ચેલેન્જ - 2 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચેલેન્જ - 2

ચેલેન્જ

કનુ ભગદેવ

પ્રકરણ - 2

રાજેશ્વરીની મુલાકાત!

‘મિસ્ટર દિલીપ!’ દીનાનાથે દિલીપના હુંકાર પછી પોતાની વાત આગળ વધારી, ‘મારી દીકરી રાજેશ્વરીએ કાં તો ડ્રગના નશામાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, અથવા તો પછી ડ્રગ ન મળવાને કારણે આવેલી હતાશામાં તે આવું પગલું ભરી બેઠી હતી એની મને ખાતરી છે. લલિતપુરમાં ચોક્કસ જ તે કેફી, માદક દ્રવ્યોનું સેવન કરતી હશે એમ હું દ્રઢતાથી માનું છું એની માનસિક હાલત બરાબર નથી. એ હકીકત પણ એના કાગળો ચાડી ખાય છે.’

‘કઈ જાતના કાગળો?’

‘ તે ખુબ જ વિચિત્ર રીતે કાગળો લખે છે. કાગળો પોતાના બાપને નહીં પણ કોઈ અપરિચિતને લખતી હોય એવું તેનું વર્તન છે. પત્રમાં એણે મને બાપનું સંબોધન લખવાનું બંધ કર્યું છે અને પત્રમાં છેલ્લે રાજેશ્વરીને બદલે આરતી જોશી લખે છે.’

‘એની પાસે પોતાના કંઈ પૈસા-ટકા છે કે કેમ?’ દિલીપે પૂછ્યું.

‘ડાંગે માર્યા પાણી બુઠ્ઠા નથી પડતા મિસ્ટર દિલીપ!’ દીનાનાથ લાગણીવશ અવાજે બોલ્યો, ‘ગમે તેમ તો એ પણ મારી દીકરી છે. છોરું કછોરું થાય પણ માવતરથી કમાવતર કંઈ થોડું જ થવાય છે? મેં એને ખુબ જ લાડકોડથી ઉછેરીને મોટી કરી છે. હું એને દસ-પંદર દિવસે ખર્ચ માટે પૈસા મોકલતો જ રહુ છું. હવે રહી એને ફિલ્મમાં કામ કરવાની વાત! તો હું લાગવગશાહીમાં નથી માનતો. એનામાં અભિનય કળાની સૂઝ ન હોવાના કારણે સૈદ્ધાંતિક રીતે હું એને ફિલ્મમાં કામ આપવા માટે બીજાને ભલામણ કરવાની વાત તો બાજુ પર રહી,ખુદ મારી ટી.વી ફિલ્મોમાં પણ હું એને કામ આપી શકું તેમ નથી. મારા વ્યવસાયને હું નિષ્ઠા અને વફાદર રહેવામાં માનું છું. ખેર, હું જરા આડી વાતે ચડી ગયો. મૂળ વાત એ છે કે રાજેશ્વરી માથે દરેક પળે ભયંકર આફતો વધુ ને વધુ તોળાઈ રહી છે.’

‘મિસ્ટર દીનાનાથ!’ દિલીપે કહ્યું, ‘તમારા મામલામાં મારાં કરતાં પોલીસ વધુ મદદરૂપ થઇ પડશે.’

‘પોલીસ...’ દીનાનાથના ચહેરા પર કડવું હાસ્ય છવાયું, ‘જનાબ, પોલીસ કેવું અને કેટલું કામ કરે છે, એ એક ગમાર માણસ પણ આજે જાણે છે. પણ હું અહીં પોલીસની ટીકા કરવા નથી આવ્યો. પોલીસની કાર્યવાહી ધીમી-ગોકળગાયની ગતિએ થતી હોવાથી તે આ મામલામાં કશું એ ઉકાળી શકે તેમ નથી. અને બીજી તરફથી રાજેશ્વરી પર જોખમ વધતું જાય છે.’

