ચેલેન્જ - 6 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચેલેન્જ - 6

ચેલેન્જ

કનુ ભગદેવ

પ્રકરણ - 6

વ્હીસ્કીની બોટલ...!

રાજેશ્વરીને મૃત્યુ જોઈને પહેલા તો તેનું હૃદય એકાદ-બે ધબકારા ચુકી ગયું. પણ પછી તરત જ સ્વસ્થ થઈને લાઇટર બુઝાવી, ગજવામાં મૂકીને તે અર્ધ ઉઘાડા બારણામાંથી મૃતદેહને ટાંપીને અંદરના ભાગમાં દાખલ થયો. અને ફરીથી લાઇટર પેટાવીને રાજેશ્વરીના મૃતદેહ પાસે ઉભડક પગે બેસી ગયો.

રાજેશ્વરી પડખાભેર પડી હતી.

એના મસ્તકની આજુબાજુ, જુના રંગ ખવાઈ ગયેલા ગાલીચા પર લોહીના પાટોડા ભરાયા હતા. એણે પહેરેલું ગુલાબી રંગનું બારીક ગાઉન એના ખભા પરથી નીચે સુધી ચિરાયેલું હતું. એની ડાબી આંખ બંધ હતી અને જમણી ઉઘાડી જ રહી ગયેલી આંખમાં જિંદગીની કોઈ જ ચમક બાકી નહોતી. એનો લોહીથી તરબતર થઇ ગયેલો ચહેરો માંડ માંડ ઓળખી શકાતો હતો.

જાણે કોઈક વસ્તુથી ઉપરાઉપરી જમણા લમણાંની આસપાસ ફાટક ઝીંકવામાં આવ્યા હોય તેમ દેખાતું હતું. ખૂનીએ રાજેશ્વરી મૃત્યુ પામી ત્યાં સુધી સતત આવા ફટકાઓ માર્યા હતા એ તેના દેખાવ પરથી સ્પષ્ટ થતું હતું. બીજા શબ્દોમાં ખૂનનું હથિયાર એક જ ફટકે જીવ લેનારું નહોતું અથવા તો પછી ખૂનીના હાથમાં એક જ ફટકે મોટ નિપજાવવાની તાકાત નહોતી.

એણે રાજેશ્વરીના ગળા પર હાથ મુક્યો. એમાં હજુ ગરમાવો હતો. મૃતદેહની ગરમી અને આજુબાજુમાં ફેલાયેલા લોહીની સ્થિતિ જોઈને તેને મર્યાને એકાદ કલાકથી વધારે થયો એવી ધારણા પર દિલીપ આવ્યો.

એણે ઘડિયાળમાં નજર કરી.

અગિયારને પાંચ મિનિટ થઇ હતી.

લાઇટર બુઝાવીને એણે ગજવામાં મૂક્યું. પછી અંધારામાં જ લાશને તાકી રહીને પોતાની જાત પર મનોમન ચિડાવા લાગ્યો. પોતે ચેતવણી હોવા છતાં તેના પર શા માટે ગંભીરતાપૂર્વક લક્ષ ન આપ્યું? એટલું જ નહીં, પોતે રાજેશ્વરીની સલામતી જાળવવા માટે ધાર્યું હોત તો કોઈક માણસને પોતાની ગેરહાજરીમાં જરૂર ગોઠવી શક્યો હોત. અથવા તો પોતાને પોતાના ઓરડામાંથી રાજેશ્વરીના બ્લોકમાં નજર રાખવાની જરૂર હતી. હજુ થોડા કલાક પહેલા તો પોતે ટેલિફોનમાં દીનાનાથને ખાતરી આપી હતી કે તમારી દીકરી સહી-સલામત છે.

પણ બનવાનું હતું તે બની ગયું હવે શું થાય?

છેવટે તે ઉભો થયો.

ત્યારપછીની બે-ત્રણ મિનિટમાં લાઇટરના અજવાળાની મદદથી તે આખા બ્લોકમાં વાળ્યો. પણ ક્યાંય, કશું એ શંકાસ્પદ જણાયું નહીં.

