ચેલેન્જ - 4 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચેલેન્જ - 4

ચેલેન્જ

કનુ ભગદેવ

પ્રકરણ - 4

ડિલક્સ હોટલમાં...!

ઇન્સ્પેક્ટર ગુલાબરાય આગ ઝરતી આંખો દલપતરામના નીકળી ગયા પછી બંધ થઇ ગયેલા દ્વાર પર થોડી પળો સુધી જકડાયેલી રહી.

પછી તે દિલીપ તરફ ફર્યો.

કેપ્ટન દિલીપ ગુપ્તચર વિભાગમાં છે અને પોતાનાં કરતા મોટો ઓફસર છે, એ વાત ગુલાબરાય જાણતો જ હતો, તેમ છતાં એ તેની ટુકડી હજુ સુધી નહોતી ગઈ.

‘બોલો કેપ્ટન સાહેબ...!’ એના અવાજમાં કટાક્ષ હતો, ‘અહીં શા માટે આવ્યા છો? તમે તો બલરામપુરમાં છો ને? અહીં લલિતપુરમાં કયા કારણસર આવવું પડ્યું?’

‘ભાઈ ગુલાબરાય...’ દિલીપ ઠાવકા અવાજે બોલ્યો, ‘યાર...મારા દોસ્ત! નામ પ્રમાણે તમારામાં જરાયે ગુણ નથી. વાહ…! નામ છે ગુલાબરાય...અને વાતો કડવા કારેલાં જેવી કરો છો. ભલા માણસ, કંઈક તો મેચિંગ લાગે એવું કરો તો હું નથી માનતો કે તમારા વડવાઓનો ગરાસ લૂંટાય જાય!’

‘મુદ્દાની વાત કરો કેપ્ટન...’ ગુલાબરાયનો અવાજ એકદમ કઠોર હતો.

‘એ પછી કહીશ...પણ આ હમણાં જે બે-એક મિનિટ પહેલાં તમારો જમાદાર દલપતરામ ગયો એનામાં અક્કલનો છાંટોય નથી લાગતો! મારો દીકરો વગર પૂછયે જ તમારી પાસે ઘરની ધોરાજી હાંકી ગયો! એણે તમને મારે વિષે જે કંઈ કહ્યું એમાં સમ ખાવા પૂરતો એકપણ શબ્દ સાચો નથી. મને તો ફડક કરતો તમાચો ઝીંકી દેવાનું મન થઇ આવ્યું હતું. પણ પછી થયું કે ના, એમ કરવાથી નાહક જ મારા મિત્ર શ્રી ગુલાબરાયને ખોટું લાગશે એટલે પછી તમાચો મારવાની ઝીંકી દેવાની મારી ઈચ્છાને મેં મનોમન જ દબાવી દીધી.

દિલીપ ખુબ જ મશ્કરા સ્વભાવનો છે એ વાત ગુલાબરાય જાણતો હતો. બીજું મશ્કરીની આછી-પાતળી શરૂઆત એણે પોતે જ કરી હતી એટલે હવે એણે ચૂપ રહેવામાં જ ડહાપણ માન્યું.

‘દલપતરામની વાત છોડો! તમે તમારી જ વાત કરો!’

‘સારું...તો સાંભળો.’ દિલીપ ગંભીર બની ગયો, ‘તમે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હોવાથી આ વિસ્તારમાં કેફી દ્રવ્યો, હેરોઇન વિગેરેના ધંધા કયા કયા માણસો કરે છે, એ તો જાણતા જ હશો?’

દિલીપની વાત સાંભળીને બે-એક પળ માટે તો એનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો. પણ પછી તરત જ એણે સ્વસ્થતા મેળવી લીધી. આંખો ફરીવાર ક્રોધથી લાલચોળ થઇ ગઈ.

‘જુઓ કેપ્ટન સાહેબ! બહુ ચાલાક થવાનું પરિણામ સારું નથી આવતું. ગયા વખતે તો બાજી તમારા હાથમાં આવી હતી. પણ આ વખતે તમને જરા એ તક નહીં મળે. સહીસલામત પાછા બલરામપુર પહોંચતા તમારો દમ નીકળી જશે?’

