણ સ્પષ્ટ છે.’

ગુલાબરાય સળગતી નજરે દિલીપ સામે તાકી રહ્યો.

‘તો પછી આરતી જોશીનું ખૂન કોને કર્યું છે?’

‘એ જાણવા માટે જ આ મીતીન્ગનું આયોજન કરવામાં આવ્યું છે.’ દિલીપે જવાબ આપ્યો, ‘પરંતુ તેનું ખૂન સરલાએ નહોતું જ કર્યું એ તો હું હજુ પણ છાતી ઠોકીને કહું છું.’

‘કેપ્ટન…’ તે દાંત કચકચાવતો બોલ્યો, ‘આ ઉસ્માંનપુરાનું પોલીસ સ્ટેશન છે. તમારી કોઈ પણ જાતની તીડીબાજી અહીં નથી ચાલવાની માટે આ બધું નાટક બંધ કરીને ચુપચાપ આ શહેરમાંથી ચાલ્યા જાઓ એમાં જ તમારું હિત છે.’

‘અને ન જાઉં તો...?’ દિલીપે સ્વસ્થ અવાજે પૂછ્યું.

‘નહીં જાઓ તો પછી જે કંઈ થશે એ વિષે તમે જાણો જ છો!’ ગુલાબરાય અવાજમાં ધમકીનો સુર હતો.

દિલીપના હોઠ પર કડવું સ્મિત ફરકી ગયું.

‘જે કંઈ થવાનું છે એની ચિંતા મને ન તો એ વખતે હતી કે ન તો અત્યારે છે!’ એ બોલ્યો, એટલે તમે મારી ફિકર છોડીને તમારી ચિંતા કરો ગુલાબરાય! મેં તમને ચેલેન્જ આપી હતી ને કે હું તમારી વર્દી ઉતરાવવીને જ જંપીશ.તો હવે હમણાં જ તમારી વર્દી ઉતરી જવાની છે. ઓહ...સોરી...ભૂલ્યો...તમારી વર્દી ઉતરી જવાની છે એની કદાચ તમને ખબર પડી ગઈ લાગે છે કારણ કે અત્યારે તમે વર્દી પહેરીને નથી આવ્યા. ખેર, ચાલો હવે ભવિષ્યમાં તમારે પાછી એ વર્દી પહેરવાની તકલીફ નહીં ઉઠાવવી પડે.’

ક્રોધ અને અપમાનથી ગુલાબરાય પોતાના મગજનો કંટ્રોલ ગુમાવી બેઠો. તે નસકોરા ફુલાવીને છીંકોટા નાખતો દિલીપ તરફ ઘસી ગયો.

એ જ વખતે ધડામ અવાજ સાથે બારણું ઉઘડ્યું અને ત્યાંથી એક અધિકારભર્યો અને રુઆબદાર અવાજ આવ્યો.

‘ઉભા રહો ગુલાબરાય…!’

ગુલાબરાય આગળ વધતો અટકી ગયો. એણે બારના તરફ નજર કરી.

ત્યાં એસ.પી ચૌહાણ ઉભા હતા.

ગુલાબરાયના ચહેરા પર હવે ક્રોધના બદલે આશ્ચર્ય અને મૂંઝવણના હાવભાવ છવાયેલા હતા. તે એ જ હાલતમાં કીંકર્તવ્ય વિમૂઢની જેમ એસ.પી ચૌહાણ સામે તાકી રહ્યો.

‘ગુલાબરાય…’ ચૌહાણ સાહેબે કઠોર અવાજે કહ્યું, ‘હું તમારી ધરપકડ અક્રવા માટે આવ્યો છું.’

ચૌહાણ સાહેબના કથનથી ગુલાબરાય માથે જાણે કે વીજળી ત્રાટકી. ઘડીભર તો તેને પોતાના કાન પર ભરોસો જ ન બેઠો. તે ફાટી આંખે ચૌહાણ સાહેબ સામે તાકી રહ્યો.

‘પ...પણ શા માટે…? મારા પર શું ચાર્જ મુકવામાં આવ્યો છે?’ તે માંડ માંડ થોથવાતા અવાજે બોલ્યો.

