ચેલેન્જ - 9 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચેલેન્જ - 9

ચેલેન્જ

કનુ ભગદેવ

પ્રકરણ - 9

અજીત મર્ચન્ટ

‘એમાંથી એકનું નામ ઉષા છે. એ અગાઉ પણ અવાનવાર આરતી પાસે આવતી હતી. અને બીજી બહેનપણીનું નામ સરલા છે.’ હેમલતાએ જવાબ આપ્યો.

‘સહકાર આપવા માટે આભાર.’ મહેન્દ્રસિંહે કહ્યું, ‘હવે તમે જઈ શકો છો.’

હેમલતા નિરાંતનો શ્વાસ લઈને ત્યાંથી બહાર નીકળી ગઈ.

‘ઇન્સ્પેક્ટર સાહેબ…’ ગુલાબરાય મહેન્દ્રસિંહ સામે જોતા બોલ્યો, ‘તમે આરતીના ખૂનના આરોપસર હવે કેપ્ટનની ધરપકડ કરશોને?’

‘હા…’ મહેન્દ્રસિંહે જવાબ આપ્યો. પછી તે દિલીપ તરફ ફર્યો, ‘મિસ્ટર દિલીપ, આરતી જોશીના ખૂનના શંકાસ્પદ આરોપી તરીકે હું તમારી ધરપકડ કરું છું.’

‘તમારો ખુબ ખુબ આભાર ઇન્સ્પેક્ટર સાહેબ…’ જાણે કોઈક મોટો જંગ જીતી લાવ્યો હોય એવા હાવભાવ ગુલાબરાયના ચહેરા પર છવાઈ ગયા, ‘હવે હું ઘેર જઈને નિરાંતે સુઈ શકીશ.’ કહીને તે બહાર નીકળી ગયો.

દિલીપ મનોમન સમસમીને રહી ગયો.

‘ચાલો મિસ્ટર દિલીપ…’ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે તેની સામે જોતા કહ્યું. પછી એણે દલપતરામને પોતાની સાથે આવવાનો સંકેત કર્યો.

દિલીપ, મહેન્દ્રસિંહ સાથે આરતીના ફલેટમાંથી બહાર નીકળ્યો.પછી બંને જણા નીચે જવા માટે સીડીના પગથીયા ઉતરવા લાગ્યો.

મહેન્દ્રસિંહે પોતાને હથકડી નહોતી પહેરાવી એ જોઇને દિલીપને થોડી રાહત થઇ હતી.

એ ત્રણેય માયા ભૂવનમાંથી બહાર નીકળ્યા ત્યારે બે-ત્રણ માણસો આરતીના મૃતદેહને એમ્બ્યુલન્સ તરફ લઇ જતા હતા.

માયાભુવન તથા તેની આજુબાજુમાં રહેતા લોકોની ભીડ ત્યાં એકઠી થઇ ગઈ હતી. બે પોલીસો એ લોકોને એમ્બ્યુલન્સ પાસે જતા અટકાવતાં હતા.

એ જ વખતે એક ટેક્સી આવીને એમ્બ્યુલન્સની પાછળ ઉભી રહી ગઈ. પછી તેમાંથી શાનદાર સુટ પહેરેલો એક માણસ ઉતરીને ડ્રાઈવરને ભાડું ચુકવવા લાગ્યો. એની ઉંચાઈ આશરે છ ફૂટ હતી. એનો બાંધો પડછંદ હતો. એના માથાના કાળા વાળમાં ક્યાંક ક્યાંક સફેદ વાળની લટ હતી. ગોળ, કરડા ચહેરા પર શીતળાના ચાઠાં હતા. એના બંને હાથની પહેલી આંગળીઓમાં ચાંદીની વીંટી ચમકતી હતી.

દિલીપ તરત જ તેને ઓળખી ગયો.

એ અજીત હતો.

દિલીપ ચમકીને ઉભો રહી ગયો.

‘એક મિનીટ ઉભા રહો ઇન્સ્પેક્ટર સાહેબ…!’ એ મહેન્દ્રસિંહનું બાવડું પકડીને ધીમેથી બોલ્યો.