‘વારું, તો હું આમ કઈ રીતે તમને મદદરૂપ થઇ શકું તેમ છું?’

‘તમે મારો કેસ હાથ પર લઈને અહીંથી લલિતપુર જાઓ એમ હું ઈચ્છું છું.’ દીનાનાથે ગજવામાંથી ચેકબુક કાઢીને તેના એક પણ પર રકમ ભરી, સહી કર્યા બાદ તે પાનું ફાડીને દિલીપ તરફ લંબાવ્યું, ‘આ એડવાન્સ તરીકે પાંચ હજાર રૂપિયા છે. તમારી જે કંઈ ફી થશે તે હું આપવા તૈયાર છું. બાકીનો હિસાબ આપણે પછી સમજી લેશું.’

‘ભલે…’ કહીને દિલીપે ચેકને ટેબલના ખાનામાં મુક્યો. પછી કહ્યું, ‘હવે, તમે મને બધી હકીકતો વિસ્તારથી જણાવી દો.’

‘વિસ્તારમાં કહેવા જેવું ખાસ કંઈ બાકી નથી.તમે લલિતપુર જઈને રાજેશ્વરીને મળો. તેને તમારા વિશ્વાસમાં લો અને તેની સલામતી માટે જડબેસલાક વ્યવસ્થા કરો એમ હું ઈચ્છું છું.’

‘જુઓ મિસ્ટર દીનાનાથ!’ દિલીપ સહેજ કંટાળેલા અવાજે બોલ્યો, ‘તમે આવ્યાં ત્યારના રાજેશ્વરી માથે આફત તોળાઈ રહ્યાની વાત કરો છો. પણ એ આફત કેવી છે? શા માટે છે અને કોના તરફથી તોળાઈ રહી છે તે અંગે કશું એ કહેતા નથી. આમ હું મારુ કામ કેવી રીતે કરું?’

‘સાચી વાત છે.’ દિવાકરે વચ્ચેથી કહ્યું, ‘મિસ્ટર દીનાનાથ, જ્યાં સુધી તમે ખુલાસો નહીં કરો ત્યાં સુધી આ કામમાં કેવી રીતે આગળ વધવું એ દિલીપને નહીં સમજાય.’

‘મને મિસ્ટર દિલીપ પર પુરેપુરી શ્રદ્ધાને વિશ્વાસ છે.’ કહેતાં કહેતાં તેનો સ્વર વ્યાકુળ બની ગયો, ‘બધું જાણ્યા વગર કોઈથી કંઈ જ થઇ શકે તેમ નથી એ હું બરાબર સમજુ છું પણ…’ વાત અધૂરી મૂકીનેતે નિરાશ વદને ઉભો થયો. પરંતુ પછી જાણે ઉભા રહેવાની શક્તિ હણાઈ ગઈ હોય એમ પાછો ખુરશી પર ફસડાઈ પડ્યો. પરસેવાથી રેબઝેબ ચહેરા પર એની આંતરિક પીડાની રેખાઓ સ્પષ્ટ વરતાતી હતી.

‘દિવાકર, તું સામેની હોટલમાંથી ગરમ ગરમ કોફીના ત્રણ ગ્લાસ લઇ આવ.’

દિવાકર ઉભો થઈને બહાર નીકળ્યો.

પાંચેક મિનિટમાં જ તે હોટલના એક નોકર સાથે કોફી લઈને પાછો ફર્યો.

ત્રણેયે કોફી પીધી.