‘એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેના તમને જે અધિકારો મળ્યા છે તેનો તમે ખોટો ઉપયોગ કર્યો છે.’ ચૌહાણ સાહેબે પૂર્વવત અવાજે કહ્યું, ‘ખોટી પ્રશંશા મેળવવા અને અંગત સ્વાર્થ ખાતર તમે સરલા દીવાનના ખૂનકેસને આપઘાતના કેસમાં પલટાવવાનો પ્રયાસ કર્યો છે. તમે સી.આઈ.ડી ના એક ઓફિસર કેપ્ટન દિલીપને આ શહેર છોડીને ચાલી જવાની ધમકી આપી છે. તમારી જ સુચનાથી જમાદાર દલપતરામ તથા એક અન્ય જમાદાર મિસ્ટર દિલીપને મારકૂટ કરી, તેના પર ખોટો આરોપ મુકીને તેમને કસ્ટડીમાં પૂરી દીધા હતા. તમારા કહેવાથી જ મૂનલાઈટ ક્લબમાં મિસ્ટર દિલીપ અને ઉષાના ડ્રીન્કસમાં ઘેનની દવા ભેળવીને તેમને બેભાન કરી દીધા હતા અને પછી તેમના શરમજનક ફોટા પાડીને તેમને બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો છે. શું તમારી ધરપકડ માટે આટલા આરોપો ઓછા છે?’

ચૌહાણ સાહેબે મુકેલા આરોપોથી ગુલાબરાયની બુદ્ધિ કુંઠિત થઇ ગઈ. પોતાના બચાવમાં શું કહેવું એ તેને કંઈ સૂઝતું નહોતું.

‘મારી પાસે આ બધી વાતોના નક્કર પુરાવાઓ છે.’ ચૌહાણ સાહેબે કહ્યું, ‘સરલા દીવાનનું ખૂન કરવા બદલ જોનીની ધરપકડ કરવામાં આવી છે. એણે પોતાનો ગુનો કબુલ પણ કરી લીધો છે અને અત્યારે તે અહીં જ પોલીસ કસ્ટડીમાં છે. દિલીપે તમારી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે અને તપાસ કરતા તેમની બધી વાતો સાચી નીકળી છે. ઉપરાંત ‘મોડર્ન ન્યુઝ’ નામના અખબારના ફોટોગ્રાફર કમલેશની પણ ધરપકડ કરવામાં આવી છે અને તલાશી દરમિયાન તેની પાસેથી મિસ્ટર દિલીપ અને ઉષાના સહ્રમ્જનક ફોટા મળી આવ્યા છે. એ ફોટા પોતે તમારા કહેવાથી, તમારે માટે ખેંચ્યા હતા તે વાત કમલેશ કબુલ કરી ચુક્યો છે.’

ગુલાબરાયે કંઈક કહેવા માટે મોઢું ઉઘાડ્યું પણ પછી એણે પોતાનો વિચાર માંડી વાળ્યો.

‘સાંભળો ગુલાબરાય…!’ એસ.પી.ચૌહાણે પોતાની વાતને આગળ લંબાવતા કહ્યું, ‘મૂનલાઈટ ક્લબ પર દરોડો પાડવામાં આવ્યો છે અને નારંગ સહીત કલબના તમામ સ્ટાફની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે કલબની તલાશી લેવાનું કામ ચાલુ છે. ત્યાંથી અત્યાર સુધીમાં જે કંઈ મળ્યું છે, તેના આધારે ક્લબને તાળા લાગી જશે. અને સ્ટાફના માણસોની જુબાનીને આધારે નારંગનું બાકીનું જીવન જેલના સળિયા ગણવામાં પૂરું થઇ જશે. નારંગ સાથે તમારે સંબંધો છે તથા તમે મૂનલાઈટ ક્લબમાં ભાગીદાર છો એ વાત પુરવાર થઇ ચુકી છે.’ એણે પોતાની પાછળ ઉભેલા ઇન્સ્પેક્ટરને ઉદ્દેશીને કહ્યું, ‘ગુલાબરાયને હાથકડી પહેરાવી દે.’ છેલ્લી વાત કહેતી વખતે તેના અવાજમાં આદેશનો સુર હતો.’

ઈન્સ્પેક્ટરે આગળ વધીને ગુલાબરાયને હાથકડી પહેરાવી દીધી.

ત્યારબાદ એસ.પી.ચૌહાણ હાથકડી પહેરેલા ગુલાબરાયને લઈને ઈન્સ્પેક્ટર સાથે ત્યાંથી બહાર નીકળી ગયો.