મહેન્દ્રસિંહે ઉભા રહીને પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘આ માણસ…’ દિલીપે ટેક્સી પાસે ભાડું ચુકવતા એ તરફ સંકેત કરતા કહ્યું, ‘અહીં શા માટે આવ્યો છે એની તમે તપાસ કરાવો.’

મહેન્દ્રસિંહ થોડી પળો માટે ખમચાયો. પણ પછી દિલીપને એકદમ ગંભીર તથા તેના અવાજમાં રહેલા સાવચેતીના સૂરને પારખીને એણે દલપતરામને સંકેત કર્યો.

દલપતરામ લાંબા લાંબા પગલા ભરતો આગળ વધ્યો.

અજીત પીઠ ફેરવીને ઝડપથી માયા ભુવનના પ્રવેશદ્વાર તરફ આગળ અધ્યો કે તરત જ દલપતરામ તેની પાસે પહોંચીને ઉભો રહી ગયો.

‘ઉભા રહો સાહેબ…’ એણે અજીત સામે જોતા પૂછ્યું, ‘શું તમે આ બિલ્ડીંગમાં જ રહો છો?’

‘ના…’ નએણે ટૂંકમાં જવાબ આપ્યો. પછી જાણે હમણાં જ ત્યાં એકથી થયેલી ભીડ, એમ્બ્યુલન્સ અને સ્ટ્રેચર પર લઇ જવાતા મૃતદેહ પર નજર પડી હોય એવા હાવભાવ તેનાં ચહેરા પર છવાયા. ત્યારબાદ એણે નર્વસ અવાજે પૂછ્યું, ‘શું કોઈ અકસ્માત થયો છે?’

‘ના, ખૂન થઇ ગયું છે.’ દલપતરામે જવાબ આપ્યો.

‘ખૂન…? કોનું ખૂન?’

‘એક યુવતીનું…’ કહીને દલપતરામે પૂછ્યું, ‘તમે અહીં કોઈને મળવા આવ્યા છો?’

‘હા..

અજીતે જવાબ આપ્યો પછી ચમકીને એણે પૂછ્યું, ‘તમે હમણાં કોઈક યુવતીનું ખૂન થઇ ગયું છે એમ જ કહ્યું હતું ખરું ને?’

‘હા…’ દલપતરામે હકારમાં માથું હલાવ્યું.

અજીતે ઊંડો શ્વાસ લીધો, કંઈક કહેવા માટે એણે મોં ઉઘાડ્યું પણ પછી પોતાનો વિચાર માંડી વાળ્યો, ‘ ત્યારબાદ માથું ધુણાવીને પાછલ ખસતા બોલ્યો, કંઈ વાંધો નહીં આમે ય મારે કોઈ ખાસ કામ નહોતું. પછી ક્યારેક મળી લઈશ. કહીને પોતે જે ટેક્સીમાં આવ્યો હતો એ હજુ ઉભી છે કે નહીં એ જાણવા માટે એણે પીઠ ફેરી.

ટેક્સી હજુ ત્યાં જ ઉભી હતી.

‘મિસ્ટર અજીત…’ દિલીપે તેની તરફ આગળ વધતા ઊંચા અવાજે કહ્યું.

અજીતે પીઠ ફેરવીને તેની સામે જોયું.

‘તમે ય યાર કમાલના માણસ છો! દિલીપના અવાજમાં ફરિયાદનો સુર હતો, ‘મને પોલીસની ચુંગાલમાં ફસાયેલો જોઇને તમે નાસી ગયા હતા.’

અજીતે આશ્ચર્યથી તેની સામે જોયું.

‘ત..તમે…?’ એ થોથલાતા અવાજે બોલ્યો, ‘તમે એ જ માણસ છો…’

‘મારું નામ કેપ્ટન દિલીપ છે.’ દિલીપે કહ્યું. પછી એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર મુકતા માણસને ઉદેશીને એ ઊંચા અવે બોલ્યો, ‘ઉભા રહો...મિસ્ટર અજીતને પણ મૃતદેહના દર્શન કરાવી દો.’

ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ પણ દિલીપની બાજુમાં આવીને ઉભો રહી ગયો હતો. એના ચહેરા પર મૂંઝવણના હાવભાવ છવાયેલા હતા. પરંતુ એણે તેમની વચ્ચે માથું માથું મારવાનનો પ્રયાસ કર્યો નહીં.