‘આભાર!’ દીનાનાથ ખાલી ગ્લાસ ટ્રે માં મૂકતાં બોલ્યો. હવે તે સહેજ સ્વસ્થ દેખાતો હતો. ગજવામાંથી ફરીથી રૂમાલ બહાર કાઢીને એણે ચહેરા પરનો પરસેવો લૂંછી નાંખ્યો, ‘એક બાપ હોવાને નાતે દીકરી માટે મારે આવી વાતો જીભ પર ન લાવવી જોઈએ પણ પરિસ્થિતિ એટલી બધી નાજુક છે તે બધી વાતો કહ્યા વગર છૂટકો નથી. ભગવાને આવો દિવસ મને દેખાડ્યો એના કરતા તો મને ઉપાડી લીધો હોત તો સારું હતું.’ એના ફિક્કા અવાજમાં દારુણ વ્યથા હતી. તે ખુરશી પર થોડો અક્કડ થયો, ‘રાજેશ્વરીએ મને પોતાને વિષે જે કંઈ કહ્યું હતું તે હવે હું તમને કહું છું. એની માંદગી દરમિયાન તે એક બદમાશ માણસના પરિચયમાં આવી હતી. એ માણસ ખુબ જ કુટિલ અને વિશ્વાસઘાતી છે એ વાત તે એ વખતે નહોતી જાણતી. એ માણસે એને પ્રોત્સાહન આપ્યું અને પછી ધીમે ધીમે નશાખોર બનાવી દીધી. સાચી વાત કહેવા માટે મેં રાજેશ્વરી પર ક્યારેય દબાણ નહોતું કર્યું. પણ નશાની હાલતમાં-નશાના પ્રભાવ હેઠળ ખુદ એણે પોતે કે મને ત્રુટક-ત્રુટક વાતો કરી હતી. એના કહેવા પ્રમાણે એણે પોતે લોફર અને બદમાશ માણસથી પીછો છોડવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પણ સફળતા નહોતી મળી. હવે એ કમ્બખ્ત, નાલાયક રાજેશ્વરીની પાછળ લલિતપુર પણ પહોંચી ગયો છે.’

‘ગુડ…’ દિલીપે ચપટી વગાડીને તેને ઉત્સાહિત બનાવતાં કહ્યું, ‘હવે કંઈક સમજાય છે, ખરુ! વારુ, આગળ કહો.’

‘આ અનુસંધાનમાં એક વાત ખાસ નોંધ કરવા જેવી એ છે કે રાજેશ્વરી તે માણસના પ્રભાવમાં જે કંઈ કરે છે, તે ન છૂટકે જ કરે છે બાકી અંદરખાનેથી એને પોતાની વર્તણુક માટે ખુબ જ પસ્તાવો છે. અને એ માણસ પ્રત્યે તેને ઘોર તિરસ્કાર પણ છે. એ ખુબ જ લાગણીપ્રધાન છોકરી છે મિસ્ટર દિલીપ! મને ખાતરી છે કે તે ફરીથી આપઘાત કરવાનો પ્રયાસ કરશે...અને આ વખતે તેને કદાચ તેમાં સફળતા મળી પણ જાય!’

‘તો મારે તેને આપઘાત કરતી અટકાવવી એમ જ તમે ઈચ્છો છો ને?’

‘હા… મારી વાત તમે બરાબર સમજી શક્ય છો. મને એના પર બેહદ લાગણી છે. તમે એને ગમે તેમ કરીને સન્માર્ગે વાળો. એટલું જ નહીં, પેલો લોફર એનું કોઈ જ અહિત ન કરી શકે એ માટેની પણ વ્યવસ્થા કરો. ગયા વખતે રાજેશ્વરીએ એની સાથેના પોતાના તમામ સંબંધો પુરા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એ દુષ્ટએ એના ભયાનક અંજામની ધમકી આપી હતી. એટલું જ નહીં જો તે (રાજેશ્વરી) પોલીસને ફરિયાદ કરશે તો પોતે તેને જાનથી મારી નાખશે એવી ધમકી પણ ઉચ્ચારી હતી.’

‘સમજ્યો...’ દિલીપ બોલ્યો, ‘તમે જેને દુષ્ટ, લોફર, કમજાત, બદમાશ વિગેરે કહો છે, પણ એ છે કોણ? એનું નામ શું?’