બારણાં પાસે એક ટેબલ પર એથી પ્લેટોમાં ભોજનના અવશેષ પડ્યા હતા. ભોજન ત્રણ વ્યક્તિઓએ લીધું હતું એ પ્લેટની સંખ્યા પરથી જણાઈ આવતું હતું.

પછી અચાનક તેની નજર બાલ્કનીમાં ઉઘાડનારા અધખુલ્લાં બારણાંની પાછળ ગઈ.

ત્યાં પોતાની પરિચિત લાગતી કોઈ ચીઝ પડી હોવો આભાસ થતાં તે આગળ વધ્યો. નજીક પહોંચી, એ ચીજ ઓળખતા જ તે નીચે નમ્યો.

એ વસ્તુ એણે આરતીના આગ્રહથી આપેલી પોતાની વ્હીસ્કીની ખાલી બોટલ હતી. બોટલનો નીચેનો અર્ધાથી સહેજ ઓછો ભાગ લોહીથી ખરડાયેલો હતો અને તેના પર દાસ-બાર જેટલા વાળ ચોંટેલા હતાં.

રાજેશ્વરીનું ખૂન આ બોટલથી જ થયું છે એ વાત દિલીપ તરત જ સમજી ગયો.

પછી કંઈક વિચારીને તે કિચનમાં ગયો અને ત્યાંથી એણે પ્લાસ્ટિકની એક ખાલી થેલી શોધી કાઢી.

પછી બાથરૂમમાં જઈને એક ટુવાલ લઈને એ પાછો ફર્યો. ત્યારબાર લોહીથી ખરડાયેલી બોટલને ટુવાલ વડે મોઢાના ભાગેથી પકડી, પ્લાસ્ટિકની થેલીમાં નાખીને એણે પડદામાંથી કાઢ્યા બાદ તેના વડે થેલીનું મોઢું બંદ કરી દીધું. પછી બોટલને ટુવાલમાં વીંટી દીધી અને ત્યારપછી એક પણ ક્ષણ ગુમાવ્યા વગર તે ખૂનના હથિયાર સાથે એ બાલ્કનીમાંથી પોતાની બાલ્કનીમાં કૂદીને, પોતાની રૂમમાં દાખલ થઈ ગયો.

લાઈટ બુઝાવી, ટુવાલમાં લપેટેલી બોટલ લઈને તે બહાર નીકળ્યો. રૂમને લોક્ડ કરી, સીડી ઉતરી, નીચે પહોંચ્યા બાદ ચુપચાપ તે પાછલા રસ્તેથી હોટલની બહાર નીકળી ગયો.

એ ગલીની બરાબર પાછળ આવેલી બીજી એક ગલીમાં તે જઈ પહોંચ્યો. એ ગલીના છેડે મ્યુન્સીપાલિટીએ ગોઠવેલી બહુ મોટી કચરાપેટી કચરાપેટી હતી.

એણે ટુવાલમાં લપેટેલી બોટલ કચરાપેટીમાં છુપાવી દીધી.

એ જાણતો હતો કે અન્ય શહેરોની જેમ આ શહેરની મ્યુન્સીપાલિટીનાં વહીવટી તંત્રમાં અંધેર છે. બીજાં શહેરોની જેમ અહીં પણ કચરાપેટી હંમેશા ભરેલી જ રહે છે અને તે ખાલી કરવા માટે મ્યુન્સીપાલિટી તરફથી કોઈ જ કામદારો આવતા નથી.પછી વાતો ભલે શહેરને રળિયામણું બનાવવાની કરે! એટલે હાલ તુરત બોટલ છુપાવવા માટે આ સ્થાન એકદમ યોગ્ય હતું.

એની યોજનાનું પહેલું પૂરું થયું હતું અને હવે બીજું પૂરું હતું.

તે પ્રવેશદ્વારમાં દાખલ થઈને સીડી ચડવા લાગ્યો.

અત્યારે અગિયારને બાવીસ મિનિટ થઇ હતી.

એ ત્રીજા માળ પર પહોંચ્યો.

એણે ધાર્યું હતું એ પ્રમાણે પંદર નંબરના બ્લોકનું બારણું બંધ હતું.

એણે ડોરબેલનું બટન દબાવ્યું.