અજીત વિમૂઢની જેમ એકીટશે દિલીપ સામે તાકી રહ્યો હતો. પછી સ્ટ્રેચર ઊંચકીને પોતાની તરફ આવતા માણસોને કોઈને તે એકદમ ચમકી ગયો.

‘તમે શા માટે મૃતદેહ દેખાડવા માંગો છો મને સમજાતું નથી.’

‘એ તો તમને મૃતદેહ જોયા પછી તરત જ સમજાઈ જશે.’ દિલીપે અર્થસૂચક સ્મિત ફરકાવતા કહ્યું. પછી એણે અજીતનું બાવડું પકડ્યું. એના બાવળામાં રહેલી ધ્રુજારી દિલીપ સ્પષ્ટ રીતે અનુભવી શક્યો. ત્યારબાદ અજીતની ઈચ્છા ન હોવા છતાં પણ એણે તેનું મો સ્ટ્રેચર તરફ ફેરવ્યું.

સ્ટ્રેચર પાસે ઉભેલા દલપતરામે મૃતદેહના ચહેરા પરથી ચાદર ખસેડી લીધી.

સ્ટ્રીટ લાઈટના અજવાળામાં મૃતદેહનો લોહીથી ખરડાયેલો ચહેરો સ્પષ્ટ રીતે દેખાતો હતો.

અજીતે ચહેરા પર ઉડતી નજર ફેકી પછી સહેજ ધ્રુજીને એણે પોતાનું મોં બીજી તરફ ફેરવી લીધું.

‘હે ઈશ્વર...આ...આ રાજેશ્વરી હોઈ શકે જ નહીં…’ તે ધીમેથી બબડ્યો.

‘હજુ સરખી રીતે જોઈ લો મિસ્ટર અજીત!’ દિલીપ કહ્યું.

અજીતે ફરીથી ગરદન ફેરવીને મૃતદેહ પર નજર દોડાવી.

‘આ...આ રાજેશ્વરી છે …!’ એ બોલ્યો, ‘મારી વાત સાચી છે ને?’

‘ઇન્સ્પેક્ટર મહેન્દ્રસુંહ…’ દિલીપે મહેન્દ્રસિંહ સામે છૂપો નેત્રસંકેત કરતાં કહ્યું, ‘તમને થોડી પૂછપરછ કરવા માંગે છે.’

‘આ મૃતદેહ રાજેશ્વરીનો છે એ હજુ પણ મને માનવામાં આવતું નથી.’ અજીત મૂંઝવણભર્યા અવાજે બોલ્યો, ‘એણે આજે રાત્રે તો ફોન કરીને મને બોલાવ્યો હતો. એણે મારા પર લખાવેલો સંદેશો પણ કદાચ હજુ મારા ગજવામાં પડ્યો હશે.’ કહીને તે પોતાના ગજવા તપાસવા લાગ્યો.

મૃતદેહને ફરીથી ઢાંકીને એમ્બ્યુલન્સમાં મૂકી દેવાયો.

અત્યાર સુધી ચૂપ ઉભેલા ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે દીલીપનો નેત્રસંકેત પારખીને શંકાભરી નજરે અજીત સામે જોયું.

‘મિસ્ટર અજીત, તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે.’ એ બોલ્યો.

‘ક...કેમ? શા માટે? એવું તો મેં શું કરી નાંખ્યું છે કે મારે પોલીસ સ્ટેશને આવવું પડશે?’

‘તમારા આ બધા સવાલોના જવાબ તમને ત્યાં પહોંચ્યા પછી મળી જશે.’ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે કઠોર અવાજે કહ્યું. પછી દલપતરામ સામે જોઇને હજુ સુધી ઉભેલી ટેક્સી તરફ સંકેત કરીને એ બોલ્યો, ‘દલપતરામ, તું આ સાહેબને તેઓ જે ટેક્સીમાં આવ્યા હતા એ ટેક્સીમાં જ લઇ આવજે. અને મિસ્ટર દિલીપ…’ એ દિલીપ તરફ ફર્યો, ‘તમે મારી સાથે ચાલો.’

‘ચાલો…’ દિલીપે જવાબ આપ્યો.