‘એ તો હું નથી જાણતો. મેં ફક્ત એક જ વાર એને જોયો છો. એક દિવસ દરરોજ કરતા હું ખુબ જ વહેલો ઘરે જઈ પહોંચ્યો હતો, ત્યારે તે રાજેશ્વરી સાથે મારે ઘેર બેઠો હતો. મને અણધાર્યો આવેલો જોઈને પહેલા તો તે સહેજ ડઘાઈ ગયો પણ પછી આંખના પલકારામાં મારી બાજુમાંથી, મને એકદમ ઘસાઈને મોટી મોટી ડાંફો મારતો નાસી છૂટ્યો.’

‘દેખાવે એ કેવો હતો કહી શકશો?’ દિલીપે પૂછ્યું.

જવાબમાં દીનાનાથે વિચારવશ સ્થિતિમાં લમણાં પર આંગળી ટપટપાવી. તે કશુંક યાદ કરતો હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાયા,’એનો દેખાવ...’ તે સહેજ અટકીને બોલતો ગયો, ‘માથા પર કાળા વાળની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક સફેદ વાળની લટ, કપાળ પર કોઈક જુના ઝખમનું નિશાન, એક વાતે મારુ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. એના બંને હાથની પહેલી આંગળીઓમાં સફેદ, ચાંદીની હોય એવી વીંટી ચમકતી હતી. દેખાવ એકદમ ક્રૂર, સામા માણસને ડારનારા કરડા ચહેરા પર શીતળાના ચાઠાં અને હું ન ભૂલતો હોઉં તો એનો ચહેરો ગોળ હતો. તથા તલવાર કટ મૂછો હતી. મને વધુ નિરીક્ષણ કરવાની તક મળે એ પહેલા જ તે ત્યાંથી નાસી ગયો હતો. આટલું પણ મને એટલા માટે યાદ છે કે રાજેશ્વરીને મળનારાઓને હું ધ્યાનપૂર્વક જોતો થઇ ગયો હતો. આ વર્તન જોકે સાધારણ છે. પરંતુ જો આવા વર્ણનવાળો કોઈ માણસ તમે રાજેશ્વરી સાથે કે તેની આસપાસ જુઓ તો અચૂક માનજો કે તે એ જ બદમાશ છે. હવે લગભગ બધું જ મેં તમને કહી નાંખ્યું છે. મને તમારા પર પુરેપુરો ભરોસો છે. પ્લીઝ...બને તેટલા વહેલા લલિતપુર જઈને મારી દીકરીની સલામતીની વ્યવસ્થા કરો.’ દીનાનાથના દુ:કહી અવાજમાં દુનિયાભરની કાકલુદી હતી.

‘ઠીક છે.’ દિલીપે કહ્યું, ‘તમે મને રાજેશ્વરીનું સરનામું લખી આપો.’

દીનાનાથે ગજવામાંથી એક ડાયરી કાઢી, તેના કોરાં પાના પર સરનામું લખ્યું અને પછી પાનું ફાડીને દિલીપની સામે ટેબલ પર મૂકી દીધું.

દિલીપે નજર દોડાવી રાજેશ્વરીનું ઉપનામવાળું સરનામું વાંચ્યું-આરતી જોશી, 15, ‘માયા ભુવન,’ લલિતપુરમાં આ મકાન ઉસ્માનપુરામાં જ છે ને પ્રખ્યાત છે.

‘અને આ ફોટો પણ તમારી પાસે રાખો.’ દીનાનાથે પોસ્ટકાર્ડ સાઈઝની એક તસ્વીર કાઢીને ટેબલ પર મૂકી, ‘આ મારી દીકરીનો થોડા મહિના પહેલાનો જ ફોટો છે.’

દિલીપે ફોટાનું નિરીક્ષણ કર્યું. તે એક સુંદર, લાવણ્યમયી યુવતીનો ક્લોઝઅપ ફોટો હતો. એના માદક હોઠ પર હળવું સ્મિત ચમકતું હતું. આંખો દ્રઢ નિશ્ચયી હોવાની ચાડી ખાતી હતી. સરનામું અને ફોટો બંનેને એણે સાચવીને મૂકી દીધા.