‘ઇન્સ્પેક્ટર...’ દિલીપનો અવાજ પૂર્વ્રત સ્વસ્થ હતો. પણ એ ઠંડકમાં નક્કર પથ્થર જેવી સખ્તાઈ તરવરતી હતી, ‘ઇન્સ્પેકટર, મારુ નામ કેપ્ટન દિલીપ છે અને મારો રેકોર્ડ સાક્ષી પુરે છે કે આજ સુધી તમારા જેવાં મગતરાઓની ધમકીથી કદાપિ હું ડર્યો નથી. હું જાણું છું કે લલિતપુરના આગેવાન રાજકીય નેતાઓ તમારી પીઠ પાછળ છે અને એટલે જ તમે આટલાંબધાં કુદકા મારો છો. પણ ખોટી ભ્રમણાઓમાં રાચશો નહીં. તમારા આ કહેવાતાં નેતાઓને પણ આ વખતે હું જેલના સળિયા ગણાવવાનો છું. આને તમે મારી ચેલેન્જ માનજો.’

દિલીપના ધડાકાથી ગુલાબરાય સહેજ હેબતાયો. પણ મનની, હેબતની એક આછી-પાતળી રેખા પણ એણે ચહેરા પર ન કળાવા દીધી. અલબત્ત, મનોમન એણે નક્કી કરી લીધું કે સહેજ નરમાશથી કામ લીધા વગર આ વખતે ચાલે તેમ નથી.

‘કમળો હોય એને પીળું જ દેખાય છે કેપ્ટન...!’ એ કડવા અવાજે બોલ્યો, ‘વાંધો નહીં, તમારે મારે વિષે જે માનવું હોય તે માનો પણ મારી પીઠ પાછળ કોઈ જ રાજકીય નેતાનું પીઠબળ નથી એટલું જરૂર કહીશ.’

‘તો એ તમારે માટે સારી વાત છે.’ દિલીપે કહ્યું, ‘ખેર છોડો આ વાતને! મારે તો બસ એટલું જ જાણવું છે કે આ વિસ્તારમાં ડ્રગ્સનો ધંધો કોણ કોણ કરે છે?’

‘કેમ, તમારે શું કામ પડ્યું છે એનું?’ ગુલાબરાય હવે નેતર જેવો સીધો થઇ ગયેલો દેખાતો હતો.

‘એકાદ મહિનાથી એક યુવતી આ શહેરમાં આવી છે. અગાઉ તે નશાખોર બની ગઈ હતી. બીજા શહેરો કરતાં આ શહેરમાં ચોરીછૂપીથી સરળતાપૂર્વક કેફી પદાર્થો મળે છે ને એ મેળવવામાં ખાસ તકલીફ નથી પડતી. યુવતીના બાપને ભય છે કે અહીં એ ફરીથી નશાખોર બની જશે. આ શહેરમાં આવ્યા પછી નશાની તલપ લાગી હોય તો એણે આવાં કોઈ ડ્રગ્સ વેચનારા માણસનો સંપર્ક સાધ્યો છે કે નહીં, એ હું જાણવા માંગુ છું.’

ગુલાબરાયની આંખોમાં અચરજ છવાયું.

‘કેપ્ટન...!’ છેવટે એ બોલ્યો, ‘તમારાં જેવી જ વાત આજે હું બીજી વાર સાંભળું છું.’

‘એટલે...?’ દિલીપે પૂછ્યું, ‘પહેલી વાર ક્યારે ને કોની પાસેથી સાંભળી હતી?’