એના ગયા બાદ કમરામાં થોડી પળો માટે ચુપકીદી છવાઈ ગઈ.

એ જ વખતે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ કપૂર સાહેબ અંદર દાખલ થયા. એના હાથમાં એક નાનકડી બ્રિફકેસ જકડાયેલી હતી. દિલીપ પ્રત્યે ધ્યાન આપ્યા વગર તે સીધો જ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ પાસે પહોંચી ગયો.

બંનેએ હાથ મિલાવ્યા. પછી તેની સાથે દિલીપનો પરિચય કરાવ્યો.

જીંદગીમાં પહેલી જ વાર મળતા હોય તેમ બંનેએ એકબીજાથી તદ્દન અજાણ્યા હોવાનો ડોલ કર્યો.

‘કપૂર સાહેબ…!’ દિલીપે કહ્યું, ‘હું આપની પાસે એક પ્રયોગ કરાવવા માંગુ છું.’

‘કેવો પ્રયોગ…?’ કપૂરે પૂછ્યું.

જવાબમાં દિલીપે દિવાકર પાસેથી એરબેગ લઇ, તેમાંથી સીલબંધ થેલો બહાર કાઢ્યો. પછી થેલાનું સીલ તોડીને તેમાંથી લોહીના ડાઘવાળી વ્હીસ્કીની બોટલ કાઢીને ટેબલ પર મૂકી દીધી. બધા આશ્ચર્યથી તેની કાર્યવાહી જોતા હતા.

‘આ શું છે?’ મહેન્દ્રસિંહે બોટલ તરફ સંકેત કરીને સહેજ કઠોર અવાજે પૂછ્યું.

‘આ ખૂનનું હથિયાર છે ઇન્સ્પેક્ટર સાહેબ!’ માફી માંગતો હોય એવા અવાજે દિલીપે જવાબ આપ્યો, ‘આ બોટલ મને આરતી જોશીના ફલેટમાંથી તેની લાશ પાસેથી મળી હતી. એટલે આ બોટલ વડે જ તેનું ખૂન કરવામાં આવ્યું હતું એ સ્પષ્ટ થાય છે.’

‘તો પછી તમે આ બોટલ બનાવના સ્થળેથી શા માટે લઇ ગયા?’ મહેન્દ્રસિંહ પૂછ્યું, ‘આ રીતે ખૂનનું હથિયાર ગુમ કરવાથી સંગીન ગુનો બને છે એ તો તમે જાણતા જ હશો.’

‘જાણું છું ઇન્સ્પેક્ટર સાહેબ!’ દિલીપે કહ્યું, ‘પરંતુ હું લાચાર હતો. જો હું બોટલ ગુમ ન કરત અને જો તે તમારા હાથમાં આવી જાત તો આરતીના ખૂનના આરોપસર હું પકડાઈ જાત. કારણ કે આ બોટલ પર આરતી સિવાય મારા આંગળાની છાપો પણ છે, અને ગુલાબરાય મને ફસાવવા માટે આવી જ કોઈક તક શોધતો હતો. એ સંજોગોમાં તમે પણ મને જ ખૂની માનત! આ બોટલ પર મારા આંગળાની છાપો છે તેથી એ મારી જ છે તે વાત પુરવાર થઇ જાત. મેં અને આરતીએ સાથે જ આ બોટલ ખાલી કરી હતી. પછી આરતીના આગ્રહથી આ બોટલ તેને આપી દીધી હતી. પરંતુ આ બોટલ પર…’

‘કેપ્ટન…’ મહેન્દ્રસિંહ તેની વાતને વચ્ચેથી જ કાપી દીધી હતી, ‘આ બોટલ તમે ક્યારે ઉઠાવી હતી? અને જયારે આરતીના ફ્લેટની તલાશી લેવાતી હતી ત્યારે આ બોટલ ક્યાં પડી હતી?’