‘મારે જરૂર પડે તો તમારો સંપર્ક ક્યાં સાધવો?’ એણે દીનાનાથને પૂછ્યું.

‘હું અહીં મીનાક્ષી હોટલમાં રૂમ નમ્બર ચારમાં ઉતર્યો છું અને…’ વાત અધૂરી મૂકીને એણે ફરીથી ડાયરીના એક પાનાં પર કંઈક લખ્યા પછી પાનું ફાડીને દિલીપના હાથમાં મૂક્યું, ‘આ મારુ વડોદરાનું કાયમી સરનામું તથા ત્યાંના ટેલિફોન નંબર છે. અહીં હું એક ટેલી ફિલ્મ માટેના લોકેશનો જોવા આવ્યો છું અને અહીં એકાદ વીક રોકવાનો વિચાર છે. પરંતુ કોઈ પણ ઘડીએ મારે તાબડતોડ વડોદરા પાછું પણ જવું પડે.’ કહેતાં કહેતા એનો અવાજ ભીનો થઇ ગયો.

‘કેમ?’

‘વાત એમ છે કે મારી બહેન ખુબ જ બીમાર છે અને ડોક્ટરોએ હવે આશા મૂકી દીધી છે. એ બચી શકે તેમ નથી. એટલે ગમે ત્યારે ત્યાંથી અર્જન્ટ કોલ આવવાની શક્યતા છે. તમે લલિતપુરમાં રાજેશ્વરીનો કોન્ટેક્ટ કરો, તેને મળો ને સમજાવો કે તે ફિલ્મમાં કામ કરવાનો આગ્રહ પડતો મૂકે. એક બાપને પોતાના સંતાનોની કેટલી બધી ફિકર-ચિંતા હોય છે એ પણ તેને સમજાવો. રાજેશ્વરીનો કોન્ટેક્ટ થાય કે તરત જ મને અહીં મીનાક્ષી હોટલમાં ફોન કરજો બીજું વધારે શું કહું?’

‘ભલે…’ દિલીપ વાતની પુર્ણાહુતી કરતો હોય એવા અવાજે બોલ્યો.

‘તમારો ખુબ જ આભાર મિસ્ટર દિલીપ...’ ગળગળા અવાજે કહેતો દીનાનાથ ઉભો થયો.

પછી તે દિવાકર સાથે બહાર નીકળી ગયો.

ત્યારબાદ દિલીપ લલિતપુર આવીને માયા હોટલમાં ઉતર્યો એ વાત આપણે પહેલાં પ્રકરણમાં જોઈ ગયા છીએ.

***

‘એ મિસ્ટર...શું નામ છે તમારું...?’

અચાનક એક સ્ત્રી સ્વર સાંભળીને દિલીપ વિચારધારામાંથી બહાર નીકળીને સીધો બાલ્કનીમાં આવ્યો. માયા ભુવનનાં ફ્લેટની બાલ્કનીમાં બેઠેલી જે યુવતી સાથે એણે વાતો કરી હતી, અને જે ચાર-પાંચ ટેલિફોન કરવાનું કહીને અંદરના ભાગમાં ચાલી ગઈ હતી, એ જ યુવતી પાછી બાલ્કનીમાં આવીને દિલીપની બાળકની સામે તાકી રહી હતી.

મજકુર યુવતી બીજી કોઈ નહીં, પણ દિલીપ જેની તલાશમાં અહીં આવ્યો હતો, એ જ દીનાનાથની પુત્રી રાજેશ્વરી ઉર્ફે આરતી જોશી છે, એ વાત દિલીપ સમજી ગયો હતો. દીનાનાથે આપેલા ક્લોઝઅપ ફોટા પરથી જ એણે તે યુવતીને દીનાનાથની પુત્રી તરીકે ઓળખી કાઢી હતી.