‘મિસ્ટર દિલીપ…’ મહેન્દ્રસિંહે દિલીપ સામે જોતા કહ્યું, ‘હવે તમે શરુ થઇ જાઓ.’

‘એટલે…? તમે કહેવા શું માંગો છો ઇન્સ્પેક્ટર?’ દિલીપે અજાણ બનતાં પૂછ્યું.

‘હું જે કહેવા માંગુ છું તે તમે બરાબર સમજો છો મિસ્ટર દિલીપ!’ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે રુક્ષ અવાજે જવાબ આપ્યો, ‘હું તમને નથી ઓળખતો એવું તમે માનશો નહીં. હું અવારનવાર અખબારોમાં તમારા સાહસો વિષે વાંચું છું. અને એ કારણસર જ મેં તમને હથકડી નથી પહેરાવી. પરંતુ તેનો અર્થ એવો નથી થતો હું તમારી સહે, મારી ફરજ પૂરી કરવામાં કોઈ કચાશ રાખીશ.’

‘તમારી આ સ્પષ્ટ વાત મને ખુબ જ ગમી છે ઇન્સ્પેક્ટર!’ દિલીપ બોલ્યો, ‘પરંતુ તમે ગુલાબરાય જેવા ભ્રષ્ટ અને લાલચુ ઓફિસરની દખલગીરી કઈ રીતે સહન કરી લીધી એ મને સમજાતું નથી’.

‘આ બધું નોકરશાહીની મહેરબાની છે મિસ્ટર દિલીપ!’ મહેન્દ્રસિંહે ભાવહીન અવે કહ્યું, ‘ગુલાબરાય ખુબ જ લાગવગવાળો માણસ છે. એની પીઠ પાછળ અમુક રાજકીય નેતાઓનો હાથ છે એટલે બધાને સહન કરવું પડે છે. બીજાના કામમાં માથું મારવાની તેને ટેવ છે. ખેર, એ વાતને હવે પડતી મુકીને આ મરનાર યુવતીનું શું મામલો છે એ કહો?’

‘સાંભળો…’ દિલીપ બોલ્યો, ‘મરનાર યુવતીનું નામ રાજેશ્વરી હતું. આરતી જોશી, એ તેનું ખોટું નામ હતું અને અજીત, હું જે માણસને શોધતો હતો, અને જેને વિષે મને ચેતવણી આપવામાં આવી હતી, એ જ માણસ છે. મેં જે કંઈ કહ્યું છે તે સાચું જ છે. હું નાહક જ મારા એક મિત્રને કારણે આ બખેડામાં ફસાઈ ગયો છું. મારો એ મિત્ર રાજેશ્વરીના બાપનો મીત્ર છે. એક દિવસ તે પોતાના મિત્રને એટલે કે રાજેશ્વરીના બાપને લઈને મારી પાસે આવ્યો. એનું નામ દીનાનાથ છે. દીનાનાથે મને રાજેશ્વરીની સંભાળ રાખવાનું કામ સોંપ્યું. રાજેશ્વરીને જે માણસ તરફથી જોખમ હતું તેનું વર્ણન દીનાનાથે મને જણાવ્યું હતું અને આ વર્ણન અજીતને આબેહુબ મળતું આવે છે. એ નશાકારક પદાર્થોનું વેચાણ કરે છે. એણે રાજેશ્વરીને નશાની ગુલામ બનાવી દીધી હતી. પછી રાજેશ્વરી પોતે જ તેનો સંગ છોડીને નશો કરવાનું છોડી દીધું હતું. પરંતુ પછી ફરીથી તે ગમે તે રીતે નશાના રવાડે ચડી ગઈ હતી અને ઘેરથી નાસીને અહીં આવી પહોંચી. દીનાનાથને જયારે આ વાતની ખબર પડી ત્યારે તે એકદમ ગભરાઈ ગયો. ત્યારે રાજેશ્વરી ફરીથી નશાના રવાડે ચડી ગઈ છે એ વાત તે કદાચ નહોતો જાણતો.’ કહીને દિલીપ પળભર માટે અટક્યો.

થોડી પળો બાદ તેણે એક સિગરેટ સળગાવીને પોતાની વાત આગળ ચલાવી.