‘કસ્ટડીમાંથી છૂટ્યા પછી હું ફ્રેશ થવા માટે માયા હોટલના મારા રૂમમાં ગયો હતો. આરતી મારી ગઈ છે તેની મને ત્યારે જ ખબર પડી ગઈ હતી.’ દિલીપે જવાબ આપ્યો, ‘આ બોટલ ત્યારે તેના મૃતદેહ પાસે પડી હતી. મેં તેને છુપાવી દીધી. કારણ કે જો હું તેને ત્યાં જ પડી રહેવા દેત અને પોલીસને સુચના આપત તો ખૂનના આરોપસર મારી ધરપકડ થાત એ સ્પષ્ટ જ છે. આ રીતે કેસની તપાસ ત્યાં જ પૂરી થઇ જાત.’

‘વારુ, હવે તમે કરવા શું માંગો છો?’ ઈન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે પૂછ્યું. તેના ચહેરા પર દિલીપની વાત ગળે ન ઉતરી હોય એવા હાવભાવ છવાઈ ગયા હતા.

‘ગુલાબરાયની ધરપકડ વખતે ચૌહાણ સાહેબે કહ્યું હતું કે જોનીની ધરપકડ કરીને તેને અહીની જ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.’ દિલીપે તેની વાતનો જવાબ આપવાને બદલે સામું પૂછ્યું, ‘તમે તેને અહીં બોલાવી શકો તેમ છો?’

ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે એક જમાદારને, કસ્ટડીમાંથી જોનીને તેડી લાવવાની સુચના આપી.

જમાદાર માથું હલાવીને ચાલ્યો ગયો.

‘હવે તમે શું કરવા માંગો છો કેપ્ટન…?’ મહેન્દ્રસિંહે ફરીથી પૂછ્યું.

‘આ બોટલ પર મારા અને આરતી સિવાય ખૂનીના આંગળાની છાપો હોવી જોઈએ.’ દિલીપે કહ્યું, ‘એ ત્રીજા માનસ એટલે કે ખૂનીના આંગળાની છાપો સાથે અત્યારે અહીં હાજર રહેલા બધા માણસોના આંગળાની છાપો સરખાવી જુઓ, અને આ કામ કપૂર સાહેબ કરી શકે તેમ છે.’ એ કપૂર તરફ ફરીને બોલ્યો, ‘તમે આ કામ કરી શકશો ને?’

જરૂર કરી શકું તેમ છું.’ કપૂરે જવાબ આપ્યો, ‘હું એ માટેનો જરૂરી સમાન મારી સાથે જ લાવ્યો છું. અલ્બ્બત્ત આ કામ માટે મારે એક ટેબલ હોય તેવા ખાલી રૂમની જરૂર પડશે.’ એણે ઇન્સ્પેકટરને ઉદ્દેશીને પૂછ્યું, ‘આવો કોઈ રૂમ છે અહીં?’

‘હા...તમે બાજુના રૂમમાં તમારું કામ કરી શકો છો. એ ખાલી જ છે.’ મહેન્દ્રસિંહે જવાબ આપ્યો.

દિલીપે પોતાના ગજવામાંથી દસ-બાર જેટલા સાદા ફૂલસ્કેપ કાગળ કાઢીને મહેન્દ્રસિંહ સિવાય બધાને એક એક કાગળ આપી દીધા.

એ જ વખતે જમાદાર હાથકડી પહેરેલા જોનીને લઈને અંદર આવ્યો.

દિલીપ અને ઉષા સામે ઉડતી નજર ફેંકીને તે નીચું જોઈ ગયો. તે એકદમ શાંત દેખાતો હતો. પોતાના અંજામની કોઈ જ દીકર ન હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાયેલા હતા.

‘બેસ જોની…!’ દિલીપે દિવાકરની બાજુમાં પડેલી ખાલી ખુરશી તરફ સંકેત કરતા કહ્યું.

જોની આગળ વધીને દિવાકરની બાજુમાં પડેલી ખુરશી પર બેસી ગયો.

દિલીપે એના હાથમાં એક કાગળ મુકીને પોતે શું ઈચ્છે છે એ તેને સમજાવી દીધું.

‘મને તમારા બધા પર ખૂની હોવાની શંકા છે કે આવો કોઈ આરોપ હું તમારા પર મુકું છું એવું તમે માનશો નહીં.’ છેવટે દિલીપ ત્યાં હાજર રહેલા બધા માણસોને ઉદ્દેશીને બોલ્યો, ‘તમારે બધાએ માત્ર તમારા આંગળાની છાપો જ આપવાની છે અને એ માટે પણ હું તમારા પર કોઈ જાતનું દબાણ કરતો નથી. પરંતુ જો કોઈ છાપ આપવાનો ઇનકાર કરશે તો તો તેના મનમાં કોઈક ખોટ છે એમ હું માનીશ. તમાર્રે બધાએ મેં આપેલા કાગળ પર તમારા આંગળાની છાપ પાડી એ કાગળમાં તમારી સહી કરીને કપૂર સાહેબને આપી દેવાનો છે.’