યુવતીને વિશ્વાસમાં લેવા માટે તેની સાથે રોમેન્ટિક વાતો કરવી ખુબ જ જરૂરી હતી.

‘ઓહ...શું નામ છે તમારું?’ દિલીપે પૂછ્યું.

‘મારુ નામ દિલીપ છે અને તમારું.’ દિલીપે પેગમાંથી વહીસકીનો ઘૂંટડો ભરતાં કહ્યું.

‘આરતી...આરતી જોશી...’ એ યુવતી હસીને બોલી.

‘મિસ આરતી, તમે સાચે જ ખુબ સુંદર છો.’ દિલીપે સ્વાભાવિક લાગે એવા અવાજે પ્રશંશા કરતાં કહ્યું.

‘એમ…? લે, કર વાત…!’ આરતી મોહક સ્મિત ફરકાવતાં બોલી.

‘હા, તમને જોઈને ગમે તેનું બ્લડપ્રેશર વધી જાય એમ તેમ છે.’

‘મિસ્ટર દિલીપ...’ એ ફરીથી હસીને બોલી, ‘બીજાની વાત જવા દો! તમે તમારી વાત કરો! બોલો તમારું બ્લડપ્રેશર વધ્યું છે ખરું?’

‘હા...જુઠ્ઠું નહીં બોલું!’ દિલીપે સ્મિતસહ કહ્યું.

‘તમારા જવાબથી મને સંતોષ થયો છે.’ આરતી બોલી, ‘બીજાની જેમ તમે યુવતીઓને આકર્ષવા માટે ખોટા લટકા નથી કરતા. આપણા બંનેની દોસ્તી ખરેખર જામશે.’

‘એવું તમે શા પરથી કહો છો?’

‘એટલાં માટે કે મને ખુબ જ ઓછા પોશાકમાં જોયા પછી પણ તમે કશુંયે અડપલું કે ચેનચાળા નથી કર્યા. તમારે સ્થાને બીજા કોઈ હોત તો ક્યારનો એ આ બાલ્કનીની બે-ત્રણ ફૂટ ઊંચી રેલિંગ કુદાવીને સીધો જ મારી બાલ્કનીમાં, મારાં પર કૂદી પડત…’

‘મેડમ...’ દિલીપે પોતાનું પેટન્ટ હાસ્ય ફરકાવતાં કહ્યું, ‘ખોટી ભ્રમણા રહેવા દેજો. આવો કૂદકો મારીને તો હું પણ આવી શકું તેમ છું.’

‘તમારામાં આવી અવળચંડાઈ હોય એવું તો હું પણ તમારી વાતચીત અને ચહેરા પરથી સમજી શકું છું. હવે એક ફરિયાદ કરું તમને...!

જાણે દિલીપ તેનો વર્ષો જૂનો પરિચિત હોય એવા અવાજે એણે દિલીપને કહ્યું હતું અને દિલીપ પણ તેના વર્ષોજૂનાં પરિચિત હોવાની ઢબે જ વાતચીત કરતો હતો.

‘બોલો, શું ફરિયાદ છે?’

‘કોઈ પણ કંપની વગર એકલાં એકલાં પીવાની મજા આવે છે ખરી?’

‘ઓહ...સમજ્યો...’ દિલીપે કહ્યું, ‘તું કંપની આપીશ મને?’

‘એટલે જ કહું છું, એકાદ પેગ મને પણ આપો.’

‘જરૂર...’ દિલીપે પોતાનો ગ્લાસ ખાલી કરીને ચપટી રેલિંગની સપાટી પર મૂકી દીધો. પછી તે અંદર જઈને વ્હીસ્કીની બોટલ, બરફની પ્લેટ અને બીજો ગ્લાસ લઇ, બાલ્કનીમાં પાછા આવી, બંને ગ્લાસમાં પેગ બનાવીને એક ગ્લાસ હાથ ઊંચો કરી, રેલિંગ બહાર કાઢીને આરતીનાં પોતાની સામે લંબાવેલા હાથમાં મૂકી દીધો. ‘ચિયર્સ’...શબ્દની આપ-લે કર્યા બાદ બંનેએ એક મોટા ઘૂંટ ગળે ઉતાર્યા પછી ગ્લાસ નીચે મૂકી દીધા.