‘અજીત ફરીથી રાજેશ્વરીને શોધીને તેને નશાના રવાડે ચડાવી દેશે અથવા તો પછી આપઘાત કરવા માટે લાચાર કરી મુકશે એવો દીનાનાથને ભય હતો. અને દીનાનાથ્હનો ભય છેવે સાચો પડયો. અજીત અહીં પહોંચી ગયો હતો. એણે કાલે ઇન્સ્પેક્ટરગુલાબરાયનો સંપર્ક સાધીને ઉસ્માનપુરામાં જો કોઈ છોકરીને માદક પદાર્થો જોઈતા હોય તો તે ક્યાંથી મેળવી શકે તેમ છે એવી પૂછપરછ કરી. પછી એ ગમે તે રીતે રાજેશ્વરી ક્યાં રહે છે એ જાણવામાં સફળ થઇ ગયો હતો.’

ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ થોડી પળો સુધી ચુપચાપ કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો. એના ચહેરા પર મુંઝવણનો હાવભાવ છવાયેલા હતા.

‘અજીતે ગુલાબરાયનો સંપર્ક સાધ્યો હતો એની તમને કઈ રીતે ખબર પડી?’ છેવટે એણે પૂછ્યું.

‘ગુલાબરાયે પોતે જ મને જણાવ્યું હતું. હું પણ તેને પૂછવા ગયો હતો કે ઉસ્માનપુરામાં માદક પદાર્થો વેંચતા માણસો સુધી કઈ રીતે પહોંચી શકાય તેમ છે. એણે પૂછપરછ કરીને, રાજેશ્વરીને કોણ માદક પદાર્થો પહોંચાડતું હતું અને જો અજીત જ હો તો હું તેના સુધી પહોંચવા માંગતો હતો, પરંતુ ડી.એસ.પી ચૌહાણે મને મોકલ્યો છે એ જાણ્યા પછી ગુલાબરાયે ગભરાઈને મને ત્યાંથી કાઢી મુક્યો.’

‘અજીત અહીં લલિતપુર છે એ વાત રાજેશ્વરીનો બાપ જાણતો હતો?’

‘એ જાણતો હોય એવું મને નથી લાગતું પણ એણે પોતાની દીકરીની પાછલ અજીત અહીં પહોંચી શકે તેમ છે એવો ભય તેને જરૂર લાગતો હતો. જોકે આ બાબતમાં એણે ખુલાસાથી મને નહોતું કહ્યું પણ અજીતને કારણે પોતાની દીકરી પર કોઈક મોટી મુશ્કેલી આવી પડશે એવો ભય તેને લાગતો હતો.’

‘કમાલ છે…’ મહેન્દ્રસિંહ રુક્ષ અવાજે બોલ્યો, ‘અજીત આવો ખતરનાક માણસ હોય એવું તો મને તેના દેખાવ પરથી નથી લાગતું.’

‘માત્ર દેખાવ પરથી જ કોઈની હકીકત નથી જાણી શકાતી ઇન્સ્પેક્ટર…!’ દિલીપે બેચેનીથી સીટ પર પાસું બદલાવતા કહ્યું, ‘ચહેરાઓ જ માણસને છેતરે છે. એકદમ ભલા ભોળા અને માસુમ ચહેરાઓ ધરાવતા માણસો જ ઘણીવાર ગુનેગાર નીકળે છે.’

‘રાજેશ્વરીનું ખુન અજીતે કર્યું છે એમ તમે માનો છો?’ અચાનક મહેન્દ્રસિંહે પૂછ્યું.

‘કોઈકે તો કર્યું જ છે ને!’ દિલીપે ગોળ-ગોળ જવાબ આપતાં કહ્યું, ‘અલબત્ત, અજીત પોતાની દીકરી સાથે કંઈક અજુગતું કરી બેસશે એવો ભય જરૂર દીનાનાથને લાગતો હતો. દીનાનાથના કહેવા મુજબ એક વખત અજીતે, રાજેશ્વરીને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.’

‘ઓહ…’ મહેન્દ્રસિંહ ઊંડો શ્વાસ લઈને બોલ્યો, ‘આ તો ખુબ જ નાટકીય મામલ છે.’