‘ગઈ કાલે...!’ ગુલાબરાયે કપાળ પર આંગળીની વીંટી ટપટપાવી, ‘ગઈ કાલે એક માણસ મને મળવા આવ્યો હતો. એના કહેવા પ્રમાણે એક નશાખોર યુવતી એકાદ મહિનાથી આ શહેરમાં આવી છે અને ઉસ્માનપુરામાં ક્યાંક રહે છે. નશો કર્યા વગર રહી ન શકવાને કારણે એણે કોઈક આવા માદક પદાર્થો વેચનારાનો સંપર્ક સાધ્યો જ હશે. પોતે એ યુવતીને શોધવા માટે આ શહેરમાં આવ્યો છે એમ એણે કહ્યું હતું. આમ મોટી મુશ્કેલી એ છે કે મજકુર યુવતી અહીં નામ બદલીને રહે છે.’

‘એ યુવતીને તે શા માટે શોધે છે, એ તમે તેને નહોતું પૂછ્યું?’

‘એ યુવતી પોતાની મિસીસની ભત્રીજી છે, અને એ નાતે એની પણ ભત્રીજી થાય છે એમ એ માણસે કહ્યું હતું.’

‘એનું નામ શું હતું?’ દિલીપે ઉત્સુકતાથી પૂછ્યું.

‘એણે પોતાનું નામ કહ્યું તો હતું પરંતુ મને એ માણસ પહેલી જ નજરે જુઠ્ઠાબોલો અને લબાડ લાગ્યો હતો એટલે મેં યાદ રાખવાનો કોઈ પ્રયાસ જ નહોતો કર્યો. હું નાહક જ મગજમારી કરવા નહોતો માંગતો, એટલે મેં તેને વિદાય કરી દીધો.’

‘ગુલાબરાય...’ દિલીપે વ્યાકુળ અવાજે કહ્યું, ‘પ્લીઝ...! એનું નામ યાદ તો કરો...કદાચ યાદ આવી પણ જાય.’

ગુલાબરાયે ટેબલ પર બંને કોની ટેકવીને હાથના પંજા લમણાં પર મુક્યા અને એ સ્થિતિમાં થોડી વાર સુધી બેસી રહ્યો.

‘મનજીત...કે અજિત...કંઈક આવું જ ભળતું નામ એણે કહ્યું હતું,’ છેવટે એ દિલીપ સામે જોતા બોલ્યો, ‘મને બરાબર યાદ નથી આવતું.’

‘દેખાવે એ કેવોક હતો?’

‘દેખાવ તો ગમે તેને યાદ રહી જાય એવો હતો.’ દુલાબરાય સામાન્ય અવાજે બોલ્યો, ‘એના માથા પર કાળા વાળની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક સફેદ વાળની લત હતી. ચહેરા પર શીતળાના ચાઠાં! હોઠ પર તલવાર કટ મૂછ! કઠોર ચહેરો અને હું ન ભૂલતો હોઉં તો એના બંને હાથની પહેલી આંગળીઓમાં ચાંદીની સફેદ પ્લેઇન રિંગ કે વીંટી હતી’

દિલીપ મનોમન ચમક્યો.

દીનાનાથે પોતાની પુત્રી રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીની પાછળ પડેલા જે બદમાશનું વર્ણન કર્યું હતું, તે ગુલાબરાયે આપેલા વર્ણન સાથે આબેહૂબ મળતું આવતું હતું. આ માણસે જ રાજેશ્વરીને નશાખોર બનાવીને બરબાદીના પંથે ધકે હતી અને હવે રાજેશ્વરી એના પંજામાંથી ચૂંટવા માટે અહીં નાસી આવી હતી એટલે તે એનું ખૂન કરી નાંખતા પણ અચકાય તેમ નહોતો એવો દીનાનાથનો ભય સાચો હતો તેની હવે દિલીપને પણ ખાતરી થઇ ગઈ. એ બદમાશ માણસ રાજેશ્વરીને મારી નાખે તે પહેલા જ એને શોધી કાઢવાની જરૂર હતી.

‘વારુ, એણે પોતાની જે ઓળખ આપી, એ નાતે તે નશાખોર યુવતીના ફુવા થાય બરાબરને? એણે તમને એમ જ કહ્યું હતું ને કે યુવતી મારી મિસીસની ભત્રીજી થાય છે?’