‘તમારાં જેવા સારા માણસે ઉસ્માનપુરા જેવા બદમાશીથી ધીકતા વિસ્તારમાં આવેલી હોટલમાં શા માટે પસંદગી કરી એ મને નથી સમજાતું.’ આરતીએ કહ્યું.

‘પહેલી વાત તો એ કે આ વિસ્તાર અંગે હું કશુંએ નથી જાણતો. બીજું જે સ્થળે મન બહેલાવવાના સાધનો હોય એ મારી નજરે સારો જ વિસ્તાર છે. અને મને ખાતરી છે કે મને અહીં કંટાળો નહીં આવે.’

આરતીએ ગ્લાસ ઉઠાવીને ખાલી કરી નાખ્યો.

‘મિસ્ટર દિલીપ...’ આરતીનો અવાજ ભાવાવેશથી કંપતો હતો, ‘તમે ખરેખર ખુબ જ ઈમાનદાર અને લાગણીશીલ છો અને ઘણા વખતથી તમારા જેવા માયાળુ અને હૂંફ આપે તેવા મિત્રની હું શોધમાં હતી. મારુ મન અહર્નિશ તમારા જેવા માણસને મળવા માટે ઝંખતું હતું. અત્યારે પણ મને એમ થાય છે કે હું કોઈક સ્વપ્નમાં તમને મળું છું અને વાતચીત કરું છું. પણ અંદરખાનેથી મને ભય છે કે સ્વપ્ન તુટતાંની સાથે જ મારી આંખો ઉઘડી જશે અને બીજી જ પળે તમે ઉભા છો એ બાલ્કનીમાંથી માણસના રૂપે કોઇકે હેવાન મારી આબરૂ પર હાથ નાંખવા અને મારી અસ્મતનો જનાજો કાઢી નાંખવા માટે સીધો જ છલાંગ મારીને મારા પર કૂદી આવશે.’

દિલીપ ખુબ જોરથી હસી પડ્યો.

‘જો આરતી...!’ એના અવાજમાં ભારોભાર આશ્વાસન હતું, ‘તું સપનામાં નહીં પણ વાસ્તવિક ધરતી પર જ છો. તારી સાથ છોડવાની મારી જરા પણ ઈચ્છા નથી…’ દિલીપે તેને પોતાના વિશ્વાસમાં લેવા માટે બીજી વાર એક વચનમાં સંબોધતા કહ્યું, ‘રહી વાત હેવાનની! તો હું કબુલ કરું છું કે હજારમાંથી નવસોનવ્વાણું માણસો હેવાન જ હોય છે. આ નવસોનવ્વાણુએ ભલે શરાફી શહેર પાછળ હેવાનિયત ભર્યો, ખરબચડો, ભયાનક અને ઘૃણિત ચહેરો છુપાવ્યો હોય, પણ તક મળતાં જ તે શરાફી નકાબ આંખના પલકારામાં કાઢીને ફેંકી દે છે. પરંતુ ખાતરી રાખજે કે આવા એકેય હેવાનને હું તારી પાસે ફરકવા નહીં દઉં.’

આરતીના ચહેરા પર રાહતના હાવભાવ ફેલાયા. એણે હાથ લંબાવીને ખાલી ગ્લાસ દિલીપ સામે લંબાવ્યો. દિલીપે એક પેગ બનાવીને ગ્લાસ પાછો આપી દીધો.

સાંજ આથમવાની તૈયારી હતી. આકાશમાંથી ધીમે ધીમે અંધારા ઉતારતા હતા.