‘એ તો દરેક ખૂનકેસમાં હોય જ છે ઇન્સ્પેક્ટર સાહેબ! હવે એ કયા અને કયા રૂપમાં હોય છે એ વાત અલગ છે.’ દિલીપે કહ્યું.

‘એ તો હું જાણું જ છું.’ મહેન્દ્રસિંહ બોલ્યો, ‘પણ એક વાતની તમને ખબર નહીં હોય!’

‘કઈ વાત?’ દિલીપે પ્રર્શ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું.

‘તમે જે વાતો જણાવી છે તે ઉતાવળથી જ કાલ્પિક રીતે ઉપજાવી કાઢેલી હોય એવું લાગે છે. તમે મારું ધ્યાન તમારા પરથી ખસેડીને બીજા તરફ દોરવા માંગતા હો એવું મને લાગે છે.’

‘એવું તમને કઈ રીતે લાગે છે?’

‘સીધી વાત છે.’ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે જવાબ આપ્યો, ‘ગુલાબરાયે આ કેસ સાથે તમારો સંબંધ દર્શાવતા જે તથ્યો શોધી કાઢ્યા છે તેનો તમારી વાતો સાથે ક્યાંય તાલમેલ નથી બેસતો.’

‘તો રાજેશ્વરીનું ખૂન મેં કર્યું છે એમ તમે માનો છો?’ દિલીપે સ્મિત ફરકાવતા પૂછ્યું.

‘સવાલ મારા માનવા ન માનવાનો નથી.’

‘તો પછી?’

‘સવાલ એ છે કે તથ્યો શું કહે છે? પુરાવાઓ શું કહે છે?’

દિલીપ ચુપ રહ્યો.

જીપ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પહોંચીને ઉભી રહી ગઈ.

બંને નીચે ઉતર્યા.

મહેન્દ્રસિંહ પોતાની ઓફીસ્તરફ આગળ વધ્યો.

દિલીપ તેની પાછળ જ હતો.

એ જ વખતે ટેક્સી ત્યાં આવી પહોંચી.

મહેન્દ્રસિંહની ઓફિસમાં દાખલ થતા પહેલાં દિલીપે પીઠ ફેરવીને જોયું તો દલપતરામની સાથે લાંબા લાંબા ડગલા ભરતો અજીત તેને દેખાયો.

‘બેસો મિસ્ટર દિલીપ…!’ ઓફીમમાં દાખલ થયા પછી મહેન્દ્રસિંહ ટેબલ પાછળ પોતાની ખુરશી પર બેસતા બોલ્યો.

દિલીપ ટેબલની બાજુમાં પડેલી ખુરશીઓમાંથી એક પર બેસી ગયો.

એ જ વખતે પગ પછાડતો અજીત, દલપતરામ સાથે અંદર આવ્યો. એના ચહેરા પર ક્રોધ અને ગભરાટના મિશ્રિત હાવભાવ છવાયેલા હતા. એને હાંફ ચડી ગઈ હતી અને કપાળ પરથી પરસેવાની ધાર નીતરતી હતી. તે ટેબલ પાસે પહોંચીને ઉભો રહ્યો. પછી પોતાની એક હાથની હથેળી ટેબલ પર ગોઠવી સહેજ નમ્યો.

દલપતરામ ટેબલથી થોડે દુર સાવચેતીથી ઉભો હતો.

‘ઇન્સ્પેક્ટર…’ અજીત હાંફતા અવાજે બોલ્યો, ‘મને અહીં ગુનેગારની જેમ શા માટે લાવવામાં આવ્યો છે?’

‘ધીરજ રાખો…’ મહેન્દ્રસિંહ શાંત અવાજે કહ્યું, ‘બેસો હું તમને થોડી પૂછપરછ કરવા માંગુ છું.’

અજીત એક ખુરશી પર બેસી ગયો. પછી તે થોડી પળો સુધી આંખો બંધ કરીને હાંફતો રહ્યો. ત્યારબાદ એણે આંખો ઉઘાડી. એના ચહેરા પર મૂંઝવણ અને પરેશાનીના હાવભાવ છવાયેલા હતા.

‘માફ કરજો સાહેબ...મને માનસિક આઘાત લાગ્યો છે.’ તે ધીમા અવાજે બોલ્યો, ‘શરૂઆતમાં તો મારી મતિ જ મૂંઝાઈ ગઈ હતી. જો એ યુવતી રાજેશ્વરી જ હતી…’ કહીને તે અચાનક ચુપ થઇ ગયો.