રાતની ખામોશીમાં અંદરના ભાગમાં ઘંટડીનો અવાજ ગુંજતો સંભળાયો પણ બારણું ઉઘાડવાનું નથી એ તો એ જાણતો જ હતો.

થોડી વાર રાહ જોયા પછી એણે ફરીથી બટન દબાવ્યું અને કેટલીયે વાર સુધી દબાવી રાખ્યું. રાજેશ્વરી ઉર્ફે આરતીના બ્લોકમાં રાજેશ્વરીના મૃતદેહ સિવાય કોઈ જ જીવિત પ્રાણી નથી એ વાત તો તે અગાઉથી જ જાણતો હતો.

પછી અચાનક અંગુઠો ખસેડીને તે તેની બાજુના, બ્લોકના બારણાં પાસે ગયો અને એ બ્લોકનું ડોરબેલ બટન દબાવી દીધું.

થોડી જ પળોમાં બારણું ઉઘાડીને એકવાડીયા બાંધાની, ભણેલીગણેલી ચાલીસેક વર્ષની એક સ્ત્રીએ એની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. એના ચહેરા પર રોષ, ચીડ અને શંકાના મિશ્રિત હાવભાવ ફરકતા હતા.

‘કોણ છો તમે…?’ એણે કઠોર અવાજે દિલીપને પૂછ્યું, ‘શું છે..?’

‘ક સમયે તમને તકલીફ આપું છું તો માફ કરજો.’ દિલીપ શિષ્ટાચારભર્યા અવાજે બોલ્યો, ‘હું તમારી બાજુમાં રહેતી આરતીને મળવા આવ્યો છું. અત્યારે હું એને મળવા આવવાનો છું એ વાત એની સાથે થઇ ગઈ હતી અને અમારી મુલાકાત વિશે તે જાણતી પણ હતી. પરંતુ અહીં આવવામાં મને જરા મોડું થયું છે.’

‘તો હવે એમાં હું શું કરું?’ એ સ્ત્રી એનું વડકુ ભરતાં બોલી, ‘અડધી રાત્રે કોઈની ઊંઘ બગાડતા પહેલા તમારે વિચાર કરવો જોઈએ. પણ આજ્કાલ ના તમારા કેવા જુવાનિયામાં અને વડવાંદરામાં જરાયે ફર્ક નથી.’ એ સ્ત્રીએ ક્રોધથી પગ પછાડતાં કહ્યું. પછી આંખો ચૂંચી કરીને દિલીપ સામે તાકી રહી.

‘તમારી વાત તો જાણે સાવ સાચેસાચી છે માજી! તમે…’

‘માજી...?’ દિલીપે એ સ્ત્રીને માજીના સંબોધનથી બોલાવી એટલે જાણે કવીનાઈનની ગોળી ગળી ગઈ હોય એવા કડવા અવાજે તે બોલી, ‘હું તમને માજી જેવી લાગુ છું?’

‘ઓહ, સોરી...! માફ કરજો બહેન, પણ મને લાગે છે કે…’

‘ચૂપ...તમને ભલે ગમે તે લાગે! મને કંઈ જ લાગતું નથી.’

એ સ્ત્રી દિલીપને અટકાવીને વચ્ચેથી છંછેડાયેલા અવાજે ગર્જી ઉઠી, ‘તમારા જેવા જુવાનિયાઓને હું સારી રીતે ઓળખું છું. પહેલાં બહેન...બહેન કરતા દોડ્યા આવો છો અને પછી દાનત અને નજરે ય બગાડો છો. મારા જેવી બહેનના ભાઈ થનારા તમારા જેવા મેં કેટલાય જોઈ નાંખ્યા છે, મુદ્દાની વાત કરો મિસ્ટર! મારુ શું કામ છે તમારે? જેવાતેવા, સાચા-ખોટા, બહાનાઓ કાઢીને દોડ્યા આવો છો તે શરમ નથી આવતી તમને?’