‘હા..કેમ? પણ મને તો તે પગથી માથા સુધી ખોટાબોલો લાગતો હતો.’

‘કંઈ નહીં, અમસ્તો જ પૂછું છું.’ દિલીપ વાતને જુદો વળાંક આપતો બોલ્યો, ‘ઠીક છે...હવે એક વાત યાદ કરીને કહો! આ મનજીત...કે અજિત, એનું નામ જે હોય તે! પણ એ તમને નશાખોર લાગ્યો હતો?’

‘ના રે ના…!’ ગુલાબરાયે સિગરેટ સળગાવતા કહ્યું, ‘કેમ, તમે જે મામલાની તાપસ કરો છો, એમાં તે ક્યાંય સંકળાયેલો કે પછી તે પણ તમારી જેમ માદક પદાર્થો વેચનારાઓ કોણ છે, એ જાણવા માટે મારી પાસે આવ્યો હતો? મારો બેટો, મને ક્યાંક ઉલ્લુ સમજી, સાચીખોટી વાતો કરીને નશાકારક પદાર્થો ક્યાંથી મળે, એ જાણવા માટે તો નહોતો આવ્યો ને?’

‘રામ જાણે...!’ દિલીપ બોલ્યો, ‘હું જે માણસને ધારું છું, જો એ જ તે હોય તો બિચારી યુવતીનું હવે આવી જ બનવાનું...! વારુ, આ મનજીત...કે અજીત મને ક્યાં મળશે એ તમે કહી શકશો?’

‘પોતે ડિલક્સ હોટલમાં ઉતાર્યો છે એમ એણે મને કહ્યું હતું.’ ગુલાબરાય સિગરેટના ઠૂંઠા એસ્ટ્રેમાં પધરાવતાં બોલ્યો હોય એવું મને નથી લાગતું.’

‘ડિલક્સ હોટલ...એમ ને? અને જમશેદ...? એ ક્યાં મળશે?’

‘જમશેદ...’ ગુલાબરાય મનોમન ભડક્યો, ‘જમશેદને તમે કેવી રીતે ઓળખો છો?’

‘હું ક્યાં ઓળખું છું ભાઈ…! એનું નામ તો મને ચૌહાણ સાહેબે આપ્યું છે.’

‘આઈ સી…’ ગુલાબરાયના ભવા સંકોચાયા.

‘તમે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર છો એટલે થયું કે જમશેદ વિષે જરૂર કંઈક જાણતા હશો.’

‘હા, હા એને ઓળખું છું ખરો. પણ તે ડ્રગ્સનાં ધંધામાં હોય એમ હું નથી માનતો.’

‘ તે તો ઘણું સારું કહેવાય એને માટે...’

‘કેમ…’

‘એટલા માટે કે આ વખતે ડ્રગ્સના ધંધામાં જેટલા માણસો સંડોવાયેલા હશે એ બધાની ધરપકડ પછી હું વારાફરથી એક એકને મારી ચેમ્બરમાં બોલાવીને પૂછવાનો છું કે ભાઈ, આ ધંધામાં પડ્યા પહેલા તારા હાથ અને પગ બંને મળીને, બંનેમાં કેટલા હાડકાં છે, એ ગણ્યા હતા કે નહીં? જો કોઈએ નહીં ગણ્યા હોય તો એને એ જ વખતે હું ગણાવી દઈશ.’

‘તમે...તમે...કેપ્ટન...સાહેબ...ક્યાંક...’

‘રાઈટ...’ દિલીપના ચહેરા પર વિષાક્ત સ્મિત છવાયું હતું, ‘ચાર્જશીટ તો હું પછી મૂકાવીશ. પહેલા તો હું હાડકાના જ ફટાકડાં ફોડવાનો છું.’

‘પણ જમશેદ વિષે ખાસ કંઈ હું નથી જાણતો...’