ત્યારબાદ કપૂર સાહેબની મદદથી એણે પોતે આપેલા કાગળો પર બધાના આંગળાની છાપો લઈને નીચે તેમની સહી કરાવી લીધી.

‘મહેન્દ્રસિંહ સાહેબ…!’ દિલીપે ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ સામે જોતા કહ્યું, ‘આરતીના ફ્લેટની બાળકની તથા માયા હોટલની મારી રૂમની બાલ્કનીની રેલીંગ પરથી તમે આંગળાની છાપો લેવડાવી હતી ને?’

‘હા...’

‘એ છાપોની એક એક નકલ કપૂર સાહેબને આપી દો. અને કપૂર સાહેબ, મહેન્દ્રસિંહ તમને રેલીંગ પરથી મળી આવેલા આંગળાની છાપોની જે નકલ આપે તેને તમે બોટલના સૌથી ઉપલા મોં વાળા ભાગ પાસેની આંગળાની જે છાપો મળી છે તેની સાથે સરખાવી જોજો.’

‘ભલે…’ કપૂરે જવાબ આપ્યો.

મહેન્દ્રસિંહે તેને રેલીંગ પરથી મળી આવેલા આંગળાની છાપોની એક એક નકલ ફાઈલમાંથી કાઢીને આપી દીધી.

કપૂરે પોતાની બ્રિફકેસ અને એક રૂમાલ વડે દિલીપે આપેલી વ્હીસ્કીની બોટલને તળિયાના ભાગ તરફથી ઊંચકી લીધી.

‘આ કામમાં કેટલી વાર લાગશે કપૂર સાહેબ?’ દિલીપે પૂછ્યું.

‘ઓછામાં ઓછી દોઢ કલાક…!’ કહીને કપૂર બહાર નીકળી ગયો.

દિલીપ ટેબલ પાસે ઉભો રહી ગયો. અહીંથી તે બધા પર નજર રાખી શકે તેમ હતો.

‘આંગળાની છાપોની સરખામણીથી ખૂની કોણ છે એ પુરવાર થઇ જશે.’ છેવટે એક ઊંડો શ્વાસ લઈને તે બોલ્યો, ‘જોકે આરતીનો ખૂની કોણ છે એ હું જાણું છું અને પુરવાર પણ કરી શકું તેમ છું.’ પછી સહેજ અટકીને એણે વારાફરથી બધાની સામે જોયું. જોની સિવાય બાકીના બધાને પોતાની સામે તાકી રહેલા જોઇને એણે કહ્યું, ‘આ કેસની બે વાતોએ શરૂઆતથી જ મને ચકરાવે ચડાવી દીધો છે. એક, આરતી દ્વારા મિસ્ટર અજીત મર્ચન્ટને હોટલમાં કરવામાં આવેલો ફોન અનેબીજી વાત મને એ મૂંઝવે છે કે બરાબર એ જ વખતે હોટલની મારી રૂમમાંથી એક ફોટો ચોરાઈ ગયો હતો.’ તે અજીત મર્ચન્ટ પાસે પહોંચીને ઉભો રહ્યો, ‘મિસ્ટર મર્ચન્ટ, એણે તમને શા માટે ફોન કર્યો હતો એ હું જાણવા માંગુ છું.’

‘કદાચ તે મને મળવા માંગતી હતી.’ અજીત મર્ચન્ટે જવાબ આપ્યો, ‘દીનાનાથે કઈ રીતે તેને અમારાથી દુર રાખી હતી એ તો હું જણાવી જ ચુક્યો છું.’

‘પરંતુ તમારા કથન મુજબ એનો ફોન આવ્યો તે પહેલા તમારી સાથે તેની મુલાકાત થઇ જ નથી ખરું ને?’

‘હા, મેં સાચું જ કહ્યું છે.’

‘તો પછી તમારો સંપર્ક ક્યાં સાધવો એની તેને એટલે કે આરતીને કરી રીતે ખબર પડી?’ દિલીપે વેધક નજરે અજીત મર્ચન્ટ સામે જોઇને પૂછ્યું.