‘હું ફરીથી તમારી માફી માંગુ છું મેડમ!’ દિલીપ સમજી ગયો કે આ સ્ત્રીને કોઈ આધેડ માને તે તેને હરગીઝ પસંદ નથી એટલે એ માખણ મારતા બોલ્યો, ‘મારે તમારું કંઈ જ કામ નથી મેડમ! પણ મેં કહ્યું તેમ હું આરતીને મળવા આવ્યો છું. એના બ્લોકની ઘંટડી વગાડી વગાડીને હું થાકી ગયો તેમ છતાં એણે બારણું ન ઉઘાડ્યું એટલે ન છૂટકે મેં તમારા બ્લોકની ઘંટડી વગાડી છે જે બદલ હું તમારી માફી માંગી ચુક્યો છું.’

મેડમના સંબોધનથી એ સ્ત્રીના ચહેરા પર સહેજ નરમાશ આવી છે તે દિલીપ જોઈ શક્યો.

એ સ્ત્રી થોડી પાલો ચૂપ રહીને દિલીપને તાકી રહી.

‘અત્યારે અડધી રાત્રે આરતી જોશી સાથે તમારું મુલાકાત નક્કી થઇ હતી એમ કહો છો તમે…?’ છેવટે એણે ચુપકીદી તોડતાં દિલીપને પૂછ્યું.

‘હા…’ દિલીપે કહ્યું, ‘મેં કેટલીયે વાર ડોરબેલ વગાડી પણ અંદરથી કોઈ બારણું ઉઘાડવા નથી આવ્યું.’

‘જુઓ મિસ્ટર...’ એ સ્ત્રી દિલીપ સામે જોઈને બોલી, ‘તમે વગાડેલી ઘાટડીનો અવાજ મારા બ્લોકમાં મેં પણ સાંભળ્યો હતો. કુંભકર્ણની ઊંઘ ઉડી જાય એવા અવાજે તમે ઘંટડી વગાડી હતી. જવાબમાં એણે બારણું ઉઘાડવું જોઇતું હતું પણ એમ નથી બન્યું એટલે તે તમને મળવા નહીં જ ઈચ્છતી હોય તે સ્પષ્ટ થાય છે.’

‘ના...એવું ન બને.’ દિલીપના સ્વરમાં મક્કમતા હતી, ‘આરતીએ મને સ્પષ્ટ કહ્યું હતું કે ભલે તમારે આવતા સહેજ મોડું થાય પણ હું અચૂક તમારી રાહ જોઇશ.’

‘તમારી વાત મારે ગળે નથી ઉતારતી!’ એ સ્ત્રી હવે સહેજ ગંભીર ચહેરે ને અવાજે બોલી, ‘એણે પોતાની બે બહેનપણીઓને ડીનર માટે બોલાવી હતી અને એ બંનેના ગયા પછી આરતીએ કોઈક ત્રીજી વ્યક્તિને મુલાકાત આપી હતી. એ ત્રીજી વ્યક્તિ સાથે એની મુલાકાત અગાઉથી જ નક્કી થઇ ગઈ હશે એ તો સ્પષ્ટ જ છે. જો એ તમારા કહેવા પ્રમાણે તમારા આગમનની રાહ જોતી હોય તો પછી એ બારણું શા માટે નથી ઉઘાડતી? એટલે જ કહું છું કે તમે તેની સાથે તમારી મુલાકાત અગાઉથી ગોઠવાઈ હતી, એવી જે વાત કરો છો, એ મારે ગળે નથી ઉતારતી. એ સ્ત્રી હવે શંકાશીલ નજરે દિલીપ સામે તાકી રહી હતી.

‘પોતાની બંને બહેનપણી ડીનર લીધા પછી ચાલી ગઈ અને એમના ગયા પછી આરતીએ મળવા માટે કોઈ માણસ આવ્યો હતો એમ કહેવા માંગો છો તમે?’ દિલીપે સહેજ કઠોર અવાજે પૂછ્યું. અને પછી તે એકીટશે એ સ્ત્રીની આંખો સામે તાકી રહ્યો.

‘જુઓ મિસ્ટર...’ દિલીપની આંખોનો તાપ ન જીરવાતાં તે સહેજ પાછળ ખસીને બોલી, ‘એ વિષે હું કંઈ જ નથી જાણતી. મારે શા માટે માથું મારવું પડે? જેને જેમ ફાવે તેમ કરે.’