‘જેટલું જાણતા હો એટલું કહો…’

‘જુઓ કેપ્ટન...’ અચાનક ગુલાબરાય મગજ પરથી કાબુ ગુમાવી બેઠો, ‘તમે તમારી જાતને ગમે તે માનતા હો…’ એના અવાજમાં જખ્મી થયેલા કાળા વિષધર જેવો ક્રોધિત ફૂંફાડો હતો, ‘તમે કે તમારાં બોસ નાગપાલના મિત્ર એસ.પી.ચૌહાણ સાહેબની પાથરેલી ફરેબી જાળમાં ફસાઈને હું કોઈ જ કબૂલાત નથી કરવાનો...માટે અહીંથી ચાલ્યા જાઓ અને ભવિષ્યમાં હવે આ પોલીસ સ્ટેશનથી દૂર જ રહેજો જે ઉપજાવી કાઢેલી વાતો તમે પેલી યુવતી વિષે કહી છે તેનું કોઈ અસ્તિત્વ જ નથી. માટે...’ એણે ટેબલ પર પડેલી ઘંટડીને એણે જોરથી વગાડી.

બીજી જ પળે ભૂતની જેમ જમાદાર દલપતરામ અંદર આવ્યો.

એનો ચહેરો જોઈને દિલીપને આશ્ચર્ય થયું.

થોડી વાર પહેલા એકદમ ભોટ અને ગમાર જેવો દેખાતો દલપતરામ અત્યારે એકદમ ચપળ અને બુદ્ધિશાળી લાગતો હતો. અને એની આંખો દિલીપ સામે કટાક્ષથી હસ્તી હતી.

‘આ સાહેબને બરાબર જોઈ લેજે...! ગુલાબરાયે દિલીપ તરફ આંગળી ચીંધીને દલપતરામને કહ્યું, ‘આ ગુપ્તચર વિભાગનો એક જાસૂસ છે પણ તેથી બિલકુલ ડરવાનું નથી આપણે કાયદાની મર્યાદામાં રહી ને જ આપણી ફરજ બજાવીએ છીએ પણ આ જાસૂસ આપણને કોઈક મામલામાં સંડોવી દેવા માંગે છે આને અહીંથી બહાર લઇ જા. બધાને તેના ચહેરાના દર્શન કરવા અને મારા વતી બધાને સૂચના આપી દે કે જો આ માણસ શહેરમાં જરા સરખી એ બદમાશી કરે અગર કાયદો હાથમાં લે તો તેની અક્કલ તરત જ ઠેકાણે લઇ આવવાની છે.’

દિલીપ મનોમન સમસમીને ઉભો થઇ ગયો.

‘ગુલાબરાય...’ દિલીપના અવાજમાં જાણે સળગતા અંગારા ભભુકતા હતા, ‘ગુલાબરાય...! તમારી આ વર્તણુક માટે તમારે પસ્તાવું પડશે. યાદ રાખજો. ઝેરી પદાર્થોનો ધીકતો ધંધો આ શહેરમાંથી હું બંધ કરાવીને જ રહીશ. અને એમાં જો તમારો સહેજ પણ સીધો કે આડકતરો હાથ હશે તો સૌથી પહેલા ફટાકડાં હું તમારાં હાડકાંના ફોડીશ. ગુડ નાઈટ...’

એણે પીઠ ફેરવી અને ત્યારપછી દલપતરામને ધક્કો મારીને વંટોળીયાની જેમ એ ત્યાંથી બહાર નીકળી ગયો.

એની પીઠ પાછળ ગુલાબરાય તાકી રહ્યો.

એના કપાળમાં ઊંડી કરચલીઓ પડી હતી.

‘સાહેબ...’

‘શું છે?’ ગુલાબરાય તાડૂક્યો.

‘તમે કહેતા હો તો આ નાલાયકને...’

‘શટઅપ…! તું બહાર નિકાલ...’

‘જી…’ દલપતરામ ભાવહીન ચહેરે સહેજ માથું નમાવીને પાછો બહાર નીકળી ગયો.

***

ડિલક્સ હોટલ મોટી તો નહોતી પણ હતી એકદમ આધુનિક.