‘દિલીપ...’ અચાનક આરતી ઘૂંટ ભર્યા પછી દિલીપની જેમ તેને પણ એકવચનમાં સંબોધતા બોલી, ‘બોટલમાં કેટલી વ્હીસ્કી બાકી છે?’

‘કેમ, તારે શું કામ છે?’

‘એટલા માટે કે ખાલી બોટલ મારે જોઈએ છે!’ આરતી સ્મિત ફરકાવતી બોલી, ‘તને મારી માંગણી વિચિત્ર લાગશે પણ મને...ખેર જવા દે! એક મહિના પહેલા મને મારી જિંદગીની કે મારા મોતની જરા પણ પડી નહોતી.

‘અને હવે?’

‘અહીં હું એક મહિનાથી આવી છું. આ સમયમાં મારા વિષે મેં ખુબ ખુબ વિચાર કર્યા પછી હું એવા તારણ પર આવી છું કે બાવીસ વર્ષની ઉંમર નિષ્ફળતા કબુલ કરવા જેવી નથી. તેમ નિરાશ થવા જેવી પણ નથી. હકીકતમાં ખરેખર આ ઉમંર કંઈક સંઘર્ષ કરવાની હોય છે.’

‘તું કંઈ જાતની નિષ્ફળતાની વાત કરે છે આરતી?’

‘કહું છું...સંભાળ...હું અત્યાર સુધી એમ જ માનતી હતી કે હું બહુ મોટી ફિલ્મ અભિનેત્રી બની શકું તેમ છું. પણ હવે મને રહીને ભાન થયું છે કે મોટી અભિનેત્રી બની શકવાની વાત બાજુએ રહી, હું તો એક નાનકડો રોલ પણ ભજવી શકું તેમ નથી. અભિનેત્રી જેવા હાવભાવ મારા ચહેરા પર હું રજમાત્ર પણ ઉપસાવી શક્તિ નથી.’ એણે ફરી વાર ગ્લાસમાંથી ઘૂંટડો ભર્યો, ‘એટલે મેં મારી અણઆવડત કબુલી લીધી છે. અહીં લલિતપુરમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ત્યાં પણ ટેસ્ટ આપી ચુકી છું. હવે તો મારુ મન જ ઉતરી ગયું છે અને મને તેનો અફસોસ પણ નથી. તું મારી વાત સમજે છે ને?’

‘હા…!’ દિલીપે કહ્યું, ‘ફિલ્મમાં કામ કરવા માટે અભિનયશક્તિ હોય તો પણ મનગમતો રોલ હોવો ખુબ જ જરૂરી છે.’

‘તું કોઈ ફિલ્મનો ડાઈરેક્ટર છો દિલીપ?’

‘ના...હું ફિલ્મ લાઈનના કોઈ પણ વિભાગનો, કોઈ પણ જાતનો કસબી નથી.’

‘ગમે તેમ પણ લાગે છે તું કોઈક હીરો! હીરો એટલે ફિલ્મનો હીરો નહીં હો?’ તે હળવું સ્મિત ઝબકાવતી બોલી, ‘અઠંગ ઉઠાવગીરને પણ હીરો કહેવાય છે. પરોપકાર ભરેલી બહાદુરી પુરવાર કરનારને પણ હીરો કહેવાય છે. તું આ માંહેનો જ એકાદ હીરો લાગે છે નહીં તો ઉસ્માનપુરા જેવા ખતરનાક વિસ્તારમાં આવીને ફક્ત કોઈક છોકરી સાથે વાતચીત કરવા માટે જ કોઈક વહીસ્કીની બોટલ જતી કરે એ વાતમાં માલ નથી.’

***

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 7 કલાક પહેલા

Patel Vijay

Patel Vijay 4 વર્ષ પહેલા

Farid Memon

Farid Memon 2 માસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 3 માસ પહેલા

Smita Parmar

Smita Parmar 9 માસ પહેલા