‘મેડમ...’ દિલીપે એકદમ કઠોર અવાજે કહ્યું, ‘આરતી અહીં કોઈ સંસ્કારી યુવતીની જેમ નહોતી રહેતી એવું તમારી વાત પરથી મને લાગે છે, એટલે તમે ગોળ ગોળ વાતો કરવાને બદલે જે હોય તે સ્પષ્ટ રીતે કહી નાંખો અને ખાતરી રાખો, હું કોઈ બદમાશ કે છેલબટાઉ માણસ નથી પણ તેનો એક શુભેચ્છક છું. એક સારા પાડોશી તરીકે જે હોય તે કહેવાની તમારી ફરજ છે.’

‘જુઓ મિસ્ટર...’ એ સ્ત્રીની સહેજ રુક્ષ અવાજે બોલી, ‘હું એક ખાનદાન અને પ્રતિષ્ઠિત સ્ત્રી છું. સવારે મારા કામ પર જાઉં છું અને સાંજે પછી આવું છું. કામકાજને હિસાબે ઘણો થાક લાગે છે એટલે રાત્રે વહેલી સુઈ જાઉં છું પણ…’ વાત અધૂરી મૂકીને એણે ફરીથી દિલીપ સામે જોયું. પછી સહેજ ખંચાતા અવાજે વાત આગળ વધારી, ‘પણ અહીં ઘણા માણસો આવે છે અને પછી પાછલાં માર્ગેથી પાછા ચાલ્યા જાય છે. હું તેની પાડોશી છું એટલે આંખ આડા કાન કરી શકું તેમ નથી.’

‘હું…’ દિલીપના મોંમાંથી હુંકાર નીકળ્યો. પછી બોલ્યો, ‘એ ક્યાંક બીમાર તો નહીં પડી ગઈ હોય ને…? પ્લીઝ મારી સાથે ચાલો...!’ અને જવાબની રાહ જોયા વગર દિલીપ એ સ્ત્રીનો હાથ પકડીને આરતીના બ્લોકના પ્રવેશદ્વાર પાસે આવ્યો. પછી એણે ખુબ જોરથી બારણું ધમધમાવ્યું અને જાણે હમણાં જ તે ઉઘાડવાનું હોય એમ એ તેની સામે તાકીને ઉભો રહ્યો. બાકી અંદરખાનેથી તો તે જાણતો જ હતો કે બારણું ઉઘાડવાનું જ નથી કારણ કે અંદર કોઈ હતું જ નહીં.

‘મેડમ...’ એ બોલ્યો, ‘શું અહીંથી બીજા-ત્રીજા માળ પરથી બહાર નીકળવા માટે પાછળના ભાગમાં સીડી છે? તમે કહ્યું હતું કે આવનારાઓ પાછળ માર્ગેથી ચાલ્યા જાય છે એટલે હું તમને પૂછું છું. તમારી વાત જરા સ્પષ્ટ કરો. છેવટે તમે કહેવા શું માંગો છો?’ કહીને દિલીપે પાછળના ભાગમાં સીડી છે કે નહીં એ જાણવા માટે ચારે તરફ નજર દોડાવી પણ આવી કોઈ સીડી હોય એવું તેને લાગ્યું નહીં. તો પછી આ સ્ત્રી ‘પાછલા માર્ગેથી’ કહીને ખરેખર શું કહેવા માંગતી હશે.

‘હું શું કહેવા મંગુ છું એમ તમે પૂછો છો?’ એ સ્ત્રીએ સહેજ ચીડિભર્યા અવાજે કહ્યું, ‘તો સાંભળો મેં એક માણસને આરતીના બ્લોકની બાલ્કનીમાંથી સામે આવેલી હોટલની બાલ્કનીમાં કૂદી જતો જોયો હતો. અને હવે તમે આવ્યા છો.’

દિલીપના શરીરમાં પગથી માથા સુધી એક ઠંડુ, કારમું લખલખું વીજળીના કરંટની જેમ પસાર થઇ ગયું કારણ કે એ પોતે જ આરતીનો મૃતદેહ જોયા પછી બાલ્કનીના માર્ગેથી પહોંચ્યો હતો. જરૂર આ સ્ત્રીએ પોતાને જોયો હતો. એણે પોતાના મનમાં હાવભાવ એકદમ છુપાવી રાખ્યા અને ફરી એક વાર બારણું ધમધમાવ્યું.