દિલીપ સીધો જ રીશેપ્શન સામે પહોંચીને ઉભો રહ્યો.

‘ફરમાવો સાહેબ...!’ રીશેપ્શનીસ્ટ યુવાને દિલીપ સામે હાસ્ય કરતાં પૂછ્યું.

‘તમારી હોટલમાં મિસ્ટર મનજીત કેટલા નંબરના રૂમમાં ઉતર્યા છે?’

યુવાને એની સામે કાંટાળા ભરેલી નજર ફેંકી. પછી એ રજિસ્ટરના પાનાં ઉથલાવવા લાગ્યો.

‘માફ કરજો સાહેબ...’ એ માથું ઊંચું કરીને બોલ્યો, ‘અહીં આ નામના કોઈ સદ્ગૃહસ્થ નથી આવ્યા.’

‘ઓહ…’ દિલીપે પેંતરો બદલતા કહ્યું, ‘કમાલ છે…’ તે સ્વગત બબડ્યો, ‘મિસ્ટર અજીત તો લલિતપુરમાં આવે છે ત્યારે અહીં જ ઉતરે છે. હવે મિસ્ટર અજીત કંઈ એકલા તો નહીં જ ઉતર્યા હોય? જરૂર મિસ્ટર મનજીત કોઈક બીજી હોટલ ઉતર્યા હોવા જોઈએ.’ એણે યુવાન સામે જોયું. પછી બોલ્યો, ‘વાંધો નહીં, મને મિસ્ટર અજિતનો રૂમ નંબર જણાવશો?’

એણે ફરીથી રજીસ્ટર ઉથલાવ્યું.

‘રૂમ નંબર 29 સાહેબ...’ એણે જવાબ આપ્યો. પછી પોતાની પાછળ દીવાલ પર લટકતા કી-બોર્ડમાં નજર ફેરવીને બોલ્યા, ‘પણ તેઓ ક્યાંક બહાર ગયા લાગે છે. એમના રૂમની ચાવી અહીં બોર્ડ પર હુકમાં લટકે છે.’

‘આભાર...!’ કહીને દિલીપ ત્યાંથી આગળ વધી ગયો.

એણે આમતેમ નજર દોડાવી. હોટલની વિશાલ લોબીમાં ગ્રાહકોની આવ-જા ચાલુ હતી. તેને લોબીમાં છેડે ઉભેલા હોટલના મુખ્ય ચોકીદાર જેવા દેખાતા માણસ સામે જોયું.

એણે પહેરેલી ચોકીદારની વરદી પર હોટલના નામનો બેજ લટકતો હતો.

દિલીપને એ માણસ પોતાને ઉપયોગી લાગ્યો.

એ માનવીની આંખો, તેનાં લાલચુ હોવાની સ્પષ્ટ ચડી ખાતી હતી. એ ધીમા પગલે તેની સામે જઈને ઉભો રહ્યો. બંનેની નજર મળી. જાણે પોતે તેનો પહેલેથી જ પરિચિત હોય એવા હાવભાવ સાથે દિલીપે તેની સામે સ્મિત ફરકાવ્યું.

‘કેમ છે દોસ્ત ગંગારામ...!’ દિલીપના અવાજમાં ભરપૂર આત્મીયતાની સાથે સાથે આત્મવિશ્વાસ હતો.

’માફ કરજો સાહેબ...’ ચોકીદાર એની સામે નજર કરતો બોલ્યો, ‘તમારી કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે. મારુ નામ ગંગારામ નહીં પણ ગંગાપ્રસાદ છે.’

‘હાં...આં...આં…’ દિલીપે ફેરવી તોળતાં કહ્યું, ‘વાંધો નહીં દોસ્ત! નામથી શું ફર્ક પડે છે…! ખેર, તે મને ઓળખ્યો કે નહીં?’