‘હતી એટલે…? તમે કહેવા શું માંગો છો?’ મહેન્દ્રસિંહે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું, ‘તમે એને ઓળખી નહોતી?’

‘વાત એમ છે કે મેં ધ્યાનથી તેનું નિરિક્ષણ નહોતું કર્યું.’ આંખો પટપટાવીને, હોઠ પર જીભ ફેરવતાં તે નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, ‘એ..એ…’ તે એકદમ ધ્રુજી ઉઠ્યો. ખુરશીના બંને હાથા પર તેના હાથની પકડ મજબુત બની ગઈ, ‘તમે..તમે મારી હાલતનું અનુમાન કરી શકો છો ઇન્સ્પેક્ટર…! હું સાન કરી શક્યો નહીં…!’

‘પોતાનાં શિકારની લાશ જોઇને આવા કેસમાં મોટા ભાગના માણસોની હાલત આવી જ થઇજાય છે મિસ્ટર અજીત!’ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહનો અવાજ કઠોર હતો.

અજીતના ચહેરાનો રંગ ઉડી ગયો.

‘તો...તમે એમ માનો છો…’ તે થોથવાઈને બોલ્યો, ‘મેં...હું એમ કહેવા માંગુ છુ કે તમે મને..ઓહ..ના..’

‘કેમ શા માટે ન માની શકું?’ મહેન્દ્રસિંહે પૂર્વવત અવાજે પૂછ્યું.

અજીતના ચહેરા પર ભય અને ગભરાટના હાવભાવ છવાઈ ગયા. તે પગથી માથા સુદ્ધિ ધ્રુજી ઉઠ્યો.

‘પરંતુ...પરંતુ હું તો ત્યાં રએશ્વારીને મળવા માટે ગયો હતો એના પરથી સ્પષ્ટ થાય છે કે એના ખૂનમાં મારો હાથ નથી. જો મેં એનું ખૂન કર્યું હોય, એ મરી ગઈ છે તે હું જાણતો હોઉં તો પછી હું તેને મળવા માટે જાઉં ખરો?’

‘જરૂર જાઓ…’ મહેન્દ્રસિંહે કહ્યું, ‘ઘણાં ખૂનીઓ એવા હોય છે કે જેઓને પાછા જઈને પોતે કરેલા પરાક્રમની શું અસર થાય છે તે જોવાની ઈચ્છા હોય છે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ, કામ પૂરી કરતી વખતે ઉત્તેજિત અવસ્થામાં જો પોતે કોઈ પુરાવો મુકતો ગયો હોય તો એને શોધીને નાશ કરવાનું હોય છે. બનવાજોગ છે કે તમે પણ આવા વિચારથી જ ત્યાં ગયા હો.’

દિલીપ મનોમન હસી પડ્યો.

ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ ખરેખર કુશળ અને અનુભવી ઓફિસર હતો. કયા માણસ સાથે ક્યારે કેવો વ્યવહાર કરવો જોઈએ એની તેને ખબર હતી.

અત્યારી તે કઠોર પોલીસ ઓફિસર જ દેખાતો હતો.

અજીતે બેચેનીથી ખુરશી પર પાસું બદલ્યું.

ઇન્સ્પેક્ટર સાહેબ..’ તે રડમસ અવાજે બોલ્યો, ‘અત્યારે મારું દિમાગ ઠેકાણે નથી. મારે તમને કંઈ રીતે સમજાવવું એ અને કંઈ સૂઝતું નથી.’

‘એ હું તમને સમજાવું છું મિસ્ટર અજીત…!’ કહીઈને મહેન્દ્રસિંહે ટેબલ પર પડેલું એક કોરું પેડ તથા બોલપેન પોતાની નજીક સરકાવ્યા.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Patel Vijay

Patel Vijay 4 વર્ષ પહેલા

Hina Thakkar

Hina Thakkar 3 માસ પહેલા

Sandhya

Sandhya 6 માસ પહેલા

Ronak Patel

Ronak Patel 9 માસ પહેલા

Disha

Disha 10 માસ પહેલા