‘આરતી...આરતી...’ એ ઊંચા અવાજે બોલ્યો, ‘હું છું...દિલીપ...પ્લીઝ બારણું ઉઘાડ...’

પરંતુ બારણું ઉઘાડ્યું નહીં તે ઉઘાડવાનું પણ હતું નહીં.

એના મગજમાં વિચારોની વણથંભી હારમાળા ચાલુ જ હતી.

એકસામટા અનેક પ્રશ્નો દિમાગમાં સળવળતા હતા.

દીનાનાથને ભય હતો કે પોતાની પુત્રી પર જોખમની તલવાર લટકે છે.

કબુલ...પણ છેવટે એની પુત્રી રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીનું ખૂન કોણે કર્યું?

સમગ્ર પરિસ્થિતિ અજીત તરફ જ ખૂની હોવાનો સંકેત કરતી હતી. પણ શું ખરેખર એણે જ ખૂન કર્યું હતું?

કે પછી લાંચીયો પોલીસ ઇન્સ્પેક્ટર ગુલાબરાયનો આ ખૂન પાછળ હાથ હતો? કદાચ એણે નહીં તો એના સંકેતથી કોઈક મળતિયાએ ખૂન કર્યું હોય?

જમાદાર દલપતરામ...કે પછી સુધરેલો બદમાશ વિલિયમ...?

આરતીની બાજુમાં રહેતી આધેડ સ્ત્રીએ કહ્યું હતું કે પોતે એક માણસને આરતીની બાલ્કનીમાંથી સામેની બાલ્કનીમાં કૂદીને પલાયન થતો જોયો હતો.

નક્કી એ પોતાની જ (દિલીપની) વાત કરતી હતી.

આરતીનો મૃતદેહ જોઈને પોતે પાછો ફરતો હતો ત્યારે એ સ્ત્રી જરૂર પોતાને જોઈ ગઈ હતી.

પણ...પણ...એના દિમાગમાં ‘પણ’ શબ્દની ચોટ પકડી.

રાજેશ્વરીની તસ્વીર...! એ તો ડ્રેસિંગ ટેબલ પરથી ગુમ થઇ ગઈ હતી. અને આ કામ જરૂર કોઈ બહારના માણસનું હતું...પણ એ કોણ…? ખૂની ખુન કર્યા પછી બાલ્કનીમાં થઇ, અંદર આવીને તસ્વીર ઉઠાવી ગયો હતો કે પછી આ કામ બીજા કોઈનું હતું?

એ બીજો કોણ…?

-એને એક જ નામ સુઝયું.

-ઇન્સ્પેક્ટર ગુલાબરાય...!

-નક્કી આ એનું જ કારસ્તાન છે…!

નશાકારક, માદક અને કેફી દ્રવ્યો-ચરસ હેરોઇન વિગેરેની હેરાફેરી પાછળ કોનો હાથ છે, એનો ભાંડો ફૂટી ન જાય એટલા માટે જ આરતીનું ખૂન કરી નાંખવામાં આવ્યું છે. વિલિયમ સાથે પોતે ઉસ્માનપુરામાં છુપા અડ્ડાઓની શોધમાં જતો હતો ત્યારે ગુલાબરાયના માણસોની સાંઠગાંઠ એણે વિલીયમ સાથે જોઈ જ હતી. અહીં પોતે લલિતપુરમાં એક યુવતીને શોધવા માટે આવ્યો છે એ હકીકત પણ ગુલાબરાય જાણતો જ હતો. પોતે એ યુવતી એટલે કે આરતી જોશી ઉર્ફે રાજેશ્વરી સુધી પહોંચી પણ ગયો હતો. પરંતુ કશું યે જાણવા મળે તે પહેલા જ એ બિચારીને મારી નાંખવામાં આવી.

આમ શંકાની પરિધિમાં ઇન્સ્પેક્ટર ગુલાબરાય પણ આવતો હતો.