ગંગારામની આંખો તેને ઓળખવા માટે તેના ચહેરાને અવલોકી રહી હતી. પણ તેને સફળતા ન મળી...અને આમેય મળવાની પણ નહોતી કારણ કે અગાઉ દિલીપ તેને ક્યારેય મળ્યો જ નહોતો એટલે ઓળખી શકવાનો કોઈ સવાલ જ નહોતો. પણ દિલીપ એટલા બધા સ્વાભાવિક અવાજે વાતો કરતો હતો એટલે તેને થયું કે અગાઉ આ પેસેન્જર જરૂર હોટલમાં ઉતરી ચુક્યો હશે તે પોતે તેને યાદ નથી રાખી શક્યો. એણે પહેલાં દિલીપના ચહેરા પર અને પછી એણે પહેરેલા મૂલ્યવાન વસ્ત્રો પર નજર દોડાવી. દિલીપનો દેખાવ શ્રીમંતાઈની ચડી ખાતો હતો એટલે તેની પાસે સારી એવી ટીપ પણ મળશે એવી આશા એને મનોમન બંધાઈ, એટલે એણે પણ ચાલુ ટ્રેનમાં જ બેસી જવાનો નિર્ણય કરી લીધો. એણે દિલીપ સામે સ્મિત ફરકાવ્યું.

‘હા...બરાબર...સાહેબ...હવે મને ચોક્કસ યાદ આવે છે. અગાઉ તમે અહીં એક વાર હોટલમાં રહી ગયા છો. વાત એમ છે સાહેબ, કે હમણાં હું વચ્ચે થોડો બીમાર હતો એટલે મારી યાદશક્તિ થોડી નબળી પડી ગઈ છે. જુઓને...તમારું નામ પણ મને યાદ નથી આવતું...’

‘મેં કહ્યુંને ગંગારામ...સોરી, ગંગાપ્રસાદ કે નામથી શું ફર્ક પડે છે? અને હા...તારી ભૂલ થાય છે. અગાઉ હું એક વાર નહીં પણ બે વખત આ હોટલમાં આવીને રહી ગયો છું. ખેર મારે તારું થોડું કામ હતું...’ દિલીપે ગજવામાંથી પચાસની એક નોટ કાઢીને આંગળી વચ્ચે લપેટતાં કહ્યું.

‘બોલો સાહેબ...! હુકમ કરો…’ એની આંખો પચાસની નોટને લોલુપતાથી તાકી રહી હતી.

‘અહીં આનંદપ્રમોદની શું વ્યવસ્થા છે?’

‘અહીં કે હોટલની બહાર...?’ ગંગાપ્રસાદે ધીમા અવાજે પૂછ્યું.

‘બહાર...મારા ભાઈ, બહાર...! હોટલમાં કોલગર્લ બોલાવવાની વ્યવસ્થા છે એ હું જાણું છું પણ એમાં મને રસ નથી. મારે તો બહારના આનંદ-પ્રમોદ માણવા છે આ શહેરના, ઉસ્માનપુરા વિસ્તારના મેં ખુબ જ વખાણ સાંભળ્યા છે. શું સાચે-સાચે જ ત્યાં બધું જ મળે છે?’

‘જરૂર સાહેબ...’ ગંગાપ્રસાદના ચહેરા પર લુચ્ચું હાસ્ય ફરક્યું, ‘પણ એ માટે સાહેબ, દરજીએ સીવેલા ગજવા મોટા, લાંબા-પહોળા અને વજનથી ઉપસેલા હોવા જોઈએ.’

‘તું એની ફિકર છોડ…દુનિયા એક અને બે નંબરનો બિઝનેસ કરે! આપણે તો ભાઈ ત્રણ નંબરનું કામકાજ રાખ્યું છે…! મારે મારા ગાજવાની ચિંતા તારે નથી કરવાની...!’

‘તો તો મારા સાહેબ, સોનામાં સુગંધ ભળે એવો ઘાટ જામી જશે. હું તમારી સાથે આ બાબતના ખાસ નિષ્ણાંત માણસને મોકલીશ. એ તમને આખું ઉસ્માનપુરા બતાવી દેશે.’