‘મને પોતાને પણ એ નથી સમજાતું.’ અજીત મર્ચન્ટે જવાબ આપ્યો.

‘તમે બરાબર સમજી વિચારીને જવાબ આપો.’ દિલીપે કઠોર અવાજે કહ્યું, ‘જો તમે કોઈના ગુનાને ઢાંકવાનો પ્રયાસ કરતા હો તો સાથે સાથે આ સવાલના સાચા જવાબ પર જ તમારી કે બીજા કોઈની જિંદગીનો આધાર છે એ તમે ભૂલશો નહીં મિસ્ટર મર્ચન્ટ…!’

‘એટલે…? તમે કહેવા શું માંગો છો? શું મેં જ આરતીનું ખૂન કર્યું છે એવી શંકા તમને છે?’ અજીત મર્ચન્ટે બેચેનીથી ખુરશી પર પાસું બદલતા પૂછ્યું.

‘હા...અને શંકા કરવા માટેનું કારણ પણ મારી પાસે છે.’

‘શું કારણ છે?’

‘મિસ્ટર દીનાનાથે તમારી સામે જ શંકા વ્યક્ત કરી હતી કે વિમાની રકમ મેળવવા માટે તમે તેની દીકરીનું ખૂન કરી શકો તેમ છો. વિમાની પોલીસી પાંચ લાખ રૂપિયાની છે અને પાંચ લાખ રૂપિયાની રકમ કંઈ નાની-સુની તો ન જ કહેવાય! આટલી રકમ માટે માણસ એક તો શું અનેક ખનો કરતા પણ અચકાય નહીં.’

‘દીનાનાથે જે કહ્યું હતું તે મને બરાબર યાદ છે મિસ્ટર દિલીપ!’ અજીત મર્ચન્ટ સહેજ સ્મિત ફરકાવીને બોલ્યો, ‘પરંતુ સાથે સાથે દીનાનાથે એમ પણ કહ્યું હતું કે રાજેશ્વરીનું મૃત્યુ થયું એના થોડા કલાકો અગાઉ જ મારી પત્નીનું અવસાન થવાથી એ રકમ મને મળી શકે તેમ નથી. આ વાત કદાચ તમે ભૂલી જતા લાગો છો.’

‘બરાબર છે પરંતુ શું આ વાત તમે પહેલાથી જ જાણતા હતા.’

‘હા…’ અજીત મર્ચન્ટે કડવા અવાજે કહ્યું, ‘તમે શું મને મૂરખ માનો છો?’

‘ના...હું તમને ખુબ જ હોશિયાર અને ચાલક માનું છું.’ દિલીપે એના જેવા અવાજે જ જવાબ આપ્યો, ‘તમને આ વાતની અગાઉથી જ ખબર હતી એનો અર્થ એ થયો કે જો આરતીનું મૃત્યુ, તમારી પત્નીની પહેલા થઇ જાય તો વીમાના પાંચ લાખ તમને મળે એ વાત પણ તમે જાણતા હતા ખરું ને?’

‘હાં…’

‘તમારી પત્ની મૃત્યુને આરે ઉભી હતી અને ગમે તે ઘડીએ તે મૃત્યુ પામે તેમ છે. એ વાત તમે જાણતા હતા.’ દિલીપે કહ્યું, ‘એટલે તમે બધું પડતું મુકીને બલરામપુર પહોંચ્યા અને મિસ્ટર દિલીપ દીનાનાથ પાસેથી રાજેશ્વરીનો પત્તો મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દીનાનાથે તમને તેનું સરનામું આપવાનો ઇનકાર કર્યો. પરંતુ તેમ છતાં તમે રાજેશ્વરીને શોધવા માટે અહીં લલિતપુર આવ્યા કારણ કે તે આ શહેરમાં જ ક્યાંક હતી એ તમે જાણતા હતા.’

***

રેટ કરો અને રિવ્યુ આપો

Patel Vijay

Patel Vijay 1 અઠવાડિયા પહેલા

Hina Thakkar

Hina Thakkar 3 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 10 માસ પહેલા

Dilip U. Rathod

Dilip U. Rathod 11 માસ પહેલા

Yogesh Raval

Yogesh Raval 1 વર્ષ પહેલા