એના ક્રોધનો પાર ન રહ્યો. આવેશને કારણે એના હાથની મુઠ્ઠીઓ સખ્તાઈથી બીડાઈ ગઈ.

તે ઇરાદાપૂર્વક જ તમને મળવાનું ટાળી રહી છે મિસ્ટર...’ અચાનક પેલી આધેડ સ્ત્રીના અવાજથી એની વિચારધારા તુટી.

‘શું કહ્યું તમે...?’ પૂછતાં પૂછતાં દિલીપે બારણાંનું હેન્ડલ સહેજ ફેરવ્યું. બારણું અંદરથી લોક્ડ નથી એ હકીકત, હેન્ડલ આસાનીથી ફરી ગયું તે પરથી સ્પષ્ટ થઇ ગઈ હતી.

‘હું એમ કહેવા માંગુ છું કે…’સ્ત્રી ફરીથી સહેજ કર્કશ અવાજે બોલી, ‘આરતી તમને મળવા નથી માંગતી એટલે જ તે બારણું નથી ઉઘાડતી. હવે તમારે ચુપચાપ પાછા ચાલ્યા જવું જોઈએ. એ શા માટે તમને અત્યારે મળવા નથી માંગતી એ તો હવે તે જ જાણે!’

‘તમારી વાત સાચી છે મેડમ! પણ એ કારણ જાણવાની મારે ખાસ જરૂર છે. અરે…’ જાણે અચાનક જ હેન્ડલ ફરી ગયું હોય એમ તેણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, ‘બારણું તો ઉઘાડું જ લાગે છે.’ કહીને એણે બારણાંને ધક્કો મારીને પૂરેપૂરું ખોલી નાંખ્યું.

એ સ્ત્રી પણ નર્યા આશ્ચર્યથી ઉઘડી ગયેલા બારણાની અંદર ફેલાયેલા અંધકારમાં નજર દોડાવવા લાગી.

‘એ ભગવાન...અહીં તો એકદમ અંધારું છે…’ દિલીપના અવાજમાં બેચેની અને સહેજ ગભરાટની કુત્રિમ છાંટ હતી, ‘એ તો મારા આવવાની રાહ જોતી હતી.’ કહીને એણે બારણાની બાજુની દીવાલ હાથ ફંફોળી. સ્વીચ શોધીને ઓન કરી.

અંદર અજવાળું ફેલાઈ ગયું.

‘અરે...આ...આ...શું…?’ એ થોથવાઈ જવાનો આબાદ અભિનય કરતાં બોલ્યો.

આધેડ સ્ત્રી તેને એક તરફ હડસેલીને આગળ ઘસી ગઈ. પછી જાણે સામે કાળો ભોરિંગ ફેણ ચડાવીને, માર્ગ રોકીને બેઠો હોય એમ સહસા એ થીજી ગઈ. ત્યારબાદ એના ગાળામાંથી ચીસ નીકળી ગઈ.

‘હે ભગવાન....આ...તો...આ...તો આરતી છે.’ એ અવાજમાં ભયની ધ્રુજારી હતી, ‘આટલા બધું લોહી? આ મરી ગઈ છે મિસ્ટર...બિચારીને કોઈકે મારી નાંખી લાગે છે…’

‘હા, તમારી વાત સાચી લાગે છે. જરૂર કોઈકે એનું ખૂન કર્યું છે. પોલીસને જાણ કરવી પડશે.’ કહેતો કહેતો તે ટેલીફોન સ્ટેન્ડ તરફ આગળ વધ્યો. રીસીવરુ ઊંચકીને એણે તરત જ ઈમરજન્સી પોલીસને ફોન કરી દીધો.

રીસીવર મૂકીને એ પાછો ફર્યો ત્યારે પેલી આધેડ સ્ત્રી સ્ટુલ પર બેઠી બેઠી કંઈક બબડતી હતી.

દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘આ ખુબ જ અફસોસની વાત છે.’ એ બોલી, ‘હું બાજુમાં રહું છું અને છતાયે મને આ બિચારીના મૃત્યુ વિષે બિલકુલ ખબર ન પડી. હવે મને એમ થાય છે કે જયારે મેં પેલા અજાણ્યા માણસને…’

‘તમે એ માણસને આ બાલ્કનીમાંથી હોટલની બાલ્કનીમાં કુદી પડતો જોયો ?’ દિલીપે તેને અટકાવીને પૂછ્યું.