‘મારે આખું ઉસ્માનપુરા નથી જોવું પણ ત્યાંના ખાસ ખાસ સ્થળોની મુલાકાત લેવી છે. સંભાળ, હું સ્વર્ગની સહેલ કરવા માંગુ છું. ઇન્જેક્શન હશે તો પણ ચાલશે. અથવા તો પછી પોટ...ફાકી, ગોળી કે ફિક્સ જે હોય તે! કંઈ ન હોય તો છેવટે ચરસવાળી સિગરેટ પણ ચાલશે. હવે સમજ્યો?’ એણે તેની સામે જોયું, ‘અને તને કેટલાં જોઈશે?’

‘બસ આ હાથમાં છે ને એવી બીજી ચારેક હશે તો મારુ કામ હાલ પૂરતું ચાલી જશે. હવે તમારી પાસેથી વધારે શું લેવું સાહેબ? મારી પાસે એક ટાબરીયો છે. એ તમારી દરેક જરૂરિયાત પુરી કરાવી દેશે.’

દિલીપે મનોમન તેને ખાટી-મીઠી સંભળાવી. પછી ગજવામાંથી બીજી નોટો કાઢીને તેને કુલ અઢીસો રૂપિયા આપી દીધા.

‘હવે કેટલી ઢીલ છે ભાઈ?’ જાણે પોતે નશાખોર હોય અને નાશ વગર તાડફડતો હોય, બેચેન અને વ્યાકુળ હોય એવા હાવભાવ અને લથડતા અવાજે દિલીપે તેને પૂછ્યું.

‘તમે આઠ વાગ્યા પછી આવજો. તે ટાબરીયો રૂમ નંબર ઓગણત્રીસમાં ઉતરેલા એક સાહેબને પણ સ્વર્ગની સહેલ કરાવવા માટે લઇ જવાનો છે. હું માનું છું કે તમને સાથે લઇ જવામાં જરાયે વાંધો નહીં હોય!’

રૂમ નંબર ઓગણત્રીસમાં અજીત ઉતર્યો છે. એ વાત દિલીપ કાઉન્ટર પરથી જાણી ચુક્યો હતો. હવે પ્રશ્ન એટલો જ હતો કે અજીત પોતે ધારે છે, એ જ છે કે બીજો કોઈ? ઇન્સ્પેક્ટર ગુલાબરાયે પોતે કહ્યું હતું કે શીતળાનાં ચાઠાંવાળા માણસનું નામ મનજીત કે અજીત હોવાનું અને તે ડિલક્સ હોટલમાં ઉતર્યો હોવાનું જણાવ્યું હતું. ઓછામાં ઓછું એ બાબતમાં ગુલાબરાય સાચું જ બોલ્યો હતો.

ચોકીદારની વાત પરથી એટલા તારણ પર આવી શકાતું હતું કે મજકુર અજીત એ જ હોવો જોઈએ કે એ પણ સ્વર્ગની સહેલ કરવા માટે આઠ વાગ્યે જવાનો હતો. દીનાનાથની વાત સાચી હતી. જે માણસ બીજાને નશાખોર બનાવતો હોય એ પોતે પણ નશાખોર હોય જ એમાં કોઈ નવાઈ નહોતી.

આટલી સહેલાઈથી રાજેશ્વરીની પાછળ પડેલાં ખતરનાક બદમાશનો પત્તો મળી જશે એવું તો દિલીપે ધાર્યું જ નહોતું.

હજુ આઠ વાગવામાં વીસેક મિનિટ બાકી હતી.

એ હોટલની બહાર નીકળી ગયો અને ત્યાંથી થોડે દૂર આવેલાં એક રેસ્ટોરન્ટમાં પહોંચી ગયો.

વેઈટર પાસે એણે કડક કોફી મંગાવી.

સમય પૂરો થઇ જતા એ બિલ ચૂકવી, બહાર નીકળીને પાછો ડિલક્સ હોટલની લોબીમાં પહોંચી ગયો.

***