‘હા, મેં એને જોયો હતો અને એ દ્રશ્ય જોયા પછી જ આરતી ચરિત્રહીન છે એવી માન્યતા પર હું આવી હતી. પણ અફસોસ...ત્યારે મને થોડી જ ખબર હતી કે એ અજાણ્યો માણસ આરતીનો કોઈ છૂપો પ્રેમી નહીં પણ એનો ખૂની હતો. જરૂર એ ખૂન કરીને નાસી જતો હતો.’

દિલીપને મનોમન ધ્રુજારી છૂટી ગઈ.

‘તમે એ માણસને ક્યારે જોયો હતો?’

‘આશરે એકાદ કલાક પહેલાં…! કલાકમાં પણ દસેક મિનીટ ઓછી હશે. અંદાઝે પોણો કલાક પહેલાં…’ એ સ્ત્રી આંખોમાં ભરાઈ આવેલાં ઝળઝળિયાં રૂમાલથી લુછતી બોલી, પછી એણે ટેબલ પર પડેલી પ્લેટ તરફ આંગળી ચીંધી, ‘મારા હાથનું ભોજન પોતે અત્યારે છેલ્લી જ વાર લે છે એની એ બિચારીને સ્વપ્ને ય કલ્પના નહીં હોય!’

‘તમારા હાથનું ભોજન…? એને માટેનું ડીનર તમે તૈયાર કર્યું હતું?’

‘હા…’ એ બોલી, ‘એને મારા હાથની બનાવેલી રસોઈ ખુબ જ ભાવતી હતી.’

‘ડીનર વિષે તમે વિગતવાર કહેશો?’ દિલીપે પૂછ્યું.

‘સાંભળો...ડીનરનો પ્રોગ્રામ આરતીએ અમસ્તો જ ગોઠવ્યો હતો. આ ડીનર પાછળ કોઈ વિશેષ પ્રસંગ કે કારણ નહોતાં. આરતીએ પોતાની બે બહેનપણીઓને ડીનર માટે આમંત્રી હતી અને એ બધું મારે જ તૈયાર કરવાનું હતું. આ માટે આરતીએ જ મને આગ્રહ કરીને કહ્યું હતું એટલે મેં ડીનર બનાવી આપવા માટે હા પાડી હતી. મારું કામ પૂરું થતા હું મારા બ્લોકમાં ચાલી ગઈ હતી. પછી જયારે મેં આરતીને, એની બહેનપણીઓને વિદાય કરતી સાંભળી, અને જયારે એ બંને ચાલી ગઈ ત્યારે ડીનર ભાવ્યું હતું કે નહીં એ પૂછવા માટે હું ફરીથી એના બ્લોકમાં ગઈ હતી. એણે ડીનરના ખુબ જ વખાણ કર્યા.અને પછી કહ્યું કે અત્યારે ખાસ મને મળવા માટે એક સદગૃહસ્ત આવવાના છે તથા હવે હું તેના આવવાની રાહ જોઉં છું. હું આ સાંભળીને મારા બ્લોકમાં પાછી ચાલી આવી અને શયનખંડમાં સુઈ ગઈ. પછી અચાનક જ કંઈક અવાજ સાંભળીને મારી આંખો ઉઘડી ગઈ. મેં તરત જ પલંગ પર બેઠા થઈને જોયું તો આ બાલ્કનીમાંથી હોટલની બાલ્કનીમાં કુદી જતો એક માણસ દેખાયો. એ જ વખતે મને થયું કે નક્કી એ માણસ ચોરીછૂપીથી આરતીને મળવા આવ્યો હતો અને હવે મુલાકાત પૂરી થઇ જતા ચુપચાપ પાછો ચોરની જેમ ચાલ્યો ગયો હતો.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Patel Vijay

Patel Vijay 4 વર્ષ પહેલા

Natvar Patel

Natvar Patel 3 માસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 3 માસ પહેલા

Ronak Patel

Ronak Patel 9 માસ પહેલા

Tejal

Tejal 1 વર્ષ પહેલા